(ગતાંકથી આગળ)

નૈતિકપૂર્ણની સિદ્ધિ માટેના ઉપાયો

આપણે અગાઉના સંપાદકીયમાં જોઈ ગયા કે ઉચ્ચ આદર્શવાદિતા હોવા છતાં સ્વામી વિવેકાનંદ કેવળ નીતિશાસ્ત્રના જ ત વજ્ઞ કે નીતિનાં જ ઉપદેશક ન હતા. તેઓ તો સમગ્ર માનવજાતના નૈતિક અને આધ્યાત્મિક કલ્યાણ સાથે સંબંધ ધરાવતી પરમોચ્ચ પદ્ધતિના પુરસ્કર્તા હતા. એટલા માટે તેમને હંમેશાં એવું લાગ્યા કરતું:

નિરપવાદપણે બધાં જ નીતિશાસ્ત્રોમાં એક મોટી ખામી એ છે કે મનુષ્ય જેના વડે પાપ કરતાં અટકે તેવા ઉપાયો વિશે શીખવવામાં આવતું નથી. બધાં નીતિશાસ્ત્રો એમ શીખવે છે કે ‘ચોરી કરશો નહિ!’ ઘણી સારી વાત છે. પરંતુ માણસ ચોરી કરે છે. શા માટે? કારણ કે ચોરી, લૂંટફાટ અને બીજાં બધાં ખોટાં કર્મો સામાન્યપણે સાહજિક થઈ ગયાં છે. રીઢા લૂંટારા, ચોર, મિથ્યાવાદી, અન્યાયી, સ્ત્રી કે પુરુષ, પોતાની ઇચ્છા ન હોવા છતાં તેવાં હોય છે. (૭.૭૬)

આ સમસ્યાને વિગતવાર વર્ણવ્યા પછી સ્વામીજી ચાર યોગોના રૂપમાં, પોતાના ધાર્મિક અનુશાસનના માળખામાં રહીને સુચારુ નૈતિક ચારિત્ર્ય કેળવવાના વ્યવહારુ ઉપાયો દર્શાવે છે. આ ચાર યોગોમાંનો પ્રત્યેક યોગ એવી સુવ્યવસ્થિત રીતે યોજાયેલો છે કે જે બૌદ્ધિક પ્રાણીનું નૈતિક માનવમાં રૂપાંતર કરી શકે અને ત્યાર પછી એનામાં દિવ્યતા બહાર લાવી શકે. આપણે હવે સ્વામીજીના મતાનુસાર નૈતિક પૂર્ણતાની પદ્ધતિની પાછળ રહેલા સિદ્ધાંતોનું ટૂંકમાં પુનરાવલોકન કરીએ. બૌદ્ધિક માનવોને સ્વામીજી આગ્રહપૂર્વક શીખ આપે છે:

તમારી પોતાની જાતને, સહુ કોઈને, પોતાના સત્ય સ્વરૂપનો ઉપદેશ આપો; સૂઈ રહેલા આત્માને જગાડો અને જુઓ કે એ કેવો જાગી ઊઠે છે. જ્યારે આ સુષુપ્ત આત્મા જાગીને સ્વમાનપૂર્વક ક્રિયાશીલ થઈ જશે ત્યારે શક્તિ આવશે, કીર્તિ આવશે, ભલાઈ આવશે, પવિત્રતા આવશે, અને જે કંઈ ઉત્તમ છે તે બધી બાબતો આવી મળશે. (૪.૭૮)

વળી તેઓ આગળ ભારપૂર્વક કહે છે:

એકમાત્ર આવશ્યક વસ્તુ છે શક્તિ… ભણેલાઓ તરફથી અભણ ઉપર ગુજારાતા અત્યાચાર સામેનું એક ઔષધ છે શક્તિ; એક પ્રકારના પાપીઓ તરફથી બીજા પ્રકારના પાપીઓ પર ગુજારાતા અત્યાચાર સામે પેલા પાપીઓ પાસે જે ઔષધ હોવું જોઈએ તે છે શક્તિ; ને આ અદ્વૈતના વિચાર સિવાય બીજું કોઈ જ આવી શક્તિ આપતું નથી. (૭.૨૦૪-૦૫)

સ્વામીજીને જ્યારે એમ પૂછવામાં આવ્યું કે આ વેદાંતનું ત વજ્ઞાન શું વ્યવહારુ છે ખરું? ત્યારે તેઓ દૃઢતાપૂર્વક જવાબ આપે છે:

એ બની શકે તેમ છે; અને એ એક જ વસ્તુ આ દુનિયામાં આચરવા યોગ્ય છે. અમે કહીએ છીએ કે તમારામાંનો દરેકેદરેક જન્મથી જ વેદાંતી છે. તમારા જીવનની દરેક ક્ષણે તમે દરેક વસ્તુ સાથેની તમારી એકતાની ઘોષણા કરી રહ્યા છો. જે જે વખતે તમારું હૃદય વિશ્વ તરફ જઈ રહ્યું હોય છે તે તે વખતે તમે સાચા વેદાંતી બનો છો, માત્ર તમે તે જાણતા નથી. તમે નીતિમાન છો, છતાં તેનું કારણ તમે જાણતા નથી; વેદાંત જ એક માત્ર એવી ફિલસૂફી છે કે જેણે પૃથક્કરણ કરીને સમજપૂર્વક નીતિમાન થતાં શીખવ્યું છે. (૯.૧૮૧-૮૨)

જ્ઞાનયોગ

એકતાના આ વેદાંતી ઉપદેશની આગળ ધર્મ અને દુનિયાદારીની જિંદગી વચ્ચેના કાલ્પનિક ભેદો ભૂંસાઈ જાય છે. આ આદર્શ તો જીવનનાં બધાં જ ક્ષેત્રોને આવરી લેતો હોવો જોઈએ અને આપણા બધા જ વિચારોમાં પરોવાઈ જવો જોઈએ. અને આપણાં બધાં જ કાર્યોમાં એની અભિવ્યક્તિ થવી જોઈએ. વેદાંત આગ્રહપૂર્વક કહે છે કે આપણા દરેક વિચારમાં અને કાર્યમાં વસ્તુની વિધાયક બાજુ ઉપર જ ભાર મુકાવો જોઈએ. દરેકને એ શીખવે છે કે કોઈએ કેવળ કોઈની સત્તા કે શુચિતા ઉપર જ શ્રદ્ધા ન રાખવી જોઈએ. પણ કોઈની નબળાઈ તરફ અત્યંત સહાનુભૂતિ રાખવી જોઈએ. કારણ કે બધા મનુષ્યો એક જ લક્ષ્ય તરફ જઈ રહ્યા છે.

સ્વામીજી દર્શાવે છે કે જ્ઞાનીએ સૌ પહેલાં તો એ કરવાનું છે કે એ કોઈ ખરાબી કે પાપ ઉપર ધ્યાન ન આપે. કોઈ એક યા બીજાને પાપી કહેવો અને પાપીપણાના વિચારનો પનારો એ બધી વસ્તુઓને કેવળ ધૂળધાણી જ કરી મૂકે છે. ભૂલોમાંથી તો પાર ઊતરવું જોઈએ. ભૂલો દૂર કરવી જોઈએ એને માટે ખાલી દિલગીરી વ્યક્ત કરવાથી કશું ન વળે! મનુષ્યોને એવું સમજાવવું જોઈએ કે તેમના અજ્ઞાન માટે તેઓ પોતે જ જવાબદાર છે.

એટલા જ માટે સ્વામીજી કહે છે કે આપણી આંખો ઉપર પાટા બાંધનાર આપણે પોતે જ છીએ અને પછી રોવા બેસીએ છીએ કે બધે અંધારું છે. જેટલે અંશે આપણે પોતાના હાથે પાટા દૂર કરીશું એટલે અંશે અજવાળું થશે. કારણ કે મનુષ્યનો આત્મા તો સ્વયં પ્રકાશિત છે. વ્યવહારુ વેદાંત ઉપરના પોતાના પ્રવચનમાં સ્વામીજી કહે છે કે વેદાંતના આ પરમસત્યોને વ્યવહારુ બનાવવાં જોઈએ, સરળ બનાવવાં જોઈએ; (કારણ કે પરમોચ્ચ સત્યો તો સદાયે સરલ જ હોય છે). કે જેથી તે માનવસમાજનાં દરેકેદરેક છિદ્રાણુને ભેદી શકે. અને ઉચ્ચતમ બૌદ્ધિક મનુષ્યથી માંડીને સામાન્યમાં સામાન્ય મનુષ્ય-પુરુષો, સ્ત્રીઓ અને બાળકોનાં મનની એકીસાથે એક સમયે જ વિરાસત બની શકે. તેઓ દરેકને પોતાની ભીતર રહેલી દિવ્યતાને પ્રગટ કરવાનું આ નીચેના પ્રેરણાદાયી શબ્દોમાં આહ્‌વાન આપે છે :

તમારું ચારિત્ર્ય ઘડો; તમારો પ્રકાશસ્વરૂપ જ્યોતિર્મય, સદા પવિત્ર, સાચો સ્વભાવ પ્રગટ કરો, અને જેને જુઓ તેનામાં તે જગાવો. હું તો ઇચ્છું કે આપણે દરેકેદરેક એવી સ્થિતિએ પહોંચીએ કે દુષ્ટમાં દુષ્ટ માનવીઓમાં પણ તેની અંદર રહેલા સત્ય આત્માને જોઈ શકીએ, તથા તેમનો તિરસ્કાર કરવાને બદલે કહીએ કે ‘ઓ જ્યોતિર્મય આત્મન્‌! ઊઠ, તું સદા પવિત્ર છો; તું જન્મરહિત અને મૃત્યુરહિત છો, સર્વશક્તિમાન છો; તારું સાચું સ્વરૂપ પ્રગટ કર. આ નાનાં નજીવાં સ્વરૂપો તને શોભતાં નથી.’ અદ્વૈતવાદ શીખવે છે તે ઉચ્ચમાં ઉચ્ચ પ્રાર્થના આ છે. (૭.૩૩૭-૩૮)

કર્મયોગ

પોતાના ‘કર્મયોગ’માં સ્વામીજી કહે છે કે જો મનુષ્ય સારા વિચારો કરે અને સત્કાર્યો કરે, તો આ બધાંના સંસ્કારોનો સરવાળો સારો થશે; અને તેઓ …. એને સારાં કામ કરવાનું દબાણ કરશે. એ પોતે.. તો પણ .. જો આવી વાત હોય, તો મનુષ્યનું સચ્ચારિત્ર્ય સ્થાપિત થયેલું જાણવું.  પણ એ બધું અમલી કેમ બનાવી શકાય? એનો જવાબ સ્વામીજી આપે છે :

શુભ વિચારના આવા સતત પરાવર્તથી મનની સપાટી પર તરવરતી શુભ અસરોના આવા સતત પરાવર્તથી, શુભ કરવાની વૃત્તિ પ્રબળ બને છે અને પરિણામે ઈંદ્રિયોને અંકુશમાં રાખવાનું શક્ય બને છે. આ રીતે જ ચારિત્ર્ય ઘડાય છે, અને ત્યારે જ માનવ સત્યને પામે છે. આવો માણસ હંમેશાં સલામત છે, એ કશું અશુભ કરી જ ન શકે. તમે ગમે તેવી સોબતમાં એને મૂકો, કશો ભય નથી. આ શુભ વૃત્તિથીયે વિશેષ ઊંચી એક ભૂમિકા છે; તે ભૂમિકા મુક્તિ મેળવવાની અભિલાષા વિશેની છે. (૩.૪૪)

ભક્તિયોગ

આ ચારિત્ર્યનિર્માણ, વ્યવહારુ નૈતિકતાનું ક્ષેત્ર છે. અને આ સચ્ચારિત્ર્યની પણ પેલીપાર ઉચ્ચતમ અવસ્થાએ પહોંચવું એ મોક્ષ છે. એ જ સાચા ધર્મનું ક્ષેત્ર છે.

જ્યાં સુધી ભક્તિયોગને લાગેવળગે છે ત્યાં સુધી સ્વામીજી સ્પષ્ટ રીતે સકામ ભક્તિ અને નિષ્કામ-સાચી ભક્તિ વચ્ચે ભેદ પાડે છે. તેમનો અભિપ્રાય એવો છે કે કામનાની પૂર્તિ માટે આ ભક્તિનો ઉપયોગ ન જ કરવો જોઈએ. કારણ કે ભક્તિ પોતે જ બધી સાંસારિક કામનાઓ ઉપરની લગામ સ્વરૂપની છે. સ્વામીજી વળી કહે છે:

ભક્તિનો મહાન ગુણ એ છે કે તે મનને શુદ્ધ કરે છે; અને પરમેશ્વર પ્રત્યેની દૃઢ ભક્તિ જ મનને શુદ્ધ કરવા માટે પૂરતી છે. (૪.૨૨૦)

ખરી રીતે, ઈશ્વરભક્તિ દ્વારા નૈતિક પૂર્ણતાને કાર્યાન્વિત કરવાની સ્વામીજીની આ પદ્ધતિ, માનવની ભાવનાઓના ઊર્ધ્વીકરણ પર આધારિત, ખૂબ પાયાની મનોવૈજ્ઞાનિક સૂઝ છે. સ્વામીજી એને નીચેના શબ્દોમાં ખૂબ સુંદર રીતે સમજાવે છે:

પ્રકૃતિમાં આપણે સર્વત્ર પ્રેમ દેખીએ છીએ. સમાજમાં જે કંઈ શુભ, ભવ્ય અને ઉચ્ચ છે તે આ પ્રેમનું પરિણામ છે; સમાજમાં જે અત્યંત અશુભ છે, બલ્કે પૈશાચિક છે તે પણ પ્રેમની જ ભાવનાનું, પરંતુ વિકૃત પરિણામ છે. પતિ અને પત્ની વચ્ચેના શુદ્ધ દાંપત્ય પ્રેમની, તેમજ હલકામાં હલકા પાશવી વાસનાનાં સ્વરૂપોને જે પ્રકારનો પ્રેમ સંતોષે છે તેની જનક આ એક જ ઊર્મિ છે. ઊર્મિ એક જ છે, પરંતુ ભિન્ન ભિન્ન અવસ્થામાં તેની અભિવ્યક્તિ ભિન્ન ભિન્ન રીતે થાય છે. પ્રેમની આ એક જ ઊર્મિ શુભ સ્વરૂપે મનુષ્યને પોતાનું સર્વસ્વ ગરીબોને આપવા અને તેમનું ભલું કરવા પ્રેરે છે, જ્યારે અશુભ સ્વરૂપે અન્ય મનુષ્યોને પોતાનાં જ બંધુઓનાં ગળાં કાપવા અને તેમનું સર્વસ્વ લૂંટી લેવા પ્રેરે છે. પ્રથમ શ્રેણીનો મનુષ્ય જેટલો અન્યને ચાહે છે તેટલો જ બીજી શ્રેણીનો મનુષ્ય પોતાની જાતને ચાહે છે… ભક્તિયોગ ઉચ્ચકોટિના પ્રેમનું વિજ્ઞાન છે. પ્રેમને ધ્યેય તરફ કેવી રીતે વાળવો તે ભક્તિયોગ આપણને બતાવે છે; તેને કેવી રીતે કાબૂમાં રાખવો, તેનું કેવી રીતે નિયંત્રણ કરવું, તેનો કેવી રીતે સદુપયોગ કરવો, એક નવા ધ્યેય તરફ તેને કેવી રીતે વાળવો તથા  તેમાંથી, જાણે કે સર્વોચ્ચ અને સૌથી ભવ્ય પરિણામ શી રીતે મેળવવાં, અર્થાત્‌ ઉચ્ચ આધ્યાત્મિક આનંદ તરફ આપણને લઈ જવામાં તેનો કેવી રીતે ઉપયોગ કરવો એ બધું ભક્તિયોગ શીખવે છે. ભક્તિયોગ એમ કહેતો નથી કે ‘છોડી દો’; તે કેવળ એટલું જ કહે છે કે ‘ચાહો; પણ ઊંચામાં ઊંચી વસ્તુને ચાહો.’ અને જેનું પ્રેમપાત્ર સર્વોચ્ચ હોય છે તેની નજરમાંથી સ્વાભાવિકપણે જ પ્રત્યેક હલકી વસ્તુ સરી પડે છે. (૫.૪૧)

રાજયોગ

સજ્જન અને નીતિમાન થવામાં આવતી મુશ્કેલીઓ સ્વામીજી જાણે છે:

આપણી સામે પડેલું કાર્ય વિશાળ છે; સૌથી પહેલાં તો આપણી અંદર રહેલા અને અજ્ઞાત મનમાં પડેલા અસંખ્ય વિચારો કે જે આપણને સ્વાભાવિક થઈ ગયા છે, તેના પર કાબૂ મેળવવાનો છે. એ વાત સાચી છે કે દુષ્ટ કાર્ય જ્ઞાત પ્રદેશમાં છે; પણ જે કારણે એ ઉત્પન્ન થયું તે તો જ્ઞાત ભૂમિકાથી ઘણું અદૃષ્ટ અને અજ્ઞાત પ્રદેશની અંદર રહેલું હતું, અને તેથી તે વધારે શક્તિવાળું હતું. (૭.૭૭)

સાચા-નરસાનું આ જોર અજાણપણે એની મેળે જ મનના ઊછળતા તરંગોમાં (ચિત્તવૃત્તિઓમાં) ઉત્પન્ન થયા કરે છે. એટલે માણસ સામે કસોટી છે કે-

આમ આપણે જોઈશું કે આ કાર્ય બેવડું છે, એક છે ઇડા અને પિંગલા, કે જે પ્રચલિત સામાન્ય નાડીપ્રવાહો છે, તેમને યોગ્ય કાર્ય કરતા કરવાનું છે, અને એમ કરીને અજ્ઞાત મનનાં કાર્યો પર કાબૂ મેળવવાનું છે; બીજું છે, એનાથી પર અતિચેતન અવસ્થામાં પહોંચવાનું. (૭.૭૮)

એ તો દેખીતું છે કે અર્ધચેતન પરનો સંયમ, નૈતિકતાના ક્ષેત્રમાં આવે છે અને એનાથી ઉપરની પૂર્ણ ચેતનાની પણ પેલીપારની અતિચેતનની અવસ્થા જ આધ્યાત્મિકતા કહેવાય છે. ધ્યાન દ્વારા એ કાબૂ મેળવવો એ જ શ્રેષ્ઠ સંયમ છે.

આ તરંગોને ઊઠતા અટકાવવામાં ધ્યાન એ એક ઘણું મોટું સાધન છે. ધ્યાન દ્વારા મન વડે આ તરંગોને તમે દબાવી શકો, અને જો તમે દિવસો પર દિવસો, મહિના પર મહિના અને વરસો પર વરસો સુધી ધ્યાનનો એટલો અભ્યાસ કર્યે જાઓ કે ધ્યાનની ટેવ પડી જાય, તમારા પ્રયત્ન વિના પણ ધ્યાનની અવસ્થા ચાલુ રહે, તો ક્રોધ અને ધિક્કારની વૃત્તિઓ તમારા કાબૂમાં આવીને દબાશે. (૩.૧૯૯)

નૈતિક પૂર્ણતા માટેના આ ચાર રાજમાર્ગો છે – વિશ્વની સભ્યતા અને નૈતિક વિચારણાને સ્વામીજીની આ મોટી દેણગી છે.

સમાજ અને નીતિમય વર્તન

વૈવિધ્યભર્યા અને પરિવર્તનશીલ જગતમાં બે પરિબળો સતત કાર્યશીલ રહે છે એમ સ્વામીજી દર્શાવે છે. એક પરિબળ સમાનતા તરફ અને બીજું વિભેદકતા તરફ (ખેંચવાનું) કાર્ય કરે છે. સંપૂર્ણ સામ્ય તો ઇચ્છવા જોગ નથી. કારણ કે એ તો ભૌતિક અને સામાજિક જીવનમાં સાવ સ્થગિતતા જ લાવી મૂકશે. વિભિન્નતા તો જીવનની નિશાની છે. અને અભિવ્યક્તિની સમાનતાનો અર્થ તો મૃત્યુ જ થાય! માનવસમાજમાં વિભિન્નતા તો માનસિક અને આધ્યાત્મિક વિકાસના જુદા જુદા સ્તરવાળા માનવોની ગર્ભિત સંભાવ્ય શક્તિની અભિવ્યક્તિ રૂપ છે. આ અભિવ્યક્તિનું પરિણામ એ છે કે કેટલેક સ્થળે સત્તા અને સાધનસંપત્તિનો જથ્થો ખડકાઈ જાય છે, તો વળી કેટલેક સ્થળે એની ઊણપ ઉત્પન્ન થાય છે. અને એ અસમાનતાને ઉત્પન્ન કરે છે.

આપણા હિંદુ ધર્મશાસ્ત્રના ચિંતકોએ બુદ્ધિ કે સત્તા વગેરેની અભિવ્યક્તિ સંબંધી ક્ષમતાઓની આવી અસમાનતાને કોઈ ખરાબી ગણી નથી. પણ ઊલટું એને એક કાર્યક્ષમ સામાજિક વ્યવસ્થાના આવશ્યક લક્ષણ તરીકે સ્વીકારી છે. પહેલાં આપણે ચર્ચા કરી ગયા એ પ્રમાણે વિવિધ સ્વભાવ અને ક્ષમતાવાળા લોકોની જરૂરિયાતોને પહોંચી વળવા, વર્ણવાળી નૈતિક પદ્ધતિ સમાજને પૂરી પાડવા માટે, વર્ષોના અનુભવને અંતે આપણા હિંદુ ઋષિમુનિઓએ એક આશ્ચર્યજનક સમાજ વ્યવસ્થા ઊભી કરેલી આપણે જોઈએ છીએ. આ વર્ણવ્યવસ્થા, સ્વામીજીના મતે જાતિ ઉપર એટલા માટે આધારિત હતી કે કોઈ પણ સમાજને ટકી રહેવા માટે એની આવશ્યકતા છે. આવી વ્યવસ્થાની સ્થાપનાની આવશ્યકતા ઉપર ભાર મૂકતાં, એના સાચા સ્વરૂપનો – ખાસ કરીને ભારતમાં – ખ્યાલ આપતાં સ્વામીજી કહે છે:

આપણો સમાજ ખરાબ નહિ પણ સારો છે; માત્ર મારે તેને વધારે સારો બનાવવો છે… હવે જ્ઞાતિપ્રથાનો કિસ્સો લઈએ. સંસ્કૃતમાં જાતિ એ સર્જનનો પ્રથમ વિચાર છે… જ્યાં સુધી કોઈ જાતિ સશક્ત અને ચંચળ હોય, ત્યાં સુધી તેણે વિવિધતાને જરૂર બહાર લાવવી જ પડે. જ્યારે તે આવી વિવિધતા ઉત્પન્ન કરતી અટકે અગર તેને અટકાવવામાં આવે, ત્યારે તે મૃત્યુ પામે. જાતિનો મૂળ વિચાર પોતાનો સ્વભાવ, પોતાની પ્રકૃતિ, પોતાના વર્ણને પ્રગટ કરવા માટે વ્યક્તિની સ્વતંત્રતાનો હતો; અને હજારો વર્ષો સુધી તેમજ ચાલુ રહ્યો… તો પછી ભારતના પતનનું કારણ શું હતું? જાતિની આ ભાવનાનો ત્યાગ. ગીતા કહે છે તેમ વર્ણના નાશથી જગતનો નાશ થશે… આધુનિક વર્ણ તે ખરી જાતિ નથી; એ તો તેની પ્રગતિની અવરોધક છે. તેણે તો ખરી રીતે જાતિનું, વર્ણનું અગર વિશિષ્ટતાનું સ્વતંત્ર કાર્ય અટકાવ્યું છે. કોઈ પણ પ્રકારની રૂઢ બનેલી પ્રથા કે હક્ક કે વારસાગત વર્ગીકરણ ખરેખર જાતિને પોતાનો પૂર્ણ અધિકાર પ્રાપ્ત કરતાં રોકે છે. અને જ્યારે કોઈ પણ પ્રજા આ વિવિધતાની ઉત્પત્તિને રોકે, ત્યારે તેનો નાશ થવો જોઈએ… તમે જાતિને રોકી અને દાબી દીધી માટે ભારતનું પતન થયું. જડ અને રૂઢિચુસ્ત બની ગયેલો ખાસ હક્ક ધરાવતો દરેક વર્ગ, જાતિ ઉપર એક ભાર રૂપે છે; તે આ જાતિ છે. જાતિ ભલે પોતાનું કાર્ય કરે. જાતિના માર્ગ વચ્ચેની દરેક અડચણો તોડી પાડો તો આપણે ઉન્નત બનશું… આ વિવિધતાનો અર્થ અસમાનતા નથી કે કોઈ ખાસ અધિકાર પણ નથી. (૫.૨૯૫-૯૬)

આમ છતાં સ્વામીજીનો વર્ણવ્યવસ્થા વિષય આદર્શ ઊર્ધ્વગામી ખ્યાલવાળો હતો:

એનો હેતુ છે સમસ્ત માનવસમાજને સહાનુભૂતિપૂર્વક અને ધીરે ધીરે ઊંચે લઈ જઈને, પેલા અહિંસક, શાંત, સ્થિર, પ્રભુપરાયણ, પવિત્ર અને ધ્યાનપરાયણ આધ્યાત્મિક માનવના મહાન આદર્શે પહોંચાડવાનો. (૪.૮૨)

તદુપરાંત સ્વામીજીના મતે જાતિઓનો આ ભેદ, જેમ આજે સામાન્ય જનસમાજમાં ખોટી રીતે સમજાય છે અને આચરાય છે તેવો ચુસ્ત જાતિગત કે વંશાનુગત ભેદ ન હતો.

તેઓ આ પ્રમાણે સમજાવે છે:

જેવી રીતે સત્ત્વ, રજસ્‌ અને તમસ્‌ પૈકીનો એક બીજોગુણ ઓછાવધતા પ્રમાણમાં દરેક માણસમાં રહેલો હોય છે, તેવી રીતે માણસને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર બનાવનારા ગુણો તેનામાં ઓછેવધતે અંશે સ્વભાવગત જ હોય છે. પરંતુ ક્યારેક એમાંનો એક કે બીજો ગુણ માણસમાં જુદી જુદી માત્રામાં પ્રબળ બને છે, અને તે પ્રમાણે તે પ્રગટ થાય છે. ઉદાહરણરૂપે માણસને જુદી જુદી પ્રવૃત્તિમાં રોકાયેલો હોય ત્યારે જુઓ. જ્યારે તે પગાર સારુ બીજાની નોકરી કરે છે ત્યારે તે શૂદ્રત્વમાં છે; જ્યારે તે પોતાને માટે નફો મેળવવા સારુ કંઈક વેપારધંધામાં મશગૂલ હોય છે ત્યારે તે વૈશ્ય છે; જ્યારે અન્યાયનો સામનો કરવા માટે તે લડાઈ કરે છે ત્યારે તેનામાં ક્ષત્રિયના ગુણો પ્રગટ થાય છે; અને જ્યારે તે ઈશ્વરનું ધ્યાન કરે છે અથવા ઈશ્વર વિશે વાતચીત કરવામાં પોતાનો સમય ગાળે છે, ત્યારે તે બ્રાહ્મણ છે. સાહજિક રીતે જ એક વર્ણમાંથી બીજા વર્ણમાં જવું એ માણસને માટે સાવ સંભવિત છે. (૧૧.૧૯૦)

સ્વામીજી પોતાની તીક્ષ્ણ ઐતિહાસિક દૃષ્ટિથી એ હકીકત દર્શાવવાનું ચૂકતા નથી કે આ વર્ણવ્યવસ્થાના વિચાર સાથે વિશેષાધિકારનો વિચાર પણ આવે છે અને એ તો અનિષ્ટ જ છે! જેઓ વધારે શક્તિશાળી અને બુદ્ધિશાળી છે, તેમને વધુમાં વધુ અધિકારો અને જીવનની સારી સુખસુવિધાઓ આપવાનું, તેમજ જેઓ નબળા અને ઓછી ક્ષમતાવાળા હોય તેમને ઓછામાં ઓછા અધિકારો અને સુખસગવડો આપવાનું સામાન્ય વલણ બધા સમાજોમાં જોવા મળે છે.

સ્વામીજી ચાર પ્રકારના વિશેષાધિકારોની વાત કરે છે:

પાશવી વિશેષાધિકારનો વિચાર, બળવાનનો નિર્બળ ઉપરનો વિશેષાધિકાર. સંપત્તિનો પણ વિશેષાધિકાર હોય છે… બુદ્ધિનો વિશેષાધિકાર તેનાથી વધારે સૂક્ષ્મ અને બળવાન હોય છે… પણ છેલ્લો અને સહુથી ખરાબ અને ત્રાસજનક વિશેષાધિકાર તો છે ધર્મનો… કોઈ પણ માણસ વેદાંતી ગણાવાની સાથોસાથ અન્ય ઉપર કોઈના માનસિક, શારીરિક કે ધાર્મિક વિશેષાધિકારનો દાવો સ્વીકારી ન શકે. (૫.૭૪)

આ રીતે સ્વામીજી દ્વારા પ્રતિપાદિત વેદાંતી નીતિશાસ્ત્ર, જુદી જુદી જાતિઓને જુદા જુદા વિશેષાધિકારો આપવાના વલણ સામે પ્રતિદ્વન્દ્વિતાનો જ હેતુ રાખે છે. આપણે પહેલા દર્શાવ્યું, એ પ્રમાણે અનંતતત્ત્વ આત્મા તો એક જ છે અને પ્રગટ થયેલા આ વિશ્વની વિવિધતા તો ફક્ત એક એવું બાકોરું જ છે કે જેના દ્વારા પેલી વિશ્વચેતનાની શક્તિ અને ગૌરવ અભિવ્યક્તિ પામે છે. એક જ વિશ્વચેતનાની અભિવ્યક્તિ તો મનુષ્યની ક્ષમતાના પાયા ઉપર જ નિર્ભર છે. એટલે કોઈ મનુષ્ય એ (ક્ષમતા)થી વધારે અભિવ્યક્તિનો દાવો કરે એ વ્યાજબી નથી. એટલે આપણને સ્વામીજીનું નીતિશાસ્ત્ર વધારેમાં વધારે વિકાસશીલ અને ક્ષમતાના વૈવિધ્યવાળું જોવા મળે છે. પણ એની સાથોસાથ તેઓ વિશેષાધિકારોની સમાન વહેંચણી ઉપર પણ ભાર મૂકે છે.

સ્વામીજી કહે છે:

એટલા માટે સાવ સમાન સંજોગો મેળવવાનું નીતિધર્મનું લક્ષ્ય હોય તો તે અશક્ય લાગે છે… માનવો ભિન્ન સ્વરૂપે જ જન્મવાના; અમુકમાં બીજા કરતાં વધારે શક્તિ હોવાની; અમુકમાં સ્વાભાવિક સામર્થ્ય હોવાનું જ કે જે બીજામાં નહિ; અમુકને સર્વાંગ સંપૂર્ણ દેહ હોવાનો જે બીજાને નહિ હોય. આપણે એ વિષમતા કદી અટકાવી શકીએ એમ નથી… પણ જે પ્રાપ્ત થઈ શકે તેવું છે તે છે આ વિશેષાધિકારની નાબૂદી. ખરી રીતે સમગ્ર જગત સમક્ષ આ જ કાર્ય રહેલું છે. દરેક જાતિમાં અને દરેક દેશમાં એ એક સંઘર્ષ બધાં સામાજિક જીવનમાં હંમેશાં ચાલી રહ્યો છે. માનવીનો એક સમૂહ બીજા સમૂહ કરતાં વિશેષ બુદ્ધિશાળી છે એ મુશ્કેલી નથી; પરંતુ ખરી મુશ્કેલી એ છે કે આ સમૂહ તેમની પાસે બુદ્ધિનો લાભ હોવાથી ઓછી બુદ્ધિવાળાઓને મળતો સ્થૂળ આનંદ પણ ખૂંચવી લે છે… બીજાના ઉપર સરસાઈ ભોગવવી એ વિશેષાધિકાર છે, અને યુગોથી આ વિશેષાધિકારનો ધ્વંસ કરવો એ નીતિનું ધ્યેય રહ્યું છે. સાથોસાથ વિવિધતાનો ધ્વંસ કર્યા વગર સમાનતા પ્રતિ લઈ જનારું, એકતા પ્રતિ લઈ જનારું; પણ આ જ કાર્ય છે. (૫.૮૩-૮૪)

ઉપસંહાર

અંતમાં તારણરૂપે આપણે ટૂંકામાં સ્વામી વિવેકાનંદની નીતિવિષયક અનન્ય વિચારણાના મુખ્ય મુદ્દાઓ ગણાવીશું. અને વિશ્વના નીતિ સિદ્ધાંતોમાં એમણે આપેલા વિશિષ્ટ યોગદાન વિશે કહીશું.

આપણે અગાઉના સંપાદકીયમાં ચર્ચા કરી ગયા એ પ્રમાણે, સ્વામીજીના આગમન પહેલા નીતિશાસ્ત્ર સામાન્ય રીતે બે વિભાગમાં વહેંચવામાં આવતું. પહેલો વિભાગ ધર્મ કે રહસ્યવાદ પર નિર્ભર રહેતો અને બીજો વિભાગ ધર્મવિમુખ હતો. સ્વામીજીએ ધર્મવિહોણી કે ધર્મના પાયા વિનાની કે અધ્યાત્મરહિત નીતિશાસ્ત્રની પદ્ધતિઓની મર્યાદાઓ એકદમ સ્પષ્ટ રીતે દર્શાવવાનો પ્રારંભ કર્યો. મનુષ્યના નૈતિક જીવનના પાયામાં જ પોતાના સાચા સ્વરૂપની અને ત્યાગની ભાવના પડેલી હોવાને કારણે માનવની ભીતરની મુક્તિની અને અનંતતાની ઝંખના વગરનું ખાલી નૈતિક જીવન તો અપૂર્ણ જ રહેવાનું! એનાં કારણો આવાં છે: (૧) સર્વોત્તમ સારાપણા સિવાયના બધાં જ જીવન્મૂલ્યો સાપેક્ષ અને સારા-નરસાના મિશ્રણવાળાં જ હોય છે. (૨) બધા જ નૈતિક સદ્‌ગુણો સાંયોગિક કે પરાવલંબી આદર્શો હોય છે. દાખલા તરીકે કરુણાને પોતાના અસ્તિત્વ માટે દુ:ખની જરૂર રહે છે; ન્યાય અથવા ક્ષમા ખરાબ કાર્ય સિવાય હસ્તી ધરાવી શકે નહિ. (૩) આપણા અનુભવમાં આવતું વિશ્વ, પરસ્પર વિરોધી દ્વન્દ્વોથી ભરેલું છે. એમાં પરસ્પરનાં વિરોધીતત્ત્વો અવિભાજ્ય રીતે રહેલાં હોય છે. અને વિશ્વમાં કોઈ મનુષ્ય નીતિભર્યા કાર્ય દ્વારા કંઈક સારું હાંસલ કરે તો પણ તે મિશ્રણવગરનું તો હોતું જ નથી. કોઈ મનુષ્ય સમૃદ્ધિ, સત્તા, સૌંદર્ય, સ્વાસ્થ્ય અને સન્માન ભલે મેળવે છતાં એ તો બધાની સાથે સદાયે રહેનાર ખરાબીથી છૂટકારો પામી શકતો નથી. ધર્મ ઉપર પ્રતિષ્ઠિત નૈતિક પદ્ધતિમાં પણ આપણને નૈતિકતા કાં તો કોઈ બાહ્ય સત્ત્વ ઉપર અથવા તો કોઈ મહાન વ્યક્તિત્વ ઉપર અથવા તો શાસ્ત્રો ઉપર આધારિત રહેલી માલૂમ પડે છે! દરેક દૃષ્ટાંતમાં આ પદ્ધતિઓનું નૈતિક જીવન, કોઈક પરની વફાદારી પર ચણાયેલું હતું. કોઈ બાહ્ય અધીનતા પર આધારિત હતું અને એની સાથે પેલી મૂલગત સ્વાતંત્ર્યની ઝંખના પણ હંમેશાં જ જોડાયેલી રહેતી. સ્વામીજીએ કહ્યું છે કે હિંદુ નીતિશાસ્ત્ર પણ કાનૂનોથી અને વેદોના પ્રમાણથી બંધાયેલો છે – આધારિત છે. આ બાબતમાં સ્વામીજીનું સૌથી મોટું યોગદાન એ છે કે એમણે નૈતિકતાને કોઈ પણ પ્રકારના બંધનના કે કોઈપણ પ્રકારની માનવીય કે દેવતાઈ વફાદારીમાંથી મુક્ત કરી દીધી. એમણે નૈતિકતાને માનવના અમર સ્વરૂપ ઉપર પ્રતિષ્ઠિત કરી દીધી… મનુષ્યની અમર આધ્યાત્મિક એકતા ઉપર પ્રસ્થાપિત કરી દીધી. એ પ્રતિષ્ઠા પૂર્વપ્રાપ્ત હતી, વિદ્યમાન હતી, એ ‘પ્રાપ્ય’ નહિ ‘પ્રાપ્ત’ હતી. વળી બૌદ્ધધર્મના મધ્યબિંદુ સમા બુદ્ધના નૈતિક આદર્શમાં પણ સ્વામીજીએ એક ઊણપ ભાળી. સ્વામીજી કહે છે:

માટે હું માત્ર ઉપનિષદોનો જ ઉપદેશ આપું છું. ઉપનિષદોમાંથી પણ કેવળ ‘બળ’ના જ વિચારનો ઉપદેશ આપ્યો છે. વેદો, વેદાંત અને બીજા બધાનું હાર્દ એકમાત્ર તે ‘બળ’ શબ્દમાં છે. બુદ્ધનો ઉપદેશ હતો અપ્રતિકાર અથવા અહિંસા; પણ હું ધારું છું કે તે જ વાત શીખવવા માટે આ વધારે સારો માર્ગ છે. કારણ કે એ અહિંસાના વિચારની પાછળ ભયંકર નિર્બળતા રહેલી હતી; પ્રતિકારની ભાવનાનો વિચાર આણનાર છે નિર્બળતા. સાગરની છોળના એક ટીપાને શિક્ષા કરવાનો અને તેનાથી નાસી છૂટવાનો વિચાર મને કદીય આવતો નથી. મારે મન એનો કંઈ જ હિસાબ નથી. છતાં મચ્છર માટે તે ગંભીર બાબત થઈ પડે. હિંસા માત્રને હું તેવી ગણું છું. મારે જોઈએ શક્તિ અને નિર્ભયતા. મારો આદર્શ તો છે સન ૧૮૫૭ના સ્વાતંત્ર્યયુદ્ધમાં જેનું ખૂન કર્યું તે સાધુ, કે જેની છાતીમાં છરાનો ઘા વાગતાં, મરતાં મરતાં આજીવન મૌન તોડીને મારનારને કહ્યું કે ‘તું પણ તે (ઈશ્વર) જ છો!’ (૧૦.૨૨૧)

ઉપનિષદોના ‘શક્તિ-બળ’ વિષયક ખ્યાલનું સ્વામીજીએ કરેલું અનન્ય નવું અર્થઘટન અને માનવીય નૈતિકતાના વિકાસનાં વિવિધ સ્તરોમાં એનો કરવામાં આવેલો વિનિયોગ તો વિશ્વનાં નૈતિક વિચારણામાં પણ એક ખૂબ મહત્ત્વનું પ્રદાન છે. સ્વામીજીનું બીજું મહત્ત્વનું યોગદાન સારા-નરસા વિશે કેટલાક સૂક્ષ્મ અને ભેદક વિચારોના રૂપમાં છે. આ વિશે આપણે આ લેખમાં ઉપર ચર્ચા કરી ગયા છીએ. આ વિચારો નૈતિકતા વિષયક કોઈ અસ્પષ્ટતા બાકી રહેવા દેતા નથી અને મનુષ્યને તે વિશેની કોઈ જ પીંજણ વગર અને દંભ વગર નૈતિકતાનો અમલ કરવાની કેળવણી આપે છે. સામાન્ય રીતે નૈતિકતાના અંચળામાં દાંભિકતા જેવાં દૂષણો કેટલાંક સાંપ્રદાયિક ધાર્મિક આંદોલનોમાં દેખાય છે, તે અંગેની સૂક્ષ્મ સ્પષ્ટતા સ્વામીજી આપે છે અને આ વિચારો સારું કામ કરનારને સ્વામીજી સહાનુભૂતિપૂર્વક સમર્થન આપે છે. ના, એટલું જ નહિ, પોતાના ઓછા ભાગ્યશાળી ભાઈઓ પ્રત્યે સમજણ કેળવવાનું કહે છે કે એવા લોકો પણ એ મનુષ્યની પેઠે જ એ જ લક્ષ્ય તરફ આગળ યાત્રા કરી રહ્યા છે. ભલે તેઓ એ વિશે જાણતા હોય કે ન જાણતા હોય! વળી એની સાથે સારો મનુષ્ય સંપૂર્ણ બને, અને ઓછો સારો માણસ નૈતિક અનુશાસન દ્વારા પૂર્ણતાએ પહોંચી શકે – એમ એ બધાના ભાવિ માટે શ્રદ્ધા ધરાવે છે. ‘મનુષ્ય નિમ્ન સત્ય પરથી ઉચ્ચતર સત્ય તરફ પ્રગતિ કરે છે એ કોઈ ભૂલમાંથી સત્ય તરફ જતો નથી’ આ સત્યને ફરી ફરી કહેવામાં તેઓ કદીય થાકતા નહિ. આ રીતે તેમણે પાપ, નરક, અનન્ત સજા (કયામત) વગેરેના ખ્યાલમાં રાચતી વિવિધ નૈતિક પદ્ધતિઓ પર મરણતોલ ફટકો મારી દીધો.

સ્વામીજીએ દર્શાવ્યું કે વેદાંતના મતાનુસાર જાણ્યે-અજાણ્યે સમગ્ર માનવજાત – સમગ્ર વિશ્વ મુક્તિ તરફ આગળ વધી રહ્યું છે. નીતિશાસ્ત્રનું મુક્તિરૂપ લક્ષ્ય આ રીતે ઉત્ક્રાંતિનાં વિવિધ સ્તરે રહેલી વિવિધ વ્યક્તિઓ માટે અલગ અલગ અનુશાસનો પર ભાર મૂકીને એકાંગી નીતિશાસ્ત્રને આધ્યાત્મિક નીતિશાસ્ત્ર બનાવી દે છે.

આ રીતે આપણે જોઈએ છીએ કે સ્વામીજીનું નીતિશાસ્ત્ર આત્માની મૂળભૂત દિવ્યતા, સમગ્ર અસ્તિત્વની એકતા, નિ:સ્વાર્થતા અથવા અહં ત્યાગ પર ચણાયેલું છે, મુક્તિ એનું લક્ષ્ય છે; એમાં સારા-નરસાની સાપેક્ષતા પર ભાર મૂકવામાં આવ્યો છે, નીતિમય જીવનમાં શક્તિ એ માર્ગદર્શક ઘટક છે. એ બધું આ નીતિશાસ્ત્રની અસાધારણતા બતાવે છે. વૈશ્વિક વિચારણામાં તેમનું આ પ્રદાન છે. એને માટે સમગ્ર માનવજાતિ ઘણા લાંબા સમય સુધી તેમની ઋણી રહેશે. તેમના નૈતિક વિચારો અને આદર્શો, એની વ્યાપ્તિમાં વૈશ્વિક છે. કારણ કે તે મૂળગત નૈતિક સિદ્ધાંતો પર પ્રતિષ્ઠિત છે. એ સિદ્ધાંતો કોઈ પણ માણસની નાત, જાત, ધર્મ, સંપ્રદાય કે રાષ્ટ્રિયતાના કશા જ ભેદભાવ વગર સર્વજનો માટે સામાન્ય છે. તદુપરાંત, ભલે જો કે અત્યારનો સમાજ વૈજ્ઞાનિક દૃષ્ટિવાળો છે, એની સભ્યતા પણ અર્વાચીન છે, એનામાં સ્વાતંત્ર્યની ધધકતી ચેતના છે, એનામાં વૈશ્વિકતા છે, એનામાં દરેક વસ્તુને બુદ્ધિથી ચકાસી જોવાનું જબરું વલણ છે; તો પણ એ સમાજ સ્વામીજીના નીતિશાસ્ત્રમાં માનવ સ્વભાવના શાશ્વત સિદ્ધાંતો પર પ્રતિષ્ઠિત તર્કપૂત નીતિસિદ્ધાંત તરીકે પિછાણે છે: ‘આત્મા’.. અને બધા કરતાંય પહેલા સમગ્ર માનવજાતિને એ આત્મામાં રહેલી અનંત સંભાવનાઓની અનુભૂતિ કરવા માટે અને પોતાના ભાવિને રચવા-ઘડવા અને પ્રભુત્વના પ્રદાન માટેનું એમનું આહ્‌વાન છે – ઉદ્‌ઘોષણા છે.

Total Views: 48

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.