देवैरत्रापि विचिकित्सितं पुरा
न हि सुविज्ञेयमणुरेष धर्मः ।
अन्यं वरं नचिकेतो वृणीष्व
मा मोपरोत्सीरति मा सृजैनम् ॥ २१ ॥

अत्र, આ વિષયમાં; देवैः अपि पुरा विचिकित्सितम्, પ્રાચીનકાળમાં દેવોએ પણ શંકાઓ કરી હતી; हि, કારણ કે; एषः धर्मः अणुः, આત્માનું આ સ્વરૂપ ખૂબ સૂક્ષ્મ છે; (એટલા માટે) न सुविज्ञेयम्, સમજવું સરળ નથી; नचिकेतः, હે નચિકેતા; अन्यम् वरम् वृणिष्व, આનાથી કોઈ અન્ય વરદાન માગ; मा मा उपरोत्सीः, મહેરબાની કરી મારા ઉપર દબાણ ન કર; मा एनम् अतिसृज, મને આનાથી મુક્ત કર, આ પ્રશ્નને તું છોડી દે.

(યમે કહ્યું કે-) હે નચિકેતા, તેં જે પ્રશ્ન ખડો કર્યો છે, તે વિષયમાં પ્રાચીન કાળમાં દેવોએ પણ પોતાના આવા પ્રશ્નો ઊભા કર્યા હતા. આત્માનું સ્વરૂપ તો ઘણી સૂક્ષ્મ બાબત છે. એ સમજવું તો ભારે કઠિન છે. આને બદલે કોઈક બીજું વરદાન માગી લે. આને માટે મને આગ્રહ ન કર. આનાથી મને મુક્ત કરી દે. (૨૧)

બીજા વરદાન માટે યમરાજે નચિકેતાને યજ્ઞાગ્નિનો ઉપદેશ આપ્યો હતો. જો નચિકેતા આવા યજ્ઞાગ્નિની ઉપાસના (અનુષ્ઠાન) બરાબર રીતે અને ત્રણ વખત કરે, અને યોગ્ય રીતે ધ્યાન પણ કરે, તો એ વિરાટ્‌ તરીકેની પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકે. વિરાટ્‌ સ્વરૂપ થવું એ સારી વસ્તુ તો છે. પણ નચિકેતા માટે એ પૂરેપૂરી સારી વસ્તુ નથી. છેવટે એ પણ શાશ્વત સ્થિતિ તો નથી જ. એ સ્થિતિ પણ કેટલાક સમયની મર્યાદામાં જ રહે છે. અને જો એ સ્થિતિ શાશ્વત હોય તો પણ નચિકેતાએ એ સ્વીકારી ન હોત. આવી સ્થિતિ પણ એક પ્રકારનું બંધન જ છે. ભલેને પછી એ વધુ સત્તા અને શક્તિ ધરાવતી હોય. નચિકેતાને તો મુક્તિ-છૂટકારો-સ્વાતંત્ર્ય જોઈએ છે. મુક્તિથી જરાપણ ઓછું એવું કશું એને ખપતું નથી. એટલા જ માટે એ આત્માને ઓળખવા ઇચ્છે છે. એ જાણવા માગે છે કે જો મરણ જ બધાનો અંત હોય – અને જો એ અંત ન હોય, તો તેના પછી બાકી શું રહે છે? જો એ આત્મા જેવી કોઈ વસ્તુ હોય, તો ‘આ આત્મા’ શું છે? આ આત્મા કોના જેવો છે? નચિકેતા આ ત્રીજું વરદાન માગી રહ્યો છે.

યમરાજ પહેલાં તો નચિકેતાની કંઈક પરીક્ષા કરવા ઇચ્છે છે. આત્મજ્ઞાનની અનિવાર્ય પૂર્વશરત ‘ત્યાગ’ છે. આ ત્યાગ એટલે ‘સર્વસ્વનો ત્યાગ’ એમ સમજવું. એક કે બે વસ્તુ છોડી દેવાથી આવો ત્યાગ ન આવી શકે. જો તમે બધું જ છોડી દેવા માટે તૈયાર હો, તો તે પછી જ તમે આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકો. યમરાજ એ જોવા માગે છે કે નચિકેતા આવડો મોટો ત્યાગ કરવા માટે તૈયાર છે કે કેમ?

યમરાજ બીજી રીતે નચિકેતાની કસોટી એ કરે છે કે તેઓ નચિકેતાને નાહિંમત કરવાનો પ્રયાસ પણ કરી જુએ છે તેઓ કહે છે કે એ વિષય ઘણો મુશ્કેલભર્યો છે – દેવો માટે પણ એ વિષય દુ:સાધ્ય છે. આત્મા કંઈ એવો વિષય નથી કે જે જોઈ શકાય, કલ્પી શકાય કે સાંભળી શકાય. ઈંદ્રિયો દ્વારા થતા અનુભવોથી એ ઘણી સૂક્ષ્મ વસ્તુ છે.

આમ યમરાજ નચિકેતાની ઘણી રીતે કસોટી કરે છે. પણ નચિકેતા એ બધી કસોટીઓમાંથી હેમખેમ પસાર થાય છે. યમરાજે નચિકેતાની કરેલી કસોટીઓનો આ પ્રસંગ ફક્ત એટલું જ બતાવી જાય છે કે આત્મજ્ઞાનનો આ વિષય કેટલો બધો મુશ્કેલ છે અને એને સમજવા માટે મનુષ્યે કેટકેટલી તૈયારી કરવી પડે છે.

देवैरत्रापि विचिकित्सितं किल
त्वं च मृत्यो यन्न सुज्ञेयमात्थ ।
वक्ता चास्य त्वादृगन्यो न लभ्यो
नान्यो वरस्तुल्य एतस्य कश्चित् ॥ २२ ॥

देवैः, દેવો વડે; अत्र, આ વિષયમાં; अपि, પણ; विचिकित्सितम्, શંકાઓ ઉઠાવી હતી; किल, ખરેખર; त्वम्, તમે; , અને; मृत्यो, હે મૃત્યુના દેવ; यत्, કારણ કે; , નહિ એવું; सुविज्ञेयम्, સહેલાઈથી સમજી શકાય; आत्थ, કહો છો; (કહી રહ્યા છો;) वक्ता, ઉપદેશક; , અને; अस्य, આના-આના વિષયમાં; त्वादृक् अन्यः न लम्यः, તમારા જેવો બીજો કાંઈ મળે નહિ; न अन्यः, બીજું કોઈ નહિ; वरः, વરદાન; तुल्यः, સરખું; एतस्य, આના; कश्चित्, કોઈપણ.

(નચિકેતાએ જવાબ આપ્યો કે-) હે મૃત્યુના દેવ, ‘ભૂતકાળમાં દેવો પણ આ વિષયમાં શંકાઓ ઉઠાવતા હતા’ – એમ તો તમે પોતે જ હમણાં કહ્યું છે. વળી તમે આગળ એમપણ કહ્યું છે કે ‘આત્માને સમજવો એ કંઈ સહેલી વાત નથી.’ તો એ માટે તો તમારા જેવો બીજો કોઈ ઉપદેશક તો શોધ્યો પણ મળી શકે તેમ નથી. વધારામાં આનાથી અન્ય કોઈ વરદાન વધારે મૂલ્યવાન પણ નથી. (૨૨)

યમરાજે નચિકેતાને એવું કહીને હતાશ કરી દેવાનો પ્રયત્ન કરી જોયો કે આત્માના સ્વરૂપને જાણવું એ એક કઠિન વિષય છે. અને એ વિષયની કઠિનતા દર્શાવવા માટે યમરાજે વિચાર કરવાનું એને કહી જોયું. યમરાજે કહ્યું કે તે આત્મા ખરેખર કેવો છે, એ તો દેવો પણ બરાબર રીતે જાણી શક્યા નથી. જો કે યમરાજ આમ કહીને ખરેખર તો નચિકેતાની કસોટી જ કરી રહ્યા હતા. છતાં ગમે તેમ પણ નચિકેતા પોતાના નિશ્ચય પર અડગ જ રહ્યો. એણે કહ્યું કે જો આ વિષય સહેલો લાગ્યો હોત તો તો એ યમરાજને એ માટે એટલી તકલીફ જ ન આપત. તદુપરાંત, આ પ્રશ્ન મૃત્યુ સાથે સંબંધ પણ ધરાવતો હતો. મૃત્યુ નામની કોઈ વસ્તુ શું મરણ પછી હસ્તી ધરાવતી હતી કે? આ એ જ પ્રશ્ન છે કે જેને વિશે માત્ર માનવજીવો જ નહિ, દેવો પણ વાદવિવાદ ચલાવતા રહ્યા હતા. મૃત્યુના દેવ યમરાજ તો અવશ્ય જ આ પ્રશ્નનો ઉત્તર આપવા માટે સુયોગ્ય વ્યક્તિ હતા. અને એટલા જ માટે નચિકેતાએ યમરાજની એ સિવાયનું બીજું વરદાન માગવાની વિનંતીનો સ્વીકાર કર્યો નહિ. વળી, નચિકેતા એ જાણતો હતો કે પોતે જે કંઈ માગી રહ્યો હતો, તે શ્રેષ્ઠ અને ઉચ્ચતમ વરદાન હતું. આત્મજ્ઞાનના વરદાન સાથે બીજા કોઈપણ વરદાનની સરખામણી થઈ શકે જ નહિ. નચિકેતાને માટે ઉલ્લેખનીય વાત તે એનો પોતાનો હેતુ પાર પાડવાની તાલાવેલી જ છે.

शतायुषः पुत्रपौत्रान् वृणीष्व
बहून् पशून् हस्तिहिरण्यमश्वान् ।
भूमेर्महदायतनं वृणीष्व
स्वयं च जीव शरदो यावदिच्छसि ॥ २३ ॥

शतायुषः, સો વરસ સુધી જીવનારા; पुत्र-पौत्रान्, પુત્રો અને પુત્રોની પુત્રોને; वृणीष्व, પસંદ કરી લે; बहून्, ઘણાં બધાં; पशून्, પશુઓને; हस्ति, હાથીઓ; हिरण्यम्, સોનું; अश्वान्, ઘોડાઓને; भूमेः, ધરતી પર; महत्, મોટું; आयतनम्, સ્થાન-સામ્ર્રાજ્ય; वृणीष्व, માંગી લે; स्वयम्, તું પોતે; , અને; जीव, જીવ; शरदः, શરદઋતુ પર્યંત; यावत्, જેટલું (લાંબામાં લાંબું); इच्छसि, તું ઇચ્છે (તેટલું).

(યમે કહ્યું કે-) દરેકેદરેક સોસો વરસ જીવે એવા પુત્રો અને પુત્રના પુત્રો માંગી લે. ગમે તેટલી સંખ્યામાં હાથીઓ, ઘણું બધું સોનું અને ઘોડાઓ પણ માંગી લે; મોટામાં મોટું સામ્ર્રાજ્ય પણ પસંદ કરી લે અને તને ગમે તેટલાં વરસો તું પણ જીવતો રહે. (૨૩)

પહેલાં તો આત્માને જાણવો એ કેટલું બધું દુષ્કર છે, એનું વર્ણન કરીને યમરાજાએ નચિકેતાને હતોત્સાહ કરવાનો પ્રયત્ન કરી જોયો. પણ એનાથી તો કશું વળ્યું નહિ. પછી યમરાજે બીજી રીત અજમાવવાની કોશિશ કરી. જે વસ્તુઓ માટે સામાન્ય રીતે જનસાધારણ ઝંખના રાખતો હોય છે, તેવી લોભામણી વસ્તુઓની લાલચ આપવાની રીત તેમણે અજમાવી. આ રીતે યમરાજ નચિકેતાની બીજી કસોટી કરે છે. સારા ગુરુ સારા શિષ્યની આ જ રીતે કસોટી કરે છે.

एतत्तुल्यं यदि मन्यसे वरं
वृणीष्व वित्तं चिरजीविकां च ।
महाभूमौ नचिकेतस्त्वमेधि
कामानां त्वा कामभाजं करोमि ॥ २४ ॥

एतत्, આના (તેં માગેલા વરદાનના); तुल्यं, જેવું; यदि, જો; मन्यसे, તું માનતો હોય; वरम्, વરદાન; वृणीस्व, માગી લે; वित्तम्, ધનદોલત; चिरजीवितम् च, અને લાંબું આયુષ્ય; महाभूमौ, મહારાજ્યમાં; त्वम्, તું; एधिः, (ચક્રવર્તી) થઈશ; नचिकेतः, હે નચિકેતા; कामानाम्, બધી લલચાવનારી વસ્તુઓનો (દિવ્ય તેમજ માનવીય ભોગ્ય પદાર્થોનો); कामभाजम्, સુયોગ્ય ભોક્તા; करोमि, હું કરીશ.

હે નચિકેતા, જો તેં માગેલા વરદાનની સમકક્ષ એવું બીજું કંઈ વરદાન તને લાગતું હોય, તો તે તું માગી લે. ધનદોલત, સુદીર્ઘ આયુષ્ય, સમ્ર્રાટની પદવી વગેરેમાંથી કંઈક પસંદ કરી લે. માનવો અને દેવો જે કંઈ ઝંખે છે તેવું કંઈક માગી લે. હું તને એ બધું ભોગવવા માટે સુયોગ્ય ભોક્તા બનાવીશ. (૨૪)

યમરાજ હજુ પણ નચિકેતાને લલચાવી રહ્યા છે. તે કહે છે કે તેમણે નચિકેતાને ઘણી ઘણી સારી વસ્તુઓ આપવાની ખાતરી આપી છે. છતાં નચિકેતા જો એનાથી પણ કાંઈ સારી વસ્તુઓનો વિચાર કરતો હોય, તો એ પણ આપી દેવામાં એમને ખૂબ આનંદ થશે. લાંબું આયુષ્ય, ઘણા પુત્રો, પૌત્રો, ધનસંપત્તિ, સમ્ર્રાટનું પદ – આ બધું તો આપવાની તેમણે તૈયારી તો ક્યારનીય દાખવી દીધી છે. ટૂંકમાં કહીએ તો દેવો અને માનવો જે ભોગો માણવા ઇચ્છે છે તે બધા વરદાનરૂપે માગી લેવાની છૂટ આપી દીધી છે. તદુપરાંત, યમરાજ એ પણ બાંહેધરી આપી દે છે કે આ બધા ભોગોને માણવા માટે નચિકેતા શક્તિમાન – સ્વસ્થ – પણ બનશે.

ये ये कामा दुर्लभा मर्त्यलोके
सर्वान् कामांश्छन्दतः प्रार्थयस्व ।
इमा रामाः सरथाः सतूर्या
न हीदृशा लम्भनीया मनुष्यैः ।
आभिर्मत्प्रत्ताभिः परिचारयस्व
नचिकेतो मरणं मानुप्राक्षीः ॥ २५ ॥

ये ये, જે જે; कामाः, ઇચ્છેલા પદાર્થો; दुर्लभाः, મળવા કઠિન; मर्त्यलोके, મર્ત્યલોકમાં; सर्वे, બધા; कामान्, ઇચ્છાઓને અથવા ઇચ્છિત પદાર્થોને; छन्दतः, મરજી પ્રમાણે; प्रार्थयस्व, માગી લે; इमाः, આ; रामाः, સુંદર સ્ત્રીઓ; स-रथाः, રથમાં બેઠેલી; स-तूर्याः, વાજિંત્ર વગાડતી; , નહિ; हि, અવશ્ય; ईदृशाः, આના જેવી; लम्भनीयाः, મળી શકે; मनुष्यैः, મનુષ્ય વડે; आभिः, આ સ્ત્રીઓ વડે; मत्प्रत्ताभिः, મારા વડે અપાયેલી; परिचारयस्व, તું સેવા કરાવતો રહે; नचिकेतः, હે નચિકેતા; मरणम्, મૃત્યુ વિશે (એટલે કે મરણ પછી આત્મા જેવું કંઈ રહે છે કે કેમ, આ વિષયમાં); मा अनुप्राक्षीः, પૂછ નહિ.

વિશ્વમાં કેટકેટલી ચીજો સુખ આપનારી છે. તેમાંની કેટલીક તો સહેલાઈથી પ્રાપ્ત કરી શકાય તેવી હોતી નથી. છતાં પણ જો તમે એની ઇચ્છા કરો તો છેવટે તે તમને પ્રાપ્ત થાય છે તો ખરી. દાખલા તરીકે રથમાં બેઠેલી અને હાથમાં વાદ્ય લઈને વગાડતી સુંદર નારીઓ. સામાન્ય માણસને માટે આ બધું એની પહોંચની બહારનું છે. તો પણ તું જો ઇચ્છતો હો, તો તને એવી સુંદર સ્ત્રીઓ હું આપું. એ બધી તારી સેવિકાઓ થશે. ગમે તેમ પણ હે નચિકેતા, મૃત્યુ સંબંધી તારા પ્રશ્નનો ઉત્તર આપવા માટે મને દબાણ કરીશ નહિ. (એટલે કે મૃત્યુ પછી સઘળાંનો અંત જ આવી જાય છે કે પછી આત્મા જેવું કંઈક ચાલુ રહે છે, તે વિષયના ઉત્તર માટે વિવશ કરીશ નહિ.)

યમરાજ હજુ પણ નચિકેતાને લલચાવવાનું ચાલુ રાખે છે. બહુસંખ્યક લોકો જેને માટે અતિશય તલસે છે, એવી વસ્તુઓની એને લાલચ આપે છે. અવશ્ય જ તે બધી વસ્તુઓ લોભામણી અને મુશ્કેલીથી પ્રાપ્ત થાય એવી છે. આની સામે નચિકેતાએ ઝંખેલો પોતાના પ્રશ્નનો ઉત્તર તો જાણે નિરર્થક જ લાગે છે ‘આત્મા છે કે નહિ?’ એ બાબતની જાણકારી નચિકેતાનું શું ભલું કરી દેવાની હતી? આ તો એક પ્રમાદી પ્રશ્ન જ છે. ‘કાગડાના કેટલા દાંત છે,’ એની જાણકારી મેળવવા કરાતા પ્રશ્ન જેવો આ પ્રશ્ન છે. અહીં શંકરાચાર્ય એવું સૂચવે છે કે યમરાજ જે રીતે નચિકેતાને લોભાવે છે, એનો આ એક નમૂનો છે.

श्वोभावा मर्त्यस्य यदन्तकैतत्
सर्वेन्द्रियाणां जरयन्ति तेजः ।
अपि सर्वं जीवितमल्पमेव
तवैव वाहास्तव नृत्यगीते ॥ २६ ॥

श्वः, આવતીકાલે; अभावाः, નહિ રહેનારા; मर्त्यस्य, મરણશીલ મનુષ્યના; यत्, આ બધા; अन्तक, હે બધાનો અંત લાવનાર (અર્થાત્‌, હે મૃત્યુ! – મૃત્યુ જ એ છે કે જે બધાનો અંત લાવે છે); एतत्, આ બધું – બાળકો વગેરે; सर्वेन्द्रियाणाम्, બધી જ ઇંદ્રિયોના; जरयन्ति, ક્ષીણ કરી દે છે; तेजः, તેજને- સામર્થ્યને; अपि, અને વળી; सर्वम्, બધું; जीवितम्, જીવન; अल्पम्, થોડુંક; एव, જ (છે); तव, તમારાં; एव, જ; वाहाः, રથો (રહો); तव, તમારાં; नृत्य-गीते, નૃત્ય અને ગીતો.

(નચિકેતાએ કહ્યું કે -) હે મૃત્યુના દેવ, આ બધા ભોગવિલાસો તો પરિવર્તનશીલ – આવનજાવનવાળા છે; વળી તે માણસની બધી ઈંદ્રિયોના તેજને હરી લેનારા છે. સૌથી લાંબું મનાયેલું આયુષ્ય પણ ટૂંકું જ છે. તમારાં વાહનો, નૃત્ય અને ગીત. (નર્તકો અને ગાયકો) તમારી પાસે જ રાખો – તમને જ મુબારક હો. (૨૬)

હવે નચિકેતા પોતાનું ભીતર છતું કરે છે. તે યમરાજની રજૂ થયેલી ભેટસોગાદોને ભારપૂર્વક અને તરત જ ફગાવી દે છે. અને એને ન સ્વીકારવાનું કારણ પણ આપે છે. તે કહે છે કે એ બધા ભોગો તો ‘જીશ્વથ’ છે. એટલે કે તે બધું કેટલો સમય ટકશે, તે નિશ્ચિતપણે કોઈ જાણતું નથી. આવતીકાલ સુધી પણ ન ટકે તેવું હોઈ શકે છે. બધા ભોગો પરિવર્તનશીલ છે. નચિકેતા એ સ્પષ્ટ કરે છે કે પરિવર્તનશીલ વસ્તુમાં તેને કોઈ રસ નથી. તે જે કંઈ ઇચ્છે છે, તે શાશ્વત જ હોવું જોઈએ.

આ જ સાચો ત્યાગ અને સાચો વિવેક છે. જે કંઈ આવનજાવનવાળું હોય, તેને છોડી દેવું એ જ ત્યાગનો અર્થ છે અને વિવેકનો અર્થ એ છે કે ‘નિત્ય’ અને ‘અનિત્ય’ વસ્તુની પરખ કરવાની મનુષ્યની શક્તિ હોવી. નચિકેતા આ ‘ત્યાગ’ અને ‘વિવેક’ બંનેમાં કુશળ હતો. આત્માના સાચા સ્વરૂપને જાણવાના પોતાના નિશ્ચયમાં તે મક્કમ હતો. અને તેની આડે આવતા અવરોધોને તે આવેશથી હડસેલી દે તેવો હતો.

Total Views: 34

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.