શિવ અને કાલી સ્વરૂપે શ્રીરામકૃષ્ણ

ઠાકુર કહેતા કે : ‘બ્રહ્મ અને શક્તિ એક જ છે.’ અગ્નિ અને તેની બાળવાની શક્તિ એક જ છે તેમ, શિવ અને શક્તિ એક અને અભિન્ન છે. શિવ અને કાલીને એક સાથે શ્રીરામકૃષ્ણમાં પ્રગટ થતાં મથુરે જોયાં હતાં. એ ઘટનાનું વર્ણન સ્વામી સારદાનંદે કર્યું છે :

એકવાર ઠાકુર પોતાના ઓરડાને ઈશાન ખૂણે આવેલી પરસાળમાં આંટા મારી રહ્યા હતા. એ પરસાળ પૂર્વ – પશ્ચિમ ફેલાયેલી હતી. તેઓ ઊંડા આધ્યાત્મિક ભાવમાં હતા અને બાહ્ય જગતથી પૂરા અલિપ્ત હતા. કોઠી (બંગલા)માંના પોતાના ઓરડામાં મથુર એકલા બેઠા હતા; એ કોઠી મંદિર સંકુલ અને પંચવટીની વચ્ચે આવેલી હતી. ઠાકુર આંટા મારતા હતા તે સ્થળ મથુરના ઓરડાથી દૂર ન હતું એટલે, મથુર શ્રીઠાકુરને બારીમાંથી જોઈ શકતા હતા. કોઈક વાર પોતાની સાંસારિક બાબતોની યાદની સાથે એ ઠાકુરને નિહાળતા હતા. પોતાના ઓરડામાં બેસીને મથુર પોતાને (ઠાકુરને) નિહાળી રહ્યા છે એનો કશો ખ્યાલ ઠાકુરને ન હતો.

એકદમ અચાનક મથુરબાબુ પોતાના બંગલામાંથી દોડતા બહાર આવી, ઠાકુરને ચરણે પડયા અને ખૂબ રડવા લાગ્યા.

ઠાકુરે પછીથી આ વર્ણવતાં કહ્યું છે કે : ‘તમે આ શું કરો છો? તમે તો ખૂબ ખાનદાન છો અને રાણી રાસમણિના જમાઈ છો. તમને આમ કરતા જોઈ લોકો શું કહેશે? શાંત થાઓ. મહેરબાની કરી ઝટ ઊભા થાઓ!’ પણ આ કોણ સાંભળે? આસ્તે આસ્તે મથુર સ્વસ્થ થયા અને પોતાનાં અદ્‌ભુત દર્શન વિશે કહેવા લાગ્યા. એ કહે : ‘બાબા, તમે આંટા મારતા હતા તે હું જોતો હતો. મેં સ્પષ્ટ જોયું કે, આપ મારી તરફ આવતા હતા ત્યારે આપ ન હતા. આપ મંદિરમાંનાં દિવ્ય કાલીમાતાનું સ્વરૂપ હતા! ને પછી પાછા ફરીને આપ સામી દિશામાં ચાલવા લાગ્યા ત્યારે, આપ શિવ બની ગયા હતા! પહેલાં તો મને લાગ્યું કે, આ કંઈ દૃષ્ટિભ્રમ છે. આંખો ચોળી મેં ફરી જોયું પણ મને એ જ દેખાયું. જેટલીવાર મેં જોયું તેટલીવાર એ જ દૃશ્ય!’ આ વાત એણે રુદન સાથે બેત્રણ વાર કહી. હું બોલ્યો કે, ‘પણ હું આ વિશે કશું જ જાણતો નથી.’ હું ખૂબ ઢીલો થઈ ગયો. આ વાત કોઈ રાણી રાસમણિને કરે તો, મેં કંઈ જાદુટોણો કર્યો છે તેમ એ માને. મેં એમને વિવિધ રીતે આશ્વાસન આપ્યું અને એમને ઠંડા પાડયા. મથુર મને આટલો પ્રેમ કરતો અને મારી આટલી સેવા કરતો તે શું અમસ્તું હતું? માતાજીએ એને કેટલીયે વાર દર્શન આપ્યાં હતાં અને અનુભૂતિઓ કરાવી હતી.’

વિષ્ણુનારાયણ સ્વરૂપે શ્રીરામકૃષ્ણ

૧૮૩૫માં પોતાના પૂર્વજોનું શ્રાદ્ધ કરવા માટે, રામકૃષ્ણના પિતા ક્ષુદિરામ બિહારમાં ગયાધામે ગયા હતા. એક રાતે નિદ્રાધીન થયા પછી તેઓ સ્વપ્નમાં સરી પડયા. સ્વામી સારદાનંદે વર્ણવ્યા પ્રમાણે :

ભગવાન ગદાધરના મંદિરમાં પોતાને પિંડ આપતા તેમણે ફરી જોયા. એ પિંડ સ્વીકારતા અને પોતાને આશીર્વાદ આપતા પૂર્વજોને એમનાં દિવ્ય સ્વરૂપોમાં તેમણે જોયા. એમની પ્રત્યે લાંબો સમય જોયા પછી તેઓ જાતને વશમાં રાખી શક્યા નહીં. ભક્તિથી અભિભૂત થઈ તેઓ અશ્રુ સારવા લાગ્યા અને એમને વંદન કરી ચરણસ્પર્શ કરવા લાગ્યા. બીજી જ ઘડીએ મંદિર દિવ્ય પ્રકાશથી છલકાઈ ઊઠ્યું. દેવમૂર્તિની બંને બાજુએ પોતાના પૂર્વજોને તેમણે ઊભેલા જોયા; સુંદર સિંહાસનારૂઢ જ્યોતિર્મય પુરુષને તેઓ હાથ જોડીને પ્રાર્થના કરતા હતા. એ જ્યોતિર્મય સ્વરૂપનો વર્ણ નવદુર્વાંકુર જેવો હતો અને એ ક્ષુદિરામ પ્રત્યે વહાલપથી જોઈ રહ્યા હતા. મૃદુ હાસ્યધારી એ જ્યોતિરૂપે ક્ષુદિરામને પાસે આવવા નિશાની કરી. યંત્રવત્‌ તેઓ પાસે ગયા અને ખૂબ ભક્તિપૂર્વક એ જ્યોતિરૂપને પ્રણમ્યા તથા એની સ્તુતિ કરવા લાગ્યા. પ્રસન્ન થઈ એ જ્યોતિરૂપે ક્ષુદિરામને મધુર સ્વરે કહ્યું કે : ‘ક્ષુદિરામ, તારી નૈષ્ઠિક ભક્તિથી હું પ્રસન્ન થયો છું. હું તારા પુત્રરૂપે અવતરીશ અને તારા ઝૂંપડામાં તારી પ્રેમસેવા સ્વીકારીશ.’

આ આશ્ચર્યકારક બોલ સાંભળી ક્ષુદિરામ અમાપ આનંદ પામવા લાગ્યા. પણ બીજી જ ક્ષણે એમને મૂંઝવણ થઈ કે પોતાના જેવા ગરીબ માનવી આવી પરમ વિભૂતિને શું આપી શકશે? અને તેને સારી રીતે ખવરાવી અને પહેરાવી પણ નહિ શકે. ગદ્‌ગદિત થઈ તેઓ બોલ્યા : ‘ના, ના, પ્રભુ. આ કૃપાને હું લાયક નથી. મને દર્શન આપી તથા આપ મારા પુત્રરૂપે અવતરવા ઇચ્છો છો તેમ કહી આપે મને કૃતાર્થ કર્યો છે ને તે પૂરતું છે. આપ ખરેખર પુત્ર તરીકે પધારશો તો, હું રાંક માણસ આપની સેવા શી રીતે કરી શકીશ?’ ક્ષુદિરામની ગદ્‌ગદિત વાણી સાંભળીને એ દિવ્ય રૂપ વધુ પ્રસન્ન થયું અને બોલ્યું : ‘ડર નહીં. ક્ષુદિરામ, તું જે કંઈ આપશે તેનાથી હું તુષ્ટ રહીશ. મારી ઇચ્છાપૂર્તિ આડે વિરોધ કર મા.’

ઠાકુરના ગર્ભવાસની આ કથા છે.

ગૌરી પંડિતને ચકાસવા માટે એક વેળા ઠાકુરે તેમને પ્રશ્ન કર્યો :

‘વારુ, આ (પોતાની જાતને ચીંધી)ને વૈષ્ણવચરણ અવતાર કહે છે. એ કેમ બની શકે? તમને શું લાગે છે તે તમે મને કહો.’

ગંભીર બનીને ગૌરીએ ઉત્તર આપ્યો : ‘શું વૈષ્ણવચરણ આપને અવતાર કહે છે? એ હીનોક્તિ છે એમ હું માનું છું. જેના અંશથી આ પૃથ્વી પર યુગે યુગે અવતારો આવે છે તે આદિ સ્વરૂપ આપ છો.’

ઠાકુરે હસીને કહ્યું : ‘ખરે જ તમે તો એનાથી આગળ નીકળી ગયા! તમારી આ ધારણા મારામાં શું જોઈને તમે બાંધી છે?’

ગૌરી બોલ્યા : ‘મારા ઊંડા અંગત અનુભવને આધારે તથા શાસ્ત્ર પ્રમાણોને આધારે હું આ કહું છું. આ બાબત મને કોઈ પડકાર કરે તો મારી આ ધારણા પૂરવાર કરવા હું તત્પર છું.’

‘વારું, તમે એમ કહો છો’, નાના બાળકની માફક ઠાકુર બોલી ઊઠ્યા, ‘પણ હું એ વિશે કશું જાણતો નથી.’

ગૌરીએ કહ્યું : ‘એમ જ હોવું જોઈએ. શાસ્ત્રો આ વિશે સંમત છે. તમે જાતને ઓળખતા નથી તો, બીજા કેવી રીતે આપને જાણી શકે? જેની ઉપર જાણવા દેવાની કૃપા કરી હોય તે જ આપને જાણી શકે.’

મનમોહનને એકવાર શ્રીરામકૃષ્ણરૂપ દિવ્ય જ્યોતિનું દર્શન થયું. પ્રથમ તો તેઓ માની જ શક્યા નહીં કે આ દિવ્ય સ્વરૂપ છે, વિષ્ણુનાં ચરણોમાં છે તે ધ્વજ, વિદ્યુત અને પરોણીને મળતાં ચિહ્‌નો જોઈ, એ નિ:શંક બની ગયા. શંખ, ચક્ર, ગદા અને પદ્‌મના ધારણ કરનાર એ નારાયણ જ હતા તેવી ખાતરી એને થઈ ગઈ; એ દિવ્ય સ્વરૂપને પ્રણમતાં એ બોલી ઊઠ્યા: ‘નારાયણ સ્વરૂપ રામકૃષ્ણનો જય હો!’

પોતાના યુવાન શિષ્ય પૂર્ણ વિશે શ્રીરામકૃષ્ણે કહ્યું હતું કે : ‘પૂર્ણ નારાયણનો અંશ છે અને ખૂબ સત્ત્વગુણથી સમૃદ્ધ સાધક છે. આ બાબતમાં એ નરેન્દ્ર પછીને ક્રમે આવે છે.’ ઠાકુરે એક દિવસ પૂર્ણને પૂછ્યું કે : ‘બોલ, તું મને શું ધારે છે?’ ભક્તિથી ખૂબ અભિભૂત થઈ એ બોલી ઊઠ્યો : ‘લોહીમાંસ સ્વરૂપે અવતરેલા આપ ઈશ્વર જ છો. આપ નારાયણ છો.’

એ જ અરસામાં કોલકાતામાં બલરામના ઘરમાં ગૌરીમા રહેતાં હતાં. રોજની જેમ એક સવારે, તેઓ વિષ્ણુની પથ્થરની મૂર્તિને સ્નાન કરાવવા લાગ્યાં. મૂર્તિને તેઓ વેદી પર મૂકવા જાય ત્યારે તેમણે વેદી પર માનવદેહ વગરનાં બે જીવંત ચરણ જોયાં. એમને પહેલાં લાગ્યું કે આ દૃષ્ટિભ્રમ છે પણ વેદી તરફ ફરી ફરી નજર કરતાં એમને માત્ર એ જીવંત ચરણ જ દેખાવાં લાગ્યાં. ગૌરીમા ગભરાઈ ગયાં. એમનાં રૂંવાડાં ઊભાં થઈ ગયાં અને એમના હાથ એટલા ધ્રૂજવા લાગ્યા કે એમના હાથમાંથી મૂર્તિ છટકી ગઈ. એને ઉપાડીને એમણે વેદી પર ફરી મૂકી અને એને તુલસીદલ અર્પણ કરતી વેળા એમને ફરી પેલાં ચરણો દેખાયાં. બાહ્યભાન ભૂલી તેઓ ભોંય પર પડી ગયાં.

તે દિવસે તેઓ એ ભાવદશામાં જ રહ્યાં અને રાત પણ તેમજ વીતી. વળતી સવારે બલરામ અને એમનાં પત્ની ગૌરીમાને ઠાકુર પાસે લઈ ગયાં. એ ઠાકુરને ચરણે નમ્યાં ત્યારે, વેદી ઉપર આગલે દિવસે દેખાયાં હતાં તે જ બે ચરણો એમણે જોયાં. આનંદાશ્ચાર્યથી તેઓ દ્રવિત થઈ ગયાં. ઠાકુર કેવળ મલક્યા.

શ્રીરામકૃષ્ણના માર્ગદર્શન પ્રમાણે સ્વામી અભેદાનંદ ધ્યાન સાધના કરવા લાગ્યા. આરંભમાં એમને વિવિધ રીતે પોતાના ઈષ્ટનાં દર્શન થવા લાગ્યાં. વારંવાર દક્ષિણેશ્વર જઈ તેઓ ઠાકુરને પોતાની અનુભૂતિઓ કહેવા લાગ્યા. ઉત્તરમાં ઠાકુર કહે : ‘બહુ સરસ’, અથવા ‘હવેથી આમ કર’, વગેરે. પછી, એકવાર ધ્યાનમાં એમણે જોયું કે દેવદેવીઓનાં વિવિધ સ્વરૂપો શ્રીરામકૃષ્ણરૂપ દિવ્ય જ્યોતિમાં ભળી જતાં હતાં. એણે આ વિશે ઠાકુરને વાત કરી ત્યારે, ઠાકુરે એને કહ્યું કે : ‘અરે, તેં તો વૈકુંઠદર્શન કરી લીધું. હવે પછીથી તને એવાં દર્શન થશે નહીં.’

ગદાધર સ્વરૂપે શ્રીરામકૃષ્ણ

દક્ષિણેશ્વરમાં એક દિવસ યોગિનમાએ થોડાં ફૂલ ચૂંટ્યાં; પોતાની સાડીને છેડે એમણે તે બાંધ્યાં. ત્યારે ઠાકુર પોતાના ઓરડાની ઉત્તરની પરસાળમાં ઊભા હતા અને યોગિનમાને કશુંક લાવતાં તેમણે જોયાં. ‘છેડામાં શું છે?’ એમ તેમણે યોગિનમાને પૂછ્યું. ફૂલો બતાવી યોગિનમા તેમને પગે લાગ્યાં અને પછી એ તેમને ચરણે ધર્યાં. ઠાકુર તરત જ ભાવાવિષ્ટ થઈ ગયા અને, પોતાનું ચરણ યોગિનમાને મસ્તકે મૂકી એમને આશીર્વાદ આપ્યા. પછી ગોપાલની માની સૂચના મુજબ યોગિનમાએ ઠાકુરનાં ચરણ પોતાના વક્ષસ્થળને અડાડ્યાં. ઠાકુરની મહાસમાધિ પછી ઘણો સમય વીત્યે એક દિવસ યોગિનમા મંત્રજાપ કરતાં હતાં ત્યારે એમને દિવ્ય સાદ સંભળાયો કે : દામોદરનાં ચરણકમળથી તમારું વક્ષસ્થળ અંકિત થઈ ગયું છે.’

પોતાના દેહવિલયના થોડા જ સમય પહેલાં, ૧૯૦૯માં, સ્વામી અદ્વૈતાનંદે એક ખભે ગદા ધારણ કરતા ઠાકુરને જોયા હતા. સ્વામીએ પૂછ્યું : ‘ઠાકુર, આપે ગદા શા માટે ધારણ કરી છે?’ ઠાકુરે કહ્યું કે : ‘હું ગદાધર છું. આ યુગમાં હું બધાંનો નાશ કરીશ તે પછી નવસર્જન કરીશ.’

જગન્નાથ સ્વરૂપે શ્રીરામકૃષ્ણ

સને ૧૮૮૫ની ૧૫મી જુલાઈએ શ્રીરામકૃષ્ણે મ. ને કહ્યું કે, ‘હું તમને એક ખૂબ ગુપ્ત વાત કહેવા માગું છું. એકવાર આધ્યાત્મિક ભાવમાં કોઈ સ્ત્રીને પોતાના પ્રિયતમ માટે જાગે છે તેવો તીવ્ર પ્રેમ મને જગન્નાથ માટે જાગ્યો. એ ભાવમાં હું એમને ભેટવા જતો હતો ત્યાં, મારો હાથ ભાંગી ગયો. પછી મને જણાવવામાં આવ્યું કે : ‘તમે આ માનવદેહ ધારણ કર્યો છે તો, લોકો સાથે મિત્ર, પિતા, માતા અને પુત્રના સંબંધે રહો.’

‘હું પુરીનો ભગવાન જગન્નાથ છું’ એમ પોતાના ભક્તોને ઠાકુર ઘણીવાર કહેતા. મ.એ આગળ કહ્યું છે :

એકવાર એમણે મને પુરી મોકલ્યો અને ત્યાં જઈ મારે શું કરવાનું તેની સૂચના આપી. મારે જગન્નાથને ભેટવું એમ મને કહ્યું. એ સાવ અશક્ય હોઈ હું તેમ કરવા ઉત્સુક ન હતો. આખરે ઠાકુરે મારા મનમાં એ વિચાર ઊભો કર્યો. મંદિરના ગર્ભગૃહમાં હું દાખલ થયો ત્યારે મારા ખીસામાં કેટલાંક સિક્કા અને નોટો હતાં. જગ્યા જરા અંધારી હતી. છૂટા પૈસાને અને નોટોને મેં જમીન પર વેર્યાં. ખણખણાટ સાંભળીને પૂજારીઓ એ પૈસા હાથ કરવા લાગ્યા. દરમિયાનમાં હું વેદી પર ચડી ગયો અને ભગવાન જગન્નાથને ભેટ્યો. મને એમ કરતાં જોઈને કેટલાક લોકોએ બૂમાબૂમ કરી. હું તરત જ નીચે ઊતર્યો અને જગન્નાથદેવની પ્રદક્ષિણા કરવા લાગ્યો. બધું કોણે કર્યું છે, તે અંધારામાં કોઈ જોઈ ના શક્યું.

મને સૂચના ઠાકુરે આપી હતી; આ વિચાર પણ એમણે જ આપ્યો હતો; અને પૂજારીઓનાં મનમાં લોભ જગાડીને તેમનું ધ્યાન એમણે જ બીજે દોર્યું હતું. અને આ પરાક્રમ મારાથી કેવી રીતે થયું તેની મને નવાઈ લાગે છે.

પોતાના જીવનકાળ દરમિયાન ઠાકુરે મને કેટલીકવાર પુરી મોકલ્યો હતો. તેઓ પોતે ત્યાં ગયા ન હતા. તેઓ કહેતા કે : ‘હું પુરી જઉં તો મારો દેહ નહીં ટકે.’ એટલે તેઓ પુરી ગયા ન હતા. હું પુરીથી પાછો આવ્યો ત્યારે ઠાકુર મને ભેટ્યા ને બોલ્યા કે : ‘આ હું જગન્નાથને ભેટું છું.’

પોતાની પુત્રીના મૃત્યુ પછી, ૧૯૦૦માં મનમોહન મિત્ર અને એનાં પત્ની પુરી ગયાં હતાં. ત્યાં એમનાં પત્ની કોલેરાથી મૃત્યુ પામ્યાં. એક દહાડો મનમોહન મંદિરમાં ગયા અને વેદી પર તેમને જગન્નાથને બદલે રામકૃષ્ણ દેખાયા. એ દર્શન ફરી ફરી થતાં, એ પોકારી ઊઠ્યા કે : ‘શ્રીરામકૃષ્ણના સ્વરૂપમાં જગન્નાથનો જય હો!’

સ્વામી તુરીયાનંદ ૧૯૧૭માં પુરી ગયા હતા. એક દહાડે તેઓ જગન્નાથને દર્શને ગયા ત્યારે, પગથિયાં ચડતાં, અચાનક, માળાધારી ઠાકુર પગથિયાં ઊતરી પોતાની તરફ આવતા દેખાયા. જલદી આગળ જઈ સ્વામી તુરીયાનંદે સાષ્ટાંગ પ્રણામ કર્યા. પણ ઠાકુરના ચરણસ્પર્શ કરવા માટે એમણે હાથ લંબાવ્યો તો ઠાકુર અદૃશ્ય થઈ ગયા. સ્વામી તુરીયાનંદ તરત ભાનમાં આવ્યા. એમણે કહ્યું કે, ‘શ્રીરામકૃષ્ણ સ્વરૂપે જગન્નાથ જ આવી રહ્યા હતા. માટે તો ઠાકુર પુરી જવાની ના પાડતા અને કહેતા કે, ‘હું ત્યાં જઉં તો પછી મારો દેહ ન ટકે.’

ઠાકુરની ભત્રીજી લક્ષ્મીએ એક સંસ્મરણમાં કહ્યું છે કે : ‘બલરામ એકવાર જગન્નાથનો પ્રસાદ લાવ્યા હતા અને તેમણે એ ઠાકુરને ધર્યો. ઠાકુરે એને પોતાનું મસ્તક અડાડ્યું અને તરત સમાધિમાં સરી પડ્યા. ઠાકુર કહે, ‘હું જાણે કે પુરીમાં છું એમ લાગે છે. ત્યાં બધું વિરાટ છે – અફાટ સાગર, પહોળા માર્ગો અને અનંત જગન્નાથ! હું ત્યાં જઉં તો આ શરીર ટકે નહીં (અર્થાત્‌, એ જગન્નાથમાં મળી જાય.)

સને ૧૯૧૫ની વસંત ઋતુમાં પોતાના ભક્ત બિપિન સાથે લક્ષ્મી જગન્નાથ ગયાં હતાં. ઠાકુરના ભાવમાં તેઓ મસ્ત હતાં. મંદિરમાં પેસતાં એમણે જોયું તો, મંદિરની જમણી તરફના બાંકડા પર ઠાકુર બેઠેલા દેખાયા. ઠાકુરને જોઈને લક્ષ્મીને આનંદ આવ્યો અને વિચાર આવ્યો કે, ‘ઠાકુર ભગવાન જગન્નાથને દર્શને આવ્યા છે તે આનંદની વાત છે.’ એટલે ઠાકુરે લક્ષ્મીને કહ્યું કે ‘હું જગન્નાથની નિકટ જ છું. તું શા માટે ચિંતા કરે છે? તું મારો વિચાર કરતી હતી એટલે હું અહીં આ રહ્યો.’ બીજીવાર, મંદિરમાં ઠાકુરને નહીં જોઈને લક્ષ્મી જરા ઢીલાં થઈ ગયાં પછી એને જગન્નાથનું દર્શન થયું અને એ દેવ બોલ્યા : ‘ઢીલી થા મા. હું અને તારા રામકૃષ્ણ એક જ છીએ.’

Total Views: 46

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.