ભગવાન શ્રીરામકૃષ્ણદેવનો આવિર્ભાવ થયો અને આ સદીના વિવિધ પરિતાપોથી પીડાતા વિશ્વના બધા લોકોને એક સર્વધર્મસમભાવ, સમન્વય અને દિવ્યશાંતિનો સંદેશ પણ મળ્યો એ વાત નિર્વિવાદ છે. એમના અવતરણથી સમગ્ર વિશ્વ માટે આધ્યાત્મિકતાનું એક નવપ્રભાત ઊઘડ્યું એમ આપણે કહી શકીએ. આ નવપ્રભાતના દિવ્ય પ્રકાશથી બધા ભેદભાવો સમૂળગા દૂર કરવાની એક નવદૃષ્ટિ પણ આ જગતને સાંપડી.

વિશ્વના આધ્યાત્મિક જગતના નવપ્રભાતના ઇતિહાસ પર નજર કરીએ તો આપણને જે તે કાળે અવતાર ધારણ કરીને આવેલ મહાપુરુષ કે પયંગબરનાં માતપિતાનાં જીવનમાં પણ એક અસાધારણ આધ્યાત્મિક શક્તિ હતી. એમણે કરેલાં આધ્યાત્મિક અનુભવો અને દર્શનોની વાત આપણે જે તે ધર્મગ્રંથમાંથી વાંચી શકીએ છીએ. એના આધારે આપણે એટલું તો ચોક્કસ કહી શકીએ કે સત્ત્વશીલ, આધ્યાત્મિક દૃષ્ટિને વરેલા અને ઈશ્વરપરાયણ જીવન જીવતાં દંપતીના ઘરે પ્રભુ જન્મ લે છે. એટલે કે આવી મહાન વિભૂતિને જન્મ લેવાનું સ્થાન, સ્થળ પણ એટલું જ મહત્ત્વનું બની રહે છે.

ભગવાન શ્રીરામચંદ્ર અને શ્રીકૃષ્ણ, ભગવાન બુદ્ધ, ઈસુ ખ્ર્રિસ્ત, ભગવાન શ્રીશંકર, મહાપ્રભુ શ્રીચૈતન્યદેવ વગેરે જે મહાન અવતાર પુરુષો થઈ ગયા તે પ્રત્યેકનાં માતાપિતા વિશે આવી જ વાતો શાસ્ત્રોમાં આપણને જોવા મળે છે. 

રામાયણમાં છે કે શ્રીરામચંદ્ર અને તેમના ભાઈઓના જન્મ પહેલાં અને પછી પણ અનેકવાર એ ચાર ભાઈઓ ભગવાન શ્રીવિષ્ણુના અંશભૂત છે એવાં દર્શન એમની માતાઓને થયેલાં. ભગવાન શ્રીકૃષ્ણનાં માતાપિતાએ તેમના ગર્ભપ્રવેશ વખતે અને જન્મ લીધા પછી તરત જ ષટ્‌-ઐશ્વર્ય સંપન્ન ઈશ્વરરૂપે દર્શન કરેલ. તે ઉપરાંત તેમના જન્મ પછી રોજેરોજ તેમનાં જીવનમાં થયેલાં અદ્‌ભુત અનુભવોની વાત પણ શ્રીમદ્‌ ભાગવત વગેરે પુરાણોમાં આવે છે. ભગવાન બુદ્ધદેવના ગર્ભપ્રવેશકાળે માયાદેવીએ દર્શન કરેલું કે, જ્યોતિર્મય શ્વેત હાથીનો આકાર ધારણ કરીને કોઈક પરમ પુરુષ જાણે કે તેમના ઉદરમાં પ્રવેશ કરી રહ્યો છે. તેમનું આવું સૌભાગ્ય જોઈને ઈંદ્રાદિ બધા દેવતાઓએ તેમની વંદના કરી હતી. ભગવાન ઈસુના જન્મ સમયે તેમની જનની મેરીએ અનુભવેલું કે, અભૂતપૂર્વ દિવ્ય આવેશે તન્મય થઈ જવાથી જ એમનામાં ગર્ભનાં લક્ષણો પ્રગટી આવેલાં. શ્રીશંકરાચાર્યની માતાને અનુભવ થયો હતો કે દેવાધિદેવ મહાદેવનાં દિવ્યદર્શન અને વરદાન પ્રાપ્ત થવાને પરિણામે જ એમણે ગર્ભધારણ થયો હતો. ભગવાન શ્રીચૈતન્યની જનની શચીદેવીના જીવનમાં પણ નાના પ્રકારના દિવ્ય અનુભવો થયેલા હોવાની વાત ‘શ્રીચૈતન્યચરિતામૃત’ જેવા ગ્રંથોમાં લખાયેલી છે.

તાર્કિક રીતે વિચારીએ તો આધુનિક યુગનું વિજ્ઞાન પણ એ હકીકતોનો સ્વીકાર કરે છે કે ઉચ્ચ પ્રકૃતિવાળાં માતાપિતા જ ઉદાર ચરિત્રવાન પુત્રને ઉત્પન્ન કરવા સમર્થ છે. પણ આપણે જોઈએ છીએ કે માનવ મનને પૂરેપૂરો વિશ્વાસ નથી બેસતો. કારણ કે પોતે પ્રત્યક્ષ કરેલા વિષય ઉપર જ સૌથી વધુ વિશ્વાસ એ રાખે છે. અને તેથી આત્મા, ઈશ્વર, મુક્તિ, પરકાળ જેવા બધા વિષયોની પ્રત્યક્ષ અનુભૂતિ ન કરે ત્યાં સુધી તેનો સંદેહ જતો નથી.

એ જે હોય તે. પણ શ્રીરામકૃષ્ણના જન્મકાળે તેમનાં માતાપિતાના જીવનમાં પણ જાતજાતનાં દિવ્યદર્શનો અને અનુભવો થયેલાં. એ હકીકત આપણને વિશ્વાસપાત્ર લોકો પાસેથી જાણવા મળી છે, એટલે એ બધી વાતો આપણે સ્વીકારવી જ રહી.

રોજ સવારે અને સાંજે સંધ્યા કરવા બેસીને જે વખતે શ્રીરામકૃષ્ણદેવના પિતાશ્રી ખુદીરામ ગાયત્રીદેવીના ધ્યાનમાં ડૂબી જતા ત્યારે તેમના વક્ષ:સ્થળનો રંગ લાલ થઈ જતો. એમની આંખોમાંથી અવિરત પ્રેમાશ્રુની ધારા વહેતી. જ્યારે વહેલી સવારે તેઓ ફૂલ વીણવા જતા ત્યારે એ જોતા કે તેમનાં આરાધ્ય શીતળાદેવી આઠ વરસની કન્યાનું રૂપ લઈને લાલ વસ્ત્ર અને જાતજાતનાં અલંકારો ધારણ કરીને હસતાં હસતાં તેમની સાથે ફરી રહ્યા છે અને ફૂલ ભરેલી ઝાડની ડાળીઓ નમાવી રાખીને તેમને ફૂલ તોડવામાં મદદ કરી રહ્યાં છે. આવાં દિવ્યદર્શનોથી તેમનું અંતર સદા ઉલ્લાસપૂર્ણ રહેતું. અંતરનાં દૃઢ વિશ્વાસ અને ભક્તિના એક અપૂર્વ દિવ્ય આવેશથી તેમનો ચહેરો સદા શોભતો. એમના સૌમ્ય શાંત મુખનું દર્શન કરીને ગ્રામવાસીઓએ દિવ્યતાનો પોતાના અંતરમાં અનુભવ કરતા. ધીરે ધીરે લોકો એમને ઋષિ જેટલાં શ્રદ્ધા-ભક્તિથી જોવા લાગ્યા. એમને આવતાં જોઈને તેઓ ગપ્પા મારવાનું બંધ કરીને આદર સહિત ઊભાં થઈ જતા.

તેમના સ્નાન સમયે એકી સાથે તળાવના પાણીમાં ઊતરવામાં લોકોને સંકોચ થતો. તેમના આશીર્વાદ અચૂક ફળશે જ એમ માનીને સુખમાં કે દુ:ખમાં તે પ્રાપ્ત કરવા માટે તેમની પાસે લોકો પહોંચી જતા.

સ્નેહ અને સરળતાથી મૂર્તિ શ્રીમતી ચંદ્રાદેવીએ પણ પોતાની દયા અને સ્નેહથી પડોશીઓનાં મન જીતી લીધાં હતાં. તેથી લોકો તેમનો માતાની જેમ આદર કરતા. કારણ કે સુખમાં કે દુ:ખમાં તેમના જેટલી હૃદયની સહાનુભૂતિ બીજે ક્યાંયથી એમને મળતી નહિ. ગરીબો જાણતાં કે ગમે ત્યારે ચંદ્રાદેવી પાસે જઈને ઊભા રહીશું તો તરત જ કંઈક ને કંઈક ખાવા મળશે જ.

ભિક્ષુક સાધુઓ જાણતા કે આ ઘરનાં બારણાં એમને માટે સદાયે ખુલ્લાં જ છે. પડોશનાં છોકરાં જાણતાં કે ચંદ્રાદેવીની પાસે તેઓ ગમે તે ચીજ મેળવવાની રટ લઈને બેસશે તો કોઈ ને કોઈ રીતે પૂરી થવાની જ. આ પ્રમાણે પડોશનાં બાળકો, વૃદ્ધો, સ્ત્રીઓ તમામ ખુદીરામની પર્ણકુટિએ અવારનવાર આવીને ઊભા રહેતાં અને પોતે આર્થિક રીતે ગરીબ હોવા છતાંય એ પર્ણકુટિ એક અપૂર્વ શાંતિથી પરિપૂર્ણ હતી.

કામારપુકુરમાં વસ્યે ખુદીરામને છ વરસ થઈ ગયાં. પુત્ર રામકુમારે હવે સોળમા વર્ષમાં ને કન્યા કાત્યાયનીએ અગિયારમાં વર્ષમાં પ્રવેશ કર્યો. રામકુમારે મોટા થઈને સંસારનો ભાર ઉપાડી લીધો છે એ જોઈને હવે ખુદીરામને નિશ્ચિંત બનીને બીજી તરફ ધ્યાન દેવાનો સુયોગ મળ્યો. થોડા વખત બાદ સન ૧૮૨૪માં તેઓએ પગપાળા સેતુબંધ – રામેશ્વર દર્શન માટે પ્રયાણ કર્યું, અને દક્ષિણ દેશનાં બધાં તીર્થોની યાત્રા કરીને લગભગ એક વરસ પછી ઘરે પાછા ફર્યા. સેતુબંધથી શિવનું એક બાણિંલગ તેઓ કામારપુકુર લાવ્યા હતા અને તેની નિત્યપૂજા કરતા. રામેશ્વર નામનું એ બાણિંલગ આજે ય કામારપુકુરમાં રઘુવીર-શિલા અને શીતળાદેવીના કુંભની જોડાજોડ જોવા મળે છે. ચંદ્રાદેવીએ સન ૧૮૨૬માં એક પુત્રને જન્મ આપ્યો. રામેશ્વરના તીર્થેથી પાછા ફરીને આ પુત્ર પ્રાપ્ત થયો હોવાથી ખુદીરામે એનું નામ રામેશ્વર રાખ્યું.

ખુદીરામના ધર્મંગત સંસારનાં સહુ સ્ત્રીપુરુષોમાં કોઈ ને કોઈ વિશેષતા હતી. ખુદીરામ અને તેમનાં પત્ની ચંદ્રાદેવીમાં એ વિશેષ શક્તિઓ પ્રગટેલી હોવાથી તે તેમનાં સંતાનોમાં પણ ઊતરી આવેલી. પતિની માફક ચંદ્રાદેવીને પણ વખતો વખત દિવ્યદર્શન થતાં.

૧૮૩૫ની સાલમાં ખુદીરામના જીવનમાં એક મહત્ત્વનો બનાવ બનેલો. એમની તીર્થદર્શનની અભિલાષા ફરી એકવાર પ્રબળ બની. એમણે આ વખતે પિતૃઓનું શ્રાદ્ધ કરાવવા માટે ગયા જવાનો સંકલ્પ કર્યો. સાઠ વર્ષની ઉંમરે થયેલી. તો યે પગપાળા જ યાત્ર કરી હતી. તેઓ વારાણસી થઈને ગયાધામની યાત્રાએ ગયેલા. કાશીમાં શ્રી વિશ્વનાથનાં દર્શન કરીને જ્યારે તેઓ ગયા ધામ પહોંચ્યા, ત્યારે ચૈત્ર મહિનો હતો. આ માસમાં ગયા ક્ષેત્રે પિંડદાન દેવાથી સર્વપિતૃઓને અક્ષય પરિતૃપ્તિ થાય છે એ તેઓ જાણતા હતા. એકાદ મહિનો ત્યાં રહીને તેમણે શાસ્ત્રવિહિત બધાં કાર્યનું અનુષ્ઠાન કરીને છેવટે શ્રીગદાધરનાં પાદપદ્‌મોમાં પિંડપ્રદાન કર્યું. આ પ્રમાણે શાસ્ત્રોક્ત વિધિથી પિતૃકાર્ય પૂર્ણ કરીને ખુદીરામના હૃદયમાં તે દિવસે તૃપ્તિ અને શાંતિ થયેલી. પિતૃઋણ યથાશક્તિ ચૂકવી દઈને આજે તેઓ નિશ્ચિંત થઈ ગયા હતા. રાત્રે ઊંઘમાં જરાક આંખ મળી ના મળી ત્યાં તો તેમણે સ્વપ્ન જોયું.

એકવાર પ્રભુપિતા ગયા ધામે જાય;
થયું ત્યાંહાં કેવું બધું સુણો કથામાંય.
એક દિન દ્વિજવરે દેખિયું સ્વપ્ન;
અતિ સુમધુર કથા વિચિત્ર કથન.
શંખ ચક્ર ગદા પદ્‌મ ચતુર્ભુજધારી;
શ્યામળી ઉજ્જવળ કાયા પરે જાઉં વારી.

સ્વપ્નમાં ખુદીરામે જોયું કે શ્રીમંદિરમાં ભગવાન ગદાધરનાં ચરણકમળની સમક્ષ એમનાં સર્વ પિતૃઓને ઉદ્દેશીને તેઓ પિંડ આપી રહ્યા છે અને પિતૃઓ પણ આનંદ સહિત દિવ્યજ્યોતિર્મય શરીરે તે ગ્રહણ કરીને તેમને આશીર્વાદ આપે છે! ભક્તિથી ગદ્‌ગદ્‌ ચિત્તે રુદન કરતાં કરતાં ચરણસ્પર્શ કરીને તેમને પ્રણામ કરી રહ્યા છે. બીજી જ ક્ષણે એક દિવ્ય જ્યોતિપ્રકાશ મંદિરમાં છવાઈ ગયો અને પોતાના પિતૃઓ બંને હાથ જોડીને મંદિરમાં સુંદર સિંહાસન ઉપર બિરાજેલા એક અદ્‌ભુત દિવ્યપુરુષની ઉપાસના કરે છે.

એમણે જોયું કે નવદુર્વાદળ સરખા શ્યામ વર્ણના અને શંખ-ચક્ર-ગદા-પદ્‌મધારી જ્યોતિર્મય તનુવાળા એ પુરુષ સ્નેહપૂર્ણ ભાવે તેમને પોતાની પાસે બોલાવી રહ્યા છે! તેઓ તેમની પાસે જઈ પહોંચ્યા અને ભક્તિવિહ્‌વળ ચિત્તે દંડવત્‌ પ્રણામ કરીને આવેગપૂર્ણ હૃદયે સ્તુતિ કરવા લાગે છે. શ્રી ગદાધર વિષ્ણુ એમને કહેવા લાગ્યા :

બોલે, ‘પુત્ર થઈ અવતરું તુજ ઘરે’;
હસી હસી દ્વિજવર સાથે વાતો કરે.
ઉત્તરમાં બોલે દ્વિજ, ‘અરે મારા બાપ,
ગરીબ બ્રાહ્મણ હું તો, વિશ્વપતિ આપ.
સેવા કેમ કરી થાય આપની મુજથી;
ઘેર મારે ચાર દિ’નું ખાવા ધાન નથી.’
ઉત્તરમાં દેવ કહે, ‘ડરમા તું દ્વિજ;
પોષણ મારાની ચિંતા રાખવી નહિ જ.’

એ દિવ્ય પુરુષ મધુર સ્વરે તેમને કહેવા લાગ્યા કે, ‘ખુદીરામ, તમારી ભક્તિથી હું પરમ પ્રસન્ન થયો છું. પુત્રરૂપે તમારે ઘેર અવતરીને હું તમારી સેવા ગ્રહણ કરીશ!’ સ્વપ્ને પણ અકલ્પિત એવી આ વાત સાંભળીને તેમના આનંદનો પાર રહ્યો નહિ. પરંતુ બીજી જ ક્ષણે એમને પોતાના દારિદ્ર્યનો ખ્યાલ આવ્યો. એમને શું ખાવા આપશે, ક્યાં રાખશે એવા બધા વિચારો આવતાં ઊંડા વિષાદથી ભરપૂર થઈ જઈને રડતાં રડતાં કહેવા લાગ્યા, ‘ના, ના, પ્રભુ, આટલા મોટા સદ્‌ભાગ્યને લાયક હું નથી. કૃપા કરીને આપે મને દર્શન દઈને કૃતાર્થ કર્યો અને આવી ઇચ્છા પ્રગટ કરી તે જ મારા માટે ઘણું બધું છે. આપ ખરેખર જ પુત્ર થઈને પધારો તો હું દરિદ્ર આપની શી સેવા કરી શકું?’ એમના કરુણ શબ્દો સાંભળીને એ દિવ્ય પુરુષ વધુ પ્રસન્ન થઈને બોલ્યા, ‘ડરો નહિ, તમે જે કાંઈ ધરશો તે હું તૃપ્તિથી ગ્રહણ કરીશ. મારી ઇચ્છા પૂરી કરવામાં સહાયરૂપ બનો.’ ખુદીરામ આ વાત સાંભળીને આગળ બીજું કંઈ બોલી ન શક્યા.

આનંદ અને દુ:ખ વગેરે પરસ્પર વિરોધી ભાવોએ એકી સાથે તેમના અંતરમાં વહેવા માંડીને તેમને સ્તબ્ધ અને ભાનરહિત કરી મૂક્યા. એ જ વખતે એમની નિદ્રા ભાંગી ગઈ. ઊંઘ ઊડી જતાં કેટલીયે વાર લગી પોતે ક્યાં છે તે ખુદીરામ સમજી ન શક્યા. સ્વપ્નની વાસ્તવિકતાએ ક્યાંયે સુધી જાણે એમને જકડી રાખ્યા. પછી ધીરે ધીરે સ્થૂળ જગતનું ભાન આવતાં પથારી છોડીને તેઓ આ અદ્‌ભુત સ્વપ્નને યાદ કરીને અનેક વાતોનો વિચાર કરવા લાગ્યા. પરિણામે તેમના શ્રદ્ધાળુ હૃદયે પાકો નિશ્ચય કર્યો કે દેવસ્વપ્ન કદી મિથ્યા થાય નહિ. નક્કી કોઈ મહાપુરુષ તેમને ઘેર જલદીથી જન્મ ગ્રહણ કરશે. આ મોટી ઉંમરે પણ પોતે ફરી એકવાર પુત્ર મુખ નીરખશે. થોડાક દિવસો પછી ગયાધામથી વિદાય લઈને સન ૧૮૩૫ના વૈશાખમાં તેઓ કામારપુકુર આવી પહોંચ્યા.

ગયાધામે ખુદીરામને જે અદ્‌ભુત સ્વપ્નદર્શન થયેલું તેની વાત ઘેર આવીને કોઈને પણ ના કહેતાં તેઓ ચૂપચાપ તે ફળે છે કે નહિ તે જોતા રહ્યા. આવીને પહેલી વાત એમની નજરે એ પડી કે ચંદ્રાદેવીના સ્વભાવમાં અદ્‌ભુત પરિવર્તન આવેલું છે. એમણે જોયું કે માનવદેહધારી ચંદ્રાદેવીનું સ્વરૂપ દિવ્યતાને પથે આરૂઢ છે! કોણ જાણે ક્યાંથી એક સર્વજનીન પ્રેમે તેમના હૃદયને પરિપૂર્ણ કર્યું હતું.

અનાજપાણી કે રોજિંદા ચીજોની કોઈ વસ્તુની આજુબાજુના ઘરોમાં તંગી પડતી તો તે પોતાના ઘરમાંથી કાઢીને તે જ ઘડીએ તેને પહોંચાડતા. કોઈ કારણસર કોઈક ભૂખ્યું રહેલું છે તો તરત જ તેને આગ્રહ કરીને ઘેર તેડી લાવીને તેને પોતાનું ભાણું જમાડતા અને પોતે પાણી પીઈને દિવસ કાઢી નાખતા.

શ્રીરઘુવીરને હવે તે ખરેખર પોતાના પુત્ર રૂપે નિહાળતા. શ્રીશીતળાદેવી અને શ્રીરામેશ્વરનું બાણિંલગ પણ એમના હૃદયમાં એવું જ સ્થાન પામેલાં.

ચંદ્રાદેવી એક દિવસ ઘર પાસે આવેલ જુગી શિવમંદિર પાસે ઊભાં હતાં. ત્યારે એમને એક અનુભૂતિ થઈ. શ્રી અક્ષયકુમાર સેન શ્રીરામકૃષ્ણ પુંથિમાં એનું વર્ણન આ પ્રમાણે કરે છે :

અહીં આઈ ઠાકુરાણી પોતાને ભવને;
બેસી કરે વાતચીતો નારીઓ ત્રણને.
શિવનું મંદિર એક હતું સાવ સામે;
મહાજ્યોતિ ત્યાંથી ધસી આવી તેહ ઠામે.
વાયુ વેગે આઈ તણી કાયમાં એ જાય;
ભય પામ્યાં આઈ કાયા થર થર થાય.
જેહ ત્રણ નારી સાથે વાતો થતી હતી;
આઈ બોલ્યાં ફોડ પાડી ઘટના એ બધી.

‘એક દિવસે જુગીઓના મહાદેવના મંદિર સામે ઊભાં ઊભાં ચંદ્રાદેવી ધની અને બીજી બે સ્ત્રીઓ સાથે વાતો કરતાં હતાં, એટલામાં એમણે જોયું કે મહાદેવજીના અંગમાંથી દિવ્ય જ્યોતિ નીકળીને મંદિરમાં પ્રસરી છે અને ત્યાંથી વાયુની જેમ મોજાંના આકારે તે એમની તરફ ધસી રહી છે. નવાઈ પામીને એ વાત ધનીને કહેવા જાય છે એટલામાં તો એકદમ એમની પાસે આવીને જાણે બળપૂર્વક એમની અંદર એ જ્યોતિ પ્રવેશ કરવા લાગી. ભય અને વિસ્મયથી સ્તંભિત થઈ જઈને તેઓ મૂર્ચ્છા ખાઈને પડી ગયાં. થોડીવારે ધનીની સારવારથી એમને ભાન આવ્યું. એમને તો તે દિવસથી એમ જ લાગ્યા કરતું કે જાણે એ જ્યોતિ એમના ઉદરમાં પ્રવેશીને રહેલી છે અને અંદર ગર્ભ ફરકતો હોય તેમ થયા કરે છે!

એ વાત પણ એમણે ધની અને પ્રસન્નને કહેલી. તે સાંભળીને બંનેએ એમને ‘મૂરખ’ અને ‘ઘેલી’ એવું કેટલુંયે કહ્યું હતું. પણ એ ધની લુહારણનું શ્રીરામકૃષ્ણના બાલ્યલીલામાં ઘણું મોટું પ્રદાન હતું. એટલે જ કવિ કહે છે કે ધની અત્યંત ભાગ્યવતી છે અને તેઓ એમની પદરજ યાચે છે. કવિ કહે છે :

પ્રભુ પરે પુત્રસ્નેહ બહુ હતો તેને; મળે એ સૌભાગ્ય, હોય મહાભાગ્ય જેને. ભુવનપાવન જે છે વાંછાકલ્પતરુ; અનાથના નાથ જેહ જગતના ગુરુ. પ્રભુદેવ બાઈને સંબોધી કહે ‘માતા’; તેની પદરજે થાય ચિત્ત તણી શાતા. વિચાર કરું ન કશો જાતિકુળ ધારા; ચાહે રામકૃષ્ણને જે પૂજ્ય છે એ મારા. બ્રાહ્મણ થઈને જે કો પ્રભુદ્વેષી હોય; ચંડાળથી નીચ તેને મારું મન જોય.

શ્રીરામકૃષ્ણના જન્મ પછી એ ધની લુહારણ જ એમની સારસંભાળ લેતા અને ખૂબ વ્હાલ અને પ્રેમ કરતા. શ્રીરામકૃષ્ણદેવ પણ ધનીને માતા કહીને પુકારતા. એટલે જ કવિ કહે છે કે ભલે ધની ગમે તે જાતિની હોય પણ પ્રભુ જેને માતા ગણતા હોય એ પવિત્ર અને પૂજ્ય ગણાય ઉચ્ચવર્ણના લોકો કે બ્રાહ્મણ હોવા છતાં જો રામકૃષ્ણનો કોઈ દ્વેષ કરતાં હોય તો કવિની દૃષ્ટિએ એક ક્ષુદ્ર માનવ ગણાય.

ભગવાન શ્રીરામકૃષ્ણદેવના આવિર્ભાવ પહેલાં એમનાં માતપિતાને થયેલાં અદ્‌ભુત દિવ્યદર્શનો આપણને એ વાતનો સ્પષ્ટ ખ્યાલ આપે છે કે આ દિવ્ય વિભૂતિ આ ધરતી પર અવતરીને જાતિ, જ્ઞાતિ, સંપ્રદાય કે દેશના સીમાડાઓ ઉલ્લંઘીને જગતના સર્વને એકતાના તારે બાંધી દેશે અને ખરેખર શ્રીરામકૃષ્ણદેવના સમગ્ર જીવન પર દૃષ્ટિ કરીએ તો ઉપર્યુક્ત બધી બાબતોની આપણને પ્રતીતિ થશે જ.

Total Views: 61

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.