જ્યારે ધ્યાન ઊંડું હોય ત્યારે માણસ ઘણી અદ્‌ભુત વસ્તુઓ જુએ છે. વરાહનગરમાં ધ્યાન કરતાં કરતાં એક દિવસ મેં ઇડા અને પિંગલા નાડીઓ જોઈ. થોડા જ પ્રયત્નથી આ નાડીઓ જોઈ શકાય છે. સુષુમ્ણાનાં દર્શન પછી માણસ ઇચ્છે તે જોઈ શકે છે. જો માણસને ગુરુ તરફ અચળ ભક્તિ હોય તો ધ્યાન, જપ વગેરે આધ્યાત્મિક સાધના સ્વાભાવિક રીતે અને જલદીથી આવડી જાય છે; તેને માટે વધારે મથામણ કરવાની જરૂર પડતી નથી. ‘गुरूर्ब्रह्मा गुरूर्विष्णुः गुरूर्देवो महेश्वरः ।’ ‘ગુરુ બ્રહ્મા છે, ગુરુ વિષ્ણુ છે, ગુરુ શિવ પોતે જ છે…

કુંડલિનીની અંદર નિત્ય શુદ્ધ, જ્યોતિર્મય, સદામુક્ત એવો સિંહરૂપી આત્મા રહેલો છે; અને માણસને ધ્યાન અને એકાગ્રતા દ્વારા તેનો સાક્ષાત્કાર થાય કે તરત જ આ માયાનું જગત અદૃશ્ય થઈ જાય છે, આ આત્મા બધામાં સમાન ભાવે રહેલો છે. માણસ જેમ વધારે સાધના કરે તેમ વધારે ઝડપથી તેનામાં કુંડલિની જાગ્રત થાય છે. જ્યારે આ કુંડલિનીની શક્તિ મસ્તકમાં પહોંચે છે ત્યારે માણસનું દર્શન અંતરાય વિનાનું બને છે, તે આત્માનો સાક્ષાત્કાર કરે છે.’

માણસે નિશ્ચય કરીને તેમાં (સાધનામાં) વળગી રહેવું જોઈએ. આ જ સાચો પુરુષાર્થ છે. તેલની અખંડ પડતી ધારા પેઠે માણસે એક જ વસ્તુ ઉપર મનને સ્થિર રાખવું જોઈએ. સામાન્ય માણસનું મન જુદી જુદી વસ્તુઓમાં વેરવિખેર થઈ ગયેલું હોય છે; ધ્યાન કરતી વખતે પણ પ્રથમ તો મન ભટકવાનો સંભવ હોય છે. પણ મનમાં ભલે ગમે તે ઇચ્છા ઉદ્‌ભવે, તમારે શાંત બેસી રહેવું અને કેવા વિચારો આવે છે તે જોયા કરવું. આ પ્રમાણે મન ઉપર દૃષ્ટિ રાખવાથી તે શાંત થાય છે; પછી તેમાં વિચારતરંગો ઊઠતા નથી. આ તરંગો તે મનની વિચારપ્રવૃત્તિઓ છે. જે બાબતો અંગે તમે અગાઉ ઊંડો વિચાર કર્યો હોય છે તે બધી એક સુપ્ત મનના પ્રવાહનું સ્વરૂપ લે છે, અને તેથી ધ્યાન વખતે તે મનમાં જાગી ઊઠે છે. ધ્યાન દરમિયાન આ તરંગો કે વિચારોનો ઉદ્‌ભવ એ સૂચવે છે કે તમારું મન એકાગ્રતા તરફ આગળ વધે છે. ક્વચિત્‌ મન અમુક ચોક્કસ ભાવો ઉપર એકાગ્ર થાય છે, તેને સવિકલ્પ એટલે કે સ્પંદન સહિત સમાધિ કહેવામાં આવે છે, પરંતુ જ્યારે મન લગભગ બધી પ્રવૃત્તિઓમાંથી મુક્ત થાય છે ત્યારે તે અનંત જ્ઞાનના સારભૂત સપ્રતિષ્ઠ અંતરાત્મામાં વિલીન થઈ જાય છે. આને સર્વ પ્રવૃત્તિઓમાંથી મુક્તિરૂપ નિર્વિકલ્પ સમાધિ કહેવાય છે. આવી બંને પ્રકારની સમાધિ વારંવાર શ્રીરામકૃષ્ણદેવમાં અમે જોઈ છે. આ સ્થિતિએ પહોંચવા તેઓને કંઈ પ્રયાસ કરવો પડતો નહિ; આ સમાધિ તેઓને તત્ક્ષણ જ આપોઆપ પ્રાપ્ત થતી. આ એક અદ્‌ભુત ઘટના હતી. તેમને જોવાથી જ આ બધી વસ્તુઓ અમે સાચી રીતે સમજતા થયા. દરરોજ એકલા ધ્યાન કરો; બધું જ આપોઆપ ખુલ્લું થઈ જશે. અત્યારે જ્ઞાનરૂપિણી જગન્માતા અંતરમાં સુષુપ્ત છે, માટે તમે તે સમજી શકતા નથી. તે જ કુંડલિની છે. જ્યારે તમે ધ્યાન કરતાં પહેલાં ‘નાડીશુદ્ધિ’ કરો ત્યારે મૂલાધારમાં કુંડલિની શક્તિ ઉપર તમારે મનમાં ને મનમાં એના ઉપર સખત પ્રહાર કરીને કહ્યા કરવું જોઈએ : ‘હે માતા! ઊઠો, જાગો.’ માણસે આ સાધના ધીરે ધીરે કરવી જોઈએ. ધ્યાન કરતી વખતે ઊર્મિઓને તદ્દન દાબી દેવી. તેઓ ભયનું મોટામાં મોટું કારણ છે. જે લોકો ઊર્મિશીલ છે તેમની કુંડલિની ઝડપથી ઉપર ધસી આવે છે ખરી, પણ જેટલી ઝડપથી તે ચડે છે તેટલી જ ઝડપથી તે નીચે ઊતરી જાય છે; અને જ્યારે તે ઊતરી જાય છે ત્યારે સાધકનું સત્યાનાશ કરી નાખે છે. આ કારણને લીધે જ કીર્તનો અને બીજાં ઊર્મિલતા ઉત્પન્ન કરનારાં સાધનોમાં આ એક મોટી ખામી છે. ક્ષણિક ઊભરામાં નાચવા-કૂદવાથી તે શક્તિ ઉપર ચડે છે, પણ તે કદી ત્યાં ટકતી નથી. ઊલટાની તે જ્યારે પોતાને માર્ગે પાછી વળી છે, ત્યારે માણસમાં ભયંકર કામવૃત્તિ ઉત્પન્ન કરે છે. અમેરિકામાં મારાં વ્યાખ્યાનો સાંભળી, ક્ષણિક ઉત્તેજનાને લીધે અનેક શ્રોતાઓ ભાવાવેશમાં આવી જતા અને કેટલાક તો વળી મૂર્તિની માફક સ્તબ્ધ બની રહેતા; પણ તપાસ કર્યા પછી મને માલૂમ પડ્યું કે તેમાંના ઘણાને તે સ્થિતિ પછી કામવિકાર વધારે પ્રમાણમાં આવતો. ધ્યાન અને એકાગ્રતાના એકધારા અભ્યાસને અભાવે જ આમ બને છે.

Total Views: 42

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.