સ્વામી વિવેકાનંદનું વ્યક્તિત્વ બહુમુખી હતું. તેઓ એક આધ્યાત્મિક વિભૂતિ હતા, છતાંયે એમને પોતાની આધ્યાત્મિક પ્રગતિથી સંતોષ ન હતો. તેઓ સર્વના કલ્યાણ માટે ઉત્કટતાથી ઝઝૂમતા રહ્યા. તેમણે જે કંઈ કર્યું અને એમના મુખેથી જે વાણી વહી તે બધું, ભારતની મુક્તિ માટે વિશ્વનાં દુ:ખકષ્ટને દૂર કરવા અને એનાથીયે વધુ તો દરેક માનવને પોતાની દિવ્યતાનું જ્ઞાન મળી રહે એ હેતુ માટે હતાં. એટલે જ એમનો સંદેશ કોઈ એક સમયકાળનો ન હતો, પરંતુ એ સર્વકાલીન હતો; કોઈ એક રાષ્ટ્ર કે દેશ માટે ન હતો પરંતુ સમગ્ર માનવજાત માટે હતો; માનવજીવનના કોઈ એક પાસા માટે ન હતો પરંતુ માનવજીવનના અસ્તિત્વનાં બધાં પાસાં માટે હતો – સર્વાંગી કલ્યાણ માટે હતો.

સ્વામીજીના વ્યક્તિત્વમાં એક બાજુએ આપણને એક આદર્શ સંન્યાસી, એક તપસ્વી-યોગી જોવા મળે છે તેવી જ રીતે એક ઉત્તમ શિક્ષક અને ઉત્કૃષ્ટ નેતા પણ જોવા મળે છે. આપણે એમનામાં એક મહાન કલાકારને જોઈ શકીએ છીએ સાથે ને સાથે તેઓ એક ગૂઢ તત્ત્વજ્ઞાની અને મહાન દર્શનશાસ્ત્રી પણ હતા. તેમનામાં આપણને એક પરમ ભક્ત અને સર્વોત્કૃષ્ટ કર્મયોગીનાં દર્શન થાય છે. તેઓ એક શ્રેષ્ઠ પ્રતિભાશાળી વક્તા હતા સાથેને સાથે સંભાષણ કે પરિચર્ચા કરવામાં પણ કુશળ હતા. એમની પાસે બધી પ્રજાને આપવાનો સુયોગ્ય સંદેશ હતો. એટલે તેઓ સાચા પયગંબર હતા. તેઓ નિર્વિવાદ એક સ્વદેશભક્ત સંન્યાસી પણ હતા.

સ્વામીજીને આપણે સૌ પહેલાં એક આદર્શ સંન્યાસી રૂપે જોઈશું. શ્રીરામકૃષ્ણદેવ પોતાના આ પટ્ટશિષ્ય નરેન્દ્રનાથને ‘શુકદેવ’ કહેતા. તેઓ શુકદેવ સમા બ્રહ્મજ્ઞાની અને જન્મજાત સંન્યાસી હતા. તેઓ પવિત્ર, નિર્મળ અને ભૌતિકતાથી અલિપ્ત રહેનાર વિરલ સંન્યાસી હતા. તેમના આગમન પહેલાં શ્રીઠાકુર શ્રી જગન્માતાને પ્રાર્થના કરતાં કહેતા: ‘મા, આ સંસારીઓ સાથે વાતો કરી કરીને મારા હોઠ બળી ગયા છે; હવે, જેની સાથે હું પૂર્ણ તૃપ્તિથી આધ્યાત્મિક જગતની વાતો કરી શકું, એવા એક શુદ્ધ સત્ત્વવાળા યુવાનને મોકલો.’ આ પ્રાર્થના જાણે કે જગદંબાએ સાંભળી અને એમણે નરેન્દ્રનાથને શ્રીઠાકુરનાં ચરણોમાં આવવા પ્રેર્યા. આ રીતે અંતે આપણે નરઋષિ નરેન્દ્રમાંથી એક સર્વોત્કૃષ્ટ સંન્યાસી સ્વામી વિવેકાનંદને જોઈ શક્યા.

શ્રીઠાકુરની મહાસમાધિ પછી દક્ષિણેશ્વર અને કાશીપુરમાં તેમજ બારાનગર મઠમાં એમણે વિતાવેલા એ દિવસો કેવા હતા! એમનો એ સમયનો આધ્યાત્મિક અને તપોભાવ પણ કેટલો ઉત્કટ હતો! તેઓ દિવસ-રાત આધ્યાત્મિક સાધના અને તપસ્યામાં સર્વકંઈ ભૂલીને ડૂબેલા રહેતા. આ દિવસોનું જીવન એટલે આત્મમુક્તિનું જીવન, જીવનનાં બધાં બંધનોને ખંખેરી નાખવાનું જીવન, ઈશ્વર માટેના ઉત્કટ ઝંખનાભર્યા પ્રેમનું જીવન.

એમને માટે દુનિયાની સમૃદ્ધિઓ, સત્તા, ભાવ-ભપકા અને સુખ-આરામ, ક્ષુદ્ર બની જતાં. સ્વામી વિવેકાનંદ આ બધાથી ક્યારેય ચલિત ન થયા. તેઓ પોતાના પરિવ્રાજક જીવનમાં રાજા-મહારાજાઓ, રાજકુંવરો અને તેમના એશ-આરામથી છલકતા મહેલોમાં તો રહ્યા ખરા, પણ એમણે ભારતના રંક, નિર્બળ અને ગરીબની ઝૂંપડીને વધુ ચાહી હતી.

માનવજાતને પોતાના જીવનના બધાં ક્ષેત્રોમાં ઉન્નત કરવા માટેની એક ભવ્ય યોજના સાથે અવિરત કાર્ય કરનારા સ્વામીજી આપણે જોઈએ છીએ. સદાયે મુક્ત અવસ્થામાં જીવનાર, યશકીર્તિની જરાય કામના ન રાખનાર સ્વામીજી આપણને જોવા મળે છે. સમગ્ર વિશ્વમાં ફરી ફરીને ‘વેદાંતનો જયઘોષ’ કરીને છેવટે ભારતમાં આવીને સમગ્ર ભારતવર્ષને એની ઘોરનિદ્રામાંથી જાગ્રત કરીને, પુન: પ્રતિષ્ઠિત કરવા માટે એમણે અવિરત અથાક પ્રયાસ કર્યા. પોતાના જીવનકાર્યને કાયમી સ્વરૂપ આપવા એમણે રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન જેવી એક આંતરરાષ્ટ્રિય ખ્યાતિ ધરાવતી સંસ્થાની સ્થાપના પણ કરી. પણ કેવું આશ્ચર્ય આ સ્થાપનાનું કાર્ય પૂર્ણ થતાં વેંત એમણે પોતાના શિરેથી બધી જવાબદારીઓ ખંખેરી નાખી અને એક અકિંચન સંન્યાસીની અદાથી શેષ અલ્પકાળ વીતાવ્યો. આ જવાબદારીઓને એમણે પોતાના ગુરુબંધુ સમર્થ સંન્યાસી સ્વામી બ્રહ્માનંદજીને સોંપીને તેઓ નિશ્ચિંતપણે આધ્યાત્મિક જગતમાં સરી પડ્યા.

હવે આપણે એમના જીવનના અગત્યના પાસા ‘યોગી-સ્વામી વિવેકાનંદ’ વિશે જોઈએ.

એમનું સમગ્ર જીવન એટલે એક યોગીની અટલ-અશેષ એકાગ્રતા. આવી એકાગ્રતાના શતાંશમાં પણ કોઈ મહાન તપસ્વી સુધ્ધાં ભાગ્યે જ રહી શકે. તેમણે એકાગ્રતા દ્વારા પોતાની યોગિક શક્તિઓને એટલી બધી વિકસાવી હતી કે તેઓ ધારે ત્યારે ગમે તેવા વાતાવરણ વચ્ચે પણ પોતાની ચોતરફ એક દિવ્ય વર્ચસ્વ જમાવી શકતા અને સર્વ કોઈને વશ પણ કરી શકતા. પરંતુ માનવ આત્માની સ્વતંત્રતા પ્રત્યે એમને એટલી બધી ઊંડી લાગણી હતી કે તેઓ પોતાની કોઈ ઇચ્છાઓને બીજા પર પરાણે લાદતા ન હતા. યુરોપમાં એક વ્યાખ્યાનમાં શ્રોતાઓ એમને સાંભળવામાં સાવ લીન બની ગયા હતા ત્યારે સ્વામીજીએ અધવચ્ચેથી જ પોતાનું વક્તવ્ય અટકાવીને ત્યાંથી ચાલ્યા ગયા. ત્યાર પછી કોઈ ભક્તે એમને આમ કરવાનું કારણ પૂછ્યું ત્યારે તેમણે કહ્યું: ‘મારામાં અનન્ય શક્તિઓને હું પ્રગટતી અનુભવતો હતો, એના પ્રભાવે એ બધા શ્રોતાઓનાં મનહૃદયને કાયમને માટે મારે અધીન થઈ જવાની શક્યતા મેં નિહાળી. અને હું તો એવું માનું છું કે દરેકેદરેક માનવીએ કોઈ પણ ઉત્કૃષ્ટ આદર્શને ગ્રહણ કરીને, તેનું ચિંતન-મનન કરીને પછી જ પોતાની રીતે જ તેનો વિકાસ કરવો જોઈએ. કોઈ પણ માણસ ઉપર કોઈ પણ બાબત પરાણે લાદી દેવી ન જોઈએ. એટલે હું ત્યાંથી મારું વક્તવ્ય અટકાવીને બહાર નીકળી ગયો.’

કોઈ પરમ હઠયોગી કે રાજયોગીને આવી આધ્યાત્મિક શક્તિઓ પ્રાપ્ત કરતાં વર્ષો વીતી જાય પણ સ્વામીજી માટે આ બધું સહજ હતું. એમનું મન એટલું બધું એકાગ્ર હતું કે ગમે તે પળે તે ઉચ્ચતર ભાવાવસ્થામાં લીન થઈ જતાં અને બીજી જ પળે તેઓ આ ભૌતિક સ્તરે સહજભાવે આવી જતા.

એક આદર્શ ગુરુ અને શિક્ષક તરીકે આપણે સ્વામીજીને જોઈએ. સાચા ગુરુ પોતાના શિષ્યોની અપૂર્ણતા કે દોષને નજરમાં લીધા વિના પોતાનું સર્વસ્વ આપી દે છે. સ્વામી વિવેકાનંદ પણ આવા જ વિરલ ગુરુ હતા. પોતાના શિષ્યો પ્રત્યેનો એમનો અગાધ પ્રેમ અવર્ણનીય છે. એમાં ગરીબ-તવંગર, ઊંચ-નીચ, ભણેલા-અભણ, નાના મોટા કે સ્ત્રીપુરુષના ભેદભાવ જોવા ન મળતા. બધા શિષ્યોને એવી અંતરની ખાતરી થતી કે તેને જ તેઓ સૌથી વધુ ચાહે છે; આવી ગુરુની શક્તિ સ્વામીજીમાં હતી. એમણે એ બધાને પોતાના આધ્યાત્મિક શિષ્યો જ નહોતા બનાવ્યા પણ એમના સાર્વત્રિક યોગક્ષેમની પણ ચિંતા તેઓ સતત સેવતા. અરે! જીવનના ભોગે પણ તેઓ એ બધા શિષ્યોની પડખે ઊભા રહેતા. કોઈ ભાવિક એમના શિષ્ય બનવા આવતા તો તે એ માટે અધિકારી છે કે નહિ, એ માટેની એની પૂર્વ તૈયારી કે યોગ્યતા છે કે નહિ, એ તેઓ ન જોતા પણ એનામાં અંતરની પૂર્ણ નિષ્ઠા છે કે નહિ એ જ વાત એમને માટે મહત્ત્વની હતી. એના જ કારણે ઈ.ટી. સ્ટર્ડી (સ્વામી કૃપાનંદ) અને મેરી લુઈસ (સ્વામી અભયાનંદ) જેવા પાશ્ચાત્ય શિષ્યોએ એમનો વિશ્વાસઘાત કર્યો પણ સ્વામીજીનાં પ્રેમ અને હૃદયની સહાનુભૂતિ તો એમના પર એવાં ને એવાં જ રહ્યાં.

શ્રીરામકૃષ્ણની જેમ સ્વામીજી પણ પોતાના શિષ્યોને આધ્યાત્મિકતા એક સ્પર્શ અથવા તો માત્ર ઇચ્છાથી જ આપી શકતા હતા. 

હવે આપણે સ્વામીજીની અનન્ય કલાદૃષ્ટિની વાત કરીશું. જો કે સ્વામીજી આધ્યાત્મિકતાની અલૌકિક દુનિયાના માનવ હતા, છતાં પણ પ્રાકૃતિક સૌંદર્ય, કલા, સાહિત્ય, સંગીતના પણ એટલા જ કુશળ જ્ઞાતા હતા. એમને ભારતીય શાસ્ત્રીય સંગીતનું પૂર્ણ જ્ઞાન હતું એટલું જ નહિ પરંતુ યુરોપના સંગીતના અને એમાંય ખાસ કરીને ફ્રાંસના સંગીતની સામાન્ય પ્રણાલીઓના પણ તેઓ સારા એવા જાણકાર હતા. જ્યારે જ્યારે સ્વામીજી ગાતા ત્યારે એમનો કર્ણમધુર સ્વર એમના અંતરના આધ્યાત્મિક ભાવ સાથે એટલો બધો તરબોળ થઈને વહેતો કે એ સંગીતને સાંભળનાર પણ ઉચ્ચતર ભાવજગતમાં ચાલ્યા જતા હોય એવી અનુભૂતિ થતી. તેઓ જરાય થાક અનુભવ્યા વિના કલાકોના કલાકો સુધી પોતાના સુમધુર સ્વરે ગાઈ શકતા. એમનાં ગીતગાનને સાંભળીને શ્રીરામકૃષ્ણદેવ ભાવાવસ્થામાં ચાલ્યા જતા. તેઓ કંઠ્ય અને વાદ્યસંગીતના નિપુણ કલાકાર હતા. યુવાન નરેન્દ્રનાથ દત્તે પોતાના ગરીબ મિત્રને ‘સંગીત કલ્પતરુ’ની ૯૦ પાનાંની સંગીતના એક અનન્ય નિષ્ણાત રૂપે ભૂમિકા લખી આપી હતી અને આ પુસ્તકનાં એક હજાર જેટલાં ગીતોનો સંગ્રહ કરવામાં એને સહાય પણ કરી હતી.

પોતાના પરિવ્રાજક જીવનમાં સ્વામી અખંડાનંદજી સાથે હિમાલયની તળેટીમાં વહેતી ગંગાના કિનારે ધ્યાનમાં લીન હતા. થોડીવાર પછી તેમણે આનંદાશ્ચર્ય સાથે સ્વામી અખંડાનંદજીને આ શબ્દો કહ્યા: ‘જુઓ, આજે ગંગાના ખળખળ વહેતા પ્રવાહમાં કેદાર રાગિણીના સૂરો મેં સાંભળ્યા!’

એક કવિની ભૂમિકામાં તેમનો કાવ્યસંગ્રહ ‘સ્વામી વિવેકાનંદનાં કાવ્યો’ એક અદ્‌ભુત સાહિત્યગ્રંથ છે.

તેઓ શિલ્પસ્થાપત્ય અને ચિત્રકલામાં પણ એટલા જ નિપુણ હતા. બેલુર મઠના શ્રીરામકૃષ્ણ મંદિરના ભાવિ આકારની રૂપરેખા તેમણે જ તૈયાર કરી હતી. એ વખતે એમણે આ શબ્દો ઉચ્ચાર્યા હતા : ‘પૂર્વ અને પશ્ચિમની કલામાં જે કંઈ શ્રેષ્ઠતત્ત્વ હોય એને આ ભાવિ મંદિર અને મઠના બાંધકામમાં લાવવાની મારી ઇચ્છા છે. વિશ્વભરના મારા બધા પ્રવાસો દરમિયાન એકઠી કરેલી શિલ્પસ્થાપત્યની બધી સંકલ્પનાઓ આ મંદિર અને મઠના બાંધકામમાં મૂકવાનો હું પ્રયાસ કરીશ.’ એમના ગુરુબંધુઓ અને ભક્તજનોએ સ્વામીજીના આ સ્વપ્નને સાકાર કર્યું. એના રામકૃષ્ણ મંદિર, બેલુરના બાંધકામમાં સેરાસેનિક ઘુમ્મટ, ગોથિક હોલ, અજન્તાની ગુફાઓનાં ચિત્રાંકનો, ઈસ્લામી મિનારા, જયપુરના ટાવરની શૈલીના શિલ્પ સ્થાપત્યની પ્રતિકૃતિઓ આપણને જોવા મળે છે.

સ્વામીજીની દાર્શનિક ભૂમિકા પર આપણે એક નજર કરીએ. તેઓ ભારતીય દર્શનશાસ્ત્રના નિષ્ણાત તો હતા પણ સાથે ને સાથે પાશ્ચાત્ય દર્શનશાસ્ત્રમાં પણ એમણે ઊંડી ડૂબકી લગાવી હતી. એક વૈજ્ઞાનિક ધર્મરૂપે માત્ર વેદાંત જ વૈશ્વિક ધર્મ, ભાવિ માનવજાતિનો ધર્મ બનવાની ક્ષમતા ધરાવે છે, એવું તેઓ કહેતા. પ્રો. વિલિયમ જેમ્સ તેમના પોતાના ‘પ્રેગ્મેટિઝમ’ નામના ગ્રંથમાં સ્વામી વિવેકાનંદના દર્શનશાસ્ત્રમાં પ્રદાનની વિગતવાર ચર્ચા કરે છે :

‘ભારતનું વેદાંત દર્શનશાસ્ત્ર એ બધી સંન્યાસી પ્રણાલીઓમાં શ્રેષ્ઠ છે. થોડાં વર્ષો પહેલાં આપણી આ ભૂમિની મુલાકાત લેનાર બ્રહ્મલીન સ્વામી વિવેકાનંદ વેદાંત દર્શનશાસ્ત્ર પ્રમાણેના મિશનરીઓમાં શ્રેષ્ઠ છે. વેદાંત દર્શન એક આધ્યાત્મિક પદ્ધતિ છે. એમાં તમારે તર્ક કરવાનો હોતો નથી પણ આધ્યાત્મિક અભ્યાસ પછી તમે (ઈશ્વરનાં) દર્શન કરો છો. પછી તમે એ સત્યનું વર્ણન કરી શકો. વિવેકાનંદે પોતાના એક વાક્યમાં એ સત્યની વાત આ શબ્દોમાં કરી છે :

‘જે આ એકત્વને વિશ્વમાં જુએ છે, તેને માટે પછી દુ:ખ ક્યાં રહ્યું?.. માનવ અને માનવ વચ્ચેનો ભેદ, માનવ અને સ્ત્રી, માનવ અને બાળક, પ્રજા-પ્રજા વચ્ચે, પૃથ્વી અને સૂર્ય કે ચંદ્ર વચ્ચેનો ભેદ, આવા બધા ભેદોના વિચારે દુ:ખ આવે છે. પણ વેદાંત કહે છે કે આવો ભેદ અસ્તિત્વ ધરાવતો નથી; ભેદ સાચો નથી; તે માત્ર ઉપરછલ્લો છે, માત્ર ભાસમાન છે. વસ્તુના અંતરમાં તો આ એકતા જ રહેલી છે. સપાટીની નીચે જાઓ તો માનવ માનવ વચ્ચેની, પ્રજા-પ્રજા વચ્ચેની, ઊંચ અને નીચ વચ્ચેની, ગરીબ અને તવંગર વચ્ચેની, દેવ અને માનવ વચ્ચેની તેમજ માનવ અને પશુ વચ્ચેની આ એકતા દેખાશે. પૂરતા ઊંડા ઊતરીને જુઓ તો સર્વ કંઈ એક જ તત્ત્વના વિવિધ પ્રકારો રૂપે દેખાશે. અને જેણે આ એકતાનો સાક્ષાત્કાર કરેલો છે તેને મન કોઈ ભ્રમણા રહેતી નથી. તેને ભ્રમમાં શું નાખી શકે? તેણે તો દરેક વસ્તુનું તત્ત્વ; દરેક વસ્તુનું રહસ્ય જાણેલું છે; તેને માટે પછી દુ:ખ ક્યાં રહ્યું? તેને તૃષ્ણા શાની રહે? જે દરેકનું કેન્દ્ર અને સમન્વય છે; તે પ્રભુમાં તેણે દરેક વસ્તુની સત્યતા શોધેલી છે અને તે જ અનંત સત્‌, અનંત ચિત્‌, અનંત આનંદ છે. ત્યાં નથી મૃત્યુ, નથી રોગ, નથી દુ:ખ, નથી શોક, નથી અસંતોષ. બધું જ પૂર્ણ એકત્વ અને પૂર્ણ આનંદ છે.’ (૭.૧૬૨)

તેઓ એક અનન્ય કર્મયોગી અને ભક્ત હતા. એક અથક કર્મયોગીની જેમ સ્વામીજીએ સમગ્ર ભારતભરમાં અને વિશ્વના અનેક દેશોમાં નિરંતર વ્યાખ્યાનો, સંભાષણો, વર્ગસંચાલનો કરીને ભારતની આધ્યાત્મિક સંસ્કૃતિને વધુ ઉજ્જ્વળ બનાવી છે. એમના જાહેર ઉદ્‌ગારોમાં એમના હૃદયના ઊંડાણની વાણીના આપણને દર્શન થાય છે. જનજાગરણ માટેના એમના ઉદ્‌ગારો જાણે કે અગ્નિમંત્ર સમા બની જતા. એમના મુખેથી સરતા શબ્દો વિદ્યુત ઝંકાર જેવા વિસ્ફોટક હતા, શ્રોતાઓને તે જાગ્રત કરી દેતા અને આબાલવૃદ્ધ સૌને ઊંડા તમસમાંથી બહાર કાઢીને રજસભાવ અનુભવતા કરી દેતા.

રોમાં રોલાંએ સાચે જ કહ્યું છે : ‘એમની વાણી એટલે ભવ્યસંગીત; એમની શબ્દાવલિઓમાં બિથોવનની શૈલીનો રણકો છે; અને ભાવોત્કર્ષ જગાવતાં એમના વાણીલયમાં હેન્ડેલનાં સમૂહગીતોની પરંપરા પ્રતીત થાય છે. આજથી ત્રીસ વર્ષ પહેલાં ગ્રંથસ્થ થયેલાં એમનાં વચનામૃતોને જ્યારે હું વાંચું છું, ત્યારે વિદ્યુતના આંચકા જેવી ઝણઝણાટી મારા સમગ્ર દેહમાં હું અનુભવ્યા વિના રહી શકતો નથી. તો પછી એ નરવીરના સ્વમુખેથી એ જ્વલંત શબ્દો ઉચ્ચારાયા હશે ત્યારે તેમણે કેવા આંચકા, કેવા હર્ષોત્કર્ષો પેદા કર્યા હશે!’

નવી ભૂમિની અનેક મુશ્કેલીઓ અને અસહ્ય પરિસ્થિતિઓનો સામનો કરતાં કરતાં, અનેક અજાણ્યા લોકો સાથે મુલાકાતો કરતાં હંમેશાં સર્વોત્કૃષ્ટ સત્ય અને પોતાનો જીવનસંદેશ આપતાં સ્વામી વિવેકાનંદ સમગ્ર વિશ્વમાં ઘૂમી વળ્યા. એમનું સમગ્ર જીવન પોતાના સંદેશની મહાનતાનું જ્વલંત ઉદાહરણ બની ગયું. એમને મન ઉપદેશ અને જીવનસંદેશ આપવાનું કાર્ય એમનો શ્વાસોચ્છ્‌વાસ હતો, આ વાત એમણે એક વખત પોતાના પત્રમાં પ્રગટ કરી હતી. ભારત માટે સારી અપેક્ષાઓ સેવવામાં અને એને માટે પ્રાર્થવામાં, ભારતની સમસ્યાઓ પ્રત્યે ચિંતન-મંથન કરવામાં તેમજ એનો ઉકેલ શોધવામાં તેઓ વાસ્તવિક રીતે પોતાના મૃત્યુપર્યંત સતત વિચારતા રહ્યા અને કામ કરતા રહ્યા. સાથે ને સાથે ભારતીય આદર્શોને સાકાર કરવા પણ તેઓ સતત મથતા રહ્યા. આ ઉમદા કાર્ય માટે તેઓ ગમે તે ક્ષણે પોતાનું જીવન સમર્પિત કરી દેવા તૈયાર હતા. ‘હે અર્જુન! હું જ સર્વકંઈ કરું છું, તું તો માત્ર યંત્રરૂપ જ છો. ખરેખર કર્તા તો હું જ છું. તારો અધિકાર કાર્ય કરવાનો છે, અને એની ફળપ્રાપ્તિનો નહિ.’ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને કહેલી આ વાણીને યાદ કરીને એમણે પોતે કરેલાં કાર્યોનો યશ પણ પોતાને નામે ન ચઢાવ્યો. આ જ ભાવનાથી પૂર્ણપણે રંગાઈને સદ્‌ભાગ્ય અને કમભાગ્યમાં એકભાવવાળા રહીને, બધે સમયે મનની આ સ્વસ્થતા અને સૌમ્યતાને તેઓ ધારણ કરતા રહ્યા. હંમેશાં ઈશ્વર પ્રત્યે ભક્તિભાવ રાખીને, જ્ઞાનયોગના પથે ચાલતાં ચાલતાં સત્‌ અને અસત્‌ વચ્ચે વિવેકબુદ્ધિ દાખવીને, સર્વદા બીજા લોકોનાં ક્ષેમ-કલ્યાણનું ચિંતન-મનન કરતાં કરતાં એમના માટે જ તેઓ જીવતા રહ્યા અને કામ કરતા રહ્યા. મા જગદંબાનું નામ સદૈવ એમના હોઠ પર તરતું અને એમના હૃદયમાં પોતાના ગુરુદેવની અસ્મિતા રહેતી.

માનવના મહાનતમ કાર્યકર, ચાહક, સુહૃદજન અને સેવક ઉપરાંત આવા હતા જ્ઞાની, યોગી અને ભક્ત સ્વામી વિવેકાનંદ.

Total Views: 61

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.