બેલુર મઠ, ૧૧-૪-૧૯૬૨

એ ઘર (શ્રીમત્‌ સ્વામી વિશુદ્ધાનંદજી રામકૃષ્ણ સંઘના ઉપાધ્યક્ષ હતા ત્યારે ગિરિશભવનના અથિતિગૃહના બીજા માળે રહેતા) કરતાં આ ઘર (બેલુર મઠ)નું કેટલું મોટું માહાત્મ્ય! અહીં તો સ્વામીજી રહ્યા હતા, મહારાજ (સ્વામી બ્રહ્માનંદજી), મહાપુરુષ મહારાજ અને બીજા સંન્યાસી પાર્ષદો પણ અહીં રહ્યા હતા. આ ઘરની (મઠની) તુલના કરી શકાય ખરી!

શ્રીઠાકુર અને સ્વામીજી શું ભિન્ન ભિન્ન છે! સિક્કાની એક બાજુ અને બીજી બાજુ જેવા છે. શ્રીઠાકુર જગદંબામય. એમનો વિચાર કરીએ ત્યારે મા કાલીનું જ ચિંતન કર્યું કહેવાય; સ્વામીજી તો ઠાકુરમય, એમનું ભાવચિંતન કરીએ એટલે શ્રીઠાકુરનું જ ભાવચિંતન. સ્વામીજી નવ વર્ષમાં કેટકેટલું કરી ગયા! સમગ્ર જગતને હચમચાવી દીધું.

સ્વામીજી પહેલાં સાકારમાં માનતા નહિ. તેમણે પશ્ચિમના દેશોમાં કહ્યું હતું: ‘એના પ્રાયશ્ચિત રૂપે મારે એવા એક માણસનાં ચરણતળે બેસીને પાઠ ગ્રહણ કરવો પડ્યો હતો કે જેમણે મૂર્તિપૂજા દ્વારા જ બધું મેળવ્યું હતું. જ્યારે મૂર્તિપૂજા કરીને એક રામકૃષ્ણનો આવિર્ભાવ થતો હોય તો હું હજારો મૂર્તિની પૂજા કરવા રાજી છું.’

આવતા વર્ષે સ્વામીજીની જન્મશતાબ્દિ (સેન્ટેનરી). એટલે ભારતની બધી પ્રાદેશિક ભાષાઓમાં તેમની ગ્રંથાવલિના પ્રકાશનની વ્યવસ્થા થઈ રહી છે.

મઠ કંઈ કમ થોડો છે! સારનાથ અને ગયામાં બુદ્ધદેવનાં થોડાં થોડાં અસ્થિ-અવશેષો (રેલિક્સ) છે. એને લીધે વિશ્વભરમાંથી માનવીઓ દોડી દોડીને ભાવપૂર્વક ત્યાં આવે છે. આ મઠમાં શ્રીઠાકુરના પવિત્ર ભસ્માસ્થિઓ ઘણી બધી માત્રામાં છે. સ્વામીજી સમક્ષ એમણે પ્રતિજ્ઞા લીધી હતી અને તેથી જ તેઓ અહીં સાક્ષાત્‌ વિરાજમાન છે. આ મહાતીર્થ!

બેલુર મઠ, ૧૨-૪-૧૯૬૨

બપોર પછી આકાશ અચાનક તામ્રવર્ણું બન્યું. કોલકાતા અને આજુબાજુના વિસ્તારમાં પુષ્કળ પ્રમાણમાં વરસાદ વરસી ગયો. અત્યારે ૫.૩૦ વાગ્યા છે. પંદર ભાવિકો મઠમાં નીચેના માળે મહારાજશ્રીનાં દર્શન માટે આતુર છે. આકાશ હજી પણ મેઘાચ્છાદિત છે, વર્ષાનો ઠંડો પવન વહી રહ્યો છે, થોડો થોડો વરસાદ પણ વરસે છે. આજે વિશેષ દર્શનલાભને લીધે નિયત દર્શનાર્થીઓને દર્શન માટેના સમયમાં ૩૦ મિનિટ મોડું થયું છે. એમના સેવક સાધુનો સંકેત મેળવીને નીચેના માળે રહેલા દર્શનાર્થીઓએ આવીને જોયું તો વર્ષાના આ પ્રથમ વાદળાંવાળી સંધ્યા સમયે પરમાધ્યક્ષ મહારાજ તલ્લીન બનીને ગંગાદર્શન કરી રહ્યા હતા. આવા દિવસે ભક્તવૃંદને સામે ઊભેલો જોઈને જાણે કે એમનો ભાવભંગ થયો, તેમણે ઉચ્ચકિત્‌ભાવે કહ્યું: ‘ધાર્યું હતું કે આજે મને છૂટી મળશે, શાંતિથી એકલો બેસીને ગંગાદર્શન કરીશ.’ દર્શનાર્થીઓમાંના એકે કહ્યું: ‘અમે નીચે હતા ત્યારે અમારામાંથી એકે કહ્યું: ‘મેઘાચ્છન્નં ન દુર્દિનમ્‌. – મેઘાચ્છાદિત દિવસ ખરાબ દિવસ ન કહેવાય.’ પરમાધ્યક્ષ મહારાજે કહ્યું: ‘તો પછી દુર્દિન કોને કહેવો?’ એ જ દર્શનાર્થીએ કહ્યું: ‘યદ્‌દિનં હરિસંલાપ કથા પીયૂષ વર્જિતં.- જ્યારે હરિસંલાપ-કથાનો ત્યાગ થાય તે દુર્દિન.’

એક ભક્તને એમનાં ચરણ પાસે આવતા જોઈને મહારાજે કહ્યું: ‘સુમણિ, આવા વરસાદમાં આટલે દૂરથી અવાય?’ બીજી જ ક્ષણે શ્રીમાના એક જૂના મંત્રશિષ્યને પાસે ઊભેલા જોઈને ભાવભર્યા શબ્દમાં કહ્યું: ‘ખગેન, કાદવી માછલીની જેમ સંસારમાં રહો છો ને! આ જ ઠાકુરની વાત હતી.’ ભક્તના મુખ પર હાસ્ય તરવર્યું. તેઓ ચૂપચાપ શેતરંજી પણ બેસી ગયા. થોડીક વાર પછી ભક્તનાં માતાને આવેલાં જોઈને મહારાજે કહ્યું: ‘ખગેનને મેં શું કહ્યું એ તમે જાણો છો, મા? કાદવી માછલી કાદવમાં રહે પણ એના શરીરને કાદવ સ્પર્શે નહિ. શ્રીઠાકુર કહેતા કે સંસારમાં પાંકાલ માછલીની જેમ (નિરાસક્ત ભાવે) રહેવું. આવી રીતે કેટલા જણા રહી શકે!

તુલસીદાસ પ્રાત: સ્મરણીય મહાપુરુષ. સ્ત્રીના મુખેથી ઉચ્ચારાયેલ નિંદાપૂર્ણ વાક્યથી એના જીવનનું સમૂળગું પરિવર્તન થઈ ગયું. જીવનરીતિ જ બદલાઈ ગઈ.

લાલાબાબુ એક મોટા જમીનદાર. એમના મકાનની સામેથી રસ્તો નીકળે છે. એક દિવસ સૂર્યાસ્ત સમયે કેટલીક માછીમાર બહેનો એ રસ્તેથી પોતાના ગામે જતી હતી. હજી તો ઘણો રસ્તો કાપવાનો છે અને આ બાજુ અંધારું છવાવા લાગ્યું. એટલે એ લોકો ઉતાવળે ઉતાવળે ચાલી રહ્યાં છે. એ વખતે એક માછીમારણના મુખમાંથી ‘વેળા ચાલી જાય છે’ એ શબ્દો સાંભળીને પળવારમાં જ લાલાબાબુનો ચૈતન્યભાવ જાગ્રત થઈ ગયો. તેઓ પોતાની બધી સમૃદ્ધિ છોડીને વૃંદાવન ચાલ્યા ગયા. જેને (ચૈતન્યભાવ) થવાનો હોય એને એક જ વારમાં થઈ જાય છે. જેમને એ ભાવ થવાનો ન હોય એમને માટે તો કેટલાય જન્મો વીતી જાય છે.

કોઈને આપણે પૂછીએ કે ભાઈ તમારી પ્રિય વસ્તુનું નામ તો કહો, તો જાણવા મળે છે કે – પૈસાટકા, છોકરા-છૈયાં, અલંકારો, ખરલ જેવા પદાર્થોથી જ યાદી તૈયાર થઈ જશે. (એક ભક્તનો ભાવાવેશ અને ઉચ્ચ હાસ્ય).

માછીમારની પત્ની પૈસાદાર અને મોટા ઘરે માછલી વેંચવા આવી. અંધારું થવાને લીધે બગીચાની એક ઓરડીમાં આશરો લીધો. એ ઘરમાં તો થોકબંધ ફૂલછડીઓ હતી. ફૂલની સુવાસથી એમને ઊંઘ ન આવી. એમની ચટાઈની બાજુબાજુ માછલીની સુંડલીઓ મૂકી કે તરત જ તેમને ઊંઘ આવી ગઈ. દક્ષિણેશ્વરમાં શ્રીકેશવચંદ્ર સેનને શ્રીઠાકુરે આ વાત કહી હતી.

અને બંકિમબાબુને ઘરમાં પાળેલા નોળિયાની વાત કરી હતી. ઘરમાં એને પાળવા અને રાખવા માટે એની પૂંછડીને છેડે એક ઈંટ બાંધવામાં આવે છે. એક જ સ્થળે જમીન પર રહેવાથી જ્યારે તે કંટાળી જાય ત્યારે દિવાલના ગોખલામાં જઈને બેસી જાય. ત્યાંયે એને ઝાઝું ગોઠતું નથી. ઈંટના વજનથી એણે નીચે આવી જવું પડે છે. આ વાતનો સાર એ છે કે વિષયી માણસ ઝાઝો વખત જપધ્યાન કે ઈશ્વરચિંતનમાં રહી શકતો નથી.

ત્યાગ એ જ ભારતનો સનાતન આદર્શ છે. શ્રીઠાકુરે ‘ટાકા માટી, માટી ટાકા’ની સાધના કરી હતી. એટલે જ તો મઠ-મિશનનાં આટલાં મોટાં પ્રતિષ્ઠાનો જોવા મળે છે, નહિ તો આવું ન હોત. 

મારી એક શિષ્યા મને મળવા આવી હતી. પહેલાં ચિઠ્ઠી લખીને પછી આવી હતી. એનું ભાગ્ય સારું ન હતું. સમગ્ર જીવન બિચારીએ દુ:ખ જ ભોગવ્યું છે. મેં એને કહ્યું: ‘શ્રીઠાકુરને પકડી રાખો, નહિ તો વધુ દુ:ખના તાપમાં તપવું પડશે.’

દર્શન-સમય પૂરો થયો. સેવક સંન્યાસીએ આવીને હાથમાં રાખેલી ઘડિયાલ બતાવીને કહ્યું કે સાડા-છ થઈ ગયા છે. એક ભક્તે પ્રતિવાદ કરતાં કહ્યું: ‘સાડા-છમાં તો હજી વાર છે. છ-વીસ થયા છે.’ પરમાધ્યક્ષશ્રીએ ઉપસંહાર કરતાં કહ્યું:

‘તત્‌ દિનં દુર્દિનં મન્યે મેઘાચ્છન્નં ન દુર્દિનં ।
યત્‌ દિનં હરિસંલાપ-કથા-પીયૂષ વર્જિતં ॥’

‘વાદળાંથી છવાયેલા અંધારાવાળા દિવસને દુર્દિન ન કહેવાય, પણ જે દિવસે હરિ નામ-સ્મરણ-કથાનું અમૃતપાન ન થાય તેને ખરેખર દુર્દિન કહેવાય.’

દર્શનાર્થી ગણ પદરજ લઈને એક પછી એક ત્યાંથી નીકળી ગયા.

Total Views: 53

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.