સ્વામીજી : વાહ, જે વ્યક્તિ થોડીએક પરીક્ષાઓ પાસ કરે અને સારાં ભાષણો આપે તેને તમે કેળવાયેલી ગણો છો. જે કેળવણી જનતાને જીવનના સંઘર્ષ સામે ઝઝૂમવાની તાકાત આપતી નથી, જે ચારિત્ર્યબળને બહલાવતી નથી, જે પરોપકાર કરવાની ઉદારતા અને સિંહ સમાન હિંમત આપતી નથી, તે શું કેળવણીના નામને લાયક છે? સાચી કેળવણી તો તે છે કે જે માનવીને પોતાના પગ ઉપર ઊભો રહેતાં શીખવે. જે કેળવણી હાલમાં તમે શાળાઓ અને મહાવિદ્યાલયોમાં લો છો તે તો તમને માંદલા બનાવે છે. કેવળ યંત્રની માફક તમે કામ કરો છો અને અળશિયાનું જીવન જીવો છો.

ખેડૂત, મોચી, ભંગી અને ભારતના બીજા હલકા વર્ગના ગણાતા લોકોમાં તમારા કરતાં કામ કરવાની શક્તિ અને આત્મવિશ્વાસ વધારે છે. યુગો થયા તેઓ મૂંગા મૂંગા કામ કરે છે અને દેશની સમૃદ્ધિમાં બધી રીતે વધારો કરે છે. થોડા જ દિવસોમાં તેમનું સ્થાન તમારાથી ઊંચું હશે. ધીમે ધીમે સંપત્તિ તેમના હાથમાં જતી જાય છે; તમને જરૂરિયાતોની જેટલી તકલીફ પડે છે તેટલી તેમને વેઠવી પડતી નથી. આધુનિક કેળવણીએ તમારું જીવનધોરણ ફેરવી નાખ્યું છે, પણ સંશોધક પ્રતિભાના અભાવે સંપત્તિના નવા માર્ગો હજુ વણશોધ્યા પડયા છે. આ સહનશીલ જનતાને તમે આજ સુધી કચડી છે ; હવે તેનો બદલો લેવાનો વારો આવ્યો છે. તમે નોકરીને તમારું જીવન સર્વસ્વ બનાવીને તેની મિથ્યા શોધમાં જ નાશ પામવાના છો.

શિષ્ય : સ્વામીજી! અમારી મૌલિક શક્તિ બીજા દેશો કરતાં ભલે ઓછી રહી, છતાં પણ ભારતના નીચલા થરના લોકોને બુદ્ધિની દોરવણી તો અમારી પાસેથી મળે છે તો પછી જીવનસંઘર્ષમાં ઉચ્ચ વર્ગના લોકોને પરાસ્ત કરવાની સત્તા કે શક્તિ તેઓ ક્યાંથી કાઢશે?

સ્વામીજી : ભલે તેમણે તમારી માફક થોડાં પુસ્તકો વાંચ્યાં ન હોય, અગર તમારા જેવી નકલી સંસ્કૃતિને અપનાવી ન હોય. આ બધાની શી કિંમત છે? પણ આ નીચલો વર્ગ જ બધા દેશોની પ્રજાની આધારશિલા છે. જો આ લોકો કામ કરતા અટકી જાય તો તમે તમારાં અન્ન અને વસ્ત્ર ક્યાંથી મેળવવાના છો?

જીવનસંઘર્ષમાં ગળાડૂબ રહેવાથી તેમને જ્ઞાનનો વિકાસ કરવાની તક મળી નથી. માનવબુદ્ધિથી ચલાવાતાં યંત્રોની માફક તેમણે લાંબા કાળ સુધી એકધારું કામ કર્યું છે, જ્યારે તેમના પરિશ્રમના ફળનો મોટો ભાગ ચાલાક શિક્ષિત લોકોએ લીધો છે….

ગમે તેટલો પ્રયાસ કરવા છતાં ઉચ્ચ વર્ગના લોકો હવે નીચલા વર્ગને લાંબો વખત દબાવી રાખે શકશે નહીં. હવે તો નીચલા વર્ગના લોકોને તેમના યોગ્ય હકો મેળવવામાં સહાય કરવામાં જ ઉચ્ચ વર્ગના લોકોનું કલ્યાણ રહેલું છે.

– સ્વામી વિવેકાનંદ
(સ્વા.વિ.ગ્રં.મા. સંચયન, પૃ.૩૬૮-૩૬૯)

Total Views: 172

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.