આધ્યાત્મિક ગુરુ દ્વારા થયેલ સંચરિત જ્ઞાન કરતાં વધુ ઉચ્ચ પવિત્ર અન્ય કાંઈ નથી. જો કોઈ મનુષ્ય પૂર્ણ યોગી બની ગયો હોય તો તે જ્ઞાન એની મેળે આવે છે; પુસ્તકોમાંથી એ મેળવાતું નથી. તમે દુનિયાના ચારે ખૂણે જઈને ભલે શોધી વળો, પણ જ્યાં સુધી તમને સાચો ગુરુ મળે નહીં ત્યાં સુધી તમને સાચો ધર્મ મળી શકવાનો નથી. ગુરુને શોધી કાઢો, બાળકની પેઠે તેની સેવા કરો, તેની પાસેથી શક્તિ મેળવવા માટે તમારું હૃદય ખુલ્લું રાખો અને તેનામાં પ્રત્યક્ષ ઈશ્વરનાં દર્શન કરો. ઈશ્વરની સર્વશ્રેષ્ઠ અભિવ્યક્તિ તરીકે ગુરુમાં આપણું ચિત્ત તન્મય જઈ જવું જોઈએ. જેમ જેમ મનની ધ્યાન શક્તિ તેનામાં એકાગ્ર બનશે તેમ તેમ ગુરુ મનુષ્ય છે તેવું ચિત્ર લુપ્ત થશે; શરીર અદૃશ્ય થશે અને સાક્ષાત્‌ ઈશ્વર ત્યાં દેખાશે. જ્ઞાનપ્રાપ્તિ પાછળની ભાવના આવી હોવી જોઈએ. બેશક, આવા ગુરુઓની સંખ્યા દુનિયામાં ઘણી ઓછી હોય છે; પરંતુ દુનિયા એવાઓ વિના કદી પણ સાવ ખાલી રહી નથી. જે ક્ષણે દુનિયામાં આવા ગુરુઓનો તદ્દન અભાવ થશે તે જ ક્ષણે તેનું અસ્તિત્વ મટી જશે, તે એક કારમું નરક બનશે અને નાશ પામશે. આવા ગુરુઓ માનવ જીવનનાં સુંદર કુસુમો છે, દુનિયાને ટકાવી રાખનાર પણ તેઓ જ છે; આ માનવોના હૃદયોમાંથી જે શક્તિ પ્રગટ થાય છે તે જ સમાજનાં બંધનોને અકબંધ રાખે છે.

આથી વધુ ઉચ્ચ ગુરુઓનો એક વર્ગ છે, જગતના ક્રાઈસ્ટો, બુદ્ઘો વગેરે.. આ ગુરુઓના ગુરુઓ મનુષ્યદેહમાં સાક્ષત્‌ ઈશ્વર રૂપે હોય છે. તેઓ ઘણી ઉચ્ચ કોટિના છે; તેઓ સ્પર્શ માત્રથી; ઇચ્છા માત્રથી અધ્યાત્મભાવ સંચારિત કરીને દુનિયાની અધમમાં અધમ અને પતિતમાં પતિત વ્યક્તિઓને પણ એક ક્ષણમાં સંતો બનાવી શકે છે. આપણે તેમની દ્વારા જ ઈશ્વરને જોઈ શકીએ, બીજી રીતે નહીં. તેમની પૂજા કર્યા સિવાય આપણને ચાલે જ નહીં. આપણે ઈશ્વરને તેના વાસ્તવિક સ્વરૂપમાં જોઈ શકીએ નહિ. જો આપણે તેને જોવાનો પ્રયત્ન કરીએ તો આપણે ઈશ્વરના વિકૃત અને હાસ્યાસ્પદ સ્વરૂપની કલ્પના કરી બેસીએ. ભારતમાં એક કથા છે કે કોઈ અજ્ઞાની મનુષ્યને ભગવાન શંકરની મૂર્તિ બનાવવાનું કહેવામાં આવ્યું. દિવસોના શ્રમ પછી તેણે એક વાંદરાની મૂર્તિ ઘડી કાઢી. તે પ્રમાણે, જ્યારે જ્યારે આપણે ઈશ્વરની પ્રતિમા બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે ત્યારે આપણે તેનું એક વ્યંગ-ચિત્ર બનાવીએ છીએ, કારણ કે આપણે માણસ હોવાથી મનુષ્યથી ઉચ્ચ સ્વરૂપે ઈશ્વરને આપણે સમજી શકીએ જ નહીં. જ્યાં સુધી આપણે પોતે મનુષ્ય રૂપે છીએ ત્યાં સુધી આપણે મનુષ્યના રૂપમાં ઈશ્વરની આરાધના કરવી જોઈએ. આપણે ખૂબ બુદ્ધિમત્તા દર્શાવતાં વ્યાખ્યાનો આપી શકીએ, મહાન તર્કશાસ્ત્રી બની શકીએ અને ઈશ્વર વિષેની આ બધી વાતો છેક અર્થહીન છે તેમ સિદ્ધ પણ કરી શકીએ; પરન્તુ આપણે વ્યાવહારિક-સામાન્ય બુદ્ધિની-ભૂમિકાએ જરા આવીએ. આ પ્રખર બુદ્ધિની પાછળ છે શું? શૂન્ય, કાંઈ જ નહીં, ફીણ માત્ર.

– સ્વામી વિવેકાનંદ
(સ્વા.વિ.ગ્રં.મા. સંચયન, પૃ.૧૯૯-૨૦૦)

Total Views: 38

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.