મહેન્દ્રનાથના બે પત્રો

એ સમય દરમિયાન મહારાજાએ (અજિતસિંહ) કોલકાતા સ્થિત સ્વામીજીના પરિવાર સાથે નિરંતર સંપર્ક રાખ્યો હતો. સ્વામીજીના નાના ભાઈ મહેન્દ્રનાથ દત્ત દ્વારા બધા સમાચાર મેળવતા અને બધાની આવશ્યકતાઓ પૂર્ણ કરતા રહ્યા. એ સમયમાં રાજાને બે પત્ર મળ્યા હતા. એનો ગુજરાતી અનુવાદ અહીં આપીએ છીએ.

૭, રામતનુ બોઝલેન, સીમલા,
૨૨ માર્ચ, ૧૮૯૩

પ્રતિ, મહારાજા ખેતડી, રાજપૂતાના

મહારાજનો ૧૦ માર્ચનો કૃપાપત્ર મેળવીને મને ઘણો આનંદ થયો અને એ માટે હું મારા હાર્દિક ધન્યવાદ વ્યક્ત કરું છું. આ સમય દરમિયાન મેં કયાં કયાં પુસ્તકો વાંચ્યાં છે એ જાણવાની આપની ઇચ્છા પરથી, મહારાજ અમારામાં અત્યધિક રુચિ રાખે છે, એનો ખ્યાલ આવે છે. એ દરમિયાન મેં જે પુસ્તકો વાંચ્યા છે એ બધાનું વિવરણ ઘણું લાંબું અને કંટાળાજનક બની રહેશે. એમ છતાં પણ એમાંથી મુખ્ય મુખ્ય ગ્રંથોનાં નામ મોકલતાં મને આનંદ થાય છે – ભગવદ્‌ગીતા, શ્રીમદ્‌ ભાગવત, કાર્યાલયના…, બાબુ કેશવચંદ્ર સેનના (ભારત તથા ઈંગ્લેન્ડમાં આપેલ) વ્યાખ્યાન છે. પિલગ્રિમ્સ પ્રોગેસ – આ પુસ્તકનો બંગાળી અનુવાદ હું કરું છું, ઈસાનુસરણ, વૈષ્ણવ સંપ્રદાયના (ચૈતન્ય ચરિતામૃત આદિ) મુખ્ય ગ્રંથ ખ્રિસ્તીધર્મમાંથી પ્રાપ્ય અનેક ગ્રંથ, એ વિષય પર ઉપલબ્ધ શ્રેષ્ઠ ગ્રંથ અને બીજા અનેક દાર્શનિક ગ્રંથ. બધાં પુસ્તકોના નામ દેવા માટે એક અલગ સૂચિની આવશ્યકતા રહે છે. કારણ કે હું પુસ્તકો ઘણી ઝડપથી વાંચી જાઉં છું. આમ છતાં પણ સંક્ષેપમાં એટલું કહી શકું કે ધર્મશાસ્ત્ર કે દર્શનશાસ્ત્રના અધ્યયનમાં મને વિશેષ આનંદ થાય છે. મેં મારા નાનાભાઈને મેટ્રોપોલિટન ઇન્સ્ટિટ્યૂશનમાં મૂક્યો છે. એ કોલકાતાની સર્વશ્રેષ્ઠ શાળાઓમાંની એક છે. તે સારી રીતે અભ્યાસ કરે છે. અહીં અમે બધા કુશળ છીએ. સ્વામી શરત્‌ચંદ્રજી અને સ્વામી રામકૃષ્ણાનંદ પણ આ પત્ર દ્વારા પોતાની શુભકામનાઓ પાઠવે છે.

એક વાત હું ભૂલી જઉં છું, પછીથી લખું છું, એ મારે પહેલેથી લખવું જોઈતું હતું અને એ છે કુમારના સ્વાસ્થ્ય વિશે. મને એવી શ્રદ્ધા છે કે અત્યાર સુધી તેઓ મોટા થઈને એક ઉત્તમ તથા સુંદર યુવરાજ બની ગયા હશે. એનું સરળ અને મધુર સ્મિત બધાનાં હૃદયમાં મહાન આનંદકણ વેરતું હશે. બાળક હજી સુધીમાં બે માસનું થઈ ગયું હશે.

એની યાદથી સ્વાભાવિક રૂપે મનમાં જે બધા ભાવ ઊઠે છે એ બધા ભાવને અભિવ્યક્ત કરવા માટે મેં કેટલાંય પાનાં લખી નાખ્યાં હોત, પરંતુ એમ કરવા જતાં પત્ર લાંબો થઈ જાય. પરિવારના બધા લોકોને મારા દંડવત્‌ પ્રણામ. અને બાકીના લોકોને મારી શુભકામનાઓ. મને વિશ્વાસ છે કે મહારાજ સુરક્ષિત રૂપે ખેતડી પહોંચી ગયા હશે. હું બધાના સ્વાસ્થ્ય વિશે જાણવા આતુર છું. પત્રનો ઉત્તર મેળવવા હું અત્યંત ઉત્સુક છું.

મહારાજનો પરમ આજ્ઞાકારી સેવક,

મહેન્દ્રનાથ દત્ત

તા.ક. – મારા ભાઈના સમાચાર મળ્યા. અત્યારે તેઓ મદ્રાસમાં ત્યાંના ઉપમહાલેખા અધિક્ષક બાબુ મન્મથનાથ ભટ્ટાચાર્યના ઘરે રહે છે.

મહેન્દ્રનાથ દત્ત, ૭, રામતનુ બોઝલેન,
સીમલા,૧૧-૪-૧૮૯૩

પ્રતિ, મહારાજા ખેતડી, રાજપૂતાના

મહારાજ,

ઘણા સમયથી ખેતડીથી કોઈ ન આવવાને કારણે અમે લોકો મહારાજ અને શિશુનાં કલ્યાણ તથા સ્વાસ્થ્ય વિશે ઘણા ચિંતિત છીએ. એમના જન્મના સમાચારે અમને કેટલો બધો આનંદ આપ્યો હતો. મને યાદ છે ત્યાં સુધી રેવારીથી (આપનો) એક પત્ર આવ્યો હતો. પરંતુ એ પણ એક મહિનાથી વધુ સમય પહેલાં ૧૦ માર્ચના રોજ આવ્યો હતો. સ્વામી યોગાનંદ, સ્વામી શરત્‌ચંદ્ર (સારદાનંદ) એ બાળક વિશે જાણવા ઘણા ઉત્સુક છે અને એને માટે તેઓ ઘણી આશિષ પણ પાઠવી રહ્યા છે. એ બંને વિશુદ્ધ રૂપે સંતચરિત્રવાળા તથા વિદ્વાન છે. બંને ઘણા મોટા ઉલ્લેખનીય પરિવારોમાંથી આવ્યા છે. એમાંથી એક તો મોટા જમીનદાર પરિવારના છે અને બીજા એક ધનાઢ્ય વ્યક્તિના પુત્ર છે. બંને કોલકાતાના જ છે. મહારાજની ઇચ્છાનુસાર આ કેટલાક મહિનાઓમાં મેં વાચેલ પુસ્તકોની યાદી મોકલી દીધી છે. જો પુસ્તકો સમયસર મળી જાત તો હું થોડાં વધારે પુસ્તકો વાંચી લેત, એવી મને ખાતરી છે. મારા ભાઈ વિશે મને કોઈ નવા સમાચાર મળ્યા નથી. કેવળ એટલી અપુષ્ટ સૂચના મળી છે કે તેઓ મદ્રાસ પ્રેસિડન્સીમાં, સંભવત: હૈદરાબાદમાં છે.

મઠના સંન્યાસી મહારાજ શિશુ કુમાર તથા આપના પરિવારના બીજા લોકોને અનેકાનેક આશીર્વાદ પાઠવી રહ્યા છે. સાથે ને સાથે મહારાજનાં કલ્યાણ તથા સમૃદ્ધિ માટે ઈશ્વરનો ઋણ સ્વીકાર કરે છે અને ‘દુનિયા જેટલાની અપેક્ષા કરે છે, પ્રાર્થનાથી એનાથી પણ કંઈક અધિક પ્રાપ્તિ થાય છે.’

અમે બધા કુશળ છીએ, મહારાજ સ્વસ્થ અને સમૃદ્ધ બનશે એવી આશા છે.

મહારાજનો પરમ આજ્ઞાકારી સેવક,

મહેન્દ્રનાથ દત્ત

(‘રાજસ્થાનમાં સ્વામી વિવેકાનંદ’ પંડિત જાબરમલ શર્મા તથા શ્યામસુંદર શર્મા, દિલ્હી, ખંડ-૨, સં.૧૯૯૧, પૃ.૧૧૯-૨૧, તથા ‘સ્વામી વિવેકાનંદ: એ ફરગોટન ચેપ્ટર ઓફ હીઝ લાઈફ’, વેણીશંકર શર્મા, બીજી આવૃત્તિ, ૧૯૮૨, પૃ.૧૭૦-૮૩)

મુંબઈમાં ગુરુભાઈઓ સાથે મુલાકાત

સંભવત: એપ્રિલ ૧૮૯૩ના બીજા સપ્તાહમાં સ્વામીજી ખેતડીનરેશના સચિવ મુનશી જગમોહનલાલ સાથે પોતાના પ્રિય શિષ્યને મળવા મદ્રાસથી ખેતડી તરફ જવા રવાના થયા.

આ લાંબી યાત્રા દરમિયાન માર્ગમાં થોડા દિવસો માટે તેઓ મુંબઈમાં પણ રોકાયા. એમનું આ વખતે મુંબઈમાં રોકાવાનું એક કારણ બીજું પણ હતું – એમના મદ્રાસના શિષ્યોએ જે ધનરાશિ એકઠી કરી હતી એનાથી એમણે મુંબઈથી અમેરિકા જવાની ટિકિટ ખરીદવાની હતી. આ વખતે તેઓ ક્યાં ઊતર્યા? અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત સ્વામીજીની અંગ્રેજી જીવનકથા ખંડ-૧, પૃ.૩૮૫, સં.૧૯૯૫, પ્રમાણે પહેલાં તેઓ એક પંડિતના ઘરે ઊતર્યા હતા. આ મહાશય પંડિત મહામહોપાધ્યાય રાજારામ શાસ્ત્રી બોડસ જ હશે. એમની સાથે તેઓ આઠ મહિના પહેલાં શાસ્ત્રનું અધ્યયન કરી ચૂક્યા હતા.(સ્વામીજી કા મહારાષ્ટ્ર ભ્રમણ, નાગપુર, ૨૦૦૩, પૃ.૯૧-૩; એક બીજી સંભાવના આવી પણ છે – શ્રી ગુરુદાસ ગુપ્તે લખેલ સ્વામી તુરીયાનંદજીની સ્મૃતિકથા પ્રમાણે આ ઘટના સમયે મુંબઈના એક બેરિસ્ટરના મકાનમાં તેઓ ઊતર્યા હતા. – બંગાળીગ્રંથ ‘સ્મૃતિર્‌ આલોય સ્વામીજી’, સં.૧૯૯૦, પૃ.૧)

આ બાજુએ સ્વામીજીના બે બીજા ગુરુબંધુઓ સ્વામી બ્રહ્માનંદ તથા સ્વામી તુરીયાનંદ કાંગડા, પઠાણકોટ, ગુજરાનવાલા, લાહોર વગેરે સ્થળોનું ભ્રમણ કરતાં કરતાં કરાંચી અને ત્યાંથી વહાણ દ્વારા મુંબઈ પહોંચ્યાં. શ્રીરામકૃષ્ણના ગૃહસ્થ શિષ્ય શ્રીકાલીપદ ઘોષ, કાગળના વેપારી જોન ડિકિન્સન કંપનીના પ્રતિનિધિના રૂપે મુંબઈમાં રહેતા હતા. બંને ગુરુભાઈઓ એમના પરેલ રોડ પર આવેલ મકાન પર ગયા. ત્યાં એમને જાણવા મળ્યું કે સ્વામીજી પણ મુંબઈમાં જ છે અને એક સુપ્રસિદ્ધ પંડિતના ઘરે ઊતર્યા છે. સ્વામી તુરીયાનંદજીની જીવનકથા પ્રમાણે એક દિવસ બંને ગુરુભાઈ સ્વામીજીને મળવા ત્યાં જઈ પહોંચ્યા. સ્વામીજી એક સામાન્ય હોકો પીતા હતા. ગુરુભાઈઓને જોઈને બે હાથમાં હોકો લઈને દોડતા એમની પાસે આવ્યા અને મન ખોલીને વાતો કરવા લાગ્યા. એ સમયે એમના હોઠ પર આ શ્લોક આવ્યો –

અભિમાનં સુરાપાનં ગૌરવં ઘોરરૌરવમ્‌ ।
પ્રતિષ્ઠા શૂકરીવિષ્ઠા તસ્માત્‌ એતત્ત્રયં ત્યજેત્‌ ॥

અભિમાન સુરાપાન સમાન છે, ગૌરવની કામના રૌરવ નરકમાં રહેવા જેવું છે; પ્રતિષ્ઠા સૂવરના છાણ જેવી ઘૃણાકારક છે, અને એટલે જ આ ત્રણેયનો ત્યાગ કરો. (‘જીવનમુક્ત તુરીયાનંદ’, જગદીશ્વરાનંદ, નાગપુર, ૨૦૦૪, પૃ.૨૭)

શ્લોક સાંભળીને તુરીયાનંદજીને એટલી સુનિશ્ચિત ધારણા બંધાણી કે સ્વામીજી આ ત્રણેય દોષોથી મુક્ત થઈ ચૂક્યા છે. થોડીવાર પછી એમણે કહ્યું: ‘હરિભાઈ, હવે આ ઘરમાં વધારે નહિ રહું. આ લોકો તમને એટલી મોટી શ્રદ્ધાથી જોઈ નહિ શકે. આ તો ઉપાધિધારી મોટા પંડિત છે. ચાલો, ફલાણાના ઘરે જઈએ, તે આપણને બધાને ઘણા પ્રેમથી રાખશે.’ ત્યાર પછી ત્રણેય ગુરુભાઈઓ એકીસાથે કાલીપદ ઘોષના ઘરે ચાલ્યા ગયા. અહીં એમણે એકીસાથે રહીને કેટલાય દિવસો પરમ આહ્‌લાદપૂર્વક વીતાવ્યા. કાલીપદ બાબુએ એક દિવસ પોતાના ગુરુભાઈઓને ઘોડાગાડીમાં બેસાડીને નગરનું પરિદર્શન પણ કરાવ્યું.

સ્વામીજીના અંગ્રેજી જીવન તથા સ્વામી તુરીયાનંદજીની બંગાળી જીવનકથામાંથી મળેલ ઉપર્યુક્ત વિવરણથી એવું લાગે છે કે આ વખતે સ્વામીજી પહેલાં તો મહારાષ્ટ્રિય પંડિત પાસે રહ્યા હતા અને ત્યાર બાદ બાબુ કાલીપદ ઘોષના ઘરે ચાલ્યા ગયા. પણ આપણે અહીં એટલું યાદ રાખવું જોઈએ કે આ યાત્રામાં સ્વામીજીની સાથે મદ્રાસથી મુનશી જગમોહનલાલ તથા એમના કેટલાક સહાયક પણ સાથે આવ્યા હતા. એટલે આમ કૂલ મળીને એ બધાની સંખ્યા ઓછામાં ઓછી ૬ જેટલી થઈ ગઈ હતી. સાથે ને સાથે એટલા લોકો માટે એક સ્થાને રહેવું કઠિન હતું. મુનશી જગમોહનલાલ પોતાના સહયોગીઓ સાથે ક્યાંક બીજે રોકાયા હોય એ શક્ય છે.

સ્વામી તુરીયાનંદજીનાં સંસ્મરણો

સ્વામીજીના આ મુંબઈ નિવાસ દરમિયાન પ્રતિદિન સંધ્યા સમયે ઘણા લોકોનો એમની સાથે સમાગમ થયા કરતો. સ્વામીજી પણ આવેલા લોકો સાથે ધર્મચર્ચા કર્યા કરતા. એક દિવસ અસ્વસ્થતાને કારણે તેમણે તુરીયાનંદજીને કહ્યું: ‘આજ મારી તબિયત સારી નથી, એટલે આ લોકોને તમે જ કંઈક કહો. હું સૂતાં સૂતાં સાંભળીશ.’ તુરીયાનંદજીની ઇચ્છા ન હોવા છતાં પણ ગુરુભાઈનો પ્રેમપૂર્વકનો આગ્રહ ટાળી ન શક્યા અને એ આગ્રહથી વશ થઈને ત્યાં ઉપસ્થિત લોકો સમક્ષ ધર્મચર્ચા કરી. બોલતાં બોલતાં ભાવતરંગમાં તેઓ ત્યાગ-વૈરાગ્ય વિશે ઘણી વાતો કહી ગયા. પ્રવચન સાંભળીને લોકો ચાલ્યા ગયા પછી સ્વામીજીએ એમને કહ્યું: ‘આ સંસારમાં આસક્ત લોકોને તમે આટલા કઠોર ત્યાગ તેમજ તીવ્ર વૈરાગ્યની વાત કેમ કહી? તમે તો ખરેખર સંન્યાસી છો, પણ સાંભળવાવાળા બધા ગૃહસ્થ હતા. એમને ઉપયોગી થાય એવું કંઈક કહેવું જોઈતું હતું. તમારી વાતો સાંભળીને તે લોકો વિચલિત થઈ જશે. લોકો જે સમજી જાણી શકે એ જ કહેવું સારું રહે.’ આ રીતે સ્વામીજીએ એમને એક હળવો ઠપકો પણ આપ્યો. એ સાંભળીને તુરીયાનંદજીએ હસતાં હસતાં કહ્યું: ‘મને લાગ્યું કે તમે સાંભળી રહ્યા છો, એટલે જેમ તેમ બોલવું ચાલશે નહિ. સારું બોલવાનો પ્રયાસ કરતાં જ આવી ગડબડ થઈ ગઈ.’

મુંબઈમાં સ્વામી તુરીયાનંદજીએ સ્વામીજીમાં શું શું જોયું એ વિશે શ્રીમહેન્દ્રનાથ દત્ત આમ લખે છે : પછીના કાળમાં હરિમહારાજે અમને લોકોને કહ્યું હતું કે મુંબઈમાં ક્યાંક નરેન્દ્રનાથ સાથે અમારી મુલાકાત થઈ હતી. જોયું તો એમનો કંઠસ્વર, મુખભંગિમા, એ બધાં સાવ બદલાઈ ગયાં હતાં. તેઓ અહંકાર અને માનયશનાં બંધનથી મુક્ત થઈ ચૂક્યા હતા. સાવ ભિન્ન વ્યક્તિ જ છે.’ સ્વામીજીએ તુરીયાનંદજીને કહ્યું: ‘જુઓ હરિભાઈ, ધર્મકર્મ તો હું કંઈ સમજી ન શક્યો અને ભગવાનને પણ ન પામી શક્યો. પણ કંઈક તો જરૂર થયું છે. હૃદયના પ્રેમભાવમાં ઘણા મોટા પ્રમાણમાં વૃદ્ધિ થઈ છે. સમગ્ર જગતને પ્રેમ આપવાની ઇચ્છા થાય છે; અને બીજું તો કંઈ સમજી શકતો નથી.

ચારુચંદ્ર નામના એક ભાઈ હરિ મહારાજ (તુરીયાનંદજી)ના ઘણા અનુરાગી હતા. વચ્ચે વચ્ચે તેઓ હરિ મહારાજ પાસે આવતા રહેતા. ચારુબાબુએ અમને એક ઘટના વર્ણવી હતી : ‘એક વાર હરિ મહારાજની મુંબઈમાં એમની સાથે ક્યાંક મુલાકાત થઈ. નરેન્દ્રનાથ (સ્વામીજી) એક ઉદ્યાનમાં એક વૃક્ષ નીચે કેટલાંક પુસ્તકો શિર પર રાખીને ડાબે પડખે ધરતી પર સૂતા હતા. હરિ મહારાજે ત્યાં જઈને એમની સાથે વિવિધ વિષયોની વાતો કરવા લાગ્યા. નરેન્દ્રનાથે કહ્યું: ‘ભગવાનને જોઈ શક્યો નથી. ઘણાં પુસ્તકો વાંચ્યાં, પણ કંઈ મળ્યું નહિ; પરંતુ હૃદયમાં તો કંઈક થયું છે ખરું! એ જ મને ચકરાવે ચડાવવાનો પ્રયાસ કરે છે, મને અસ્થિર કરી દીધો છે.’ ચારુ બાબુએ હરિ મહારાજ પાસેથી જેવું સાંભળ્યું હતું તે વાત આગળ વર્ણવવા લાગ્યા: ‘કેવી આશ્ચર્યની વાત! જોયું, જાણે કે સાક્ષાત્‌ શિવજી બનીને સૂતા છે અને મુખેથી કહે છે – ભગવાનનાં દર્શન નથી થયાં! ધર્મકર્મ કંઈ નથી સમજી શક્યો! દીનદુ:ખીઓનાં દુ:ખકષ્ટની પીડાએ જ એમને ઉન્મત્ત કરી મૂક્યાં છે.’ હરિ મહારાજ બરાબર એવી જ રીતે ફરીથી કહેવા લાગ્યા: ‘શિવજી પોતે જ શું શિવને જોઈ શકે! શિવજી તો શિવ જ હોય છે.’ (‘વિશ્વપથિક વિવેકાનંદ’, બંગાળી, પૃ.૧૯૭-૯૮)

અમેરિકાની ટિકિટનું આરક્ષણ અને યાત્રાખર્ચ

સ્વામીજીનું આ વખતે મુંબઈ આવવું તથા ત્યાં રોકાવું એનો મૂળ ઉદ્દેશ્ય હતો અમેરિકા જવા માટે પોતાની ટિકિટનું આરક્ષણ કરાવવું. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે આ ટિકિટ માટે ધન ક્યાંથી આવ્યું? અર્થાત્‌ આ યાત્રા માટે આ ખર્ચનો બોજો કોણે વહન કર્યો? આ વિશે કેટલીયે ભ્રાંતિઓ પ્રચલિત છે. અને ક્યાંક ક્યાંક તો આલાસિંગા તથા એમના મિત્રોના કમરતોડ પરિશ્રમને જાણે કે જોયો ન જોયો કરીને બધા ધનની વ્યવસ્થાનું શ્રેય પરાણે ખેતડી નરેશ પર લાદી દીધું છે. (‘સ્વામી વિવેકાનંદ: એક જીવની’, સ્વામી નિખિલાનંદ, કોલકાતા, પ્રથમ સંસ્કરણ, પૃ.૩૪૬; વેણીશંકર શર્મા વગેરે. ગંભીરાનંદજીએ પોતાના ‘યુગનાયક વિવેકાનંદ’ ગ્રંથ ખંડ-૧, ૧૯૯૮, પૃ.૩૫૮-૬૨માં આ ભ્રાંતિને દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે.) પ્રારંભમાં સંભવત: આવી જ ધારણા હતી. પરંતુ પછીથી પૂરું વિવરણ મળી ગયા પછી વાસ્તવિક પરિસ્થિતિ આવી નથી એનો ખ્યાલ આવી ગયો.

આ વિશે સ્પષ્ટીકરણ કરવા સ્વામીજીની પોતાની ઉક્તિઓ પ્રસ્તુત કરવી વધારે સુયોગ્ય રહેશે. ૨૭ એપ્રિલ, ૧૮૯૩ના રોજ એમણે ડોક્ટર નંજુંદા રાવને નામે લખેલ પોતાના પત્રમાં આમ જણાવ્યું હતું: ‘મદ્રાસથી જહાજમાં બેસવાના પ્રસ્તાવ વિશે મારું કહેવું આવું છે કે હવે એ વ્યવસ્થા થઈ શકે એમ નથી, કારણ કે મેં પહેલેથી જ મુંબઈથી જવાની વ્યવસ્થા કરી લીધી છે… બે-એક સપ્તાહની અંદર જ હું મુંબઈ જવા રવાના થઉં છું.’ (‘વિવેકાનંદ સાહિત્ય’, ખંડ-૧, પ્રથમ સંસ્કરણ, પૃ.૩૮૭) એના પછી તરત જ મે મહિનાના પહેલા સપ્તાહમાં તેઓ હરિદાસ વિહારીદાસ દેસાઈને લખે છે: ‘આપને યાદ હશે કે પહેલેથી જ મારી શિકાગો જવાની ઇચ્છા હતી. જ્યારે હું મદ્રાસમાં હતો ત્યારે ત્યાંની પ્રજાએ પોતે જ મૈસૂર તથા રામનદના રાજાઓના સહયોગથી મને મોકલવાની બધી વ્યવસ્થા કરી દીધી હતી.’ (‘વિવેકાનંદ સાહિત્ય’, ખંડ-૧, પ્રથમ સંસ્કરણ, પૃ.૩૯૨)

૨૪ ઓગસ્ટ ૧૯૦૨ના રોજ કોલાપુરમાં આયોજિત વિવેકાનંદ સ્મૃતિસભામાં અપાયેલ તથા ‘મરાઠી માસિક ગ્રંથમાળા’ના ઓગસ્ટ ૧૯૦૨ના અંકમાં પ્રકાશિત પોતાના વ્યાખ્યાનમાં મુંબઈના સુપ્રસિદ્ધ અધિવક્તા શ્રીનિવાસ આયંગર સેટલૂરે આમ કહ્યું હતું: ‘શિકાગોના મેળાના સમયે સર્વધર્મ  સંમેલનનું આયોજન થયું હતું… એ સમયે મદ્રાસમાં રહેતા કેટલાક મૈસૂરના તરુણ વિદ્યાર્થીઓએ સ્વામીજીને કહ્યું કે અમે ફંડ એકઠું કરીએ છીએ. ૧૦ રૂપિયા દર મહિને દેનાર ત્રીસ લોકોનું એક વૃંદ તૈયાર થયું. આ રીતે સ્વામીજી મદ્રાસથી વિદાય થયા.’

ઉપર્યુક્ત તથ્યોથી આ વાત સિદ્ધ થઈ જાય છે કે અમેરિકા જવા માટે યાત્રાના ખર્ચની વ્યવસ્થા થઈ ગયા પછી જ સ્વામીજીએ મદ્રાસથી ખેતડી તરફ જવા પ્રસ્થાન કર્યું હતું. હવે પછી ઉદ્ધૃત થનાર મુનશી જગમોહનલાલને લખેલ અજિતસિંહે પોતાના પત્રમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. આ બાજુ આલાસિંગા વગેરે મદ્રાસમાં ધન એકઠું કરવાનું કાર્ય ચાલુ રાખીને સ્વામીજીને વચ્ચે વચ્ચે પત્ર તેમજ તાર દ્વારા ખેતડીમાં સૂચના આપતા રહ્યા હતા. એટલે સ્વામીજીએ જૂનાગઢના દિવાન હરિદાસ વિહારીદાસ દેસાઈને લખ્યું કે મદ્રાસમાં ધનની વ્યવસ્થા થઈ ગઈ હતી; અર્થાત્‌ વચન મળ્યા પછી ભૌતિક રૂપે એના સંકલનનું કાર્ય ચાલતું રહ્યું.

આલાસિંગા તથા એમના મદ્રાસના મિત્રોએ કુલ મળીને આશરે ચાર હજાર રૂપિયા એકત્ર કર્યા હતા. સ્વામીજીએ ૧૮૯૩ની ૨૦ ઓગસ્ટના રોજ આલાસિંગાને આમ લખ્યું હતું: ‘તમે મને ૧૭૦ પાઉન્ડની નોટ અને ૯ પાઉન્ડ રોકડા આપ્યા હતા.’ અર્થાત્‌ આ રૂપિયા એમણે મદ્રાસથી લાવીને સ્વામીજીને મુંબઈથી અમેરિકા માટે વિદાય કરતી વખતે ભવિષ્યમાં થનારા ખર્ચ માટે આપ્યા હતા. આ ૧૭૯ પાઉન્ડના (પ્રતિ પાઉન્ડના તત્કાલીન ૧૫ રૂપિયા ભાવ હતો) એટલે કે લગભગ ૨૬૮૫ રૂપિયા થયા. એના પરથી અનુમાન કરી શકાય કે મદ્રાસમાંથી વિદાય લેતી સમયે ટિકિટ ખરીદવા માટે સ્વામીજીને આલાસિંગા પાસેથી લગભગ ૧૫૦૦ રૂપિયા મળ્યા હતા અને બાકીના રૂપિયા આલાસિંગાએ મુંબઈ આવીને આપ્યા હતા. એવું જણાય છે કે ટિકિટ માટે કેટલા રૂપિયા લાગશે એ મદ્રાસમાં રહેતી વખતે સ્વામીજીએ જાણી લીધું હતું; અને એટલા રૂપિયા એકત્ર થતાં જ તેઓ મુંબઈ તરફ નીકળી ગયા.

એટલે અંતે ખેતડીના રાજા પાસેથી યાત્રા માટે કોઈ રોકડ ધનરાશિ લેવાની આવશ્યકતા જ રહી ન હતી. આમ તો એમના તરફથી યાત્રા માટે આવશ્યક ચીજવસ્તુઓ ખરીદી થઈ હતી અને ટિકિટને સાધારણ શ્રેણીમાંથી ઉચ્ચ કે બિન શ્રેણીની કરાવી દીધી હતી. સ્વામી ગંભીરાનંદજી દર્શાવે છે કે એમણે ઘણા વખત પહેલાં બેલૂર મઠના જૂના સાધુઓના મુખેથી સાંભળ્યું હતું કે પહેલાં આલાસિંગાએ એકત્ર કરેલ રૂપિયાથી બીજી શ્રેણીની ટિકિટ ખરીદી હતી. જગમોહને રાજગુરુના સન્માનાર્થે ખેતડી રાજા તરફથી વધારાની રકમ આપીને એને પ્રથમ શ્રેણીમાં બદલી દીધી. આ જ વાત બરાબર લાગે છે.

ટ્રેનમાં ગુરુભાઈઓ સાથે

મુંબઈમાં થોડા દિવસ વીતાવ્યા અને પોતાની અમેરિકાની યાત્રા માટે વહાણની ટિકિટ આરક્ષિત કરાવ્યા બાદ સ્વામીજી મુનશી જગમોહનલાલ તથા ગુરુભાઈઓની સાથે ખેતડી જવા નીકળી પડ્યા. આબૂ રોડ સ્ટેશન સુધી બધા એક સાથે જ ગયા.

ટ્રેન દ્વારા આબૂ રોડ જતી વખતે એમની વચ્ચે જે વાતચીત થઈ હતી એ વિશે સ્વામી તુરીયાનંદજીએ આમ કહ્યું હતું: ‘અમેરિકા જતાં પહેલાં સ્વામીજીનું તેજસ્વી મુખમંડળ જોઈને એવું લાગ્યું હતું કે તેઓ પોતાની સાધના પૂરી કરી ચૂક્યા હતા અને પોતાના ગુરુદેવનો સંદેશ પ્રસારિત કરવા જઈ રહ્યા છે.’ (‘જીવનમુક્ત તુરીયાનંદ’ સ્વામી જગદીશ્વરાનંદ, નાગપુર, પૃ.૪૨) બીજા એક સમયે એમણે આમ દર્શાવ્યું હતું: જ્યારે સ્વામીજી પહેલીવાર અમેરિકા ગયા ત્યારે હું એમની સાથે મુંબઈના રસ્તે થોડે દૂર (આબૂરોડ) સુધી ગયો હતો. ગાડીમાં જતી વખતે એમણે મને ગંભીરભાવે કહ્યું: ‘મારું મન કહી રહ્યું છે કે અમેરિકામાં જે તૈયારીઓ થઈ રહી છે તે બધી (પોતાની તરફ નિશાની કરતાં) આને માટે જ છે. તમે થોડા જ સમયમાં આ બધું જોઈ શકશો.’

એમણે આ પણ બતાવ્યું હતું: ‘સ્વામીજીમાં બધી જાતના લોકો સાથે મળવાની અદ્‌ભુત ક્ષમતા હતી. ભારત પરિભ્રમણના દિવસોમાં એકવખત અમે બંને રેલવેમાં જઈ રહ્યા હતા. ત્રીજા વર્ગના ડબ્બામાં સ્વામીજી ઘોડાના કેટલાક જાણકારો અને રખેવાળો સાથે ભિન્ન ભિન્ન પ્રકારની ચર્ચામાં મગ્ન થઈ ગયા. મેં પૂછ્યું : ‘શું વાતચીત ચાલતી હતી?’ સ્વામીજીએ કહ્યું: ‘આ લોકો ઘણી વાતો જાણે છે. ઘોડાદોડ વખતે ઘોડાની કેવી રીતે સંભાળ રાખવી પડે છે, કયા નિયમો અનુસાર એમનાં વ્યાયામ, માલિશ, વગેરે કરાય છે, એ બધી વાતો મેં સાંભળી લીધી. ઘણો આનંદ આવ્યો. બધાની પાસે શીખવા જેવું કંઈક તો હોય જ છે.’ (‘અધ્યાત્મમાર્ગ પ્રદીપ’ પૃ.૧૩૪, ૧૭૭ તથા ‘સ્મૃતિર્‌ આલોય સ્વામીજી’, બંગાળી, ૧૯૯૦, પૃ.૪,૬)

આબૂરોડ સ્ટેશન આવ્યું ત્યારે સ્વામી બ્રહ્માનંદ તથા તુરીયાનંદ ત્યાં ઊતરીને તપ કરવાના ઉદ્દેશ્યથી આબૂ પર્વત પર ચાલ્યા ગયા. પછી વૃંદાવનથી બંને ગુરુભાઈઓએ સંયુક્ત રૂપે એક પત્રમાં સ્વામી અદ્વૈતાનંદજીને આમ લખ્યું હતું: ‘મુંબઈમાં રહેતી વખતે અમે લોકો નરેન્દ્રનાથ સાથે મળીને ખૂબ આહ્‌લાદિત થયા હતા. પછીથી તેઓ પોતે જ અમને લોકોને આબૂ પર્વત પર રહેવાની વ્યવસ્થા કરાવી ગયા હતા.’ (ઉદ્‌બોધન માસિક, વર્ષ ૬૮, અંક-૨, ફાલ્ગુન ૧૩૭૨, પૃ.૬૩) માઉન્ટ આબૂમાં રાજાની નવી કોઠી હતી જ અને એ ખાલી હતી. એવું જણાય છે કે જગમોહનલાલે પહેલેથી જ પત્ર કે તાર દ્વારા સૂચના મોકલીને ત્યાંના વ્યવસ્થાપકને આબૂરોડ સ્ટેશને બોલાવી લીધો હશે અને બંને ગુરુભાઈઓ માટે સુયોગ્ય નિર્દેશ આપીને જયપુર તથા ખેતડી તરફ જવા આગળ નીકળી ગયા હશે.

(ક્રમશ:)

Total Views: 49

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.