અઘોરમણિના ગોપાલનાં દર્શનને શારદાનંદે વર્ણવ્યું છે :

વસંતની એક સવારે ત્રણ વાગ્યે અઘોરમણિ (ગોપાલની મા) જપ કરવા બેઠાં. પછી તેઓ પ્રાણાયામ કરવા લાગ્યાં અને પોતાના જપનું ફળ પોતાના ઈષ્ટને અર્પણ કરવા જતાં હતાં ત્યાં તેમણે પોતાની ડાબી બાજુએ જમણી તરફની મુઠ્ઠીવાળીને બેઠેલા ઠાકુરનાં દર્શન એમને થયાં. એમને તેઓ દક્ષિણેશ્વરમાં જોતાં હતાં તેવા દેહધારી જ હતા. તેઓ આશ્ચર્ય પામી ગયાં : ‘આ તે શું? આવે કસમયે તેઓ કઈ રીતે આવી ગયા?’ દરમિયાન ગોપાલે (શ્રીરામકૃષ્ણને એ નામે તેઓ બોલાવતાં) – મધુર હાસ્ય રેલાવ્યે રાખ્યું. પછી ગોપાલની માએ હિંમતપૂર્વક એમનો ડાબો હાથ પકડયો – અને ઠાકુર અદૃશ્ય થઈ ગયા. એમને સ્થાને દસ મહિનાના મોટા બાળક જેવા સાચા ગોપાલ દેખાયા. એનું રૂપ અને સૌંદર્ય અવર્ણનીય છે! મારી પાસે ભાંખોડિયા ભરતો આવી એક હાથ ઊંચો કરી એ બાળગોપાલ બોલ્યા, ‘મા, મને માખણ આપ.’ આ અદ્‌ભુત અનુભવથી હું ડઘાઈ ગઈ! હું એટલા જોરથી રડવા લાગી કે, ઘરમાં કોઈ માણસો હોત તો, એ મારી પાસે દોડી આવ્યાં હોત. આંસુભરી આંખે હું બોલી : ‘બેટા, હું તો રંક-અનાથ વિધવા છું. હું તને શું ખવરાવું? હું તે માખણ અને મલાઈ ક્યાંથી કાઢું?’ પણ ગોપાલે મારું કહ્યું કાને ન ધર્યું : ‘મને કંઈક ખાવા આપ’, એનો પાઠ એ પઢતો રહ્યો. હું તે શું કરું? ડૂસકાં ખાતી હું ઊભી થઈ અને શિંકેથી લઈ એને કોપરાના લાડુ આપ્યા.

એના હાથમાં એ મૂકી હું બોલી : ‘ગોપાલ, મારા વહાલા, તને હું આવી ક્ષુલ્લક ચીજ આપું છું પણ, બદલામાં, તું મને આવું રાંક ખાવાનું ન આપતો.’

‘હું જરાય જપ કરી શકી નહીં. મારે ખોળે ગોપાલ ચડી બેઠો, એણે મારી જપમાળા આંચકી લીધી, મારે ખભે ચડી ગયો અને ઓરડામાં ભાંખોડિયા ભરવા લાગ્યો. સવાર થતાં જ પાગલ સ્ત્રીની માફક મેં દક્ષિણેશ્વરની વાટ પકડી. ગોપાલ મારી સાથે જ હતો. મારા એક હાથમાં મેં એને બેસાડ્યો હતો અને મારો બીજો હાથ એની પીઠ પર હતો. એનું મસ્તક મારે ખભે હતું. ગોપાલના એ નાના ગુલાબી પગ મારી છાતીએ લટકતા મને સ્પષ્ટ દેખાતા હતા.’

વસંતની એ સવારે દક્ષિણેશ્વર પહોંચ્યા પછી, તેઓ અનન્ય આધ્યાત્મિક ભાવમાં તણાઈને રુદન કરવા લાગ્યાં અને શ્રીરામકૃષ્ણને તેનાં ભાવ દર્શનની વાતો કહેવાં લાગ્યાં: ‘આ જુઓ, ગોપાલ મારી કાંખમાં બેઠો છે… (ઠાકુરને ચીંધીને) હવે એ તમારામાં પ્રવેશે છે… એ પાછો બહાર આવે છે… આવ, મારા બાળુડા, તારી રાંક મા પાસે આવ.’ આમ વાત કરતાં એમણે જોયું કે નટખટ ગોપાલ ઠાકુરના શરીરમાં પ્રવેશે છે અને તેજસ્વી બાળરૂપમાં પોતાની સમક્ષ એ ફરી દેખાય છે. ગોપાલની અનન્ય ક્રીડા અને એનાં બાલસહજ તોફાનોથી અભિભૂત થઈ બાહ્ય જગતનાં કડક નિયમો, વિધિઓ અને રોજિંદા વ્યવહારને તેઓ ભૂલી ગયાં. આધ્યાત્મિક તોફાનના એ મહાતરંગમાં સપડાયા પછી પોતાની જાતને કોણ વશ રાખી શકે?

તે દિવસે અઘોરમણિ બન્યાં ગોપાલ-મા (ગોપાલની મા) અને ઠાકુર એમને એ નામે બોલાવવા લાગ્યા. એમની અદ્‌ભુત ભાવદશાને જોઈને ઠાકુરે ખૂબ આનંદ વ્યક્ત કર્યો. એમને શાંત કરવા માટે ઠાકુરે એમની છાતી પસવારી અને પોતાની પાસે હતી તે મધુર વાનગીઓમાંથી એમને એ ખવરાવવા લાગ્યા. ખાતાં હતાં ત્યારે પણ ગોપાલ-મા ભાવદશામાં જ રહ્યાં અને બોલતાં હતાં કે : ‘ગોપાલ, મારા વહાલા, તારી આ દરિદ્ર માતાએ ખૂબ ગરીબાઈમાં જીવન વીતાવ્યું છે. સૂતર કાંતીને અને જનોઈ વણીને એણે પેટ ભર્યું છે. એટલે શું આજે મારી ખાસ કાળજી રાખે છે?’

તે દિવસે ઠાકુરે એમને દક્ષિણેશ્વરમાં જ રાખ્યાં. તેઓ ત્યાં જ નાહ્યાં અને જમ્યાં. સાંજે તેઓ થોડાં શાંત થતાં ઠાકુરે એમને કામારહાટી પાછાં રવાના કર્યાં. એમનાં દર્શનનો ગોપાલ, એમની કાંખમાં બેસીને એમની સાથે ગયો.

પછી, રથયાત્રા પાછી વળવાને સમયે ઠાકુર થોડા દિવસ બલરામને ત્યાં રહ્યા હતા ત્યારે, ગોપાલની મા એમને મળવાને ત્યાં આવ્યાં. સ્વામી શારદાનંદે લખ્યું છે કે : ‘સંધ્યાકાળની થોડી વેળા પહેલાં ઠાકુર સમાધિમાં સર્યા. ભાખોડભેર ગોપાલની ધાતુની મૂર્તિ આપણે જોઈ છે; એના પગ અને ડાબો હાથ જમીન પર હોય અને, ડોક ઊંચી કરીને આનંદપૂર્વક જાણે કંઈ એ માગતો હોય તેમ એનો જમણો હાથ ખુલ્લો ઊંચેરો હોય. ઠાકુર ભાવસમાધિમાં સરી પડ્યા અને એમણે એ ભંગિ ધારણ કરી; માત્ર એમનાં નેત્રો અર્ધબીડેલાં હતાં; જાણે કે, ભીતરમાં કશાક પર મંડાયેલાં હોય. ઠાકુર સમાધિમાં સર્યા તે પછી તરત જ ગોપાલની માની ગાડી બલરામના ઘરને દરવાજે આવી. તેઓ ઉપરના માળે પહોંચ્યાં અને એમણે ઠાકુરને પોતાના ઈષ્ટની આકૃતિમાં જોયા. ઠાકુરમાં આ ગોપાલભાવ જાગવાનું કારણ ગોપાલની માની અનન્ય ભક્તિ હતી, તે હાજર હતા તે ભક્તો સમજી ગયા. એમણે ગોપાલની માની પ્રશંસા કરી અને એમને ખૂબ ભાગ્યશાળી માનીને એમનો આદર કરવા લાગ્યા. એ સૌ કહે : ‘કેવી તો અદ્‌ભુત ભક્તિ! એમની ઉત્કટ ભક્તિને કારણે ઠાકુરે ગોપાલ સ્વરૂપ ધારણ કર્યું.’ પણ ગોપાલમા બોલ્યાં કે, ‘સાચું કહું તો, સમાધિમાં આ અક્કડ સ્વરૂપ મને ગમતું નથી. મારો ગોપાલ તો હસતો, રમતો અને હડીઓ કાઢતો હોય. પણ આ શું છે? આ તો ઢીંમચા જેવો જડ છે. આવો ગોપાલ જોવો મને ગમતો નથી!’

રામચંદ્ર સ્વરૂપે શ્રીરામકૃષ્ણ

એકવાર કોઈ કામ પ્રસંગે રામકૃષ્ણના પિતા ક્ષુદિરામ બીજે ગામ ગયા. પાછા વળતાં થાકી જવાથી એક ઝાડ નીચે વિસામો ખાવા તેઓ બેઠા. એમને આડા પડવા મન થયું અને તે કરતાંવેંત તેઓ નિદ્રિત થઈ ગયા. થોડીવાર પછી એમને સ્વપ્ન આવવા લાગ્યું. એમના ઈષ્ટદેવ રામચંદ્ર નવદુર્વાંકુર રૂપ ધારણ કરીને, દિવ્ય બાલસ્વરૂપે એમને દેખાવા લાગ્યા. એક સ્થાન તરફ આંગળી ચીંધી રામચંદ્ર બોલ્યા કે : ‘હું અહીં ઘણા દિવસથી કોઈના ધ્યાન વગર અને અપૂજ પડ્યો છું. તું મને ઘેર લઈ જા. તારી સેવા સ્વીકારવા હું આતુર છું.’ ક્ષુદિરામ ત્યાં ગયા અને એમણે વિષ્ણુશિલા જોઈ; તેને તેઓ ઘેર લઈ ગયા અને પોતાના પાલખમાં સ્થાપિત કરી.

ક્ષુદિરામ એને ‘રઘુવીર’ કહેવા લાગ્યા અને પ્રેમપૂર્વક એની નિત્યપૂજા કરવા લાગ્યા. ગદાધર બાળક હતા ત્યારે એક દિવસ, ક્ષુદિરામને રઘુવીર માટે માળા ગૂંથવાનું મન થયું. એમણે ફૂલો ચૂંટ્યાં, માળા ગૂંથી અને રઘુવીરની પૂજા કરવા બેઠા. દરમિયાન, નાના ગદાધરને એ માળા પહેરવાની ઇચ્છા થઈ. દેવને સ્નાન કરાવીને, ક્ષુદિરામ ધ્યાનમાં બેઠા. તક ઝડપી ગદાધરે એ માળા પહેરી લીધી. પછી એ પિતાને કહેવા લાગ્યા : ‘જુઓ, બાપુજી, હું રઘુવીર છું, એની જેમ મેં પણ ચંદનલેપ કર્યો છે ને માળા પહેરી છે.’

ભૈરવી બ્રાહ્મણીના ઈષ્ટ કોણ હતા તે કહેવું મુશ્કેલ છે. શ્રીરામકૃષ્ણને તેઓ મળ્યાં તે પહેલાં તેમને (શ્રીરામકૃષ્ણને મળવા માટે) જગન્માતા તરફથી આદેશ મળ્યો હતો; તંત્રાનુસાર શક્તિપૂજામાં એમણે પૂર્ણતા પ્રાપ્ત કરી હતી; વૈષ્ણવ સંપ્રદાયના ભક્તિપંથની તેઓ મહાન સાધિકા હતાં; પણ પ્રવાસ કરતી વેળાએ સદાય રઘુવીરની મૂર્તિ સાથે રાખતાં.

બ્રાહ્મણી દક્ષિણેશ્વર હતાં ત્યારે એમને થયેલાં રઘુવીરનાં દર્શન વિશે સ્વામી શારદાનંદે લખ્યું છે કે :

સવારે શિરામણ કર્યા પછી અને મંદિરોમાં દેવદર્શન કર્યા પછી, મંદિરના ભંડારમાંથી બ્રાહ્મણી સીધું લેતાં. પછી પોતાના ઈષ્ટ રઘુવીરની મૂર્તિ એને ગળે લટકાવેલી તેઓ રાખતાં.

રસોઈ કર્યા પછી તેઓ રઘુવીર પાસે થાળી રાખતાં અને આંખો બંધ કરી ઈષ્ટની પ્રાર્થના કરતાં. તેઓ ઊંડા ધ્યાનમાં સરી પડ્યાં અને એમને અદ્‌ભુત દર્શન થયું. સમાધિમાં મગ્ન હોઈને, એનું બાહ્ય ધ્યાન જતું રહ્યું હતું અને તેઓ આનંદાશ્રુ સારવા લાગ્યાં. એ જ સમયે ઠાકુર પણ ભાવાવિષ્ટ હતા અને એમને પંચવટી જવાનું મન થયું. તેઓ ત્યાં ગયા અને દિવ્ય શક્તિથી આકૃષ્ટ થઈ બ્રાહ્મણીએ ધરાવેલો પ્રસાદ તેઓ આરોગવા લાગ્યા. થોડીવાર પછી બ્રાહ્મણીને બાહ્ય ભાન આવ્યું અને એણે ઠાકુરને ભાવમસ્ત જોયા. પોતાનાં દર્શનને અનુરૂપ દૃશ્ય જોઈ તેઓ આનંદિત થઈ ગયાં અને એનાં રુંવાડાં ઊભાં થઈ ગયાં. ઠાકુર સાધારણ દશામાં આવ્યા ત્યારે, પોતે જે કર્યું હતું તે બદલ તેઓ શરમિંદા બની ગયા.’ જાત ઉપર કાબૂ ગુમાવીને હું આવું શા માટે કરું છું તે કોણ જાણે છે?’ એમ કહી ઠાકુરે ક્ષમા માગી. પ્રેમપૂર્વક બ્રાહ્મણીએ એમને ઠસાવ્યું કે, ‘મારા દીકરા, તેં યોગ્ય જ કર્યું છે. ખરેખર તો આ કંઈ તેં નથી કર્યું અને શા માટે તે મેં ધ્યાનમાં જાણ્યું છે. હવે મારે વિધિસરની પૂજાની જરૂર નથી એ ભાન મને થયું છે. મારી ભક્તિનું ફળ આખરે મને મળી ગયું છે.’ પછી, ઠાકુરે થાળીમાં મૂકી રાખેલું તેને પ્રસાદ માની બ્રાહ્મણી આરોગી ગયાં. પોતાના રઘુવીરનું દર્શન એને શ્રીરામકૃષ્ણમાં થયું અને તેઓ સુખથી છલકાઈ ઊઠ્યાં. જે પત્થરમૂર્તિની ઘણાં વરસોથી તેઓ પ્રેમથી પૂજા કરતાં હતાં તેને એમણે ગંગામાં પધરાવી દીધી.

ઠાકુર વાત્સલ્ય ભાવથી સાધના કરતા હતા ત્યારે, એમણે જટાધારી પાસેથી રામમંત્રની દીક્ષા લીધી હતી. બાળ રામચંદ્રની એ ધાતુ મૂર્તિ માનવીની માફક ખાતી પીતી, સૂતી, નહાતી, દોડતી અને કૂદકા મારતી તે ખરે જ આશ્ચર્યવત્‌ છે. રામની માતા કૌશલ્યા જે વાત્સલ્યપૂર્વક રામની સેવા કરતાં તે જ ભાવથી ઠાકુર પણ રામલાલાની સેવા કરવા લાગ્યા. રામલાલા સાથેનો ઠાકુરનો આવો નિકટનો નાતો જોઈને ઠાકુર પાસે આવીને આનંદાશ્રુ સાથે જટાધારી બોલ્યા : ‘મેં પૂર્વે કદી નહીં અનુભવેલું તે રીતે રામલાલા મારી સમક્ષ પ્રગટ થયા છે. હવે મારી જીવનની ઇચ્છા પૂર્ણ થવા આવી છે. ‘હું અહીંથી ક્યાંય જવા માગતો નથી અને અહીં શ્રીરામકૃષ્ણ પાસે જ મારે રહેવું છે’, તેમ રામલાલાએ મારી સમક્ષ પ્રગટ કર્યું છે. પણ મને એનો જરાય રંજ નથી. એ તમારી સાથે સુખમાં રહે છે અને આનંદથી રમે છે અને, એને આમ વર્તતા જોઈ મને ખૂબ આનંદ થાય છે. એના સુખે સુખી થવાનો માર્ગ મને મળી ગયો છે. એટલે, એને તમારી પાસે છોડી હું ચાલ્યો જઈશ. તમારી પાસે એ સુખી છે તે જાણી હું આનંદ પામીશ.’ પછી જટાધારીએ એ મૂર્તિ ઠાકુરને આપી અને વિદાય લીધી.

નવગોપાલ ઘોષની પત્ની નિસ્તારિણી ભક્ત નારી હતાં. લગ્ન પછી તેઓ પોતાના પતિની સાથે ઠાકુર પાસે દક્ષિણેશ્વર ગયાં. મંદિરની બિલાડીનાં બચ્ચાં હતાં. ચોકીદારો એમને હડધૂત કરતા ને આ બિલાડીએ બચોળિયાં સાથે ઠાકુરના ઓરડામાં શરણ લીધું હતું. એક દિવસે ઠાકુરે નિસ્તારિણીને એ બચ્ચાં પોતાને ઘેર લઈ જવા કહ્યું. એણે હા પાડી. એને આશીર્વાદ આપીને ઠાકુરે કહ્યું કે : ‘તેં મને મોટી જવાબદારીમાંથી બચાવ્યો છે. તારી ઉપર માની કૃપા ઉતરો અને તારું સર્વ રીતે મંગલ થાઓ. તને તારા ઈષ્ટનાં દર્શન થાઓ.’ નિસ્તરિણીના ઈષ્ટદેવ રામચંદ્ર હતા. એક દિવસે મંત્રજાપ કરતાં એને શ્રીરામનાં દર્શન થયાં. તરત એણે મસ્તક નમાવ્યું અને તેઓ ચરણરજ લેવા ગયાં ત્યારે, રામને બદલે એને શ્રીરામકૃષ્ણ દેખાયા. હસીને ઠાકુર બોલ્યા કે : ‘હું કોણ છું એ હવે તેં જાણ્યું.’

ઠાકુરના ભત્રીજા રામલાલે નીચેની ઘટના કહેલી. એક યુવાન રામાયતી સાધુને અયોધ્યામાં દર્શન થયું કે ભગવાન રામે ફરી અવતાર લીધો છે ને એ ક્યાંક પૂર્વ તરફ છે. એને મળવા માટે એ સાધુ પૂર્વ તરફ પગપાળા પ્રવાસ કરતા નીકળી પડ્યા. તેઓ બંગાળમાં આવ્યા ત્યારે એના જાણવામાં આવ્યું કે કોલકાતા પાસે શ્રીરામકૃષ્ણ નામના મહાન સાધુ વસે છે. ખૂબ તપાસ કર્યા પછી એમણે દક્ષિણેશ્વર ખોળી કાઢ્યું અને કોઈને પૂછ્યું કે : ‘રામકૃષ્ણ પરમહંસ ક્યાં વસે છે?’ કાલીમંદિરના લોકોએ એમને કહ્યું કે, ‘ઠાકુર તો થોડા દિવસ પહેલાં જ અવસાન પામ્યા છે.’

આ હૃદયવિદારક શબ્દો સાંભળી એ સાધુએ કહ્યું: ‘શું! એ અવસાન પામ્યા છે? આશરે હજાર માઈલ દૂર આવેલા અયોધ્યાથી હું પગપાળા એમને મળવા આવ્યો છું. અહીં આવવા માટે મેં આટલી મુસીબત વેઠી અને એમણે દેહત્યાગ કરી દીધો!’ એ જુવાન સાધુ ડૂસકાં ભરવા લાગ્યો.

કાલીમંદિરના વહીવટદારે મંદિરના ભંડારમાંથી એને કંઈ ખાવા આપ્યું. પણ એમણે એ ન લીધું. તેઓ પંચવટીમાં ગયા અને બેત્રણ દિવસ એમણે અનાજ વગર કાઢ્યા. એક રાતે એને શ્રીરામકૃષ્ણ દેખાયા અને બોલ્યા: ‘તે કેટલાક દિવસથી કશું ખાધું નથી. તારે માટે હું ખીર લાવ્યો છું. એ જરા ખાઈ લે.’ એ સાધુને ખવરાવી ઠાકુર અદૃશ્ય થઈ ગયા.

વળતી સવારે હું (રામલાલ) પંચવટીમાં ગયો તો પેલા સાધુને આનંદમગ્ન જોયો. ‘શું બન્યું છે?’ એમ મેં પૂછ્યું તો એણે મને બધી વાત કરી. પોતાને માટે જે માટીની કટોરીમાં ઠાકુર ખીર લાવ્યા હતા; તે પણ એણે મને બતાવી. (એ કટોરી રામલાલે લાંબા વખત સુધી સાચવી રાખી હતી પણ, પછીથી તે ગમે તેમ પણ ફૂટી ગઈ હતી.)

Total Views: 36

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.