દક્ષિણેશ્વરમાંના મા કાલીના મંદિરમાંની માતાજીની પૂજાભક્તિથી ઠાકુર શ્રીરામકૃષ્ણે પોતાના સાધનાજીવનનો આરંભ કર્યો હતો. આરાધના માટે આરાધકને મૂર્તિની કે પ્રતીકની આવશ્યકતા રહે તે સ્વાભાવિક છે. મંદિરમાંની માતાજીની પ્રતિમા ઠાકુરનાં ધ્યાનભક્તિનું કેન્દ્ર બની હતી અને પોતાની અનન્ય ભક્તિને કારણે, શ્રીમાની કૃપાથી ઠાકુર માતાજીનું દર્શન પામ્યા હતા.

પરંતુ ઠાકુર મહત્ત્વાકાંક્ષી હતા. એટલે, માત્ર માતાજીનાં દર્શનથી એમને સંતોષ ન થયો. ભૈરવી બ્રાહ્મણીના માર્ગદર્શન હેઠળ પોતાની જગન્માતા પ્રત્યેની ભક્તિને વિધિને પાટે ચડાવી, અને એમ કરીને, પોતાના શરીરને પીડતા અસાધારણ દાહમાંથી એમણે મુક્તિ મેળવી. પછી ભૈરવી બ્રાહ્મણીના માર્ગદર્શન હેઠળ પૂજ્ય ઠાકુરે વિધિવત તંત્રસાધના કરી. પછી ઠાકુરે ભક્તિમાર્ગ પકડ્યો અને હનુમાનની માફક દાસભાવે તથા રાધાની માફક મધુરભાવે સાધના કરી. ત્યાં દક્ષિણેશ્વરમાં અચાનક આવી ચડેલા જટાધારીના માર્ગદર્શન હેઠળ ઠાકુરે રામલાલાની આરાધના પણ કરી. આમ વિવિધ રીતે સાધના કરીને ઠાકુરે અનુભૂતિ કરી કે વર્તુળની ત્રિજ્યાઓ પરિઘ પાસે ગમે તેટલી એકમેકથી છૂટી પડતી હોય, એ સર્વ કેન્દ્રે પહોંચી એક થઈ જાય છે; ‘બધી નદીઓનાં વારિ એક જ અર્ણવમાં ભળે છે.’

ઠાકુર ભૈરવીની શોધમાં ભટક્યા ન હતા, એ ભૈરવી બ્રાહ્મણી જાતે ઠાકુરને શોધતાં દક્ષિણેશ્વર આવી પડ્યાં હતાં. તે રીતે, તોતિંગ દેહધારી તોતાપુરી પણ જાણે કે ઠાકુરને શોધતા જ દક્ષિણેશ્વર આવી ચડ્યા હતા. એમ કહી શકાશે નહીં. પરંતુ એમની નાવ કાલીમંદિરને ઘાટે લાંગરી અને એમનો પહાડી દેહ ઘાટનાં પગથિયાં ચડ્યો તો, તરત જ, મંદિર પાસેની પાળે બેઠેલા નાજુક દેહધારી ઠાકુર એમની નજરે પડ્યા અને એમની નજરે પડ્યા તેવા જ, તોતાપુરીએ એમને પકડી લીધા. પોતાની જનેતાને બદલે, મંદિરમાંની પથ્થરની મૂર્તિને ‘મા’ માની એમની પાસેથી અદ્વૈત સાધના કરવાની રજા લઈ પાછા આવતા ઠાકુરને તરત જ અદ્વૈતને માર્ગે ચડાવી, ‘બ્રહ્મ સત્યં જગન્મિથ્યા’નો અને ‘આ મૂર્તિ વગેરે મિથ્યા છે’ તેનો પાઠ પઢાવવા તોતાપુરીને ચટપટી થઈ આવી હશે. એમના માર્ગદર્શન હેઠળ અદ્વૈતની સાધનાનો આરંભ શ્રીરામકૃષ્ણે તરત જ કર્યો, અને પોતાને સાંપડેલો આ શિષ્ય એવો તો ઉચ્ચ કોટિનો નીકળ્યો કે જે સાધના કરતાં પોતાને ત્રણ તપ – એક તપનો ગાળો બાર વર્ષનો ગણાય છે તે હિસાબે – છત્રીસ કરતાંયે વધારે વર્ષો લાગ્યાં હતાં તે એવરેસ્ટ શિખરે આ સૂકલકડી શિષ્ય માત્ર ત્રણ દિવસોમાં પહોંચી ગયો હતો!

આમ સનાતન હિંદુ ધર્મ અને અધ્યાત્મ અનુસારના વિવિધ સાધનામાર્ગોએ સાધના કર્યા પછી, ઠાકુરે ખ્રિસ્તી અને ઈસ્લામ ધર્મો અનુસાર પણ સાધના કરી હતી.

અને આ વિવિધ સાધનાઓને અંતે, સરળ લાગતા પણ આચરણે મુશ્કેલ એવા તારણ પર તેઓ આવ્યા હતા કે ‘યતો મત, તતો પથ’ – ‘જેટલા મત એટલા પંથ’; દરેક પંથનો અંત એક જ ઈશ્વરમાં આવે છે; ઈશ્વર એક જ છે. ઈશ્વર એક જ હોવાનો અને એ કારણે, વ્યક્તિ ગમે તે ધર્મને અનુસરે પણ, સર્વધર્મો પ્રત્યે આદર દાખવવાનો બોધ પોતાના શિષ્યોને તથા ભક્તોને ઠાકુરે આપ્યો હતો. તળાવને જુદે જુદે ઘાટેથી પાણી ભરી લાવનાર જુદી જુદી વ્યક્તિઓ ભલે તેને ‘વોટર’, ‘જલ’, ‘પાની’ … એમ જુદે જુદે નામે ઓળખાવે પણ, એ દરેકના પાત્રમાંનો પદાર્થ તો એક જ છે (સરખાવો: ‘બરતન ન્યારે ન્યારે ભર્યે, પાની સબ મેં એક’ – કબીર). કોઈ વધારે પડતા વામમાર્ગી પંથની ટીકા યુવાન નરેન્દ્રનાથે કરી હતી તો, એમને ઠાકુરે વાર્યા હતા. સર્વધર્મ-સમભાવને માર્ગેથી પોતાનો કોઈ શિષ્ય ચાતરે તે. ઠાકુરના સોળ નિજી શિષ્યોમાં સર્વધર્મ-સમભાવની અને પરધર્મ પ્રત્યેના આદરની ભાવના સુદૃઢ થઈ હતી.

ઈ.સ. ૧૮૯૩માં અમેરિકાના શિકાગો શહેરમાં પ્રથમ વિશ્વધર્મ પરિષદ મળી તેના આયોજકોમાંના કેટલાકના દિલમાં આ સર્વધર્મ સમભાવની ભાવના હતી. તો, એ આયોજકોમાં બેરોઝ પાદરી જેવા કેટલાક લોકો પણ હતા જે એ પરિષદ દ્વારા ખ્રિસ્તી ધર્મની શ્રેષ્ઠતા પ્રસ્થાપિત કરવાનો મનસુબો ધરાવતા હતા. ઈંગ્લેન્ડના ધાર્મિક વડા, કેંટરબરીના આર્કબિશપ એ પરિષદથી અળગા રહ્યા હતા અને તે માટે એ મહાન ધર્મગુરુએ કારણ આપતાં જણાવ્યું હતું કે ‘બીજા ધર્મો ખ્રિસ્તી ધર્મ કરતાં ઊતરતા છે અને તેમના પ્રતિનિધિઓ સાથે એક જ કક્ષાએ બેસવું જરાય યોગ્ય નથી.’ એ સમયે તુર્કસ્તાનના ખલીફા ઈસ્લામના વડા ગણાતા હતા. એ મહાનુભાવ પણ એ જ કારણે એ પરિષદથી દૂર રહ્યા હતા. અમેરિકાથી ભારત પરત આવતાં પહેલાં સ્વામીજી તુર્કીના પાટનગર કોન્સ્ટંટિનોપલ -હાલના ઈસ્તંબુલ – માં ગયા હતા ત્યારે, ત્યાં ક્યાંય પ્રવચન કરવાની પરવાનગી તેમને આપવામાં આવી ન હતી.

આ મહાશયોને અને એમના જેવો મત ધરાવતા બીજા મહાનુભાવોને દુર્ભાગ્યે, એ પરિષદમાં હિન્દુધર્મના વણમોકલ્યા પ્રતિનિધિ, કશી જ તૈયારી વગર એ પરિષદમાં ભાગ લેવા ગયેલા સ્વામી વિવેકાનંદે પોતાના મંગલ પણ મર્મગામી પ્રવચનમાં કોઈ પણ ધર્મને ઉતારી પાડ્યા વિના, ઈતર ધર્મીઓનો અને ઈતર ધર્મોનો સહજ સ્વીકાર કરતા ભારતના સનાતન હિંદુધર્મ પર વેધકપ્રકાશ ફેંકી, પોતાના ગુરુએ પઢાવેલો પાઠ પોતે કેવો પચાવ્યો છે તેની ચોટદાર પ્રતીતિ કરાવી દીધી હતી. એ પરિષદમાં પ્રગટ થયા પછી નવ વર્ષ પણ પૂરાં નહીં જીવનાર સ્વામીજીનો પ્રત્યેક બોલ પોતાના આ ગરુવારસામાંની પોતાની દૃઢ શ્રદ્ધાનો હતો. કાશ્મીરમાં ક્ષીરભવાનીના ખંડિત મંદિરને જોઈ એમના ચિત્તમાં જે આવેગ જન્મ્યો હતો તેનું શમન વળતી સવાર પહેલાં જ થઈ ગયું હતું. સ્વામીજી રાતે સૂતા હશે ત્યારે રાત્રી દરમિયાન, કદાચ, ઠાકુરે જ એમના ચિત્તમાંના તોફાનને શાંત કર્યું હોય.

એ જે હોય તે. પરંતુ સ્વામી વિવેકાનંદના ગુરુભાઈ સ્વામી પ્રેમાનંદની બાબતમાં તો એમ જ બન્યું હતું.

ઠાકુરની મહાસમાધિને કેટલાંક વર્ષો વીત્યા પછી, ઠાકુરના એ લાડકા બાબુરામ-સ્વામી પ્રેમાનંદ-જગન્નાથ પુરી ગયા હતા, તે સમયની ઘટના છે.

અંગ્રેજ રાજ્યનો સૂર્ય ત્યારે મધ્યાહ્‌ને તપતો હતો અને એ રાજ્યની છત્રછાયા હેઠળ ખ્રિસ્તી પાદરીઓ જોરશોરથી પ્રચારની અને વટાળની પ્રવૃત્તિઓ કરતા હતા. પ્રેમાનંદ પુરી પહોંચ્યા, ઉતારે જઈ, સ્વસ્થ થઈ જગન્નાથને દર્શને જવા નીકળ્યા. મંદિર પાસે પહોંચી જુએ છે તો, મંદિરના પ્રવેશદ્વાર સામે જ ઊભો રહી એક પાદરી ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરી રહ્યો છે અને અનેક દેવવાદની મૂર્તિપૂજાની, હિંદુધર્મની નિંદા કરી રહ્યો છે. આ દૃશ્ય જોઈ યુવાન સંન્યાસી પ્રેમાનંદનું હૈયું ખળભળી ઊઠ્યું. આપણા પવિત્ર ચાર ધામમાંના એકના મંદિરની સામે ઊભો રહીને એ પાદરી જે કરી રહ્યો હતો તે નિંદ્ય ન હતું શું? સ્વામી પ્રેમાનંદનો ઉચાટ અસ્વાભાવિક ન હતો. એમને અચાનક સ્ફૂરણા થઈ. તાળીઓ પાડી મોટે અવાજે તેઓ ‘હરિબોલ’ ‘હરિબોલ’ એમ પોકારવા લાગ્યા. પાદરીને ઘેરીને ઊભેલું ટોળું એમાં જોડાયું. પાદરીને પીછે હઠ કરવી પડી. લોકોએ ખુશી વ્યક્ત કરી. મંદિરના પૂજારીઓએ પણ તેમ કર્યું અને કહ્યું કે ‘અમને સરકારનો ડર છે.’

આ અભિનંદનવર્ષાથી ખુશ થઈ, દર્શન કરીને પ્રેમાનંદ પોતાને ઉતારે ગયા.

પણ રાત દરમિયાન એમને ઠાકુરનું દર્શન થયું. પોતાના પ્રિય શિષ્યને વઢતાં તેઓ બોલ્યા કે ‘તેં કાલે સાંજે શું કર્યું હતું? એ પાદરી ઈશ્વરની જ વાત કરતો હતો ને? તેં શા માટે એને અટકાવ્યો? સવાર થતાં જ એને ખોળી કાઢી, એની માફી માગ.’ પોતાનો કોઈ પણ શિષ્ય સર્વધર્મ સમભાવથી ચાતરે એ ઠાકુરને પસંદ ન હતું.

બેલુડના રામકૃષ્ણ મઠમાં – મઠનાં બધાં જ કેન્દ્રોમાં – આ પરંપરા દૃઢપણે સ્થાપિત થઈ ગઈ છે.

આજથી આશરે સો વર્ષ પહેલાં, સ્વામીજીનાં એક પાશ્ચાત્ય શિષ્યા માદામ કાલ્વે બેલુડની યાત્રાએ આવ્યાં હતાં. એ ઓપેરા ગાયિકા હતાં અને એમનો કંઠ સુમધુર હતો. સ્વામી સારદાનંદ માદામ કાલ્વેની તહેનાતમાં હતા. બંને મંદિરમાં ગયાં. ત્યાં એમ્મા કાલ્વેએ સ્વામી સારદાનંદને વિનંતી કરી: ‘કોઈ પ્રાચીન પ્રાર્થના સ્વામીજી પોતાને મધુર કંઠે ગાતા, એના મૂળ શબ્દો તો હું જાણતી નથી. પણ અસત્યમાંથી સત્ય તરફ લઈ જવાની વિનંતી જેવું કંઈ હતું. મને એ ગાઈ ન સંભળાવો?’

સ્વામી સારદાનંદ સમજી ગયા. એમનો કંઠ પણ મધુર હતો. ‘ઘણી ખુશીથી’ કહી તેમણે ‘અસતો મા સદ્‌ગમય, તમસો મા જ્યોતિર્ગમય, મૃત્યોર્મા અમૃતંગમય’ એ પુરાતન મંત્રના સ્વરથી મંદિરને ભરી દીધું. પછી એમણે એમ્મા કાલ્વેને વિનંતી કરી: ‘બહેન, તમે પણ ઉચ્ચ કોટિનાં ગાયિકા છો. તમે પણ પ્રાર્થના ગાઓ.’

‘સ્વામી, મને તમારી ભાષા આવડતી નથી. હુંતો મારી ભાષામાં, મારા ધર્મની પ્રાર્થના જ ગાઈ શકું. એ ગાઉં?’ માદામ કાલ્વેએ પ્રશ્ન કર્યો. સારદાનંદે કહ્યું: ‘તેથી શું? તમે તે પણ ગાઈ શકો છો. એ યે ઈશ્વરની જ પ્રાર્થના હશેને?’

અને માદામ કાલ્વે થોડી ક્ષણને માટે શાંત બની ગયાં. આંખો બંધ કરી ભાવપૂર્ણ સ્વરે એમણે કોઈ ખ્રિસ્તી સ્તોત્ર (Psalm) ગાયું અને એના સ્વરોથી મંદિર ગૂંજી ઊઠ્યું. સર્વધર્મ સમભાવમાં અને સર્વધર્મસંવાદમાં માનતા ઠાકુર ફ્રેંચ ભાષામાં (માદામ કાલ્વે ફ્રેંચભાષી હતાં). ખ્રિસ્તી સ્તોત્ર સાંભળી પ્રસન્ન જ થયા હશે. આ પછીનો પ્રસંગ ગઈ સદીના લગભગ આખરના ગાળાનો છે.

ભાવનગર યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગના અધ્યક્ષનું પદ જાણીતા વિદ્વાન ડો મહેબૂબ દેસાઈ શોભાવે છે. ઈ.સ. ૧૯૯૮માં કે ૯૯માં કોલકાતામાં ભરાયેલી અખિલ ભારતીય ઇતિહાસ પરિષદમાં ભાગ લેવા તેઓ ત્યાં ગયા હતા. ત્યાં જતાં પહેલાં સૌરાષ્ટ્રની જ કોઈ વ્યક્તિની ભલામણથી તેઓ ઇતિહાસ પરિષદ પૂરી થયા પછી બેત્રણ દિવસ બેલુડ મઠમાં રહેવાની તજવીજ એમણે પહેલેથી કરી લીધી હતી. પરિષદની પૂર્ણાહુતિ પછી, ડો. દેસાઈ બેલુડ ગયા અને ત્યાં તે સમયે અધ્યક્ષપદે હતા તે સ્વામી ભૂતેશાનંદજીને મળ્યા, ત્યારે તેમને શુદ્ધ ગુજરાતીમાં વાત કરતાં સાંભળી ડો. દેસાઈ અચંબો પામ્યા હતા. ભૂતેશાનંદજી મહારાજ અઢી ત્રણ દાયકા રાજકોટ હતા તે બાબતથી ડો. દેસાઈ અજાણ હતા.

પોતાને ઉતારે જઈ, સ્વસ્થ થયા પછી, તે જ સાંજે કે બીજી સવારે, મહેબૂબભાઈ ભૂતેશાનંદજી મહારાજ પાસે ફરી વાર ગયા અને એમણે સ્વામીજીને વિનંતી કરી: ‘મહારાજ, આવતીકાલે શુક્રવાર છે, અમારી બંદગીનો મોટો દિવસ. આપ રજા આપો તો કાલે સવારે મંદિરમાં નમાજ પઢું.’

ડો. દેસાઈએ આ માગણી કરી ત્યારે સ્વામી ભૂતેશાનંદજી પાસે જે બે ત્રણ વ્યક્તિઓ બેઠી હશે તે સૌ નવાઈ પામી ગઈ. સ્વામીજી શો ઉત્તર આપે છે તે જાણવા એમને ઈંતેજારી થઈ.

ભૂતેશાનંદજી મહારાજ થોડું બોલનારા અને ધીમું બોલનારા હતા. ડો. મહેબૂબ દેસાઈની અરજ પછી ત્યાં છવાઈ ગયેલી શાંતિનો ભંગ કરતાં પોતાના પ્રસન્ન ગંભીર સ્વરે મહારાજે કહ્યું કે ‘તમે નમાજ જરૂર પઢી શકો છો. એ પણ પ્રાર્થના જ છે. પણ તમે મંદિરમાં નમાજ પઢો ત્યારે તમારી અડખેપડખે બેસી પોતાની રીતે પ્રાર્થના કરનારને જરાય ખલેલ ન પડે એ બાબતની તમે કાળજી રાખજો.’

અને ડો. મહેબૂબ દેસાઈએ, સને ૧૯૯૯ના ‘અખંડ આનંદ’ના દીપોત્સવી અંકમાંના પોતાના લેખમાં જણાવ્યા પ્રમાણે, એ શુક્રવારે સવારે, બેલુડના ઠાકુર મંદિરમાં પોતે નમાજ પઢવાને ગયા ત્યારે નમાજમાં એવા તો ખોવાઈ ગયા કે ‘જે નમાજ પઢતાં સામાન્ય રીતે સાત-આઠ મિનિટ થાય તે પૂરી કરતાં લગભગ પોણો કલાક લાગ્યો હતો’ – એટલા તન્મય બની ગયા. એમની એ બંદગી અલ્‌ રહીમ અલ્લાહ તાલાને બરાબર પહોંચી જ હશે.

આવું માત્ર શ્રીરામકૃષ્ણ મંદિરમાં જ બની શકે.

રાજકોટના શ્રીરામકૃષ્ણ આશ્રમમાંના જગતના બધા મુખ્ય ધર્મોનાં પ્રતીકો શોભાના ગાંઠિયા નથી.

એ સર્વની પાછળ ઠાકુરની આ સર્વધર્મસંવાદની દૃઢ ભાવના છે. એ ભાવનાને સ્વામી વિવેકાનંદ અને ઠાકુરના બીજા નિજી શિષ્યોએ બરાબર પચાવી હતી. અને એ ઠાકુરસ્પર્શ પામેલા સંન્યાસીઓ પછી બેલુડ મઠમાં અને રામકૃષ્ણ મઠની જગતભરની શાખાઓમાં આવેલા અને વસી રહેલા સૌ ઠાકુરપુત્રોએ એ ભાવનાની પવિત્ર જ્યોતને સદા સંકોરી છે.

ધર્મના, નાતજાતના, દેશપ્રાંતના કશા જ ભેદભાવ વગર રામકૃષ્ણ મિશનના સંન્યાસીઓ ફિજીમાં અને દક્ષિણ અમેરિકાના દેશોમાં, નેપાળમાં અને શ્રીલંકામાં, ભારતનાં જુદાં જુદાં રાજ્યોમાં આપત્તિને સમયે સેવા આપવા દોડી જાય છે તેની પાછળ પ્રેરકબળ આ ધર્મસંવાદિતાની ભાવના છે.

Total Views: 48

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.