સ્વામી વિવેકનંદની પ્રતિભા બહુમુખી હતી. તેઓ ભારતમાં આધ્યાત્મિક સામયિકોના પ્રકાશનમાં સર્વપ્રથમ પ્રેરકોમાંના એક ગણી શકાય. પોતાના જીવનકાળ દરમિયાન એમનાં પ્રત્યક્ષ પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ ત્રણ સામયિકો શરૂ થઈ ચૂક્યાં હતાં. પોતાના જીવનકાળ દરમિયાન અનેક સામયિકોનો પ્રારંભ કરવા તેમણે પ્રેર્યા હતા. એમની મહાસમાધિ પછી પણ બીજા સામયિકોનો પ્રારંભ કરવા પરોક્ષ પ્રેરણા મળી હતી. જેમણે ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક પરંપરાઓને ઝાંખપ લગાડી છે એવા કહેવાતા પ્રગતિશીલ સામયિકોને અટકાવવા એમણે ઉપેન્દ્રનાથ મુખોપાધ્યાયને સામયિક શરૂ કરવા માટે પ્રેર્યા હતા. આને પરિણામે ઉપેન્દ્રનાથ મુખોપાધ્યાયે ૧૮૮૯માં ‘સાહિત્ય કલ્પદ્રુમ’ નામના સામયિકનું પ્રકાશન શરૂ કર્યું. આ સામયિકના પ્રથમ તંત્રી હતા, સુરેશચંદ્ર સમાજપતિ. સ્વામી વિવેકાનંદે આપેલા મદ્રાલેખ ‘નમો-નારાયણ’ સાથે ૧૮૯૭માં ઉપેન્દ્રનાથે ‘વસુમતિ’ નામનું સામયિક શરૂ કર્યું.

સ્વામી વિવેકાનંદે પોતાના પ્રિય શિષ્ય મદ્રાસના આલાસિંગા પેરુમલને પોતે પોતાના અનેક પ્રેરક પત્રો દ્વારા એક સામયિકનો પ્રારંભ કરવા પ્રેર્યા હતા અને જો શક્ય હોય તો દૈનિક પત્ર પણ બહાર પડે એમ તેઓ ઇચ્છતા હતા. સામયિકના સુયોગ્ય સંચાલન માટે તેમણે ઘણી મહત્ત્વની માર્ગદર્શક સૂચનાઓ પણ આપી હતી. અંતે આલાસિંગા પેરુમલે ૧૪ સપ્ટેમ્બર, ૧૮૯૫ના રોજ ‘બ્રહ્મવાદિન’ નામના પાક્ષિક અને પછીથી માસિક પત્રિકાનો પ્રથમ અંક બહાર પાડ્યો. ગમે તેમ હોય પણ ૧૯૧૪માં આ પત્રિકાનું પ્રકાશન બંધ થયું અને પછીથી ‘વેદાંત કેસરી’ના નામે એનો પુન: પ્રારંભ થયો. આમ છતાં પણ આ પત્રિકાની ગુણવત્તાનું ધોરણ ઘણું ઊંચું હતું અને તે જાણે કે વિદ્વાનો અને ભણેલા-ગણેલા લોકો માટે જ હતું. એટલે સ્વામીજીની ઇચ્છા સામાન્ય જનસમુહ અને યુવાનો માટે એક બીજું લોકપ્રિય સામયિક શરૂ કરવા ઝંખતા હતા. એમણે આલાસિંગા પેરુમલ અને નંજુંદારાવને ૧૮૯૬માં ‘પ્રબુદ્ધ ભારત’ નામનું એક બીજું સામયિક શરૂ કરવા પ્રેર્યા. શ્રી રાજમ્‌ ઐયર એના સર્વપ્રથમ તંત્રી હતા અને કીડી એમના મેનેજર-વ્યવસ્થાપક હતા. આ માસિક પત્રિકા ૧૮૯૮ના ઓગસ્ટથી માર્ચ ૧૮૯૯ સુધી આલમોડાથી પ્રકાશિત થતી તેમજ એપ્રિલ ૧૮૯૯થી અત્યાર સુધી માયાવતીમાંથી પ્રકાશિત થાય છે.

સ્વામી વિવેકાનંદે શિકાગો ધર્મ પરિષદમાં પ્રથમ વ્યાખ્યાન આપ્યું તે પહેલાં ૧૮૯૧ અને ૯૨માં એમના ભારત પરિભ્રમણકાળથી દરમિયાન રામકૃષ્ણ-વિવેકાનંદના વિચારોને સદ્‌ભાગ્યે ગુજરાતમાં ઉઘાડ મળ્યો. પોતાના ગુજરાત પરિભ્રમણકાળ દરમિયાન તત્કાલીન ગુજરાતના સુખ્યાત સાહિત્યકારોમાંથી કેટલાકના સંપર્કસંબંધમાં સ્વામીજી આવ્યા હતા. એ બધા વિદ્વાન સાહિત્યકારો પર સ્વામીજીનો ઘણો મોટો પ્રભાવ પડ્યો હતો. શક્ય છે કે એ વખતે એમણે એ વિદ્વાનોમાંથી કેટલાક સાથે ઉપર નિર્દેશેલ આધ્યાત્મિક સામયિક જેવું સામયિક બહાર પાડવાની ચર્ચા પણ કરી હશે. સ્વામી વિવેકાનંદ અને એમના ગુરુભાઈઓની ગુજરાતની અનેક મુલાકાતો પછી કાલીપદ ઘોષની જાણેકે શ્રીરામકૃષ્ણદેવના સંદેશના પશ્ચિમ ભારતમાં પ્રચાર-પ્રસાર માટે પસંદગી થઈ. શ્રીઠાકુરના સંસ્પર્શથી જીવનમાં આમૂલ પરિવર્તન લાવનાર ગિરિશ ઘોષની જેમ તેઓ પણ મનસ્વી માણસ હતા. સ્વામીજીના પુસ્તકોને ગુજરાતીમાં પ્રકાશિત કરવાના પોતાના ભગીરથકાર્ય માટે એમણે ભગુભાઈ ફતેહચંદ કારભારીને આ સુકાર્ય માટે પ્રેર્યા અને એમને સહાયરૂપ પણ બન્યા. શ્રી ભગુભાઈ ‘પ્રજાબંધુ’ નામના ગુજરાતી સાપ્તાહિક સામયિકના સ્થાપક-તંત્રી હતા. પછીથી આ સાપ્તાહિક ‘ગુજરાત સમાચાર’ના નામે દૈનિક પત્ર બન્યું. આજે ગુજરાતના સમાચાર દૈનિક પત્રોમાં લોકપ્રિય છે. રામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્ય અને એમાંય વિશેષ કરીને ‘બ્રહ્માવાદિન’ અને ‘પ્રબુદ્ધ ભારત’ જેવા સામયિકોએ એમને ઘણી મોટી પ્રેરણા આપી હતી. ‘પ્રજાબંધુ’ના પ્રથમ તંત્રી લેખના વિષય વસ્તુ પરથી આપણને આ પ્રેરણા અને પ્રભાવનો ખ્યાલ આવે છે.

૯મી જુલાઈ, ૧૮૯૯ના અંકથી માંડીને બીજા અંકોમાં ધારાવાહિક રૂપે શ્રીરામકૃષ્ણનું જીવન પ્રસિદ્ધ થયું હતું. ૧૯૦૨માં ડાહ્યાભાઈ રામચંદ્ર મહેતાએ (૧૮૭૦ થી ૧૯૫૨) ગુજરાતી સામયિક ‘ભારત જીવન’નું પ્રકાશન આરંભ્યું. આ સામયિક અમદાવાદથી પ્રસિદ્ધ થતું. આ સામયિકમાં નિયમિત રૂપે સ્વામી વિવેકાનંદ અને એમના ગુરુબંધુઓનાં વ્યાખ્યાનો અને લેખોનો અંગ્રેજી અને બંગાળી બંને ભાષામાંથી ગુજરાતી અનુવાદ પ્રસિદ્ધ થતો. રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે સંલગ્ન એવાં અનેક પુસ્તકો ડાહ્યાભાઈએ લખ્યાં હતાં. એમાં ‘સ્વામી વિવેકાનંદ જીવન ચરિત્ર’, ‘રાજયોગ’ (બે ભાગમાં), ‘રામકૃષ્ણ વચનામૃત’ (કથામૃત), રામકૃષ્ણદેવના ગૃહસ્થ ભક્તો નાગ મહાશય, રામચંદ્રની જીવનકથા વગેરેનો સમાવેશ થાય છે. રામકૃષ્ણ મઠના મંત્રદીક્ષિત શિષ્ય રૂપે ઉદ્‌બોધનના માર્ચ ૧૯૫૩માં એમની વિગતવાર અવસાન નોંધ અને ભાવાંજલિ પ્રસિદ્ધ થઈ હતી. એના દ્વારા ગુજરાતની વાચનપ્રિય પ્રજામાં રામકૃષ્ણ વિવેકાનંદ વિચારધારાના પ્રચાર-પ્રસારના કાર્યમાં આપેલ અમૂલ્ય પ્રદાનની નોંધ લેવાઈ હતી.

ભારતીય વિદ્યાભવનના સંસ્થાપક અને અનેક પત્રપત્રિકાઓના પ્રવર્તક, ગુજરાતી સાહિત્યના મહાન લેખક શ્રી કનૈયાલાલ મુનશીએ યુવાન સાહિત્યકારો અને સાહિત્ય પ્રેમીઓને નવસુધારણાના સમયગાળામાં સ્વામી વિવેકાનંદે ખૂબ પ્રભાવિત કર્યા હતા. આ વાત એમણે આ શબ્દોમાં વર્ણવી છે: ‘મારી ઉંમરના હોય તે સિવાયના બહુ અલ્પ સંખ્યામાં લોકો સ્વામીજીએ અમારા પર પાડેલા મહાન પ્રભાવને સમજી શકીએ. ૨૦મી સદીના પ્રથમ દસકામાં એ વખતે અમે કોલેજમાં અભ્યાસ કરતા હતા. એ વખતે આપણું રાજકીય શોષણ તો થતું હતું પણ સાથે ને સાથે આપણને આપણી સંસ્કૃતિ અને ધર્મની બાબતમાં પણ ઉતારી પાડવામાં આવતા… બરાબર એ જ સમયે અમે સ્વામી વિવેકાનંદનાં પુસ્તકો વાંચવા માંડ્યા. એમણે અમારી આંખો ઉઘાડી નાખી. આ ગ્રંથો વાંચીને અમને હિંદુ સંસ્કૃતિ અને ધર્મ વિશે આધુનિક દૃષ્ટિકોણ સાથેનું સારું એવું જ્ઞાન મળ્યું… ભારતનું નવ જાગરણનું આંદોલન યુરોપના આંદોલનની જેમ માત્ર સાહિત્યિક કલા વિષયક ન હતું. પરંતુ આમાં તો સંસ્કૃતિ અને અધ્યાત્મનું પ્રાચૂર્ય પણ હતું. અમારા જેવી યુવા પેઢીના લોકો માટે સ્વામી વિવેકાનંદ જ ભારતના નવ જાગરણનો સંદેશ લાવ્યા હતા… અમે રામાયણ અને મહાભારત વિશે જાણતા હતા પણ સ્વામીજીના લેખોમાં એમના આ વિશેના સાર-સંક્ષેપોના વાચન દ્વારા અમને એક નવી અને તરોતાજા પ્રેરણા મળી. યોગ – જાણે એક દાર્શનિક અને રહસ્યમય શબ્દ અમને લાગતો. પણ અમે જ્યારે સ્વામી વિવેકાનંદના રાજયોગ અને કર્મયોગ વાંચ્યા ત્યારે વાસ્તવિક રૂપે યોગ એ શું, એનું અમને ભાન થયું… વડોદરાની કોલેજના પ્રાધ્યાપક અરવિંદ ઘોષે મને યોગસૂત્ર અને સ્વામી વિવેકાનંદના ગ્રંથો વાંચવા સૂચન કર્યું. સ્વામી વિવેકાનંદ આપણને આપણી ભારતીય સંસ્કૃતિના આધારભૂત અને પાયાનાં મૂલ્યો તરફ પાછા દોરી ગયા અને આપણા જીવનમાં પ્રભુને લાવી મૂક્યા. એમણે જે કંઈ પણ કર્યું છે એ માટે અમે એમને ભાવાંજલિ અર્પણ કરીએ છીએ. માત્ર એટલા માટે જ નહિ પરંતુ તેનાથી એમના, એમનું સાહિત્ય અને વિચારો પર ધ્યાન કેન્દ્રિત કરવાથી અમારી પોતાની આધ્યાત્મિક આકાંક્ષાઓને સંચાલિત કરવાની તક અમને પૂરી પાડે છે. આ રીતે એમની ઝળહળ જ્યોતિમાંથી અમે અમારો નાનકડો ઘરદીવડો પ્રગટાવ્યો.’

શ્રી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટની ૧૯૨૭માં સ્થાપના થઈ ત્યારથી માંડીને આજ સુધી ગુજરાતી ભાષામાં રામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્યનું પ્રકાશન કરે છે. અત્યાર સુધીમાં લગભગ ૧૦૦ જેટલાં પ્રકાશનો આ સંસ્થાએ કર્યાં છે. ભગવાન શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા સારદાદેવી અને સ્વામી વિવેકાનંદના જીવનસંદેશને વધુ ને વધુ વિસ્તારિત કરવા શ્રીરામકૃષ્ણ આશ્રમે એપ્રિલ ૧૯૮૯થી ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ નામના ગુજરાતી માસિક પત્રનો આરંભ કર્યો છે. ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ પ્રથમ અંકના વિમોચન વિધિ પ્રસંગે શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ અધ્યક્ષ સ્થાને હતા અને ગુજરાતી સાહિત્યના સુખ્યાત લેખક, કવિ અને પત્રકાર સ્વ. હરિન્દ્ર દવેએ તેનું વિમોચન કર્યું હતું. ત્યારથી માંડીને આ સામયિક પોતાનું આ મહાન કાર્ય અસરકારક રીતે પાર પાડી રહ્યું છે. સામાન્ય વાચકો ઉપરાંત આ પત્રિકા ગુજરાતભરના ૧૦૦૦ જાહેર પુસ્તકાલયોમાં પણ સ્થાન પામી છે. આ માસિક પત્રિકા પોતાના ૨૦ વર્ષ એપ્રિલ ૨૦૦૯માં પૂરાં કરે છે. રામકૃષ્ણ વિવેકાનંદના વિચારો અને આદર્શો તેમજ જીવનસંદેશના પ્રચાર-પ્રસારના કાર્યમાં આ પત્રિકાએ કરેલા પ્રદાનની નોંધ લેવી તે અસ્થાને નહિ ગણાય.

૧૮૯૭ની ૧લી મેએ રામકૃષ્ણ મિશન, એશોસિયેશનની સ્થાપના કરીને સ્વામી વિવેકાનંદે ૫ મે, ૧૮૯૭ના રોજ તેના ઉદ્દેશો અને લક્ષ્યો વિશે એક ઠરાવ પસાર કર્યો હતો. એ ઠરાવમાં વિશેષ કરીને પ્રાંતિય ભાષાઓમાં રામકૃષ્ણ સંઘના સામયિકોના સંચાલન માટે માર્ગદર્શક સિદ્ધાંતોના રૂપે ત્રણ હેતુઓનો સમાવેશ થયો હતો.

(૧) શ્રીરામકૃષ્ણદેવે પોતાના જીવનમાં વાસ્તવિક રીતે જીવી બતાવેલા અને વિશાળ અર્થમાં સંવાદિતાવાળા બ્રહ્મજ્ઞાન કે દર્શનશાસ્ત્રના સિદ્ધાંતો તેમજ વેદાંતના અભ્યાસને વ્યવહારુ જીવનમાં ઉતારવો અને એના વાચન-મનનને સમૃદ્ધ કરવું.

(૨) કલાશાસ્ત્ર, વિજ્ઞાન, પ્રૌદ્યોગિકી, ઉદ્યોગો અને તેની મૂળભૂત તેમજ કાર્યોપયોગી શાખાઓનો અભ્યાસ અને તેના સંશોધનનું જ્ઞાન આપવું અને તેનો પ્રચાર-પ્રસાર કરવો.

(૩) આ હેતુઓને પાર પાડવા રામકૃષ્ણ મિશનને યોગ્ય અને ઇચ્છનીય લાગે તેવાં ચોપાનિયાં, પુસ્તકો, પુસ્તિકાઓ, સામયિકો છપાવવાં અને પ્રકાશિત કરવાં તેમજ નિ:સ્વાર્થભાવે વિનામૂલ્યે તેનું વેંચાણ કરવું.

૧૪ જાન્યુઆરી, ૧૮૯૯ના રોજ સર્વ પ્રથમ પ્રકાશિત થયેલ ‘ઉદ્‌બોધન’ નામના સામયિકમાં સ્વામી વિવેકાનંદે આ પત્રિકાના પુરોવચન રૂપે એક લેખ લખ્યો હતો. એ લેખમાં એમણે કેટલાક મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી હતી. એમણે એ લેખમાં લખ્યું હતું કે કોઈ પણ વ્યક્તિએ એટલું હંમેશાં યાદ રાખવું જોઈએ કે પ્રાચીન ભારતની ગૌરવ ગરિમા ‘રાજાઓના પરાક્રમોના કથા-વર્ણનોમાં જ નથી. પરંતુ એ છે ભારતના મહાન ધર્મ સાહિત્ય, દર્શનશાસ્ત્રો, મહાન અને અટલ-અચલ માનસિક શક્તિઓમાં.’ સાથે ને સાથે ત્યાગ એ આપણા રાષ્ટ્ર જીવનનો હંમેશાં મુદ્રાલેખ બનવો જોઈએ. જ્યારે બીજી બાજુએ પશ્ચિમના બધાં રાષ્ટ્રોના યવનો (આધુનિક યુરોપના પૂર્વજો)ની ગૌરવગરિમા ભૌતિક વિજ્ઞાન, સમાજ, રાજનીતિ, વૈભવ વિલાસ, કલા, વિજ્ઞાન, પ્રૌદ્યોગિકી અને આનંદ માણવાનો મુખ્ય ઉદ્દેશ કે મુદ્રાલેખ હતો.

ત્યાર પછી સ્વામીજી કહે છે કે વિશેષ કરીને પ્રાદેશિક ભાષાનાં આપણાં સામયિકોનાં મુખ્ય હેતુ અને લક્ષ્ય – ‘એ બંનેને સંમિશ્રિત કરીને સંઘને સહાયરૂપ બનો’ હોવાં જોઈએ. અને એ પરિબળોએ પૂર્વ અને પશ્ચિમના રાષ્ટ્રોના નવઘડતરને સુનિશ્ચિત કરવામાં સહાયરૂપ બન્યા છે.

સ્વામીજી ઇચ્છતા હતા કે આપણે ભારતીયોએ ‘હંમેશાં આપણા મૂલ્યવાન ખજાનાને આપણી નજર સમક્ષ રાખવો જોઈએ કે જેથી સામાન્ય જનસમૂહ સુધીના દરેકેદરેક ભારતવાસી પોતાની પ્રાચીન સમૃદ્ધિ શું છે એના વિશે હંમેશાં જાણતો રહેશે.’ એમણે કહ્યું હતું કે બધાં શક્ય સાધનો દ્વારા આ બધું કરવા આપણે મથવું જોઈએ. આ કાર્ય આપણે સાહિત્યના પ્રકાશન દ્વારા, પ્રાંતીય ભાષાઓના સારા સામયિકો બહાર પાડીને કે બીજી કોઈ રીતે પાર પાડી શકીએ. સાથે ને સાથે એમણે સ્પષ્ટ નિર્દેશ કર્યો હતો કે આપણે બહારથી આવતા પ્રાપ્ય જ્ઞાન પ્રકાશને મેળવવા મન-હૃદયનાં બારણાં ખુલ્લા રાખવા જેટલા નીડર બનવું જોઈએ. તેમણે લખ્યું છે : ‘પૃથ્વીના દરેકેદરેક ખૂણામાંથી પ્રકાશનાં કીરણોને અંદર આવવા દો, પાણીદાર અને ધસમસતા જ્ઞાનના પૂરને અંદર આવવા દો; પશ્ચિમમાંથી સઘન જ્ઞાનનો પૂરપ્રવાહ ભલે અંદર આવી જાય – તેથી શું થઈ જવાનું? જે ભ્રષ્ટ અને નિર્બળ છે તે મરવા સર્જાયું છે, આપણે એની સાથે શી લેવા દેવા? જો તે જતું હોય તો એને જવા દો.’

પશ્ચિમના રાષ્ટ્રોના કયા ગુણો આપણે આપણા જીવનમાં ઉતારવા જોઈએ, આ જ લેખમાં એમણે સ્પષ્ટપણે નિર્દેશ કર્યો છે. તેઓ લખે છે : ‘આપણે જોઈએ છે ઊર્જા, સ્વાતંત્ર માટેનો પ્રેમ, સ્વાવલંબનનો મિજાજ, કાર્યમાં દૃઢ નિશ્ચય, અચલ હૈયાનુ હામ, હેતુની એકતાનું નૈતિક બંધન. નવસુધારણાની તાતી તરસ, કાર્ય કરવાનો સઘન જુસ્સો (રજસ્‌). આ બધાં આપણી નખશીખ નસેનસમાં પશ્ચિમમાંથી વહેશે.’ બીજી બાજુએ સ્વામીજીએ એ બાબતનો પણ નિર્દેશ કર્યો છે કે અત્યારે ભારતમાં રજોગુણનો લગભગ અભાવ છે અને પશ્ચિમમાં આવું જ બન્યું છે સત્ત્વગુણ સાથે. એટલે જ તેમનો સ્પષ્ટ અભિપ્રાય આ હતો: ‘પશ્ચિમના સાચા જીવનનો આધાર ભારતમાં ભીતર રહેતા સત્ત્વના – ઈંદ્રિયાતીત પણાના પ્રવાહ પર છે.’ પરંતુ તેમણે સ્પષ્ટપણે ખાતરી હતી કે ‘જ્યાં સુધી આપણે રજસ્‌ની વહેતી ભરતીથી આપણા તમસને ડૂબાડી ન દઈએ કે તેને જીતી ન લઈએ ત્યાં સુધી આપણે એકેય દુન્યવી સુખ કે આ જીવનમાં ક્ષેમકલ્યાણ મેળવી ન શકીએ.’

જો આપણે સ્વામીજીના ઉપર્યુક્ત વિચારોને આપણા મન સમક્ષ રાખીએ તો આપણા સામયિકોમાં કેવાં ગુણવત્તાવાળા લેખો અને લખાણો હોવા જોઈએ એને એનું નિયમન કરવાનું કામ સરળ બનશે.

સ્વામીજીએ પોતાના અપૂર્ણ રહેલા ગ્રંથ ‘ઈંડિયાઝ મેસેજ ટુ ધ વર્લ્ડ’ – ‘વિશ્વને ભારતનો સંદેશ’માં એમણે કેટલાક અત્યંત મહત્ત્વના મુદ્દાઓ આલેખ્યા છે. આ મુદ્દાઓ વિશેષ કરીને પ્રાંતીય ભાષાઓમાં પ્રગટ થતાં આપણાં સામયિકો માટે માર્ગદર્શક બની રહે તેવાં છે. વિશેષ કરીને આવા સામયિકોના તંત્રીઓ અને એમાં પોતાનું પ્રદાન કરતા લેખકોએ લેખન સામગ્રીની તૈયારી કરતી વખતે અને એની પસંદગી કરતી વખતે નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ.

(૧) સ્વામીજીએ કહ્યું હતું કે ભારત હંમેશાં એક જાતિ પર બીજી જાતિની સંસ્કૃતિ લાદી દેવા કરતાં તેના ઐક્ય કે આત્મલયનમાં વિશ્વાસ રાખતું અને એટલે જ આટલી બધી જાતિઓ, ધર્મો, સંસ્કૃતિઓ, ભાષાઓ અને કલાઓ ભારતમાં વિકસી છે.

(૨) હિંદુધર્મના બધા સંપ્રદાયો અને બીજા ધર્મોના સંપ્રદાયોને એમની વ્યક્તિગત માન્યતા કે ગુણાનુરાગનો નાશ કર્યા વિના બધાને સમન્વયી કે એકતાવાળા બનાવવા જોઈએ.

(૩) બીજી પ્રાદેશિક ભાષાઓને વિકસાવીને અને એને વધુ સમૃદ્ધ કરતી વખતે સંસ્કૃતને બધી પ્રાદેશિક ભાષાઓની જનની રૂપે સ્થાન આપવું.

(૪) ‘વિવિધ પરિબળોને એક બનાવવા કે જે આપણા રાષ્ટ્રને ગૌરવ ગરિમાવાળું રાષ્ટ્ર બનાવે છે તે માટે જેવી રીતે ભાષાકીય ઉકેલ માટે સંસ્કૃતનું સ્થાન છે એવી જ રીતે જાતીય ઉકેલ માટે આર્યનું સ્થાન છે’ સ્વામીજી આ બાબતનો નિર્દેશ કરવાની દૂરદર્શિતા ધરાવતા હતા. તેઓ કહેતા કે પરદેશી સંસ્કૃતિના આક્રમણથી નાશ પામતી જતી આપણી સંસ્કૃતિનું સંરક્ષણ કરવાનો એક માત્ર ઉપાય કે માર્ગ ભારતનું આર્યીકરણ કરવામાં છે, અને આ કાર્ય જેટલું વધારે વહેલું કરીશું એટલે વધારે સારું રહેશે. આમ છતાં પણ સાચા આર્યીકરણની વાત હંમેશાં સમગ્ર દેશમાં એક ગરમ ચર્ચાનો વિષય રહી છે. એટલા માટે સ્વામીજીની સમગ્ર ગ્રંથમાળામાં છૂટા છવાયા વિચારો રૂપે આ વિષય પરના સાચા અભિગમને આપણા દેશના લોકો સમક્ષ મૂકવું એ આપણું મુખ્ય કાર્ય બની જવું જોઈએ. આને લીધે ઘણા લાંબા સમય પછી આર્યો અને કહેવાતા દ્રાવિડો (આ શબ્દ અંગ્રેજોએ ભારતનું વિભાજન કરવા માટે ઉપજાવી કાઢ્યો છે) વચ્ચેની જાતીય અને સાંસ્કૃતિક ખાઈને સાંધતો એક સેતુ રચી શકાશે. સાથે ને સાથે આપણા રાષ્ટ્રની શક્તિઓને ભરખી જતી પ્રાદેશિક અલગતાવાદની ભાવનાનું શમન કરી શકાશે.

(૫) વ્યક્તિ કરતાં સિદ્ધાંતોને વધારે મહત્ત્વ આપવું. મૂલ્યો, આદર્શો અને વિચારોને વ્યક્તિમત્તા કરતાં વધારે પ્રાધાન્ય મળવું જોઈએ. આજના વર્તમાન સમાજ સમક્ષ સદાચરણભરી પૌરાણિક વાતો અને ઘટના પ્રસંગો પૂરક સામગ્રી રૂપે રજૂ કરવી એ એક ઘણો સારો મજાનો વિચાર બની રહેશે. એને લીધે દૈનંદિન જીવન અને પરિસ્થિતિઓમાં મૂલ્યો વધારે સાચાં અને વ્યવહારુ બની રહેશે.

(૬) સ્વામીજીએ અત્યંત ભારપૂર્વક નિર્દેશ કર્યો હતો કે ‘આધ્યાત્મિક અને વૈશ્વિક જ્ઞાનનું દાન એ કળિયુગનો કર્મયોગ છે.’ એટલે જ સેવક અને સેવ્ય બંનેના સાચા ક્ષેમકલ્યાણ માટે શિવજ્ઞાને જીવસેવાના આદર્શ સાથે બધી પ્રવૃત્તિઓ કરવી જોઈએ.

(૭) સ્વામીજીની દૃષ્ટિએ ત્યાગ અને સેવા એ ભારતના બે રાષ્ટ્રિય આદર્શ છે અને એ પરંપરામાં વધુ સઘન બનાવીને બાકીનું બીજું બધું થઈ રહેશે, તેમજ આપણા રાષ્ટ્રના સાચા ક્ષેમકલ્યાણ તરફ દોરી જશે. એટલે જ આપણા સામયિકોમાં સ્વામીજીના આ મહત્ત્વના આદર્શ મંત્રને કેન્દ્રમાં રાખીને મોટા ભાગના લેખો કે લખાણો આપણાં સામયિકોમાં પ્રસિદ્ધ થવા જોઈએ.

(૮) ‘અકિંચન, નિ:સ્વાર્થ અને નીતિનિયમોમાં અત્યંત ચુસ્ત’ એવા સ્વામીજીએ વર્ણવેલા સાચા બ્રાહ્મણત્વને વાચા આપતા લેખો અને લખાણો આપણાં સામયિકોમાં નિયમિત રૂપે સ્થાન પામવાં જોઈએ.

(૯) આપણા સામયિકો દ્વારા રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાના ઉદાર મનના આધ્યાત્મિક વિચારો હજુ ગ્રામ્ય સમાજ સુધી પહોંચ્યા નથી અને સાચું ભારત ત્યાં જ વસે છે. ગ્રામ્ય સમાજના સામાન્ય જનસમૂહ સુધી પહોંચવા આપણે રામકૃષ્ણદેવની સહજ સરળ છતાં અત્યંત જ્ઞાનપ્રેરક બોધકથાઓ જેવા સાહિત્યની સાથે આકર્ષક રેખાચિત્રો અને વર્ણનો આપીને આપણે પ્રયત્ન કરી શકીએ.

(૧૦) સમગ્ર વિશ્વમાં વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીના ક્ષેત્રમાં થતા વિકાસોન્નતિને ગ્રામ્ય ભારત સમક્ષ મૂકવામાં આપણા સામયિકોએ સહાય કરવી જોઈએ. આનાથી માનવ ઘડતરની કેળવણી દ્વારા આપણા સામાજિક આર્થિક વિકાસને પ્રેરણા મળશે. એની સાથે ને સાથે કોઈ પણ જાતના વહેમ-અંધશ્રદ્ધા વિના સાચા ધાર્મિક શિક્ષણને જીવનમાં ઉતારવાનું કાર્ય પણ થવું જોઈએ.

(૧૧) આપણા રાષ્ટ્રિય જીવનના પતનનાં કારણો અને એમાંથી એને ઉગારવાના ઉપાયોની વાતો પણ વાર્તા, કથા, જીવનમાં સાચા બનેલા પ્રસંગો કે વ્યંગ વિનોદ દ્વારા આપણા સામયિકોમાં રજૂ થવાં જોઈએ.

(અ) આપણા રાષ્ટ્રિય પતનનાં કારણો : આપણા ભવ્ય ભૂતકાળની ગૌરવગરિમાને ભૂલી જવાં, કૂપમંડૂપતાની ભાવનાને લીધે વિશ્વના બીજા રાષ્ટ્રોના દૃષ્ટિબિંદુ કે વિચારોનું આદાન-પ્રદાન ન કરવું, સામાન્ય જનસમૂહની અને એમાંય વિશેષ કરીને નારીઓની અવગણના આપણી શારીરિક અને માનસિક નિર્બળતા જુદી જુદી જ્ઞાતિઓ અને સંપ્રદાયો વચ્ચે ઘૃણા અને તિરસ્કારનો અભાવ, વૈશ્વિક વિચારો અને આધ્યાત્મિક બાબતોમાં અવ્યવહારુપણું, બીજા પર આધારિત રહેવાનું ગુલામી માનસ, બીજાનું આંધળુ અનુકરણ કરવાની વૃત્તિ, સંસ્થાઓની જાળવણીની ક્ષમતાનો અભાવ, ઈર્ષ્યા અને સ્વાર્થ, ઓછી ગંભીરતા, પ્રમાદ, પીઠ પાછળની નિંદા અને નિરર્થક ગપસપ કે નિંદા જેવા બીજા દુર્ગુણો.

(બ) આપણા રાષ્ટ્રીય પતનમાંથી ઉગરવાના સ્વામીજીએ સૂચવેલા ઈલાજો : સમગ્ર ભારત ભૂમિને આધ્યાત્મિક વિચારો અને આદર્શોના પૂરપ્રવાહથી પ્લાવિત કરી દો, વિશેષ કરીને બાળકોમાં અને યુવાનોમાં ચારિત્ર્ય ઘડતર અને માનવ બનાવતી કેળવણીનો પ્રચાર-પ્રસાર કરો, યોગ્ય કેળવણી અને જીવનનિર્વાહના સાધનો ઊભાં કરીને નારીઓ અને સામાન્ય જનસમૂહની ઉન્નતિ કરવી. એક બીજાનો વિરોધ કરતા સમગ્ર દેશમાં અહીંતહીં રહેલ આધ્યાત્મિક પરિબળોનું ઐક્ય સાધવું; બધાં સ્તરે સમાજને સ્વાતંત્ર્ય, અરસપરસ કલ્યાણકારી બની શકે તેવા પશ્ચિમના વિચારો સાથે વિચારવિનિમયની સુવિધા ઊભી કરવી. સમગ્ર માનવ પ્રજાના ક્ષેમકલ્યાણ માટે દેશ પ્રત્યેના પ્રેમ અને સાચી સ્વદેશ ભક્તિને સાર્વત્રિક રીતે વિકસાવવી.

(૧૧) સામાજિક જીવનના વિવિધ સ્તરે પ્રેમ, સંનિષ્ઠા, ધીરતા-સ્થિરતા જેવા ગુણોને માર્ગદર્શક આદર્શ ગણીને આપણા સામયિકોએ સંસ્થાકીય ક્ષમતાઓનો ઉત્કર્ષ કરવો એ ઉપર્યુક્ત વર્ણવેલા પાસાં જેટલું જ મહત્ત્વ એને આપવું જોઈએ.

(૧૨) વિદ્યાર્થી જગત અને યુવ જગતને પહોંચી વળે તે રીતે ધ્યાન કેન્દ્રિત કરીને તેમને પોતાની મેળે વિચારતા કરવા, પોતાના પગભર બને અને સાચા માનવ બને તે માટે પ્રેરવા જોઈએ. આપણા સામયિકો અને બીજા આધ્યાત્મિક સાહિત્યના વેંચાણમાં તેમજ સામયિકોની ગ્રાહકસંખ્યામાં વૃદ્ધિ કરીને બેકાર યુવાનોને સ્વરોજગારીના કાર્યમાં પ્રેરવાની એક નવી કાર્યપ્રણાલી અપનાવી શકીએ.

(૧૩) સ્વામીજીની સૌથી અગત્યની ઉક્તિઓમાંની એક ઉક્તિ છે : ‘નિ:સ્વાર્થ ભાવના ઘણી મોટી ફળદાયી છે પણ એનું આચરણ કરવા માટે લોકોમાં પૂરતી ધીરતા નથી.’ બાળપણથી માંડીને આ અદ્‌ભુત સૂચનની સમજણ અને એનું આચરણ કરવાનું માર્ગદર્શન આ મૂલ્ય કેળવવામાં ઘણું મદદગાર થશે. સ્વામીજીની આ સૂક્તિનો બોધ આપણા સામયિકોના માધ્યમથી રજૂ થવો જોઈએ. એ સૌથી વધુ હકારાત્મક અને બધાંને માટે કલ્યાણકારી પરિણામો તરફ સમાજને દોરી જશે. આ આધ્યાત્મિક અને ધર્મસાહિત્યના પ્રચારના ભાવાત્મક ફાયદાઓને જો દાનશીલ સદ્‌ગૃહસ્થો અને સર્વકલ્યાણકારી પ્રવૃત્તિઓના દાતાઓને ગળે ઉતારી શકાય તો તેઓ આ ઉમદા કાર્ય માટે દાન આપવા પ્રેરાશે. એને લીધે આવા સદ્‌ગ્રંથો અને સામયિકો સામાન્ય જનસમૂહને પોષણક્ષમ અને વ્યાજબી ભાવે મળી રહેશે.

Total Views: 47

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.