બધા ધર્મો ઓછેવત્તે અંશે પ્રકૃતિથી પર થવાના પ્રયત્નો છે; પછી ધર્મ સાવ જંગલીમાં જંગલી દશામાં હોય કે વધુમાં વધુ વિકસિત હોય; તે ધર્મની અભિવ્યક્તિ પુરાણો દ્વારા કે પ્રતીકો દ્વારા થઈ હોય, દેવદેવીઓ, કે રાજાઓની વાર્તાઓ દ્વારા થઈ હોય, અગર મહાન ઋષિમુનિઓ, મહાપુરુષો કે પયગંબરોની જીવનકથા દ્વારા થઈ હોય, અથવા તો તત્ત્વજ્ઞાનના સૂક્ષ્મ વિચારો દ્વારા થયેલ હોય; બધાનું ધ્યેય એક જ છે, બધા આ મર્યાદાઓથી પર જવાનો પ્રયત્ન કરતાં હોય છે. બધા મુક્તિ માટે પ્રયાસ કરતા હોય છે. જાણેઅજાણે પણ માનવીને લાગે છે કે પોતે બદ્ધ છે; જે થવાને પોતે ઇચ્છે છે તે તે નથી. જે ઘડીએ તેણે આજુબાજુ જોવાની શરૂઆત કરી તે ઘડીએ જ તેને પાઠ મળ્યો કે પોતે બદ્ધ છે. તેને એ પણ સમજાયું કે પોતાનામાં એવું કંઈક છે કે જે સર્વ બંધનોમાંથી પર થવા માગે છે, કે જ્યાં શરીર પહોંચી શકતું નથી, પણ જે હજી આ મર્યાદાથી બદ્ધ છે. મુક્તિનો આ વિચાર આગળ વધતાં વધતાં છેવટે ‘વ્યક્તિરૂપ ઈશ્વર’ની કલ્પના સુધી પહોંચે છે. મારાં માનસચક્ષુ સમક્ષ હું ભારતનાં પેલાં તપોવનોમાં પ્રાચીન ઋષિઓને આ પ્રશ્નની ચર્ચા કરતા જોઈ રહ્યો છું; અને તેમાંના એક સ્થળે જ્યારે સૌથી વયોવૃદ્ધ અને સૌથી પવિત્ર ઋષિઓ પણ આ પ્રશ્નનો ઉકેલ લાવવામાં નિષ્ફળ જાય છે. ત્યારે એક યુવાન ઋષિ આ સૌની વચ્ચે ઊભો થાય છે અને ઘોષણા કરે છે કે ‘ઓ અમૃતત્વનાં સંતાનો! સાંભળો; ઓ દિવ્યલોકના વાસીઓ! સાંભળો. મેં તે માર્ગ શોધ્યો છે કે જે અજ્ઞાનના અંધકારથી પર છે, અને જેને જાણવાથી જ આપણે પર થઈ શકીએ.’ આ માયા સર્વત્ર છે. તે ભયંકર છે, છતાં આપણે તેમાં જ કામ કરવાનું છે. જે માણસ એમ કહે છે કે જ્યારે દુનિયા તદ્દન સારી થઈ જશે ત્યારે પોતે કામ કરશે અને ત્યારે તે સુખી થશે, તે માણસ, ગંગા નદીને કિનારે કિનારે બેઠો બેઠો કોઈ કહે છે કે ‘જ્યારે આ બધું પાણી દરિયામાં ચાલ્યું જશે ત્યારે હું પેલે પાર જઈશ;’ તેના જેવો છે. માયાની સાથે સાથે ચાલવું એ માર્ગ નથી પણ તેની સામે થવું તે છે. આ બીજી વાત શીખવાની છે. આપણે પ્રકૃતિના સહાયક તરીકે જન્મ્યા નથી પણ તેના હરીફ તરીકે જન્મ્યા છીએ. આપણે તેના માલિક છીએ, છતાં આપણે પોતે જ બંધાઈ જઈએ છીએ. માનવજાતનો આખોયે ઇતિહાસ કહેવાતા કુદરતના નિયમો સામેનો સતત સંગ્રામ છે, અને આખરે માણસ વિજયી બને છે. આંતર્જગતમાં આવીએ તો ત્યાં પણ તે જ લડાઈ ચાલતી હોય છે. આ લડાઈ પાશવી માનવ અને દૈવી માનવ-અંધકાર અને પ્રકાશ વચ્ચે ચાલે છે, અને અહીં પણ મનુષ્ય વિજયી બને છે. તે જાણે કે કુદરતમાંથી મુક્તિનો માર્ગ કોતરી કાઢે છે. એટલે આપણે જોઈએ છીએ કે વેદાંતીઓ આ માયાથી પર કંઈક જુએ છે, કે જે માયાના બંધનમાં નથી, અને જો આપણે ત્યાં પહોંચીે શકીએ તો આપણે પણ માયાના બંધનમાં રહીશું નહિ.આ વિચાર એક યા બીજી રીતે, બધા ધર્મેાનું સામાન્ય તત્ત્વ છે. પરંતુ વેદાંતદર્શનમાં આ તો ધર્મની માત્ર શરૂઆત છે, અંત નથી. વ્યક્તિરૂપ ઈશ્વર, આ વિશ્વનો પ્રાણ અને શાસક, જેને માયાધીશ કહેવામાં આવે છે. તે, વેદાંતના વિચારોનો અંત નથી; તે તો માત્ર શરૂઆત જ છે. આ વિચાર ધીમે ધીમે વિકાસ પામતો જાય છે, છેવટે વેદાંતી જુએ છે કે જે ઈશ્વરને પોતે બહાર રહેલો ધારતો હતો તે ખરી રીતે પોતે જ છે, અને પોતાની અંદર જ છે. તે પોતે છે મુક્ત, પણ મર્યાદાને કારણે પોતાને બદ્ધ માનતો હતો.

– સ્વામી વિવેકાનંદ
(સ્વા.વિ.ગ્રં.મા. સંચયન, પૃ.૧૬૨-૬૩)

Total Views: 38

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.