દરેક પ્રજાની સાહિત્ય-પરંપરામાં કથાસાહિત્યનું એક વિશિષ્ટ સ્થાન હોય છે. ગમે તે ઉંમરના માણસને એ સાંભળવી, વાંચવી કે જોવી ગમે એવું ઘટનાતત્ત્વ એ કથાઓનું મુખ્ય આકર્ષણ છે. કથાઓ ટૂંકી અને અત્યંત રોચક હોય છે. આજના સંઘર્ષપૂર્ણ યુગમાં અલ્પ સમયમાં વાચકો મનોરંજક કથાઓનો રસ માણી શકે છે, આપણાં શાસ્ત્રોમાંનાં શાશ્વત મૂલ્યો પણ આત્મસાત્‌ કરી શકે છે.

મૂળ સંસ્કૃત ધાતુ ‘કથ્‌’ એટલે ‘કહેવું’ કે ‘બોલવું’ – પરથી ‘કથા’ શબ્દ ઊતરી આવ્યો છે. કથાસાહિત્યનું અનેક પ્રકારે વર્ગીકરણ થયું છે. ભિન્ન ભિન્ન સંદર્ભમાં એને પુરાણ, આખ્યાન કે કથા જેવી સંજ્ઞા અપાઈ છે. અત્યંત પ્રાચીનકાળની ઘટના કે શાશ્વતિતત્ત્વ ધરાવતાં દેવદેવીઓના જીવનપ્રસંગોને ‘પુરાણ’ એવી સંજ્ઞા આપવામાં આવી છે. ઋષિમુનિ કે શ્રેષ્ઠ રાજવીના કથાનકોને ‘આખ્યાન’ કે ‘ઉપાખ્યાન’ કહે છે. બૌદ્ધ ધારામાં ‘જાતક’ અને જૈન ધારામાં ‘ચરિત’ એવા શબ્દો આ માટે વપરાયા છે. ‘પુરાણ’નો સંબંધ સામાન્ય માનવ કરતાં વિશેષ કરીને સ્થાન-માન અને સિદ્ધિ મેળવનાર લોકોત્તર પાત્રો સાથે છે. ‘આખ્યાન’ સિદ્ધિ જેવી બાબતોમાં જનસામાન્ય કરતાં ઉચ્ચ છતાં માનવ-સહજ બની રહેલ પાત્રો સાથે સંબંધ ધરાવે છે. અગ્નિપુરાણમાં કથાસંજ્ઞાનો અર્થસંકેત આખ્યાયિકા, કથા, ખંડકથા, પરિકથા તેમજ કથાનક એમ પાંચ પ્રકારનો ઉલ્લેખ છે. ચાર પુરુષાર્થના આધારે કેટલાકે ‘અર્થકથા’, ‘કામકથા’, ‘ધર્મકથા’ અને ‘સંકીર્ણકથા’ એમ ચાર કથાપ્રકારો ગણાવ્યા છે.

પણ કથાસાહિત્યના બે મુખ્ય વિભાગો કરી શકાય – ‘નીતિકથા’ તથા ‘લોકકથા’. નીતિકથાઓમાં ઉપદેશાત્મક વિષયોને પ્રધાનતા આપવામાં આવે છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ સંબંધી વિષયોની સાથે સાથે સદાચાર, રાજનીતિ તેમજ વ્યવહારિક જ્ઞાન એમાં અત્યંત રસપ્રદ રીતે પ્રસ્તુત કરવામાં આવે છે.

ધર્મ સિવાય સામાન્ય નીતિબોધ, વ્યવહાર ઉપદેશની રચનાઓમાં લોકકથા જેવી જ પ્રાણીકથા પ્રયોજાય છે. ‘પંચતંત્ર’, ‘હિતોપદેશ’ આનાં દૃષ્ટાંતો છે. માનવજીવનને બદલે પ્રાણીસૃષ્ટિનાં પાત્રોપ્રસંગો નિમિત્તે નીતિબોધનું અનુપાન કરાવે છે અને તેની સાથે નવીનતા, ઉત્સુકતા, કુતૂહલ, હાસ્ય વગેરે સિદ્ધ થાય છે. કથારસમાં આ તત્ત્વો આવશ્યક ઘટકો બની રહે છે. ઘણી વાર ગહન આધ્યાત્મિક વિષયોને પણ અત્યંત સરળતાથી સમજાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. શ્રીરામકૃષ્ણદેવની પ્રસિદ્ધ દૃષ્ટાંત કથાઓ અત્યંત ઉચ્ચ આધ્યાત્મિક અવસ્થાઓ, એ લક્ષ્ય પ્રાપ્તિ માટેની સાધનાઓ તેમજ અન્ય આધ્યાત્મિક તત્ત્વોને સહજ સરળ અને બાલ્યસુલભ શૈલીમાં પ્રસ્તુત છે. તેમાંથી કેટલીક દૃષ્ટાંત કથાઓ આ અંકમાં આપેલ છે. એ સિવાય જાતક, મહાભારત અને અન્ય પ્રેરણાદાયી બોધકથાઓ ચિત્ર સાથે પ્રસ્તુત છે.

ત્રણ મહાન સંપ્રદાયો – હિંદુ, બૌદ્ધ તથા જૈન સંપ્રદાયોએ આ કથા તથા આખ્યાનોનો ઉપયોગ પોતપોતાના સિદ્ધાંતોના વિસ્તૃત પ્રચાર-પ્રસાર માટે કર્યો છે. વૈદિક, બૌદ્ધ, જૈન કથાઓનો ઉદ્દેશ્ય માત્ર ધાર્મિક તત્ત્વોનો પ્રચાર-પ્રસાર ન રહેતાં વ્યાવહારિક ઉપદેશ પણ એમનો એક મુખ્ય હેતુ હતો. ભારતીય કથા સાહિત્યની વાત કરીએ તો અત્યંત પ્રાચીન કાળમાં તેમજ અર્વાચીન કાળમાં ગદ્યનો ઉપયોગ થયો છે. મધ્યકાલીન કથાસાહિત્યમાં પદ્ય એનું માધ્યમ બન્યું છે.

અતિ પ્રાચીનકાળમાં ઋગ્વેદનું ‘સંવાદસૂક્ત’ ચમત્કારિક કથાઓ માટે પ્રખ્યાત છે. અન્ય સૂક્તોમાં પણ વિભિન્ન દેવોને આવરી લેતી અત્યંત મનોરંજક તેમજ શિક્ષાપ્રદ કથાઓ આપણને જોવા મળે છે. ઋક્‌ સંહિતાની આ કથાઓનું વિસ્તૃત વર્ણન આપણને મુખ્યત્વે યાસ્કના ‘નિરુક્ત’, શૌનકના ‘બૃહદ્દેવતા’ તેમજ કાત્યાયન-સર્વાનુક્રમણી ઉપરની ‘વેદાર્થદીપિકા’ વ્યાખ્યાનમાં જોવા મળે છે. તે પછીના કાળમાં સાયણાચાર્યના વેદભાષ્યમાં તેમજ ગુજરાતના સુપ્રસિદ્ધ વિદ્વાન દ્વાદ્વિવેદ વિરચિત ‘નીતિમંજરી’ ગ્રંથમાં વૈદિક સાહિત્યની કથાઓ આપણને ઉપલબ્ધ થાય છે.

‘નીતિમંજરી’નો રચનાકાળ ઈ.સ. ૧૪૦૦ની આસપાસ માનવામાં આવે છે. વૈદિક વાર્તાઓના સ્વરૂપની જાણકારી માટે આ ગ્રંથ હાર્દરૂપ છે. દરેક શ્લોકના પૂર્વાર્ધમાં નીતિકથા છે અને ઉત્તરાર્ધમાં વૈદિક દૃષ્ટાંતો દ્વારા એની પુષ્ટિ આપવામાં આવેલ છે. ઐતિહાસિક દૃષ્ટિએ જોઈએ તો કથાની મૂળ વસ્તુ વેદોની વાર્તા તથા ઉપદેશોનું આ સંકલન એક મહાન ઉપલબ્ધિ કહેવાય. આ વૈદિક કથાનકો સમય જતાં પુરાણો, રામાયણ, મહાભારત વગેરેમાં પરિવર્તનો સાથે આવેલ જોવા મળે છે; પણ મૂળ કથાનક એ જ છે. 

જૈન સાહિત્યમાં પ્રાકૃત, સંસ્કૃત અને અપભ્રંશ ભાષામાં કથાઓનું વિશાળ સાહિત્ય ઉપલબ્ધ છે. જૈન મુનિ ધાર્મિક ઉપદેશ માટે જે કથાઓનો ઉપયોગ કરતા હતા, તેના મૂળ સ્વરૂપમાં આપણને ‘ચૂર્ણિ’, ‘નિર્યુક્તિ’, આદિ ગ્રંથોમાં પ્રાપ્ય છે. જૈન ધર્મના અનુયાયીઓમાં ‘કથાકોશ’ સ્વયં એક વિસ્તૃત અને પ્રમાણભૂત સાહિત્ય ગણાય છે, જે આવી વિશિષ્ટતાથી ભરપૂર છે.

બૌદ્ધોમાં પાલી ભાષામાં રચાયેલ મનોરંજક કથાઓ ‘જાતક’ના નામથી પ્રસિદ્ધ છે. ભગવાન બુદ્ધના પૂર્વજન્મની કથાઓ એમાં નિબદ્ધ છે. એના વિશે ‘જાતક કથાની કથા’ નામના શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રીનો આ અંકમાં વિસ્તૃત માહિતીસભર લેખ સામેલ છે. પાલી અને અર્ધમાગ્ધીમાં રચાયેલ બૌદ્ધ અને જૈન ધર્મના સિદ્ધાંત કથા રૂપે ગદ્યમાં આલેખાયેલ છે. એમાં આહ્‌વાન આશીર્વાદ, પ્રાર્થના, દૃષ્ટાંત, ઉપદેશ, મર્મવિદારક પ્રસંગ, વિશેષ સંદર્ભને લગતી ઉક્તિ પદ્યમાં રજૂ થાય છે. પદ્ય કથાકાર માટે સ્મૃતિ સહાયક બને છે. કથાના મહત્ત્વના પ્રસંગો કે અંશો પદ્યદેહે હોય તો કથાકાર સરળતાથી યાદ રાખી શકે છે. કથાતંતુના અંકોડા જોડીને વાર્તારસનો પ્રવાહ જાળવી શકાય છે.

ભારતીય સાહિત્યના પ્રાચીન કાળમાં બે કથાચક્ર જોવા મળે છે – ‘બૃહત્કથા’ અને ‘પંચતંત્ર’. એમાં ‘બૃહત્કથા’ સૌથી પ્રાચીન છે. મૂળ પૈશાચી ભાષામાં લખાયેલ આ બૃહત્કથા તેના મૂળ સ્વરૂપમાં ઉપલબ્ધ નથી. પરંતુ સંસ્કૃતમાં રચાયેલ ‘પંચતંત્ર’ આજે પણ એ જ ભાષામાં ઉપલબ્ધ છે. આ બંને ગ્રંથોએ આવનાર કથાસાહિત્ય પર ખૂબ પ્રભાવ પાડ્યો છે. આ બંને ગ્રંથોનો અભ્યાસ ભારતીય કથા સાહિત્યનું સ્વરૂપ તેમજ તેના વિસ્તારને સમજવા માટે અત્યંત આવશ્યક છે.

બૃહત્કથામાં યાત્રાવિવરણો તથા પ્રણય-પ્રસંગોનો વિશાળ સમુદ્ર છે. એની એક એક બુંદથી અન્ય નવી અસંખ્ય કથાઓ અસ્તિત્વમાં આવી. બૃહત્કથાના રચનાકાર ગુણાઢ્ય સાતવાહન રાજ્યના રાજકવિ હતા, તેમનો સમય ઈ.સ. પહેલી કે બીજી સદી હતો. તે યુગ પદયાત્રા તથા સમુદ્રયાત્રા કરતા સાહસિક વ્યાપારીઓનો હતો. એ યુગમાં પૂર્વ અને પશ્ચિમ સમુદ્ર પર વ્યાપારીઓનો પ્રવાહ વહેતો હતો. ભારતની ચારેય બાજુ ઉત્તર-દક્ષિણ, પૂર્વ-પશ્ચિમનાં ગામ-નગર, પહાડો-જંગલોને વીંજતા વ્યાપારીઓના રથ અને ગાડાઓ સતત ચાલ્યાં કરતાં હતાં. સમુદ્ર યાત્રા દરમિયાન આકસ્મિક ઊભી થતી સાહસિક ઘટનાઓ તેમજ અજાણ્યાં સ્થળોમાં ઘટેલી અદ્‌ભુત રોમાંચક પ્રસંગોનું વિવરણ કરીને આ યાત્રીઓ શ્રોતાઓના હૃદયમાં આશ્ચર્ય તેમજ વિસ્મય ઉત્પન્ન કરતા.

બૃહત્કથાની ત્રણ વાચનાઓ અત્યારે પણ ઉપલબ્ધ છે. એ મૂળ પૈશાચી ભાષામાં લખાયેલ હતી પરંતુ તેની ચમત્કારિતા અને સુંદરતાથી પ્રેરિત થઈને અનેક વિદ્વાનોએ વિભિન્ન શતાબ્દિઓમાં એનો અનુવાદ સંસ્કૃત ભાષામાં કર્યો. પ્રથમ છે – નૈપાલી વાચના. બુધસ્વામીનો ‘બૃહત્કથાશ્લોકસંગ્રહ’ બૃહત્કથાની નૈપાલી વાચના કહેવાય છે. એના ૨૮ સર્ગોમાં ૪૫૩૯ શ્લોક છે. બુધસ્વામીએ આ ગ્રંથનું નિર્માણ પાંચમી સદીમાં કર્યું હતું. ગુપ્તોના ગૌરવમય સ્વર્ણિમ યુગમાં આ કાવ્યનો ઉદય સંપન્ન થયો. આ ગ્રંથને મૂળ બૃહત્કથાની સૌથી વધુ નિકટતમ માનવામાં આવે છે અને ખરેખર એ વાત વ્યાજબી લાગે છે.

બીજી છે – પ્રાકૃત વાચના. બુધસ્વામી પછી સંસ્કૃત વાચના પ્રાપ્ત ન હોવાથી સંઘદાસગણિ કૃત ‘વસુદેવ હિણ્ડી’ની પ્રાકૃત વાચના જ આજ સુધી ઉપલબ્ધ થઈ છે. એમાં ૨૯ લંબક છે અને તે મહારાષ્ટ્રી-પ્રાકૃત ભાષાની ગદ્ય શૈલીમાં નિબદ્ધ છે. જેમાં કુલ ૧૧ હજાર શ્લોકોની સામગ્રી મળે છે.

ત્રીજી છે – કાશ્મીરી વાચના. કાશ્મીરના બે કવિઓ – ક્ષેમેન્દ્ર અને સોમદેવે બૃહત્કથાનો સંસ્કૃતમાં અનુવાદ કર્યો; જે કાશ્મીરી વાચના નામથી પ્રસિદ્ધ છે. બંને એક જ શતાબ્દીમાં એટલે કે ૧૧મી સદીમાં, એક જ પ્રાંત કાશ્મીરમાં હોવા છતાં બંનેએ વિભિન્ન અનુવાદ પ્રસ્તુત કર્યો છે. આ ભિન્નતા માત્ર શૈલીની દૃષ્ટિથી જ નહિ પરંતુ કથાનકની દૃષ્ટિએ પણ અલગ પડે છે. આ બંને કાશ્મીરી વાચના બે જુદા જુદા નામે ઓળખાય છે. ક્ષેમેન્દ્રની ‘બૃહત્કથામંજરી’ કહેવાય છે અને સોમદેવની ‘કથાસરિત્સાગર’ તરીકે પ્રસિદ્ધ છે.

ક્ષેમેન્દ્રના ‘બૃહત્કથામંજરી’ ગ્રંથમાં બૃહત્કથાનો અનુવાદ પ્રસ્તુત કર્યો છે. આ કાશ્મીરી વાચના દ્વારા ક્ષેમેન્દ્રએ કથાનકને અલંકૃત શૈલીમાં પ્રસ્તુત કર્યું છે. એમણે પોતાની બધી રચનાઓનું નિર્માણ પવિત્ર ઉદ્દેશને સામે રાખીને કર્યું. એ ઉદ્દેશ્ય હતું સમાજની ઉન્નતિ, વ્યક્તિઓનું ચારિત્ર્ય ઘડતર અને એમનું પુનરુત્થાન. ‘બૃહત્કથામંજરી’ ગ્રંથમાં પણ આ નૈતિક ઉદ્દેશ્યની અવગણના નથી થઈ. એ કથાઓમાં હૃદયવર્જનની સાથે સાથે ચરિત્રગઠન તરફ પણ કવિએ પૂર્ણ દૃષ્ટિ રાખી છે. એટલે જ સંસ્કૃતના કથાસાહિત્યમાં ભારતીય જીવનદર્શનને અભિવ્યક્ત કરનાર નિતાંત રોચક, રસપૂર્ણ અને ઉપદેશપ્રદ કાવ્ય છે.

બીજી છે સોમદેવ વિરચિત – કથાસરિત્સાગર. આ ગ્રંથ સંસ્કૃત કથાસાહિત્યનો શિરોમાન્ય ગ્રંથ છે. કાશ્મીરના પંડિત સોમદેવે ત્રિગર્ત (કુલ્લૂકાંગડા)ના રાજાની પુત્રી, કાશ્મીરના રાજા અનંતની રાણી સૂર્યમતીના મનોવિનોદ માટે ઈ.સ. ૧૦૬૩ થી ૧૦૮૧ વચ્ચે આ ગ્રંથ લખ્યો હતો. ગ્રંથ ૧૮ પરિચ્છેદોમાં છે તથા બધા લંબક ૧૨૪ તરંગોમાં છે. ગ્રંથમાં શ્લોકોની સંખ્યા ૨૧,૬૮૮ છે. આટલા વર્ણન પછી સ્પષ્ટ સમજી શકાય છે કે આ ગ્રંથ એક વિશાળ સંગ્રહ છે.

સોમદેવે તત્કાલીન ભારતીય સમાજનું સંપૂર્ણ ચિત્ર આપ્યું છે. એમને મૂર્ખાઓની વાર્તાઓ લખવામાં પણ અભિરુચિ દેખાય છે. ભારતીય સમાજના નિમ્નતર અંશ અહીં પૂર્ણ રોચકતા અને સચ્ચાઈથી અંકિત થયો છે. ચોર, જુગારી, ધૂર્ત, પરસ્ત્રીગામી, કપટી-બદમાશ, ઠગ, લુચ્ચા-લફંગા, રંગીલા ભિક્ષુકો આદિનું (સમાજના તામસિક અંશનું) ચિત્રણ કથાસરિત્સાગરમાં વિશેષ રીતે છે. માનવપ્રકૃતિની વિચિત્રતાનું ચિત્રણ, સરળ અને પ્રવાહી શૈલી, સુંદર વર્ણનો અને ચાતુર્યભર્યા સંવાદો સોમદેવની વિલક્ષણ પ્રતિભાનો પરિચય આપે છે. એમાં તત્કાલીન સામાજિક, ઐતિહાસિક, ભૌગોલિક, ધાર્મિક, રાજતંત્ર વિષયક અનેકવિધ પાસાંની કીમતી માહિતી પણ મળે છે.

આ કથાનકો દ્વારા પાશ્ચાત્ય જગતનું કથાસાહિત્ય વિશેષ રૂપે પ્રભાવિત છે. કથાસરિત્સાગર અલિફલૈલાની વાર્તાઓથી પ્રાચીનતર ગ્રંથ છે. અલિફલૈલા અરબી સાહિત્યનો અદ્‌ભુત વાર્તાસંગ્રહ છે. એની ઘણી વાર્તાઓના મૂળ પણ આ ગ્રંથમાં સાંપડે છે. પેંજર કહે છે કે આ ગ્રંથ દ્વારા ઈરાની અને તુર્કી લેખકોને નવીન કલ્પના પ્રાપ્ત થઈ; સાથે સાથે બોકૈશિયો (ઈટલી), ચાઉસર (ઈંગ્લેન્ડ) તથા લા ફાઁતેન (ફ્રાંસ)ના તથા બીજા અન્ય લેખો દ્વારા અનેક રોચક કલ્પનાઓ પાશ્ચાત્ય જગતમાં મળે છે, તેમના પર પણ આ ગ્રંથનો પ્રભાવ જોવા મળે છે.

પંચતંત્ર : ‘પંચતંત્ર’માં ભારતની નિતાંત પ્રાચીન કથાઓનો સંગ્રહ છે. ‘પંચતંત્ર’ ગ્રંથના વિભિન્ન શતાબ્દિમાં અને વિભિન્ન પ્રાંતોમાં અનેક સંસ્કરણ થયા. કેટલાક તો આજે પણ ઉપલબ્ધ છે. તેમાં સૌથી પ્રાચીન સંસ્કરણ ‘તંત્રાખ્યાયિકા’ને નામે વિખ્યાત છે. જેનું મૂળ સ્થાન કાશ્મીર છે. પંચતંત્રનાં ભિન્ન ભિન્ન ચાર સંસ્કરણ પ્રાપ્ય છે. (૧) પંચતંત્રનો પહેલો અનુવાદ જે ઉપલબ્ધ તો નથી પણ જેની કથાઓનો પરિચય સીરિયન અને અરબી અનુવાદોની સહાયતાથી પ્રાપ્ત છે. (૨) બીજું સંસ્કરણ ગુણાઢ્યની ‘બૃહત્કથા’માં અંતર્નિવિષ્ટ છે. આ બૃહત્કથા પૈશાચી ભાષામાં હતી, મૂળ તો નષ્ટ થયું છે; પરંતુ ૧૧મી સદીના ક્ષેમેન્દ્ર રચિત ‘બૃહત્કથા મંજરી’ તથા સોમદેવની ‘કથાસરિત્સાગર’ આ ગ્રંથના અનુવાદ છે. (૩) તૃતીય સંસ્કરણ ‘તંત્રાખ્યાયિકા’ છે, તત્સંબંધિત જૈનકથાસંગ્રહ છે. આજકાલ પ્રચલિત પંચતંત્ર આનો જ આધુનિક પ્રતિનિધિ છે. (૪) ચોથું સંસ્કરણ દક્ષિણી પંચતંત્રનું મૂળરૂપ છે. નૈપાલી પંચતંત્ર તથા હિતોપદેશ આ સંસ્કરણના પ્રતિનિધિ છે. આમ, પંચતંત્ર ગ્રંથ એક વિપુલ સાહિત્યનો પ્રતિનિધિ છે.

પંચતંત્રમાં પાંચ તંત્ર છે. તંત્રનો અર્થ છે ભાગ. મિત્રભેદ, મિત્રલાભ, સંધિવિગ્રહ, લબ્ધપ્રકાશ અને અપરીક્ષિત-કારક. પ્રત્યેક તંત્રમાં મુખ્ય કથા એક જ છે. જેના અંગને પુષ્ટ કરવા માટે અનેક ગૌણ કથાઓ કહેવામાં આવી છે. ગ્રંથકારનો ઉદ્દેશ્ય આરંભથી જ સદાચાર તથા નીતિનું શિક્ષણ રહ્યો છે. કહેવાય છે કે દક્ષિણના મહિલારોપ્ય નામના નગરમાં અમરકીર્તિ નામનો રાજા નિવાસ કરતો હતો. એને પોતાના મૂર્ખ પુત્રોને વિદ્વાન તથા નીતિસંપન્ન બનાવવા માટે ગુરુની આવશ્યકતા હતી. એમને એ માટે યોગ્ય ગુરુ મળ્યા વિષ્ણુશર્મા. તેઓ લોકકથા તથા શાસ્ત્રો બંને વિષયોના પારંગત પંડિત હતા. એટલે જ એમણે અલ્પ સમયમાં રાજકુમારોને વ્યવહારકુશળ, સદાચાર-સંપન્ન અને નીતિપટુ બનાવી દીધા. ગ્રંથકારની નીતિમત્તા ગ્રંથના દરેક પૃષ્ઠ પર જોવા મળે છે.

સંસારનાં ભિન્ન ભિન્ન કાર્યોના નિરીક્ષણની શક્તિ ગ્રંથકારમાં અતૂલ પ્રમાણમાં જોઈ શકાય છે. એમનામાં વિનોદપ્રિયતા પણ ખૂબ માત્રામાં છે. પંચતંત્રની ભાષા કહેવત જેવી સીધીસાદી છે. વાક્યોમાં ન તો ક્યાંય કઠિનતા, ન તો ભાવોને સમજવામાં દુર્બોધતા. કથાનકનું વર્ણન ગદ્યમાં છે, પણ ઉપદેશાત્મક સૂક્તિઓ પદ્યમાં છે. આ પદ્ય રામાયણ, મહાભારત તથા પ્રાચીન નીતિગ્રંથોમાંથી સંગૃહિત છે. પંચતંત્રની ઉત્પત્તિ એને રાજનીતિ તથા લોકનીતિનો ગ્રંથ પ્રમાણ કરે છે.

પંચતંત્રનું પ્રણયન ક્યારે થયું, આ વિશે નિશ્ચિત રૂપે કહેવું કઠિન છે. એનું કારણ એ છે કે એની મૂળ પ્રત હજી સુધી પ્રાપ્ય નથી. પહેલો અનુવાદ પહલવીમાં ૬ઠી સદીમાં થયો. દીનાર શબ્દનો ઉપયોગ થવાને લીધે કૌટિલ્યના ‘અર્થશાસ્ત્ર’નો એના પર પ્રભાવ છે, એમ કહી શકાય. સંભવત: એની રચના ગુપ્તકાળમાં સંસ્કૃતના અભ્યુદયકાળે થઈ હોય એવું પ્રતીત થાય છે.

પંચતંત્ર દ્વારા અલ્પકાળમાં જ નીતિશાસ્ત્ર તથા વાસ્તવિક વ્યવહારનું સારભૂત જ્ઞાન સંભવ છે, ભારતના ઇતિહાસમાં આ તથ્ય સ્પષ્ટપણે પ્રસિદ્ધ છે. પંચતંત્રની અતિસરળ, રોચક, તેમજ સદુપદેશ આપનાર કથાઓના આધાર પર એમાં રહેલ નીતિવાક્યોનો અભ્યાસ કરવાથી કોઈ પણ વ્યક્તિ પોતાના વ્યક્તિગત પારિવારિક આર્થિક તેમજ સામાજિક જીવનની સમસ્યાઓનો સારી રીતે ઉકેલ મેળવી શકે છે. એમાં વિભિન્ન સ્થળે અનેક મહત્ત્વની સૂક્તિઓનો સંગ્રહ પણ છે. એનો સમુચિત અવસરે પ્રયોગ કરીને લાભ મેળવી શકાય છે. આ રીતે આ ગ્રંથ એક સમુજ્જ્વલ પ્રકાશમાન મણિની જેમ બધાને માટે માર્ગદર્શન કરવા સક્ષમ અને સમર્થ છે.

પંચતંત્ર કેવળ ભારતમાં જ નહિ પરંતુ સમગ્ર વિશ્વ સાહિત્યમાં કથાસાહિત્યના રૂપે માન્ય છે. એની સરળતા, લોકપ્રિયતા તેમજ ઉપયોગિતા સર્વપ્રસિદ્ધ છે. પંચતંત્રમાં લેખકે મુખ્ય રૂપે વિચારપૂર્વક કાર્ય કરવાની નીતિ પર ભાર દીધો છે. એના અનુશીલનથી નીતિશાસ્ત્ર વિષયક જ્ઞાન અત્યંત સરળતાથી મળી રહે છે.

નીતિજ્ઞાન સિવાય પંચતંત્રના અધ્યયનથી એક બીજો પણ લાભ મળે છે. આરંભિક સરળ સંસ્કૃત ભણવામાં, વાંચવામાં અને લખવામાં એક આદર્શ અને સ્પૃહણીય ગ્રંથ છે. એટલે સરળતાથી સંસ્કૃત ભાષાનું જ્ઞાન મેળવવા માટે બધી શિક્ષણ સંસ્થાઓમાં પાઠ્ય પુસ્તકના રૂપે એ સ્વીકૃત બનેલ છે અને વિદ્યાલયોમાં પ્રેમપૂર્વક એનું અધ્યાપનકાર્ય થાય છે.

(ક્રમશ:)

Total Views: 79

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.