यस्त्वविज्ञानवान्भवत्यमनस्कः सदाऽशुचिः ।
न स तत्पदमाप्नोति संसारं चाधिगच्छति ॥ ७ ॥

यः तु विज्ञानवान्, સારાસારનો વિવેક કરવામાં જેની બુદ્ધિ સમર્થ નથી એવો મનુષ્ય; अमनस्कः, જેનું મન પોતાના વશમાં નથી તેવો; सदा अशुचिः, હંમેશાં અવિશુદ્ધ (એટલે કે હંમેશાં ખોટી વસ્તુઓ પાછળ દોડનારો); भवति, થાય છે; सः, તે મનુષ્ય; तत् पदम् न आप्नोति, એ લક્ષ્યને પ્રાપ્ત કરી શકતો નથી (એટલે કે આત્મજ્ઞાનને); संसारम् अधिगच्छति, અને બીજી તરફ સંસારમાં ફસાઈ જાય છે (એટલે કે જન્મમરણના ચક્કરમાં પડી જાય છે).

જે મનુષ્યની બુદ્ધિ સારા – ખોટાની વચ્ચેનો તફાવત સમજવામાં સમર્થ નથી અને જે મનુષ્યનું વશમાં ન રહેતું મન ઈંદ્રિયોને ખરાબ વસ્તુઓ તરફ દોડવા જ દે છે (ખરાબ વસ્તુઓ એટલે આધ્યાત્મિક પ્રગતિ માટે અવરોધક વસ્તુઓ) – આવો મનુષ્ય ક્યારેય આત્મજ્ઞાન મેળવી શકતો નથી. ઊલટું, એ તો જન્મમરણના ચક્કરમાં અટવાઈ જાય છે. (૭)

સારું શું અને નરસું શું, એનો નિર્ણય કરવા માટે જ્યારે માણસ શક્તિમાન થતો નથી, ત્યારે તેનું શું થાય છે, એનું વિવેચન આ મંત્રમાં કરવામાં આવ્યું છે. આનો અર્થ એ થયો કે એ મનુષ્યની બુદ્ધિ નબળી છે. આવો મનુષ્ય આવશ્યક રીતે જ પોતાના મનને વશ કરી શકતો નથી. એ પોતે પોતાનો સ્વામી નથી; એનું મન એનો સ્વામી છે અને આ રીતે તે એવી વસ્તુઓ તરફ દોડ્યા કરશે કે જે વસ્તુઓ એની આધ્યાત્મિક રીતે હાનિ કરી શકે. એની પાસે કશો ઉપાય રહેતો નથી. કોઈક વખત આધ્યાત્મિક જ્ઞાન મેળવવાની મહત્ત્વાકાંક્ષા એના મનમાં કદાચ જાગી હશે પણ આવી નબળી બુદ્ધિ વડે અને એને પરિણામે ઈંદ્રિયસુખો તરફના પૂર્વ વલણને લીધે તે પોતાના મૂળ લક્ષ્યમાંથી ચ્યુત થઈ જશે. એ બીજી દિશાએ વળી જશે – દુનિયા તરફ ઢળી જશે અને એના ભાગ્યમાં જન્મમરણના ફેરા જ રહેશે.

यस्तु विज्ञानवान्भवति समनस्कः सदा शुचिः ।
स तु तत्पदमाप्नोति यस्माद् भूयो न जायते ॥ ८ ॥

यः, જે; तु, વળી; विज्ञानवान् भवति, વિવેકશીલ હોય છે; समनस्कः, સંયમમાં રાખેલા મન સહિત; सदा, હંમેશાં; शुचिः, નિર્મળ; सः, તે; तु, અવશ્ય; तत् पदम्, તે ઉદ્દેશને; आप्नोति, પ્રાપ્ત કરે છે; यस्मात्, કે જ્યાંથી; भूयः, ફરી વખત; न जायते, પછી વધારે વખત મરણનો વિષય રહેતો નથી.

વિવેકશીલ બુદ્ધિવાળો અને કાબૂમાં રહેલ મનવાળો મનુષ્ય હંમેશાં નિર્મળ – વિશુદ્ધ જ (મન, વાણી અને કાયા વડે) હોય છે. આવો મનુષ્ય પોતાના ઉદ્દેશને – આત્મજ્ઞાનની પ્રાપ્તિના ઉદ્દેશને – અવશ્ય પામે છે. અને એકવાર આ ઉદ્દેશ્ય પ્રાપ્ત કરી લીધા પછી ફરી પાછો જન્મતો નથી (ફરી વખત જન્મ કે મરણનો વિષય બનતો નથી.) (૮)

જ્યારે મનુષ્ય સારા અને નરસા વચ્ચેનો ભેદ પારખવામાં સમર્થ બને છે ત્યારે તે શું મેળવી શકે છે તે અહીં બતાવવામાં આવ્યું છે. ત્યારે તે પોતાના મનને જે શુભ હોય, તેના તરફ વાળવાનો પ્રયત્ન કરે છે અને જ્યાં સુધી શક્ય હોય, ત્યાં સુધી અશુભને ઉવેખી દે છે. આવી શરૂઆત કરવી ઘણી કઠિન તો છે જ પરંતુ, તે સતત અને સખત પ્રયત્નોથી છેવટે તે પોતાના મન ઉપર સંપૂર્ણ કાબૂ ધરાવી લે છે. જ્યારે એનું મન એને પૂરેપૂરું વશ થઈ જાય છે, ત્યારે ઉદ્દેશ દૂર હોતો નથી. આત્મસંયમ જ (મનને વશમાં રાખવું તે) જ ધર્મની શરૂઆત અને ધર્મનો છેડો પણ છે. જે મન વિશુદ્ધ હોય છે, તેમાં એકાએક અને આપોઆપ જ આત્મા પ્રકાશિત થઈ જાય છે.

विज्ञानसारथिर्यस्तु मनःप्रग्रहवान्नरः ।
सोऽध्वनः पारमाप्नोति तद्विष्णोः परमं पदम् ॥ ९ ॥

यः नरः तु विज्ञानसारथि, જે મનુષ્ય વિજ્ઞાનરૂપી—સારાસાર વિવેકરૂપી—સારથિ હોય; मनः प्रग्रहवान्, (અને) જેને લગામવાળું મન છે, (કાબૂમાં રાખેલું મન); सः अध्वनः पारम् आप्नोति, એ એવી અવસ્થા પામે છે કે જ્યાંથી વધારે આગળ ચાલવાનું ન હોય. (એટલે કે જન્મ-મરણ ન હોય); तद् विष्णोः परमम् पदम्, તે એ અવસ્થા છે કે જે સૌથી ઊંચી અવસ્થા છે. (કારણ કે એ જીવાત્મા અને પરમાત્માના ઐક્યને સૂચિત કરે છે.)

જે મનુષ્યની બુદ્ધિ સારા સારથિ જેવી અને તેથી એને સાચા માર્ગે લઈ જનારી હોય છે અને જેનું મન એની એવી બુદ્ધિના તાબામાં હોય છે. વળી જેે આવી જાતનાં મન-બુદ્ધિના સુયોગના પરિણામે પોતાની ઈંદ્રિયોને પોતાને ઠીક લાગે તેમ સારી રીતે ઇચ્છા પ્રમાણે વાળી શકે છે; તે આ જગતની સામે પાર જાય છે. ત્યાં તે જીવનનું ઉચ્ચતમ લક્ષ્ય પ્રાપ્ત કરે છે – વિશ્વાત્મા સાથેનું અદ્વૈત પ્રાપ્ત કરે છે. (૯)

અહીં આપણે આપણા ભાગ્યના ઘડવૈયા કેવી રીતે બની શકીએ, તે બતાવવા માટે એક કલ્પનાચિત્ર આપવામાં આવ્યું છે. આપણે ખુદ આપણા પોતાના માલિક થવું જોઈએ. બુદ્ધિ, મન અને જ્ઞાનેન્દ્રિયો – આ બધાં તો આપણે જે કંઈ આપણી ઇચ્છા મુજબનું સારું કે ખરાબ કરવા માગીએ છીએ, એનાં કેવળ સાધનો – ઉપકરણો જ છે. આ સાધનો – ઉપકરણો – ઉપર આપણો પૂરેપૂરો કાબૂ હોવો જોઈએ. એવું તો ન જ થવું જોઈએ કે એ ઉપકરણો આપણને દોરી રહ્યાં હોય. આપણે જ એને કામમાં લેવાં – ઉપયોજવાં – જોઈએ. આપણા ભલા માટે આપણે એની પાસેથી કામ લેવું જોઈએ. આપણને સાચો રસ્તો દેખાડવા માટે આપણે આપણી બુદ્ધિનો ઉપયોગ કરીશું. એ બુદ્ધિ કોઈક વખત ભૂલો કરી બેસે ખરી, પણ આપણે એને સાવધાન રહેવા માટે વિનવીશું કે જેથી તે એવી ભૂલો વારંવાર ન કર્યા કરે. આપણે એને મનને બરાબર રીતે વર્તવા માટે કહેવાનું સૂચવીશું. કેટલીક વખત મન બળવો તો પોકારે છે, પરંતુ, સાવધાન થયેલી બુદ્ધિ એને પાછું જલદી પોતાના વશમાં લાવી શકે છે. મન બધી ઈંદ્રિયોનું વડીલ છે. જો મન કાબૂમાં આવી જાય તો પછી ઈંદ્રિયો કોઈ સમસ્યા ઉત્પન્ન કરતી નથી. આ રીતે જો બુદ્ધિ, મન અને ઈંદ્રિયો એકમેક સાથે હળીમળીને કામ કરે તો સહેલાઈથી કલ્યાણની પ્રાપ્તિ થઈ શકે.

પરંતુ, એનો ઉદ્દેશ શો છે? ઉદ્દેશ એ છે કે આ યાત્રાનો – આ માર્ગનો છેડો આવી જાય, એને પાર કરી જવાય. અત્યારે તો આપણે આ માર્ગના એવા ભાગમાં ઊભા છીએ કે જ્યાં બંધન છે, જ્યાં આપણે જન્મ અને મરણના, સુખ અને દુ:ખના, હર્ષ અને શોકના ચક્રમાં જકડાયેલા છીએ. આપણે આ બધાને છેડે પહોંચવાની ઇચ્છા ધરાવીએ છીએ, કે જ્યાં બધાં દ્વન્દ્વોમાંથી છુટકારો થઈ જાય, મુક્તિ થઈ જાય; જ્યાં પછી વધારે જન્મ કે મરણ ન હોય, વધારે આવનજાવન ન હોય. મુક્તિનો અર્થ એ છે કે બીજાઓ સાથેની ભેદની – અલગતાની લાગણીમાંથી મુક્તિ! આપણે જ્યારે મુક્તિ મેળવીએ છીએ, ત્યારે આપણે બધા સાથે ઐક્ય અનુભવીએ છીએ. ત્યારે જીવાત્મા પરમાત્મા સાથે એક થઈ જાય છે. જળનું બિંદુ સાગરમાં પડે છે અને સાગરરૂપ થઈ જાય છે. ત્યારે અનવરુદ્ધ અને અસીમ આનંદની અનુભૂતિ થાય છે.

બંધન અને મુક્તિ, બન્ને મનની અવસ્થાઓ છે. જો આપણે આપણા મન ઉપરનું અસ્તિત્વ ધરાવતા હોઈએ, તો તો આપણે મુક્ત જ છીએ, નહિતર આપણે બંધનમાં છીએ. જો આપણે મુક્ત હોઈએ તો આપણને આનંદ થશે અને જો આપણે મુક્ત નહિ હોઈએ તો આપણને દુ:ખ થશે. આપણે લલચામણા પદાર્થોની વચ્ચે રહેતા હોઈએ, પણ તેમ છતાં આપણું મન જો આપણા કાબૂમાં હોય તો આપણે મુક્ત થઈ જ શકીએ છીએ; આ મનનો સંયમ એ જ ધર્મ છે.

इन्द्रियेभ्यः परा ह्यर्था अर्थेभ्यश्च परं मनः ।
मनसस्तु परा बुद्धिर्बुद्धेरात्मा महान्परः ॥ १० ॥

इन्द्रियेभ्यः अर्थाः हि पराः, ઇંદ્રિયો કરતાં ખરેખર તે તે ઇંદ્રિયોના વિષયો ચડિયાતા છે; अर्थेभ्यः च परम् मनः, વિષયો કરતાં ચડિયાતું ખરેખર મન છે; मनसः तु बुद्धिः परा, મન કરતાં ખરેખર ચડિયાતી બુદ્ધિ છે; बुद्धेः महान आत्मा परः, બુદ્ધિ કરતાં ખરેખર ‘મહાન આત્મા’ (સમષ્ટિ બુદ્ધિરૂપે ‘મહત્‌ તત્ત્વ’) ચડિયાતો છે.

ઇંદ્રિયો કરતાં ચડિયાતા તે તે ઇંદ્રિય સંબંધી વિષયો છે; એ વિષયો કરતાં ચડિયાતું મન છે; મન કરતાં ચડિયાતી બુદ્ધિ છે અને બુદ્ધિ કરતાં ચડિયાતો ‘મહાન આત્મા’ (એટલે કે મહત્‌ તત્ત્વ) છે. (૧૦)

અહીં વાપરવામાં આવેલા ‘पर’ શબ્દનો (ચડિયાતા શબ્દનો) અર્થ ‘વધારે સૂક્ષ્મ’ એવો, અથવા તો ‘વધારે ફેલાયેલો’ એવો અથવા તો ‘આત્માની વધારે સમીપ રહેનાર’ તેવો સંદર્ભ પ્રમાણે કરવો જોઈએ. (બે કે બધા અર્થો જરૂર પડ્યે લઈ શકાય).

ઇંદ્રિયોના બે પ્રકારો છે. એક જ્ઞાનેન્દ્રિયો અને બીજી કર્મેન્દ્રિયો.

મંત્રમાં આપેલ ‘अर्थाः’—વિષયો—એ શબ્દ દ્વારા સ્થૂલ વિષયો નહિ, પણ એ વિષયોનાં સૂક્ષ્મ, પ્રાથમિક, મૂળતત્ત્વ ‘તન્માત્રા’ એવો અર્થ લેવાનો છે. આ તન્માત્રાઓનું પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ છે. પણ તે પોતાના કરતાં વધારે સ્થૂળ એવી ઇંદ્રિયોની મદદ પોતાની ઓળખ માટે લે છે. જાણે કે તન્માત્રાઓએ (સૂક્ષ્મ વિષયોએ) ફક્ત આ કારણને માટે જ ઇંદ્રિયોને ઉત્પન્ન કરી ન હોય! આ ‘अर्थाः’—વિષયો—એટલે કે—તન્માત્રાઓ—અને ઇંદ્રિયો વચ્ચેનો સંબંધ, કારણ અને કાર્ય વચ્ચેના સંબંધ જેવો જ છે. કોઈપણ કાર્ય પોતાના કોઈ કારણની હસ્તી બતાવે જ છે. કારણનું અસ્તિત્વ અવશ્ય ધરાવે જ છે અને એટલા જ માટે કારણ કાર્ય કરતાં ચડિયાતું છે. આ ખ્યાલ પ્રમાણે વિષયો ઇંદ્રિયો કરતાં ચડિયાતા છે.

આવા જ તર્ક પ્રમાણે મન વિષયો કરતાં (સૂક્ષ્મ વિષયો કરતાં) ચડિયાતું છે. વિષયો પ્રમાણે મન પણ પોતાના એક મૂળતત્ત્વમાંથી બનેલું છે. છતાં પણ એ ચડિયાતું છે કારણ કે એ વિષયો કરતાં વધારે સૂક્ષ્મ છે અને એ વધારે સૂક્ષ્મ હોવાને કારણે જ વધારે વ્યાપક છે; અને આત્માની વધારે નજીકનું પણ છે. વિષયો કરતાં મન વધારે સૂક્ષ્મ છે, એનું આ બીજું કારણ છે.

બુદ્ધિ, મન કરતાં વધારે ચડિયાતી છે કારણ કે તે નિર્ણય કરે છે – નિશ્ચયાત્મિકા છે. મન તો સંકલ્પવિકલ્પો કરે છે અને શું કરવાનું છે, એનો નિર્ણય કરી શકતું નથી. પણ શું કરવાનું છે, તે બુદ્ધિ જ મનને કહે છે : મનને આ પ્રકારનું માર્ગદર્શન આપતી હોવાથી બુદ્ધિ મન કરતાં ચડિયાતી છે.

મન, બુદ્ધિ, હૃદય (ચિત્ત) અને હું-પણું (અહંકાર) – આ બધાં (ચારેય)ની વર્ગીય પરિભાષા પ્રમાણે ‘અંત:કરણ’ તરીકે ઓળખ આપવામાં આવે છે. એ અલગ નાતો તો ત્યારે જ ધારણ કરે છે કે જ્યારે તે બધાં અલગ અલગ કાર્ય કરતાં હોય – પહેલાં દર્શાવેલું મન કંઈક કરવા તો ઇચ્છે છે. પણ શું કરવું છે, એ નક્કી કરી શકતું નથી. એટલે બુદ્ધિ એને એ નક્કી કરી આપે છે. હૃદય (ચિત્ત)નું કાર્ય લાગણીઓ અને ભાવનાઓ ઉત્પન્ન કરવાનું છે અને સ્મૃતિઓનો સંગ્રહ કરવાનું પણ છે. હું-પણું કે અહંકાર એ કોઈક એવું તત્ત્વ છે કે જે અંત:કરણની બધી જ પ્રવૃત્તિઓમાં દોડતું રહે છે- અનુસ્યૂત રહે છે. એ ‘હું-ભાવ’ છે.

આ બુદ્ધિ કરતાં ‘મહાન આત્મા’ ચડિયાતો છે. તો આ ‘મહાન આત્મા’ શું છે? એ સમષ્ટિગત બુદ્ધિ છે. વિશુદ્ધ ચૈતન્યની (બ્રહ્મની) એ સર્વપ્રથમ અભિવ્યક્તિ છે. એને હિરણ્યગર્ભ પણ કહેવામાં આવે છે.

महतः परमव्यक्तमव्यक्तात् पुरुषः परः ।
पुरुषान्न परं किञ्चित् सा काष्ठा सा परा गतिः ॥ ११ ॥

महतः अव्यक्तम् परम्, મહત્‌ તત્ત્વ (સમષ્ટિ બુદ્ધિથી) હિરણ્યગર્ભથી, ‘મહાન આત્મા’થી અવ્યક્ત—પ્રકૃતિ—માયા—ચડિયાતું તત્ત્વ છે; अव्यक्तात् पुरुषः परः, (અને) એ અવ્યક્ત (પ્રકૃતિ—માયા) કરતાં પુરુષ (બ્રહ્મ—વિશ્વાત્મા) ચડિયાતો છે. पुरुषात् न परम् किंचित्, (અને) પુરુષ—બ્રહ્મ—વિશ્વાત્મા કરતાં કોઈ જ ચડિયાતું નથી; सा काष्ठा, તે ટોચ છે (ચડિયાતાપણાની ચરમ સીમા છે.) सा परा गतिः, દરેકના જીવનનો ઉચ્ચતમ ઉદ્દેશ પણ એ જ છે.

‘મહાન આત્મા’ – એટલે કે ‘મહત્‌ તત્ત્વ’થી અવ્યક્ત – પ્રકૃતિ – માયા ચડિયાતી છે. અને અવ્યક્તથી પુરુષ – વિશ્વાત્મા – બ્રહ્મ ચડિયાતો છે. એ પુરુષ કરતાં કોઈ જ ચડિયાતું નથી. એ ચડિયાતાપણાની ચરમસીમા છે. દરેક મનુષ્ય માટે પ્રાપ્ત કરવા યોગ્ય જીવનનો ઉચ્ચતમ ઉદ્દેશ એ જ છે. (૧૧)

આપણી પ્રગતિ નિમ્નતર કોટિના સત્યથી ઉચ્ચતર કોટિના સત્ય તરફ, સ્થૂળથી સૂક્ષ્મ તરફ, કાર્યથી કારણ તરફ હોવી જોઈએ. આ મંત્રમાં અને આની તરતના આગળના મંત્રમાં આ વાત દર્શાવવામાં આવી છે. ગમે તે રીતે આપણે દરેક વસ્તુના મૂળ સ્રોત સુધી પહોંચવું જ જોઈએ અને એ મૂળ તે વિશ્વાત્મા કે પરમાત્મા જ છે. આપણે એ અનુભૂતિ કરવાની છે કે આપણે વિશ્વાત્મા રૂપ છીએ – એટલે કે આપણે બ્રહ્મ જ છીએ.

આપણે બ્રહ્મ વિશે કશું જાણતા નથી કારણ કે એ કોઈ ખાસિયત વગરનું છે, નિર્ગુણ છે, નિર્વિશેષ છે એ સર્વ સ્થળે અને સર્વમાં રહેલું છે. બ્રહ્મ પોતાને બધાં રૂપોમાં પ્રકટ કરે છે. જે કંઈ હસ્તી ધરાવે છે, તે બ્રહ્મને લીધે જ છે. અવું નથી કે આ બ્રહ્મ બધાંનું ‘સર્જન કરે છે’, બ્રહ્મ તો પોતાનામાંથી એ બધાંનું ‘પ્રકટીકરણ કરે છે’ અને (પોતાનામાંથી આ) પ્રકટીકરણ પોતાની શક્તિથી કરે છે. એ શક્તિને ‘માયા’ કહેવામાં આવે છે, બ્રહ્મ અને માયા અવિભાજ્ય છે. જેમ દૂધ અને સફેદી અલગ કરી શકાય નહિ, તેમ બ્રહ્મથી માયા અલગ કરી શકાય નહિ.

‘માયા’એ બ્રહ્મનું સક્રિય પાસું છે. માયા વગર બ્રહ્મનું કોઈપણ પ્રકટીકરણ શક્ય નથી. ‘હિરણ્યગર્ભ’ અર્થાત્‌ ‘મહાન આત્મા’ (કે મહત્‌ તત્ત્વ) આ બ્રહ્મનું સર્વપ્રથમ પ્રકટીકરણ માયાએ જ શક્ય બનાવ્યું છે. તેથી આમ માયા હિરણ્યગર્ભ કરતાં ચડિયાતી છે.

પણ માયા પોતે એકલી કશું કરી શકતી નથી. એના સાક્ષી તરીકે બ્રહ્મ તો ઉપસ્થિત હોવું જ જોઈએ અને એટલા માટે બ્રહ્મ માયા કરતાં ચડિયાતું છે. આ બ્રહ્મ જ સર્વોત્તમ, સૂક્ષ્મતમ અને અંતરતમ છે. એ જ વિકાસનું ઊર્ધ્વતમ શિખર છે; એ વિશ્વાત્મા – પરમાત્મા છે અને માનવજીવનનો ઉદ્દેશ પણ પોતાના વ્યષ્ટિચૈતન્યને, જીવને – એ વિશ્વાત્મા સાથે એકાકાર કરી દેવાનો જ છે. આ અદ્વૈતથી જીવ બ્રહ્મરૂપ બની રહે છે – વ્યષ્ટિ સમષ્ટિરૂપ બની જાય છે.

Total Views: 78

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.