દુનિયાના સાંસ્કૃતિક ઇતિહાસનો અભ્યાસ આપણને માનવ-વિકાસને ધર્મ કેટલી અસર પહોંચાડે છે, તેના વિષે ઊંડી આંતર્દૃષ્ટિ પૂરી પાડે છે. ધાર્મિક આદર્શો, દિવ્યતામાં અડગ શ્રદ્ધા અને આધ્યાત્મિક અભિમુખતા આપણા રોજના જીવનમાં વ્યાપી ગયાં છે. જીવનનાં ધાર્મિક મૂલ્યોની સહાનુભૂતિપૂર્વકની સમજ વિના આપણે કોઈપણ સંસ્કૃતિને સમજી શકીએ નહીં. અંગ્રેજ ઇતિહાસકાર ક્રિસ્ટોફર ડોસને આ વિચારને વ્યક્ત કરતાં કહ્યું છે:

‘…માનવજાતિના ઇતિહાસના બહુ મોટા ભાગ દરમ્યાન, બધા યુગોમાં અને સમાજની અલગ અલગ પરિસ્થિતિઓમાં, ધર્મ આપણી સંસ્કૃતિમાં એકતા ઊભી કરનારું પરિબળ રહ્યો છે. તે પરંપરાનો રક્ષક, નૈતિક કાયદા કાનૂનોને જાળવી રાખનારો અને શિક્ષણકાર તથા શાણપણનો શિક્ષક બની રહ્યો છે. બધા યુગોમાં સંસ્કૃતિની સૌથી પ્રથમ રચનાત્મક કૃતિઓ ધાર્મિક પ્રેરણા અને ધાર્મિક સાધ્યને સમર્પિત રહી છે.’૧

કોઈપણ જાતિની આધ્યાત્મિક અને નૈતિક સંસ્કૃતિ તેના ઉમદા ગુણધર્મોનું જતન કરે છે. સ્વામીજી કહે છે: ‘જીવનની દુર્વૃત્તિઓનો ઉપચાર વધારે સારી સ્થિતિ માટે માત્ર અને માત્ર આત્મ પરિવર્તન જ કરી શકે.’૨

પોતાના વ્યાખ્યાન ‘ભારતનું ભાવિ’માં સ્વામીજી સંસ્કૃતિની સાચી ભૂમિકા પર પ્રકાશ પાડે છે :

‘આઘાતોનો સામનો સંસ્કૃતિ જ કરે છે, જ્ઞાનનો સાદોસીધો જથ્થો નહીં. તમે દુનિયાને જ્ઞાનનો જથ્થો આપી શકો, પણ તેથી કોઈ સારો અર્થ સરશે નહીં. લોહીમાં સંસ્કૃતિનો પ્રવેશ થવો જોઈએ.અત્યારના સમયમાં આપણે જ્ઞાનના જથ્થા ધરાવતાં રાષ્ટ્રો વિષે જાણીએ છીએ, પણ તેથી શું? તેઓ વાઘ જેવા છે, તેઓ જંગલી જેવા છે, કેમકે તેમનામાં સંસ્કૃતિ નથી. જ્ઞાન માત્ર ચામડી જેટલું ઊંડું હોય છે, જેવું સભ્યતાનું હોય છે, અને જરાક છરકો પડતાં જૂનો જંગલી બહાર આવી જાય છે. આવું બનતું રહે છે; આ તેનું ભયસ્થાન છે. માનવસમૂહોને માતૃભાષામાં ભણાવો, તેમને વિચારો આપો, તેમને જાણકારી મળી રહેશે, પણ જરૂર છે થોડીક વધારે વસ્તુની, તેમને સંસ્કૃતિ આપો. તમે તેમને એ ન આપો ત્યાં સુધી માનવસમૂહોની સ્થિતિને ઊંચી લાવવાની બાબતમાં કાયમીપણું નહીં આવી શકે.’૩

યુગો સુધી ભારતમાં સામાજિક અને રાજકીય ઉથલપાથલો થતી રહી છે, પણ તે છતાંય તેમાં એક વસ્તુ નોંધવા જેવી રહી છે કે તેમની ઊંડી ધાર્મિક સંસ્કૃતિને લીધે ભારતીય લોકોની પેઢીઓએ તંદુરસ્ત જીવનને લગતાં સનાતન મૂલ્યોનું હસ્તાંતરણ પેઢી દર પેઢી કર્યા કર્યું છે. આ પ્રક્રિયા પાછળ તેમનો આશય રહ્યો છે માત્ર ને માત્ર પ્રાચીન પારંપરિક મૂલ્યોને જાળવી રાખવાનો અને તેમને આવતી પેઢીને પ્રદાન કરવાનો. ડો. રાધાકૃષ્ણન લખે છે :

‘આપણા સંતોની આધ્યાત્મિક આંતર્દૃષ્ટિ પ્રેરિત સભ્યતામાં કેટલીક ચોક્કસ નૈતિક ઈમાનદારી મૂળભૂત વફાદારી, વ્યક્તિગત કામનાઓ અને સામાજિક માગણીઓ વચ્ચે સુંદર સમતુલા એ બધાં નોંધપાત્ર અંગો બની રહે છે. અને આ જ બધી બાબતો તેની મજબૂતી અને સાતત્ય માટે ઉત્તરદાયી હોય છે. હિન્દુ સભ્યતામાં અત્યારે જે નિર્બળતા અને અવ્યવસ્થા છે તેનું પગેરું- કારણ આદર્શોથી જુદા પડવાની બાબતમાં શોધી શકાય છે.૪

હિન્દુ ચેતનામાં આ ભવ્ય વારસો હજી પણ જીવંત છે. ઈ.સ.પૂર્વે ૬૦૦માં જે ઋષિમુનિઓ ગંગાની ખીણનાં જંગલોમાં ધ્યાન ધરતા હતા, એ બધા હજી દુનિયાનાં શક્તિશાળી તત્ત્વો છે.૫ સ્વામી વિવેકાનંદ કહે છે :

‘આપણા પર કેટલાં બધાં દુ:ખ, વિપત્તિ, ગરીબી, અથવા અંદરથી તથા બહારથી અત્યાચારો થયા છે, છતાં આપણે ભારતીયો હજી જીવંત છીએ એનું કારણ એ છે કે આપણી પાસે રાષ્ટ્રીય આદર્શ છે, જે દુનિયાને ટકાવી રાખવા માટે જરૂરી છે’ આ આદર્શ છે આધ્યાત્મિક ખોજ: આત્મખોજ આત્મજ્ઞાન અને આત્મ-પૂર્તિ દ્વારા, પૂર્ણતા પ્રાપ્ત કરવી. ભારતમાં વૈયક્તિક અને સામૂહિક જીવનમાં આ એક જ માત્ર આદર્શ શાસન ભોગવતો આંતરિક ધક્કો બની રહે છે. ધર્મ રાષ્ટ્રની કરોડરજ્જુ અને જીવન-પ્રવાહનું સ્વરૂપ બની રહે છે. આથી જ ‘ત્યાગ અને સેવાના’ આદર્શો આપણા જીવનના દૃષ્ટિકોણમાં વણાઈ ગયા છે. ભારતમાં આવેલાં રાજકીય અને સાંસ્કૃતિક પરિવર્તનો છતાં ય સનાતન મૂલ્યો દ્વારા આધ્યાત્મિક વિકાસ એનો સૌથી માનનીય આદર્શ બની રહ્યો છે.

ઈશ્વરનું માતૃત્વ

દુનિયાને એક છેડેથી માંડીને બીજા છેડા સુધી મહાન લેખકોએ પોતાની માતાના નિ:સ્વાર્થ પ્રેમને ઊંચામાં ઊંચી પ્રશંસાંજલિ અર્પી છે. ‘પુરુષ પાસે હોય તેના કરતાં સ્ત્રી પાસે વધારે હૃદય અને કલ્પનાશક્તિ હોય છે. ઉત્સાહ કલ્પનામાંથી ઉદ્‌ભવે છે; આત્મત્યાગ હૃદયમાંથી વહેતો હોય છે : આથી તેઓ સ્વાભાવિક રીતે જ વીર પુરુષો કરતાં વધારે વીરતાવાળાં હોય છે.’ ઉચ્ચ આદર્શોનાં મૂલ્યનું પ્રતિબિંબ એમાં પડે છે.

ભારત એક વિશિષ્ટ પ્રકારનો દેશ છે. અન્ય દેશો કરતાં તેણે આધ્યાત્મિક મૂલ્યોને વધારે ઊંચું સ્થાન આપ્યું છે. ઘણાં બધાં પરિવર્તનો આવી ગયાં હોવા છતાં હજી યે આધ્યાત્મિક વિકાસનાં સનાતન મૂલ્યોને આદર્શ જીવનશૈલી તરીકે માનપૂર્વક જોવામાં આવે છે. ભારતનો રાષ્ટ્રીય આદર્શ છે ‘ત્યાગ અને સેવા.’ જ્યાં દરેક સ્ત્રીને ‘મા’ તરીકે માનવામાં આવે છે, ત્યાં ત્યાગ અને સેવાનો આદર્શ સ્ત્રીઓ અને પુરુષો માટે સાચો બની રહે છે. સ્ત્રીને મા તરીકે જોવી એ ભારતમાં સ્ત્રીની સૌથી શુદ્ધ અને સૌથી ઉમદા વિભાવના છે.

સ્ત્રી દિવ્ય માતાની પ્રતિકૃતિ છે, તેનો શક્તિ તરીકે સર્વોચ્ચ આદર કરવામાં આવે છે, આ બ્રહ્મની સર્જનાત્મક શક્તિ છે, પરંતુ મા તરીકે સ્ત્રીને પ્રેમાળ અને જીવંત દેવીની મૂર્તિ તરીકે માનવામાં આવે છે. એ મહાન વિચારની અસરથી રાષ્ટ્રીયજીવન સ્ત્રી તરફ સર્વોત્કૃષ્ટ મૃદુતા અને સમાદરની દૃષ્ટિએ જુએ છે. ભારતે હમેશાં ઈશ્વરના માતૃત્વની કીર્તિગાથાનું ગાન કર્યું છે. આ આદર્શ આપણા લોહીમાં પેસી ગયો છે.

આથી માતૃત્વની પ્રતિષ્ઠા તરીકે અભિવ્યક્ત થયેલી સ્ત્રીઓ પ્રત્યેના ભારતના યુગ – જૂના અભિગમનું સ્વામી વિવેકાનંદ સમર્થન કરે છે.

આપણાં શાસ્ત્રોના મતાનુસાર માતાને પિતા અથવા શિક્ષક કરતાં વધારે માન આપવામાં આવે છે. પ્રાચીન સ્મૃતિકાર મનુ લખે છે :

‘માનસન્માનની દૃષ્ટિએ વ્યાખ્યાન આપનાર કરતાં શિક્ષક દશ ગણો ચડિયાતો છે, શિક્ષક કરતાં પિતા સોગણો ચડિયાતો છે અને પિતા કરતાં માતા હજાર ગણી ચડિયાતી છે.’૬ સ્ત્રીના સામાજિક પદનું એ રહસ્ય છે. સંસ્કૃતિ પ્રત્યેની માનની દૃષ્ટિને લીધે તે સંસ્કૃતિની જાળવણી કરનારી છે. કુટુંબમાં તે એકતા સાધી આપનાર મુખ્ય વ્યક્તિ છે. તેના જીવનની ગુણવત્તા પર કુટુંબનાં સુખ શાંતિનો આધાર રહે છે. ભગિની નિવેદિતા નિર્દેશ કરે છે તે રીતે ‘આમ એક દૃષ્ટિકોણ એવો છે, જેના દ્વારા ભારતીય સ્ત્રીઓનાં જીવનને સમાજના વિપુલ સહકાર માટે

– યોગ્ય જહેમત ઊઠાવવી,

– પરિષ્કાર કરતાં પરિબળોને શાનદાર બનાવવાં અને મૃદુતા તથા આત્મસન્માન

આ બધાં દ્વારા યોગ્ય માપણી કરી શકાય. અને એવો દાવો કરી શકાય કે રૂઢિચુસ્ત હિન્દુ ઘરગૃહસ્થી એ જ દુનિયામાં એક એવી ચીજ છે, જેમાં કૌટુંબિક ગુલામીની સંપૂર્ણ રીતે બાદબાકી કરી નાખવામાં આવી હોય તેવી ઉચ્ચ કક્ષાની સંસ્કૃતિ સાથે સંયોજન સાધે છે.’

પશ્ચિમમાં સ્વામીજીએ ‘ભારતની નારીઓ’ વિષે વ્યાખ્યાન આપતાં કહ્યું હતું કે પશ્ચિમમાં સ્ત્રીત્વનો આદર્શ પત્ની છે, જ્યારે પૂર્વમાં માતા આદર્શરૂપ છે. હિન્દુ સ્ત્રીઓએ પોતાના જીવનની એક આત્યંતિક વિશેષતા વિકસાવી છે, અને તે તેમના જીવનનો આદર્શ બની ગઈ છે, તે છે મા – તરીકેની. તમે કોઈ હિન્દુ ઘરમાં પ્રવેશ કરો તો તમને પત્ની પતિની જે રીતે અહીંયાં એક સરખી સહચરી બની રહે છે, તેમ ત્યાં નહીં જોવા મળે. પરંતુ તમે જ્યારે એક માતાને જુઓ ત્યારે તમને ખબર પડશે કે એ તો હિન્દુ ઘરસંસારનો આધારસ્તંભ છે. માતા થવા માટે પત્નીએ પ્રતીક્ષા કરવી પડે છે, અને પછી તે સર્વસ્વ બની રહેશે.’

ભારતીય કુટુંબમાં માતાના સ્થાનની વ્યાખ્યા કરતાં કહે છે :

‘અમારા કુટુંબમાં માતા ભગવાન હોય છે. તેની પાછળનો વિચાર એ છે કે આપણે જગતમાં જે સાચો પ્રેમ જોઈએ છીએ, અત્યંત નિ:સ્વાર્થ પ્રેમ, એ માતામાં હોય છે. એ માતા કાયમ યાતનાઓ સહન કર્યા કરતી હોય છે અને પ્રેમ કર્યા કરતી હોય છે. આપણે ભગવાનનો પ્રેમ જોઈએ છીએ તેનો વધારે સારો પ્રતિનિધિ માતાના પ્રેમ સિવાય અન્ય કયો પ્રેમ હોઈ શકે? આ રીતે હિન્દુને માટે માતા એ ભગવાનનો અવતાર છે.’૭

પૃથ્વી પર દરેક અવતારે જાહેરમાં કે ખાનગીમાં માતાની પૂજા – અર્ચના કરી છે; અન્યથા તેની પાસે શક્તિ ક્યાંથી આવી હોત?’ પશ્ચિમમાં સ્વામીજીને કોઈક માણસે સાંભળેલા, તેણે નોંધ કરી છે કે માતા પવિત્ર છે; સ્વામીજીના મનમાં ભગવાનના પિતૃપણા કરતાં માતાપણું વધારે છે. થાઉઝન્ડ આઈલેન્ડ પાર્કમાં સ્વામીજીએ પોતાના શિષ્યોને કહેલું : દુન્યવી માતાની એકાદ ચિનગારીની પૂજા-અર્ચના પણ મહાનતા તરફ લઈ જાય છે. જો તમારે પ્રેમ અને શાણપણ જોઈતાં હોય તો તેની પૂજા-અર્ચના કરો. વિવેકાનંદ દિવ્ય પ્રેમનું મૂર્તિમાન સ્વરૂપ હતા. અને તેમણે પોતાના પ્રેમને પ્રકટ કરવા માટે માનવજાતિની બેનમૂન સેવા કરી.

બાળકોને સાંસ્કૃતિક તાલીમ આપવા માટે ભારતમાં માતાઓ તેની સંરક્ષકો છે. આથી દેશનું સમગ્ર ભવિષ્ય સંપૂર્ણ રીતે માતાઓના હાથમાં છે. સ્વામીજી કહેતા : ‘આપણે એ ન ભૂલવું જોઈએ કે આખા જગતમાં માણસનો પ્રયત્ન સામાન્ય રીતે પ્રેમ અને મૃદુતા અને સીધાપણાને વ્યક્ત કરવા માટે હોય છે અને રાષ્ટ્રીય રીતરિવાજો આ પ્રકારની અભિવ્યક્તિ માટે સૌથી નજીકના વાહકો છે. ઘરગથ્થુ સદ્‌ગુણોની બાબતમાં એમ કહેતા મારા મનમાં જરાય અવઢવ નથી કે આપણી ભારતીય રીતભાતના બીજા બધા કરતાં ઘણા ફાયદા છે.’ આ વિચારને નજર સમક્ષ રાખીને આપણે ભુવનેશ્વરી દેવીના મહાન અને ઉમદા પાત્રનો અભ્યાસ કરવાનો નમ્ર્ર પ્રયત્ન કરીશું.

– અનુવાદક – ચંદુભાઈ ઠકરાલ

સંદર્ભો :

  1. Christopher Dawson, Religion and Culture (Lon- don: Sheet and Ward) 1948, pp.49-50. 16
  2. C.W. III: 182
  3. C.W. III: 291
  4. Quotation from The Cultural Heritage of India, (Calcutta: Ramakrishna Mission Institute of Culture, 1958), Vol. I, p.xxiii
  5. A. L. Basham, The Wonder That Was India (Calcutta, Allahabad, Bambay and New Delhi, 1987), p. 489
  6. Manu Samhita, 2.145
  7. C.W. IX: 202
  8. Letters of Sister Nivedita, S.P. Basu, ed., (2nd Ed.), p. 221
  9. C.W. III: 472
  10. Ibid, III: 509.
Total Views: 18

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.