વિરાટ રાજાના દરબારમાંથી ગુપ્તવેશ છોડીને પ્રગટ થતાંની સાથે અર્જુને કૌરવો સાથેના યુદ્ધની તૈયારીઓ માંડી દીધી હતી. કૌરવો સાથે સમાધાનના સઘળા પ્રયત્નો વિફલ ગયા હતા. ‘અર્ધું રાજ્ય નહીં આપું, પાંચ ગામ નહીં આપું, એક ગામ તો શું, સોયની અણી જેટલી જમીન પણ પાંડવોને નહીં આપું’, કહી દુર્યોધનને સમાધાન આડે બંધ વાળી દીધો હતો અને યુદ્ધ સિવાય બીજો કોઈ માર્ગ પાંડવો પાસે રહ્યો ન હતો. કુરુક્ષેત્રની રણભૂમિમાં બંને સેનાઓ સજ્જ થઈને ગોઠવાઈ ગઈ હતી અને, બેઉ પક્ષોના સૈનિકો તીરકામઠાંઓ અને ગદાઓને રમાડી રહ્યા હતા.

શસ્ત્ર સજ્જ થઈ રથારૂઢ થયેલા અર્જુને પોતાના સારથીને આદેશ આપ્યો : ‘બેઉ સેનાઓની બરાબર વચ્ચે મારો રથ ખડો કરો.’ સારથી શ્રીકૃષ્ણે તેમ કર્યું. અને ત્યાં ગયા પછી, કોણ જાણે શા કારણ, અર્જુનનું પાણી ઊતરી ગયું. ‘આ બધા વડીલોને, ગુરુઓને અને કુટુંબીઓને મારીને રાજ્ય ભોગવવું તેના કરતાં ભીખ માગી પેટ ભરવું બહેતર છે’, એમ કહી, હાથમાંના ધનુષ્યનો ત્યાગ કરી, ઢીલોઢફ થઈ, નીચું મોઢું કરી એ બેસી ગયો. અર્જુનના રથના સારથી શ્રીકૃષ્ણ હતા અને એમના હાથમાં ચાબુક હતો જ. પણ, ઘોડાઓ માટેના એ ચાબુકને બદલે શ્રીકૃષ્ણે જોરદાર શબ્દરૂપી ચાબુક મારી અર્જુનને કહ્યું : ‘તને આ ઘટતું નથી.’ અર્જુનને શું ઘટતું નથી? ‘કાયરતા.’ શ્રીકૃષ્ણે તો ઘણો આકરો શબ્દ વાપર્યો છે : ‘ક્લૈબ્ય’ – બાયલાપણું . ગીતામાંનો શ્રીકૃષ્ણનો પહેલો બોલ એમણે અર્જુનને આપેલી આ ‘ગાળ’ છે. ‘આ બાયલાપણું તારામાં ક્યાંથી આવ્યું? તને એ ઘટતું નથી.’

આગળ કે બાજુમાં બેઠેલા પરીક્ષાર્થીની ઉત્તરવહીમાંથી એક – માત્ર એક જ – શબ્દ જોઈ પોતાની ઉત્તરવહીમાં લખનાર પાંચમા ધોરણનો કે એમ.એસ.સી.નો પરીક્ષાર્થી હોય, શાક વેચનાર પાસે ભીંડા જોખાવ્યા પછી બે-ત્રણ ભીંડા પોતાની થેલીમાં નાખનાર કોઈ પુરુષ કે સ્ત્રી હોય, બોકસાઈટની, કોલસાની કે બીજી કોઈ ધાતુની ખાણ બેકાયદે ખોદનાર હોય, ટી.એ.ડી.એ.ના ખોટા બીલ રજૂ કરનાર કોઈ સરકારી કર્મચારી હોય, આયાત-નિકાસમાં ગરબડ કરી સરકારને કરોડોનો ચૂનો ચોપડનાર આગેવાન ઉદ્યોગપતિ હોય, ચૂંટણી જીત્યા પછીના પાંચ વર્ષોના ગાળામાં કરોડપતિ બની જનાર વિધાનસભ્ય હોય : આ કે આવા કોઈને ‘તને આ ઘટતું નથી’ કહેનાર કોઈ મળતું નથી અને આપણા અંતરના અવાજને આપણે સાંભળતા નથી, સાંભળવા માંગતા નથી. એ અવાજને આપણે પૂરો ગુંગળાવી નાખીએ છીએ. આપણી પાસે અર્જુનની ધૃત્તિ નથી, અર્જુનનું વીર્ય નથી, એનું શૌર્ય નથી. પરિણામે આપણને કર્મયોગ બાંધતો નથી.

વિખ્યાત ગણિતશાસ્ત્રી પ્ર. યુ. વૈદ્યે કવિ ન્હાનાલાલની નીતિ-પ્રિયતાનો એક સુંદર દૃષ્ટાંત વર્ણવ્યો છે. કવિ પોતાનું આવકવેરાનું ફોર્મ ભરતા હતા ત્યાં કોઈ વ્યવહારદક્ષ સંબંધી આવી પડયા. કવિના આવકવેરાના ફોર્મ પર નજર જતાં એ દક્ષપુરુષ બોલ્યા: ‘તમે આ કોલમમાં જે ૫૦૦ રૂપિયા બતાવ્યા છે તે ના બતાવો તો ચાલે. એથી તમને ટેકસમાં ૫૦૦ રૂપિયાનો ફરક પડી જશે અને સરકારનું કશું નહીં જાય.’ ઉત્તર આપતાં કવિ બોલ્યા : ‘પણ આ ન્હાનાલાલનું જશે તેનું શું?’ અને એમણે કશો જ ફેરફાર કર્યા વિના એ ફોર્મ ભર્યું અને સરકારને વધારે આવકવેરો ભર્યો. કવિના અંતરાત્માએ કવિને કહ્યું હતું : ‘તને એ ઘટતું નથી.’

અંતરાત્માનો આ અવાજ ગાંધીજીને સ્પષ્ટ સંભળાતો એમ એમણે કહ્યું છે. શ્રીરામકૃષ્ણ પરમહંસને એવાં દર્શન થતાં અને મંદિરમાંનાં કાલીમાનો અવાજ પણ એમને સંભળાતો. એમના લાડકા શિષ્ય નરેન – સ્વામી વિવેકાનંદ-ની મહત્તા વિશે વાત કરતાં એમણે, પોતાની સન્મુખે બેઠેલા કેટલાક બ્રાહ્મભક્તોને, પોતાના ભક્તોને અને શિષ્યોને ખૂબ ચમકાવી દીધા હતા. બ્રાહ્મસમાજના સુવિખ્યાત નેતા કેશવચંદ્ર સેન કેટલાક બ્રાહ્મભક્તોની સાથે નાવમાં બેસી દક્ષિણેશ્વર શ્રીરામકૃષ્ણ પાસે ગયા હતા. થોડો સત્સંગ કરી, થોડાક બ્રાહ્મસમાજીઓ સાથે એ પોતાની નાવમાં બેસી પાછા જવા નીકળ્યા. એમની નાવ થોડું પણ પાણી કાપે એ પહેલાં, ત્યાં બેઠેલા પોતાની ભક્તમંડળીના સભ્યોને, શિષ્યોને અને બ્રાહ્મસમાજીઓને ખૂબ ચમકાવે એવા બોલ શ્રીરામકૃષ્ણ બોલ્યા : ‘કેશવમાં એક સૂર્યનું તેજ છે તો નરેનમાં અઢાર સૂર્યોનું તેજ છે.’ પોતાને પોરસ ચડાવે એવા આ શબ્દો હોવા છતાં નરેન્દ્રનાથ બરાડી ઊઠ્યા : ‘અરે! તમે તે આ કેવી વાત કરો છો! ક્યાં દેશપરદેશમાં વિખ્યાત, બ્રાહ્મસમાજના સુપ્રસિદ્ધ નેતા, સુપ્રસિદ્ધ લેખક અને વક્તા, અનેક સામયિકોના સંપાદક આ કેશવ અને ક્યાં ખણખણ નિશાળિયો એવો હું! આવું બોલો છો તો લોકો તમને પાગલ કહેશે.’

‘પણ આ ક્યાં હું બોલ્યો છું? શ્રીમાએ મને બોલાવ્યો છે તે પ્રમાણે હું બોલ્યો છું’, શ્રીરામકૃષ્ણે શાંતિથી પોતાના લાડકા નરેનને ઉત્તર આપ્યો. ઠાકુરના આ બોલ એ સમયે અઘટિત લાગ્યા હશે પરંતુ, એ બોલાયાને દાયકો પૂરો થાય તે પહેલાં, સને ૧૮૯૩ના સપ્ટેમ્બરની ૧૧મી તારીખે, અમેરિકાની ધરતી પર, શિકાગો નગરીના કોલંબસ હોલમાં પોતાના પહેલા ટૂંકા જ પ્રવચને નરેને, સ્વામી વિવેકાનંદે, આ શબ્દોને સાચા પાડી બતાવ્યા હતા. શિકાગોની એ વિશ્વધર્મ પરિષદમાં નામ નોંધાવવાની કશી જ વિધિ કર્યા વિના, કોઈ ધર્મસંપ્રદાયે એમને પોતાના પ્રતિનિધિ તરીકે મોકલ્યા ન હોવા છતાં અને એકવાર એ ધર્મપરિષદે એમને દરવાજો દર્શાવ્યા છતાં સ્વામી વિવેકાનંદને ગુરુકૃપાથી ત્યાં પ્રવેશ આપવામાં આવ્યો હતો અને, એમના એ પહેલા, ટૂંકા કશી જ તૈયારી વિનાના એ પ્રવચને દર્શાવી આપ્યું હતું કે એમની જીભે સરસ્વતીનો વાસ હતો. કશી નોંધણી વગર, કશી પૂર્વ તૈયારી વગર ગયેલા ત્રણ દાયકાની વયના એ યુવાન સંન્યાસીએ કશું જ અઘટિત કર્યું ન હતું. એટલે તો એ જગવિખ્યાત બની ગયા. ‘હું અઘટિત કરી રહ્યો છું.’ એવું ભૂત અર્જુનના મનમાં ક્યાંથી ભરાઈ ગયું હશે? અને શ્રીકૃષ્ણને મુખેથી એને પહેલો બોલ સાંભળવા મળે છે : ‘બાયલો.’ શ્રીકૃષ્ણના આ ચાબુક ઘાએ અર્જુનને એવો ફટકો માર્યો કે ગીતામાં પહેલા અધ્યાયમાં વકીલની અદાથી કરેલી પોતાની બધી દલીલોને એ ભૂલી ગયો અને, શિષ્યભાવે એ શ્રીકૃષ્ણને શરણે ગયો. અને શ્રીકૃષ્ણના બોધને પરિણામે ‘અઘટિત’ કાયરતાનું પ્રદર્શન કરવામાંથી બચી એ પોતાને માટે ‘ઘટિત’ એવું ક્ષાત્રકર્મ કરવા તૈયાર થઈ ગયો.

અર્જુન માટે શ્રીકૃષ્ણ રથના સારથી હતા. કઠ ઉપનિષદમાં જણાવ્યા પ્રમાણે આપણી બુદ્ધિ (વિવેકબુદ્ધિ)ને આપણા જીવનરથના સારથીને સ્થાને બેસાડી દઈએ પછી, આપણાથી કશું અઘટિત થવાનો સંભવ નથી. વિષમ પરિસ્થિતિમાં – આ શબ્દો પણ ગીતાના બીજા અધ્યાયની શ્રીકૃષ્ણની પહેલી જ ઉક્તિમાં આવે છે – પણ આપણે આપણો ‘ધર્મ’ છાંડીશું નહીં, જેનો શોક કરવા જેવું નથી તેનો શોક કરીશું નહીં, વકીલની માફક ખોટો બચાવ કરીશું નહીં કારણ, આપણા મનમાં દૃઢ ખાતરી છે કે, ફરજ બજાવવાની આ પળે કશી નિર્બળતાને સ્થાન નથી.

સ્વામી વિવેકાનંદના જીવનમાંથી આવો દૃષ્ટાંત સાંપડે છે. સને ૧૮૯૩માં, વિશ્વ ધર્મ પરિષદમાં ભાગ લેવા સ્વામીજી અમેરિકા ગયા હતા. ત્યાં એમને ઠપકાનો એક પત્ર મળ્યો. સ્વામીજીના પિતાના ૧૮૮૪માં થયેલાં અકાળ અને અચાનક મૃત્યુ પછી, ઘરમાં અસહ્ય ગરીબાઈનું રાજ પ્રવર્તતું હતું. એમના કેટલાક નિકટના કુટુંબીઓએ સ્વામીજીના મકાનમાં પણ ભાગ માગતો દાવો અદાલતમાં કર્યો હતો. ઘરની દશા આવી વિકટ હોવા છતાં, સ્વામીજીએ ગૃહત્યાગ કર્યો હતો અને સંન્યાસ લીધો હતો. વરાહનગર મઠમાંથી ફરતાં ફરતાં રાજસ્થાન થઈ સ્વામીજી ગુજરાતમાં આવ્યા હતા અને, જૂનાગઢ, પોરબંદર, ભુજ, લીંબડી વગેરે સ્થળોએ મળી એમણે ચાર છ મહિનાનો સમય ગુજરાતમાં ગાળ્યો હતો. જૂનાગઢના દીવાન હરિદાસ દેસાઈ હતા તેમની પ્રત્યે સ્વામીજીને પિતાતુલ્ય આદર હતો અને એ બે વચ્ચે સ્નેહનો અનન્ય સંબંધ બંધાયો હતો. એ દેસાઈજી ખૂબ કુશળ અને નિષ્ઠાવાન વહીવટદાર હતા અને તે સમયની અંગ્રેજ સરકારે દેસાઈજીને કેન્દ્ર સરકારનાં એ કમિશનોના સભ્યપદે નિયુક્ત કર્યા હતા.

આવા કોઈ કમિશનની સભામાં હાજરી આપવાથી ૧૮૯૪માં, દેસાઈ કોલકાતા ગયા હતા ત્યારે વૈભવી ઠાઠવાળા મકાનની અને એમાં વસતા સ્વામીજીના કુટુંબની કંગાલ હાલત જોઈ દેસાઈજીનું દિલ દ્રવી ગયું હશે. જૂનાગઢ પાછા આવી એમણે ત્યારે અમેરિકામાં વસતા સ્વામીજીને આછા ઠપકાવાળો પત્ર લખ્યો હતો.

શિકાગોમાંનાં શ્રીમતી હેય્‌લને સરનામેથી તા. ૧૯મી જાન્યુઆરી, ૧૮૯૪ના રોજ સ્વામીજીએ દીવાનજીના પત્રના ઉત્તરમાં લખ્યું છે કે :

‘… તો મારાં માતાને અને ભાંડરુંઓને મળવા આપ ગયા હતા આપે તેમ કર્યું તેથી હું રાજી થયો છું. પણ મારા હૈયામાંના કોમળમાં કોમળ સ્થળ પર આપે આંગળી મૂકી છે. હું પાષાણ હૈયાનો જંગલી નથી તે, દીવાનજી સાહેબ, આપે જાણવું જોઈએ. આખા જગતમાં કોઈ મનુષ્યને હું પ્રેમ કરતો હોઉં તો તે મારી મા છે. પરંતુ મારા સંસારના ત્યાગ કર્યા વિના, સમગ્ર જગતનો પથ અજવાળવા આપેલા મારા ગુરુ રામકૃષ્ણ પરમહંસનું જીવનકાર્ય ઉદયમાન થાત નહીં અને, આજના જમાનાનાં ભૌતિકતા અને મોજશોખ સાથે મોરચો માંડી ઊભેલા આ યુવાનો ક્યાં હોત?… આ કાર્યનું હજી તો મંગલાચરણ જ થયું છે. ઈશ્વરની કૃપાથી એમની પર પ્રભુની કૃપાથી સમગ્ર જગત એમની ઉપર આશીર્વાદ વરસાવશે…’ ત્રણ પૂરાં છાપેલાં પાનાંનો સ્વામીજીનો આ પત્ર, સ્વામીજીના ઘરની અને કુટુંબીઓની કરુણ દશાથી દ્રવિત થયેલા દીવાનજીના ‘તને આ ઘટતું નથી’, એ ફુગ્ગાની હવા કાઢી નાખે છે. (કમ્પ્લીટ વર્ક્સ ઓફ સ્વામી વિવેકાનંદ, વો. ૮, પૃ. ૨૯૭) શિકાગોની વિશ્વધર્મ પરિષદમાં ડંકો વગાડયા પછી ચાર મહિના અને આઠ દિવસ પછીનો આ પત્ર છે. એ પરિષદમાંના સ્વામીજીના કાર્યથી દીવાનજી સાહેબ પૂરા પરિચિત લાગતા નથી એમ જણાય છે. એ પરિષદે ૧૮૯૩ના જુલાઈમાં સ્વામીજીને જાકારો આપ્યો હતો. એ પરિસ્થિતિમાં પૂરું પરિવર્તન આવી ગયું હતું અને પોતાને પહેલે જ પ્રવચને સ્વામીજીએ પોતાના ગુરુના બોલને સાચા પાડી બતાવ્યા હતા અને, સ્વામીજીને એ પરિષદમાં પ્રવેશવાની ના પાડનારના ‘અઘટિત’ કૃત્યને ખોટું પાડી બતાવ્યું હતું.

અર્જુન માટે પોતાના પિતરાઈઓ, વડીલો, ગુરુઓ, સ્વજનો સાથે લડવા માટે હથિયાર ધારણ ન કરવાં એ ‘અઘટિત’ હતું તો, અંગ્રેજો સામે લડવા માટે હથિયાર લેવાં એ કૃત્યને ગાંધીજી ‘અઘટિત’ ગણાતા હતા. અર્જુને હથિયાર હેઠાં મૂક્યાં એમાં ‘ક્લૈબ્ય’ હતું તો ગાંધીજીને હથિયાર ધારણ કરવામાં ‘ક્લૈબ્ય’ લાગતું હતું. અર્જુન મારીને વિજયી થયો હતો. ગાંધીજી મટીને વિજયી થયા હતા. ‘અઘટિત’ કૃત્ય નથી, કૃત્ય પ્રત્યે જોવાની દૃષ્ટિ છે.

Total Views: 32

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.