આજથી ૭૦-૮૦ વર્ષ પહેલાં રાજસ્થાનના શેખાવટી વિસ્તારમાં બલજી-ભૂરજી ડાકુઓનું જબરું જોર હતું. લોકો એનું નામ સાંભળીને ધ્રૂજી ઊઠતા. હથિયારોથી સજ્જ સો-દોઢસો જાનૈયાની એક ટુકડીએ બલજી-ભૂરજીના પાંચ-છ સાથીઓ સામે પોતાનો માલ-સામાન, ધન વગેરે ધરી દેવાં પડ્યાં હતાં. ગમે તેમ હોય પણ એનો એક નિયમ હતો – એમણે ક્યારેય બ્રાહ્મણ, હરિજન, ગામની બહેનો કે દીકરીઓને તેમજ દુ:ખીદરિદ્રને સતાવ્યાં ન હતાં. આ બધાં પ્રત્યે  એનો એટલો સદ્ભાવ હતો કે કેટલાય પ્રસંગે પોતાના જીવને જોખમમાં મૂકીને કે પકડાઈ જવાનું જોખમ ખેડીને ગરીબ બ્રાહ્મણોની કન્યાનાં લગ્નમાં મામેરું દેવા આવી જતા.

થોડાં વર્ષો પછી એના નામનો ગેરલાભ ઉઠાવીને નાનિયા નામનો એક રુંગો (રાજસ્થાની નીચી જાતિ) પોતાની જાતને બલજી-ભૂરજી બતાવીને કેટલાય નિર્દોષ લોકોને સતાવવા લાગ્યો. આ વાતની જાણ બલજી-ભૂરજીને થઈ. આ વાતને એમણે ગંભીરતાથી ન લીધી.

આ દરમિયાન એક ઘટના બની. બીસાઉ નામનો એક કસબો શેખાવટીના ઉત્તરના ખૂણામાં છે. અહીં શેઠ ખેતસીદાસ પોદાર રહેતા. તેઓ અત્યંત સરળ અને ધર્મનિષ્ઠ માનવ હતા. એમનાં દાનપુણ્યની ચર્ચા આજુબાજુના વિસ્તારોમાં થતી રહેતી. લોકો એમનું નામ આદર અને પ્રેમ સાથે લેતા. જરૂરતવાળા લોકોને ગુપ્ત રૂપે મદદ કરતા. નામ કે કીર્તિની એમને પડી ન હતી.

એક દિવસ શેઠ ખેતસીદાસ પોતાના ચિલિયા નામના ઊંટ પર સવાર થઈને નજીકના ગામમાં સગા-વહાલાને મળવા જતા હતા. એમના ઊંટની વાતો આસપાસનાં ગામડાંમાં અને કસબામાં થતી રહેતી. એના પર સવારી કરવી આરામદાયક હતી. વળી એની ચાલ પણ ચિલ – સમડી જેટલી જ તેજ! એટલે જ એનું નામ ચિલિયા પડ્યું હતું. સામાન્ય રીતે પોતાની યાત્રા સમયે શેઠજી સાથે એકાદ-બે ઊંટ કે ઘોડા અને બે-ચાર સરદાર પણ રહેતા. આજે સંજોગવશાત્ તેઓ એકલા જ હતા.

પોષ મહિનાની સંધ્યા હતી. ઠંડી પડવા લાગી હતી. અંધારું થતું જતું હતું. શેઠજીએ જોયું તો થોડે દૂર રસ્તાના કિનારે એક અર્ધનગ્ન વૃદ્ધ એને ઊભા રહેવાનો ઈશારો કરતો હતો. ઝડપથી ઊંટને હાંકીને તેઓ એની પાસે પહોંચ્યા. એમને પૂછતાં જાણવા મળ્યું કે એને પણ શેઠજી જ્યાં જાય છે એ જ ગામે જવાનું છે. પગ મરડાઈ ગયો છે, એટલે લાચારીથી અહીં બેસવું પડ્યું. જવું જરૂરી છે. શેઠજી જો સાથે લઈ જાય તો એમની મહેરબાની.

શેઠજીએ ઊંટને ઝૂકાવ્યું. હાથના સહારાથી વૃદ્ધને પોતાની પાછળ બેસાડી દીધો અને ઊંટને આગળ ચલાવ્યો. થોડીવારમાં જ શેઠજીને પાછળથી જોરથી એક ઝટકો લાગ્યો. તેઓ તો ઊંટ પરથી નીચે પડી ગયા. આમ દોડતા ઊંટ પરથી પડવાને લીધે તમ્મર આવી ગયા પણ થોડીવારમાં બધું સંભાળી લીધું. એમના પગના ઘૂંટણનું હાડકું તૂટી ગયું, એને લીધે પીડા વધવા લાગી.

ઊંટ પણ સ્વામીભક્ત અને સમજદાર હતો. એને ઘણી મારપીટ સહન કરવી પડી અને આમતેમ ખેંચવામાં આવ્યો. પણ એણે એક ડગલુંયે આગળ ન માંડ્યું. તે અડગ થઈ ગયો અને મોટે અવાજે ગાંગરવા લાગ્યો. શેઠજીએ જોયું તો ઊંટના સવારની સફેદ દાઢી મૂંછ દૂર થઈ ગઈ હતી. એનો ચહેરો ઘણો ભયાનક લાગતો હતો. અસહ્ય પીડાથી વ્યાકુળ થયા. પરિસ્થિતિને સમજવામાં એને વાર ન લાગી. એમણે સવારને કહ્યું: ‘ભાઈ, તમારી ઓળખાણ આપશો?’ ડાકુએ મૂછ પર હાથ ફેરવતા કહ્યું: ‘હું બલજીનો માણસ છું. કેટલાય દિવસોથી એની નજર આ ઊંટ પર હતી. પણ મોકો મળતો ન હતો. હવે તમે આ ઊંટને ઈશારો કરીને મારી સાથે આવે એવું કરો. નહિ તો મારે આ દુનિયામાંથી તમને ઉપાડી લેવા પડશે.’

શેઠજીએ આ સાંભળીને ઊંડો આઘાત અનુભવ્યો. એમણે બલજી-ભૂરજીનાં આવાં છળકપટની કલ્પનાયે કરી ન હતી. પેલાની વાતમાં એને વિશ્વાસ આવતો ન હતો. એટલે શેઠજીએ કહ્યું: ‘ભાઈ, બલજી-ભૂરજી ડાકુ તો છે જ. પણ આવી કપટબાજી એમણે કરી છે, એવું મેં આજ સુધી સાંભળ્યું નથી. મને આ વાતમાં કંઈક શંકા લાગે છે. ભલે ભાઈ, તમે ગમે તે હો પણ તમને જીણ માતાના સમ છે કે આજની આ ઘટનાની વાત કોઈનેય ન કરતા. તમે ઇચ્છતા હો તો આ ઊંટ સાથે બસ્સો રૂપિયા પણ વધારાના દઈશ.’ પેલો ડાકુ તો જોઈ જ રહ્યો કે એને આજે કોઈ અજબના આદમી સાથે પનારો પડ્યો છે. ઊંટ તો જવાનો જ છે અને એમાં વળી ઉપરથી રૂપિયા દેવા પણ તૈયાર! આ ઘટના વિશે કોઈને કંઈ ન કહેવાની શરત રાખે છે, એ પણ નવાઈ વાત.

થોડું ન સમજાતાં એણે શેઠજીને આવી શરત કેમ રાખી એ સમજાવવા કહ્યું. શેઠજીએ કહ્યું: ‘ભાઈ, મને ડર એ છે કે આવી ઘટનાની વાત જો ચારેબાજુ ફેલાઈ જાય તો ભવિષ્યમાં લોકો અજાણ્યા વૃદ્ધ અને અસહાય મુસાફરોની મદદ કરતાં ડરશે. એમ કરવામાં એને દગો-ફટકો દેખાશે. માનવજાતિ પરનો વિશ્વાસ ઊડી જશે. ભાઈ, તેં નકામું આ બધું કર્યું. તને જો ઊંટ આટલો ગમતો હતો તો મારી પાસેથી એમને એમ માગી લેવો તોને!’

આ વાત સાંભળીને ડાકુએ શેઠજીને ઊંટને ચલાવવા ઈશારો કરવા કહ્યું. શેઠજીએ ઊંટને ઈશારો કર્યો અને ઊંટ તો મંડ્યો ચાલવા. પેલો ડાકુ શેઠજીને એવી જ ઘાયલ હાલતમાં વેરાન જંગલમાં છોડીને ચાલ્યો ગયો. બીજે દિવસે શેઠજીને શોધતાં શોધતાં લોકો એ જગ્યાએ આવી પહોંચ્યા અને પછી એને ઘરે લઈ ગયા. શું થયું, ઊંટ કેમ ગયો, વગેરે વાતોની ચર્ચા એમણે ટાળી.

સાચી વાત છુપાવવાથી છુપાતી નથી. બલજી-ભૂરજીને શેઠનો ઊંટ ગુમ થઈ ગયો એની ખબર પડી ગઈ. એને એ પણ ખબર પડી કે નાનિયા રુંગાની પાસે એ ઊંટ છે. આખી વાત તેઓ સમજી ગયા.

થોડા દિવસો પછી શેઠજીએ પોતાનું ઊંટ એની મૂળ જગ્યાએ જ બંધાયેલું જોયું. એના ગળામાં એક ચીઠ્ઠી બાંધી હતી. એમાં લખ્યું હતું: ‘શેઠ ખેતસીદાસજીને બલજી-ભૂરજીની ભેટ. તેઓ ડાકુ છે પણ દગાબાજ નથી.

આ ઘટનાના બીજે દિવસે નાનિયા રુંગાની લાશ ઝૂંઝનૂ પાસેના એક પર્વતની તળેટીમાં જોવા મળી.

Total Views: 20

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.