રાજસ્થાનના એક ગામમાં એક સુખી ખેડૂત પરિવાર રહેતો હતો. પતિ, પત્ની અને એક પુત્ર – ત્રણ જણ અને પચાસ વીઘા જમીન અને એમાંય વર્ષમાં બે પાકવાળી ખેતી. રહેવા માટે નાનું એવું મકાન. મહેનત કરીને નિભાવ પૂરતું ઉપજાવી લેતા. થોડું ઘણું બચે તો આડોશ-પાડોશ, અતિથિ અને સાધુસંતોની સેવાના કામમાં આપી દેતાં.

એક દિવસ શહેરમાંથી એક સગા આવીને ખેડૂતને ઘરે રોકાયા. એમનાં બાળકોએ જરીવાળાં કપડાં અને પત્નીએ અનેક દાગીનાં પહેર્યાં હતાં. ખેડૂતની પત્નીએ જમીને પેલી અતિથિ સ્ત્રીને સંપત્તિનું રહસ્ય પૂછ્યું. અતિથિ સ્ત્રીએ આ ઘરેણા સોનાનાં છે અને એમાં સાચા હીરા જડ્યા છે, એવી વાત કરી. સાથે ને સાથે એ પણ કહ્યું કે સમાજમાં મોટા લોકો માટે આવાં ઘરેણાં અને કપડાં હોવાં એ શોભા અને મોભો છે.

બે-ત્રણ દિવસ રહીને પેલા મહેમાન તો ચાલ્યા ગયા. આ બાજુ ખેડૂતની પત્નીના મનમાં પણ એક તીવ્ર લાલસા છોડી ગયા. રાત દિવસ એને એ ઘરેણાનો જ વિચાર આવ્યા કરતો. સૂતી વખતે પણ સપનામાં હીરા-જડેલ ઘરેણાં નજરે ચડતાં. છોકરો પણ જરીવાળાં કપડાં માટે તલસતો રહેતો. પત્નીએ પોતાની અને પુત્રની ઇચ્છાની વાત પતિને વારંવાર કહી. ખેડૂત એક દિવસ પોતાના ગામના જમીનદાર પાસે ગયો અને ઉધાર રાખીને પચાસ વીઘા જમીન ખરીદી લીધી. બંનેએ સખત મહેનત કરવાની શરૂ કરી દીધી. સંજોગવશાત્ વરસાદ પણ સમયે જ વરસ્યો. બે ત્રણ વર્ષમાં જમીનની કીમત ચૂકવાઈ ગઈ. વળી એણે ૧૦૦ વીઘા જમીન વધારે ખરીદી લીધી. આમ કુલ મળીને ૨૦૦ વીઘા જમીન થઈ ગઈ. સાધન-સંપન્ન ખેડૂતોમાં એની ગણતરી થવા લાગી. એક સમયનો આ ‘પરસો’ હવે ‘પરસરામજી’ બની ગયા. પોતાના રહેઠાણનાં મોટાં મકાનોમાં ચાર જોડી બળદ, એક રથ અને બે ઊંટ આવી ગયાં. પરસરામજીના ઘરમાં તો ઠઠારો થઈ ગયો. પત્નીની પાસે સોનાના અનેક જડાઉ ઘરેણાં પણ આવી ગયાં. છોકરો પણ મોટો થઈને નિશાળે જવા માંડ્યો. ઘરમાં ઘણા નોકર-ચાકર પણ હતા. આમ, દોમદોમ સાહ્યબીમાં આ કુટુંબ જીવવા લાગ્યું.

ખેતીવાડી ઉપરાંત તે નાણાંનો ધીરધાર પણ કરવા લાગ્યો. એનાથી એની આવક પણ વધી અને શાખેય વધી. આટલું બધું મેળવ્યું છતાંય પરસરામજીનું ચિત્ત ક્યાંય નિરાંત કે શાંતિ અનુભવતું ન હતું. પડખેના ગામના જમીનદારની પાસે એનાથી વધારે જમીન હતી. તે મનમાં વિચારતો કે એને દરવાજે હાથી પણ ઝૂલે છે અને મારે ઘેર તો ઊંટ છે. હવે એના મનમાં ધૂન સવાર થઈ ગઈ; ગમે તેમ કરીને પણ એ જમીનદાર કરતાં પણ વધુ સમૃદ્ધિ ક્યારે મેળવી શકું! સંજોગવશાત્ સમાચાર સાંભળ્યા કે બિકાનેરના ગંગાનગર ઈલાકામાં નહેર નીકળવાની છે અને ઘણા ઓછા ભાવે જમીન મળે છે, ભવિષ્યમાં આ જમીન સોનાની લગડી બની જશે, આ વાત એના મનમાં બરાબર ઠસી ગઈ. પત્ની અને પુત્રને ગંગાનગરમાં જમીન લેવાનો પોતાનો વિચાર બતાવ્યો. એમણે કહ્યું: ‘સાંભળ્યું છે કે ત્યાં વસતી નથી. વેરાન જગ્યા છે. દીપડા, વરુ ફરતાં રહે છે. ભગવાને આપણને બધું જ દીધું છે. આ ઢળતી ઉંમરે આવું જોખમ ખેડવાની શી જરૂર છે?’

પરંતુ આ તો પરસરામ, એને તો વધારે ને વધારે જમીન મેળવવાની અને ધનસંપત્તિ ભેગી કરવાની લાલસા લાગી ગઈ. સખત પરિશ્રમ કરવામાં એણે પોતાના જીવનમાં ક્યારેય પાછું વાળીને જોયું ન હતું અને એનું ફળ પણ એને મળ્યું હતું. એટલે વધુ મેળવવાના પોતાના નિશ્ચયમાં આ વખતે તે અટલ રહ્યો.

પોતાની સાથે જરૂરી રકમ લઈને ગંગાનગર જવા રવાના થઈ ગયો. કેટલાક દિવસની મુસાફરી પછી તે ત્યાં પહોંચ્યો. ખૂબ થાકી ગયો અને થોડો ઘણો તાવ પણ આવ્યો હતો. પછીના દિવસે અધિકારીઓને મળ્યો. ત્યાં જઈને જાણ્યું કે જમીનની કીમત તો પ્રમાણમાં સસ્તી છે. નહેરને કિનારે અને આજુબાજુના વિસ્તારમાં જેટલી છે એટલી જમીન ખરીદી શકાય છે પણ નહેરને નીકળતાં ત્રણ વર્ષ થઈ જશે. એ દરમિયાન ખેડ તો શરૂ કરી દેવી પડશે. અને દસ વર્ષ સુધી એ જમીન બીજા કોઈને વેચી નહિ શકે.

પરસરામને ખેતીવાડીની જમીનની પૂરેપૂરી જાણકારી હતી. પોતાનો જાત અનુભવ પણ હતો. નહેર આવે એટલે આ જમીનની કીમત ક્યાંથી ક્યાં જાય, એ તે બરાબર જાણતો હતો. પંજાબના ઘણા સમૃદ્ધ ખેડૂતો એટલે જ આવ્યા હતા. એણે મનમાં વિચાર્યું કે વધારેમાં વધારે જમીન ખરીદી લેવી, નહિ તો હાથમાંથી મોકો ચાલ્યો જશે.

એ દિવસોમાં બસ, મોટર કે ગાડાની વ્યવસ્થા ન હતી. માંદો હતો છતાં તે પગપાળા ચાલી નીકળ્યો અને સારામાં સારી જમીનના પરીક્ષણ માટે દૂર દૂર સુધી ચાલીને જવું પડ્યું.

ખૂબ ચાલવાથી અને એમાંય પગે ચાલવાથી શરીરમાં તૂટ ઊપડી. તાવેય જોરથી આવવા લાગ્યો. આમ છતાં પણ પાછા ફરવાનો વિચાર આવતો ત્યારે વધુ ને વધુ સારી જમીન નજરે ચડતી. માંદગીની પરવા કર્યા વિના એને તો જમીન જ જોયે રાખી. જ્યારે ઊતારાના સ્થળે પહોંચ્યો ત્યારે એની તબિયત ખૂબ બગડી ગઈ.

સમાચાર મળ્યા એટલે ચાર-પાંચ દિવસ પછી એનાં પત્ની અને પુત્ર પણ પોતાના ગામથી અહીં આવી પહોંચ્યા. તાવ અને અશક્તિને કારણે પરસરામને સનેપાત ઉપડ્યો. તે બડબડતો હતો: ‘જમીન ઘણી છે. ઘણી ઉપજ થશે. અનાજને બદલે સરસવ અને કપાસ ઉગાડશું અને મબલખ પૈસા રળીશું. ધનવાનોમાંય ધનવાન થઈ જઈશું.’ થોડો ઘણો ઉપચાર સંભવ હતો એટલો થયો. વૈદ ડોક્ટરોએ બધું કર્યું પણ એને બચાવી ન શક્યા. ત્યાંના લોકોએ પરસરામના પુત્રના હાથે એમનાં અગ્નિસંસ્કાર કરાવ્યા એ વખતે પાંચ હાથ જમીન જ એને મળી!

Total Views: 39

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.