અત્યારે હનુમાનના ચરિત્રને તમારે આદર્શ બનાવવાનો  છે જુઓ, રામચંદ્રની આજ્ઞાથી તેમણે સાગરને ઓળંગ્યો હતો; તેમને જીવન કે મરણની પરવા ન હતી! તેઓ પૂરેપૂરા ઇન્દ્રિયનિગ્રહી અને અદ્‌ભુત બુદ્ધિ ધરાવતા હતા. અંગત સેવાના આ મહાન આદર્શ  અનુસાર તમારે તમારું જીવન ઘડવું જોઈશે. તે દ્વારા બીજા બધા આદર્શો ધીરે ધીરે જીવનમાં ઊતરી આવશે. સામો પ્રશ્ન કર્યા સિવાય ગુરુની આજ્ઞાનું પાલન અને સંપૂર્ણ બ્રહ્મચર્યસેવન, એ સફળતાનું રહસ્ય છે. હનુમાન એક બાજુએ જેમ સેવાના આદર્શના પ્રતિનિધિ છે, તેમ બીજી બાજુએ આખી દુનિયા પર ધાક બેસાડી દે તેવી સિંહ સમાન હિંમતના પણ પ્રતિનિધિ છે. રામચંંદ્રના હિત અર્થે પોતાની જિંદગીનો ભોગ આપી દેતાં તેમના મનમાં જરાય આંચકો લાગ્યો ન હતો. સેવા સિવાય બીજી બધી બાબતો તરફ-વિશ્વના મહાન દેવો બ્રહ્મા અને શિવના પદની પ્રાપ્તિ પ્રત્યે પણ-તેઓ અત્યંત બેપરવા રહ્યા 

છે! તેમના જીવનનું એકમાત્ર વ્રત છે રામની આજ્ઞાનું પાલન! આવી ખરા હૃદયની ભક્તિ જોઈએ. કેવળ મૃદંગ અને કરતાલ બજાવીને અને કીર્તનોની ધૂનમાં નાચીનાચીને સમસ્ત પ્રજા અધોગતિએ પહોંચી ગઈ છે. એક તો (બંગાળીઓ) તેઓ અર્જીણથી પીડાતા લોકો છે જ; એમાં વળી આ રીતે નાચેકૂદે, પછી તેઓ શ્રમ શી રીતે સહન કરી શકે? જેનું પ્રથમ લક્ષણ પવિત્રતા છે તે શ્રેષ્ઠ સાધનાનું અનુકરણ કરવાના પ્રયાસમાં તેઓ નર્યા તમોગુણથી ભરપૂર થઈ ગયા છે. ગમે તે જિલ્લામાં કે ગામમાં તમે જાઓ, કેવળ મૃદંગ અને કરતાલના જ અવાજ સાંભળશો! આ દેશમાં ઢોલ નથી બનતાં? શું રણશિંગા અને નગારાં ભારતમાં નથી મળતાં? યુવાનોને અને કિશોરોને આ વાજિંત્રોના ઘોર અવાજો સંભળાવો. બચપણથી આવા કોમળ સંગીતનાં નિર્માલ્ય અવાજો અને કીર્તનો સાંભળી આ દેશ લગભગ સ્ત્રીઓના દેશ જેવો થઈ ગયો છે; આનાથી વિશેષ વળી કોઈ અધોગતિની તમે આશા રાખો છો? કવિની કલ્પના પણ આ ચિત્ર આલેખવામાં નિષ્ફળ જાય છે! ડમરુ અને રણશિંગાં બજાવવાં જોઈએ; ઘોર વીરતાભર્યા સ્વરો માટે નગારાં વગાડવાં જોઈએ અને મોં વાટે ‘‘મહાવીર, મહાવીર!’’ એ શબ્દો તથા ‘‘હર હર! બોમ, બોમ!’’ એવા પોકારોથી દિશાઓ ગજવી મૂકવી જોઈએ. જે સંગીત મનુષ્યની કુમળી લાગણીઓને જ જગાડે છે, તેને હમણાં થોડા સમય માટે બંધ કરી દેવું જોઈએ. ખ્યાલ અને ટપ્પા જેવા કોમળ સ્વરોનો અવાજ અટકાવીને લોકોને ધ્રુપદના સ્વરો સાંભળવાની ટેવ પડાવવી જોઈએ. ભવ્ય વૈદિક ઋચાઓની મેઘગર્જનાથી આ દેશમાં ચેતન પાછું લાવવાનું છે. દેરક બાબતમાં વીરતાભર્યા પૌરુષનો કઠોર ભાવ જગાડવાનો છે. આવા આદર્શને અનુસરવામાં જ લોકોનું અને દેશનું કલ્યાણ સમાયેલું છે. જો તમે આવા આદર્શ પ્રમાણે તમારું ચારિત્ર્ય ઘડી શકો તો હજારો લોકો તમને અનુસરશે. પણ આદર્શમાંથી એક આંગળ પણ ખસો નહિ તેની સંભાળ રાખજો. કદી નાહિંમત ન થશો. ખાનપાનમાં, પોશાકમાં, સૂવાબેસવામાં, ગાવામાં કે રમતગમતમાં, ભોગવિલાસમાં કે માંદગીમાં, સર્વદા ઊંચામાં  ઊંચી નૈતિક હિંમત દાખવજો. ત્યારે તમારા પર મહાશક્તિ જગદંબાની કૃપા ઊતરશે.

(‘સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા-સંચયન, પૃ.૩૪૫-૪૬)

Total Views: 69

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.