દરેકેદરેક ગામ કે કસબામાં ક્યારેક ક્યારેક એવા માનવીઓ આવે છે કે જેમને લોકો લાંબા સમય સુધી યાદ કરે છે. એમની એક અમીટ છાપ જનમાનસ પર અંકિત થઈ જાય છે. આવા લોકો કેવળ ધનવાન અને વિદ્વાન કુટુંબોમાં જન્મે છે, એવું નથી.

બિકાનેરની ઉત્તરમાં પુગલ નામનો એક ઈલાકો છે. એમ કહેવાય છે કે કોઈ એક કાળે અહીં પદ્મિની સ્ત્રીઓ જન્મતી. એ ગમે તેમ હોય પણ અત્યારે તો આ વેરાન, રેતાળ અને વણઉપજાઉ ભૂમિ છે.  પીવાના પાણીની પણ અછત રહે છે. પરિણામે ગામડાં પણ નાનાં અને દૂર દૂર વસેલાં છે. અહીંના નિવાસીઓ ઘેટા ઉછેરનું કામ કરે છે. થોડાં ઘણાં બ્રાહ્મણ-વાણિયાનાં કુટુંબો છે. બ્રાહ્મણો યજમાનવૃત્તિ કરે છે અને વાણિયા લેતીદેતી કે નાની મોટી દુકાનો ચલાવે છે.

આ ઉપરાંત અહીં મુસલમાન ગુર્જરોની ઘણી મોટી સંખ્યા છે. એમની પાસે ઉત્તમ ઓલાદની ગાયો હતી. તેઓ એનું દૂધ-ઘી વેંચીને કુટુંબનો નિર્વાહ કરતા. ‘સેવા કરો તો મેવા મળે’ એવી કહેવત છે. એટલે જ એ લોકો ગાયોની સેવા કરતા, માવજત રાખતા અને એમની ગાયો એમને વધુ દૂધ આપતી અને સારી ઓલાદનાં વાછડા-વાછડી પણ આપતી.

૧૯૫૧માં અહીં ભયંકર દુષ્કાળ પડ્યો. કૂવાનાં પાણી સૂકાઈ ગયાં. ઘરમાં જે થોડોઘણો ઘાસચારો હતો એનાથી એ વર્ષ તો જેમ તેમ પસાર થયું અને ઢોર બચી ગયાં. બીજે વર્ષે પણ વરસાદ ન વરસ્યો. દુષ્કાળ એવો વસમો પડ્યો કે લોકો હિંમત હારી ગયા. કોલકાતાની મારવાડી રિલિફ સોસાયટીએ બે વર્ષ ત્યાં રાહત પહોંચાડવાનું કાર્ય કર્યું છે. હું પણ બીજે વર્ષે થોડો સમય એ રાહતકાર્ય કરવા ત્યાં રહ્યો.

અમે જોતા કે દરરોજ હજારો સ્ત્રીપુરુષ અને બાળબચ્ચાં પોતાનાં ઢોર માટે કોટા, બાંરા અને માળવા તરફ પગે ચાલીને જતાં. ચાર પાંચ મહિના પછી પાછા ફરવાની સંભાવના રહેતી. ઘરનો બધો સામાન બળદ પર રાખી દેતા. ઘર છોડતી વખતે દુ:ખ અને શોકની છાયા એમના ચહેરા પર સ્પષ્ટપણે દેખાતી. રસ્તો કાપવા સ્ત્રીઓ ભજન ગાતી. બાળકોને આ દુ:ખકષ્ટ વિશે બહુ અનુભવવું ન પડતું. એટલે એમને તો રસ્તામાં એક નવું નવું વાતાવરણ મળતું અને આનંદપ્રમોદ કરતાં રહેતાં. લોકોને પૂછીએ તો લગભગ એક જ જવાબ મળતો – પાણી, અનાજ, ઘાસચારો મળતો નથી. કાંતો અમે ખાઈએ અને કાં આ ઢોરને ખવડાવીએ.

અમે પુગલ ગામના સીમાડે પહોંચ્યા, ત્યાં ગાય-બળદનાં ઘણાં કંકાલ તથા મડદાં જોવા મળ્યાં. પૂછતાં પૂછતાં ખબર પડી કે ઘરનાં ગાયબળદને એમના માલિક જંગલમાં જ છોડીને ચાલ્યા ગયા. અહીં ભૂખ, તરસ અને ગરમીને કારણે એ બધાં મરી ગયાં. કેટલીકવાર તો ભૂખે તરફડિયા મારતી ગાયો પણ જોવા મળી. એમને માટે યથાશક્તિ ઘાસપાણીની વ્યવસ્થા કરવામાં આવી. સમસ્યા એટલી બધી મોટી અને ગંભીર હતી કે આવી વ્યવસ્થા નાના પાયે જ થઈ શકી. પછી એ પણ જાણવા મળ્યું કે સારી સ્થિતિના બંને જાતિના લોકોએ પાણી અને ઘાસચારાની તંગીને લીધે નકામાં ગાયબળદને મરવા માટે જંગલમાં છોડી દીધાં. મોટા ભાગનાં ઘરોની આવી હાલત હતી. એટલે અરસપરસની નિંદા કરવી કે પ્રશંસા કરવી એ વાત રહેતી જ નથી.

અહીંના કોઈ એક ગામમાં હું એક દિવસ બપોરે પહોંચ્યો. ધરતી સૂર્યના તાપથી જાણે કે સળગતી હતી,  આગના તીખારા જેવી તપતી રેતીની આંધી ઊડતી હતી. તળાવો અને કૂવામાં પાણી તો ક્યારનુંયે સૂકાઈ ગયું હતું. લોકો દસ પંદર માઈલના અંતરેથી પાણી લાવીને પોતાની તરસ છીપાવતા હતા. મોટા ભાગના લોકો તો ગામડું કે પ્રદેશ છોડીને ચાલ્યા ગયા હતા. થોડા ઘણા બ્રાહ્મણ-વાણિયાનાં કુટુંબો બચ્યાં હતાં. અહીં મેં હમીદ ખાઁ ભાટી વિશે સાંભળ્યું. હું એમને ઘરે જઈને મળ્યો.

ઘર તો કાચું, માટીનું હતું. હતું સ્વચ્છ, સુઘડ અને છાણથી લીપેલું. હમીદ ખાઁની ઉંમર ૬૫-૭૦ની આશરે હશે. શરીર જોઈને ખ્યાલ આવી ગયો કે યુવાનીમાં ઠીક ઠીક પ્રમાણમાં બળવાન હશે. હવે તો હાડકાં દેખાતાં હતાં અને મુખ પર ગહન ઉદાસીનતાની છાયા જોવા મળતી હતી. દુવા અને સલામ કર્યા પછી મેં પૂછ્યું: ‘ખાઁ સાહેબ, આ ગામના લગભગ બધા લોકો ચાલ્યા ગયા. તો પછી આપ અહીં આ દશામાં કેમ એકલા જ રહો છો?’

સારા એવા સમય સુધી તેઓ મારી તરફ ફાટ્યે ડોળે જોતા રહ્યા અને પછી વાત શરૂ કરી: ‘અલ્લાહ માલિક છે. એમનો જ ભરોસો છે. ક્યારેક ને ક્યારેક તો વરસાદ થશે જ ને! દીકરા-વહુઓ બાળબચ્ચાં, ગાય, બળદ, ઊંટ જેવું અમારું જીવનધન – આ બધાંને લઈને એક મહિના પહેલાં જ માળવા ચાલ્યાં ગયાં. મને પણ સાથે આવવા ખૂબ તાણ કરતાં હતાં. પણ સાહેબ, તમે જ કહો ને, ધોળી અને ભૂરી બંનેને છોડીને હું કેવી રીતે નીકળી પડું! એ બંનેથી એક કોશ પણ ચાલી શકાય તેમ નથી.’ ધોળી અને ભૂરી એની ઘરડી ગાયો હતી. એમાંથી એક લંગડી હતી અને બીજી માંદી હતી.

હમીદ ખાઁએ આગળ વાત કરતાં કહ્યું: ‘આજે આ બંનેની હાલત આવી થઈ ગઈ છે. એ બંનેએ કોણ જાણે કેટલાંય નાર અને જંગલી શિયાળીયાંનો સામનો કર્યો છે! આસપાસના ગામની કોઈ ગાયમાં એના જેટલું દૂધેય ન હતું. ત્રણ-ચાર શેર તો વાછરડાં જ પી જતાં. દસ-બાર શેર અમારા માટે બચી જતું. આ બંને તો અમારા ઘરની દીકરીઓ છે. જ્યારે મારા નાના દીકરા ફત્તેનો જન્મ થયો હતો, લગભગ ત્યારે જ આ બે જન્મી હતી. ૨૦ વર્ષ સુધી અમે લોકો એનું દૂધ પીતા રહ્યા. હવે આપ જ કહો કે આ ઘરડે-ઘડપણ એમને ક્યાં કાઢી મૂકું? અરે સાહેબ, કોઈ પોતાની બહેન-દીકરીને ઘરમાંથી થોડા કાઢી મૂકે!’

વાતો કરતાં કરતાં એમનો અવાજ રડમસ થઈ ગયો. જોયું તો એમની ધૂંધળી આંખોમાંથી ટપટપ આંસુ પડતાં હતાં. વાતો તો એ હજી પણ કરવા ઇચ્છતા હતા પણ એટલામાં ધોળી અને ભૂરી ભાંભરી રહી હતી એનો અવાજ સાંભળ્યો. કદાચ એ ભૂખી-તરસી હશે. હમીદ ખાઁ ઊઠીને બહાર નીકળ્યા.

ગામના મુખિયા પંડિત બંસીધરની સાથે આઠ દસ જણ રાતે મળવા આવ્યા. એમના જણાવ્યા પ્રમાણે ૫૦-૬૦ વર્ષમાં આવો ભયંકર દુષ્કાળ પડ્યો ન હતો. મેં હમીદ ખાઁ વિશે વાત કરવાનો પ્રયત્ન કર્યો પણ એ લોકોએ વાતને ટાળી દીધી. એ બધા ચાલ્યા ગયા પછી એક યુવક ત્યાં ઊભો રહ્યો. એમણે જણાવ્યું કે ગામના આ લોકો બધાથી વધારે સાધન-સંપન્ન છે. એમણે જ પોતાનાં ઘરડાં ગાયબળદોને સૌથી પહેલાં ઘરમાંથી રખડતાં કરી દીધાં અને આ હમીદ ખાઁને તો તેઓ પરમ મૂરખ કહે છે.

એ યુવાને પોતાની વાત આગળ વધારતાં કહ્યું: ‘સાચી વાત કરો તો આ હમીદ ખાઁ પણ ઓછા જિદ્દી નથી. પોતાના માટે બે વખત ખાવાનું મળતું નથી અને ગાયો ઉપર પોતાનો પ્રાણ ન્યોછાવર કરવા તૈયાર છે. દિવસમાં તડકો અને તાપ વધી જાય છે એટલે રાતના બે વાગે ઊઠીને પાંચ માઈલ પર આવેલા તળાવમાંથી બે ગાયો માટે પાણીનું એક મોટું માટલું ભરી લાવે છે. ઘરના જે થોડું ઘણું અનાજ રાખી ગયા હતા એમાંથી મોટા ભાગનું વેચીને આ બંને ગાયો માટે ઘાસ અને ભૂસું ખરીદી લાવ્યા. એ અનાજ પણ ખૂટ્યું એટલે પોતાનું મકાન પંડિત બંસીધરને ત્યાં ગીરવે રાખીને પૈસા ઉપાડ્યા અને બંને ગાયો માટે ઘાસચારો ખરીદ્યો.’

મારે બીજે દિવસે સવારે જેસલમેર તરફ જવાનું હતું. એટલે એ યુવકને રવાના કર્યો. અત્યંત ગરમીની ઋતુમાં રાતો ઠંડી થઈ જાય છે. આમ છતાં પણ મને તે રાતે ઊંઘ ન આવી. હું મનમાં ને મનમાં વિચારતો હતો: ‘શું ખરેખર હમીદ ખાઁ મૂરખ અને જિદ્દી છે! એમની સાથે વાતચીત કરતી વખતે તો એવું ન લાગ્યું! હા, એક વાત મને ન સમજાણી, એ છે મુસલમાન. એમને માટે ગાય ‘માતા’ નથી. આમ છતાં પણ આ બે નકામી, ઘરડી ગાય પાછળ અનેક પ્રકારનાં દુ:ખકષ્ટ સહન કરીને ધીમે ધીમે પોતે મૃત્યુને નોતરી રહ્યા છે! એક માત્ર પોતાનું મકાન પણ એણે આ બંને ગાયોના ઘાસચારા માટે ગીરવે મૂકી દીધું! થોડા દિવસો પછી મૂળ રકમ અને વ્યાજ મળીને કરજ એટલું બધું વધી જશે કે એને ચૂકવવું શક્ય નહિ બને. એમાંય વળી એમનાં બાળબચ્ચાં માળવાથી થાક્યાં હાર્યા પાછા આવશે તો એમને પણ કદાચ પોતાનું પૈતૃક ઘર છોડી દેવું પડશે!’

જેસલમેર જતાં પહેલાં હમીદ ખાઁને એકવાર ફરી મળવાની ઇચ્છા થઈ આવી. ઠીક ઠીક સવાર થતાં ત્યાં જઈને જોયું તો હમીદ ખાઁ ધોળી અને ભૂરીના શરીર પર તન્મય બનીને હાથ ફેરવતા હતા. એ બંને પણ અત્યંત કરુણ નજરે એમના તરફ જોતી હતી. જાણે કે તે બંને હમીદ ખાઁને કહી રહી હતી: ‘આ બધાંય ગામ છોડીને ચાલ્યા ગયા, તો પછી તમે શા માટે આવી રીતે ભૂખ્યા-તરસ્યા રહીને મૃત્યુને શરણે જઈ રહ્યા છો? અમને અમારા નસીબ પર છોડી દો અને બાળબચ્ચાં પાસે ચાલ્યા જાઓ!’

સોસાયટી તરફથી થોડી ઘણી વ્યવસ્થા કરીને મનમાં ને મનમાં એ અભણ મુસલમાનને પ્રણામ કરીને ખિન્ન મને હું એ ગામમાંથી રવાના થયો. આટલાં વર્ષો પછી પણ હમીદ ખાઁનો એ ગમગીન ચહેરો આજ સુધી પણ ભૂલી શક્યો નથી. અત્યાર સુધી મારા મનમાં એ જાણવાની પરમ ઇચ્છા છે કે વાસ્તવિક રીતે ગૌ-રક્ષક એવા એ ગામના પંડિત બંસીધર અને લાલા રામકિશન સાચા ગૌ-ભક્ત છે કે પેલા મુસલમાન હમીદ ખાઁ ભાટી!

Total Views: 21

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.