સ્વામી ભૂતેશાનંદજી મહારાજ ત્યારે બેલૂર મઠમાં મદદનીશ સચિવ હતા. બપોરે જૂની મિશન ઓફિસમાં પોતાના ખંડમાં બ્રહ્મચારી પ્રશિક્ષણ કેન્દ્રના બ્રહ્મચારીઓનો ઉપનિષદનો વર્ગ લેતા. તે દિવસે ૧૫મી ઓગસ્ટ હતી. બ્રહ્મચારીઓ મિશન ઓફિસની બહાર વર્ગ શરૂ થવાના થોડા સમય પહેલાં હાજર થઈ ગયા. સ્વામી ભૂતેશાનંદજી મહારાજ આવ્યા ન હતા. મિશન- ઓફિસની સામે તત્કાલીન જનરલ સેક્રેટરી શ્રીમત્‌ સ્વામી ગંભીરાનંદજી મહારાજે બ્રહ્મચારીઓને જોયા, ત્યારે એમણે મિશન ઓફિસની ઉપર સવારે ફરકાવેલ રાષ્ટ્ર ધ્વજને બતાવીને આજે ચાલ્યા જવાનું કહ્યું, અર્થાત્‌ આજે સ્વાધીનતા દિવસ, એટલે રજા; વર્ગ લેવાશે નહિ.

સ્વામી ભૂતેશાનંદજી મહારાજ પોતાના નિશ્ચિત સમયે આવીને બ્રહ્મચારીઓના આવવાની રાહ જોવા લાગ્યા. પાસેના જ ખંડમાં શ્રીમત્‌ સ્વામી ગંભીરાંનદજી મહારાજ રહેતા. થોડી રાહ જોયા પછી સ્વામી ભૂતેશાનંદજી મહારાજે એમને કહ્યું: ‘જોયું ને મહારાજ! આજે બ્રહ્મચારીઓ હજુ આવ્યા નથી.’ સ્વામી ગંભીરાનંદજીએ પ્રચ્છન્ન ગુસ્સા સાથે કહ્યું: ‘આ તે કેવી  વાત? તમે અહીં આવીને બેઠા છો અને તેઓ (બ્રહ્મચારીઓ) વર્ગમાં આવ્યા નહિ! આ અંગે પ્રાચાર્યશ્રીને પૂછી જુઓ.’

મહારાજે પ્રાચાર્યશ્રીને સમાચાર પહોંચાડ્યા ત્યારે એમણે કહ્યું: ‘ગંભીરાનંદજી મહારાજે જ સ્વાધીનતા દિવસ છે, એમ કહીને એમને રજા આપી દીધી છે.’ આ સમાચાર સાંભળીને સ્વામી ભૂતેશાનંદજી મહારાજ હસતાં હસતાં સ્વામી ગંભીરાનંદજી મહારાજ પાસે આવ્યા અને કહ્યું: ‘મહારાજ, તમે પણ ઓછા રમૂજી નથી.’ એ સાંભળીને ગંભીરાનંદજીએ કહ્યું: ‘અરે! જોઉં છું કે તમે તો ખરેખરા લ્લચગિ ાચજં સ્ચજાીિ છો, માસ્તરગીરી હજી છોડી નથી. આજે સ્વાધીનતા દિવસ છે. બ્રહ્મચારીઓ થોડી સ્વતંત્રતા ભોગવે, બપોરે થોડાં નસકોરાં બોલાવે; અને તમારે વળી એ વખતે ઉપનિષદનો વર્ગ લેવો છે!’

આ સાંભળીને બંને ગુરુજન હસવા લાગ્યા અને આનંદમજા માણવા લાગ્યા.

*      *      *

સ્વામી ભૂતેશાનંદજી મહારાજના વર્ગની એક બીજી ઘટના પણ છે અને એ પણ ઉપનિષદના વર્ગની જ ઘટના. બ્રહ્મચારીઓએ સાથે મળીને યુક્તિપૂર્વક મહારાજના પુસ્તકને ક્યાંક સંતાડી દીધું. સામાન્ય રીતે તેઓ ટેબલના ખાનામાં પુસ્તક રાખતા. મહારાજ આવ્યા એટલે બ્રહ્મચારીઓએ કહ્યું: ‘આપનું પુસ્તક ખાનામાં નથી. ક્યાંક ખોવાઈ ગયું લાગે છે!’ મહારાજે કહ્યું: ‘શોધો, શોધો.’ બધા પુસ્તક શોધવા માંડ્યા. મહારાજના નિવાસના ઓરડામાં પણ જોઈ આવ્યા. બધે તપાસ કરીને બ્રહ્મચારીઓ પાછા આવ્યા. બધાને લાગ્યું કે આજે ઉપનિષદ વર્ગ નહિ ચાલે, રજા! મહારાજને સાચી વાતનો તરત જ ખ્યાલ આવી ગયો. મહારાજે કહ્યું: ‘મને લાગે છે કે જ્યાં પુસ્તક છે એ સિવાયનાં બધે સ્થળે તમે પુસ્તક શોધી લીધું. ઠીક છે, મને જેટલું યાદ છે એને ધ્યાનમાં રાખીને આજે આપણે ચર્ચા કરીશું.’ એમ કહીને મહારાજે વર્ગ લેવાનું શરૂ કર્યું. આગલા વ્યાખ્યાન પછીના કેટલાક શ્લોકને ટાંકીને,તેની પૂર્ણપણે શાંકરભાષ્ય સાથેે રજૂઆત કરી અને તેની યથોચિત ચર્ચા કરી, સુંદર વ્યાખ્યા આપીને વર્ગ પૂરો કર્યો.

મહારાજની અનન્ય સ્મૃતિશક્તિને તથા મુશ્કેલ પરિસ્થિતિને અસાધારણ ક્ષમતાથી સહજભાવે સંભાળી લેવાની કુશળતાની એ વાતને વર્ગના અભ્યાસુ બ્રહ્મચારીઓ અનેકવાર યાદ કરતા.

Total Views: 19

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.