પ્રશ્ન : તે દિવસે સંસ્કૃત પાઠશાળા-પદ્ધતિ વિશે આપ શું કહેવા માગતા હતા?

સ્વામીજી : શું તમે ઉપનિષદની વાર્તાઓ વાંચી નથી? લો, હું તમને એક આખ્યાયિકા સંભળાવું. સત્યકામ વિદ્યાભ્યાસ કરવા સારુ બ્રહ્મચારી તરીકે ગુરુને ઘેર રહેવા ગયો. ગુરુએ કેટલીક ગાયો તેને હવાલે કરીને એ લઈને તેને જંગલમાં મોકલ્યો. ત્યાં ઘણા મહિનાઓ સુધી તે રહ્યો. પછી જ્યારે સત્યકામે જોયું કે ગાયોની સંખ્યા બમણી થઈ છે ત્યારે તેણે પાછા ગુરુ પાસે જવાનો વિચાર કર્યો. પાછા આવતાં રસ્તામાં એક સાંઢ, અગ્નિ અને બીજાં કેટલાંક પ્રાણીઓએ તેને પરમ બ્રહ્મ વિશેનું જ્ઞાન આપ્યું. જ્યારે તે પાછો આવ્યો, ત્યારે ગુરુ તેના ચહેરા સામું જોતાંવેંત જ સમજી ગયા કે પોતાના શિષ્યે બ્રહ્મજ્ઞાન મેળવ્યું છે. (છાંદોગ્ય ઉપનિષદ. ૪ : ૯ : ૨) હવે આ કથાનો સાર એ છે કે પ્રકૃતિ સાથે નિરંતર તદ્‌રૂપ થઈને રહેવાથી સાચું શિક્ષણ મળે છે.

શિક્ષણ એ રીતે મેળવવું જોઈએ. નહિ તો એક પંડિતની પાઠશાળામાં ભણીભણીને તો તમારી આખી જિંદગી સુધી તમે એક નર-સ્વરૂપી વાનર થઈ રહેવાના. માણસે પોતાના નાનપણથી જ જેનું ચારિત્ર્ય જ્વલંત અગ્નિ સમાન હોય એવી વ્યક્તિ સાથે રહેવું જોઈએ ; એની સામે સર્વોચ્ચ શિક્ષણનો જીવંત દાખલો રહેવો જોઈએ. ‘ખોટું બોલવું એ પાપ છે’ એવું માત્ર વાંચ્યા કરવાનો કાંઈ લાભ નથી. દરેક છોકરાને અખંડ બ્રહ્મચર્યપાલનની તાલીમ આપવી જોઈએ ; ખરેખર ત્યારે જ તેનામાં શ્રદ્ધા આવશે. નહિતર, જેનામાં શ્રદ્ધા નથી તે ખોટું શા માટે ન બોલે? આપણા દેશમાં જ્ઞાન આપવાનું કાર્ય હંમેશાં ત્યાગી પુરુષો દ્વારા જ થતું આવ્યું છે. પાછળથી પંડિતોએ બધા જ્ઞાનનો ઇજારો પોતે રાખીને તથા પાઠશાળા પૂરતું જ તેને મર્યાદિત બનાવીને દેશને સર્વનાશને આરે આણી મૂક્યો છે. જ્યાં સુધી ત્યાગી પુરુષો જ્ઞાન આપતા હતા ત્યાં સુધી ભારતમાં બધા સારા સંજોગો હતા.

પ્રશ્ન : આપ આ શું કહો છો, સ્વામીજી? બીજા દેશોમાં સંન્યાસીઓ નથી, છતાં તેમના જ્ઞાનના જોરે ભારત તેમને ચરણે કેવું નમી પડયું છે?

સ્વામીજી : ભાઈ! નકામી વાતો જવા દો, અને હું કહું છું તે સાંભળો. જો ભારત પોતાનાં બાળકોને શિક્ષણ આપવાની જવાબદારી ત્યાગીઓને માથે નહિ મૂકે તો તેને હંમેશને માટે બીજાઓના જોડા માથે ઉપાડવા પડશે. શું તમે જાણતા નથી કે એક અભણ પણ ત્યાગી જુવાનિયાએ તમારા મોટા મોટા વૃદ્ધ પંડિતોનાંય માથાં ફેરવી નાખ્યાં હતા? એક વાર દક્ષિણેશ્વરના મંદિરમાં રાધાકાન્તના પૂજારી બ્રાહ્મણની ગફલતથી મૂર્તિનો એક પગ ભાંગી ગયો. એ મૂર્તિની બાબતમાં શું કરવું એનો નિર્ણય કરવા મોટા મોટા પંડિતોને તેડાવીને સભા ભરવામાં આવી. એ લોકોએ પ્રાચીન ગ્રંથો અને હસ્તલિખિત પ્રતોને ઉથલાવી ઉથલાવીને નિર્ણય જાહેર કર્યો કે શાસ્ત્રોના નિર્ણય પ્રમાણે આ ખંડિત મૂર્તિની પૂજા ચાલુ રાખી શકાય નહિ; તેને સ્થાને નવી મૂર્તિની સ્થાપના કરવી જોઈએ. એથી તો ભારે મોટો કોલાહલ થઈ પડ્યો. આખરે શ્રીરામકૃષ્ણને બોલાવવામાં આવ્યા. તેમણે બધું સાંભળ્યા પછી પૂછયું : ‘પતિનો પગ ભાંગી જાય તો બૈરી શું એ પતિને છોડી દે છે?’ પરિણામ શું આવ્યું? બધા પંડિતો મૂંગા થઈ ગયા. આ સાદી વાતની સામે તેમનાં શાસ્ત્રોની બધી ચર્ચાઓ અને પંડિતાઈ ટકી શક્યાં નહિ. જો તમે કહો છો તે સાચું હોય, તો આ પૃથ્વી પર શ્રીરામકૃષ્ણના આગમનનો શો અર્થ છે? શા માટે એકલા પુસ્તકિયા જ્ઞાનને તેમણે એટલું બધું તુચ્છ ગણ્યું? જે નવજીવનનું જોમ તેઓ પોતાની સાથે લાવ્યા છે તેનો વિદ્યામાં અને શિક્ષણમાં સંચાર કરવાનો છે; અને ત્યારે જ સાચું કાર્ય થશે.

(સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા-સંચયન, પૃ.૩૮૬-૯૭)

Total Views: 26

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.