ગાવા વિશેની હાસ્ય વિનોદની વાતો સ્વામી ભૂતેશાનંદજી મહારાજ પાસે કંઈ ઓછી ન હતી. એમાંની એક વાત એમની જ ભાષામાં આપણે જોઈએ.

‘બાડુજ્ય મહાશય ગીતગાન કરે, પણ એનું ગાન સાંભળીને કોઈ ઊભું ન રહી શકે. એટલે એમણે એવી વ્યવસ્થા કરી કે જે કોઈ એનું ગીતગાન સાંભળશે તેને તેઓ અમુક રૂપિયા આપશે. થોડાક દિવસ કેટલાક લોકો આવ્યા પણ ખરા, પણ પછીથી એ પણ ચાલ્યા ગયા. એક દિવસ ખાવાનુંયે માંડ માંડ મળતું હોય એવો એક ગરીબ માણસ પૈસાની લાલચે બાડુજ્ય મહાશયનું ગીતગાન સાંભળવા ગયો. તેઓ પણ ખૂબ રાજી થયા પણ બે-એક દિવસ પછી એ પણ એમનું ગીતગાન સહન ન કરી શક્યો. ગીતગાન સાંભળીને કંઈક આવક થશે એ આવક પણ બંધ થઈ ગઈ. એ ગરીબ બીચારાએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરવાનો વિચાર કર્યો. ગળે ફાંસલો બાંધીને બધી તૈયારી કરી લીધી, એવામાં એક ભૂતે આવીને કહ્યું: ‘આ શું?’ એ સાંભળીને પેલા ગરીબે કહ્યું: ‘બાડુજ્ય મહાશયનાં ગીતગાનની પીડા હવે હું વધારે સહન કરી શકું તેમ નથી. મારે હવે જીવવું નથી.’

ભૂતે કહ્યું: ‘મારી પણ આ જ દશા છે. બાડુજ્ય મહાશયના ઘરના એક મોટા વૃક્ષમાં હું મજેથી રહેતો હતો. એમણે ગાવાનું શરૂ કર્યું અને મારાં શાંતિ અને આનંદ હણાઈ ગયાં! હવે જ્યાં ત્યાં ભટકતો ફરું છું. ગમે તે પરિસ્થિતિ હોય પણ તમે આપઘાત તો કરતા જ નહિ. એક કામ કરીએ, ચાલો આપણે બંને બહાર ચાલ્યા જઈએ. તમારેય કંઈક આવક તો જોઈએ છીએ! એની વ્યવસ્થા હું કરી દઈશ. તું બની જા ભૂવો. ગમે ત્યાં જઈને હું કોઈકને પકડી લઈશ. થોડા સમય પછી તું આવીશ ત્યારે હું એને છોડી દઈશ. એમાંથી તુંયે થોડુંક રળીશ.’ આ વિશે તેઓ બંને સહમત થયા. ભૂતની સાથે રહીને પેલા બીચારા ગરીબે જુદા જુદા વિસ્તારોમાં ફરીને થોડું ઘણું રળવાનું શરૂ કર્યું. ધીમે ધીમે એની બહુ સારા ભૂવા તરીકેની નામના વધી અને પૈસા પણ વધુ મળવા લાગ્યા.

એક વખત પેલા ભૂતે એક રાજાની કુંવરીને પકડી. રાજાએ પેલા ભૂવાને બોલાવ્યો. તે ત્યાં ગયો. રાજાની કુંવરી ઘણી સુંદર હતી અને ભૂત એને છોડીને જવા માગતો ન હતો. ભૂતે ભૂવાને કહ્યું: ‘જો ભાઈ, તને લઈને હું ઘણે સ્થળે ફર્યો છું. તમારું કામ પણ ઘણું ઘણું થઈ ગયું છે. હવે જો તું મને અહીંથી ભાગી જવા કહીશ તો હું તારી ગરદન મરડી નાખીશ. હું આ કુંવરીને છોડીને ક્યાંય જવાનો નથી.’

રાજાએ ભૂવાને બોલાવીને આદેશ કર્યો: ‘જો એક દિવસમાં આ ભૂતને તું ભગાડી નહિ દે તો હું તારી ગરદન મરડી નાખીશ.’ ભૂવો તો વિચારતાં વિચારતાં ચિંતામાં પડી ગયો: ‘જો ભૂતને છોડાવા જાઉં તો ભૂત મારો ટોટો પીસી નાખશે અને ભૂતને કુંવરીમાંથી નહિ કાઢું તો રાજા મારી નાખશે.’ આ તો ઉલમાંથી ચૂલમાં પડવા જેવું છે. ઓચિંતાનો એક વિચાર ઝબકી ઊઠ્યો અને તરત જ તે રાજકુમારીમાં રહેલ ભૂત પાસે ગયો. ભૂતે ભૂવાને વળી પાછો આવેલો જોઈને ઉશ્કેરાઈને કહ્યું: ‘તું વળી પાછો કેમ આવ્યો? મેં તો તને કહ્યું હતું કે હું અહીંથી એક ડગલુંયે હટવાનો નથી.’

એ સાંભળીને ભૂવાએ કહ્યું: ‘જો ભાઈ ભૂત! હું કંઈ તને લઈ જવા નથી આવ્યો. પણ મેં એક વાત સાંભળી છે કે આજે રાતે આ રાજાના મહેલમાં બાડુજ્ય મહાશય પોતાનું ગીતગાન કરવા આવવાના છે!’ આ વાત પૂરી થાય તે પહેલાં ભૂત તો રાજકુંવરીને છોડીને ઊભી પૂંછડીએ ભાગ્યો!

Total Views: 22

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.