ઈશ્વર ક્યાં છે?

એક જિજ્ઞાસુ ભક્તે જ્ઞાનીને પૂછ્યું: ‘ભગવાન કેવા હોય છે? ક્યાં વસે છે અને આપણે એને ક્યાં જોઈ શકીએ?’

જ્ઞાનીએ કહ્યું: ‘ઈશ્વર સર્વસ્થળે છે. દરેક વસ્તુમાં રહેલો છે. તે આનંદમય, સર્વજ્ઞ અને અમર છે. તે તમારો આત્મા પણ છે.’

જિજ્ઞાસુએ પૂછ્યું: ‘જો આમ હોય તો આપણે ઈશ્વરને જોઈ કેમ શકતા નથી? એને પ્રત્યક્ષ કેમ કરી શકતા નથી?’

જ્ઞાનીએ જવાબ આપ્યો: ‘ઈશ્વર સર્વત્ર રહેલ છે. તમારા હૃદય અને મનમાં પણ તે વસેલ છે પણ તમારું મન એમાં લાગેલું નથી. તમારું મન પ્રપંચમાં લીન છે.’

આ રીતે જ્ઞાનીએ ઈશ્વરના અસ્તિત્વ વિશે વિવિધ રીતે જિજ્ઞાસુને વાત કરી. પણ પેલા જિજ્ઞાસુને કંઈ સમજણ ન પડી. તે ઈશ્વરનો સાક્ષાત્કાર ન કરી શક્યો.

પછી જ્ઞાનીએ કહ્યું: ‘ભાઈ, તું હરિદ્વાર જા. ત્યાં વિચિત્ર રંગની માછલી છે અને એ માનવની જેમ વાત કરે છે. એ માછલી તારા પ્રશ્નનો સાચો ઉત્તર આપશે.’

પછી જિજ્ઞાસુએ જ્ઞાનીને પ્રણામ કર્યા અને એનાં ચરણ સ્પર્શ કરીને હરિદ્વાર તરફ પ્રયાણ કર્યું. ગંગાના કિનારે ઊભા રહીને તે પેલી વિચિત્ર માછલીના આવવાની રાહ જોતો હતો. તેની સામે આવતી દરેક માછલીને તે પૂછતો: ‘ભગવાન ક્યાં છે? હું એમને કેવી રીતે જોઈ શકું?’

થોડા સમય પછી પેલી વિચિત્ર માછલી આવી અને તેણે જિજ્ઞાસુને પૂછ્યું: ‘તમે ક્યાંથી આવો છો?’ જિજ્ઞાસુએ કહ્યું: ‘મને એક જ્ઞાની પુરુષે તમને મળવા કહ્યું છે. મારો પ્રશ્ન આ છે – ઈશ્વર ક્યાં છે અને એને હું કેવી રીતે સગી આંખે જોઈ શકું?’

માછલીએ કહ્યું: ‘છેલ્લા સાત દિવસથી હું તરસી છું. એટલે મને ક્યાંથી પાણી મળે એટલું કહી દો.’ માછલીના આ શબ્દો સાંભળીને પેલો જિજ્ઞાસુ તો હસી પડ્યો અને કહ્યું: ‘અરે મૂરખી! પાણી તો સર્વત્ર છે, તારી ઉપર, તારી નીચે, તારી ચારેબાજુએ!’

જિજ્ઞાસુએ હસતાં હસતાં આ બધું કહ્યું. એ સાંભળીને માછલીએ ગંભીરતાથી કહ્યું: ‘હે જિજ્ઞાસુ ભક્ત! તુંયે મારી જેમ મૂરખ છો. જે ઈશ્વરને તું શોધે છે તે તારી ઉપરેય છે, નીચેય છે અને બધી બાજુએ છે. તે સર્વત્ર રહેલ છે.’

હવે પેલા જિજ્ઞાસુ ભક્તને થોડો સંતોષ થયો અને પૂછ્યું: ‘તો પછી એ આનંદમય ઈશ્વરને હું જોઈ કેમ શકતો નથી? હું દુ:ખી કેમ છું?’

પેલી માછલીએ જવાબ આપ્યો: ‘મારે પણ તને એ જ પૂછવાનું છે. જો પાણી મારી ચારે-બાજુ હોય તો હું તરસી કેમ છું? અને મારી તરસ કેમ બૂઝતી નથી?’

પેલા જિજ્ઞાસુ ભક્તને માછલીની દેહરચનાનો ખ્યાલ હતો. જ્યાં સુધી માછલી મોઢું ઉપર રાખીને તરતી રહે ત્યાં સુધી પાણી એના મોમાં જઈ ન શકે. પોતાની તરસને છીપાવવા એણે પોતાના મોંને પાછળ રાખવું પડે. જો માછલીની દેહની રચના આવી ન હોત તો માછલીના મોંમાં પાણી સરળતાથી પ્રવેશી શકત અને વધારે પાણી આવી જાય તો મરી પણ જાત. પછી પેલા ભક્તે કહ્યું: ‘તમારું મોઢું જરાક ફેરવો અને તમારી તરસને બુઝાવો.’

પછી માછલીએ પેલા જિજ્ઞાસુ ભક્તને કહ્યું: ‘મારી તરસને છીપાવવા માથું પાછળ કરવું પડે; એવી જ રીતે તમારે પણ ભગવાનને જોવા અંતરાત્મામાં દૃષ્ટિ કરવી પડે. ઈશ્વરનો સાક્ષાત્કાર કરવા તમારી આકાંક્ષાઓને છોડો. એટલે કે તમે તમારા મનને આ પ્રપંચવાળી વસ્તુઓથી દૂર કરો અને આનંદમય ઈશ્વર તરફ વાળો. ત્યારે તમારા દુ:ખનો અંત આવશે અને તમે શાશ્વત આનંદ પ્રાપ્ત કરશો.’

આમ કરીને પેલો જિજ્ઞાસુ ભક્ત એના ઉપદેશને અનુસર્યો અને એણે ઈશ્વરનો સાક્ષાત્કાર કર્યો.

વેપારી અને સંત

પરેર નામના એક સંત હતા. તે એક જગ્યાએ ઠરી ઠામ થઈને ન રહેતા. હંમેશાં પરિવ્રાજક રૂપે ઘૂમતા રહેતા. દરેક સ્થળે એમને ભિક્ષા આપનારા લોકો મળી આવતા. એક દિવસ એક ગામડામાં તેઓ આવ્યા. એમણે પૂછ્યું: ‘આ ગામમાં ધર્મશાળા ખરી?’ રાહદારીએ એક વેપારીનું નામ આપ્યું. તેણે કહ્યું : ‘એ વેપારી ઘણો અમીર છે અને સત્યનિષ્ઠ છે. તમે તેની પાસે જાઓ.’

વળી પાછા પરેરે રાહદારીને પૂછ્યું: ‘એમને કેટલાં બાળકો છે, એમની પાસે કેટલી ધનદોલત હશે, વગેરે.’ રાહદારીએ કહ્યું: ‘એની પાસે લાખેક રૂપિયા હશે અને ચાર દીકરા છે.’

પછી પરેર તો વેપારીના ઘરે ગયો. વેપારીએ એમનું સ્વાગત કર્યું. સંતે કહ્યું: ‘મને તમારી આ ભલમનસાઈ ગમી. પરંતુ ભોજન લેતાં પહેલાં મારા બે પ્રશ્નોના ઉત્તર તમે આપશો? પ્રથમ પ્રશ્ન છે – તમારી પાસે કેટલું ધન છે અને તમારે કેટલાં બાળકો છે?’ વેપારીએ જવાબ આપ્યો: ‘મારી પાસે પચાસેક હજાર રૂપિયા છે અને બે બાળકો છે.’

આ સાંભળીને સંતે કહ્યું : ‘ના, તમે ખોટું કહો છો.  તમારી પાસે લાખ રૂપિયા છે અને ચાર બાળકો છે, ખરું ને?’ આ સાંભળીને વેપારીએ કહ્યું: ‘સંતજી તમારી વાત સાચી છે. મારી પાસે જે કુલ રકમ હતી એમાંથી સાધુસંતો માટે પચાસ હજાર વપરાઈ ગયા છે અને ચાર બાળકોમાંથી બે બાળકો ઈશ્વરસેવા કરે છે અને સાધુસંતોની સેવાચાકરી કરે છે. એટલે જ મેં એમ કહ્યું કે મારે બે બાળકો છે અને મારી પાસે પચાર હજાર રૂપિયા છે.’ સંત પરેરે આનંદ અનુભવ્યો અને એ વેપારીની મહેમાનગતિ માણી અને એને આશીર્વાદ પણ આપ્યા.

ત્રણ ઢીંગલી

એક વખત એક રાજ્યમાં શાણા અને વિવેકી રાજા હતા. એમનાં નામયશ દેશ-વિદેશમાં પ્રસરી ગયાં. તે ઘણી કળામાં નિપુણ હતા. એટલે ઘણા નિપુણ કલાકારો એમના રાજદરબારમાં સામૂહિક રીતે આવતા. રાજા એને પારિતોષિક અને માનસન્માન આપતા.

એક દિવસ એક કલાકાર એમના દરબારમાં આવ્યો. પોતાની સાથે ત્રણ સુંદર મજાની ઢીંગલીઓ લાવ્યો હતો. એણે પોતે જ એ ઢીંગલીઓ બનાવી હતી. ઢીંગલીઓ એક સરખા ઘાટઘૂટવાળી હતી. ત્રણેય ઢીંગલીઓ રાજા સામે રાખીને કહ્યું: ‘હે મહારાજા, આ ત્રણેયને તપાસી જુઓ અને એમાંથી કઈ સર્વોત્તમ એ મને કહો.’

રાજાએ તો ત્રણેય ઢીંગલીઓને પોતાના હાથમાં લીધી, નજીકથી અને બારીકાઈથી તેની તપાસણી કરી. બધી એક સરખી, એક સરખા વજનવાળી અને એક સરખી ઊંચાઈવાળી હતી. એમાં ક્યાંય જુદાપણું ન હતું.

રાજાએ નજીકથી ત્રણેય તરફ જોયું. એક ઢીંગલીના બે કાનમાં કાણાં જોયાં. એણે એક દીવાસળી એક કાનમાં નાખી અને બીજા કાનમાંથી સોંસરવી કાઢી. બીજી ઢીંગલીના એક કાનમાં કાણું હતું અને બીજું કાણું હતું મોંમાં. જ્યારે રાજાએ દીવાસળી કાનમાં નાખી તો એ મોંએથી બહાર નીકળી.

ત્રીજી ઢીંગલીના એક કાનમાં કાણા સિવાય બીજે ક્યાંય કાણું ન હતું. એટલે કાનમાં દીવાસળી નાખતા એ કાનમાં ને કાનમાં રહી ગઈ.

રાજાએ તો ખૂબ વિચાર કર્યો અને પછી કલાકારને કહ્યું: ‘ભાઈ, તમે ખરેખર શાણા કલાકાર છો. હું એ જાણીને રાજી થયો કે તમારી આ કળા દ્વારા તમે વિવેકનો સંદેશ આપ્યો છે.

આ ત્રણ ઢીંગલીઓ ત્રણ પ્રકારના મિત્રોની વાત આપણી સમક્ષ મૂકે છે. દરેકે દરેક માણસને મિત્રની જરૂર છે. પોતાના માઠા દિવસોમાં તેની સલાહ સાંભળવી ગમે, એમની પાસેથી કંઈક ઉકેલ મેળવવો ગમે અને મિત્રે કંઈક રહસ્ય જાળવવાનું પણ હોય છે. પહેલી ઢીંગલીના કાનમાં બંને બાજુએ કાણાં હતાં. એ એવા મિત્ર જેવી છે કે આપણને લાગે કે તે સાંભળે છે, પણ ખરેખર તો એ સાંભળતો નથી અને વાતને એક કાનેથી બીજે કાને કાઢી નાખે છે. આવો મિત્ર તમને મદદ ન કરી શકે.

બીજી ઢીંગલી મધ્યમકક્ષાના મિત્ર જેવી છે. એ સહાનુભૂતિપૂર્વક તમારી વાત તો સાંભળે, પણ સાથે ને સાથે તમારા માટે ભયરૂપ બની જાય. એનું કારણ એ છે કે એક કાને સાંભળીને મોં દ્વારા તમારું બધું રહસ્ય આખા ગામમાં ફેલાવી દે છે.

ત્રીજી ઢીંગલી ખરેખર સુંદર મજાની છે, તે ઉત્તમ મિત્રની વાત કરે છે. એનામાં ધીરતા છે. તમે એને ગમે તેવી ખાનગી વાત કહો તો એ પોતાની ભીતર જ સંઘરી રાખે છે અને બીજાને કંઈ કહેતો નથી. જો આવો મિત્ર હોય તો એની સંગત તમારા માટે સલામત ગણાય.’

રાજાની આ ઢીંગલી વિશેની સમજણની વાત સાંભળીને કલાકાર તો રાજી રાજી થઈ ગયો. અને રાજાની ખૂબ પ્રશંસા કરી. રાજાએ પણ એને પુરસ્કાર અને માનસન્માન આપ્યાં.

Total Views: 23

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.