રાજસ્થાનમાં જૂના જમાનામાં એક જ ગામના છોકરા-છોકરીનાં લગ્ન ન થતાં, સામાન્ય રીતે છોકરીને બીજા ગામમાં જ દેતા. વળી, કોઈ ગામમાં જાન આવે તો વર પક્ષના લોકો ગામની પરણેલી છોકરીઓને મીઠાઈ પણ મોકલતા. પોતાના ગામની છોકરીઓને જાતિ-જ્ઞાતિના ભેદ વિના ઉંમર પ્રમાણે બહેન, ભત્રીજી કે ફઈબા કહીને જ બોલાવતા.

મને યાદ છે કે અમારા ઘરની પાસે લાખની બંગળી બનાવનાર મુસલમાનોનું ઘર હતું. એમના પુરુષોને કાકા, બહેનોને કાકી કે તાઈ કહીને બોલાવતા. અત્યારે તો ગામડાંઓમાં પરિવર્તન આવી ગયું છે. વાહનવ્યવહારનાં સાધનો વધ્યાં છે એટલે આવાગમન પણ વધ્યાં છે અને ઉપરની પ્રથા ધીમે ધીમે ઓછી થતી જાય છે.

આપણી વાર્તાનું મુખ્ય પાત્ર ચંદરી ફઈનો જન્મ રાજસ્થાનના બિકાનેર રાજ્યના એક નાના ગામમાં ૧૧૦ વર્ષ પહેલાં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. માતપિતાનું એક માત્ર સંતાન એટલે એનું નામ ચંદ્રાવતિ-ચંદ્રપ્રભા એવું રાખ્યું. લોકો એને ચંદરી કે ચાંદી કહીને બોલાવતા. એ દિવસોમાં સુહાસિની કે સેફાલી કે સરિતા જેવા નામોની જાણકારી પંડિતોને પણ ન હતી.

ચંદરી ૧૨ વર્ષની થઈ ત્યારે એનાં લગ્ન થયાં. નજીકના ગામમાંથી જાન આવી અને લગ્ન ધૂમધામથી પૂરાં થયાં. એના પિતા એક સામાન્ય સ્થિતિના બ્રાહ્મણ હતા.

એ જમાનામાં લગ્ન વખતે ઘરધણીએ કંઈ કામ કરવું ન પડતું. ગામનાં સ્ત્રીપુરુષો અને નાનામોટા સૌ પરસ્પર કામને વહેંચી લેતાં. ઘર દીઠ એક કે બે રૂપિયા ભેટ કે ચાંદલા રૂપે અપાતા. એટલે માબાપનો આર્થિક બોજો પણ ઓછો થઈ જતો. લગ્ન તો નાનપણમાં થતાં પણ આણું તો ત્રણ કે પાંચ વર્ષ પછી વાળતા. એ પહેલાં વહુ સાસરે ન જતી. ચંદરીનું આણું વાળતાં પહેલાં પતિનું અવસાન થયું. એટલે સાસરે તો ગઈ જ નહિ અને માવતરમાં જ રહેવા લાગી.

પહેલાં પહેલાં તો એમને દીકરી કે બહેન કહીને બોલાવતા, પણ હું જ્યારે મોટો થયો ત્યારે તે પ્રૌઢ થઈ ચૂક્યાં હતાં અને આખા મહોલ્લામાં એમને ફઈબા કહીને બોલાવતા. એમનાં માતપિતા પણ મૃત્યુ પામ્યાં હતાં.

દાનદક્ષિણા લેવામાં એમને શરૂઆતથી જ સંકોચ થતો. એટલે બધા સાથે સારા સંબંધો હોવા છતાં તેઓ પરિશ્રમ કરીને પોતાનું જીવન વીતાવતાં. સવારે ચાર વાગ્યે ઊઠીને ઘંટી ચલાવતાં અને આઠ-દસ શેર અનાજ સૂર્યોદય સુધીમાં દળી લેતાં. એમને કામ તો મળી રહેતું. તેઓ કામમાં સ્વચ્છતા રાખતાં. અનાજને સાફ કરીને જ દળતાં. લોટમાં ઘટ ન આવતી.

ક્યારેક ક્યારેક અમારી ઊંઘ વહેલી ઊડી જાય તો ચંદરી ફઈનાં ભજનો અને ઘંટીનો અવાજ કાને પડતો. એ જમાનામાં એલાર્મ ઘડિયાલ ન હતી એટલે અમારે કોઈ મુહૂર્ત વખતે વહેલું ઊઠવાનું હોય તો ચંદરી ફઈને જ જગાડવાનું કહી દેતા. તેઓ નિયત સમયે જગાડી પણ દેતાં. વૃદ્ધ સ્ત્રીઓ એ વખતે તારા નક્ષત્ર જોઈને સમય કહી દેતી.

એમની જરૂરતો ઓછી હતી, એટલે બે-અઢી આનામાં એનું ગુજરાન ચાલતું હતું. ચંદરી ફઈને એનાથી વધારે કમાવાની જરૂર ન હતી. દિવસે મહોલ્લાનાં બાળકોની સંભાળ રાખતાં અને કોઈ બીમાર હોય તો એની સેવા કરતાં. એ જમાનામાં લેડી ડોક્ટર કે નર્સો ન હતાં. એટલે પ્રસવ વગેરેનું કામ સમજુ સ્ત્રીઓ કે દાયણો સંભાળતી. મુશ્કેલીને સમયે ચંદરી ફઈ આવે એટલે ઘરના બધાને સાંત્વના અને હિંમત મળી જતાં.

એણે ક્યારેય પતિપ્રેમને જાણ્યો ન હતો. પોતાને બાળકોયે ન હતાં. એટલે બધો પ્રેમ અને મમતા બીજાનાં બાળકો પર ઠલવતાં. મહોલ્લાનાં બાળકો આખો દિવસ એમને ઘરે જ રહેતાં. કોઈકને પતંગ માટે લઈ જોઈતી હોય તો વળી કેટલાકને ઢીંગલીનાં લગ્ન માટે રંગબેરંગી કપડાં જોતાં હોય; એ બધું એમને મળી રહેતું.

સંગીતનું શિક્ષણ મેળવ્યા વિના તાલ અને સ્વરમાં સારું ગાઈ શકતાં. વિધવા હતાં એટલે લગ્નનાં ગીત ન ગાતાં, ભજન અને રાત્રીજાગરણનાં ગીત એમનાં વિના જામતાં નહિ. મીરાં અને સુરદાસનાં પદો તન્મય બનીને મધુરતાથી ગાતાં અને સાંભળનારા ભાવવિભોર બની જતા.

ઘણા વૃદ્ધ થયાં ત્યારે પણ મેં એમને જોયાં હતાં. હવે અનાજબનાજ તો દળી ન શકતાં, નાનું મોટું કામ કાજ કરી લેતાં. ઘડપણને કારણે હાથ અને ગરદન કાંપવા માંડી હતી અને અવાજમાં પણ ખચકાતાં હતાં.

દર વર્ષે ઉનાળામાં ગામના લોકો હરદ્વાર અને બદરિકાશ્રમ જતા. ચંદરી ફઈને ઘણો આગ્રહ કરતા પણ એમનો એક જ જવાબ હતો : ‘મારી જેવી અભાગણી અને ગરીબના ભાગ્યમાં તીર્થસ્થાન ક્યાંથી? એ તો સદ્‌ભાગીને જ સાંપડે.’

એક દિવસ એમણે મને બોલાવ્યો અને કહ્યું: ‘હવે તબિયત સારી રહેતી નથી, ક્યારે શરીર જાય એ નક્કી નથી. મારા મનમાં એક ઇચ્છા છે કે મારા સાસરિયાના ગામમાં હું એક કૂવો બનાવું. ઉનાળાની ગરમીમાં ગાય, ઢોર તરસે મરે છે. માણસોને પૂરું પાણી મળતું નથી. કૂવો ગળાવાનો કેટલો ખર્ચ આવે એ જાણી આવો.’

મને થયું કે ઘડપણમાં ચંદરી ફઈનું ખસી ગયું છે. કોઈની પાસેથી ક્યારેય માગ્યું નથી. અત્યારે બે વખતનું ખાવાનુંયે માંડ માંડ મળે છે અને એમાં વળી કૂવો બનાવવાની ધૂન લાગી છે!

વાતને બારેક દિવસ વીતી ગયાં. એક દિવસ જોયું તો લાકડીને ટેકે સવારના પહોરમાં ફઈબા હાજર. મને થોડોક ક્ષોભ થયો. એમની સ્નેહછાયામાં બાળપણનાં આટલાં વર્ષો વીતાવ્યાં અને નાનાં મોટાં ઘણાંય કામ પણ કરાવ્યાં.

મોડી રાત સુધી એમની વાર્તાઓ પણ સાંભળી. પણ મેં એમના આ નાના કામ ઉપર ધ્યાન ન આપ્યું, એનું મને દુ:ખ થયું! એટલે મેં કહ્યું: ‘ફઈબા, ત્યાં પાણી ઘણું ઊંડું છે એટલે કૂવો ગાળવાનો ખર્ચ બે-અઢી હજાર થશે. નાનો ગાળિયે તો દોઢેક હજારમાં પતી જાય.’

મારો જવાબ સાંભળીને કરચલીઓવાળા ચહેરા પર ઉદાસીનતા છવાઈ ગઈ. મનમાં ને મનમાં કંઈક હિસાબ કરવા લાગ્યાં. બીજે દિવસે મને ઘરે આવવાનું કહીને ચાલ્યાં ગયાં.

બીજે દિવસે જઈને જોયું તો તેઓ મારી રાહ જોતાં હતાં. થોડીવાર અહીં તહીં જોયું અને પછી મને અંદરની એક કોટડીમાં લઈ ગયાં. ખાટલાની નીચેથી એક જૂનો ડબ્બો કાઢ્યો અને એને ખોલીને મારી સામે ઊંધો વાળ્યો. રાણી વિક્ટોરિયા, એડવર્ડ અને પાંચમા જ્યોર્જની છાપના રૂપિયા હતા. થોડા ઘણા ચાંદીના દાગીના અને સોનાની મૂર્તિ હતી. આ બધું કદાચ એમનાં માતાએ લગ્ન વખતે આપ્યું હશે.

હું રૂપિયા ગણતો હતો ત્યારે વીતેલાં ૬૦-૭૦ વર્ષનો ઇતિહાસ મારી નજર સામે તરી વર્યો. હું વિચારતો હતો: ‘આ વૃદ્ધ નારી આખી ઉંમર સુધી સખત કામ કરીને પૈસા મેળવ્યાં છે. પોતે કઠિન જીવન જીવ્યાં, તીર્થયાત્રાની પ્રબળ ઇચ્છાને દબાવીને આ ધન એકઠું કર્યું છે. આજે જીવનની સંધ્યા કાળે, પૂરેપૂરું સંચિત ધન પરોપકારના કામમાં વાપરવા ઇચ્છે છે!’

ગણીને મેં ‘નવસો રૂપિયા છે’ એમ કહ્યું. ત્રણસો રૂપિયાના ઘરેણા હશે. કામ તો થઈ જાય પણ થોડી ઊણપ રહેશે. એની વ્યવસ્થા થઈ જશે.

એમણે કહ્યું: ‘બેટા, મારા પતિના પુણ્યાર્થે કૂવો બનશે. એટલે બીજાના પૈસા તો કેમ લેવાય? અને પૂરા નહિ હોય તો એક મજૂર ઓછો રાખજો અને મને કામે લગાડજો.’ મેં પૂછ્યું: ‘ફઈબા, આ કૂવા પર કેના નામનો પથ્થર લાગશે?’ પોતાની ધુંધળી આંખે નજર કરીને ફઈબાએ કહ્યું: ‘નામની ઇચ્છાથી પુણ્ય ઘટી જાય છે. વળી માણસ તો ક્ષણભંગુર છે, એના નામની શી કીમત?’

મને આ અભણ સ્ત્રીના તર્કથી આશ્ચર્ય અને શ્રદ્ધા બંને થયાં. તે કૂવો બનાવવાના પરોપકારી કામમાં પોતાનું સર્વસ્વ ધન ખર્ચે છે પણ એમને પોતાના કે પતિના નામનો પથ્થર મૂકવાની ઇચ્છા નથી! આજે તો એક લાખ રૂપિયા ખર્ચીને પાંચ-લાખની ઇમારત લોકો બાંધે છે અને એમાં નામ માટે વિદ્વાન અને ધનવાન લોકોમાં ખેંચતાણ ચાલે છે. ઉદ્‌ઘાટન વખતે કોઈ મંત્રી કે નેતાને બોલાવે છે. હું એ નક્કી ન કરી શક્યો કે કોણ મોટો દાની છે અને કોનું દાન વધારે સાત્ત્વિક છે?

થોડા દિવસો પછી એ ગામમાં ગયો અને જોયું તો કૂવો ખોદાતો હતો અને ચંદરી ફઈબા મજૂરોની સાથે ટોપલી ઉપાડતાં. એમની આ લગની અને પરિશ્રમશીલતા જોઈને બીજા મજૂર અને કારીગરો પણ મનપ્રાણ રેડીને કામ કરતા હતા.

કૂવો તૈયાર થઈ ગયો. પણ ચંદરી ફઈબા પરિશ્રમને કારણે થાકીને બીમાર પડ્યા. જે દિવસે હનુમાનજીનું જાગરણ થયું અને પ્રસાદ વહેંચાણો ત્યારે તેઓ બેભાન જેવાં હતાં.

કોઈકે કહ્યું: ‘ફઈબા, તમારા કૂવામાં પાણી ઘણું મીઠું નીકળ્યું છે. પણ તમે વધુ દિવસ એ પાણી નહિ પી શકો.’ એ સાંભળીને ચંદરી ફઈબાએ કહ્યું: ‘અરે! બહેન એમાં મારું શું છે? તમારા બધાની વચ્ચે રહીને કરેલી કમાણીનું આ ધન છે. એ ભલે સારા કામમાં ખર્ચાઈ ગયું. બીજાના કૂવામાંથી આખી જિંદગી પાણી પીધું છે એટલે આ કૂવો ખોદાવીને મેં મારું ઋણ ચૂકવવાનો પ્રયાસ કર્યો છે. મારી આખરી ઇચ્છા છે કે જ્યારે મારો જીવ જાય ત્યારે ગંગાજળને બદલે એ કૂવાનું પાણી મારા મોંમાં પાવું.’

હનુમાનજીના ઉત્સવના જાગરણ વખતે આજુબાજુના કેટલાય ગામના લોકો એકઠા થયા હતા. થોડી વાર પછી બધાની સામે જ ચંદરી ફઈનું અવસાન થયું.

આજે એ ગામ ઘણું મોટું થઈ ગયું છે. બીજા ઘણા કૂવા પણ બન્યા છે પણ ચંદરી ફઈના કૂવાનું પાણી જેવું મીઠું છે એવું મીઠું પાણી બીજા કોઈ કૂવાનું નથી!

Total Views: 17

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.