કાશી સેવાશ્રમના પાંચ બહેરાની વાત સ્વામી ભૂતેશાનંદજી અવારનવાર કરતા. એક સદ્‌ગૃહસ્થે કાશી સેવાશ્રમના અધ્યક્ષ મહારાજને એક પત્ર લખ્યો હતો. એમાં એમણે જણાવ્યું હતું કે તેઓ મહારાજને મળવા અને કંઈક સહાય આપવા ઇચ્છે છે. એમને કોઈ અગવડતા ન પડે એ માટે કાશી સેવાશ્રમના અધ્યક્ષ મહારાજે બધી વ્યવસ્થા કરી હતી. પરંતુ એ સદ્‌ગૃહસ્થ સૌને માટે અપરિચિત હતા. અધ્યક્ષશ્રીએ સૌ પહેલાં તો દરવાનને કહ્યું: ‘અમુક દિવસે એક સજ્જન આવશે. એ આવે એટલે એમને મારી ઓફિસમાં બેસાડજો.’ દરવાને વિનયપૂર્વક કહ્યું: ‘જી, મહારાજ.’ પછી અધ્યક્ષ મહારાજે એ જ વાત ખજાનચી સ્વામીને પણ કહી. જે દિવસે તે સજ્જન આવવાના હતા તે દિવસે એકાદશી હતી એટલે એમને માટે ભંડારી સ્વામીને વિશેષ વ્યવસ્થા કરવાની સૂચના આપી. નિયત દિવસે તે સજ્જન આવ્યા. એ વખતે બરાબર બપોર થઈ ગયા હતા અને ઓફિસ પણ બંધ થઈ ગઈ. સાધુઓની પહેલી પંગત પણ પૂરી થઈ ગઈ હતી. એટલે બીજી પંગતમાં ભોજનના સમયે ભંડારી મહારાજે એકાદશીને દિવસે જે જે ખાદ્યપદાર્થ ખવાય છે તે બધું પીરસ્યું. જમ્યા પછી એ સજ્જન અતિથિગૃહમાં આરામ કરવા ગયા.

સાંજે અધ્યક્ષ મહારાજે એ સજ્જનને બોલાવ્યા અને બધા ખબર-અંતર પૂછ્યા. અધ્યક્ષશ્રીએ પૂછ્યું: ‘કેમ, ખાવાનું તો બરાબર હતું ને?’ સજ્જન : ‘હા, ભંડારી મહારાજે જે કંઈ પીરસ્યું તે મેં આરોગ્યું.’ મહારાજ: ‘શું, શું પીરસ્યું હતું?’ સજ્જને વિનયપૂર્વક કહ્યું: ‘બધું પીરસ્યું હતું. પલાળેલા સાબુદાણા, એક ફળ અને એક કપ દૂધ.’ આ વાત સાંભળીને અધ્યક્ષ મહારાજે ભંડારી સ્વામીને બોલાવ્યા અને પૂછ્યું: ‘તમે કેવી વ્યવસ્થા કરી?’ ભંડારીએ કહ્યું: ‘તમે જેમ કહ્યું હતું તેમ કર્યું.’ એ સાંભળીને અધ્યક્ષશ્રીએ પેલા સજ્જનને કહ્યું: ‘જુઓ, જરાય માઠું ન લગાડતા. ભંડારી મહારાજ કાને થોડું ઓછું સાંભળે છે.’ ત્યાર પછી અધ્યક્ષશ્રીએ ખજાનચી મહારાજને કહ્યું: ‘આમણે આપેલા પૈસા જનરલ ફંડમાં નાખવા.’ પછી જોવા મળ્યું કે એની પહોંચ સાધુ સેવાની આપવામાં આવી હતી. અધ્યક્ષશ્રીએ પેલા સજ્જનને ફરી કહ્યું: ‘ભાઈ, તમે જરાય માઠું ન લગાડતા. ખજાનચી સ્વામી પણ કાને જરા ઓછું સાંભળે છે.’ આવી જ રીતે દરવાન અને અતિથિ નિવાસના જવાબદારી સંભાળનારે પણ મહારાજે જે કંઈ સૂચના આપી તે સાંભળવામાં ભૂલ કરી. અંતે અધ્યક્ષશ્રીએ પેલા સજ્જનને કહ્યું: ‘ભાઈ, તમે જરાય માઠું ન લગાડતા. જુઓ ભાઈ મને પણ કાને ઓછું સંભળાય છે.’

Total Views: 25

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.