સવા ત્રણસો વર્ષ પહેલાંની વાત છે. પોતાના મોટા ભાઈ દારાને મારીને પિતા શાહજહાઁને કેદ કરીને ઔરંગઝેબ દિલ્હીના સિંહાસન પર બેઠો હતો. ધર્મસ્થાનોમાં તોડફોડ કરતો અને જજિયાવેરા દ્વારા યાત્રા સ્થાનોમાંથી કમાણીનો નુસખો પણ કર્યો. કોણ જાણે કેમ એના મનમાં બાદશાહ બન્યા પછી હાજી બનવાની ધૂન લાગી હતી.

જામા મસ્જિદની સામે હિંદુ, મુસલમાન અને શિખોની મેદની જામી હતી. શહેરમાં સુખ્યાત નાગા ફકીર સૌની વચ્ચે ઊભા રહીને હસતા હતા. ઔરંગઝેબ જામા મસ્જિદમાં નમાજ પઢીને બહાર આવ્યો. લોકો ઊભા થઈને બાદશાહને કુર્નિશ કરવા લાગ્યા પણ ફકીર સરમદ તો એમને એમ ઊભા રહ્યા.

એ જોઈને ઔરંગઝેબે કહ્યું: ‘મેં તો સાંભળ્યું છે કે તમે મુસલમાન ફકીર છો. આમ છતાં પણ તમે નાસ્તિકતાની વાતો કરો છો. પવિત્ર મસ્જિદની સામે નગ્ન રહો છો!’

આ સાંભળીને ફકીરના ચહેરા પર એક પવિત્ર આભા છવાઈ ગઈ. તેઓ કહેવા લાગ્યા: ‘અરે, બાદશાહ! અલ્લાહ તો સર્વત્ર વસે છે. મંદિરમાંયે એ જ છે, ગુરુદ્વારામાં પણ એ જ, ગિરિજાઘરમાંયે એ જ અને મસ્જિદમાં પણ એ જ અલ્લાહ વસે છે. મારી નજરે બધાં ધર્મસ્થાન પવિત્ર છે. નાસ્તિક એવા તમારા મૌલવીઓ બકવાસ કરતા રહે છે, જેમણે ખુદાને કોઈ એક પુસ્તકમાં જ પૂરી દીધો છે. તમે મને નગ્ન કહો છો પણ એ બુદ્ધિ વિનાની વાત છે. જ્યારે ખુદાએ મને અને તમને આ જમીન પર મોકલ્યા ત્યારે આપણે કંઈ પહેરીને આવ્યા નથી. તો હવે એમના આ દરબારમાં આવા ખોટા પડદા શા માટે નાખવા?’

ઔરંગઝેબે જોયું કે સરમદ તો છાતી કાઢીને જરાય ખચકાયા વિના એમની સામે ઊભો છે. ડર કે ભયનું નામ નિશાન એના ચહેરા પર ક્યાંય નથી. પરંતુ ઔરંગઝેબ તો ઘણો ચાલાક હતો. તે સામાન્ય લોકોના જજબાતને જાણતો હતો. આટલી મોટી મેદનીમાં પોતાનો ગર્વ ભંગ થવા છતાં પણ હસ્યો અને ગમ ખાઈ ગયો. પછી કહ્યું: ‘તમારી નીડરતા અને હાજરજવાબી પણા પર હું ખૂબ ખુશ છું. ક્યારેક રાજ દરબારમાં બોલાવીને વાત કરીશું.’ હિંદુઓ અને શિખ લોકો તો આ જોઈને ખૂબ ખુશ થયા. પરંતુ કટ્ટર મુસલમાન કાજી અને મૌલવીઓ સમસમી રહ્યા. એ વખતે લોકોનો મનોભાવ જોઈને એ બધા ચૂપ રહ્યા.

થોડા દિવસો પછી એ લોકો બાદશાહ પાસે ગયા અને કહેવા લાગ્યા: ‘હજૂર, સરમદ હંમેશાં કાફરની વાતો કરતો રહે છે. પવિત્ર કુરાન પ્રત્યે બેઅદબી બતાવે છે. તે નરકના કીડા જેવો છે. એને આ દુનિયામાંથી ઉપાડી લેવો જોઈએ. નહિ તો બીજા મુસલમાન સેવકોમાં આ નાસ્તિકતા ફેલાઈ જશે.’

ઔરંગઝેબને તો એ જ જોઈતું હતું કે લોકોમાં સરમદ માટે તિરસ્કાર અને ઘૃણા ફેલાય. તો જ એને મોતની સજા ફરમાવી શકાય. એમને પકડવા સીપાઈઓ રવાના થયા. સરમદ પોતે એ દરમિયાન દિલ્હીથી બહાર ચાલ્યા ગયા. જ્યાં જ્યાં તે જતા ત્યાં ત્યાં હજારો લોકોની મેદની જામતી. એ બધા લોકોને તેઓ કહેતા: ‘ખુદા કે ઈશ્વર એક છે. દુનિયાના બધા માણસો એમને મન પ્યારા સંતાન જેવા છે; પછી ભલે લોકો બધા જુદા જુદા ધર્મ કેમ ન પાળતા હોય! વળી, ખુદાના બંદા પર આ જજિયાવેરો નાખવો એ એમનું હળહળતું અપમાન જ છે.’ આ બધી વાતો વધતી વધતી દિલ્હી સુધી પહોંચી ગઈ. ક્યાંક લોકો બળવો કરી ઊઠે, એટલે એક લશ્કરી ટુકડીને પેલા નાગા ફકીરને પકડીને રાતે ને રાતે દિલ્હીમાં લાલ કિલ્લામાં બંધ કરી દેવાનો હુકમ થયો.

જો કે વાત ખાનગી રાખવાની હતી. આમ છતાં પણ ઔરંગઝેબની બેગમો અને એની પ્રિય પુત્રી જૈબુન્નીશાને આ ફકીરની ગિરફતારીનો ખ્યાલ આવી ગયો. તેઓ આ નાગા ફકીરના દિવ્ય ચમત્કારો વિશે ઘણું ઘણું સાંભળી ચૂકી હતી. જૈબુન્નીશાએ બાદશાહ પાસે જઈને વિનંતીપૂર્વક કહ્યું: ‘પિતાજી, લોકો કહે છે કે સરમદ એક પાકો પહોંચેલો ફકીર છે. એને કેદ કરીને તમે સારું નથી કરતા. અમારી વિનંતી છે કે એ નાગા ફકીરને એના પોતાના દેશ ઈરાનમાં મોકલી દેવા. જો આપનો આદેશ હોય તો હું એકવાર એમને એ બધું સમજાવવા માગું છું. એમ છતાં એ ન માને તો તમે જે કરવા ઇચ્છો છો એ કરજો.’

ઔરંગઝેબના ગળે આ વાત ઊતરી. એમણે સરમદ વિશેનું ફરમાન પાછું લીધું. મનમાં એવું યે વિચાર્યું હતું કે થોડા દિવસોમાં પેલા મૌલવીઓ અને કાજીઓ પણ ઠંડા પડી જશે.

જૈબુન્નીશા લાલ કિલ્લામાં આવેલ ભોંયરામાં સરમદની ઓરડીમાં ગઈ. એમને કહેવા લાગી: ‘બાબા, તમે તો પવિત્ર અને શુદ્ધ મુસલમાન ઓલિયા છો. લોકો તમારું માન-આદર જાળવે છે. તમારી વાતોને માને પણ છે. આપે તો પાક ઈસ્લામના પ્રચારમાં લાગી જવું જોઈએ. હું આપને દરેક રીતે મદદ કરી શકું તેમ છું. પેલા કટ્ટર મૌલવીઓ અને કાજીઓથી રક્ષણ મેળવવા આપની પાસે હંમેશાં દસ-વીસ સીપાઈ અને ધ્યાન રાખનારા રહેશે. આપની સાથે અત્યાર સુધી જે વર્તન વ્યવહાર થયાં એનાથી અમે શરમ અનુભવીએ છીએ.’

આ સાંભળીને સરમદ હસ્યા અને પછી કહેવા લાગ્યા: ‘અરે શાહજાદી સાહેબ! જે સર્વશક્તિમાન અલ્લાહના શરણમાં છે એને તમારી આ ફોજ અને સંભાળ રાખનારાઓની શી જરૂર!! હું તો મુસલમાન પણ નથી, હિંદુયે નથી પણ હું છું એક ઈન્સાન! કદાચ તમને મારી બદદુવાનો ભય લાગે છે, પરંતુ આટલો વિશ્વાસ રાખજો કે સરમદના મનમાં ક્યારેય કોઈને માટે આવી બદગુમા, આવી બદદુવા કે અભિશાપ નથી હોતાં. એ તો બધાંનું ભલું ઇચ્છે છે. તમે તો અત્યારે આ મોગલ સલ્તનતની એક પ્રબળ હસ્તી છો. બાદશાહ તમારી વાત સાંભળે પણ છે. તમારી ફરજ એટલી જ છે કે કેવળ લોકોની તકલીફો દૂર કરો. તમારા પિતાને કહીને મંદિર અને ગુરુદ્વારાને તોડવાનું અને જજિયાવેરો લેવાનું બંધ કરાવો. તમે તો ખુદાને વહેંચીને, આ મારો અને આ તારો કરીને નાનો બનાવી દીધો છે. તમારા પિતા જો હજુયે બધું સમુંસુતર નહિ કરી લે તો એમને પણ જિંદગીમાં ક્યારેય સુખચેન મળશે નહિ. આટલી મોટી સલ્તનત થોડાં વર્ષોમાં જ નેસ્તનાબૂદ થઈ જશે.’

શાહજાદી જૈબુન્નીશા પોતાના પિતાથી પણ કટ્ટર મુસલમાન હતી. એને ફકીરની આ ગુસ્તાખીવાળી વાતો સાંભળીને ક્રોધ આવ્યો. બાદશાહની પાસે જઈને કહેવા લાગી : ‘પિતાજી, એવું લાગે છે કે આ ફકીર પાગલ જ નથી, પણ એક નંબરનો ગુસ્તાખ છે અને નાસ્તિકતાની વાતો જ બક્યે રાખે છે. મારી વિનંતી છે કે એને જેટલી ઝડપથી બની શકે તેટલી ઝડપથી ખતમ કરી નાખો.’

બીજે દિવસે બાદશાહે ફકીરને દીવાને આમમાં બોલાવ્યો. આદેશ આપીને કહ્યું: ‘હે ફકીર! જરા કલમો તો વાંચી સંભળાવો!’ સરમદે કહ્યું: ‘લા ઈલ્લાહ.’ ઔરંગઝેબે મોટા અવાજે કહ્યું: ‘આ તો અધૂરો કલમો છે. એની આગળના શબ્દો પણ બોલો.’

ઔરંગઝેબની વાણી સાંભળીને સરમદે કહ્યું: ‘ઔરંગઝેબ, સરમદ જે વાત પર શ્રદ્ધા-વિશ્વાસ નથી રાખતો, એને કેવી રીતે કહી શકે? હું એવું નથી માનતો કે મહંમદ જ રસુલ્લ એ-અલ્લાહ છે. (કેવળ મહંમદ જ ખુદા કે પયગંબર છે.) મારી દૃષ્ટિએ તો બુદ્ધ, ઈશુ, નાનક પણ મહંમદની જેમ ખુદાના પયગંબર છે.’

હવે તો આ નાસ્તિકતાની હદ થઈ ગઈ. જાહેરમાં પયગંબરની બીજા કાફીરની સાથે સરખામણી કરે છે!

સરમદને વધસ્થાન પર લઈ જવામાં આવ્યો. દિલ્હીના હજારો લોકો રડતા હતા. છાતી કૂટતા હતા. સરમદે હસતાં હસતાં કહ્યું: ‘દોસ્તો, મન્સૂરની ઘટના તો જૂની થઈ ગઈ. હું સૂળી પર ચઢીને એને ફરી તાજી કરીશ.’

જ્યારે જલ્લાદ તલવાર લઈને આવ્યો ત્યારે એના પર પ્રેમભરી નજર નાખીને સરમદે કહ્યું: ‘મારા વહાલા! તમે આવી ગયા? તમે ગમે તે ચહેરે આવો પણ હું તમને ઓળખી જ લઈશ. કારણ કે હું તમારા કણેકણનો જાણકાર છું.’

જલ્લાદ એકવાર તો ખચકાયો. પરંતુ તલવારનો ઘા થયો. સરમદનું માથું ધડથી જૂદું થયું અને એકબાજુએ જમીન પર દડબડવા લાગ્યું.

આ વાતને સવા ત્રણસો વર્ષ વીતી ગયાં. એ દરમિયાન કેટલાય રાજા-બાદશાહ, અમીર, ઉમરાવ આવ્યા અને ગયા. આજે એમને કોઈ ઓળખતું-જાણતું નથી. જામામસ્જિદના નીચેના ખૂણામાં સરમદની એક સામાન્ય કબર છે. એના પર દરરોજ સેંકડો સ્ત્રીપુરુષ પ્રેમ અને ભાવ સાથે ફૂલચાદર ચડાવે છે. એને નમીને પ્રણામ પણ કરે છે. પોતાનાં બાળકો માટે એમની પાસે દુવાઓ પણ માગે છે.

Total Views: 25

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.