ચાતુર્માસનો સમય હતો. વરસાદ રીમઝીમ વરસી રહ્યો હતો. પાણીથી તળાવો, ખાડાઓ છલોછલ ભરાઈ ગયાં હતાં. વૃક્ષ વગેરે બધાં પાણી પીઈ પીઈને પુષ્ટ અને તાજાં થઈ ગયાં હતાં. ખેતરોમાં ધાન્યનાં લીલાં હર્યાંભર્યાં છોડવાઓ નજરે આવતાં હતાં. ચિત્તને આનંદ આપે તેવાં દૃશ્યો સર્વત્ર હતાં. સંન્યાસી પરિવ્રાજક જૂનાગઢ પાસે બિલખા સ્ટેટમાં ચાતુર્માસ કરી રહ્યા હતા. પ્રભુના પીપળા નામના ઘટાદાર અને વિશાળ વૃક્ષ નીચે દરબારશ્રીનું એક નાનકડું મકાન હતું. તેમાં તે સંન્યાસી રોકાયા હતા…

પ્રભુનો પીપળો અર્થાત્‌ પ્રભુનો પીપળ એક પવિત્ર સ્થળ છે. આ પ્રભુનો પીપળો કસ્બાથી બહાર નિતાંત એકાંતમાં દરબારશ્રીના બાગની એક તરફ હતો. ત્યાં અન્ય ઓરડીઓ પણ હતી. પરંતુ તેમાં કોઈ નોકરચાકર રહેતા ન હતા. બધી જ ઓરડીઓ ખાલી પડી રહેતી હતી. રાત્રીમાં ત્યાં નિરવ એકાંતની મજા આવતી હતી. ફક્ત તમરાંની સુરીલી ઝંકાર સિવાય કોઈ શબ્દ સંભળાતો ન હતો. વન્ય પશુઓ ચુપચાપ હરતાં ફરતાં. એક વૃદ્ધ પટેલ સેવકનું કાર્ય કરતો. તે ત્યાં રાતે આરામથી સૂઈ જતો. બહુ ભલો માણસ હતો. પોતાની શક્તિ અનુસાર સેવાકામ કરતો.

એક વાર સંન્યાસીને મેરુ-ભા-ચારણની કથા સાંભળીને દરબાર ગઢથી આવતાં રાતે ઘણું મોડું થઈ ગયું હતું. તે દિવસે વૃદ્ધ પટેલ નોકર રજા લઈને ઘરે ગયો હતો. એથી ત્યાં બીજું કોઈ ન હતું. સંન્યાસી હંમેશની માફક ત્યાં જઈને ઓરડીમાં પલંગ પર સૂઈ ગયા. બારીઓ ઉઘાડી હતી. મંદ મંદ સુશીતલ પવન આવતો હતો. પરંતુ માનો નિંદ્રા દેવી રીસાઈ ગયાં હતાં. પ્રયત્ન કરવા છતાં પણ સંન્યાસીને ઊંઘ આવતી ન હતી. આંખો બંધ થતાં જ મનમાંથી અવાજ આવતો ‘અરે અહીં છે’ જ્યાંથી નિર્દેશ થતો હતો, ત્યાં એક ખૂણામાં સાડા ચાર ફૂટની અભરાઈ હતી. જેમાં દવાઓ ભરેલી હતી. આ અભરાઈમાં પણ કેટલીક દવાઓ રાખવામાં આવી હતી. તે અભરાઈ માથાની તરફ એક ખૂણામાં હતી. બેત્રણ વખત ‘અરે અહીં છે’ સાંભળી, સંન્યાસીએ ઊઠીને ફાનસ લીધું; અને અહીં તહીં જોયું, પરંતુ કંઈ દેખાયું નહિ. પછી સંન્યાસી સૂઈ ગયા. પરંતુ ફરી અરે, ‘અહીં છે’ એવો સ્પષ્ટતર અવાજ સંભળાયો જેથી તેઓ સૂઈ શક્યા નહિ. વિચાર્યું કે મગજમાં કંઈક ઘૂસી ગયું છે. ફરી ઊઠીને ફાનસ લઈને જોયું અને અભરાઈની ઉપર નીચે આજુબાજુ લાઠી ટકરાવી. પરંતુ ક્યાંય કશું જ જણાયું નહિ. પરંતુ પલંગ પર સૂઈ જતાં તરત જ તે જ અવાજ સંભળાતો. અરે આને તો મગજમાં ભ્રાંતિ પેદા કરી દીધી. હવે ઊંઘ આવશે નહિ. શું કરવું?

હવે સંન્યાસી છેલ્લીવાર જોવાનો નિશ્ચય કરી ઊઠ્યા. આજુબાજુ લાકડીથી ખટખટાવીને એક સ્ટૂલ ઉપર ચઢીને અભરાઈ ઉપર લાકડીથી માર્યું. ફોંસ…નો જોરથી અવાજ સાંભળતાં જ સમજી ગયા કે સર્પ છે. તે જોવામાં આવતો નથી. એથી ફરીથી લાકડીથી અભરાઈ ઉપર માર્યું તો આ વખતે ફોં.. ફોં.. અવાજ કરતાં કરતાં એક બાજુએથી સર્પ છટક્યો. નીચે પડી ગયો અને ઉઘાડા બારણેથી નીકળી બહાર ઓસરીમાં ચાલ્યો ગયો. તે ઘણો મોટો કાળો સર્પ હતો. જો તે સંન્યાસી ઉપર આક્રમણ કરત તો સંન્યાસી પોતાને ટિપાઈ પરથી બચાવી શકત નહિ. પરંતુ ઓસરી તો વાડથી ઘેરાયેલી હતી. વાંસની તાજી વાડ હતી અને એક ખૂણામાં દવાઓથી ભરેલી બે મોટી મોટી પેટીઓ પડેલી હતી. કે જેની પાછળ સાપ સંતાયો હતો. હવે શું કરવું? હવે તો સર્પ દુશ્મન બની ગયો હતો. તેના માથે લાકડીનો ઘા વાગેલો હતો. વાડનું બારણું ઉઘાડી નાખ્યું અને એ પેટીઓને ડંડાથી હલાવી હલાવી સર્પને ત્યાંથી હટાવવાની કોશિશમાં સફળતા મળી. સર્પ ત્યાંથી નીકળી સામે વાડની પાસે રાખેલી પાટલી ઉપરથી વાડના છિદ્રમાંથી બહાર જવા લાગ્યો. વાડના છિદ્રો મોટાં હતાં. સર્પ દરવાજા તરફથી જઈ શકતો હતો. પરંતુ ત્યાંથી ન જતાં વાડનાં છિદ્રથી બહાર નીકળવા લાગ્યો. હિંસક પશુઓથી બચવા માટે અટકાવવા આવાં છિદ્રો બનાવેલાં હતાં. સર્પનું અર્ધું શરીર બહાર ગયા પછી સંન્યાસીએ જલ્દી નાસી જવાના ઈરાદાથી એક ફટકો માર્યો. તો સાપનું હાડકું તૂટી ગયું અને શરીર લટકવા લાગ્યું. ગુસ્સામાં આવી જઈને સાપ ભયંકર ફૂંફાડા મારવા લાગ્યો અને વાડ ઉપર ઝપટો મારવા લાગ્યો. ૧૫-૨૦ મિનિટ સુધી ઝપટો મારતો રહ્યો. તેને પરિણામે વાંસની ધારદાર કિનારીઓથી સાપના મોંના ટુકડે-ટુકડા થઈ ગયા. અને તે મરી ગયો. દૂર દૂર સુધી ચારેય તરફ લોહીના છાંટા ઊડ્યા. આખરે બે કલાક બાદ અગ્નિ-સંસ્કાર દ્વારા તેની અંતિમ ક્રિયા સંન્યાસીએ કરી અને ક્ષમા માગી. સર્પ સાત હાથ લાંબો હતો. એ પછી સંન્યાસી પોતાના ઓરડામાં જઈ સૂઈ ગયા. સવારે ઊઠ્યા ત્યાં સુધી તો પટેલ વૃદ્વ આવી ગયા હતા. અરે અહીં છે એમ બતાવનાર કોણ હતું? જય ભગવાન!

ઈશ્વર રક્ષા કરે છે. સંન્યાસીને પોતાના જીવનમાં એક નવો અનુભવ થયો કે આવા ભયંકર સમયમાં પણ ઈશ્વર મનુષ્યની કેવી રીતે રક્ષા કરે છે.

(અનુવાદક : શ્રીમોહનભાઈ ટી. ઠક્કર, અમદાવાદ)

Total Views: 31

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.