ગૃહત્યાગ (ઈ.સ. ૧૯૧૬)

ઈ.સ. ૧૯૧૬નું વર્ષ હતું. (ઈ.સ. ૧૯૧૪માં ગૃહત્યાગ કરી વારાણસી તરફ ગયેલ હતો. સાથે સહપાઠી રમાપતિ પણ હતો. એને કારણે વિચિત્ર કારણોસર ઘેર પાછા ફરવા મજબૂર બન્યો. બેલુર મઠમાં પૂ. બાબુરામ મહારાજ(સ્વામી પ્રેમાનંદ)નું આકર્ષણ હતું. આખરે તેમના જ આદેશ અનુસાર હું મઠમાં સમ્મિલિત થયો. ઈ.સ. ૧૯૧પ-૧૬થી જ મઠના સ્થાયી સદસ્યના રૂપમાં રહેવાનું શક્ય બન્યું. ઈ.સ. ૧૯૧૮ની શરૂઆતમાં વારંવાર મલેરિયા-ગ્રસ્ત થવાને કારણે વચ્ચે વચ્ચે ઘર કે હજારીબાગ જેવાં સ્થાનોએ જવું પડ્યું હતું.) જે રવિવારે ઘર છોડ્યું, તે દિવસે મન ખૂબ ઉદાસ હતું. સાંસારિક જીવનમાં જરાયે રુચિ નહોતી, પોતાના પ્રિયજનો સાથે પણ વાત કરવાની ઇચ્છા થતી નહોતી. કેવળ એક જ ઇચ્છા હતી કે જગદંબાને પોકારતો જ રહું તથા ક્યાંક ચાલી નીકળું. આમ કરવામાં શરીરનો ત્યાગ થાય તો ભલે થાય—મનમાં આ જ પ્રબળ ભાવના હતી. ક્યારેક ક્યારેક તો આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગતી, ખૂબ પ્રયત્ન કરતો કે કોઈ આ જાણે નહીં. બધા પૂછતા, “તને આ શું થઈ ગયું છે?”

સ્વર્ગસ્થ વિનયકુમાર સેનની જ્યેષ્ઠ પુત્રીને હું “બડી-મા” કહીને સંબોધિત કરતો હતો. તે દિવસોમાં પ્રત્યેક રવિવારે બડી-મા પાસે જઈને ભોજન કરતો હતો. ગૃહત્યાગ કર્યા પછી મેં જગદંબાને પ્રાર્થના કરેલી, “મા, આમને એક સંતાન આપજે, જેથી તેઓ મને ભૂલી જાય.” માએ મારી પ્રાર્થનાનો સ્વીકાર ત્રણ વર્ષ પછી કરેલો.

તે રવિવારે જમવા નીકળ્યો પછી ઘેર પાછો ન ર્ફ્યો. બડી-માને ઘેર ભોજન લેવા માટે નીકળ્યો હતો, પરંતુ બડી-મા પાસે પણ ન ગયો. જો કે, બે-ત્રણ વખત તેમની વિદાય લેવાની તીવ્ર ઇચ્છા પણ થઈ, પરંતુ મારું મન ખૂબ ઉદાસ હતું. તે બડી-મા જોતાંવેંત જ સમજી જાત. બડાબજારના જગન્નાથ ઘાટ ઉપર જઈને મસ્તકનું મુંડન કરાવ્યું. ત્યારબાદ ગંગાસ્નાન તથા નાસ્તો કરીને સીધું જ ગ્રાંડ ટ્રંક રોડ ઉપર ચાલવાનું શરૂ કર્યું. બેલુર સુધી પહોંચીને મઠમાં જવાની ઇચ્છા તો થઈ, પરંતુ એવી આશંકાથી આગળ ચાલવાનું ચાલુ જ રાખ્યું કે મને શોધી રહેલ ઘરના લોકોની પકડમાં ન આવી જાઉં.

શ્રીરામપુર

સાંજે રામપુર પહોંચ્યો. દિવસભર કંઈ જ ખાધું નહોતું. તેથી કકડીને ભૂખ લાગી હતી અને આગળ ચાલવાનું કઠિન પણ લાગી રહ્યું હતું. એવું વિચારીને ચાલતાં ચાલતાં જ કપડાં તેમજ પગરખાં ફેંકી દીધાં કે હવે તો હું ભિક્ષુક છું, આથી આ બધાંની જરૂર જ શું છે? જ્યારે નીકળ્યો ત્યારે પાસે ફક્ત દશ આના જ હતા. આમાંથી જ હજામને તથા ટ્રામનું ભાડું આપવું પડ્યું હતું.

ચાલતાં ચાલતાં વિચારી રહ્યો હતો, “શું કંઈક ખાવાનું ખરીદું?” કારણ કે ભિક્ષા માગવી તો અસંભવ લાગતું હતું. ત્યારે જ સ્ટેશન પાસે એક યુવકે મને પૂછ્યું, “ક્યાં જાઓ છો?” મેં કહ્યું, “ત્રિવેણી”—આ જ યાદ આવ્યું.

યુવકે કહ્યું, “ગાડી આવવાની હજુ વાર છે. ચાલો, નાસ્તો-પાણી કરીએ અને બે-ચાર વાતો પણ થઈ જાય!” હું તો અચંબિત થઈ ગયો. એક તો કોઈ પરિચય નહીં, બીજું શરીર ઉપર શ્વેતવસ્ત્ર કે તિલક જેવાં કોઈ ચિહ્નો પણ નહોતાં—મા, તારી લીલા અદ્‌ભુત છે!! મેં કહ્યું, “ભાઈ, મારી પાસે એટલા પૈસા તો નથી કે જેથી ગાડી મારફત જઈ શકું.” ત્યાર બાદ અલ્પાહાર કરવા માટે તે યુવકની સાથે દુકાને ગયો. ખૂબ તૃપ્તિ સાથે રાજભોગ અને રસગુલ્લાં ખાધાં, યુવકે પૈસા ચૂકવ્યા અને કહ્યું, “ચાલો, ગાડીનો સમય થઈ ગયો છે. હું ચંદનનગર સુધીની ટિકિટ કપાવી દઈશ.” મને તો વધારે આશ્ચર્ય થયું. શાસ્ત્રોમાં લખ્યું છે અને સાધુજનો પણ કહે છે કે પોતાનું જન્મસ્થાન જોઈને જ ગૃહત્યાગ કરવો જોઈએ. મારું પણ આમ જ થઈ રહ્યું હતું. મારો જન્મ ચંદનનગર કે સૈયદપુરમાં થયો હતો તે બરાબર યાદ નથી. સંભવતઃ સૈયદપુરમાં થયો હતો. પરંતુ પાછળથી મકાન ચંદનનગરમાં બનાવ્યું હતું. ગર્ભધારિણી માતાના અવસાન સુધીનો બાળપણનો અધિકાંશ સમય પણ ત્યાં જ વ્યતીત થયો હતો.

ચંદનનગર

સંધ્યા સમયે ચંદનનગર પહોંચ્યો. મકાન તો ગ્રાંટ-ટ્રંક રોડ પર હતું, પરંતુ પરિચિત લોકો જોઈ ન જાય એટલા માટે સ્ટેશનથી બહાર નીકળી બગીચાઓના રસ્તે ફરી ફરીને મકાનની સામે પહોંચી ગયો. ત્યાં સુધી આશરે રાત્રિના સાડા સાત અથવા આઠ વાગી ગયા હતા. ઘરમાં મારા મોટા ભાઈ સપરિવાર રહેતા હતા. પિતા તથા અમે ત્રણ નાના ભાઈઓ કલકત્તામાં રહેતા હતા. તથા મારા સૌથી મોટા ભાઈ મૈમનસિંહ (હાલમાં બાંગ્લાદેશમાં) રહેતા હતા. ફાટકથી મકાન ઘણું દૂર હતું, વચ્ચે બગીચો હતો. આથી કોઈ મળી જાય તેવી સંભાવના ખૂબ ઓછી હતી. તો પણ ડરતો ડરતો દરવાજા સુધી પહોંચ્યો અને હાથ જોડીને ગૃહ-દેવતા તથા સ્વર્ગીય સંબંધીઓને પ્રણામ કરીને વિદાય લીધી.

ગોસાંઈ ઘાટ

દરવર્ષે ઇટખોલા અથવા ગોસાંઈ ઘાટમાં સ્વદેશી મેળો ભરાય છે, રાતવાસો ત્યાં જ કર્યો. ગંગાની શીતળ હવા હોવા છતાં મચ્છરોના ભયંકર ઉપદ્રવને કારણે ઊંઘ ન આવી. વહેલી સવારે ચાર વાગે સ્નાન કરીને ત્રિવેણી તરફ ચાલી નીકળ્યો. દેહ-મનમાં દુર્બળતા હતી. આખા દિવસમાં કાંઈ ખાવાનું મળ્યું નહોતું. ચાલવાનું દુષ્કર લાગી રહ્યું હતું. કાંકરા ઉપર ખુલ્લા પગે ચાલવાથી પગમાં છાલાં પડી ગયાં હતાં. મનમાં ને મનમાં વિચાર કરી રહ્યો હતો, “એક જ દિવસમાં શરીરની આ હાલત થઈ ગઈ છે, જો બે-ત્રણ દિવસ ભૂખ્યા રહીને બસ્સો માઈલ ચાલવાનું થયું તો? અચાનક મૃત્યુ પણ આવે તોપણ હવે તો પાછું ફરવાનું અસંભવ છે. સડક પરનાં ભૂખ્યાં કૂતરાં કરતાં પણ વધુ દુર્ગતિ થઈ શકે છે, કારણ કે તેઓ તો ઉચ્છિષ્ટ ખાઈ શકે છે, પરંતુ મનુષ્ય હોવાને કારણે મારે માટે એવું કરવાનું પણ સંભવ નથી. જ્ઞાની લોકો નિર્વિકાર ભાવે બધું જ ખાઈ શકે છે, પરંતુ હું તો જ્ઞાની પણ નથી, આથી મારી દશા તો એવાં કૂતરાં કરતાં પણ વધારે ખરાબ થશે. આ જ રીતે કદાચ મૃત્યુ પણ થઈ જાય! પરંતુ મા, હવે કંઈ પણ થાય, પાછા ફરવાનું અસંભવ છે.

મિત્રની સાથે આ પહેલાં કરેલી યાત્રા (ઈ. સ. ૧૯૧૪)

અહીં એક અન્ય વાતનો પણ ઉલ્લેખ કરવો આવશ્યક છે. ૧૯૧૪માં સાધુ બનવાની ઇચ્છા સાથે મારા એક મિત્ર રમાપતિની સાથે ખાલી હાથે વારાણસી માટે રવાના થયો હતો. વિચાર્યું હતું કે ત્યાં પહોંચીને, સંન્યાસ લઈને શાસ્ત્ર વગેરેનું પઠન કરીશ; સંસાર મલિન છે, તેથી સંસારમાં કોઈ સંબંધ રાખવો નથી. નક્કી કર્યું હતું કે અમે બન્ને હાવડા સ્ટેશન પર મળીશું. સંધ્યા થતાં જ હું ત્યાં પહોંચી ગયો હતો અને મિત્ર લગભગ આઠ વાગ્યે ત્યાં આવ્યા. ચાલતાં ચાલતાં જ વારાણસી જવાની વાત હતી, પરંતુ મારા મિત્ર પોતાની સાથે અમુક રૂપિયા લાવ્યા હતા અને જણાવ્યું કે વર્ધમાન સુધી ટ્રેનમાં અને ત્યાર બાદ પગે ચાલીને જઈશું. તથાસ્તુ!

ટિકિટ લઈને બન્ને ગાડીમાં બેસી ગયા અને સાડાબાર વાગ્યે વર્ધમાન પહોંચ્યા. કચેરીની પાસે એક બ્રાહ્મણ દંપતીના નાના એવા ઢાબામાં ભોજન કર્યું. તેમણે પૂછ્યું, “ક્યાંથી આવો છો અને ક્યાં જઈ રહ્યા છો?” જવાબ આપ્યો, “કાશી જઈશું, પાસે પૈસા નથી એટલે પગપાળા જઈશું.” તેઓ ખૂબ દયાળુ હતાં. વિશેષતઃ બ્રાહ્મણી ખૂબ દયાળુ હતી. જમવાના પૈસા ન લીધા અને એ ઢાબાના એક ઓરડામાં ચટાઈ બિછાવીને અમારા સૂવાનો પ્રબંધ કરી દીધો. આમ, અનાયાસ જ રાત્રિ-નિવાસ સુખરૂપ રહ્યો. ભગવત્‌ કૃપા વિશે વિચારીને ખૂબ આનંદ થયો.

સવારે બ્રાહ્મણ દંપતીની વિદાય લઈ અમે ગ્રાંટ ટ્રંક રોડથી કાશી માટે રવાના થયા. વર્ધમાનમાં થયેલ ભારે વરસાદ પછી જ અમે ચાલવાનું શરૂ કર્યું હતું, એટલે ચોતરફ પાણી ભરેલું હતું. આકરા તડકાને લીધે બપોરના બાર સુધી ચાલ્યા બાદ અમે ખૂબ થાકી ગયા હતા. તરસ પણ ખૂબ લાગી હતી. પૈસા તો પાસે હતા નહીં, મેં કહ્યું, “નજીકના કોઈ ગામમાં જઈએ, ઈશ્વરની ઇચ્છા હશે તો કંઈક ખાવાનું મળશે.” પરંતુ મિત્રે કહ્યું, “હવે તો કંઈ પણ ખાધા વગર એક ડગલું પણ આગળ ચાલી શકીશ નહીં.” ખૂબ કઠિન લાગ્યું અને વિચાર્યું, “એકલો આવ્યો હોત તો સારું હતું. પરંતુ હવે કોઈ ઉપાય પણ ક્યાં હતો? સડકને છેડે એક નાની એવી ઝૂંપડી દેખાઈ રહી હતી. મેં કહ્યું, “પેલી ઝૂંપડી સુધી ચાલો.” જઈને જોયું તો એ મમરાની દુકાન હતી. દુકાનદાર મુસલમાન હતો. મેં મિત્રને કહ્યું, “સંન્યાસી બનવા જઈ રહ્યા છો, તો ભેદભાવ ત્યજવા પડશે. તમારી પાસે બે પૈસા છે, તે આપો તો તમારા માટે બે પૈસાના ચણા-મમરા ખરીદી લાવું.” પહેલાં તો તેમણે આનાકાની કરી, પરંતુ પછી ભૂખને કારણે હા ભણી દીધી. દુકાનદાર મહિલાએ કહ્યું, “હું મુસલમાન છું, શું તમે મારા હાથનું ખાશો?” મેં જવાબ આપ્યો, “હું નાત-જાતમાં માનતો નથી, બધાં ઈશ્વરનાં જ સંતાન છે. ફક્ત સ્વચ્છતાનો આગ્રહ રાખું છું અને એ પણ સ્વાસ્થ્યને અનુલક્ષીને.” મારા મિત્ર થોડે દૂર તળાવના કિનારે બેઠા હતા. મુસલમાન મહિલા આશ્ચર્યચકિત થઈને જોવા લાગી અને બોલી, “વાત એકદમ સાચી છે.” ખુશ થઈને તેણે થોડા ચણા-મમરા વધારે આપ્યા અને સાથે ગોળ પણ આપ્યો. મેં પણ મિત્રની સાથે તેમાંથી જ બે મુઠ્ઠી ખાધું અને ત્યાર બાદ નજીકના ગામનો રસ્તો પૂછી અમે તે તરફ જ ચાલી નીકળ્યા.

થાણા જંકશન ત્યાંથી થોડું જ દૂર હતું અને તેની દક્ષિણ દિશાએ અર્ધો માઈલ દૂર એક ગામ હતું, તેનું નામ અત્યારે યાદ નથી. અમે જમીનદારના મકાનમાં ગયા. જમીનદાર મહાશય ભોજન બાદ આરામ કરી રહ્યા હતા. સાંભળ્યું કે અતિથિ આવ્યા છે, તેથી ઊઠીને બહાર આવી અમારા આવવાનું કારણ પૂછ્યું. અમે કશું ખાધું નથી, તે સાંભળીને મમરા અને ગોળ મગાવી આપ્યો. મેં તો થોડું જ ખાધું, પરંતુ મિત્ર અર્ધો શેર ખાઈ ગયા. મારા મિત્ર મહાકાય હતા અને તેમને ભૂખ પણ ખૂબ લાગી હતી.

હું પોતે ઠીંગણો અને નાનો એવો છું, પરંતુ ભૂખ મને પણ કંઈ કમ લાગતી નહોતી. જમવાની વાત નીકળી, એટલે મેં કહ્યું, “આપને ત્યાં જમીશું.” મારા મિત્ર કટ્ટર વૈષ્ણવ બ્રાહ્મણ હતા. એટલે પાપના ભયથી જમીનદાર મહાશય જમાડવા રાજી થયા નહીં. હાય રે પાપ! એક થાકેલું-માંદલું શરીર સ્વેચ્છાએ જમવા ઇચ્છે છે તોપણ ભયને કારણે રાંધેલો ભાત આપશે નહીં! પુરોહિત લોકો પણ જનતાના મગજમાં કેવી પાપબુદ્ધિ ઠસાવી ગયા છે! અ-બ્રાહ્મણોને આવું કહી કહી ને કે “તમે નીચ છો, તમે હીન છો, તમે અપવિત્ર છો, તમારું સ્પર્શેલું બ્રાહ્મણ લોકો ખાઈ શકે નહીં.” કેટલી લઘુતાગ્રંથિ ઠસાવી દીધેલ છે..! આ કારણે ઘરની મહિલાઓએ દાળ-ભાત-બટાકા વગેરે આપીને ચૂલો સળગાવી દીધો અને પાણી પણ આપ્યું. એ પછી રસોઈ કરવાનું દાયિત્વ મારા ઉપર આવી પડ્યું. મારા મિત્ર ઉંમરમાં મારાથી મોટા હતા અને આ કામમાં તેમનો બહોળો અનુભવ પણ હતો, પરંતુ તેઓ તો જડની માફક પડ્યા રહ્યા અને બોલ્યા, “મારામાં તો બેસવાની પણ શક્તિ નથી, તમે જ બનાવો.” મેં કહ્યું, “ઠીક છે ભાઈ, એમ જ થશે.” ભાત અને બટાકાને ઉકાળવા માટે ચૂલા ઉપર ચડાવી દીધા અને તે દરમ્યાન દૂધ, ખાંડ અને કેળાં પણ આવી ગયાં. ચાર વાગ્યે અમે તૃપ્તિપૂર્વક ભોજન કર્યું.

ત્યાર બાદ મેં કહ્યું, “ભાઈ, હવે બરાબર વિચારીને નક્કી કરી લો કે વારાણસીનો રસ્તો પકડવો છે કે ઘરનો. હજુ પણ આપણે ઘરથી વધારે દૂર આવ્યા નથી. રસ્તામાં ફરી આજના જેવી હાલત થશે તો મુશ્કેલી થશે. સંન્યાસી બનવું ખૂબ કઠિન છે. આપણે તો આ બાબતે પહેલાં જ વિચાર-વિમર્શ કરી લીધો હતો. પાસે રૂપિયા-પૈસા હશે નહીં અને ભિક્ષા માગવાની આદત નથી. ભોજન ક્યારેક મળશે, તો ક્યારેક નહીં. ઈશ્વરની કૃપા ઉપર નિર્ભર થયા સિવાય કોઈ ઉપાય નહીં હોય. જો એક જ દિવસમાં તમારી આ હાલત થઈ ગઈ છે, તો પાછળથી શું કરશો? જે કરવાનું છે, તે હમણાં જ નક્કી કરી લો. ટ્રેનમાં આવતી વખતે તો તમે ખૂબ આનંદથી ગાઈ રહ્યા હતા, આથી વિચાર્યું હતું કે અંત સમય સુધી બધું સુખરૂપ ચાલશે પરંતુ આજે સવારથી જ તમે ખૂબ ગંભીર અને ઉદાસ દેખાઈ રહ્યા છો. સાચું કહો, ઘેર પાછા ફરવાની ઇચ્છા થઈ ગઈ છે કે નહીં? એક દિવસની અંદર જ તમે તો ગભરાઈ ગયા છો. સ્ટેશન પાસે જ છે. ચાલો, તમને ગાડીમાં બેસાડી દઉં, આગળ હું એકલો જ જઈશ.”

મિત્ર રમાપતિ ખુશ થઈ ગયા. જમીનદાર પરિવારની વિદાય લઈ અમે થાણા જંક્શન પહોંચ્યા. રમાપતિ વયમાં મારા કરતાં મોટા અને મહાકાય હતા, પરંતુ રંગ શ્યામ હતો, એટલે અમે તેમને ‘કાળો માણિક’ કહીને બોલાવતા. સ્ટેશને પહોંચીને રડતાં રડતાં તેઓ મને કહેવા લાગ્યા, “પહેલાં મને મારે ઘેર પહોંચાડી દે પછી તારી જ્યાં ઇચ્છા હોય ત્યાં જજે, હું એકલો નહીં જાઉં. મારી પાસે પૂરતા પૈસા પણ નથી, ફક્ત આઠ આના જ છે, તેનાથી હું કલકત્તા કેવી રીતે પહોંચીશ? મને કલકત્તા પહોંચાડી દે પછી તું વારાણસી જજે.”

તેની કરુણ વિનંતી સાંભળીને હું દુવિધામાં પડી ગયો કે હવે શું કરું? કેવી રીતે આને કલકત્તા પહોંચાડું? મેં કહ્યું, “તમને ગાડીમાં બેસાડી દઈશ, પછી ભગવાનનું નામ લઈને ચાલ્યા જજો. મને હવે છોડો.” પરંતુ તેઓ સહેલાઈથી મને છોડે તેવા નહોતા. કોઈ રીતે માન્યા નહીં. દરમ્યાનમાં કલકત્તા જતી છેલ્લી ગાડીના આવવાનો સમય થઈ ગયો હતો. હું વિચારમાં પડ્યો, શું કરું?

રમાપતિ સ્ટેશન માસ્ટરની ઓફિસમાં પાણી પીવા ગયા. તેમને પાછા આવવામાં વાર લાગી એટલે આશંકા થઈ કે ક્યાંક તેઓ ટિકિટ લેવાની પેરવી તો નહીં કરી રહ્યા હોય ને? મારો સંદેહ સાચો પડ્યો. તેઓ રડી રડીને સ્ટેશન માસ્ટરને કહી રહ્યા હતા, “કલકત્તા જવું છે, પરંતુ પૈસા નથી. કૃપા કરીને આપ કોઈ પણ રીતે મદદ કરો.” સ્ટેશન માસ્ટરે કોઈ ઉત્તર ન આપ્યો અને આસિસ્ટન્ટ સ્ટેશન માસ્ટરના કાનમાં કંઈક કહીને ઝડપથી ગામ તરફ ચાલવા લાગ્યા. આ જોઈને મેં રમાપતિને ઠપકો આપ્યો અને મનમાં ને મનમાં કંઈક બનવાની ભીતિ લાગી. એક વિપત્તિ પછી હવે આ બીજી વિપત્તિ! હવે તો જેવી જગદંબાની ઇચ્છા!

તે જ વખતે એક મહાશય મારી પાસે આવ્યા અને કહેવા લાગ્યા, “સ્ટેશન માસ્ટર પોલીસને બોલાવવા ગયા છે. ગાડીના આવવાનો સમય થઈ ગયો છે. તેમાં બેસીને તમે લોકો અહીંથી નીકળી જાઓ, નહીંતર ખૂબ મુશ્કેલીમાં મુકાઈ જશો.” મેં કહ્યું, “અમે તો કંઈ કર્યું નથી.” “તમે કંઈ કર્યું નથી, પણ આ સજ્જન (મારા મિત્ર) સ્ટેશન માસ્ટરની પાસે ટિકિટ માગી રહ્યા હતા. વાત એમ છે કે કાલે રાત્રે અહીં ચોરી થયેલ અને ચોરોના તે સમૂહમાં એક કાળો અને લાંબો માણસ હતો, સ્ટેશન માસ્ટરને શંકા છે કે તે માણસ એ જ તમારો મિત્ર છે.”

હે ભગવાન! આ તે કેવી અણધારી આપત્તિ આવી પડી? આ વાત સાંભળીને મારા મિત્ર તો બીકના માર્યા રડવા લાગ્યા. આવી ઉપયોગી માહિતી માટે તે સજ્જનનો ખૂબ આભાર માન્યો. બીજો કોઈ ઉપાય જ નહોતો, તેથી તેમણે કહ્યા મુજબ ગાડી આવી કે અમે ટિકિટ વગર જ એમાં બેસી ગયા. માની ઇચ્છા મુજબ જ થશે. બંને અલગ અલગ ડબ્બામાં બેઠા હતા. ટિકિટ-ચેકરના હાથે પકડાવાના ડરથી વર્ધમાન સ્ટેશન આવતાં જ અમે ગાડીમાંથી ઊતરી ગયા. એક-બે પોલીસ આંટા મારી ગયા, પણ કોઈ ટિકિટ ચેકર આવ્યો નહીં. ગાડી ઊપડી કે અમે ફરીથી તેમાં બેસી ગયા. આ વખતે અમે એક જ ડબ્બામાં બેઠા. લિલુઆમાં પકડાઈ જવાનો ભય હતો. પરંતુ ત્યાં એક પરિચિત રહેતા હતા, તેમની પાસેથી ઉધાર પૈસા લઈ લઈશું એવું વિચારીને નિશ્ચિંત થઈ ગયા.

ગાડી બેલુર પહોંચતાં જ મારા મિત્ર નીચે ઊતર્યા. મને લાગ્યું કે કદાચ પાણી પીવા ગયા હશે. ગાડી ઊપડવાની વ્હીસલ થઈ તોપણ તેઓ ન આવ્યા એટલે હું ચિંતિત થયો. પ્લેટફોર્મ તરફ નજર કરી તો જોયું કે આસિસ્ટન્ટ સ્ટેશન માસ્ટરે મારા મિત્રને પકડ્યા હતા અને કોઈ વાદવિવાદ ચાલી રહ્યો હતો. મિત્રને આવી વિપત્તિમાં એકલા મૂકી અહીંથી ચાલી જવું ઉચિત ન જણાતાં, માનું નામ લઈને હું પણ ઊતરી ગયો અને ગાડી આગળ ચાલી ગઈ. જઈને આસિસ્ટન્ટ સ્ટેશન માસ્ટરને પૂછ્યું, “શું વાત છે?” તેમણે મારા મિત્રને બતાવીને કહ્યું, “આ સજ્જન જૂઠું બોલી રહ્યા છે. તેઓ ગાડીમાંથી ઊતરીને ટિકિટ ખરીદવા આવ્યા હતા, અને મેં પકડી લીધા. જો સાચું બોલ્યા હોત તો હું છોડી દેત, પરંતુ તેઓ જૂઠું બોલ્યા એટલે હવે તો પૈસા લઈને જ છોડીશ. તમારા મિત્રે પોતાનો પરિચય બેલુરના રહેવાસી તરીકે આપ્યો, જ્યારે બેલુર ક્યાં આવ્યું છે, તે પૂછ્યું તો ઊલટી દિશામાં બતાવ્યું.” ત્યાં સુધીમાં સ્ટેશન માસ્ટર પણ ત્યાં આવી પહોંચ્યા. મેં કહ્યું, “બહુ થયું, હવે છોડી દો એમને.” બંને સ્ટેશન માસ્ટરે કહ્યું, “ઘણા લોકો પાસે પૈસા નથી હોતા, પરંતુ તેઓ સાચું કહી દે તો અમે તેમને ઘણી વખત છોડી મૂકીએ છીએ અથવા તો ટિકિટ ખરીદવામાં મદદ પણ કરીએ છીએ.” સ્ટેશન માસ્ટર બોલ્યા, “હું કદાચ જવા દેત પરંતુ આ આસિસ્ટન્ટ માસ્ટર ખૂબ કડક છે.” મેં કહ્યું, “તોપણ તેઓ સારા છે, કારણ કે દયાળુ છે.” આ રીતે મારા મિત્રને છોડાવી લીધા. બંને સ્ટેશન માસ્ટર ચાલ્યા ગયા. ઈશ્વરકૃપાથી બંનેને મારી ઉપર શંકા ન ગઈ, એટલે પૂછ્યું નહીં કે હું ક્યાંથી આવું છું? આ બધો સમય મારા મિત્ર શરમના માર્યા એક પણ શબ્દ બોલ્યા વગર ચૂપચાપ ઊભા હતા. એ બોલ્યા હોત તો મુશ્કેલીમાં વધારો થયો હોત.

સ્ટેશનના અંધારા પ્લેટફોર્મ ઉપર એક બેંચ પર બેસીને મેં પૂછ્યું, “મને કહ્યા વગર ટિકિટ ખરીદવા કેમ ગયા હતા? જો મેં પ્લેટફોર્મ તરફ જોયું ન હોત તો તમે અહીં જ રહી જાત અને ખૂબ મુશ્કેલીમાં મુકાઈ જાત.” મિત્ર બોલ્યા, “વિચાર્યું, આઠ આના બચ્યા છે, જો લિલુઆમાં પકડાઈ જઈશું તો ખૂબ મુશ્કેલી થશે, એટલે અહીંથી જ બે ટિકિટ ખરીદી લઉં.” આ વિષય પર વધુ ચર્ચા ન કરતાં મેં કહ્યું, “બોલો, હવે શી ઇચ્છા છે? બેલુર મઠ અહીંથી જેટલો દૂર છે, લગભગ એટલું જ દૂર હાવડા સ્ટેશન છે. કદાચ આટલી રાતે મઠમાં જગ્યા ન મળે, અને તમને સાથે લઈને ત્યાં જવાની મારી ઇચ્છા પણ નથી. હાવડા જવાની ઇચ્છા હોય તો રેલવે-પાટાને સમાંતર ચાલો.” તેઓ હાવડા જવા તૈયાર થઈ ગયા. મને થયું કે એક વખત તેમને હાવડા પહોંચાડી દઉં એટલે શાંતિ. ત્યાં જ હાથ જોડીને તેમની વિદાય માગી લઈશ.

અંધકારમય રાત્રિ હતી. ખૂબ મુશ્કેલીથી ચાલવાનું શરૂ કર્યું. વચ્ચે આવતા તાર, પથ્થર કે રેલવેના પાટાની ઠોકરો ખાતાં ખાતાં અમે લિલુઆ પહોંચ્યા. સ્ટેશન ઉપર અંધારું હતું. મેં રમાપતિને કહ્યું, “ચુપચાપ મારી સાથે ચાલો. કોઈ કંઈ પૂછશે તો જવાબ હું આપીશ.” લગભગ અર્ધા પ્લેટફોર્મ સુધી આવી ગયા હતા ત્યાં કોઈએ પૂછ્યું, “કોણ છે?” જવાબ આપ્યો, “અમે છીએ.” તે કંઈ બોલ્યો નહીં, સૂઈ ગયો. અમે પણ આરામથી સ્ટેશન વટાવી હાવડા તરફ ચાલવા લાગ્યા. રેલવેના પાટાની સમાંતર ચાલવું ખતરનાક હતું, એટલે શહેર વચ્ચેથી થઈ હાવડા સ્ટેશને પહોંચી ચા-નાસ્તો કર્યો.

ત્યાર બાદ ત્યાં જ એક બાંકડા ઉપર બેસીને મેં કહ્યું, “મિત્ર, હવે મને રજા આપો. કલકત્તા સુધી તો પહોંચાડી દીધા, અને આશા છે કે હવે જાતે જ તમારા ઘેર પહોંચી જશો, આટલી રાતે ન જતા, સવારે જજો. હું પણ મારા ઘેર જઈશ. તમારી સાથે આવીને મને એક મહાન શીખ મળી કે ‘બે વ્યક્તિ સાથે મળીને ક્યારેય ગૃહત્યાગ ન કરી શકે. સંગી લઈને સાધુ ન થવાય’ અને હજુ સુધી મારો સમય પાક્યો નથી, નહીં તો ઈશ્વર મને આવી રીતે પાછો કેમ લાવે? પરંતુ મારા જીવનનું લક્ષ્ય ત્યાગાશ્રમ, સંન્યાસ જ હશે. બીજી એક વાત—મિત્ર હોવાને નાતે મારા મનની ઇચ્છા મેં જણાવી હતી અને તમે તમારી પોતાની ઇચ્છાથી મારી સાથે આવવા રાજી થયા હતા એટલે એમાં મારી કોઈ જવાબદારી નથી. સંન્યસ્ત સ્વીકારવા પહેલાં, તે માર્ગે જતાં પહેલાં તેમાં પડતી મુશ્કેલીઓ તથા કઠિન જીવન ઉપર આપણે ચર્ચા કરી હતી. બધું સમજી-વિચારીને જ તમે આ માર્ગ પર ચાલવા સંમત થયા હતા. તમે આટલા દુર્બળ, કોમળ હશો તેની મને કલ્પના નહોતી. ખેર, ઘરના પુત્ર જ છો, ઘેર પાછા જાઓ. હું તો ચાલ્યો.”

આટલું કહીને, તેમને સ્ટેશન પર જ મૂકીને રાતના લગભગ બે-અઢી વાગે મારે ઘેર પહોંચ્યો. સવારે ખૂબ હંગામો થઈ ગયો. બધા પૂછવા લાગ્યા, ‘તું કોઈને કહ્યા વગર ક્યાં ચાલ્યો ગયો હતો?’ મેં કહ્યું, ‘એક જગ્યાએ ગયો હતો.’ પરંતુ પિતાથી આ છુપાવવું અઘરું હતું. જતાં પહેલાં એક કાગળના ટુકડા ઉપર જે કંઈ લખ્યું હતું તે તેમને મારાં પુસ્તકોમાંથી શોધતાં શોધતાં મળી ગયું હતું. શું લખ્યું હતું તે યાદ નથી, કદાચ લખ્યું હતું ‘Renunciation is the goal of my life. This world is full of misery. Blessed is he who realizes God.’ (ત્યાગ જ મારા જીવનનો આદર્શ છે. આ સંસાર દુઃખમય છે. જે ઈશ્વરને પામે છે, તે વ્યક્તિ ધન્ય છે!) તેના ઉપર કોઈ નામ નહોતું, પણ નિઃસંદેહ તે પિતાશ્રી માટે જ લખાયેલું હતું. તેમણે કહ્યું, ‘પાછો આવી ગયો, ખૂબ સરસ. જ્યાં સુધી મારું શરીર જીવિત છે, ત્યાં સુધી અહીં રહે. મારા મૃત્યુ પછી જે મનમાં આવે તે કરજે.’ બીજું કશું તેઓ બોલ્યા નહીં. આગળ ઉપર પણ આ વિષય બાબત મારી સાથે તેમણે કોઈ ચર્ચા ન કરી, ન તો કંઈ પૂછ્યું, જાણે કે કશું બન્યું જ નથી. ઈ.સ. ૧૯૧૬ સુધી આમ જ ચાલ્યા કર્યું.

Total Views: 22

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.