(શ્રીમા સારદાદેવી પાસેથી મંત્રદીક્ષા લઈને બનારસમાં સ્વામી બ્રહ્માનંદજી પાસેથી સંન્યાસ દીક્ષા લેનાર બ્રહ્મલીન સ્વામી જપાનંદજી મહારાજે રામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં પણ પોતાની સેવાઓ આપી હતી. અકિંચન પરિવ્રાજક રૂપે સમગ્ર ભારતવર્ષમાં ફરતાં ફરતાં એમને થયેલા માનવના વિવિધ અનુભવોનાં મધુર સંસ્મરણો ‘માનવતા કી ઝાંકી’ નામના પુસ્તકમાં પ્રકાશિત થઈ છે. તેમાંથી કેટલાક અંશોનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. આ અંશો આપવાનો મૂળ હેતુ આજે જ્યારે માનવતાનાં મૂલ્યો ઘસાઈ રહ્યાં છે અને માનવી એક સાવ સાંકડી મનોવૃત્તિ સાથે સ્વાર્થપરાયણ બની રહ્યો છે ત્યારે સમાજના અત્યંત સામાન્ય ગણાતા, અદના આદમીના જીવનની પ્રેરણાદાયી વાતો આપણને સર્વજનહિતાય, સર્વજનસુખાય કેમ જીવી શકાય તેનો આદર્શ આપણી સમક્ષ આવા સામાન્ય માનવીઓ મૂકે છે. જો આપણો સમાજ આપણી પ્રાચીન સંસ્કૃતિના આદર્શ સાથે જીવતાં શીખે અને જીવવા માંડે તો આપણા દેશમાં પરમશાંતિનું સ્વરાજ આવી શકે એમ અમે વિનમ્રપણે માનીએ છીએ. – સં.)

અભણ ગામડિયામાં પણ કરુણાનું ઝરણું વહે છે

વર્ષો જૂની વાત છે. એક સંન્યાસી પરિવ્રાજક રૂપે હિમાલય પર્વતના ટિહરી ગઢવાલ વિસ્તારમાં જતા હતા. જંગલ અને પહાડીઓમાં ફરતાં ફરતાં રસ્તો ભૂલી ગયા. ક્યાંય ગામેય જોવા ન મળ્યું અને માણસ પણ જોવા ન મળ્યો. જંગલમાં જ રહેવું પડ્યું. કપડાંના જોડા ફાટી ગયાં એટલે ફેંકી દેવા પડ્યાં. કેડીએ ખુલ્લે પગે અને અણિદાર પથરાઓ પર ચાલવાથી પગના તળિયાની ચામડીમાં બળતરા થવા માંડી. આ પહેલાં ક્યારેક આવી રીતે ખુલ્લે પગે સંન્યાસી ચાલ્યા ન હતા. એને લીધે ઘણી મુશ્કેલી અને પીડા થવા લાગી. સાંજ સુધીમાં તો બંને પગના તળિયામાં ફરફોલાં પડી ગયાં અને સાઈકલની રબર ટ્યૂબની જેમ ફૂલી ગયાં. હવે કરવું શું? ઉપરણું ફાડીને બે પગમાં બાંધી દીધા અને ઠંડુ પાણી રેડીને રક્તપિત્તિયાની જેમ માંડ માંડ ચાલવા લાગ્યા. પણ રસ્તામાં ક્યાંય ગામ ન આવ્યું. એટલે રાતમાં જંગલ વિભાગના લોકોની એક અર્ધી બાંધેલી કોટડીમાં સંન્યાસી રોકાઈ ગયા. ચારેય બાજુ ઘનઘોર જંગલ હતું. નજીકમાં જ નાની સ્વચ્છ પાણીવાળી પહાડી નદી વહેતી હતી. દૃશ્ય ઘણું મનોરમ હતું. પણ આ બાજુએ અન્ન વિના ભૂખને લીધે પેટમાં જાણે કે હલદીઘાટીનું યુદ્ધ ચાલતું હતું અને પગમાં અસહ્ય બળતરા એ વધારાની! હિમાલયની વાદીનું સૌંદર્ય નજરે ચડ્યું હોવા છતાં પણ શરીરના અને પેટના દુ:ખની તીવ્રતાને કારણે એ પ્રાકૃતિક સૌંદર્યનો આનંદ લઈ શકતા ન હતા.

રાતે આજુબાજુમાંથી લાકડા એકઠાં કરી આગ પ્રગટાવી અને પગ શેક્યા. પગનો સોજો બેસી જશે એવી ધારણા હતી, પણ કંઈ ન થયું. ભૂખને તૃપ્ત કરવા ઠંડુ બરફ જેવું પાણી વધારે પી લેવાથી પેટમાં પણ દુખતું હતું. આમ ગમે તેમ રાત પસાર થઈ ગઈ. લાચાર બનીને સવારે પહેલાંની જેમ જ ફરીથી કપડા પલાળીને પગમાં એના પાટા બાંધી લીધા અને નદીના કિનારે કિનારે નાના નાના પથ્થરોવાળી પગદંડી પર લંગડાતા લંગડાતા ચાલવા લાગ્યા. લગભગ બપોરના સમયે પહાડી પ્રદેશમાં એક ઝૂંપડી નજરે પડી. અહીં ત્રણચાર લોકો – સ્ત્રીપુરુષ અને નવ દસ વર્ષનો એક બાળક પણ હતો. બળદને હાંકીને તેઓ કમોદની વાવણી કરતા હતા. હૃદયના પ્રેમઉમળકા સાથે એમણે સંન્યાસીનું સ્વાગત કર્યું. પોતાની ઝૂંપડીમાં બેસાડ્યા અને પ્રણામ કરીને પૂછ્યું: ‘રાતે અહીં ક્યાં રોકાણા હતા? આ જાહેર રસ્તો નથી. ક્યાંથી તમે જંગલની આ વાટે આવી ચડ્યા? ગઈ કાલે ક્યાં રોકાયા હતા?’ સંન્યાસીએ પોતાની બધી કથની સંભળાવી. સાંભળીને એ લોકો ઘણા દુ:ખી થયા અને વિનયપૂર્વક કહ્યું: ‘અહીં જ રોકાજો. રોટલો ખાઈને જજો. અમારું ગામ દૂર નથી.’ સંન્યાસીએ પૂછ્યું: ‘ભાઈ તમારું ગામ કેટલું દૂર છે?’ એટલે ઊંચા પહાડ તરફ આંગળી ચીંધીને કહ્યું: ‘દોઢેક કોષ હશે.’ સંન્યાસીએ પૂછ્યું: ‘ટિહરીના રસ્તામાં આવે કે નહિ?’ સાંભળીને પુરુષે જવાબ આપ્યો: ‘ત્યાંથી તો ઘણું દૂર છે.’ ત્યારપછી પોતાના બાળકને કહ્યું: ‘તું જલદી જા અને ઘેરથી લોટ લઈ આવ.’ દોઢ કોષનું ઊંચું ચઢાણ ચડીને એ બાળક પોતાના ગામમાં જશે અને ત્યાંથી લોટ લઈને આવશે અને ત્યારે રસોઈ થશે અને સંન્યાસીને ખવડાવશે. બપોર થઈ ગયા હતા અને બાળક કદાચ સાંજ સુધીમાં પાછો આવી શકે પણ સંન્યાસીનું ત્યાં સુધી રોકાવું સંભવ ન હતું. એ અદના આદમીના સૌજન્ય માટે આનંદ અને આભાર વ્યક્ત કરીને એમને આશીર્વાદ આપીને ટિહરીના માર્ગે ત્યાર પછીના ગામનું અંતર પૂછીને સંન્યાસી તો ચાલી નીકળ્યા. એ પહાડી સજ્જનોએ ત્યાં રોકાવા માટે ઘણી વિનંતી કરી પણ સંજોગોને હિસાબે સંન્યાસીએ એમની વિનંતી સ્વીકારી નહિ. પહાડીનો રસ્તો બતાવીને કહ્યું: ‘ગામ આમ તો ખાસ દૂર નથી, નજીકમાં જ છે. નદીનો કિનારો વટાવીને ઉપર ચડતી વખતે કમંડલમાં પાણી ભરી લેવું. વચ્ચે ક્યાંય પાણી નથી.’

સંન્યાસીએ એમ જ કર્યું. ચઢાણ ઘણું હતું અને ગામેય પ્રમાણમાં ઠીક ઠીક દૂર હતું. પહેલા દિવસથી જ અન્ન વિના ભૂખ્યા રહેવાને કારણે અને કેવળ બરફ જેવું ઠંડુ પાણી પીવાથી પેટમાં ખારાશ વધી ગઈ અને નબળાઈ આવવા લાગી. બપોરના સૂર્યનો ઉગ્ર તાપ અને એમાંય વળી પાછું ઊંચું ચઢાણ એ બંનેએ સંન્યાસીને હેરાન પરેશાન કરી દીધા. પણ હવે બીજો રસ્તોયે ક્યાં હતો? પાણી પીતાં પીતાં કમંડલ ખાલી થઈ ગયું. હવે તરસને લીધે ગળું સુકાવા લાગ્યું અને જીભ અંદરને અંદર ખેંચાવા લાગી. ચાલવામાં મુશ્કેલી તો હતી જ અને પગની એ દશાએ ચાલવાનું ઘણું દુ:ખદાયી બની ગયું. પણ સંન્યાસી બીજું કરેય શું? ‘ક્યાંક થોડુંઘણું પાણી મળી જાય તો કેવું સારું? બીજું કાંઈ જોતું નથી’ આમ વિચારીને તે ચાલવા લાગ્યા. પણ રસ્તામાં ક્યાંય પાણી નજરે પડતું ન હતું. ઘણી મુશ્કેલીએથી એ પહાડીની ચોટી પર આવી ગયા. ત્યાં જોયું તો આઠ દસ ઘરવાળું એક નાનું ગામ હતું. પણ એ ગામમાં કોઈ ન હતું. આખું ગામ ફરી વળ્યો પણ ક્યાંયથી પાણી ન મળ્યું. કોઈ માણસેય નજરે ન પડ્યું. પછી પૂછવુંયે કોને? હવે તો ચક્કર આવવા લાગ્યા અને હમણાં જ પ્રાણ નીકળી જશે એવો ભાસ થયો.

નિરાશ-હતાશ થઈને એ ગામની બહાર એક વટવૃક્ષ નીચે ધાબળો પાથરીને જાણે કે અંતિમ શ્વાસ માટે શરીર લંબાવી દીધું. શરીરમાં બેસવાની તાકાતેય નથી. હિમાલયના એક નિર્જન ખૂણામાં જીવનની શેષ પળની રાહ જોતા સંન્યાસીએ મનમાં ને મનમાં વિચાર્યું: ‘ભગવાનની મરજી હશે એ જ થશે.’ આમ કહીને ઈષ્ટ દેવનું સ્મરણ કરતાં કરતાં આત્મભાવમાં સ્થિર રહેવાનો સંન્યાસી પ્રયત્ન કરવા લાગ્યા. એટલામાં જ લગભગ ૨૫૦-૩૦૦ ગજના અંતરે આવેલ એક વિશાળ ખાઈની અંદરથી કેટલાક લોકોનો અંદર-અંદર વાત કરવાનો અવાજ સંભળાયો. ખાઈ એક માઈલ જેટલી ઊંડી હતી, એની નીચે નદીનો ઉગ્ર પ્રવાહ વહેતો હતો અને સામે હતા ઊંચા ઊંચા પહાડ.

અવાજ સાંભળતાં જ પાણી માટે અંતિમ પ્રયાસ કરવાની તીવ્ર ઇચ્છા ઉત્પન્ન થઈ. સંન્યાસી ઊઠીને ચાલતા થયા. ખાઈ તરફ આગળ વધ્યા પરંતુ ઊભા ઊભા નીચે એ ખાઈમાં જોવાની તાકાત શરીરમાં ન હતી. એટલે જમીન પર સૂઈને જોયું તો લગભગ ૮૦૦-૯૦૦ ગજ નીચે એક નાનકડું પહાડી મકાન હતું અને કેટલાક લોકો બેઠા બેઠા વાતો કરતાં કરતાં રોટલી શેકતા હતા. સંન્યાસીનું ગળું તરસથી સૂકાઈ ગયું હતું. અવાજ સાવ રુંધાઈ ગયો હતો. એટલે એક કપડું હલાવીને એ લોકોની નજર પાડવા સંન્યાસી પ્રયત્ન કરવા લાગ્યા. એમાં એમને ઝડપથી સફળતા મળી. નાનાં બાળકોની નજર આવી વસ્તુઓ પર જલદી પડી જાય છે. થયું પણ એવું જ. બાળકોએ આ જોયું અને આંગળીને ઈશારે બધાને દેખાડવાં લાગ્યાં. તેઓ પણ તેમને બોલાવવા લાગ્યા. સંન્યાસીએ કમંડળ બતાવીને પાણી માટે ઈશારો કર્યો. એમણે ઘડો ઉપાડીને બતાવ્યું કે પાણી તો છે જ અને પોતાનો હાથ ઊંચો કરીને બોલાવવા લાગ્યા. પણ અહીં પગમાં ચાલવાની શક્તિ નથી એ એમને કેમ બતાવવું? 

એટલામાં એક પહાડી વિસ્તારની સંન્નારી બહાર આવી અને એક પુરુષને ઉપર સંન્યાસી પાસે જવા કહેવા લાગી. તે પથ્થર અને ઝાડીઓનાં મૂળિયા પકડીને ઉપર ચડી ગયો અને વિનયપૂર્વક નીચે મકાનમાં આવવા કહેવા લાગ્યો. તે પુરુષ હતો મકાનમાલિક અને પેલી સંન્નારી હતાં ગૃહિણી. એમણે કહ્યું: ‘આજે ગૃહપ્રવેશના શુભ મુહૂર્ત પર અમે પાંચ બ્રાહ્મણોને જમાડીએ છીએ. આપ પણ પધારો. ભોજન પાણી બધું તૈયાર છે. મહેરબાની કરીને પધારો.’ સંન્યાસીએ ઘણી મુશ્કેલી સાથે પોતાની શારીરિક પરિસ્થિતિને લીધે ઉતરવાની અશક્તિ બતાવી. સાંભળીને એણે કહ્યું: ‘કાંઈ વાંધો નહિ. હું આપને મારે ખભે બેસાડીને લઈ જઈશ. ડરવાની કોઈ જરૂર નથી. આમ સીધે રસ્તે જવાથી ઘણી વાર લાગશે.’ કારણ કે ગામ લગભગ બે માઈલના ચકરાવા પછી આવતું હતું. એ રસ્તે જવામાં જોખમ હતું. આજની શુભ ઘડીએ કંઈક અઘટિત ઘટના બની જાય તો એના દુ:ખનો પાર ન રહે. અંતે એમના અવારનવાર કહેવાથી સંન્યાસી ‘જય ભગવાન’ બોલીને જવા તૈયાર થઈ ગયા અને પેલા ગૃહસ્થની સાથે એમને ટેકે ટેકે ધીરે ધીરે પથ્થર અને વૃક્ષોનાં મૂળિયાં ડાળી પકડી પકડીને સહી સલામત નીચે ઊતરી આવ્યા. બાળકો પોતાની મા સાથે દોડી આવ્યાં અને હાથમાંથી કમંડલ, પુસ્તકની નાની થેલી અને ખભેથી સંન્યાસીનો ધાબળો લઈ લીધો. પતિ-પત્ની બંનેએ પકડીને ઘણા પ્રેમથી એમને બેસવાની જગ્યાએ લઈ જઈને બેસાડ્યા. પગમાં ફાટેલાં કપડાંના પાટા બાંધેલા જોઈને બહેને પૂછ્યું: ‘આમ કેમ બાંધી રાખ્યું છે?’ જ્યારે ખોલીને બતાવ્યું તો રબ્બર જેવા બંને પગમાં ફરફોલા જોઈને તે ચોંકી ઊઠી અને બોલી : ‘અરે, આ શું? ખૂબ દુ:ખ થતું હશે. શું તમે જોડાં નથી પહેરતાં? પહાડ પર કાંકરા-પથરામાં ચાલવાની ટેવ લાગતી નથી, એટલે જ આ ફરફોલા પડી ગયા છે. ચાલો ગરમ પાણીથી ધોઈ દઉં અને પછી ગરમ તેલ ચોપડી દઉં. થોડી રાહત રહેશે.’ એમ કહીને તે સન્નારી ગરમ પાણી તથા તેલ માટે ઘરમાં ગઈ અને લાવીને તરત સેવામાં લાગી ગઈ. ધીરે ધીરે ગરમ પાણીથી પગ ઝારીને વળી પાછું ધીમે હાથે ગરમ-ગરમ તેલની માલિશ કરવા લાગી.

ઠંડુ પાણી પીને સંન્યાસી થોડા સ્વસ્થ થઈ ગયા અને આટલો ભાવ અને પ્રેમપૂર્ણ સત્કાર પામીને એની આંખમાંથી હરખનાં આંસું વહેવાં લાગ્યાં. એક અર્ધનગ્ન અને બાહ્ય દૃષ્ટિએ અસંસ્કારી અને જડ જેવા લાગતા આ બંનેના હૃદયમાં આટલો અસીમ પ્રેમ! આટલું બધું સૌજન્ય! સેંકડો વર્ષોથી અક્ષરજ્ઞાનના સ્પર્શથી દૂર રહેનાર અને બાકીના કહેવાતા સભ્ય સમાજથી પણ દૂર રહેનાર આ લોકો સામાન્ય પર્વતીય પ્રદેશના અસંસ્કારી દેખાતા લોકો આર્યઋષિઓએ જીવનમાં જીવી બતાવેલા સદાચારને ભૂલ્યા નથી. ધન્ય છે ભારતમાતા! અને ધન્ય છે એ મહાન ઋષિઓના આ વંશજ!

સંન્યાસીની આંખમાં આંસુ જોઈને પેલી સન્નારીને લાગ્યું કે એમને ઘણી પીડા થઈ રહી છે. એટલે વારંવાર કહેવા લાગી : ‘હમણાં જ થોડી વારમાં રાહત થઈ જશે. અને આમ ભોજનેય તૈયાર છે. શ્રીનારાયણનો ભોગ લાગતાં જ સૌથી પ્રથમ આપને જ પીરસીશ. આપ ભોજન કરીને પછી થોડો આરામ કરજો… પ્રભુની ઘણી કૃપા છે, હું ઘણા દિવસોથી કહેતી હતી કે મારા નવા ઘરમાં પ્રવેશ કરતી વખતે પાંચ બ્રાહ્મણો સાથે એક સંન્યાસી પણ ત્યાં આવીને ભોજન કરે તો મને ઘણો આનંદ થશે. એટલે જ આપ આવી ગયા. તેઓ એટલે મારા પતિદેવ તો કહેતા હતા કે આવા કોઈ સામાન્ય પ્રસંગમાં કોઈ સંન્યાસી-બન્યાસી અહીં આવે નહિ. પરંતુ ભગવાને મારી પ્રાર્થના સાંભળી અને આપ આવી ગયા. સાચું છે ને મહારાજ!’ એમ કહેતાં તે પતિદેવ તરફ ફરી અને હસતાં હસતાં કહ્યું: ‘આપ અમારા માટે જ અહીં આવ્યા છો. નહિતર આ જંગલની વિકટ વાટે કોઈ પણ યાત્રી અહીં થઈને ટિહરી જતો નથી.’

સંન્યાસી તો આ બધું સ્તબ્ધ બનીને સાંભળી રહ્યા હતા. મનમાં ને મનમાં વિચારતા હતા : ‘તમારે માટે માટે અહીં આવવું પડ્યું કે તમે બધા મારા માટે આવ્યા છો? એ તો તમે બધા જાણો છો. તમારા હૃદયની સાચી પ્રાર્થનાને કારણે જ દૈવના નિર્દેશથી રસ્તે ભૂલો પડીને ભટકતો ફરતો હું અહીં આવી પહોંચ્યો છું, શું એવું નથી? ખેર, આજે જીવનના અંતિમ સમયે જ્યારે મેં મૃત્યુને સમક્ષ જોયું હતું ત્યારે તમે લોકો આ સ્થળ પર ઉપસ્થિત થઈને, મારો આદર-સત્કાર કરીને તમે સૌએ એક સંજીવનીનું કામ કર્યું છે. એનાથી મારા પ્રાણ ટકી ગયા! હવે આગળ પ્રભુની જેવી મરજી.’

ઘણીવખત આપણે ઘરે બપોરના સમયે આરામમાં હોઈએ ત્યારે ઘર આંગણે આવીને ‘કોઈ પાણી આપોને મા’ એવો પોકાર સાંભળીએ છીએ ત્યારે સ્વાભાવિક રીતે ‘પડખેના ઘરે જા’ એવા શબ્દો બોલાઈ જવાય છે. આ છે આપણા સંસ્કાર અને આ અભણ લોકોના સંસ્કાર કે એની જીવનની કેળવણી એટલે ‘દુ:ખી કે દર્દી કે કોઈ ભૂલેલા માર્ગવાળાને વિસામો આપવા ઘરની ઉઘાડી રાખજો બારી’ જેવો જીવન જીવવાનો સાચો આદર્શ!

દરિદ્રદેવો ભવ

મધ્ય કોલકાતાના એક મહોલ્લામાં એક આદમી રહેતો હતો. એની ઊંચાઈ છ ફૂટની હતી અને પાતળા બાંધાનો હતો. હતો કુસ્તીબાજ અને દોડમાં પણ પહેલો નંબર રહેતો. કંઈ કામ ન કરતો. બાપદાદાનું એક મકાન હતું એના ભાડામાંથી એનું ગુજરાન ચાલતું. દિવસ આખો ચોપાટ અને પાના કુટ્યા કરતો. ગુંડાગિરિ કરવી એ એની દિનચર્યા હતી. લગ્ન કર્યાં ન હતાં. સાવ બેપરવા હતો. વાતવાતમાં ક્રોધે ભરાતો અને એનો સામનો કરનારનો કાન કાપી લેતો. આવા સેંકડો કેસ એના પર થયા પણ ચાલાકી કરીને જેલમાંથી બહાર આવી જતો. ક્યારેક જેલમાં ગયો હશે તો બે-ચાર મહિના પુરતું જ. પાછા ફરીને જેલમાં મોકલનારની દશા બગાડી દેતો.

એકવાર એ જ મહોલ્લાની પાસે મા કાલીની પૂજા થતી હતી. એના આયોજકો સંન્યાસીથી પરિચિત હતા. એટલે કાલીપૂજાના ઉપલક્ષ્યમાં દરિદ્ર નારાયણ સેવા એટલે કે ગરીબોને ભોજન પણ કરાવવાનું હતું. આ બધું કહીને પેલા સંન્યાસીને પણ વિનંતીથી એમાં ભાગ લેવા એમાં આમંત્રણ આપ્યું. આમંત્રણનો સ્વીકાર કરીને સંન્યાસી ત્યાં પહોંચી ગયા. કાલીપૂજા રાતે જ થાય છે અને આખી રાત ચાલે છે. આયોજકોમાંથી એકે આવીને સંન્યાસીને કહ્યું: ‘જુઓ મહારાજ, આજે મા કાલી જ રક્ષા કરે તો સારું. આ જે સામે ઊંચો લાંબો માણસ દેખાય છે ને? એને લોકો કાનકટ્ટો કહે છે. એ વાતવાતમાં લોકોના કાન કાપી લે છે અને પછી ભાગી જાય છે. બધા એનાથી ડરે છે. આજે આખી રાત પૂજા થશે અને યુવાનો માની ભક્તિમાં મોજમસ્તી કરતા હોય છે. એમાં જો કોઈએ એને ખીજવ્યો તો કામ પૂરું થઈ જશે. એ આવશે અને કોઈકનો કાન કાપી લેશે.’

સંન્યાસી પણ સાંભળીને ચિંતામાં ડૂબી ગયા. મનમાં વિચાર્યું: ‘અરે! જો આવું થાય તો તો મોટું વિઘ્ન આવે.’ થોડું વિચારીને એ કાનકટ્ટાને પોતાની પાસે બોલાવ્યો અને મધુર વચનોથી કહ્યું: ‘ભાઈ, પૂજામાં કંઈ વિઘ્ન ખલેલ ન પડે એનું જરા ધ્યાન રાખજો. આ જુવાન છોકરા મસ્તી કરે છે. એમાં કોઈની ભૂલ થઈ જાય તો વાત સંભાળી લેજો. તમે તો બધાને જાણો છો. તમારી નજર નીચે મા કાલીની પૂજાનું કામ શાંતિથી પૂરું થઈ જશે એવી મને ખાતરી છે.’

આ કાનકટ્ટો સમજી ગયો કે સંન્યાસી એને શા માટે આવું કહે છે. એણે હસતાં હસતાં કહ્યું: ‘તમે કંઈ ચિંતા ન કરતા, મહારાજ. હું કંઈ અશાંતિ ઊભી નહિ કરું.’ બધાને વિશ્વાસ હતો કે એણે વચન આપ્યું છે એટલે જરૂર પાલન તો કરવાનો જ. કાલીપૂજા સમાપ્ત થઈ અને બધા લોકો પ્રસાદ લઈને ચાલ્યા ગયા; રાતમાં એકવાર આ કાનકટ્ટો ચાલ્યો ગયો હતો. વળી પાછો આવીને છાનો માનો શાંતિથી બેસી ગયો. બધું કામ શાંતિથી પૂર્ણ થયું. દિવસ ઊગ્યો અને થોડીવારમાં પોલીસ આવી અને પેલા કાનકટ્ટાની શોધખોળ કરવા લાગ્યા. શું વાત છે એમ પૂછતાં ખ્યાલ આવ્યો કે કાલ રાતે એણે એક માણસનો કાન કાપી નાખ્યો છે. એ તો સવાર સુધી શાંતિથી અહીં બેઠો હતો. પણ વચ્ચે એકવાર ચાલ્યો ગયો હતો. એ વખતે એણે શું કર્યું એ રામ જાણે.

સાંજે કાનકટ્ટો હાજર થયો. સંન્યાસીએ કહ્યું: ‘તમારા ચાલ્યા ગયા પછી તમારી તપાસમાં પોલીસ આવી હતી અને કોઈકના કાન કાપવાની ફરિયાદની વાત કરી. ભાઈ, સાચી વાત શું છે એ તો કહે?’ કાનકટ્ટાએ કહ્યું: ‘વાત સાચી છે. અહીં મેં કાંઈ નથી કર્યું, પણ રાતે હું પોતાના ઘર તરફ જતો હતો. એ તરફના રસ્તેથી એક આદમી આમ છાતી ફુલાવીને જતો હતો. હટ્ટોકટ્ટો પહેલવાન અને કુસ્તીબાજ લાગતો હતો. પણ આ મહોલ્લાની વચ્ચે ખૂલી છાતીએ નીકળે એ મારાથી સહન ન થયું એટલે મેં પૂછ્યું: ‘કેમ, આમ છાતી કાઢીને જાય છે? આ કંઈ તારો મહોલ્લો નથી.’ આ સાંભળીને એણે વધુ છાતી ફુલાવી અને કહ્યું: ‘ભલે ને મારો મહોલ્લો ન હોય પણ હું તો મારી મરજી મુજબ જ હાલીશ.’ આ સાંભળીને મારાથી ન રહેવાયું. એનો કાન કાપી લીધો. આ રહ્યો એનો એ કાન. આવા તો કેટલાયના કાન કાપ્યા છે. પોલીસ મને ઓળખે છે. બેચાર દિવસ શોધશે પછી બસ.’

સંન્યાસીએ વિચાર્યું કે આ માણસ સાથે આ વિષયની ચર્ચા કરવી બરાબર નથી. શાંતિથી કામ લેવું પડશે. એટલે સંન્યાસીએ પૂછ્યું: ‘અરે ભાઈ, તમે કોઈ ધંધો-નોકરી-કામકાજ કરતા નથી?’ સાંભળીને કાનકટ્ટાએ કહ્યું: ‘ના રે ના. પોતાનું મકાન છે, ભાડું મળે છે. એનાથી ગુજરાન ચાલે છે. ઘરમાં મારી મા અને હું બે જ છીએ. બીજું કોઈ નથી. અને જે મળે છે એ પૂરતું છે.’ સાંભળીને સંન્યાસીએ કહ્યું: ‘એનો અર્થ એ થયો કે તમે તમારી ઇચ્છા પ્રમાણે સમયનો ઉપયોગ કરો છો… જુઓ ભાઈ, આ મહોલ્લામાં ઘણા ગરીબોની વસતી છે. લોકો ઘણા ગરીબ છે. માંડ માંડ ગુજરાન ચલાવે છે. એમાં જો વળી કોઈ બિમાર પડી જાય તો હેરાન પરેશાન થઈ જાય. દવા માટે હોસ્પિટલે જાય તો ત્યાં પણ ડોક્ટરો કલાકો સુધી બેસાડી રાખે છે. બરાબર તપાસતાયે નથી. ગરીબ છે એટલે તુચ્છતાની નજરે જુએ છે. પહેલાં આ દેશમાં ગરીબ હોવું એ કોઈ અપરાધ ન ગણાતો. પણ આ યુરોપના ભાવ પ્રચારથી ગરીબીને હવે ગુન્હામાં સામેલ કરી દીધી છે. એટલે કોઈ માણસ બિમાર પડે, સાવ અસહાય બની જાય તો તમે એની થોડી ઘણી સેવા કરો અને એના પ્રત્યે સહાનુભૂતિ દાખવો તો તે તમારા ઉપકારી બનશે અને તમારું ઋણ ક્યારેય ભૂલશે નહિ. તમને લોકો દેવ જેવા ગણશે. આમાં કંઈ તમારે થોડોઘણોયે ખર્ચ કરવાની જરૂર નથી. માત્ર સમયનો ખર્ચ કરવાનો છે, અને એ તો તમારી પાસે ઘણો છે. સ્વામી વિવેકાનંદ દરિદ્ર નારાયણની સેવાની વાત કરી ગયા છે. એમાંયે આપના મહોલ્લામાં તો કેટલાયે ગરીબ ભાઈઓ છે, એના પ્રત્યે દયાદૃષ્ટિ રાખીને કંઈક આવી સેવા કરી શકો તો ઘણું સારું કાર્ય થશે. ભાઈ, તમે તો સમર્થ છો. આ બાબતે જરા વિચારજો. એવું કામ કરશો તો લોકો તમારા ઋણી બનશે.’

સંન્યાસીના શબ્દો સાંભળીને કાનકટ્ટાએ કહ્યું: ‘હાજી મહારાજ. આવું કામ તો હું સરળતાથી કરી શકું. આ મહોલ્લામાં ડોક્ટરેય છે. એની સેવા પણ મેળવી શકું. તેઓ મને બરાબર ઓળખે છે. (આમ કહીને તે હસ્યો). હું આપને વચન આપું છું કે આજથી જ આ કામ હું કરીશ. આજ સુધી મને કોઈએ આવું કહ્યું ન હતું. હવે મને બરાબર સમજાઈ ગયું, વધારે કંઈ કહેવાની જરૂર નથી.’ આવા માણસના મુખેથી આવી વાણી સાંભળીને સંન્યાસીએ કહ્યું: ‘બહુ સારુ, ભાઈ. મને શ્રદ્ધા છે કે તમે તમારું વચન પાળશો જ. સવાર-સાંજ આમ તેમ ચક્કર માર્યે રાખો છો ત્યારે જરા પૂછતા રહેજો અને કોઈને જરૂરી મદદ આપશો તો માનવતાનું કામ થશે. તમે આવું કરશો એ જોઈને બીજા લોકો પણ શીખશે. બરાબર ને ભાઈ!’ સાંભળીને એણે કહ્યું: ‘હાજી મહારાજ. આ કામ રાજીખુશીથી કરીશ. મહોલ્લાવાળા બધા મને ઓળખે છે એટલે આ કામ સહજ-સરળ બની જશે.’

કેટલાંય વર્ષો પછી એ સંન્યાસી એ મહોલ્લામાં આવ્યા. કેટલાય પરિચિત સ્નેહી લોકો મળ્યા અને એમને કહ્યું: ‘આ કાનકટ્ટો અત્યારે ગરીબ વસતીવાળાની પાસે દેવ જેવું માન સન્માન પામે છે. કોઈ બિમાર પડે એની ખબર પડતાં જ એ અડધી રાતે પણ ડોક્ટરને બોલાવીને એના રોગનો ઈલાજ કરવાની વ્યવસ્થા કરાવી દે છે. ડોક્ટરની પણ શું મજાલ કે એને ના કહી શકે. એ પણ કાન કપાવાના ડરે એક સજ્જન માણસની જેમ બોલાવતાં જ હાજર થઈ જાય છે. દર્દીએ પૈસા આપ્યા છે કે નહિ, ડોક્ટર એ પણ પૂછતાં નથી. ગરીબ લોકોના આશીર્વાદ લઈ રહ્યો છે. એને લીધે જ આ બધા લોકોનું ઘણું ભલું થયું છે. કોઈ મરી જાય તો એ આવીને એના અગ્નિ સંસ્કારની વ્યવસ્થા પણ કરી દે છે. કાંધિયા ન હોય તો પોતે એકલો જ કાંધ દઈને દાહસંસ્કાર કરી આવે છે.’

સમાચાર મળતાં જ પેલો કાનકટ્ટો હસતાં મુખે આનંદ છવાયેલા વદને આવીને મને મળ્યો. વિનયપૂર્વક બેઠો. સંન્યાસીએ કહ્યું: ‘મને અહેવાલ મળી ગયો છે. જાણીને મને ઘણો આનંદ થયો. આવું જ થવું જોઈએ. આપ ખરેખર ધન્ય છો.’ સંન્યાસીના શબ્દો સાંભળીને કેવળ એટલું જ બોલ્યો: ‘મને માનવતાનો પવિત્ર માર્ગ બતાવીને આપે મને હંમેશાંનો ઋણી બનાવી દીધો છે. એમાં જ મને મારા જીવનની સફળતા દેખાય છે. મહારાજ, મને એવા આશીર્વાદ આપો કે મારી બુદ્ધિ આવા સેવાકાર્યમાં સ્થિર બને.’

સંતસેવા સદાસુખકારી

સુંદર શાંત અને મનોરમ્ય શીતળ ભૂમિ એટલે હિમાલય પ્રદેશની ભૂમિ. યમુનોત્રી તીર્થને રસ્તે નવ માઈલ આગળ એક પહાડી ગામ આવે છે. સડકથી થોડી ઉપર પહાડની એક ચોટી પર સુંદર મનોહર છબિ જેવી, બંને તરફ દૂર દૂર સુધી તુષારમંડિત ધવલગિરિશૃંગ અને અપૂર્વ પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે આ નાનું ગામ આવ્યું છે.

પરિવ્રાજક સંન્યાસી હિમાલયની પવિત્ર ભૂમિમાં પરિભ્રમણ કરતાં કરતાં આ ગામમાં આવી પહોંચ્યા. બરાબર બપોરનો સમય છે, ભૂખ લાગી છે, આગલા દિવસે પૂરું ખાવાનું ન મળતાં અન્ન શું કહેવાય એનો બરાબર ખ્યાલ આવી ગયો છે. પણ આવીને જોયું તો ગામડું સાવ ખાલી છે. ગોવાળ જરૂર હશે, કારણ કે ગાયો ચરી રહી છે, કૂતરાં પણ છે, વસતીનાં બીજાં ચિહ્‌નો પણ જણાય છે. દૂર એક મકાનના આંગણામાં બેઠી બેઠી એક વૃદ્ધ સ્ત્રી તકલી પર ઊન કાંતતી હતી.

સંન્યાસીને જોતાં જ હૃદયના પ્રેમથી સ્વાગત કરતાં બોલી ઊઠ્યાં: ‘આવો, નારાયણ! પધારો.’

એક ચટ્ટાઈનું આસન બીછાવી દીધું. પછી કહ્યું: ‘આજ આપ અમારે આંગણે પધાર્યા એ અમારું અહોભાગ્ય! હવે ભિક્ષા એટલે કે ભોજન લઈને જ જજો. વહુ અને દીકરી બધા ઘાસનાં બીજ લાવવા ગઈ છે. પાંચ ગાઉ દૂર ગયાં છે. સવારે વહેલી ઊઠીને ગઈ છે. સાંજ સુધીમાં પાછી આવી જશે. એમાંથી રોટલી બનશે અને પછી આપને રોટલી ખાવા મળશે. બે સાલથી કંઈ પાક થયો નથી, શું કરીએ બાબા! જેવી ભગવાનની ઇચ્છા!’

એટલીવારમાં એક વૃદ્ધ પુરુષ આવ્યા. એ ગામના મુખિયા હતા. ૐ નમો નારાયણાય કહીને સૌજન્ય સાથે નમસ્કાર કર્યા અને મારું સ્વાગત કર્યું.

પછી એમણે કહ્યું: ‘મહારાજ, આપ મારે ઘરે ચાલો. આ માજીને ત્યાં કોઈ નથી, બધાં ઘાસનાં બીજ લેવાં ગયાં છે. ગામની બધી સ્ત્રીઓ એ જ કામે ગઈ છે. યુવાન અને શક્તિશાળી પુરુષો મજૂરી કરવા મસૂરી દહેરાદૂન ગયા છે. થોડું કમાશે અને પછી અનાજ લઈને આવશે. બે સાલથી અહીં કંઈ ઉપજ્યું નથી. શું કરીએ મહારાજ? પેટ માટે તો કંઈક કરવું પડેને! ભિક્ષા-ભોજનનો સમય થઈ ગયો છે. મારે ત્યાં રોટલી તૈયાર છે. પધારો મહારાજ, મારે ઘેર પધારો.’

પણ આ વૃદ્ધ માતા સંન્યાસીને છોડવા રાજી ન થઈ. તેમણે કહ્યું: ‘અરે ભાઈ, મારે ઘેર સંત પુરુષ આવ્યા છે. ખાધા વિના એમ ને એમ ચાલ્યા જાય એ કેમ બને? તો તો અમારું અમંગલ થાય. સાંજ સુધીમાં દીકરી અને વહુ આવી જશે. એ સમયે રોટલી બનશે. અત્યારે ઘરમાં કંઈ છે નહિ એટલે કરવું યે શું? જો કંઈક હોત તો તો હું જ રોટલી બનાવીને ખવડાવત. ભિક્ષાનો સમય થઈ ગયો છે, એ હું જાણું છું. પરંતુ આજે આ સંત અતિથિ બનીને આવ્યા છે એટલે ભિક્ષા લઈને જ જશે. મેં જ એમને બોલાવીને બેસાડ્યા છે. જો એમ ને એમ ચાલ્યા જાય તો તો અધર્મ થયો ગણાય.’ 

ગામના મુખિયાએ માજીને સમજાવતાં કહ્યું: ‘બહેન, આવી રીતે બેસાડી રાખવા યોગ્ય ન કહેવાય. વળી આપણે બધા તો એક જ છીએ. મારે ઘેર આવવામાં દોષ નથી. આ ગામ વતી હું હાજર છું. મારા કરેલા સત્કાર્યમાં સૌનો ભાગ છે.’ સાંભળીને માજીએ કહ્યું: ‘ભાઈ, તમારી વાત સાચી, પણ ઘર આંગણે આવેલા સાધુપુરુષ કંઈ લીધા વિના પાછા ચાલ્યા જાય એવું બની ન શકે.’

એમ કહીને વૃદ્ધ સ્ત્રી અંદર ગઈ અને થોડો ગોળ લાવીને સંન્યાસીના હાથમાં મૂકીને આંખમાં આસું સાથે કહ્યું: ‘ઘરમાં બીજું તો કંઈ નથી. આટલું પ્રેમથી સ્વીકારો.’ એમ કહીને વૃદ્ધ સ્ત્રીએ બે હાથ જોડ્યા અને બેસી ગઈ. સંન્યાસીએ પ્રેમથી એ ગોળ લીધો અને આશીર્વાદ આપીને ગામના મુખીની સાથે એને ઘેર ગયા.

સદ્‌ગૃહસ્થે સંન્યાસીને ભિક્ષા-ભોજનમાં નાની-નાની ચાર રોટલી આપી અને કહ્યું: ‘મહારાજ, આનાથી જલપાન કરી લેજો. રાતે જંગલમાંથી ઘાસના દાણા એકઠાં કરીને બધી સ્ત્રીઓ આવશે અને પછી વધારાની રોટલી થશે. શું કરીએ મહારાજ! બે વરસથી કંઈ અનાજ પાક્યું નથી. બટેટા પણ ઘરમાં નથી. નહિ તો એનાથીયે પેટ ભરી શકાય.’

રોટલીનો લીલો શાકભાજી જેવો રંગ જોઈને સંન્યાસી તો મનમાં ને મનમાં ગભરાઈ ગયા અને કહ્યું: ‘ભાઈ, ગામની બહાર કોઈ વહેતા ઝરણાં પાસે આ રોટલી ખાઈશ.’ એમ કહીને ઝરણા પાસે સંન્યાસી ચાલ્યા ગયા. રોટલીનો એક કોળિયો મોંમાં નાખતાં જ ક્વીનાઈન જેવો કડવો લાગ્યો.

સંન્યાસી ગભરાઈ ગયા, મનમાં વિચારવા લાગ્યા: ‘હે મન! આ ભોજન લેવું કેટલું કષ્ટદાયી છે! તું વળી કેવો મોટો સાહેબ છે! ખાઈ લે, ભાઈ, ખાઈ લે. આ ખાઈને અહીંના લોકો તો જીવે છે અને એય એમને ઘણી મુશ્કેલીથી મળે છે. ફેંકી તો ન દેવાય. હે જીવડા! તું ખાઈ લે ભાઈ, ખાઈ લે.’ પણ મનને સમજાવવાથી થાય શું?

મોંમાં કોળિયો નાખતાં જ એ અન્ન બહાર આવવા લાગ્યું. પાણી પીઈને ઘણી મુશ્કેલી સાથે નાનકડો ટુકડો પેટમાં ગયો. પણ બાકીનું ખાવું અસંભવ લાગ્યું. વળી પાછો વિચારે ચડ્યો: ‘હવે કરવુંયે શું? ભિક્ષામાં દીધેલ અન્ન કે વસ્તુ કોઈ ગૃહસ્થ પાછાં ન લે. એ તો અધર્મ ગણાય અને એમને એમ બહાર ફેંકી દેવું એ સંન્યાસી માટે અધર્મ ગણાય.’ આ તો ધર્મસંકટ થયું. હવે કરવું શું? એટલામાં જ્યાં સંન્યાસી બેઠા હતા ત્યાં થોડે દૂર એની નજર ગઈ. જોયું તો એક હાડપિંજર જેવો ગોવાળિયો બાળક બેઠો છે. અને ભુખ્યે પેટે છે એટલે સંન્યાસી રોટલી આપે એમ એના તરફ તાકીને જોઈ રહ્યો છે. સંન્યાસીએ ઈશારો કરીને છોકરાને પાસે બોલાવ્યો. તે ઝડપથી કૂદીને હાજર થયો. સાડાત્રણ જેટલી રોટલી એક મીઠાઈની જેમ ખાઈ ગયો. પાણીનો ઘૂટડો પણ ન પીધો. કેવી હશે એની ભૂખ!

ભિખારીને પણ હૃદય હોય છે

કિષ્કિંધા નગરીમાં વાલી સુગ્રીવનું રાજ્ય હતું. અહીં શ્રીરામ, લક્ષ્મણ રહ્યા હતા. અહીં જ હનુમાનજી સીતાજીની શોધ કરીને પાછા આવ્યા હતા. અહીંથી જ શ્રીરામે વાનરસેના સાથે લંકા પર ચડાઈ કરી અને સીતાજીને લંકામાંથી પાછા લાવ્યા. આ પવિત્ર સ્થળનાં દર્શન કરવા માટે એક પરિવ્રાજક સંન્યાસી પરિભ્રમણ કરતાં કરતાં ત્યાં પહોંચી ગયા. ચારે બાજુએ પર્વતમાળાથી ઘેરાયેલું સુંદરમજાનું સ્થળ. અહીં ર્જીણ પણ પ્રાચીન મંદિર છે. રામાયણનો એ પ્રસંગ યાદ આવવાથી એ પવિત્ર સ્થળની ગંભીરતા અને ગૌરવ ગરિમાનું આપણને ભાન થાય છે. સંન્યાસીની આંખો સામે ઝડપથી કિષ્કિંધાકાંડનું ચલચિત્ર ચાલવા લાગ્યું.

અહીં કેટલાય અનુભવ થયા, પણ સંન્યાસીને થયેલ એક માનવતાનો અનુભવ અનોખો હતો. અહીંથી નજીકમાં જ ચક્રતીર્થ આવેલું છે. બીજે દિવસે સંન્યાસી જંગલના રસ્તે ચાલીને ત્યાં પહોંચ્યા. એક રાત કિષ્કિંધામાં રહ્યા. સવારે માતંગ પર્વતનાં દર્શને ગયા. ત્યાં કોઈક તાજાં નાળિયેર રાખી ગયા હતા. ભૂખ લાગી હતી અને અનાયાસ નાળિયેરનો પ્રસાદ મળતાં જ સંન્યાસી ખુશ ખુશ થઈ ગયા અને નાળિયેર ખાઈ લીધું. બપોરે ચક્રતીર્થ પહોંચ્યા. સ્વચ્છ નિર્મળ નિરવાળી અર્ધચંદ્રાકાર નદીમાં ખૂબ નહાયા. આજુબાજુનું દૃશ્ય મનોરમ હતું. સામે જ લીલાછમ પર્વતને ચક્રાકાર ઘેરતી અને તીવ્રવેગે વહેતી નદી વરસાદના જળથી પૂરેપૂરી ભરી હતી. આસપાસનાં પહાડી જંગલો પણ હતાં. ક્યારેક અહીં મહાન વિજયનગરની રાજધાની પણ હતી. અત્યારે એનું નામ હંપી છે. શ્રી હંપીશ્વર મહાદેવનું વિશાળ મંદિર પણ અહીં છે. આ ચક્રતીર્થ પ્રસિદ્ધ શિવની તીર્થભૂમિ છે.

સંન્યાસી સ્નાન કરીને એક સ્વચ્છ પથ્થર પર બેસીને ત્યાંનાં મનોરમ દૃશ્ય માણી રહ્યા છે. મનમાં ને મનમાં ભારતના પ્રાચીન ઇતિહાસનાં પાનાં સામે આવી રહ્યા છે. વિજયનગરનું સામ્રાજ્ય કેવી રીતે વિકસ્યું અને કેવી રીતે એનો વિનાશ થયો. શા માટે એવું બન્યું? વગેરે મનશ્ચક્ષુ સમક્ષ આવવા લાગ્યું.

શું આપણે ભારતવાસીઓ આમાંથી કંઈ બોધપાઠ શીખી શક્યા છીએ ખરા?

એટલામાં જ એક સૌમ્ય વૃદ્ધ સ્ત્રી આવી. એણે સામે નાળિયેર મૂકીને પોતાની ભાષામાં કંઈક કહ્યું. સંન્યાસી બેચાર શબ્દોનું જ અનુમાન કરી શક્યા, બાકી બધું હવામાં. સંન્યાસીએ એમને હિંદીમાં આશીર્વચન આપ્યાં. એ વૃદ્ધ સ્ત્રી કંઈ સમજી હોય એવું ન લાગ્યું. પછી એ દંડવત્‌ પ્રણામ કરીને ચાલી નીકળી. ભૂખ તો લાગી હતી. એમાં વળી આ વૃદ્ધ સ્ત્રી પાસેથી નાળિયેર મળ્યું એટલે નાળિયેર ખાઈને જ ભૂખને દૂર કરવાની છે. સંન્યાસી તો નાળિયેર ખાઈ ગયા. બીજો કોઈ ઉપાયે ન હતો. કોઈ ગૃહસ્થની ઘરે જઈને ભિક્ષાન્ન ન માગતા આકાશવૃત્તિથી ચલાવતા હતા. બંને વખત ખાવામાં નાળિયેર પેટમાં તો ગયું પણ ગરબડ થઈ ગઈ. પેલા તો પેટમાં પીડા થવા લાગી. પછી ઝાડા થઈ ગયા અને મરડાની બીમારી થઈ ગઈ. હવે ચક્રતીર્થમાં રોકાવાનો વિચાર માંડીવાળીને સંન્યાસી હોસ્પેટ શહેર તરફ ચાલી નીકળા. અહીં કદાચ પોતાના રોગનો ઈલાજ મળી જાય. એવું મનમાં ધાર્યું હતું. આખે રસ્તે ઝાડાને લીધે હેરાન હેરાન થતા રાતે સંન્યાસી હોસ્પેટ પહોંચ્યા; પણ હવે આ રોગ એટલો વધી ગયો કે શહેરમાં જાવું સંભવ ન હતું.

બહાર રસ્તાની પાસે એક લિંગાયત ધર્મશાળાની પાછળ એક છાપરામાં બેઠા. ત્યાં કોઈ ન હતું એટલે ઠીક રહ્યું. પરંતુ સામે જ ચારેબાજુથી બંધ કોટની અંદર એક તળાવ અને જંગલ જેવું હતું. આ સગવડતા જોઈને સંન્યાસીની ચિંતા થોડી ઓછી થઈ. પણ આખી રાત ઝાડા થતા રહ્યા અને નબળાઈનો પાર ન રહ્યો. સવારે તો લોહી પણ પડવા લાગ્યું. આટલી નબળાઈને લીધે ઘણી મુશ્કેલી વધતી જતી હતી. ચક્કર આવવા લાગ્યા. કોઈ મદદ કરનારું ન મળે તો પછી શું કરવું એ પણ પ્રશ્ન હતો. સાંજને સમયે સારંગી બજાવીને ભીખ માગનારો ગ્વાલિયરનો એક માણસ આવી પહોંચ્યો. સંન્યાસીને જોઈને ખૂબ પ્રસન્ન થયો અને કહ્યું: ‘સારું થયું, આપની સાથે સત્સંગમાં રાત વીતશે. એણે જોયું તો સંન્યાસી વારંવાર ઝાડે જાય છે. ચિંતા સાથે એણે પૂછ્યું: ‘મહારાજ, ક્યારથી આ તકલીફ શરૂ થઈ? અહીં ક્યારથી આવ્યા છો? દવા લીધી કે નહિ? કંઈ ખાધું છે કે નહિ? વગેરે.’ મેં બધી વાત કહી. એટલે એણે કહ્યું: ‘કાલ સવાર સુધીમાં મટી જશે. આ બધું અન્ન ન મળવાને કારણે અને પેલા નાળિયેરને કારણે થયું છે. હું જલદી ભાત બનાવીને આપને ખવડાવું છું. અને પછી ભીખ માગવા જઈશ. તમે ગભરાતા નહિ.’

રાતભર મુશ્કેલી તો રહી. સવારે એણે નાહી ધોઈને ભાત રાંધ્યા. લાલ મરચામાં ઘણું ઘી નાખીને એનો રસો બનાવીને ખાવામાં પીરસ્યો. સંન્યાસીએ લાલ મરચું જોઈને વિચાર્યું કે હવે તો આ છેલ્લું જ ભોજન છે. ‘જય ભગવાન’ કહીને એ ઝોલ એટલે ભાતનું પાણી અને મરચાની ભૂકી સાથે ભાત ખાધો. પેલા સારંગીવાળાએ પણ થોડું ઘણું ખાધું અને વળી પાછો ભિક્ષા માગવા ચાલી નીકળ્યો.

અને હવે બે-ચાર વખત તો ઝાડે જવું જ પડ્યું પણ પછી લોહી નીકળવું ઓછું થયું અને ઝાડા પણ બંધ થવા લાગ્યા. સંન્યાસીના આશ્ચર્યનો પાર ન હતો. સાંજ સુધીમાં તો લોહી સાવ બંધ થયું. દેહમાં જરા તાકાત આવી. પેલો સારંગીવાળો ભિખારી બજારમાંથી દહીં અને સંન્યાસીની બિમારી માટે વાત કરીને કોઈ સજ્જન પાસેથી ચોખ્ખું ઘી પણ માગી લાવ્યો. રાતે સંન્યાસીને વળી પાછા ઘી સાથે દહીંભાત ખવડાવ્યા. સવાર થતાં રોગનું નામનિશાન ન રહ્યું.

પછીના દિવસે વળી પાછા દહીંભાત ખવડાવ્યા અને એ ભિખારી સારંગી સાથે ભીખ માગવા ચાલી નીકળ્યો. આખો દિવસ સંન્યાસીએ આરામ કર્યો. સાંજે એ સારંગીવાળો એક સજ્જનને સાથે લઈને આવ્યો. એણે કહ્યું: ‘બેલારી, સારી જગ્યા છે. ત્યાં ચાલ્યા જવું તમારા માટે સારું રહેશે.’

એણે પોતે ટિકિટ લઈ દીધી અને સારંગીવાળો સ્ટેશન સુધી આવીને મને ગાડીમાં બેસાડી દીધો અને પ્રેમપૂર્વક મને વિદાય આપી. સંન્યાસીના મોંમાંથી ઉદ્‌ગાર સરી પડ્યા. એક ભિખારીના હૃદયમાં પણ માનવતાનું કેવું સુંદરમજાનું પુષ્પ ખીલ્યું છે! ધન્ય છે પ્રભુ! તારી લીલા ધન્ય છે!

Total Views: 51

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.