રાઠોડ દુર્ગાદાસ યુવાવસ્થામાં અત્યંત સુંદર અને સ્વસ્થ હતા. થોડાં વર્ષો સુધી તેઓ ઔરંગઝેબના દરબારમાં હતા. બાદશાહના પ્રિય ઉદયપુરના બેગમે એમને ઘણીવાર ત્યાં જોયા હતા. મનમાં ને મનમાં એ બેગમના મનમાં પ્રેમ જાગ્યો. ઘણાં વર્ષો પછી અનાયાસ તક મળી ગઈ.

શાહજાદા બગાવતી અકબરને લઈને જ્યારે પૂનામાં શંભાજી પાસે ગયા ત્યારે થોડા દિવસ ત્યાં એ રોકાઈ ગયા. સતત યુદ્ધ કરીને થાકી ગયા હતા અને આરામ કરતા હતા.

જે દિવસે મારવાડ પાછા ફરતા હતા, તે પહેલાં એક દિવસે એમણે એક સ્ત્રીનો ચિત્કાર સાંભળ્યો. તલવાર લઈને બહાર નીકળ્યા તો શંભાજી દારૂના નશામાં ચકચૂર થઈને એક બાલિકાને નિર્વસ્ત્ર કરતા હતા. પેલી બિચારી ચિત્કાર કરી રહી હતી. યુવાનથી રહેવાયું નથી તે બોલી ઊઠ્યા : શંભાજી, તમે તો આવું કરીને શિવાજીના ઉજ્જવળ નામને લજવો છો. તમને શરમ આવવી જોઈએ, શરમ!

દુર્ગાદાસ અને શંભાજી વચ્ચેની વાતચીત ઝઘડામાં પલટી ગઈ. યુવાન શંભાજીને દુર્ગાદાસે બરાબર ઝકડી લીધા. પરંતુ એમને મારી ન નાખતાં ચેતવણી આપીને છોડી મૂક્યા. બંનેની રાડારાડ સાંભળીને સૈનિકો આવી ગયા અને શંભાજીના સૈનિકોએ દુર્ગાદાસને કેદ કરી લીધા.

બીજે દિવસે એમને કેદી કરીને દિલ્હી મોકલવામાં આવ્યા. જતાં જતાં એમણે શાપ આપ્યો : મારા જીવનમાં મન-વચન-કર્મથી કોઈ પાપ ન કર્યું હોય તો હું ભવિષ્યવાણી ભાખું છું કે તારું ઔરંગઝેબના હાથે મૃત્યુ થશે.’

હાથમાં બેડીઓ સાથે દુર્ગાદાસને બાદશાહની સામે હાજર કર્યા. ઔરંગઝેબ પણ એમનાથી નારાજ હતો પણ એમની સ્વામી ભક્તિ અને વીરતાના કારણે ઊંડે ઊંડે મનમાં આદર પણ ધરાવતો.

ઔરંગઝેબે બધું સાંભળીને કહ્યું : ‘દુર્ગાદાસ, તમે સલ્તનતના શાસકોને ખૂબ હેરાન કર્યા છે. શાહી ચોકીઓ લૂંટી આગ લગાડી અને શાહજાદા અકબરને બળવાખોર બનાવવાનો પ્રયાસ પણ કર્યો છે. બોલો, તમને શી સજા કરવી?’

સાંભળીને દુર્ગાદાસે કહ્યું : ‘બાદશાહ સલામત, મેં જે કંઈ કર્યું છે તે સલતનના ભલા માટે અને વતન પ્રત્યેના પ્રેમને લીધે કર્યું છે. તમારા શાસકો હિન્દુઓને પરાણે મુસલમાન બનાવતા હતા, મંદિરો તોડતા હતા બહેન – દીકરીઓની લાજ લૂંટતા હતા.’

ચોકીદારને હુકમ થયો કે એને કિલ્લાના નીચેની કાળી કોટડીમાં પૂરી દેવા.

જ્યારે ઔરંગઝેબ મહેલમાં ગયો ત્યારે એમની પૌત્રી (શાહજાહ અકબરની પુત્રી) બોલી : ‘દાદા, આ અવાજ તો મારા પિતાના જેવો હતો. તેઓ અહીં શા માટે આવ્યા હતા?’

ઔરંગઝેબે કહ્યું : ‘બેટા, તારી સામે જ દુર્ગાદાસ ઊભા હતા. તું એમને ત્યાં દશ વર્ષ રહી, શું તેમને તું ઓળખતી પણ નથી?’

દીકરીએ કહ્યું : ‘ના, દાદા તેઓ તો મને પડદામાં જ રાખતા. કુરાને શરીફ ભણાવવા એક મુસલમાન આલિમ ફાઝિલ મામાનીને રાખ્યા હતા. ક્યારેય વાતચીત કરવી હોય તો એના દ્વારા જ થતી.

ઔરંગઝેબને એ વાતની નવાઈ લાગી કે આટલાં વર્ષ સુધી આવી સુંદર પરી જેવી પૌત્રીને રાખી, પણ એનો ધરમ બદલાવવાનો પ્રયત્ન તો ન કર્યો કે, ન કર્યો કોઈ, રજપૂત રાજકુંવર સાથે પરણાવી દેવાનો ઈરાદો. મેં એમનાં ગામ બાળ્યાં, મંદિરો તોડ્યાં. એમને આવો મોકો મળ્યો તો યે તકનો લાભ ન લીધો અને કુરાને શરીફનો અભ્યાસ પણ કરાવ્યો! આ દુર્ગાદાસ અજબનો માનવી! પણ ઔરંગઝેબ આવી લાગણીમાં પડે તેમ ન હતો. દુર્ગાદાસનો યશ મારવાડમાં જ નહીં પણ સમગ્ર રાજસ્થાનમાં ફેલાઈ રહ્યો હતો. એ તો એમને ખતમ કરી નાખવા ઇચ્છતો હતો. અત્યારે તો એની કેદમાં હતા. આવો મોકો પાછો નહીં મળે એમ વિચારીને પોતાના સરદારોના દરબારમાં જ એમની કતલ કરવાની યોજના ઘડતો હતો.

સંજોગવશાત્‌ ઉદયપુરી બેગમ પડદામાં રહીને આ બધી વાતો સાંભળતી હતી. એણે વિચાર્યું કે એકાદ – બે દિવસમાં દુર્ગાદાસને ફાંસી થઈ જશે. એટલે આજે જ રાતે જઈને એમને મળી લઉં તો? બનીઠનીને એ તો મધરાતે ચાલી અંધાર કોટડી તરફ! અચાનક ઔરંગઝેબ જાગી ગયો. એ શંકાશીલ સ્વભાવનો તો હતો જ. થોડા દિવસો પહેલાં જ શાહજાદી જેબુન્નિસાની ઘટના ઘટી હતી. એ છાનોમાનો બેગમની પાછળ પાછળ ચાલવા માંડયો.

બેગમ જેલના દરવાજે પહોંચી. મોગલોની જેલના ચોકીદાર મૂંગા કે બહેરા હબસી રહેતા. બેગમે રુકો બતાવીને ચાવી માગી અને દરવાજો ખોલીને અંદર ગઈ. આ બાજુ દુર્ગાદાસને ખ્યાલ આવી ગયો હતો કે એકાદ બે દિવસમાં પોતાની કતલ થવાની જ છે. એમને કિશોર અજિતસિંહને જોધપુરની ગાદીએ બેસાડવાની ચિંતા સતાવતી હતી. ૧૭ વર્ષથી અહીં મોગલોનું રાજ્ય હતું. મુસલમાન સૂબો રાજ્ય ચલાવતો હતો. એનાં કાળાં કરતૂતોથી પ્રજા ત્રાસી ગઈ હતી. હિન્દુઓ પર જજિયા વેરો હતો. કેટલાક રજપૂતો અને બીજા લોકો મુસલમાન બની ગયા હતા. એવામાં બેગમનો અવાજ કાને પડયો. ‘દુર્ગાદાસ જાગો છો કે?’ આ સાંભળીને દુર્ગાદાસના મુખેથી શબ્દો સરી પડયા : ‘અરે, મલિકા એ આલમ! જેને હમણાં ફાંસી મળવાની છે એ વળી નિરાંતે ઊંઘી શકે ખરો? પરંતુ આપ અહીં અત્યારે આ કાળ કોટડીમાં?’

બેગમે કહ્યું : ‘હું તો આપને મુક્ત કરવા આવી છું. જો તમે ઇચ્છો તો આપણે બંને અહીંથી અત્યારે જ ભાગી જઈએ? બાદશાહની ચિંતા ન કરતા. ભલેને સંશયી હોય પણ છે મારા વશમાં! હું તો આપના પર આફરીન છું! પંદર વર્ષ પહેલાં આપને જોયા હતા, ત્યારથી જ તમને મળવાની ઈંતેજારી કરું છું!’

આ સાંભળીને દુર્ગાદાસે કહ્યું : ‘ના બેગમ

સાહેબ! એવું ન બને. મારે પત્ની છે, પુત્ર છે અને ભર્યોભાદર્યો પરિવાર છે. આવી વાતો ન કરો. બેગમ તમે તો મારી બહેન કે પુત્રી સમાન છો!’

બાદશાહ ઔરંગઝેબની માનીતી બેગમ, ઉદયપુરી બેગમે ક્રોધમાં પગ પછાડીને અને ફૂંફાડા મારતાં કહ્યું : ‘અરે દુર્ગાદાસ, તમે તો ગજબના છો! એટલે જ આટલાં વર્ષ સુધી પોતાના દુશ્મનની પૌત્રીને આપના ગામમાં જાળવીને રાખી અને એના ચારિત્ર્યનું હનન પણ ન કર્યું! અને આજે જ્યારે તમને જિંદગી અને મોત વચ્ચે પસંદગી કરવાનો મોકો મળે છે, ત્યારે આપ જિંદગીની આ વસંતને હડસેલીને આમ કૂતરાંમાં મોતે મરવા તૈયાર છે!’

બેગમની લલચામણી વાણીથી જરાય ડગ્યા વિના તેઓ મક્કમ અવાજ બોલ્યા : ‘બેગમ સાહેબ, આ દુર્ગાદાસ પારકી સ્ત્રી વિશે મા, બહેન કે પુત્રી સિવાય બીજી કોઈ નજરે જોઈ ન શકે, એવું વિચારી પણ ન શકે. બહેન, મરવાનું તો છે જ એક દિવસે. તો પછી એ મૃત્યુ કાલે આવે કે દસ – વીસ વર્ષ પછી! એમાં શું?’

ઔરંગઝેબે છાનામાના આ બધું સાંભળી લીધું. એના મનમાં આ બેગમ અને એના પુત્ર કમબક્સ માટે શરૂઆતથી આમ ખેંચાણ હતું. આવી ઘટના પછી સજા કરવી જરૂરી હતી તે મોકો શોધતો હતો.

સંજોગવશાત્‌ બીજે દિવસે કંઈક એવી ઘટના ઘટી કે દુર્ગાદાસની ફાંસી તો ટળી ગઈ.

શંભાજીને આગરા બોલવીને મારી નાખ્યા. મરાઠાઓ થોડા સમય માટે ઠંડા પડયા. એકી સાથે આટલાં સંકટ ટળી ગયાં, એમ માનીને ઔરંગઝેબ પણ ખુશ હતાં. શાહજાદા અકબર મક્કા ચાલ્યો ગયો. તહવર ખાન પણ પોતાની મેળે મરી ગયો. એટલે એણે મનમાં વિચાર્યું કે માત્ર બાહ્ય દંભ રાખીને પણ દુર્ગાદાસ સાથે મૈત્રી કેળવવી. બીજે દિવસે દરબારમાં બોલાવીને ખિલ્લત બક્ષી અને લુણવાની જાગીર પાછી આપી દીધી. તેઓ રાજપૂતાના આવીને મેડતિયા ઠાકુર શ્યામસિંહને ત્યાં આવીને રહ્યા. આ બાજુ દુર્ગાદાસને મારી નાખવા ઔરંગઝેબે મોટું સૈન્ય પાછળ લગાડી દીધું.

એ સમયે દુર્ગાદાસ પાસે એક હજાર જવાનો હતા. મોગલો પાસે ૨૦ હજારનું વિશાળ સૈન્ય. દુર્ગાદાસને  દેવારી ઘાટીનો સહારો મળ્યો. મોગલોના સૈનિકો ઘાટીમાં પ્રવેશ્યા અને રાજપૂતોએ એને ચારે બાજુથી ઘેરી લીધા. પહાડો પરથી ઝેરી બાણ અને પથ્થરનો મારો ચાલ્યો. મોગલ સૈન્ય ઘણી મોટી ખુવારી સાથે દિલ્હીમાં આવી ગઈ. દેવારીથી જોધપુર આવીને મેવાડના પહાડોમાંથી રાજા અજિતસિંહને બોલાવીને ગાદીએ બેસાડયા. ૧૮ વર્ષ પછી એમણે મહારાજા જશવંતસિંહ સમક્ષ લીધેલ પ્રતિજ્ઞા પૂરી કરી. મેવાડના રાણા જયસિંહે પોતાની ભત્રીજીનાંલગ્ન અજિતસિંહજી સાથે કરાવ્યાં – નવાં રાણી પણ સાથે જ હતા.

ઈ.સ. ૧૬૯૮માં જોધપુરમાં મોટો દરબાર ભરાયો. રાજસ્થાનના બધા રાજા – મહારાજા – જાગીરદાર ભેટ સાથે આવ્યાં. ઔરંગઝેબે પણ એ વખતે જડેલી તલવાર અને મનસબની સનદ ભેટ આપી. મરતી વખતે રાજા જશવંતસિંહે દુર્ગાદાસને એક મોટી પેટી આપી હતી. એ પેટીને બધાંની સામે એને ખોલી. એમાં રત્નજડિત મુકુટ અને અત્યંત કિંમતી કટાર હતી. મુકુટ નવા મહારાજાને પહેરાવ્યો અને કટાર એમની ભેટે બાંધી દીધી. આ બધું કાર્ય પૂર્ણ કરીને દુર્ગાદાસે કહ્યું : ‘મહારાજ, આજે મારું પ્રણ પૂરું થયું. ઘણો ઘણો ખુશ છું. ભગવાને મારી પાઘડી અને તલવારની લાજ રાખી છે, હવે હું મારો અંતિમ કાળ સુધારવા આપની રજા લઉં છું!’

આમ કહીને એમણે પોતાનો રાજાશાહી પોશાક ઉતારી નાખ્યો અને સાથે રાખેલી ઝોળીમાંથી ભગવાં વસ્ત્રો કાઢીને પહેરી લીધાં. આખી સભામાં બુલંદ અવાજ ગરજી ઊઠયો : ‘રાજ સંન્યાસી વીર દુર્ગાદાસનો જય હો! જય હો!’

બધાંની આંખમાંથી આંસું વહેવા લાગ્યાં. વૃદ્ધ રાજ સંન્યાસી વીર દુર્ગાદાસ હાથમાં કમંડળ લઈને ધીમે ધીમે ભર્યા દરબારમાંથી બહાર જઈ રહ્યા હતા.

Total Views: 23

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.