ડો. સુરુચિ પાંડેએ ‘આનંદ કથા’ નામના પુસ્તકમાં શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ શિષ્ય શ્રીમત્ સ્વામી અભેદાનંદજી મહારાજનાં સંસ્મરણોમાંથી ગુજરાતી અનુવાદ પ્રસ્તુત છે. – સં.

સ્વામી અભેદાનંદજી સ્વામી વિવેકાનંદજીના ગુરુબંધુ હતા. તેઓ અત્યંત બુદ્ધિમાન, શાણપણવાળા અને વેદાંતના જ્ઞાની હતા. તેઓ સંસ્કૃત અને અંગ્રેજી ભાષા પર અદ્ભુત પ્રભુત્વ ધરાવતા હતા. તેઓ વાચનપ્રિય પ્રકૃતિના હતા. નાનપણથી જ એમને બૌદ્ધિક પરિચર્ચામાં અદ્ભુત રસરુચિ હતાં. આમ છતાં પણ એમણે પોતાની શારીરિક તંદુરસ્તી પ્રત્યે જરાય બેદરકારી ન રાખી. સ્વામી અભેદાનંદજીનું પૂવાશ્રમનું નામ કાલીપ્રસાદ હતું. વેદાંત તત્ત્વજ્ઞાન પ્રત્યે એમને જબરું આકર્ષણ હતું એટલે જ એમને ‘કાલીવેદાંતી’ કહીને બોલાવતા. તેઓ પોતાના મિત્રો સાથે નિયમિત રીતે ગંગામાં તરવા જતા. અંગકસરત માટે પણ દરરોજ અખાડામાં જતા. ઇતિહાસ અને તત્ત્વજ્ઞાનના ગ્રંથો પણ વાંચતા. આ વાચન સાથે એમણે એક વખત આદિ શંકરાચાર્ય વિશે વાંચ્યું. આદિ શંકરાચાર્યનું આયુષ્ય અને એ અવધિમાં એમણે કરેલાં કાર્યોથી એમને ઘણી પ્રેરણા મળી. એમણે શંકરાચાર્ય જેવા જ મહાન વિદ્વાન અને તત્ત્વજ્ઞ બનવાનું મનમાં નક્કી કરી લીધું. તેઓ શાળામાં ચિત્રકામના વર્ગમાં પણ જતા. એમણે એક જ વર્ષમાં ચિત્રકળામાં પણ પોતાનું નામ ઉજવાળી દીધું. તે શાળાના શિક્ષકને એમની પાસેથી સારી ચિત્રકળાની અપેક્ષા હતી. એમની એવી ધારણા પણ હતી કે કાલી ચિત્રકામમાં પોતાનું નામ કાઢશે. પણ કાલીના મન પર શંકરાચાર્યનો જબરો પ્રભાવ પડ્યો.

એટલે એમણે એક દિવસ પોતાના ચિત્ર શિક્ષક પાસે જઈને કહ્યું: ‘હું હવે પછી ચિત્રના વર્ગમાં આવી નહિ શકું.’ એમના શિક્ષકે એમને વારંવાર સમજાવવાનો પ્રયત્ન કર્યો અને કહ્યું: ‘જો ભાઈ, તત્ત્વજ્ઞાની બનવા કરતાં ચિત્રકાર બનવું વધારે સારું.’ પણ કાલીએ એમની એકેય વાત સાંભળી નહિ. એમણે કહ્યું: ‘ગુરુજી, ચિત્રકાર તો જે બાહ્ય વસ્તુ કે બાબત છે એને જુએ છે. જ્યારે તત્ત્વજ્ઞાની તો વધુ ને વધુ અંતરમાં દૃષ્ટિ કરી શકે છે. કોઈ પણ બાબતનું મૂળ કારણ જાણવાનો તે પ્રયત્ન કરે છે. એટલે જ મારે તો તત્ત્વજ્ઞાની થવું છે.’

પોતાના પ્રખર બુદ્ધિશાળી ગુરુબંધુ સ્વામી અભેદાનંદ પર સ્વામી વિવેકાનંદને અદ્ભુત શ્રદ્ધા હતી. વેદાંત પ્રચાર-પ્રસારનું કાર્ય સ્વામીજી પોતાનાં મનપ્રાણ લગાડીને કરી રહ્યા હતા. પછીથી આ સુકાર્ય ચાલુ રાખવા માટે સ્વામી વિવેકાનંદે સ્વામી સારદાનંદ, સ્વામી અભેદાનંદજીને પરદેશ બોલાવી લીધા. ૧૮૯૬ના જુલાઈમાં એમણે કાલીને (સ્વામી અભેદાનંદને) લંડન બોલાવ્યા. એ સંદેશ અનુસાર ૧૮૯૬ના ઓગસ્ટમાં સ્વામી અભેદાનંદ વહાણ દ્વારા લંડન જવા નીકળ્યા. સપ્ટેમ્બરના અંતે તેઓ ત્યાં પહોંચ્યા. એમને આ સમુદ્ર યાત્રા અત્યંત કઠિન લાગી અને એમને આ સમુદ્રયાત્રા અનુકૂળ ન આવી. એમને તો પહેલાં શાકાહારી ભોજનનો જ પ્રશ્ન નડ્યો. પણ એમને મન પોતાની વ્યક્તિગત મુશ્કેલીઓ કરતાં પોતાના ગુરુબંધુ સ્વામી વિવેકાનંદનો આદેશ વધારે અગત્યનો હતો. લંડન એક મહિના પછી પહોંચ્યા બાદ સ્વામી અભેદાનંદજીનું પ્રથમ વ્યાખ્યાન યોજાયું. શરૂઆતમાં તો થોડા ખચકાયા અને ડરી પણ ગયા. પરંતુ સ્વામીજીએ એમને કહ્યું હતું: ‘જીવનપર્યંત દરેકે દરેક કસોટીની પળે શ્રીઠાકુરે મને જે શક્તિ અને સામર્થ્ય આપ્યાં હતાં તેના પર જ નિર્ભર રહેજો.’ આ શબ્દોએ એમને જબરી હિંમત આપી.

૨૭ ઓક્ટોબર, ૧૮૯૬ના રોજ લંડનમાં બ્લૂન્સ બરી સ્ક્વેરમાં એમણે ‘પંચદશી’ ગ્રંથ પર વ્યાખ્યાન આપ્યું. આ વ્યાખ્યાન ઘણું પ્રભાવક રહ્યું. પોતાના પરનો સ્વામી વિવેકાનંદનો વિશ્વાસ યથાર્થ નિવડ્યો તેથી એમણે અત્યંત આનંદ અનુભવ્યો. સ્વામી વિવેકાનંદે કહ્યું: ‘હવે જો હું ચાલ્યો જઉં તો પણ આ હોઠેથી મારો સંદેશ વહેતો રહેશે અને સમગ્ર વિશ્વ એ સાંભળતું રહેશે.

Total Views: 22

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.