નરેન્દ્રના જીવનમાં શ્રીરામકૃષ્ણદેવ અને શ્રીમા શારદાદેવી આ બંને દૈવી વ્યક્તિઓનું એક અટલ સ્થાન પ્રસ્થાપિત થવાનું હતું. ભારતના ઇતિહાસમાં ધાર્મિક ક્રાંતિ લાવનાર વ્યક્તિઓમાં શ્રીરામકૃષ્ણદેવનું નામ મોખરે છે.

૧૮મી સદીના અંતે પશ્ચિમની સંસ્કૃતિના દૂતરૂપે અંગ્રેજ વેપારીઓ ઉદ્યોગ અને વેપાર કરવાના ઇરાદે ભારતમાં આવ્યા. કાલાંતરે એમણે સામ, દામ, દંડ, ભેદથી આ દેશ પર પોતાનું એકછત્રી સામ્રાજ્ય સ્થાપ્યું. રાજનૈતિક ક્ષેત્રનો આ પરાભવ ભારતના સાંસ્કૃતિક જીવન પર પોતાની અમીટ છાપ પાડવા લાગ્યો. અંગ્રેજી ભાષા દ્વારા અપાતા પાશ્ચાત્ય શિક્ષણના પ્રસાર અને વિજ્ઞાન પર આધારિત ભૌતિક સભ્યતાના મોહમાં પડીને મોટા ભાગના ભારતીયો પોતાની પ્રાચીન ઉજ્જવળ પરંપરાને ભૂલવા લાગ્યા. પરંતુ સમય જતાં ભારતમાં આત્મરક્ષાની શક્તિ અને સ્વતંત્રતાનાં ઊછળતાં મોજાં ઊઠવા લાગ્યાં. એને પરિણામે બ્રાહ્મોસમાજ, આર્યસમાજ અને થિયોસોફિકલ સોસાયટી આ ત્રણ પ્રબળ ધર્મ-આંદોલનો ઉદ્ભવ્યાં.

હિંદુ ધર્મની આ વિશિષ્ટતા છે : બધાંનો સમાવેશ અને બધાં પ્રત્યે ઉદારતા. સાથે ને સાથે બિનજરૂરી રૂઢિઓનો ત્યાગ પણ દરેક યુગમાં અનિવાર્ય બની રહે છે. પરંપરા પ્રત્યે નિષ્ઠા અને પ્રગતિશીલતા વચ્ચે તાલમેલ બેસાડવો અત્યંત કઠિન છે, પણ એટલો જ આવશ્યક પણ ખરો. આ કાર્યને સંપન્ન કરવા શ્રીરામકૃષ્ણે આપણને એક મંત્ર આપ્યો ‘જતો મત તતો પથ- જેટલા મત તેટલા પથ’- બધા પથ ઈશ્વર તરફ જ લઈ જાય છે. આ સત્ય એમણે પોતાના જીવનમાં આચરણ દ્વારા બતાવ્યું છે. કવિવર રવીન્દ્રનાથ ટાગોરે પોતાની એક કવિતામાં શ્રીરામકૃષ્ણદેવને આ શબ્દોમાં શ્રદ્ધાંજલિ આપી છે :

સાધકગણની ભિન્ન ભિન્ન પૂજાધારા, બધી આવી સાથે મળે ધ્યાન-ભજને તારા,

ચિરઅસીમનો માર્ગ બન્યંુ છે તવ જીવન, આ નવયુગ કાજે બન્યંુ એ તીર્થ પાવન.

શ્રીરામકૃષ્ણના આદર્શો અને વિચારોનો પ્રચાર-પ્રસાર આધુનિક જગતના મંચ પરથી નરેન્દ્રનાથ દ્વારા થવાનો હતો. બીજી બાજુએ શ્રીરામકૃષ્ણના અન્ય શિષ્યોને મમતા, માતૃપ્રેમની હૂંફ અને એક અવર્ણનીય તથા સુદૃઢ શીતળ છાંયડી આપવાનું કાર્ય શ્રીમા શારદાદેવીએ પૂર્ણ કર્યું. ચાલો, હવે આપણે એ બંનેનાં જીવનનો સંક્ષિપ્ત પરિચય મેળવીએ :

ભગવાન શ્રીરામકૃષ્ણ પરમહંસ :

ગદાધર નામનો એક છ-સાત વર્ષનો બાળક છે. એક દિવસ સવારે નાની થેલીમાં પૌંઆ-મમરા લઈને ઘરેથી નીકળી પડ્યો. મમરા ખાતાં ખાતાં તે ખેતરના ક્યારા પર ચાલી રહ્યો હતો. આકાશમાં એની સામે વાદળની એક ઘટા પ્રગટ થઈ. પાણીથી ભરેલાં કાળાં વાદળ કેટલાં સુંદર હતાં ! ગદાધર સહજ ભાવે એ વાદળને નીરખતો હતો અને મમરા ચાવતાં ચાવતાં ચાલતો હતો. આ કાળાં વાદળ ધીમેધીમે ફેલાયાં અને આકાશમાં પ્રસરી ગયાં. ત્યારપછી એક તરફથી સફેદ બગલાંની હાર ઊડતી ઊડતી આવી. કાળાં વાદળ અને એના પર દૂધ જેવાં ધવલવર્ર્ણાં બગલાં. આ અદ્‌ભુત સૌંદર્યદર્શને ગદાધરના મનને ક્યાંય દૂરદૂર પહોંચાડી દીધું. એમની ભીતર એક અલૌકિક આનંદની લહેર આવી અને તેઓ બાહ્ય જગતનું ભાન ભૂલી ગયા. બેભાન થઈને તેઓ ધરતી પર ઢળી પડ્યા. થેલીના મમરા ચારેબાજુ વિખેરાઈ ગયા. લોકોએ એને આવી અવસ્થામાં ખેતરમાં પડેલો જોયો અને તેને ખભે ઊંચકીને ઘરે લઈ આવ્યા. (ક્રમશ:)

Total Views: 291

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.