પ્રકૃતિના સુંદર દૃશ્યને જોઈને અત્યંત સૂક્ષ્મ, તીવ્ર અને વિશુદ્ધ આનંદમાં ડૂબીને કોણ ભલા પોતાની આવી બાહ્ય ચેતના ગુમાવી બેસે છે? કાળા રંગની પૃષ્ઠભૂમિમાં શ્વેતવર્ણનાં પક્ષીઓને જોઈને પરસ્પર વિરોધી રંગોમાં રહેલ સૌંદર્યની સાચી અનુભૂતિ ભાઈ કેટલા લોકોને થાય છે ? ગદાધરના મનની આ સંવેદનશીલતા અને વિશુદ્ધતા તેની અપૂર્વતાને સૂચિત કરનારી બનવાની હતી.

એમનું જીવન એક અનોખા બીબામાં ઢળાયું હતું. આ ગદાધર પછીથી રામકૃષ્ણ પરમહંસ બન્યા. એ યુગની આવશ્યકતાઓને પૂર્ણ કરવા, માનવજીવનના મૂળ હેતુને સ્પષ્ટ કરવા તેમજ સંન્યાસની ધારણાને પોતાના જીવન દ્વારા યથાર્થરૂપે પ્રસ્તુત કરવા આ અવતાર-વરિષ્ઠનું ભારતભૂમિમાં આગમન થયું.

કોલકાતાથી ૬૦ માઈલ દૂર કામારપુકુર નામના એક ગામમાં ૧૮ ફેબ્રુઆરી, ૧૮૩૬ના રોજ શ્રીરામકૃષ્ણદેવનો જન્મ થયો. એમના પિતાનું નામ ખુદીરામ ચટ્ટોપાધ્યાય અને માતાનું નામ ચંદ્રાદેવી હતું. ગદાધર એટલે કે શ્રીરામકૃષ્ણદેવનું જીવન એક દુર્લભ અને સતત થતી રહેતી સાધનાની કથા છે. પોતાની તરુણાવસ્થામાં તેમણે ભિન્ન ભિન્ન ધર્મોની સાધના કરી.

સાથે ને સાથે હિંદુધર્મના વિવિધ સંપ્રદાયોના માધ્યમથી ઈશ્વરનો સાક્ષાત્કાર પણ કર્યો. આ બધી કઠોર સાધના પછી એમણે ઘોષણા કરી -‘જતો મત તતો પથ – જેટલા મત એટલા પથ’. જુદે જુદે માર્ગે સાધના કરીને ઈશ્વરને પામી શકાય છે.

આજના યુગમાં જે સંકુચિતતા, કટ્ટરતા, ધર્માંધતાનો રોગ જોવા મળે છે તેને નાબૂદ કરવા શ્રીરામકૃષ્ણના ઉપદેશ જ એક ઉત્તમ રામબાણ ઔષધિ છે.

પોતાના આયુષ્યનો એક-ચતુર્થાંશ ભાગ અત્યંત કઠોર સાધનામાં વિતાવીને એમણે પરમાર્થનાં અત્યંત મૂલ્યવાન રત્ન એકત્રિત કર્યાં. ૧૮૭૫માં શ્રીરામકૃષ્ણની મુલાકાત તત્કાલીન સુપ્રસિદ્ધ બ્રાહ્મોનેતા કેશવચંદ્ર સેન સાથે થઈ. કેશવચંદ્ર અને એમના અનુયાયીઓએ શ્રીરામકૃષ્ણનું જીવન-ઉપદેશ પોતાની પત્રિકાઓમાં પ્રકાશિત કરવાનું શરૂ કર્યું. તેને પરિણામે બંગાળના તરુણ યુવાસમાજને એ મહાન સંત વિશે જાણકારી મળવા લાગી.

શ્રીરામકૃષ્ણ પોતાની પાસે એકઠી થયેલી આધ્યાત્મિક સંપત્તિને સમાજના સાર્વત્રિક કલ્યાણ માટે વિતરિત કરવા માટે વ્યાકુળ બન્યા. ૧૮૭૯ થી ૧૮૮૫ દરમિયાન એમના બધા ભક્તો અને શિષ્યો એક પછી એક એમની પાસે આવવા લાગ્યા.

પ્રત્યેક શિષ્યની નિષ્ઠા અને એની પ્રકૃતિને જાણી-ઓળખીને એમણે એમને કેળવવાનું કાર્ય કર્યું. એમણે પોતાનો ભાવ કોઈના પર લાદ્યો ન હતો. એમણે બાહ્ય અને આંતરિક બંને પ્રકારે ત્યાગનો માર્ગ બતાવ્યો. એમની પસંદગીના સોળ અંતરંગ શિષ્ય હતા. એ શિષ્યોમાં સર્વશ્રેષ્ઠ હતા સ્વામી વિવેકાનંદ. આ સોળેય શિષ્યો રામકૃષ્ણ સંઘના સુદૃઢ આધારસ્તંભ સાબિત થયા.

પોતાના જીવનના અંતિમ દિવસોમાં શ્રીરામકૃષ્ણ દેવે આવા કેટલાક યુવાનોને ભગવાં વસ્ત્ર આપ્યાં અને એમને એકસૂત્રે જોડીને જાણે કે પોતે જ એક સંઘની સ્થાપના કરી. ૧૬ ઓગસ્ટ, ૧૮૮૬ના રોજ શ્રીરામકૃષ્ણે દેહત્યાગ કર્યો.

શ્રીરામકૃષ્ણ કેવળ એક વ્યક્તિનું નામમાત્ર ન હતું. તેઓ વિશ્વધર્મની પરિકલ્પનાના જાણે કે જીવંત મૂર્તિ જ હતા. ‘શિવભાવે જીવસેવા’નો ભાવઆદર્શ એમણે જ આપ્યો છે. આધ્યાત્મિકતા અને સામાજિક બંધુત્વ એ બંને હાથમાં હાથ રાખીને એકી સાથે કેવી રીતે ચાલી શકે એ વાત એમણે પોતાના જીવનમાં આચરણ દ્વારા બતાવી છે.
ગૃહસ્થ કે સંન્યાસી બંને પ્રકારના શિષ્યો માટે તેમણે જીવનનો ઉચ્ચ અને ઉત્કૃષ્ટ આદર્શ આપ્યો. કાલીના રૌદ્રરૂપની પાછળ રહેલા સૌમ્ય, સૌંદર્યમય રૂપનું એમણે આપણને જ્ઞાન આપ્યું છે.

સાથે ને સાથે વિભિન્ન ધર્મો વચ્ચેની એકરસતાનો, ઐક્યનો સાક્ષાત્કાર કરાવીને વિશ્વશાંતિ નિમિત્તે એક નવો આદર્શ પણ આપણને આપ્યો છે. એમણે કર્મયોગની ભીતર રહેલા આંતરિક સંન્યાસનો સ્વર પ્રગટ કરી બતાવ્યો છે.

૧૮૯૩માં શિકાગોમાં આયોજિત વિશ્વધર્મપરિષદમાં સ્વામી વિવેકાનંદના શબ્દોએ જે ઇતિહાસનું નિર્માણ કર્યું એને આપણે સૌએ વાંચ્યો છે, જાણ્યો છે.

સ્વામી વિવેકાનંદે ‘મારા ગુરુદેવ’ નામના વ્યાખ્યાનમાં આધુનિક જગત માટે શ્રીરામકૃષ્ણના સંદેશનો સાર-સંક્ષેપ આ શબ્દોમાં આપ્યો છે :

‘મતવાદો, સંપ્રદાયો, પંથો, દેવળો કે મંદિરોની પરવા ન રાખો. દરેક મનુષ્યની અંદર જે જીવનના સારરૂપ વસ્તુ અર્થાત્ ‘ધર્મ’ વિદ્યમાન છે, તેની સરખામણીમાં આ બધું તુચ્છ છે. માનવીની અંદર જેટલા વધારે પ્રમાણમાં આ ભાવની અભિવ્યક્તિ થાય છે, તેટલા પ્રમાણમાં તે જગતનું કલ્યાણ કરવાને વધારે ને વધારે સામર્થ્યવાન થતો જાય છે. સૌથી પ્રથમ આ ધર્મધનનું ઉપાર્જન કરો. કોઈની અંદર દોષ ન જુઓ, કારણ કે બધા મત, બધા ધર્મો સારા છે. તમારા જીવન દ્વારા એમ બતાવી આપો કે ધર્મનો અર્થ કેવળ શબ્દ કે નામ અથવા સંપ્રદાય નથી; તેનો અર્થ તો આધ્યાત્મિક અનુભૂતિ છે.’ (ક્રમશ 🙂

Total Views: 207
By Published On: July 1, 2016Categories: Suruchi Pande, Dr.0 CommentsTags: , , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram