(અનુ. : શ્રીમનસુખભાઈ મહેતા)

સ્વામી વિવેકાનંદ કહે છે:

તમારામાંની દરેક વ્યક્તિ ભવ્ય વારસો લઈને જન્મી છે. (સ્વા.વિ. ગ્રં. 4.52)

પ્રાચીન કલાકારો પોતાના મગજમાંથી મૌલિક ભાવો ઉત્પન્ન કરતા અને પોતાનાં ચિત્રોમાં તેને પ્રકટ કરવા પ્રયાસ કરતા. (સ્વા.વિ. ગ્રં. 8.535)

ભારતીય કલાનું રહસ્ય છે આદર્શને રજૂ કરવો તે. (સ્વા.વિ. ગ્રં. 9.147)

કલા માનવમનની અભિવ્યક્તિ છે અને તે માનવજાતિ જેટલી જ પ્રાચીન છે. કલામાં માનવમનનાં વિશિષ્ટ સર્જનાત્મક કૌશલ્યો પ્રગટ થાય છે. કોઈપણ રાષ્ટ્ર કે પ્રજાના કલાજગતમાં જીવનનાં સૂક્ષ્મ અને સૂક્ષ્મતર તેમજ ભૌતિક પાસાંનું પ્રતિબિંબ જોવા મળે છે. ભૌતિક પાસાંમાં વસ્ત્રો, વિધિવિધાનો, ઉત્સવો, ભવનો અને ચિત્રકામ વગેરેનો સમાવેશ કરી શકાય. મૂલ્યનિષ્ઠ હોવાને લીધે સૂક્ષ્મ પાસાંમાં એટલે કે મનમસ્તિષ્કની કલામાં તેની અભિવ્યક્તિનો સોફ્ટવેર જોવા મળે છે. પ્રાચીનકાળથી જ ભારતના કલાજગતમાં અનંતની શોધનાનું દર્શન જોવા મળે છે.

હવે આપણે આપણા સંસ્કૃત સાહિત્યમાં વિગતે ચર્ચાયેલ કલાનાં કેટલાંક સ્વરૂપો વિશે એક વિહંગાવલોકન કરીએ.

ચિત્રકલા

‘વિષ્ણુધર્મોત્તર પુરાણ’ના ચિત્રસૂત્રમાં નારાયણ નામના ઋષિની વાત આવે છે: સ્વર્ગની કેટલીક અપ્સરાઓ આ ઋષિના મનને વિચલિત કરવા આવી, પરંતુ ઋષિએ અવિચલ રહીને આમ્રરસ પીતી સુંદર નારીનું ચિત્ર દોર્યું. એ ચિત્રમાંથી અપ્સરા ઉર્વશીનો પ્રાદુર્ભાવ થયો. પેલી અપ્સરાઓ તો એના રૂપને જોઈને ઝાંખીઝપટ! પછી ઋષિનારાયણે દેવોના સ્થપતિ વિશ્વકર્માને આ ચિત્રકલા શીખવી. આ પ્રકરણમાં ચિત્રકલાની પદ્ધતિ, તેની ભૂમિકા, ચિત્રકામ અને રંગપૂરણીની વાત આવે છે. શ્ર્વેત, લાલ, પીળો, કાળો અને લીલા રંગને મૂળ રંગ કહ્યા છે, બાકીના રંગ આ બધા રંગોમાંથી કોઈપણ રંગોનું પ્રમાણસર મેળવણ કરવાથી થાય છે. તેમાં કલાની મૂલવણીની વાત પણ છે.  ચિત્રકલાનાં વિવિધ પાસાંનું તેમાં વર્ણન જોવા મળે છે. ચિત્રના સત્ય, વૈણિક, નાગર અને મિશ્ર એવા પ્રકારોનું વર્ણન પણ જોવા મળે છે. ચિત્રજ્ઞ બધા ભૌગોલિક વિભાગોનો જ્ઞાતા, સત્યનિષ્ઠ, ઇન્દ્રિયો પર સંયમ રાખનારો, વ્યસનમુક્ત અને તંદુરસ્ત હોવો જોઈએ.

રંગોળીની કલા

પ્રો. પી. કે. ગોદે પોતાના લેખ ‘રંગોળીની કલાનો ઇતિહાસ’માં કહે છે કે આ કલા 2000 વર્ષ પુરાણી છે. આકાર અને પ્રતીકોની દૃષ્ટિએ રંગોળી દોરવામાં પ્રાદેશિક ભિન્નતા જોવા મળે છે. એમના મતે રંગીન પાવડર, જુદાં જુદાં અનાજ અને ફૂલોનો ઉપયોગ કરીને દોરાતી રંગોળીઓનો સંદર્ભ આપણને વર્ધમાન દ્વારા સાતમી સદીમાં લખાયેલ ગ્રંથ ‘વારણંગચરિત’માં જોવા મળે છે. વાત્સાયનના ‘કામસૂત્ર’માં ‘તાંદુલ કુસુમાવતી વિકાર’ (અનાજના કણથી દોરેલ રંગોળીની કલા)ને 64 કલાઓમાં સમાવી છે. પ્રાચીનકાળથી ભારતમાં લોકો પાવનકારી પર્વના દિવસે પોતાના ઘરને તેમજ મંદિરોને આવી રંગોળીની કલાથી સુશોભિત કરે છે.

પંડિત મહાદેવશાસ્ત્રીએ પોતાના ગ્રંથ ‘ભારતીય સંસ્કૃતિ કોશ’માં રંગોળી વિશે આપણા પ્રાચીન ગ્રંથોમાં રહેલા આવા સંદર્ભોનો ઉલ્લેખ કર્યો છે :

ત્રિવિક્રમ ભટ્ટ (ઈ.સ. 900-950)ની કૃતિ ‘નલચંપુ’માં ઉત્સવોમાં થતાં સુશોભનના ભાગરૂપે રંગોળીનો ઉલ્લેખ થયેલ છે.

11મી સદીના વાદિભસિંહાએ પોતાના ગ્રંથ ‘ગદ્યચિંતામણિ’માં ઉત્સવો અને મિજબાનીમાં દોરાતી ‘મંગલચૂર્ણરેખા’ નામે રેખાકૃતિથી દોરાતી રંગોળીનો ઉલ્લેખ કર્યો છે.

11-12મી સદીના હેમચંદ્રાચાર્યે પોતાની રચના ‘દેશીનામમાલા’માં ચોખાના લોટથી દોરાતી રંગોળીનો ઉલ્લેખ કર્યો છે.

12મી સદીના સોમેશ્ર્વરે પોતાના ગ્રંથ ‘માનસોલ્લાસ’માં જમીન પર દોરવામાં આવતી રંગોળીના ‘ધૂલિચિત્ર’નો ઉલ્લેખ કર્યો છે.

12મી સદીના અપરાર્કના ગ્રંથ ‘અપરાર્ક યાજ્ઞવલ્કીય ધર્મશાસ્ત્ર નિબંધ’માં ‘ઉપલેપના’ના નામની રંગોળીનો ઉલ્લેખ જોવા મળે છે.

16મી સદીના શ્રીકુમારે પોતાના ગ્રંથ ‘શિલ્પરત્ન’માં રંગોળીની કલાનો ઉલ્લેખ ‘ધૂલિચિત્ર’ અને ‘ક્ષણિકચિત્ર’ના નામે કર્યો છે.

સંગીતની કલા

ભારતીય સંગીતનો મૂળ સ્રોત આપણા વૈદિકકાળમાં જોવા મળે છે. વૈદિકમંત્રોનું ઉચ્ચારણ સૂરતાલથી થતું. તેમાં ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત સ્વરનો ઉપયોગ થતો. સંસ્કૃત સાહિત્યમાં નારદીય શિક્ષા, નાટ્યશાસ્ત્ર અને બૃહદ્દેશી જેવા ગ્રંથોમાં સંગીતપ્રણાલીનું ગહન વર્ણન અને તેનો અભ્યાસ જોવા મળે છે.

નારદના સંગીત વિશેના વિચારોનું સંકલન 10મી કે 11મી સદીમાં ‘નારદીય શિક્ષા’માં જોવા મળે છે. દેવોના પ્રિય ગાયક નારદે વેદના મંત્રોચ્ચાર માટે સ્વર વિશેના પૂર્ણજ્ઞાન પર ભાર મૂક્યો છે. આ પુસ્તકમાં ‘સ્વરો’, ‘શ્રુતિઓ’ અને ‘ગ્રામ-રાગ’ વિશે વિશેષ અને વિગતે વર્ણન જોવા મળે છે.

ઈ.સ. પૂર્વે પહેલી કે બીજી સદીમાં ભરતમુનિએ ‘નાટ્યશાસ્ત્ર’નામનો ગ્રંથ લખ્યો હતો. એનાં ત્રણ પ્રકરણોમાં ‘સ્વરો’, ‘શ્રુતિઓ’, ‘ગ્રામ-રાગ’, ‘મૂર્છના’, ‘જાતિ’ જેવાં સંગીતનાં અંગોની સંકલ્પના તેમજ ‘વીણા’ અને ‘બંસી’ જેવાં વાદ્યોની પણ ચર્ચા કરી છે. વળી ‘મૃદંગ’, ‘પણવ’ અને ‘દર્દુર (વાંસળી જેવું વાદ્ય)’ની એક અલગ પ્રકરણમાં ચર્ચા કરી છે.

એક રસપ્રદ વાર્તા છે કે જ્યારે સ્વાતિ નામના ઋષિ પુષ્કર ક્ષેત્રમાં ડૂબકી મારતા હતા ત્યારે તેમણે જોયું કે કોમળ સ્વરથી ઊઠતા પાણીના તરંગો કમળપત્રોને મૃદુતાથી સ્પર્શે છે. આ મધુર અને મૃદુ ધ્વનિથી પ્રસન્ન થયા અને પ્રેરાઈને તેમણે ‘પુષ્કર’ નામનું વાદ્ય રચ્યું.

ઈ.સ. પૂર્વે 800 થી 600ની વચ્ચેના સમયગાળામાં માતંગ ઋષિના ગ્રંથ ‘બૃહદ્દેશી’માં સંગીતના મૂળ સ્રોતની ચર્ચા જોવા મળે છે. તેમાં તેમણે ‘દેશી સંગીત-પ્રાદેશિક સંગીત’, ‘સ્વર નિર્ણય’, ‘ભાષા લક્ષણ’ અને ‘પ્રબંધ’ની ચર્ચા કરી છે.

ભારતીય સંગીત વિશેનો એક બીજો ગ્રંથ ‘સંગીત રત્નાકર’ શ્રીસારંગદેવે લખ્યો છે. ભારતની અનેક સંગીત પ્રણાલીઓને એક સાથે જોડવાનું કામ આ ગ્રંથે કર્યું છે. આ મહાન યશસ્વી કાર્યને લીધે ‘હિન્દુસ્તાની’ અને ‘કર્ણાટકી’ એવી ભારતની બે મહાન સંગીતપ્રણાલીનો ઉદ્ભવ થયો.

12મી સદીમાં લખાયેલ જગદેક મલ્લ કૃત ગ્રંથ  ‘સંગીત ચૂડામણિ’, પાર્શ્ર્વદેવ કૃત ગ્રંથ ‘સંગીત સમય સાર’, નાન્યદેવ કૃત ગ્રંથ ‘ભારત ભાષ્ય’, સોમેશ્ર્વર કૃત ગ્રંથ ‘માનસોલ્લાસ’, શારદાતનય કૃત ગ્રંથ ‘ભાવ પ્રકાશન’ અને હરિપાલદેવ કૃત ગ્રંથ ‘સંગીત સુધાકર’દ્વારા ભારતીય સંગીતશાસ્ત્ર વધુ સમૃદ્ધ બન્યું છે. આ ઉપરાંત 13મી થી 18મી સદી દરમિયાન લખાયેલ સંગીત વિશેની અનેક વિવેચનાઓએ સંગીતશાસ્ત્રને રસસમૃદ્ધ બનાવ્યું છે.

નૃત્યની કલા

નૃત્ય એ સંગીતનો એક ભાગ છે. ભરતમુનિએ કહ્યું છે, ‘નૃત્યં ગીતં તથા વાદ્યં ત્રયં સંગીતમુચ્યતે’- નૃત્ય, ગીત અને વાદ્ય એ ત્રણેયને સંગીત કહેવાય છે. ‘વિષ્ણુધર્મોત્તર પુરાણ’માં કલાની વિગતે ચર્ચા કરી છે. તેમાં કહ્યું છે કે નૃત્યના જ્ઞાન વિના ચિત્રકામ કે રંગકામનું જ્ઞાન બરાબર ન થઈ શકે અને સંગીતના જ્ઞાન વિના આપણે નૃત્યનું જ્ઞાન મેળવી ન શકીએ.

નૃત્ય વિશેના પ્રાચીનતમ અનેક સંદર્ભોમાંથી એક સંદર્ભ આપણને ઋગ્વેદમાં જોવા મળે છે: ‘અધિ પેશાંસિ વપતે નૃતૂરિવાપોર્ણુતે વક્ષ ઉસ્રેવ બર્જહમ્.’ (1.92.4) આ દેવી ઉષા નર્તકી સમાન વિવિધ રૂપો ધારણ કરીને ઊતરે છે.’

ભારતની શાસ્ત્રીય નૃત્યપ્રણાલી માટે ભરતમુનિનો ‘નાટ્યશાસ્ત્ર’નામનો ગ્રંથ છે. તેનાં છત્રીસ પ્રકરણોમાં નૃત્યની સંકલ્પના વિશે વિગતવાર ચર્ચા કરી છે. તેમની ચર્ચા ‘નૃત્ત’, ‘નૃત્ય’ અને ‘નાટ્ય’ એમ ત્રણ વિભાગમાં વહેંચાયેલી છે. ‘નાટ્યશાસ્ત્ર’માં વર્ણવેલા બીજા પ્રાચીન સંદર્ભો અત્યારે અપ્રાપ્ય છે. પાણિનિના ‘અષ્ટાધ્યાયી’માં શિલાલિન અને કૃશશ્ર્વના ‘નટસૂત્ર’ નામના ગ્રંથનો ઉલ્લેખ જોવા મળે છે, પણ આ ગ્રંથ વિશે બહુ ઓછી માહિતી ઉપલબ્ધ છે.

‘અગ્નિપુરાણ’માં આપણને ‘અભિનય’ અને ‘નૃત્ય’ વિશે સંદર્ભો જોવા મળે છે. તેમાં બાર પ્રકારની ચેષ્ટા-અંગ-અભિનયનું વર્ણન છે. આ અંગાભિનય કે ચેષ્ટાનાં ંનામ આ પ્રમાણે છે: ‘લીલા, વિલાસ, વિચ્છિત્તિ, વિભ્રમ, કિલકિંચિ, મોટ્ટાયિત, કુટ્ટમિત, બિબ્બોક, લલિત, વિકૃત, ક્રીડિત અને કેલિ.’ આ પુરાણમાં અભિનયનું સૂક્ષ્મતર અને વિગતે વર્ણન આવે છે. તેમાં 13 પ્રકારનાં શિરનાં ચલન, 7 પ્રકારનાં ભ્રૂ(ભ્રમર)નાં કર્મ, 36 પ્રકારના આંખના અભિનય, 9 પ્રકારના આંખની કીકીના અભિનય, 16 પ્રકારના શ્વાસ લેવાના અને 9 પ્રકારના ઉચ્છ્વાસના, 16 પ્રકારના હોઠના, 7 પ્રકારના દાઢીના, 16 પ્રકારના મુખના અને 9 પ્રકારના ગરદનના અભિનયનું વર્ણન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અનેક હસ્તમુદ્રાનો પણ ઉલ્લેખ છે. આ રીતે જોતાં પ્રાચીનકાળમાં ભારતની નૃત્ય પ્રણાલી ઘણી સમૃદ્ધ હતી અને તેની જ્ઞાન અને કૌશલ્યો સાથે અભિવ્યક્તિ થતી.

નાટ્યની કલા

ભરતમુનિ નાટ્યશાસ્ત્ર અને અન્ય કલાઓના પ્રથમ ગુરુ કે શિક્ષક ગણાય છે. એમના ગ્રંથ ‘નાટ્ય શાસ્ત્ર’ને આપણે એક રીતે નાટ્યનો વિશ્વકોશ કહી શકીએ. આ ઉપરાંત શૌનક, સ્વાતિ, નંદી જેવા વિદ્વાનોએ પણ નાટ્યશાસ્ત્ર વિશે ચર્ચા કરી છે પરંતુ એમાં ભરતમુનિનું પ્રદાન મોખરાનું સ્થાન ભોગવે છે. ‘નાટ્ય શાસ્ત્ર’ની ચર્ચા કરતાં તેમણેે નૃત્યકલા, છંદશાસ્ત્ર, અલંકારવિધાન, રસનિરૂપણ, સંગીત-કાવ્યશાસ્ત્ર જેવા વિષયોની પણ ચર્ચા કરી છે. નાટ્યકલાનાં તત્ત્વોની ચર્ચા સાથે તેમણે આ પુસ્તકમાં ‘નાટ્યશાલા’નું પૂજન, રંગદેવતા, રસની સંકલ્પના, ચાર પ્રકારના અભિનય (વાચિક, હસ્તાભિનય, શરીરાભિનય, આહાર્ય-બુદ્ધિના આરંભથી થતી પ્રવૃત્તિવાળો), 10 પ્રકારનાં નાટકની સંકલ્પના, નાટ્યકાર-નટનાં ગુણલક્ષણોનું વર્ણન, અભિનયના વિવિધ પ્રકારો, અભિનયમાંનાં વિઘ્નો, વિદૂષકની ભૂમિકા વગેરેનું વિગતવાર વર્ણન આપણને જોવા મળે છે.

કેટલાક વિદ્વાનો માને છે કે ‘અગ્નિપુરાણ’ની નાટક વિશેની ચર્ચા પણ ભરતમુનિની પદ્ધતિએ થઈ છે. આ જ વિષય પર પછીના સમયમાં એટલે કે ઈ.સ. 975 થી 1000ના ગાળામાં વિષ્ણુપુત્ર ધનંજયના ગ્રંથ ‘દશરૂપક’, 14મા સૈકાના વિદ્યાનાથના ગ્રંથ ‘પ્રતાપરુદ્રીય કલ્યાણ’ અને વિશ્વનાથ કવિરાજના ‘સાહિત્ય દર્પણ’ નામના ગ્રંથોમાં નાટ્યકલા વિશે વિગતે ચર્ચા થઈ છે.

ધનંજયે પોતાના ગ્રંથ ‘દશરૂપક’માં ‘નાટ્ય’ અને ‘રૂપ’ને ‘અવસ્થાનુકૃતિર્નાટ્યમ્’ એમ જણાવ્યું છે. ‘નાટ્ય’ એટલે ઘટનાઓનું હૂબહૂ અનુકરણ અને ‘રૂપ’ એટલે જેને જોઈ શકાય તે – ‘રૂપં દૃષ્ટિ ઇતિ ઉચ્યતે.’

રસ પર આધારિત 10 પ્રકારનાં રૂપકોનું વર્ણન એમાં છે. આ રૂપકો – નાટક, પ્રકરણ, ભાણ, પ્રહસન, ડિમ, વ્યાયોગ, અંક, સમવકાર, વિથિ, ઈહામર્ગ છે.

નાટકમાં અભિનેતાઓના વર્તનની રીતભાતને ‘વૃત્તિ’ કહે છે. આવા વર્તન દ્વારા પ્રેક્ષકોમાં પણ એવો જ ભાવ ઊભો થાય કે દેખાય એ નાટકનો હેતુ હોય છે. આ ગ્રંથમાં કૈશિકી, સાત્વતિ, આરભતિ, ભારતી એ નામની ચાર વૃત્તિઓનો ઉલ્લેખ છે. ચોક્કસ પ્રકારના મનોભાવો ઊપજાવવા આ વૃત્તિઓનો ઉપયોગ થાય છે. શૃંગારરસ નિપજાવવામાં કૈશિકીવૃત્તિનો ઉપયોગ થાય છે. વીરરસનું જાગરણ કરવા સાત્વતિવૃત્તિની અજમાયશ થાય છે. રૌદ્રરસ નિષ્પન્ન કરવા આરભતિવૃત્તિનો ઉપયોગ થાય છે અને બધા રસની નિષ્પતિ માટે કલાકારો ભારતીવૃત્તિનો આશ્રય લે છે.

સૌંદર્યવર્ધનની કલા

પ્રાચીન ભારતના લોકો પોતાના જન્મજાત સૌંદર્યમાં વૃદ્ધિ કરવા માટે પ્રાકૃતિક સુગંધી પદાર્થોનો ઉપયોગ કરતા હોવાના અનેક સંદર્ભો જોવા મળે છે. ઋગ્વેદના ‘સૂર્યા વિવાહ સૂક્ત’માં સૂર્યા નામની નવવધૂ ગાથા(શ્ર્લોકની પંક્તિઓ)રૂપી વસ્ત્રોથી પોતાના દેહને શણગારે છે. સૌંદર્યવર્ધનની કલામાં શણગારની 16 રીતો વર્ણવી છે. આ 16 રીતો એટલે તેલ-માલિશ સાથે સ્નાન, વસ્ત્ર, ઉપરણું, કુમકુમ, કાજળ, કાનનાં લટકણિયાં, નથ કે ચૂંક, ગળાનો હાર, વાળનું સુશોભન, નૂપુર, કટિમેખલા, બે કંગન તેમજ બાજુબંધ, ભોજન પછી પાનનું બીડું, રૂઆબદાર અને સૌમ્ય વર્તન.

સૌંદર્યવર્ધક પ્રસાધનો : ચહેરાના સૌંદર્યમાં વૃદ્ધિ કરવા આયુર્વેદમાં અનેક પ્રકારના પાવડર તેમજ તૈલી પદાર્થોનું વર્ણન જોવા મળે છે. સુગંધી દ્રવ્યો માટે ગંગાધર (ઈ.સ. 1200-1600)ના ગ્રંથ ‘ગંધસાર’; નિત્યનાથ સિદ્ધા (13મી સદી)ના ગ્રંથ ‘રસ રત્નાકર’; રઘુનાથ (ઈ.સ. 1676-1711)ના ગ્રંથ ‘ભોજન કુતૂહલ’માં ઘણી માહિતી મળે છે. આ ઉપરાંત ‘બૃહત્-સંહિતા’માં પણ આ વિશેની માહિતી મળે છે.

રત્નકલા અને અલંકારકલા : વૈદિક સાહિત્યમાં કિંમતી રત્નો જેવાં કે હીરા, મોતી, માણેક, નીલમ વગેરેનો ઉલ્લેખ જોવા મળે છે. એ સમયે એવા કુશળ ઝવેરીઓ હતા કે જેઓ રત્ન કે હીરાની ગુણવત્તા અને તેનું મૂલ્ય આંકી શકતા. ‘કૌટિલ્ય અર્થશાસ્ત્ર’માં રત્નશાસ્ત્ર વિશે પ્રકરણો જોવા મળે છે. હીરા-ઝવેરાત અને તેની અલંકારકલા વિશે જુદાજુદા સમયે ઘણા લેખકોએ ગ્રંથો લખ્યા છે.

બુદ્ધ ભટ્ટ (ઈ.સ. 7મી કે 8મી સદી)નો ગ્રંથ ‘રત્ન પરીક્ષા’, અગસ્તિનો ગ્રંથ ‘અગસ્તિ મત’, રાજા સોમેશ્ર્વરનો ગ્રંથ ‘માનસોલ્લાસ’ ઉપરાંત ‘નવ રત્ન પરીક્ષા’, ‘રત્ન સંગ્રહ’, ‘રત્ન સમુચ્ચય’, ‘લઘુ રત્ન પરીક્ષા’ અને ‘મણિ માહાત્મ્ય’ જેવા ગ્રંથો સંસ્કૃત ભાષામાં ઉપલબ્ધ છે.

વૈદિકકાળમાં પણ રત્નો અને અલંકારો વિશેના સંદર્ભો જોવા મળે છે. સ્ત્રી કે પુરુષ પોતાના સૌંદર્યમાં વૃદ્ધિ કરવા રત્નો અને અલંકારોનો ઉપયોગ કરતાં હતાં. આ ઉપરાંત દેવ-દેવી કે ઈશ્વરની કૃપા મેળવવા પણ તેનો ઉપયોગ થતો. દુષ્ટ તત્ત્વોને દૂર કરવા કે તેમનાથી રક્ષણ મેળવવા પણ લોકો તેનો ઉપયોગ કરતા. વેલ-છોડની દાંડી, પુષ્પો, બીજ, સખત પડવાળાં ફળ, શંખ, છીપલાં, કોડી, કાચના મણકા, ઓગાળી શકાય તેવી ધાતુઓનો ઉપયોગ જાત-જાતના અલંકારો બનાવવામાં થતો. આ અલંકારો ‘અંજ, અરણકૃત, ખાદિ, રુક્મ, પ્રકાશ, રત્ન, કુરીરા અને લલામ્ય’ના નામે ઓળખાતા. આ બધાનો ઉલ્લેખ ‘તૈત્તિરીય સંહિતા’, ‘અથર્વવેદ’ અને બીજા સંસ્કૃત ગ્રંથોમાં જોવા મળે છે. સમગ્ર દેહને અલંકૃત કરતાં ઘરેણાંનો ઉલ્લેખ ‘અમરકોશ’માં જોવા મળે છે.

શિલ્પ-સ્થાપત્ય અને મૂર્તિકલા

જ્યારે આપણે આ કલાનો અભ્યાસ કરતા હોઈએ ત્યારે પ્રાચીન સ્થળોએથી મળેલ પુરાતત્ત્વ વિષયક સિક્કા, માટીની મુદ્રાઓ, વિવિધ મૂર્તિઓ અને શિલ્પ-સ્થાપત્ય જેવી વિષય-વસ્તુઓનો અભ્યાસ કરવો પડે છે. આવાં અભ્યાસ-સાધનો માટે સંસ્કૃત સાહિત્યના સ્રોતને પણ ધ્યાનમાં રાખવો જોઈએ. અગ્નિપૂજા કે યજ્ઞ-સંસ્કૃતિ વૈદિકકાળમાં મુખ્ય સ્થાન ભોગવતી હતી, એટલે એ સમયગાળામાં દેવ-દેવીઓની મૂર્તિઓની ચર્ચા વિશેષ પ્રમાણમાં જોવા મળતી નથી. ‘શતપથ બ્રાહ્મણ’માં થોડા સંદર્ભો જોવા મળે છે. પછીના સમયગાળામાં વૈદિક દેવતાઓને આગવાં રૂપોમાં રજૂ કરવામાં આવ્યા છે. ઋગ્વેદમાં ભગવાન વિષ્ણુની એક વાર્તા આવે છે, તેમાં તેમણે પોતાનાં ત્રણ પગલાંમાં ત્રણેય લોકને આવરી લીધા હતા. પરંતુ વિષ્ણુના આ વિજયની વાત ત્રિવિક્રમ વામન અને રાજા બલિના રૂપે વિકસિત થઈ.

રામાયણ અને મહાભારત જેવાં મહાકાવ્યોમાં મૂર્તિઓનો ઉલ્લેખ આવે છે પરંતુ પૌરાણિક સાહિત્ય હિંદુ મૂર્તિકલાની માહિતીનો શ્રેષ્ઠ સ્રોત બની ગયું છે.

આ પુરાણોની મુખ્ય વિશેષતા એ છે કે તે ચોક્કસ દેવ-દેવીઓને સમર્પિત છે. ‘મુદ્ગલ પુરાણ’ અને ‘ગણેશ પુરાણ’ ગણેશજીનાં યશોગાન ગાય છે. ‘દેવી ભાગવત પુરાણ’ અને ‘માર્કણ્ડેય પુરાણ’માં શક્તિ-પૂજાનું મહિમાગાન જોવા મળે છે. ‘સાંબ પુરાણ’માં સૂર્યભગવાનનો મહિમા ગવાયો છે. ‘ભાગવત પુરાણ’, ‘વિષ્ણુ પુરાણ’ અને ‘બ્રહ્મ પુરાણ’ મુખ્યત્વે ભગવાન વિષ્ણુનો મહિમા વર્ણવે છે અને ‘બ્રહ્મવૈવર્ત પુરાણ’માં ભગવાન શ્રીકૃષ્ણનો મહિમા આવે છે. ‘પદ્મ પુરાણ’ અને ‘સ્કંદ પુરાણ’ આપણને મૂર્તિકલા વિશે અમૂલ્ય માહિતી પૂરી પાડે છે. આ બધાં પુરાણોમાં મંદિરનાં બાંધકામ, મૂર્તિઓનો લાક્ષણિક આકર્ષક ભાગ,  દેવી-દેવતાઓનું સ્વરૂપ અને તેમનાં વાહનો, મંદિરમાં દેવી-દેવતાઓનું સ્થાપન, તેમના અલંકારો વગેરેનું વિગતવાર વર્ણન આપણને જોવા મળે છે.

વિશ્વકોશ જેવા ‘શુક્રનીતિ’, ‘ચતુર્વર્ગચિંતામણિ’, ‘માનસોલ્લાસ’, ‘અભિલાશીતાર્થચિંતામણિ’, ‘શ્રીતત્ત્વ નિધિ’ અને ‘શિવતત્ત્વરત્નાકર’ ગ્રંથોમાં મૂર્તિકલા વિશેની ઘણી મહત્ત્વની માહિતી મળે છે.

અગ્નિપુરાણમાં મંદિરોનાં બાંધકામ, દેવી-દેવતાઓની મૂર્તિઓનું કોતરકામ, પૂજાપદ્ધતિ અને ધાર્મિક વિધિ-વિધાનોનું વિગતે વર્ણન જોવા મળે છે. આ પુરાણમાં વાસુદેવ, કેશવ, દશાવતારો, સૂર્ય, લક્ષ્મી, ચંડી, દુર્ગા, નવદુર્ગા, ચંડનાયિકા, ચંડ, ચંદ્રૂપા, યક્ષિણી, શાકિની, ડાકિની વગેરે દેવી-દેવતાઓનું વર્ણન જોવા મળે છે.

‘વિષ્ણુ સંહિતા’માં રત્ન, લોખંડ, પથ્થર, ધાતુ, માટી, કાષ્ટ તથા રત્નજડિત વિવિધ ધાતુમાંથી વિવિધ મૂર્તિઓ બનાવવા વિશેનું વિગતવાર વર્ણન છે. રત્ન અને લોખંડમાંથી બનાવેલી મૂર્તિઓ અખંડ અને અક્ષત મનાય છે. મૂર્તિ બનાવવા માટે પથ્થરની ગુણવત્તા જાળવીને એના પર કેવી રીતે કોતરકામ કરવું એની પણ સૂચના તે  ગ્રંથમાં જોવા મળે છે.

‘પાંચરાત્ર આગમ’નો એક ભાગ એવી ‘સનત્કુમાર સંહિતા’માં ‘બ્રહ્મરાજા’ નામનું એક પ્રકરણ છે. તેમાં પ્રતિમાવિધિ એટલે કે મૂર્તિના કોતરકામની વિગતો આપી છે. તેમાં કહ્યું છે, ‘મૂર્તિઓ પાંચ પ્રકારની હોય છે – પથ્થર, લોખંડ, કિંમતી રત્નો, કાષ્ટ અને માટીની.’ મૂર્તિના કોતરકામ માટે યોગ્ય પથ્થરની પસંદગી પર ભાર મૂકવામાં આવ્યો છે. આવો પથ્થર પર્વતમાંથી મેળવવો જોઈએ અને એ ન મળે તો ધરતીના પેટાળમાંથી ખોદીને મેળવવો જોઈએ. આ ઉપરાંત કેવા પથ્થરની પસંદગી ન કરવી એની પણ ચેતવણી આપી છે : ‘પક્ષીઓ, સાપ અને જંગલી લોકોથી ઘેરાયેલ; અપવિત્ર સ્થળ, ગામની સીમા અને રાફડા પાસેના પથ્થરોની પસંદગી ન કરવી.’ પથ્થરને નર કે નારીના પ્રકારમાં વર્ગીકૃત કરાતા. પથ્થરના અનેક રંગોની ચર્ચા જોવા મળે છે. મૂર્તિઓનાં કદ-માપ અને સુશોભન માટે એના પર કરવાના લેપ વિશેની સંક્ષિપ્ત સૂચનાઓ પણ આ પુરાણોમાં જોવા મળે છે.

16મી સદીના કેરળના લેખક શ્રીકુમારે પોતાના ગ્રંથ ‘શિલ્પરત્નમ્’માં બાંધકામનાં સ્થળોની પસંદગીનાં વિવિધ પાસાં, નાટ્યમંડપ, ગોપુરમ્ વગેરે વિષયની ચર્ચા કરી છે. તેમાં શિલ્પીનાં લક્ષણો પણ વર્ણવ્યાં છે. શિલ્પી ‘સર્વશાસ્ત્રવિશારદ’ હોવો જોઈએ. તે લાગણીશીલ, આનંદી, ધાર્મિક શ્રદ્ધાવાળો, તંદુરસ્ત, લોકોની ઇર્ષ્યા ન કરનારો હોવો જોઈએ. તે પુરાણો અને ગણિતનો જ્ઞાતા હોવો જોઈએ કારણ કે તેણે પુરાણોમાં કહેલી ગણતરી અને માત્રા પ્રમાણ મુજબ મૂર્તિઓ ઘડવાની હોય છે.

સ્થપતિ પણ બધાં વિજ્ઞાનોનો જાણકાર હોવો જોઈએ. પુરાણમાં ‘સૂત્રગ્રાહી (મેજરટેપ)’, ‘તક્ષક (લાકડાં વેતરનાર)’ અને ‘વાર્ધકિ (સુથાર)’ તેમજ ‘મૃત્-કર્મજ્ઞ (દેવતાની મૂર્તિ માટે માટીનું બીબું બનાવનાર)’ જેવા શબ્દો પણ આવે છે.

‘ગૃહસૂત્રો’, ‘ધર્મસૂત્રો’, ‘રામાયણ’, ‘મહાભારત’, ‘બૌદ્ધ અને જૈન સાહિત્ય’, ‘પુરાણો’, ‘બૃહત્ સંહિતા’, ‘માન સારા’માં મૂર્તિશાસ્ત્ર કે મૂર્તિકલા વિશે વિગતે વિવરણો જોવા મળે છે.

આ ઉપરાંત કશ્યપના ‘અંશુમદભેદ’; અગસ્તિના ‘અગસ્તીય સકલાધિકાર’;  સનત્કુમારના ‘વિશ્વકર્માવતારશાસ્ત્ર’ અને ‘વાસ્તુશાસ્ત્ર’; આ ઉપરાંત ‘અપરાજિતપૃચ્છ’, ‘અપરાજિત વાસ્તુશાસ્ત્ર’, ‘માનસોલ્લાસ’, ‘સમરાંગણ સૂત્રધારા’, ‘માયામત’, ‘શિલ્પરત્ન’, ‘વૈષ્ણવ આગમ’, ‘હરિવિલાસ’, ‘વિષ્ણુ સંહિતા’, ‘શિલ્પસંગ્રહ’, ‘કામિકા આગમ તંત્રકસાર’ જેવા ગ્ંરથોમાં પણ આવાં વિવરણો પ્રાપ્ત છે.

ધાતુવિદ્યાની કલા

‘ચમકપ્રશ્ન’ના પાંચમા અનુવાકમાં આવું વર્ણન છે: ‘હિરણ્યં ચ મેઽયશ્ર્ચ મે સીસં ચ મે ત્રપુશ્ર્ચ મે શ્યામં ચ મે લોહં ચ મે’ આ વર્ણન જોતાં આપણને ખ્યાલ આવે છે કે હિરણ્ય-સોનું, સીસું, ટીન અને લોખંડ જેવી ધાતુઓનું જ્ઞાન લોકોને હતું. પ્રાચીન સાહિત્યમાં આપણને અનેક પ્રકારની ધાતુમાંથી બનાવેલ અલંકારો, શસ્ત્ર-અસ્ત્ર, રમકડાં, દેવ-દેવીઓની મૂર્તિઓનો ઉલ્લેખ જોવા મળે છે. પ્રાચીન ભારતના લોકોમાં વિવિધ ધાતુઓ, તેમની ગુણવત્તા અને જે પ્રક્રિયાથી આ ધાતુ સર્જાય છે તે વિશેનું જ્ઞાન હતું. એ લોકોને શુદ્ધ ધાતુઓનો પણ ખ્યાલ હતો. આ જ્ઞાનના પુરાવારૂપે દિલ્હીમાં આવેલ જે લોહસ્તંભ છે એ વાસ્તવિક રીતે વિષ્ણુસ્તંભ હતો.

‘કૌટિલ્યના અર્થશાસ્ત્ર’માં જુદી-જુદી ધાતુઓ, ધાતુને પરિશુદ્ધ કરવાની પ્રક્રિયાઓ અને ધાતુ કે ખનીજની ખાણો વિશે વર્ણન જોવા મળે છે. જે વ્યક્તિ ખનીજની ખાણોનું વ્યવસ્થાપન કરનાર બને, તે વ્યક્તિ ‘સુલભશાસ્ત્ર’ (દોરડાથી માપકામ)નો અભ્યાસુ,  ‘રસપાક’ (ધાતુની શુદ્ધિપ્રક્રિયા) અને ‘મણિરાગ’ (વિવિધ મણિરત્ન)ની ગુણવત્તાને જાણનારો હોવો જોઈએ.

ધાતુઓની પ્રકૃતિને જાણનાર અને બીજી ધાતુના સંયોજનથી સિક્કા ઢાળવાના કામના નિષ્ણાત (લક્ષણાધ્યક્ષ)ની ફરજો પણ કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં વર્ણવી છે. સોનાના અલંકારો બનાવવાની ચર્ચા પણ આ ગ્રંથમાં જોવા મળે છે. એક કુતૂહલ જગાડતી વાત એ છે કે સોનાના મૂળ પીળા રંગને વાદળી, સફેદ, પાંદડા જેવા લીલા અને ઘેરા લીલા રંગનો ઓપ કે ઢોળ સિંધુ નદીની નજીકની ભૂમિમાંથી લાવેલી માટીનું પડ લગાડીને ચડાવાતો !

સ્થાપત્યકલા

પ્રાચીન ભારતમાં વાસ્તુવિદ્યા એટલે કે સ્થાપત્યકલા ‘શિલ્પશાસ્ત્ર’ની એક શાખા ગણાતી. ‘વાસ્તુ’ શબ્દ ઉપયોગિતાનો નિર્દેશ કરે છે અને ‘શિલ્પ’ તેના કલાપાસાનો નિર્દેશ કરે છે. પછીથી ‘શિલ્પશાસ્ત્ર’ શબ્દ ‘વાસ્તુશાસ્ત્ર’ના સંદર્ભમાં વપરાય છે.

ઘર, મંદિરો, દીવાલો, ટાવર-મિનારા, તળાવો, નહેરો, સ્તંભો અને સ્તૂપો (બૌદ્ધ ધર્મના પ્રાર્થનાખંડ)ના બાંધકામના વિષયની ચર્ચા ‘વાસ્તુશાસ્ત્ર’માં કરવામાં આવી છે. ઘર કે મકાનો, ધાર્મિક વિધિવિધાનો માટેનાં સભાગૃહો વગેરેનાં બાંધકામ અને માળખાં વિશે વૈદિક સાહિત્ય અને ‘ગૃહસૂત્રો’માં પાયાના સિદ્ધાંતોનું વર્ણન જોવા મળે છે.

વાલ્મીકિ રામાયણ, મહાભારત, કૌટિલ્યનું અર્થશાસ્ત્ર અને બીજા ઘણા ગ્રંથોમાં સભાગૃહો, કિલ્લાઓ અને નગરો વગેરેના સ્થાપત્ય અંગેનાં વિવરણો જોવા મળે છે.

‘મત્સ્ય પુરાણ’માં 18 પ્રાચીન સ્થપતિઓનો ઉલ્લેખ જોવા મળે છે. એમનાં નામ આ પ્રમાણે છે : ભૃગુ, અત્રિ, વસિષ્ઠ, વિશ્વકર્મા, માયા, નારદ, નગ્નજિત, વિશાલાક્ષ, પુરંદર, બ્રહ્મા, કુમાર, નંદીશ, શૌનક, ગર્ગ, વાસુદેવ, અનિરુદ્ધ, શુક્ર અને બૃહસ્પતિ. આ પુરાણમાં મકાનો કે ભવનો, સ્તંભોનાં બાંધકામ તેમજ બાંધકામમાં વપરાતાં લાકડાંની ગુણવત્તા અને તેના પ્રકાર વિશે વર્ણન જોવા મળે છે.

‘ગરુડપુરાણ’માં રાજમહેલ અને તેની અટારીઓ તેમજ મંડપનાં બાંધકામની ચર્ચા જોવા મળે છે.

‘અગ્નિપુરાણ’માં મંદિરો અને રાજમહેલોના બાંધકામનું વિવરણ જોવા મળે છે. વળી આવાં બાંધકામમાં કેવા પ્રકારની માટી, ઈંટ, પથ્થર અને સુવર્ણનો ઉપયોગ કરવો તેની પણ ચર્ચા જોવા મળે છે. રહેવાના સ્થળે વસતા ‘વાસ્તુદેવતા’નું વર્ણન પણ તેમાં જોવા મળે છે.

‘વિશ્વકર્મા વાસ્તુશાસ્ત્ર’માં કોઈપણ બાંધકામ શરૂ કરવાનું શુભ મુહૂર્ત, માટીનું પૃથક્કરણ અને તેની પસંદગી, માપણી, ભિન્ન ભિન્ન પ્રકારનાં ગામોની સ્થાપના; રાજ્ય-ખજાનાના સ્થળની, લશ્કરી સામગ્રીના સ્થળની તેમજ અનાજના કોઠારના સ્થળની પસંદગીનું વિવરણ આ શાસ્ત્રમાં જોવા મળે છે.

‘માયામત’ના લેખક માયાને દ્રવિડ સ્થાપત્યકલાની પદ્ધતિના નિષ્ણાત ગણવામાં આવે છે.

વરાહમિહિરે ‘બૃહત્ સંહિતા’માં ‘વાસ્તુ વિદ્યા’ વિશે એક પ્રકરણ લખ્યું છે. તેમાં વહીવટી તંત્રના જુદા જુદા સ્તરના લોકો માટે વિવિધ ભવનો, પ્રાણીઘરો, અનાજના કોઠારો, શસ્ત્રોના સંગ્રહ માટે ગુપ્તગૃહો, રમત-ગમતના ખંડો વગેરે વિશે વિગતવાર માહિતી આપી છે.

બહુમાળી ભવનોના નિર્માણ માટેની પણ વિગતવાર ચર્ચા આ ગ્રંથમાં જોવા મળે છે. ભિન્ન ભિન્ન પ્રકારનાં મકાનો ‘રુચકા, પ્રાલીના, વૃત્ત, સર્વતોભદ્ર, નાન્દ્યાવર્ત, વર્ધમાન, હિરણ્યનામ અને સિદ્ધાર્થ’ એ નામે ઓળખાતાં.

Total Views: 430

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.