આપણી સમક્ષ આ મહાન આદર્શ છે. અને દરેકે ભારત દ્વારા વિશ્વનો વિજય કરવા માટે તૈયાર થવાનું છે; એનાથી જરાય ઓછું નહીં. આપણે સૌએ આને માટે કમર કસવાની છે, તનતોડ પ્રયાસ કરવાનો છે. ભલે પરદેશીઓ આવીને તેમનાં લશ્કરોથી દેશને ભરી દે, કુછ પરવા નહીં. ઓ ભારત! તું ખડો થઈ જા, અને તારી આધ્યાત્મિકતાથી વિશ્વ પર વિજય મેળવ! યાદ રાખો, સહુ પ્રથમ આ ભૂમિ પર કરાયેલી ઘોષણા મુજબ પ્રેમ ધિક્કારને જીતવાનો જ છે; ધિક્કાર પોતાને જ જીતી ન શકે. જડવાદ અને તેનાથી ઉત્પન્ન થતાં સર્વ દુ:ખો જડવાદથી જીતી શકાય જ નહીં. લશ્કરો જ્યારે બીજાં લશ્કરોને જીતવાનો પ્રયત્ન કરે છે ત્યારે ફક્ત એ સંખ્યામાં જ વધે છે અને માણસોને માણસો મિટાવી પશુ બનાવે છે. આધ્યાત્મિકતાએ પશ્ચિમ પર વિજય મેળવવો જ જોઈએ. ધીમે ધીમે તેમને ખબર પડતી જાય છે કે રાષ્ટ્ર તરીકે જીવતા રહેવા માટે તેમને આ આધ્યાત્મિકતાની જરૂર છે. એ લોકો એની રાહ જુએ છે, એને માટે આતુર છે. એ જરૂરિયાત ક્યાંથી પુરાવાની છે? ભારતના મહાન ઋષિઓના સંદેશાઓ લઈને દુનિયાના દરેકેદરેક દેશમાં જવા તૈયાર હોય એવા માણસો ક્યાં છે? આ સંદેશો જગતને ખૂણેખૂણે પહોંચી જાય એટલા સારું સર્વસ્વનો ભોગ આપનારા યુવાનો ક્યાં છે? સત્યના પ્રચારમાં સહાય કરવા સારું આવા વીર આત્માઓની આવશ્યકતા છે. વેદાંતનાં મહાન સત્યોનો પ્રચાર કરવામાં સહાયરૂપ થવા સારું, પરદેશ જવા માટે આવા વીર કાર્યકરોની જરૂર છે. જગત એ માંગી રહ્યું છે. એ વિના દુનિયાનો નાશ થઈ જશે. આખી પશ્ચિમી દુનિયા એક જ્વાળામુખી ઉપર બેઠેલી છે; એ જ્વાળામુખી આવતીકાલે ભભૂકી ઊઠે, ફાટીને ટુકડેટુકડા થઈ જાય એવું છે! લોકો દુનિયાનો ખૂણે ખૂણો ઢૂંઢી વળ્યા છે પરંતુ એમને ક્યાંય વિસામો નથી સાંપડ્યો. ભોગના કેફનો જામ પૂરેપૂરો ભરીને એમણે પી જોયો છે અને એની વ્યર્થતા અનુભવી છે. કાર્ય કરવાનો સાચો સમય અત્યારે છે; અત્યારે જ ભારતના આધ્યાત્મિક વિચારો પશ્ચિમમાં ઊંડે સુધી પ્રવેશ કરશે. એટલા માટે  નવયુવકો! આ યાદ રાખવાનું હું તમને ખાસ કહું છું. આપણે બહાર જવું જ જોઈએ, આપણી આધ્યાત્મિકતા અને ફિલસૂફીથી આપણે વિશ્વનો વિજય કરવો જોઈએ; બીજો વિકલ્પ જ નથી. આપણે કાં તો કરવું ને કાં મરવું. રાષ્ટ્રીય જીવનની, જાગ્રત અને જોમવંત રાષ્ટ્રીય જીવનની એકમાત્ર શરત છે ભારતીય વિચારો વડે વિશ્વનો વિજય કરવો!

સાથોસાથ આપણે એ ભૂલવું ન જોઈએ કે ‘આધ્યાત્મિક વિચારોથી વિશ્વનો વિજય’ એ શબ્દો દ્વારા હું જે કહેવા માગું છું તે છે પ્રાણપ્રેરક સિદ્ધાંતોનો પ્રચાર : નહીં કે જેને આપણે સૈકાઓ થયાં છાતીએ વળગાડતા આવ્યા છીએ એ સેંકડો વહેમો! એ વહેમોને તો આ દેશમાંથી પણ ઉખેડી કાઢીને ફેંકી દેવા જોઈએ, જેથી એ કાયમને માટે દફનાઈ જાય. પ્રજાની અધોગતિનાં કારણો આ છે; એનાથી મગજ બહેર મારી જાય છે. જે મગજ ઉચ્ચ અને ઉમદા ભાવનાઓનો વિચાર ન કરી શકે, જે મૌલિકતાની સર્વ શક્તિ ખોઈ બેઠું હોય, જેમાંથી જોમ બધું ચાલ્યું ગયું હોય, ધર્મના નામ નીચે ચાલ્યા કરતા સર્વ પ્રકારના ક્ષુદ્ર વહેમોથી જે પોતાનામાં ઝેર રેડી રહ્યું હોય, એનાથી સાવચેત રહેવાનું છે.

Total Views: 31

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.