બ્રહ્મલીન સ્વામી ગોકુલાનંદજી મહારાજે મુંબઈ આશ્રમમાં યોજાયેલ આંતરરાષ્ટ્રિય પરિસંવાદમાં આપેલ અંગ્રેજી વ્યાખ્યાનનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.

સ્વામી ગોકુલાનંદ આવા વિષયની પસંદગી કરવા માટે હું સંવાહકોને ધન્યવાદ પાઠવું છું. હું મારું વક્તવ્ય શરૂ કરું એ પહેલાં સ્વામી પ્રભાનંદજીએ પોતાના મુખ્ય સંભાષણમાં કરેલ કેટલાંક તારણોને અહીં ટાંકવા માગું છું. એમનાં નિરીક્ષણો ઘણાં અગત્યનાં છે. હું જે કંઈ પણ કહેવા માગું છું એમાં આવું આવવાનું છે. એમણે પુનર્જાગરણ કે નવજાગરણ શબ્દને અને એના વિષયવસ્તુનાં બધાં પાસાંને પૂરેપૂરો ન્યાય આપ્યો છે, અને એ પણ વિશેષ કરીને સ્વામીજીની દૃષ્ટિના સંદર્ભમાં. એક સ્થળે એમણે સ્વામીજીનો ઉલ્લેખ કર્યો હતો અને એમને જ ઉદ્ધૃત કરીને કહું છું: ‘હું માત્ર સુધારણામાં માનતો નથી, હું તો વિકાસ કે ઉન્નતિમાં માનું છું. આપણા રાષ્ટ્રિય આદર્શો ત્યાગ અને સેવા છે. પશુમાનવમાંથી પ્રભુમાનવ આપણે ઊભો કરવાનો છે.’ વારુ, અત્યારે તો આપણે ઘણા કપરા અને ખરાબ કાળમાંથી પસાર થઈ રહ્યા છીએ. આપણી આજુબાજુનું દૃશ્ય કેવું છે? સર્વત્ર મૂલ્યોની કટોકટી છે. નેતૃત્વ અને ચારિત્ર્યની ભયંકર ઊણપ જોવા મળે છે. સ્વામીજી અવારનવાર કહેતા કે કેળવણી તો બધાંનાં ક્ષેમકલ્યાણ માટે છે.

હું જ્યારે બ્રહ્મચારી હતો ત્યારે મારા જીવનમાં ઘટેલી એક ઘટના મને યાદ આવે છે. બેલૂર વિદ્યામંદિરમાં હજી હું પૂરેપૂરો દીક્ષિત બ્રહ્મચારી બન્યો ન હતો. આ ૧૯૫૮નું વર્ષ હતું. એક અમારા વરિષ્ઠ સંન્યાસીએ કહ્યું: ‘બારલોગંજ જઈને તું ઘણું સારું કરી શકીશ.’ આ સ્થળ મસૂરીની તળેટીમાં આવેલું છે. એ વખતે ત્યાં એક આદરણીય સંન્યાસી રહેતા હતા અને એ આદરણીય સંન્યાસી હતા સ્વામી અતુલાનંદજી. તેઓ ગુરુદાસ મહારાજના નામે જાણીતા હતા. બારલોગંજ આશ્રમના અધ્યક્ષ સ્વામીએ મને લખ્યું: ‘અહીં રહેવાની સુવિધાઓનો અભાવ છે એટલે બે-ત્રણ રાત રોકાઈ શકો.’ મારો ઈરાદો તો સ્વામી અતુલાનંદજીના મુખની પવિત્ર વાણીના શાણપણના, શિખામણના થોડા શબ્દો સાંભળવાની હતી. ત્યાં જવાનો મને મોટો અવસર મળ્યો અને મેં એમને પ્રણામ કર્યા. મારે પ્રસંગોપાત એટલું જણાવવું જોઈએ કે એમનો જન્મ હોલેન્ડમાં થયો હતો. પછી તેઓ અમેરિકા ગયા અને ત્યાં સ્વામીજીને મળ્યા હતા. અને સ્વામીજી જ્યારે બીજી વખત અમેરિકા ગયા ત્યારે સ્વામી અતુલાનંદજીએ શ્રીમા સારદાદેવી પાસેથી મંત્રદીક્ષા લીધી હતી; એ વખતે તેઓ ભારત આવ્યા હતા. સ્વામી અતુલાનંદજીના વાર્તાલાપોનો એક અમૂલ્ય ગ્રંથ ‘આત્મન્‌ એલોન એબાઈડ્‌સ’ છે. અમે બધા એમને એક મહાન પ્રતિભાવાન અને જ્ઞાની સંન્યાસી તરીકે માન આપતા. સ્વાભાવિક રીતે જ એક યુવાન બ્રહ્મચારી આવા મહાન આત્મા પાસેથી કંઈક મેળવવાની અપેક્ષા રાખે ખરો. એટલે હું પૂર્વ આયોજન સાથે ત્યાં ગયો. બે દિવસ પસાર થઈ ગયા, પણ એમની પાસેથી એક શબ્દેય સાંભળ્યો નહિ. હું એમની પાસે જતો, એમને સાષ્ટાંગ દંડવત્‌ પ્રણામ કરતો પણ એ મહાન સાધુ શાંત જ રહેતા. પણ મને સ્વામી વિવેકાનંદના શબ્દોમાં જબરી શ્રદ્ધા હતી. તેમણે કહ્યું છે : ‘તમે જે ઉત્કટતા સાથે ઇચ્છો છો તમારી એ ઇચ્છા પરિપૂર્ણ થશે.’ મેં વિચાર્યું કે મારા પક્ષે સંનિષ્ઠાનો જરાય અભાવ ન હતો. ત્રીજે દિવસે ઈશ્વરની કૃપા મારા પર ઊતરી. જે મહારાજ ગુરુદાસ મહારાજ (સ્વામી અતુલાનંદજી)ની સેવામાં હતા તેમણે મને પૂછ્યું: ‘વારુ, બ્રહ્મચારીજી, તમે અતુલાનંદજીની થોડી સેવા કરી શકો? તેઓ દરરોજ સાંજે ટહેલવા માટે જાય છે. સામાન્ય રીતે હું એમની સાથે હોઉં છું. આજે બપોર પછી મારે બીજું કામ છે. જો તમે એમની સાથે જશો તો મને આનંદ થશે. દરરોજની જેમ તમારે કેનવાસની ઉઘાડબંધ થઈ શકે તેવી ખુરશી લઈ જવી પડશે. તમે એમની સાથે ચાલશો ત્યારે સ્વામીજીને જ્યારે જ્યારે આરામ કરવાની ઇચ્છા થશે ત્યારે તે પોતે તમને એમ કહેશે કે તમારે થોડો આરામ લેવો છે? ત્યારે ત્યાં તમારે પેલી ખુરશી ખોલી નાખવી.’ એટલે હું તો ઘણો ખુશ થઈ ગયો અને મને આશા પણ બંધાણી કે એ દિવસે કદાચ મહારાજ પાસેથી મને થોડા શબ્દો સાંભળવા મળશે. એટલે હું તો એમની સાથે ગયો. થોડાએક પગલાં એમની સાથે ચાલ્યો હોઈશ ત્યાં સ્વામી અતુલાનંદજીએ કહ્યું: ‘વત્સ! અહીં આરામ કરવાની ઇચ્છા છે.’ તરત જ મેં ખુરશી ખોલી આપી અને તેઓ આરામથી બેઠા. થોડીક પળો પસાર થઈ અને પછી ભવ્ય હિમાલયની પર્વતમાળા તરફ નજર નાખીને સ્વામી અતુલાનંદજીએ મને કહ્યું. એ શબ્દો આજે પણ મારા કાનમાં રણકે છે: ‘બેટા, ચારિત્ર્યવાન સ્ત્રીપુરુષ, સમર્પિત નરનારીઓ અને પૂર્ણ નિષ્ઠાવાળાં પવિત્ર સ્ત્રીપુરુષો આજે ભાગ્યે જ દેખાય છે.’ ખરેખર અત્યંત સૂચક શબ્દો.

હવે હું તમને મસૂરીથી અરુણાચલ પ્રદેશમાં લઈ જઈશ. મારી દિલ્હીમાં નિમણૂક થઈ તે પહેલાં મને નરોત્તમનગરમાં એ કેન્દ્રના અધ્યક્ષ તરીકે મૂક્યો હતો. અરુણાચલના પાટનગર ઈટાનગરથી એક યુવાન છોકરાએ પોતાનો અનુભવ મને કહ્યો. તે કોલકાતાથી આવતો હતો, એમ.એ.બી.એડ. થયો હતો. તેને શિક્ષકની નિમણૂક માટે રૂબરૂ મુલાકાતે બોલાવ્યો હતો અને એની પસંદગી પણ થઈ હતી. પરંતુ જ્યારે એમને એ સ્થાને નીમવાનો સમય આવ્યો ત્યારે તેને સચિવાલયમાંથી કોઈએ કહ્યું: ‘ભાઈ, અરુણાચલનો તને ખ્યાલ છે? ત્યાં કેટલાય સ્થળે જવું દુર્ગમથી પણ દુર્ગમ છે. કેટલેક સ્થળે તો દસ દિવસ સુધી પગે ચાલીને જવું પડે તેવું છે. જો તમે તમારી ઇચ્છાની શ્રેષ્ઠ જગ્યા અને થોડી સુવિધાવાળી જગ્યા મેળવવા ઇચ્છતા હો તો થોડી રકમ આપીને મળી જાય એમ છે.’ પરંતુ આ યુવાને આવી લાંચ આપવાનો ઈન્કાર કર્યો. આવી હિંમત એને આવી ક્યાંથી? એને આ હિંમત સાંપડી, મહાન સ્વામી વિવેકાનંદના શબ્દોમાંથી.

આવા ચારિત્ર્યશીલ અને પવિત્ર, પ્રામાણિક યુવાનોની અત્યારે જરૂર છે. આજે આપણે રાષ્ટ્રના નિર્માણના ભગીરથ કાર્યમાં લાગી ગયા છીએ. અને કેટલીયે પંચવર્ષીય યોજનાઓનો અમલ પણ થઈ ચૂક્યો છે. સ્વામી પ્રભાનંદજીએ કહ્યું તેમ જો સાચા ચારિત્ર્યવાન લોકોએ આ ધન ખર્ચ્યું હોત તો આપણો દેશ આજે જુદો જ હોત. હજીયે કેટલી બધી લાંચરુશ્વત, કેટલો બધો ભાઈ-ભત્રીજાવાદ અને એવું તો કેટકેટલું? ચીજ વસ્તુઓ એ સાચો અભાવ નથી. જ્યારે તમે તમારું મન રાષ્ટ્ર ઘડતરના કામે લગાડી દો ત્યારે સ્વામી વિવેકાનંદની દૃષ્ટિએ જ્યાં સુધી આપણામાં માનવ-ઘડતર કરનાર કે ચારિત્ર્ય ઘડતર કરનાર કેળવણી ન હોય ત્યાં સુધી રાષ્ટ્રઘડતરનું કામ શક્ય નથી. એટલા જ માટે સ્વદેશભક્ત સંન્યાસી સ્વામી વિવેકાનંદે માનવ ઘડતર કરનારી અને ચારિત્ર્ય ઘડનારી કેળવણી આપવાને સર્વોચ્ચ અગ્રતા આપી હતી. હવે હું તમારી સામે સ્વામી વિવેકાનંદના શિષ્ય શરત્‌ચંદ્ર ચક્રવર્તી સાથે થયેલી વાતચીતની એક નોંધ ઉદ્ધૃત કરું છું. આ વાતચીત ૧૮૯૮ના વર્ષમાં ભાડાના મકાનમાં આવેલા તત્કાલીન બેલૂર મઠમાં થઈ હતી.

સ્વામીજી કહે છે : ‘વાહ, જે વ્યક્તિ થોડીએક પરીક્ષાઓ પાસ કરે અને સારાં ભાષણો આપે તેને તમે કેળવાયેલી ગણો છો. જે કેળવણી જનતાને જીવનના સંઘર્ષ સામે ઝઝૂમવાની તાકાત આપતી નથી, જે ચારિત્ર્યબળને બહલાવતી નથી, જે પરોપકાર કરવાની ઉદારતા અને સિંહ સમાન હિંમત આપતી નથી, તે શું કેળવણીના નામને લાયક છે? જે કેળવણી હાલમાં તમે શાળાઓ અને મહાવિદ્યાલયોમાં લો છો તે તો તમને માંદલા બનાવે છે. કેવળ યંત્રની માફક તમે કામ કરો છો અને અળશિયાનું જીવન જીવો છો. આપણે તો એવી કેળવણી જોઈએ છીએ કે જેના દ્વારા ચારિત્ર્યનું ઘડતર થાય, મનની શક્તિઓ વધે, પ્રતિભાશક્તિ વિસ્તૃત અને વિસ્તૃત બને અને જેનાથી માનવી પોતાના પગ ઉપર ઊભો રહેતાં શીખે. બધી કેળવણી, બધી તાલીમનો હેતુ માનવનું ઘડતર કરવાનો છે. પ્રશિક્ષણ કે તાલીમ માણસને ઉન્નત કરે છે.’

વારુ, આ સંદર્ભમાં મને એટલું કહેવા દો કે આજે તમે જે શિક્ષણ આપો છો તેણે મેધાવી ઈજનેરો, ડોક્ટરો, આપ્યા છે એમાં શંકાને સ્થાન નથી; પરંતુ એમ કહેવાય છે કે આઈ.આઈ.ટી.ની સર્વશ્રેષ્ઠ પ્રતિભાનીપજ ભારતમાં નહિ પણ વિશ્વના બીજા દેશોમાં કામ કરે છે. સ્વામી વિવેકાનંદના આદર્શ અને વિધાન પ્રમાણે જેઓ ખરેખર સાચી રીતે ભણ્યા છે, તેમની અને હમણાં મેં ઉલ્લેખેલ તેજસ્વી પ્રતિભાવાળી વ્યક્તિઓ વચ્ચે એક ભેદરેખા દોરું છું. પરંતુ શું આપણી આજની આ કેળવણીમાંથી મેં શરૂઆતમાં વાત કરી હતી તેવા ચારિત્ર્યવાન લોકો બહાર આવે છે ખરા? આજની આપણી કેળવણીમાં તો માત્ર ગુણાંક ઉપર જ ભાર દેવાય છે. ઉચ્ચવર્ગ સાથેની ઉપાધિ અને સારી રીતે આરામથી જીવી શકાય તેવા સારા કામકાજ અપાવનાર કેળવણી પર જ ભાર દેવાય છે. પણ સ્વામી વિવેકાનંદની કેળવણીની પરિકલ્પના કેવી હતી? અત્યારે સ્વામીજીની એક ઉક્તિ મારા મન:ચક્ષુ સમક્ષ તરી આવે છે.

સ્વામીજીએ કહ્યું હતું: ‘જે બીજાને માટે જીવે છે તેઓ જ ખરેખર જીવે છે, બાકીનાં તો જીવતાં કરતાં મરેલાં વધુ છે.’ એટલે જ જો તમે ભારતનું પુનર્ઘડતર કરવા માગતા હો તો અને તે પણ સ્વામીજીએ ચીંધેલ રાહે, તો આપણે એવી કેળવણી યુવાનોને આપવી જોઈએ કે જે સારા પુરુષો અને સન્નારીઓ નીપજાવે અને તેઓ રાષ્ટ્રના કામ માટે તત્પર રહેશે. સ્વામી રંગનાથાનંદજી મહારાજે વારંવાર કહ્યું છે: ‘કોઈને રાષ્ટ્રની પડી નથી, કોઈ રાષ્ટ્રને ચાહતું નથી.’ ભારતને આઝાદી મળી તે પહેલાં કેવું દૃશ્ય હતું? આપણને ઓગસ્ટ ૧૯૪૭માં આઝાદી મળી તે પહેલાં આપણા માટે એક સામાન્ય ધ્યેય હતું. બધા દેશની આઝાદી માટે કામ કરતા. હવે એક વખત આપણને આઝાદી તો મળી ગઈ અને આપણે તો ખુશખુશાલ રાષ્ટ્ર બની ગયા. હવે કોઈને રાષ્ટ્રની પડી નથી. પોતાને વધુ ને વધુ ધન સંપત્તિ કેવી રીતે મળે એની ચિંતા છે. આ છે હાલનો આપણો રાષ્ટ્ર કે પ્રજા તરીકેનો આદર્શ. પરંતુ સ્વામીજી તો સાચા ચારિત્ર્યવાન માણસો ઊભા કરવા ઇચ્છતા હતા અને એટલા માટે જ સાચી ઉન્નતિ કે સાચો વિકાસ જોઈએ છે. સ્વામી વિવેકાનંદે શિક્ષણની આપેલી આ સુખ્યાત વ્યાખ્યા તમારામાંથી ઘણા જાણતા હશે – ‘માનવની ભીતર રહેલી પૂર્ણતાનું પ્રગટીકરણ એટલે કેળવણી.’ હવે કોઈ પણ વ્યક્તિ પૂર્ણ કેવી રીતે બની શકે અને વિકાસ કે ઉન્નતિ એટલે શું? ઉન્નતિ કે વિકાસ ત્રિવિધ પ્રકારનો હોવો જોઈએ – શારીરિક વિકાસ, બૌદ્ધિક વિકાસ અને આધ્યાત્મિક ઉન્નતિ. માત્ર શારીરિક વિકાસથી તો આપણને શારીરિક બળ કે શક્તિ મળે અને આપણે માણસોને મારી પણ શકીએ. આપણી પાસે બુદ્ધિશક્તિનો વિકાસ પણ છે. પરંતુ સ્વામીજી તો આધ્યાત્મિક ઉન્નતિ ઇચ્છતા હતા અને આ છે સાચો, મુખ્ય, મહત્ત્વનો અને પૂર્ણ વિકાસ. એટલે કે આપણે જીવનની ઉચ્ચતર દિશા માટે સચેત બનવું જોઈએ. માણસ માત્ર મન અને શરીરની જ હસ્તી નથી. શરીર અને મનની દૃષ્ટિએ તો આપણે કદાચ કાયર અને બીકણ પણ દેખાઈએ. હું એક સીમિત કે શાંત પ્રાણી છું; પણ હું જન્મ્યો છું એટલે હું ઉન્નતિ કરીશ, હું આગળ વધીશ, હું મરીશ, એ જ પૂરતું નથી. આ સીમાની ભીતર, આ અંતવાળા પ્રાણીમાં એક અનંત, અજન્મા અને અમર એવો એક અંશ છે. માનવ જીવનની પૂર્તિ જીવનના ઉચ્ચતર ધ્યેયની કે દિશાની જાગૃતિમાં છે અને એટલા જ માટે આપણે દરેક વ્યક્તિને એક માનવમાં વિકસાવવો પડે. જ્યાં સુધી આપણામાં એ ઉચ્ચતર ધ્યેય કે દિશા માટેની ચેતના ન જાગે ત્યાં સુધી આપણે ઉન્નત ન થઈ શકીએ. પણ એક વખત આપણી આત્મચેતના જાગી જાય કે તરત જ સ્વામીજી ઇચ્છતા હતા તેમ દરેકેદરેક સ્ત્રી કે પુરુષ સર્વત્ર પોતાની મૂળ દિવ્ય પ્રકૃતિને પામી શકે છે.

સ્વામી વિવેકાનંદ કહે છે કે શક્તિ એની મેળે આવશે, પવિત્રતા પણ આવશે અને બાકીનું સર્વોત્કૃષ્ટ પણ એની મેળે મળી આવશે. પણ એ માટે એક વખત તમારે આત્મચેતનાની પ્રવૃત્તિને ચાહવી જોઈએ. એટલે જ સ્વામીજી એવી કેળવણી આપવા ઇચ્છતા હતા કે જેના દ્વારા કોઈ પણ વ્યક્તિ માત્ર પોતાનો બની ન રહે. આવા પોતાના બનવું અને એક સામાજિક વ્યક્તિ બનવું એ બંનેમાં ભેદ છે. વ્યક્તિગત રીતે હું ડોક્ટર હોઈ શકું, ગૃહસ્થ હોઈ શકું અને બીજા વ્યક્તિના સંપર્કમાં પણ આવી શકું. પણ હું જ્યારે એક સામાજિક વ્યક્તિ તરીકે ઉન્નત થાઉં છું ત્યારે હું સ્વતંત્રતાને પણ અનુભવું છું અને વ્યક્તિ તરીકે મારી જવાબદારીને પણ સમજું છું.

વિકાસનું સ્વરૂપ કેવું છે? આ વિકાસ એટલે આધ્યાત્મિક વિકાસ અને આ વિકાસ આપણે સ્વામીજીના આ શબ્દોને અનુસરીએ તો આવી શકે. તેમણે ત્યાગ અને સેવાના બેવડા આદર્શની વાત કરી છે. શેનો ત્યાગ કરવો? જો આપણે એમ ઇચ્છીએ કે બધાએ સાધુ-સાધ્વી બની જવું જોઈએ તો એ શક્ય નથી. ત્યાગ એટલે સ્વામીજીની દૃષ્ટિએ આપણા સીમિત અહંકારનો ત્યાગ. જ્યારે હું મારી જાતને ઉન્નત કરું છું અને જીવનના ઉચ્ચતર ધ્યેય માટે જાગ્રત બનું છું ત્યારે હું સામાન્ય વ્યક્તિ બનતો બંધ થાઉં છું. ગીતા (૧૩.૧૩)માં કહ્યું છે તેમ ‘સર્વત: પાણિપાદમ્‌ તત્સર્વતોઽક્ષિશિરોમુખમ્‌ । સર્વત: શ્રુતિમલ્લોકે સર્વમાવૃત્ય તિષ્ઠતિ ॥’ એવો વૈશ્વિક દૃષ્ટિકોણ આપણે વિકસાવવો જોઈએ. આ આદર્શને આપણે મેળવવો પડે અને એટલા માટે આપણે સ્વામી વિવેકાનંદને પ્રાર્થવા પડે.

પોતાની મહાસમાધિના (સ્વામીજીએ ૪ જુલાઈ, ૧૯૦૨ના રોજ મહાસમાધિ પ્રાપ્ત કરી હતી) એક સપ્તાહ પહેલાં સ્વામી વિવેકાનંદ પાસે તેમના પ્રિય શિષ્ય શરત્‌ચંદ્ર ચક્રવર્તી જૂન મહિનાની સાંજે વિહ્‌વળ મન સાથે આવ્યા. જ્યારે જ્યારે શરત્‌ચંદ્ર એકાગ્રતા સાથે ધ્યાનમાં બેસતા ત્યારે ત્યારે એને વચ્ચે વચ્ચે ઘણી ખલેલ પડતી. તેઓ પોતાની આ સમસ્યાનું સમાધાન મેળવવા ઇચ્છતા હતા, કારણ કે એમને અજબનું માનસિક તાણ હતું. એમણે મનમાં વિચાર્યું કે એમની પાસે તો વિવેકાનંદ જેવા અસામાન્ય ગુરુ છે, તેઓ તો ગુરુના ગુરુ છે. એટલે એણે મનમાં વિચાર્યું કે પોતે તેમની પાસે જઈને હંમેશાંને માટે આ સમસ્યાનો ઉકેલ શોધી લાવે. જ્યારે તેઓ આવ્યા અને જોયું તો સ્વામી વિવેકાનંદ ઉચ્ચ ભાવાવસ્થામાં ટહેલતા હતા. સ્વામીજી તો અંતર્યામી હતા અને પોતાને મળવા આવેલા શિષ્યના દુ:ખનું કારણ સમજી ગયા હતા. તેણે સહજભાવે કહ્યું: ‘આ એને માટે યોગ્ય સમય નથી. મને ખબર છે કે તું કોઈ સમસ્યાના સમાધાન માટે આવ્યો છે. સંધ્યા આરતી પછી મારા શયનખંડમાં આવજે.’

એમને કહેવામાં આવ્યું એ પ્રમાણે શરત્‌ ચંદ્ર ચક્રવર્તી ગયા. પણ એ સમયે સ્વામી વિવેકાનંદ ગહન સમાધિમાં હતા એટલે એમણે સ્વામીજીને ખલેલ ન પહોંચાડી અને નજીકમાં બેઠા. થોડા સમય પછી આંખ ખોલી અને પોતાના શિષ્યને જોયો. એ દિવસે કોણ જાણે કેમ પણ સ્વામીજી વધારે કરુણાર્દ્ર હતા. તે થોડી સેવા કરાવી લેવા ઇચ્છતા હતા. એટલે એમણે પોતાના શિષ્યને પાણીનો પ્યાલો ભરી લાવવા કહ્યું. શિષ્યે પણ સ્વામીજીએ જેમ કહ્યું તે પ્રમાણે કર્યું. હવે શરત ચક્રવર્તીને તક મળી ગઈ અને એમણે પ્રશ્ન પૂછી નાખ્યો: ‘આજે તમે ગાઢ સમાધિમાં હતા એટલે મારી ઇચ્છા એવી છે કે તમે મારા પર અસીમ કૃપા કરો. એ કૃપાથી હું જ્યારે જ્યારે ધ્યાનમાં બેસું ત્યારે ત્યારે મને સફળતા મળે, એવું કરો.’ એ સાંભળીને સ્વામીજીએ કહ્યું: ‘ભાઈ, એ બધું તને યોગ્ય સમયે મળી જશે.’ પણ આ શિષ્ય તો સ્વાભાવિક રીતે અધીર બન્યા હતા. એટલે એણે કહ્યું: ‘ના, હું અચોક્કસ સમય સુધી રાહ ન જોઈ શકું. જે કંઈ કરવું હોય તે અત્યારે જ કરો. જો એમ ન કરવું હોય તો મેં તમારાં પવિત્ર ચરણોમાં આશરો શા માટે લીધો છે?’ સ્વામીજી આ સાંભળીને ઉશ્કેરાયા નહિ પણ એને હૂંફ આપતાં કહ્યું: ‘ભાઈ, તમે જે ઇચ્છો છો તે તમને મળશે. પણ તમારે આ ચાર વસ્તુ યાદ રાખવી પડે – શ્રદ્ધા રાખો, શક્તિ રાખો; આત્માનું જ્ઞાન મેળવો; બીજાનાં કલ્યાણ માટે તમારા જીવનનું બલિદાન આપો; આ મારી ઇચ્છા છે અને મારા આશીર્વાદ છે.’

એટલે તમે જો ભારતને ફરીથી નવજાગ્રત કરવા માગતા હો કે એને પોતાની ભવ્ય ગૌરવ ગરિમામાં ફરી પાછા મૂકવા માગતા હો તો આપણે સૌએ સ્વામીજીએ જે કહ્યું તેને અનુસરવું પડે. આપણામાં આપણા ભવ્ય સાંસ્કૃતિક વારસા અને આપણા મહાન ઋષિઓ માટે શ્રદ્ધા હોવી જોઈએ. આપણને આપણી માતૃભૂમિ ભારત, પુણ્યભૂમિ ભારત, આધ્યાત્મિક મહાપુરુષોની જન્મભૂમિ ભારત માટે ગર્વ હોવો જોઈએ. આપણામાં અદ્‌ભુત આત્મશ્રદ્ધા પણ હોવી જોઈએ. સ્વામીજીએ કહ્યું છે: ‘જૂનો ધર્મ કહે છે કે જેને ઈશ્વરમાં શ્રદ્ધા નથી તે નાસ્તિક છે. નવો ધર્મ કહે છે કે જે પોતાની જાતમાં શ્રદ્ધા ધરાવતો નથી, તે નાસ્તિક છે.’ આ આત્મશ્રદ્ધા વિશે એમણે વધુમાં કહ્યું છે: ‘જગતનો ઇતિહાસ એટલે એવા અલ્પસંખ્યક માણસોનો ઇતિહાસ કે જેમને પોતાનામાં શ્રદ્ધા હતી. આ શ્રદ્ધા ભીતરની દિવ્યતાને બહાર લાવે છે. તમે સર્વ કંઈ કરી શકો છો. સૌ પ્રથમ તો આપણામાં આ અદ્‌ભુત શ્રદ્ધા હોવી જોઈએ. માત્ર શ્રદ્ધા જ પૂરતી નથી, આપણને શક્તિની પણ જરૂર છે. શરત્‌ચંદ્ર ચક્રવર્તીને આશીર્વાદ આપતાં સ્વામીજીએ આ જ વાત કરી હતી: ‘હું લોખંડી સ્નાયુઓ અને પોલાદી જ્ઞાનતંતુઓ તેમજ એની ભીતર વજ્ર સમું મન રહેતું હોય એમ ઇચ્છું છું… બધી શક્તિ તમારામાં છે, તમે સર્વ કંઈ કરી શકો છો તમે એમાં શ્રદ્ધા રાખો. તમે નિર્બળ છો એમ માનો નહિ, તમે સર્વ કંઈ કરી શકો છો અને તે પણ કોઈનાયે માર્ગદર્શન વિના. બધી શક્તિ ત્યાં જ છે… આ છે સત્યની કસોટી – જે કંઈ પણ તમને શારીરિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક રીતે નિર્બળ બનાવે છે તેનો ઝેર ગણીને ત્યાગ કરો; એમાં જીવન જ નથી, એ સાચું હોઈ ન શકે; આપણાં શાસ્ત્રોમાં જ અભી: અભી: એવું વિશેષણ પ્રભુ માટે અપાયું છે. આપણે નિર્ભય બનવું જોઈએ અને પછી આપણાં અશક્ય કાર્ય પણ શક્ય બનશે.’

શ્રદ્ધા અને શક્તિથી સજ્જ થઈને આપણે એક એક ડગલું આગળ ભરવું પડશે. આપણા જીવનના ઉચ્ચતર ધ્યેયની ઝાંખી મેળવવા આપણે નિષ્ઠાપૂર્વક પ્રયત્નો કરવા જોઈએ. માણસ માત્ર હાડમાંસનો બનેલો નથી. આપણા દરેકમાં દિવ્ય જ્યોતિકણ છે. ‘આત્મનામ્‌ વિદ્ધિ:’ એમ જે કહેવામાં આવ્યું છે કે મારે મારી જાતને જાણવી પડે. મારે મારા દિવ્ય સ્વરૂપને અનુભવવું જોઈએ અને જીવનના દરેક ક્ષેત્રમાં એનું પ્રગટીકરણ કરવું જોઈએ. જો આપણે સ્વામી વિવેકાનંદના સાચા અનુયાયી થવા માગતા હોઈએ તો, જો આપણે એમની અપેક્ષાઓની પૂર્તિ કરવા ઇચ્છતા હોઈએ તો આપણે આગેકદમ ભરવાં પડશે. આપણે માત્ર શ્રદ્ધા, શક્તિ કે આત્મજ્ઞાનથી અટકી જવું ન જોઈએ. આપણે તો દુ:ખી પીડિત માનવ સમાજની સેવા માટે આપણી જાતને સમર્પિત કરવી જોઈએ. આપણે બહુજન હિતાય, બહુજન સુખાય જીવવું જોઈએ.

Total Views: 20

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.