આપણા સમાજમાં ‘એ’ શ્રેણીના વ્યક્તિઓનું પ્રમાણ મોટું છે. આવા લોકો સફળતાના શિકાર બને છે. ‘એ’ શ્રેણીના લોકોની વિચારપ્રક્રિયા એમને આવું વિચારવા લાચાર બનાવી દે છે ‘મારે ઓછામાં ઓછા સમયગાળામાં લક્ષ્યપૂર્તિ કરવાની છે.’ પરંતુ અનુભવ વાસ્તવમાં એ શીખવે છે કે જે ધીરે ધીરે આગળ વધે છે, તેમના દ્વારા પ્રાપ્ત પરિણામ- તુલનાત્મક દૃષ્ટિએ જોતાં જે લોકો અલ્પાવધિમાં તીવ્રગતિએ પરિણામ મેળવે છે- તેના કરતાં વધારે નક્કર હોય છે. પરંતુ દીર્ઘકાળમાં અલ્પકાલીન ઉપલબ્ધિઓની તૃષ્ણા અંતે સીમાબદ્ધ અને હાનિપ્રદ બને છે. ઉપર્યુક્ત બે પ્રકારના વ્યક્તિઓનાં લક્ષણોવાળા લોકો સિવાય ત્રીજી શ્રેણીના વ્યક્તિ હોય છે. એમનામાં તણાવનું માઠું પરિણામ પ્રગટ થાય છે. જો કે આ પ્રકાર ‘એ’ અને ‘બી’ બન્ને શ્રેણીઓથી ભિન્ન છે. એટલે એમનું અલગ વર્ગીકરણ કરવું ઉપયોગી બનશે. મનોવિજ્ઞાનની ભાષામાં એને ‘અસહાય અને નિરાશ’ શ્રેણીના વ્યક્તિ કહે છે. હવે આપણે એમનું વિશ્ર્લેષણ કરીએ. જો આપણે આ વર્ગના નામકરણ પર સાવધાનીપૂર્વક થોડો વિચાર કરીએ તો આપણને એનું રહસ્ય તરત જ સમજાઈ જશે; જેમ કે આ વર્ગના નામ પરથી સ્પષ્ટ થાય છે કે આ વર્ગના લોકોનો જીવન પ્રત્યેનો દૃષ્ટિકોણ નકારાત્મક હોય છે. તેઓ જીવનના ઉજ્જવળ પક્ષને જોવા-સમજવામાં સમર્થ હોતા નથી. તેઓ પૂર્ણરૂપે નિરાશાવાદી હોય છે અને એમના વિચાર પ્રમાણે, ‘જીવન અંધકારમય છે. મને કોઈ આશા દેખાતી નથી, કારણ કે હું જન્મ્યો છું જ એ માટે; મને ક્યારેય સફળતા મળશે નહીં.’ અસહાય અને નિરાશ શ્રેણીના લોકોનો આ પ્રકારનો નકારાત્મક દૃષ્ટિકોણ તેમની મુશ્કેલીઓનું મુખ્ય કારણ બને છે. એમના અંત: કરણમાં આવો વિશ્વાસ રહે છે કે તેઓ ભલે ગમે તે કરે પણ એ બધું પ્રભાવહીન રહેશે.

આવી વ્યક્તિ જ્યારે બીમાર પડે છે, ત્યારે એનો પહેલો વિચાર આવો હોય છે – ‘હું ભલે ગમે તેટલા પ્રયત્ન કરું પણ હું રોગમુક્ત નહીં થઈ શકું.’ સારવાર કરતા ડૉક્ટર એને ખાતરી આપે છે કે જો તે બરાબર સારવાર લેશે અને નિયમિત રીતે દવા લેશે, તો તે ચોક્કસ સારો સાજો થઈ જશે. પરંતુ આવો રોગી એવી ચિંતા કરતો રહેશે કે હવે તેના બચવાની કોઈ આશા નથી, અંતે તો તેણે મરવાનું જ છે. બધી પરિસ્થિતિઓમાં એમનાં મનમસ્તિષ્કમાં નકારાત્મક વિચાર ઉદ્ભવતા રહે છે. તે એવું માને છે કે તે બિચારોબાપડો છે અને અસામાન્ય પરિસ્થિતિએ એને જકડી લીધો છે. જીવનના કોઈપણ પાસા પર એનું નિયંત્રણ નથી અને સગાંસંબંધીઓ અને વાતાવરણ પ્રતિકૂળ છે. ‘અસહાય-નિરાશ’ શ્રેણીના લોકો કેટલાંય કારણોને લીધે સ્નાયુગત તણાવમાં ખેંચાતા રહે છે. ઉદાહરણ તરીકે પરિવારમાં જો કોઈનું મૃત્યુ થાય કે પરિવારનું કોઈ પ્રિયજન બહાર ચાલ્યું જાય કે એની બદલી થઈ જાય તો તે આવું જ રટણ કરતો રહેશે- ‘અરે, આ બધું મારા વશમાં નથી. હું તો યોગ્ય દિશામાં બરાબર આગળ વધતો હતો, પરંતુ બધી પરિસ્થિતિઓ મારા માટે પ્રતિકૂળ બની રહી છે અને હું એમાં એવો ફસાઈ ગયો છું કે એમાંથી બહાર નીકળવાનો કોઈ માર્ગ નજરે ચડતો નથી.’

જે લોકો તણાવગ્રસ્ત રહે છે, તેઓ મોટે ભાગે અનેક જવાબદારીઓથી પ્રતિબદ્ધ હોય છે. આવી બધી જવાબદારીઓનું વહન કરવું એમને માટે કઠિન બની જાય છે. અનેક જવાબદારીઓને મર્યાદિત સમયમાં સમેટવાના પ્રયાસો કરવામાં સ્નાયુગત તણાવ અવશ્ય ઊભો થાય છે. આપણે સરળતાથી જોઈ શકીએ છીએ કે તેઓ જીવનયાપનની ઝડપથી ચાલતાં દાંતા-ચક્રવાળી ચક્કીમાં ફસાયેલા રહે છે. પરંતુ જીવન પ્રત્યેની આવી દૃષ્ટિ ઉપયોગી નથી. આવી વ્યક્તિ કયારેક ક્યારેક આવી પરિસ્થિતિનો સામનો કરી લે છે, પરંતુ અંતે તેને એનાં માઠાં પરિણામ ભોગવવાં પડે છે. સાથે ને સાથે તે લાચાર બનીને આગળ વધવાની તમન્નાને પૂર્ણ કરવા અને તેજ ગતિને કાયમ જાળવી રાખવા શરાબ જેવા નશીલા પદાર્થોનું સેવન કરવા માંડે છે. અંતે જે થવાનું હોય છે એ જ થઈને રહે છે અને અત્યંત ભાવાતિરેક અને તણાવને કારણે તેની શક્તિના સ્રોતનો અગ્નિ હોલવાઈ જાય છે.

અહીં યોગવિજ્ઞાન મને વધારે પ્રાસંગિક લાગે છે. જો કે આપણે અહીં માનસિક તણાવનાં માઠાં પરિણામોની ચર્ચા કરી રહ્યા છીએ, એટલે આપણા માટે મનમસ્તિષ્કની ક્રિયાપ્રક્રિયાની જાણકારી આવશ્યક છે. મનમસ્તિષ્કની ચર્ચા કરવાનું આપણું તાત્પર્ય સ્પષ્ટ રૂપે મનોમય કોષની ચર્ચા કરવાનું જ છે. જ્યારે હું એમ કહું છું કે વધારે પડતી જવાબદારીઓના ભારથી વ્યક્તિ પોતાની જાતને જાણે કે બાળી નાખે છે. એટલે કે મારો અભિપ્રાય જે તે વ્યક્તિની પ્રાણઊર્જા કે પ્રાણમય કોષનો અગ્નિ છે અને જે નાશ પામે છે, તે અન્નમય કોષ અથવા શારીરિક આવરણને લીધે છે.

યોગવિજ્ઞાન પ્રમાણે માનવપ્રાણી વિભિન્ન સ્તરો પર રહે છે, એમને આપણે આવરણોની સંજ્ઞા આપી છે. આપણે મૂળભૂત રીતે આત્મા છીએ, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છીએ. છતાં પણ તેનું પ્રથમ કે સ્થૂળતમ આવરણ શરીરનું માળખું છે, જેને અન્નમયકોષ કહેવાય છે. શરીરનું આવરણ એટલે કે અન્નમયકોષની ભીતર એક સૂક્ષ્મ આવરણ હોય છે. એ પ્રાણમયકોષના નામે ઓળખાય છે. આપણે ભૌતિક શરીરને જોઈ શકીએ છીએ, તેને સ્પર્શી શકીએ છીએ, પરંતુ પ્રાણમય દેહ સાથે આપણે એવું કરી શકતા નથી. પરંતુ આપણે હાથને હલાવવાની કે વાણીના ઉચ્ચારણની અનુભૂતિ કરી શકીએ છીએ અને એ પ્રાણમય કોષનાં કાર્ય છે. પ્રાણમયકોષના શક્તિસ્તરથી જ બધાં કાર્યોનું સંચાલન થઈ શકે છે. જો દેહમાંથી પ્રાણ નીકળી જાય તો શરીર મૃત અવસ્થા પ્રાપ્ત કરે છે. વીસ દિવસ સુધી અન્ન ગ્રહણ ન કરીએ તો શરીર માત્ર કંકાલ રહી જાય છે અને વ્યક્તિ મૃત્યુને મેળવી શકે છે, પણ શરીરમાં ફળોનો રસ, દૂધ ઉચિત માત્રામાં આપીએ તો પ્રાણશક્તિ ફરી પાછી આવે છે.

આ રીતે સૂક્ષ્મ ઊર્જા સ્થૂળ શરીરને જાળવી રાખે છે. ફરીથી પ્રાણમય કોષના સૂક્ષ્મ સ્તરનું સંચાલન મનથી એટલે કે મનોમય કોષથી થાય છે. પરંતુ જ્યાં નિર્ણય લેવાની આવશ્યકતા રહે છે, ત્યાં આ ત્રણ કોષોથી પર વિજ્ઞાનમય કોષ તરફ અભિમુખ થવું પડે છે. આની વિશદ ચર્ચા આપણે હવે પછી કરીશું. એ પહેલાં આપણે અન્નમય કોષ, પ્રાણમય કોષ અને મનોમય કોષને બરાબર સમજી લેવા જરૂરી છે.

આપણે પહેલાં જે નિરાશ અને અસહાય પ્રકારના વ્યક્તિત્વવાળા લોકોની ચર્ચા કરતા હતા તેને ફરીથી યાદ કરીને તે એમ કહેવા માગીએ છીએ કે આ પ્રકારના વ્યક્તિત્વવાળાના માનસમાં આવો વિશ્વાસ ભરપૂર ભર્યો હોય છે કે તેઓ ભલે ગમે તે પ્રયત્ન કરી લે, પરંતુ વસ્તુસ્થિતિમાં કોઈ સુધારાત્મક પરિવર્તન થશે નહીં. નિરાશાજનક પરિસ્થિતિ પર કાબૂ મેળવવો એમને માટે અસંભવ છે. ઉદાહરણ તરીકે જો કોઈ વિદ્યાર્થી વિશેષ પ્રમાણમાં ગૂમસૂમ રહે અને નિરાશામાં ડૂબેલો રહે તો તે ક્યારેય તેજસ્વી બની શકશે નહીં. તે પરિશ્રમ પણ કરતો નથી અને અધ્યયન પણ નથી કરતો, કારણ કે એનો બધો સમય તેનામાં સારું પરિણામ મેળવવાની કોઈ ક્ષમતા છે કે નહીં, એવી પરિસ્થિતિનાં દુખડાં રોવામાં વીતી જાય છે.                          (ક્રમશ:)

Total Views: 413

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.