ડૉ. ફ્રાયડમેન અને ડૉ. રોજનમેને ‘એ’ અને ‘બી’ શ્રેણીના વ્યક્તિઓનું વર્ગીકરણ કરીને પહેલા પ્રકારના લોકોની ચારિત્રિક વિશેષતાઓનો એક ચાર્ટ તૈયાર કર્યો છે. એનું વર્ણન અહીં નીચે આપ્યું છે :

પહેલા પ્રકારના એટલે કે ‘એ’ શ્રેણીના લોકોની વિશેષતાઓ આ છે :

 1. ઝડપથી બોલવાની રીત.
 2. ખાતી વખતે ઝડપી ગતિથી ચેષ્ટાઓ કરવી.
 3. અધીરતાનું સ્પષ્ટ પ્રદર્શન.
 4. સમયના અભાવની દીર્ઘકાલીન સંવેદના.
 5. અનેક કાર્યો પર વિચારણા અને તેમને તત્કાલ પૂર્ણ કરવાની ભાવના.
 6. વાતચીત કરતી વખતે કોઈના પર છવાઈ જવાનો સક્રિય પ્રયાસ, વૈચારિક વિષયનું નિર્ધારણ કરવું અને જ્યારે બીજા લોકો પોતાના વિચારો પ્રગટ કરતા હોય, ત્યારે પોતાના જ વિચારોમાં ખોવાયેલા રહેવું.
 7. નિરાંતના સમયે જ્યારે કંઈ કામ ન કરતા હોય ત્યારે એક અસ્પષ્ટ અપરાધિક અનુભૂતિ કરવી.
 8. મેળવવા જેવા પદાર્થો સાથે વધારે પ્રમાણમાં લગાવ રાખવો, પરંતુ પોતાને ગુણી બનાવવા માટે સમય ફાળવી ન શકવો. બીજા શબ્દોમાં કહીએ તો આવા લોકો બીજા પાસેથી કામ કેવી રીતે કઢાવવું એ વિષયમાં વધારે ચિંતિત રહે છે, પરંતુ તેઓ સારા માણસ કેવી રીતે બને એ બાબતનો જરાય વિચાર કરતા નથી. આવા લોકોની એક માત્ર ચિંતા કામ કઢાવવાની હોય છે, લોકો પ્રત્યે એમના હૃદયમાં કરુણા નથી હોતી.
 9. જોરથી મુઠ્ઠી વાળવી, દાંત કચકચાવવા જેવી ભાવભંગિમાનું તેઓ અંગ પ્રદર્શન કરે છે.

ઉપર કહેલી વિશેષતાઓ એવા વ્યક્તિત્વની છે કે જે હૃદયરોગને આમંત્રે છે. એનાથી ઊલટું ‘બી’ પ્રકારના લોકોના વ્યક્તિત્વની વિશેષતાઓ આ પ્રમાણે છે :

 1. સમય-શીઘ્રતાની વ્યાકુળતા એમનામાં નથી હોતી.
 2. જ્યાં સુધી એવી પરિસ્થિતિ અનિવાર્યરૂપે ઊભી ન થાય ત્યાં સુધી પોતાની ઉપલબ્ધિઓ અને કીર્તિમાનોનાં વખાણ કરવાની આવશ્યકતા નથી સમજતા. જો કોઈ વ્યક્તિ એની જાણકારી મેળવવા ઇચ્છે તો ‘બી’ શ્રેણીની વ્યક્તિ પોતાની ઉપલબ્ધિઓ વિશે જરૂર વાત કરે છે, પરંતુ તેઓ પોતાની સફળતાઓનો ઢોલ વગાડતા નથી અને પોતાની ગર્વભરી વાણીથી તેને અભિવ્યક્ત પણ કરતા નથી.
 3. તેઓ એવું માને છે કે ક્રીડા કેવળ મનોરંજન કે વિશ્રામ માટે છે, એ પોતાની ઉચ્ચતાનું પ્રદર્શન કરવા માટે નથી.
 4. તેઓ અપરાધહીનતાથી દૂર રહીને હળવા થવાનું સ્વીકારે છે.
 5. તેઓ ભાવના અતિરેકથી દૂર રહીને અને તણાવરહિત બનીને પોતાનું કાર્ય કરે છે.

‘એ’ વર્ગના વ્યક્તિવિશેષ લોકો પ્રાય: એવો દાવો કરે છે કે તેઓ વાસ્તવમાં કર્મયોગી છે. પરંતુ ઉપર્યુક્ત વિશેષતાઓને આધારે આપણે એમ કહી શકીએ કે કર્મયોગી પ્રત્યેક કાર્ય શાંતિ અને સંયમથી કરે છે. સ્વામી વિવેકાનંદે આ વિશે આમ કહ્યું છે, ‘આપણે જેટલા વધારે શાંત રહીશું, તેના પ્રમાણમાં આપણી સ્નાયવિક કોષિકાઓ વિચલિત નહીં થાય. આપણે જેટલા વધારે પ્રેમથી રહીશું, આપણું કાર્ય પણ એને અનુરૂપ સારું જ હશે.’

પ્રકરણ : 4

માનસિક તણાવ અને સફળતાની ગતિશીલતા

અત્યાર સુધી આપણે વ્યક્તિત્વની બે શ્રેણી અને તેમની વિશિષ્ટતા પર વિચાર કર્યો. એ માનવવ્યવહારનું નિર્ધારણ કરે છે. આપણે ભલે અધિકારી, ગૃહિણી, વિદ્યાર્થી, પ્રોફેસર, ડૉક્ટર વગેરે રૂપે કામ કરતાં હોઈએ, એ બધાંમાં કાર્ય-ક્રિયા મુખ્ય નથી. એ તો એની પાછળ છુપાયેલો દૃષ્ટિકોણ હોય છે અને એને જ આધારે આપણું વ્યક્તિત્વ કઈ શ્રેણીનું છે, એ નિશ્ર્ચિત કરી શકાય છે. હું આ વાતને દોહરાવવી ઉપયોગી ગણું છું કે ‘એ’ શ્રેણીની વ્યક્તિ પુરુષ હોય કે સ્ત્રી એમને હૃદયરોગની સંભાવના વધારે રહે છે.

આ જગતમાં એવી ઘણી નારીઓ છે કે જે પુરુષપ્રધાન ક્ષેત્રોમાં પ્રવેશી ગઈ છે અને એમનામાં ‘એ’ પ્રકારના વ્યક્તિત્વની વિશેષતાઓનું અંગીકરણ થયું છે. ‘એ’ પ્રકારના લોકોની જેમ આવી નારીઓ પણ કર્માનુરાગી, અધીર, સમયની શીઘ્રતા વિશે સતત ચિંતિત રહે છે અને વિરામ માટે કોઈ સમય ન ફાળવી શકવાને કારણે હૃદયરોગ પ્રત્યે ઉન્મુખ બને છે. બીજા શબ્દોમાં કહીએ તો હૃદયરોગને લિંગભેદ સાથે સંબંધ નથી, તે તો અવસરોન્મુખી રોગ છે. જે લોકો ‘એ’ શ્રેણીના વ્યક્તિત્વની જીવનશૈલીનું અનુસરણ કરે છે, તેમને આ રોગનો હુમલો થાય છે.

આ વસ્તુના સંદર્ભમાં વેદાંત-સંમત અનાત્માની ધારણાનું સંક્ષિપ્ત વિશ્ર્લેષણ કરવું અહીં ઉપયોગી બની રહેશે. આ ધારણા પ્રમાણે આપણામાંથી દરેકમાં એક વાસ્તવિક ‘સ્વ’ તથા એક આભાસી ‘સ્વ’ રહેલ છે.

પાશ્ર્ચાત્ય દેશોમાં સ્વામી વિવેકાનંદે જ્ઞાનયોગ પરની પોતાની એક વ્યાખ્યાનમાળા દરમ્યાન એક સુખ્યાત ભાષણમાં યથાર્થ માનવ અને પ્રત્યક્ષ દેખાતા માનવ વિશે પોતાના વિચાર પ્રગટ કર્યા હતા. એમણે પોતાના વ્યાખ્યાનમાં કહ્યું હતું કે જ્યારે આપ મારી તરફ જુઓ છો અને હું આપની તરફ જોઉં છું, ત્યારે આપ એક વિશિષ્ટ બાહ્ય મનોદેહવાળા સ્વરૂપે દેખાઓ છો, જે આભાસિત ‘સ્વ’ની ધારણાને અનુરૂપ છે. આ બાહ્યરૂપે પ્રત્યક્ષ દેખાતું ‘સ્વ’ પરિવર્તનશીલ છે. એ ઉત્પન્ન થાય છે, વધે છે, વિકસિત થાય છે, તેનો ક્ષય થાય છે અને નાશ પામે છે.

પ્રત્યક્ષ દેખાતા ‘સ્વ’ની કેટલીક ઉપાધિઓ-વિશિષ્ટતાઓ છે અને લિંગ તેમજ ધર્મ વગેરેના આધારે તેના અનેક ભેદ છે, પરંતુ બધા ભેદોથી પર અંતરમાં એક ‘સ્વ’ છે. એ મૂળસ્વરૂપ છે અને સતત જળવાઈ રહે છે. એટલે પ્રત્યક્ષ દેખાતો ‘સ્વ’ અનાત્મા છે અને યથાર્થ ‘સ્વ’ આત્મા છે.

વેદાંતમાં અનાત્મ સાથેનાં પાંચ આવરણોનું એટલે કે  પંચકોષોના રૂપે ઘણું વેધક વિશ્ર્લેષણ જોવા મળે છે. એનું વિસ્તૃત વિવેચન આપણે બીજે કરીશું.

ફરી એક વાર આપણે સમયની વિરુદ્ધ સતત સંઘર્ષ કરતા રહેતા ‘એ’ પ્રકારના વ્યક્તિત્વનો વિચાર કરીશું. એને પરિણામે આવી વ્યક્તિમાં ભાવનાત્મક તણાવ પેદા થાય છે. આવી વ્યક્તિમાં વિશેષત: માંસપેશીઓના સ્તરે વધારે તણાવ રહે છે.

ડૉ. ફ્રાયડમેન અને ડૉ. રોજનમેનના મત પ્રમાણે આવી વ્યક્તિઓ સાધારણ લોકો કરતાં ત્રણગણા પ્રમાણમાં  હૃદયરોગથી પીડિત બને  છે. ચેતવણી સૂચક જાણકારી એ છે કે આપણે ધીરજથી કામ લેવાનું છે, આપણે ઉત્તેજિત થવું નથી. આપણે ક્ષણિક આવેશમાં આવીને કામ કરવું ન જોઈએ. આ તથ્ય પર વિશેષ આગ્રહ એ છે કે જે સાવધાની અને ધીરજ ધારણ કરે છે, તેને માટે ભૂલો થવાની શક્યતા ઓછી હોય છે. આ ઉપરાંત સ્નાયુતંત્રીય તણાવને કારણે ઉદ્ભવતા બધા રોગોથી તેઓ મુક્ત રહેશે. (ક્રમશ:)

Total Views: 386

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.