પ્રકરણ : 3

માનસિક તણાવ વિશે કેટલાક અભિમત

કાર્લ ગુસ્તોવ યૂંગ નામના સુખ્યાત મનોવિશ્ર્લેષક માનસિક તણાવ અંગે શું કહે છે, એ વિશે જોવાનું છે. એમની અવધારણા છે કે માનસિક તણાવ મનુષ્યના નર અને માદા બન્ને ગુણવિશેષનું પ્રતિફળ છે. એમના કહેવાનું તાત્પર્ય એ છે કે નર અર્થાત્ બહિર્મુખી, માદા અર્થાત્ અંતર્મુખી પ્રવૃત્તિ. આ જગતમાં આપણને એવા લોકો જોવા મળશે કે જે સ્વભાવથી બહિર્મુખી હોય છે. એમની પ્રવૃત્તિ સર્વદા બહાર ને બહાર તરફ જતી હોય છે અને તેઓ આંતરિક જીવનશૈલીથી અજાણ હોય છે. આનાથી વિપરીત બીજા અંતર્મુખી હોય છે. કાર્લ યૂંગના મત પ્રમાણે બહિર્મુખી અને અંતર્મુખી આ બન્ને વિરોધી પ્રવૃત્તિઓ કોઈ એક વ્યક્તિ વિશેષમાં પરસ્પર વિપરીત દિશાઓમાં કાર્યરત થાય ત્યારે તણાવ ઉત્પન થાય છે. હવે પ્રશ્ન આ ઊભો થાય છે કે આ તણાવનો ઉપચાર શો છે?

એ બન્ને મૂળભૂત પ્રવૃત્તિઓના સમન્વયથી જ આ સમસ્યાનું નિરાકરણ સંભવિત બને છે. આ સમન્વય ધ્યાનપરાયણ ચિંતન અને ક્રિયાપ્રધાન વ્યવહારના પરસ્પરના સામંજસ્યથી સંભવ બને છે. ચિંતનશૂન્ય તથા અંતર્નિરીક્ષણહીન જીવનવ્યવહાર ઘાતક સિદ્ધ થઈ શકે છે. પરંતુ સતત ચિંતનશીલ બની રહેવાથી અને સક્ષમ ગુરુના માર્ગદર્શનનો અભાવ હોય તો કોઈપણ વ્યક્તિ સાચો માર્ગ અપનાવવા સક્ષમ બની શકતો નથી. હવે સાચા ગુરુ દ્વારા મળતા યોગ્યપથના શિક્ષણની પ્રક્રિયાના અભાવે માનસિક તણાવ કોપભાજન બની જાય છે. આપણે બન્ને પ્રકારની ‘અતિ’ થી બચવું જોઈએ અને સાચો મધ્યમમાર્ગ અપનાવવો જોઈએ. ક્રિયાશીલ વ્યવહારની સાથે વ્યક્તિએ થોડું ધ્યાન-ચિંતન, અંતરાવલોકન તથા આત્મવિશ્ર્લેષણ માટે પણ સમય કાઢવો જોઈએ. આ બન્ને સ્વભાવગત વિરોધી પ્રવૃત્તિઓના સાચા સમીકરણથી અર્થાત્ બીજા શબ્દોમાં કહીએ તો નર અથવા નારીય ગુણવિશેષોના સામંજસ્યથી માનસિક તણાવમાંથી મુક્તિ મળી શકે. આ પરિપ્રેક્ષ્યમાં સંપત્તિવાન, શક્તિવાન, પદ અને ગરિમાથી સમૃદ્ધ અને એવા વિભિન્ન વર્ગના લોકોનું અવલોકન કરો. પરંતુ જો આપણે એમના વાસ્તવિક જીવનમાં ડોકિયું કરીને જોઈએ તો આપણને એ જોઈને નવાઈ લાગશે કે તેઓ ધનાઢ્ય અને શક્તિશાળી હોવા છતાં પણ કલહથી ઘેરાયેલા રહે છે અને ઉચ્ચતર આયામથી વંચિત રહે છે. વ્યક્તિઓને જ્યાં સુધી આંતરિક શાંતિ નથી મળતી, ત્યાં સુધી તેઓ ક્યારેય તણાવથી મુક્ત રહી શકતા નથી.

હવે આપણી સમક્ષ પ્રાય: એક પ્રશ્ન ઊભો થાય છે- શું ધાર્મિક પ્રવૃત્તિવાળા બધા લોકો જીવનથી સંતુષ્ટ છે? એનું તાત્પર્ય એ છે કે જે લોકોએ દીક્ષા લીધી છે અથવા નિયમબદ્ધ અનુષ્ઠાન પૂરાં કરે છે, શું આવા લોકોએ માનસિક તણાવ પર કાયમને માટે નિયંત્રણ કરી લીધું છે? વાસ્તવમાં જે લોકો ધ્યાનનો અભ્યાસ કરે છે તેઓ પણ ક્યારેક ક્યારેક માનસિક તણાવથી ગ્રસ્ત થઈ જાય છે, શું આ વાત સાચી નથી?

ઉદાહરણ તરીકે ધારો કે કોઈ વ્યક્તિ મંદિર કે પૂજાગૃહમાં વિશિષ્ટ મનોદશામાં બેઠી છે અને કોઈ બીજી વ્યક્તિ એમની પાસે ઓચિંતાના આવીને કંઈક કહે તો તે ઉગ્ર સ્વરે બોલી ઊઠશે, ‘મને હેરાન ન કરો, હું અત્યારે ધ્યાનમાં છું.’ જો તમે વાસ્તવિક રીતે ધ્યાનમાં લીન છો તો એનો અર્થ એ થયો કે તમે પોતાના ઇષ્ટ સાથે જોડાયેલા છો. વળી કોઈ માણસ પૂજાઘરમાંથી પાછો ફરી રહ્યો છે, તો એનામાં કંઈક પરિવર્તન આવ્યું છે, એવી તેની પાસે અપેક્ષા રખાય છે. પૂજાઘરમાંથી પાછા ફર્યા પછી તેના વ્યવહારમાં મૃદુતા અને પ્રિયતાની આશા રાખવી જોઈએ. એનાથી ઊલટું સામાન્ય અનુભવ એ વાતની પુષ્ટિ કરે છે કે ધ્યાનયોગ કર્યા પછી પણ કેટલાક લોકો અતિ ઉગ્ર વલણ રાખતાં જોવા મળે છે. એનાથી એ સ્પષ્ટ થાય છે કે આવા લોકો ધાર્મિક અનુશાસન પાળતા નથી. આ પ્રકરણમાંથી એ તારણ કાઢી શકાય કે જો સાચી રીતે ધાર્મિક જીવનનું અનુસરણ કરાય તો લોકોને ચોક્કસ શાંતિ અને આત્મસંતોષ મળવાનાં.

વસ્તુત: ધર્મભાવનાવાળી વ્યક્તિના સાંનિધ્યમાં આવવાથી કોઈ પણ તેના દ્વારા પ્રસારિત શાંત તરંગોનો અનુભવ કરી શકે છે. આપણે કહી શકીએ, ‘આ સાધુ પુરુષ કેટલા શાંત અને સંગૃહીત-અક્ષુબ્ધ છે. એમનામાં માનસિક ગડમથલ જરા પણ નથી.’ પરંતુ જુદા જુદા માનસિક પ્રક્ષોભનો ભોગ બની હોય એવી વ્યક્તિના સંપર્કમાં આપણે આવીએ તો આપણે પણ તેના પ્રક્ષોભક તરંગોથી છવાઈ જવાના. તાત્પર્ય એ છે કે ભલે આપણને આંતરિક સત્યની સાચી અનુભૂતિ ન થઈ હોય છતાં પણ ધ્યાન કરવાથી તેની એક ઝાંખી તો થઈ જાય છે. આ ક્રિયા જ આપણને માનસિક તણાવ પર આધિપત્ય અપાવવામાં સક્ષમ છે.

રામકૃષ્ણ મિશનના પ્રતીક ચિહ્નની સ્વામી વિવેકાનંદે સંકલ્પના કરી છે. તેમાં યોગની ચાર વિદ્યાઓનું સામંજસ્યપૂર્ણ સમાયોજન જોવા મળે છે. કાર્લ યૂંગે તો કેવળ બર્હિમુખી અને અંતર્મુખી કર્મપરાયણતા તથા ધ્યાનપરાયણતાના સામંજસ્ય પર ભાર દીધો હતો. પરંતુ સ્વામી વિવેકાનંદે એક સાચા યોગીની જેમ ઋષિઓની પરંપરાગત અવધારણાઓને સાથે રાખીને ચાર યોગોનો નજરે ચડે તેવો સમન્વય કર્યો છે.

જે લોકો રામકૃષ્ણ મિશનના પ્રતીકચિહ્નથી પરિચિત છે અને જેમણે આ પ્રતીકના અભિપ્રાયનું ગહનતાપૂર્વક ચિંતન અને વિશ્ર્લેષણ કર્યું છે તેમને એ વાતનો પૂરેપૂરો ખ્યાલ છે કે પ્રતીકના કેન્દ્રમાં રહેલ કમળ ભક્તિનું પ્રતીક છે, ઊગતો સૂર્ય જ્ઞાનનું, સર્પાકૃતિ રાજયોગનું સૂચક છે તથા લહેરો કર્મનું સૂચક છે. તેની સાથે મધ્યમાં રાજહંસનું ચિત્ર જોવા મળે છે. રાજહંસ પરમાત્મા કે આપણા દિવ્યાત્માનું પ્રતીક છે.

આ પ્રતીકચિહ્નની ધારણા એવી છે કે રાજયોગ, કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગના સુભગ સમન્વયથી આપણે પોતાના અંતરાત્મા એટલે કે પરમાત્માની અનુભૂતિ કરી શકીએ છીએ.

સ્વામી વિવેકાનંદે આ સામંજસ્યને સમન્વયયોગની સંજ્ઞા આપી છે, કારણ કે આધુનિક જીવન વ્યસ્તતાથી પરિપૂર્ણ છે. એટલે દૈનિક ક્રિયા-પ્રક્રિયાનો આરંભ કરતાં પહેલાં આપણે ઓછામાં ઓછી પંદર મિનિટ સુધી સમન્વય યોગનો અભ્યાસ કરવો જોઈએ. આ દૈનિક યોગક્રિયા સંપન્ન થઈ ગયા પછી આપણે પોતાની દૈનિક જીવનની ક્રિયામાં પ્રવૃત્ત થઈશું તો આપણી મનોદશા સ્થિર બની રહેશે.

આનું એક ઉદાહરણ જોઈએ : ધારો કે કોઈ માણસ અધિકારી કે કર્મચારી; ડૉક્ટર કે અધ્યાપક; ગૃહિણી કે બીજું કંઈક છે. આપણે દીક્ષિત ન હોઈએ તો પણ સવારે થોડો સમય આપણે પોતાનું આત્મનિરીક્ષણ કરી શકીએ છીએ. આ રીતે જ્યારે આપણે મન પર નિયંત્રણ કરવાનો પ્રયાસ કરીએ છીએ ત્યારે એ રાજયોગ છે. આપણે જાણીએ છીએ કે વ્યક્તિ સીમાબદ્ધ છે, છતાં પણ એની ભીતર દિવ્યપ્રકાશની ચિનગારી તો છે જ.

માનસિક અથવા મનોવૈજ્ઞાનિક નિયંંત્રણના નિત્ય અભ્યાસના માધ્યમથી આપણે આ દિવ્યત્વમાં એકરૂપ બની શકીએ છીએ. તાત્પર્ય એ છે કે આપણે ત્યારે રાજયોગ કરી રહ્યા છીએ.                                (ક્રમશ:)

Total Views: 359

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.