કેટલી બધી દંતકથાઓ ભારતના માર્ગે, પ્રદેશોમાં અને પ્રત્યેક મનુષ્યોના મુખમાંથી વહેતી રહી છે. તેનો કોઈ પાર નથી. બધા શિક્ષિતો પાસે પહોંચતી નહિ, પરંતુ વાર્તાના માધ્યમથી પહોંચતી અને લોકપ્રિય થતી. વૃદ્ધશ્રવા અર્થાત્ જેવો સાંભળતાં સાંભળતાં વૃદ્ધ થયા છે અને પુષ્કળ શ્રવણ કર્યું છે. આવા લોકોની સંખ્યા સમાજમાં કંઈ ઓછી નથી. સમાજમાં તે બધી કથાઓ અલગ અલગ રીતે પ્રચલિત થઈ છે. તેવી એક પ્રચલિત વાર્તા છે. કદાચ ઘણાએ તે સાંભળી પણ હશે. વળી ઘણા પાસે એ વાર્તા ન પણ પહોંચી હોય.

ભારતનાં શાસ્ત્રો અને સમાજમાં સત્સંગ કે સાધુસંગનો વિશેષ મહિમા છે. વસિષ્ઠ અને વિશ્વામિત્ર ઋષિની કેટલીય વાર્તાઓ સત્સંગના પુણ્ય પ્રતાપ વિષે મનમાં વિશ્વાસ ઉત્પન્ન કરે છે. વળી લોકકથા અથવા કોઈ કોઈ ઘટના જાણે વર્તમાન માટે કપોલ કલ્પિત લાગે. તેવી જ એક પચરંગી વાર્તા છે. પરંતુ તેમાં અંતરના ભાવનો પ્રકાશ જોવા મળે છે.

તે જમાનામાં ગામડાઓ હજુ ય શહેરીકરણની અસરથી મુક્ત હતા. ટી.વી. કે રેડિયોની વાત જ ન હતી. કેવળ અનુભૂતિ પામેલા ઉચ્ચ કોટિના મહાત્માઓ પગપાળા ફરતાં ફરતાં કયારેક લોકોનાં બારણે આવી ચડે તો સહજ રીતે જ્ઞાન સભર દૃષ્ટાંતો કે વાર્તાઓ સાંભળવા મળતાં. એક નાનકડું ગામડું હતું. શહેરથી બહુ દૂર ન હતું ત્યારે રાજાઓનું શાસન ન હતું તો પણ નાના- મોટા જમીનદારોનું રાજ ચાલતું હતું. તેઓ પ્રજાનું પાલન કરતા.

એક મહાત્મા ગામમાં આવ્યા છે. વૃક્ષ નીચે આસન લગાવી બેઠા છે. સાથે બે – એક પુસ્તકો, કમંડળ અને એક કામળો. આ સિવાય બીજું કશું નથી. પરંતુ મહાત્મા નિરાંતે બેસી શકયા નહિ કારણ કે ગામડાના ભોળા લોકો એકબીજાને કહેવા લાગ્યા કે એક સાધુ મહાત્મા આવ્યા છે અને તેમની પાસે લોકોની ભીડ એકઠી થઈ ગઈ. ભૌતિક ઇચ્છાઓની પ્રાપ્તિ માટે લોકોની કતાર લાગી. સાધુ પણ બાહોશ. તેમને કંઈ પ્રશ્ન કરવા ન પડે, સામુ જુએ ત્યાં સમજી જાય કે કોની કેવી જિજ્ઞાસા છે. સાધુ તેમના પ્રશ્નનું સહજ સમાધાન આપવા લાગ્યા. લોકોને અનુભવ થયો કે મહાત્માના શબ્દો સાચા પડે છે. ત્રણ દિવસ સુધી લોકો સતત ઉમટી પડ્યા. લોકો સાધુને ભિક્ષા પણ આપી જાય છે. આ તરફ સાધુ મૂંઝાય છે કે પોતે ભારે મુશ્કેલીમાં પડ્યા છે. સાધુ માટેના પણ નિયમો હોય છે – ‘અરતિર્જન સંસદિ, જનસમાગમ વર્જય.’

મધ્યાહ્ન વીતી ગયો. સાંજ પડી. સંધ્યા થઈ. દૂર દૂર માણસોનો પ્રવાહ ધીરે પાછો વળી રહ્યો છે. સૂર્યાસ્તની લાલીમા વિશાળ વનશ્રી પર શોભી રહી છે. સૂર્ય ડૂબી રહ્યો છે. સાધુનું મન પણ હૃદયના સમુદ્રમાં ડૂબવા ઇચ્છે છે. હવે મહાત્મા આસન ઉઠાવીને ચાલ્યા. એક નીરવ વૃક્ષ નીચે આસન લગાવ્યું. ધ્યાનનો સમય થયો છે – હવે મનને સંકોરીને અંદરમાં લાવવું પડશે. બધા ધીરે ધીરે ચાલ્યા ગયા. કારણ કે સાધુએ મૌન ધારણ કર્યું છે.

ગાઢ રાત્રી છે. રાત્રીનો પ્રથમ પહોર વીતી ગયો છે. બીજો પ્રહર પણ વીતી ગયો. પ્રશાંત રાત્રી – સાધુનું ધ્યાન હવે ભાંગ્યું છે. ચૂપચાપ બેસી રહ્યા છે. અચાનક મનમાં કોઈ પડછાયાનો ભાસ થયો – સાધુએ બરાબર જોયું તો એક પાતળો માણસ – ખૂબ ઉતાવળે પગલે તેમની તરફ આવી રહ્યો છે. એકદમ પાસે આવીને ઊભો છે.

સાધુએ પૂછ્યું : તમે કોણ છો?

તે આ પ્રશ્ન સાંભળીને ચમકી ઊઠ્યો. ત્યારબાદ ખૂબ મૃદુ સ્વરે બોલ્યો : હું ચોર છું.

આ સાંભળી સાધુ અવાક્ થઈ ગયા અને બોલ્યા: ‘મારી પાસે તો ચોરી કરી શકાય તેવું કશું નથી.’

નમ્ર્રતાથી તે માણસ બોલ્યો : ના, ચોરી કરવા આવ્યો નથી, એ તો મારી પ્રવૃત્તિ કહી શકો. આપની પાસે તો ખોટું બોલી ન શકું.

સાધુ બોલ્યા : આટલી બધી આર્થિક પ્રવૃત્તિઓ છે. તેમાંથી તને ચોરી વિદ્યા જ પસંદ પડી? પકડાઈ જઈશ તો માણસો તને સાજો નરવો રાખશે નહિ.

આજે એ માટે જ આપની પાસે આવ્યો છું. સાંભળ્યું છે કે આપ વાક્સિદ્ધ પુરુષ છો. જે બોલો તે સાચું પડે. આટલીવાર રાહ જોતો હતો કે ક્યારે માણસની ભીડ ઓછી થાય અને આપને એકલાને મળી શકું.

સાધુ હસીને બોલ્યા : ચમત્કાર, તું બીજાની વસ્તુ ચોરી કરીશ અને પકડાઈશ નહિ. કોઈ દિવસ શિક્ષા ન મળે. આવી વાત હું કઈ રીતે કહું?

ચોરે હાથ જોડીને ફરી નમ્ર્રતાથી પ્રાર્થના કરી : હું ખૂબ દરિદ્ર છું. હું ચોરીમાં પકડાઈ જઈશ તો મારાં કુટુંબીઓ ભૂખ્યા મરશે. તેથી આપની પાસે આવ્યો છું.

આ સાંભળી થોડીવાર મહાત્મા સ્તબ્ધ થઈ ગયા. માણસને વિપતિગ્રસ્ત જોયો. તેમની બંને આંખોમાં એક કરુણાનો ભાવ આવ્યો. ધીમે ધીમે બોલ્યા : ભલે, એક નાની એવી શરત માનવી પડશે. જો તેમ કહી શકો તો પકડાઈશ નહિ અને શાંતિ પણ મળશે.

ચોરને તો જાણે હાથમાં ચાંદો મળી ગયો. તે એકદમ હાથ જોડીને સાધુના પગ પાસે બેસી ગયો અને પૂછવા લાગ્યો : કહો, કઈ શરત પાળવાની?

તું કોઈપણ સ્થિતિમાં, કોઈપણ કારણે જૂઠું નહિ બોલે. હંમેશાં સત્ય બોલીશ. સત્યને પકડી રાખીશ તો પછી સત્યસ્વરૂપ ભગવાન તારી રક્ષા કરશે.’

આવી અદ્ભુત શરત સાંભળીને ચોર તો અવાક્ થઈ ગયો. જેનું સમગ્ર કામકાજ છૂપાવીને ચોરી કરવાનું, તેના માટે તો સત્ય વચન મરણાત્મક! તો પણ તે વિચારવા લાગ્યો કે બચી જાવ તો સત્ય બોલવું જ સારું. તેણે કહ્યું : પ્રભુ! આપનું વચન માથે ચડાવું છું. કોઈપણ સંજોગોમાં હું જૂઠું બોલીશ નહિ. હું પકડાવ નહિ તો મારે મિથ્યા બોલવાની જરૂર જ ન પડે.’

સાધુના આશીર્વાદ મળ્યા. મહાત્માનું વચન કદી ખાલી નહિ જાય તેમ વિચારીને તેણે નવું સાહસ કરવાનું વિચાર્યું. 

ચોરે રાજમહેલના પટારામાંથી ધનભંડાર લૂંટી લેવાનું નક્કી કર્યું. ગાઢ રીતે ચોર ધીમે પગલે રાજનગરીમાં ગયો. મહેલના દરવાજા પાર કરીને અંત:પુરના શયનકક્ષામાં પહોંચ્યો. ત્યાં તે ચૂપચાપ ઊભો રહ્યો અને વિચારે છે કે કઈ રીતે કયા માર્ગે જઈને રાજપટારો તોડવો? 

અચાનક જોયું કે એક લાંબો માણસ બિલ્લી પગલે તેનાં તરફ આવે છે. ચોર સ્થિર ઊભો રહ્યો. તેને નાસવાનો કોઈ માર્ગ કે સમય જ ન રહ્યો. માણસ નજીક આવ્યો અને ગંભીર સ્વરે પૂછ્યું : ‘તું કોણ છે?’ 

ફૂસ ફૂસ કરતા તે માણસે બધી વાત કહી, તે ચોરે ધ્યાનથી સાંભળી અને રાજી પણ થઈ ગયો.

ત્યારબાદ તો શું? એક કલાકમાં જ કામ આટોપાઈ ગયું. હસતો હસતો ચોર બહાર આવ્યો અને તે માણસનો આભાર માન્યો તથા તેના હાથમાં એક રત્ન મૂક્યું. પરંતુ તે માણસ ખુશ થયો નહિ. તેણે પૂછ્યું, કેટલાં રત્ન હતાં? ચોરે કહ્યું : ત્રણ. પરંતુ ભાગ પાડવામાં અગવડ પડે તેથી ત્રણ રત્ન ન લીધાં, બે જ રત્ન લીધાં છે.’

આગંતુક બોલ્યો : એમ જ છે? હા, તું તો વળી સત્યવાદી ચોર છો. બરાબર છે. તારો વિશ્વાસ કરું છું. હવે તારું સરનામું મને કહે :

ચોર હવે થોડો ખચકાયો પરંતુ ઠેકાણું કહ્યું કેમકે મહાત્માના આશીર્વાદ છે. સરનામું કહેવામાં શું વાંધો છે? કોઈ તને કશું નુકસાન નહિ કરી શકે.

ઘરે પાછો ફરીને ચોર શાંતિથી સૂઈ ગયો. અચાનક હો હા સાંભળીને ઊંઘ ભાંગી, રાજમહેલના સિપાઈઓ તેને પકડીને લઈ ગયા. રાજાની આજ્ઞા છે!

રાજા, સભાસદગણ, મંત્રી બધા જ બેઠા છે. ત્યાં ચોરને હાજર કરવામાં આવ્યો. રાજાએ તેને જોઈને પ્રશ્ન કર્યો : તું કોણ છે?

‘હું ચોર છું.’ ચોરનો આવો જવાબ સાંભળી સભાજનો હસવા લાગ્યા. 

રાજાએ ફરી પૂછ્યું : ‘શું ચોરી કરી છે?’ 

‘મહારત્ન’.

સભા તો વિસ્મિત થઈ ગઈ. અરે! સર્વનાશ! રાજાએ ઉતાવળે મંત્રીને કહ્યું : મંત્રીમહોદય, આપ જલ્દીથી અંત:પુરમાં જોઈ આવો. બધાં જ રત્નો ચોરી ગયો છે કે નહિ?

મંત્રી હાફળાં ફાંફળા ચાલ્યા ગયા. વીલા મોંએ પાછા ફર્યા અને કહ્યું : ‘હા જી, બધાં જ રત્નો ચોરી ગયો છે એક પણ નથી.’

રાજા તો નવાઈ પામી ગયા. ચોર તરફ જોઈને બોલ્યા : ‘બોલ, તેં કેટલાં રત્નો લીધા છે?’

ચોરે કહ્યું : બે.

રાજાએ આજ્ઞા કરી કે રત્નો બહાર કાઢીને સામેના પાત્રમાં રાખ. ચોરે એક રત્ન મૂક્યું અને જોરથી બોલ્યો, બીજું એક રત્ન તેના ‘ચોર મિત્ર’ ને ભાગમાં આપ્યું. આ વખતે રાજાએ મંત્રી તરફ સહેતુક નજર કરી. 

મંત્રી અજાણતા ભયપૂર્વક માથું ખંજોરવા લાગ્યા. મૃદુ હાસ્ય કરતા રાજાએ પોતાના ખિસ્સામાંથી બીજું રત્ન બહાર કાઢ્યું. ત્યારબાદ મંત્રી તરફ જોઈને રાજાએ આજ્ઞા કરી : ખિસ્સામાંથી ત્રીજું રત્ન બહાર કાઢો.

કાંપતા હાથે મંત્રી મહોદયે ખિસ્સામાંથી ત્રીજું રત્ન બહાર કાઢ્યું અને શરમથી તેમનું માથું ઝુકી ગયું. રાજાનો ચહેરો ગંભીર! સભા પણ સ્તબ્ધ! 

રાજા ધીમે ધીમે બોલ્યા: હું જ ગઈકાલે રાત્રે છૂપાવેષમાં નગરનું પરીક્ષણ કરવા નીકળ્યો હતો. આ ચોરની બધી વાત હું જાણું છું, કારણ કે હું જ તેનો ‘ચોર મિત્ર’ છું. 

તે ખરેખર સત્યવાદી છે. જેના પર મારા સમસ્ત રાજ્યની દેખભાળનો ભાર સોંપ્યો છે તે વૃદ્ધ મંત્રી મહોદય રત્નનો મોહ ખાળી શકયા નહિ. તે વળી ત્રીજું રત્ન મેળવવાના લોભથી જૂઠું બોલે છે.

બધા એંકી અવાજે બોલ્યા : એવા મંત્રી અમારે નથી જોતા. તે ચોરને જ કોઈ જવાદારીવાળું કામ આપો.’

આ ચર્ચા ચાલતી હતી બરાબર એ જ વખતે સભામાં તે સાધુ મહાત્મા આવ્યા. તેમનું મુખ પ્રશાંત! ધીર, ગંભીર પગલાં. ચોર દોડીને તેમના પગમાં પડયો અને બોલ્યો : ‘મને ઘણું શીખવા મળ્યું. પ્રભુ! આપ મને આશ્રય આપો. ચોરવૃત્તિથી મુક્ત થઈને હવે હું સાધુવૃત્તિ ગ્રહણ કરીશ, આવા દ્વિમુખી સંસારમાં હવે મારે નથી રહેવું.’

સાધુની અમીદૃષ્ટિએ જાણે શત શત આશીર્વાદ ચોર પર વરસાવ્યા. ચોર પણ તેમની પાછળ પાછળ સભા છોડીને ચાલી નીકળ્યો. સદાને માટે ઘરસંસાર છોડીને નિત્ય સત્યની શોધમાં નીકળી પડયો. પારસમણિના સ્પર્શથી લોઢું સોનું થઈ ગયું!

Total Views: 13

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.