૧૬૫૯માં ૨૯ વર્ષના દૂબળા પાતળા શિવાજીએ અફઝલ ખાઁને મારી નાખ્યો હતો. અફઝલ ખાઁ સાથે ૪૦ હજારનું સુસજ્જ લશ્કર હતું. શિવાજી પાસે ૧૦-૧૨ હજાર મરાઠા અને માવળોની સેના હતી. એવી જ રીતે દેશદ્રોહી બાજીરાવ ઘોરપડેને એના કિલ્લામાં જઈને મારી નાખ્યો હતો. એમના નામથી બીજાપુર અને દિલ્હીનું લશ્કર ડરતું હતું.

બીજાપુરનાં રાજમાતાએ પોતાના સરદારોને એકઠા કરીને ઘણું સંભળાવ્યું. છેવટે એમનો મુખ્ય સરકાર સિદ્દી જૌહર શિવાજીને જીવતા કે મરેલા પકડી લાવવા માટે ૩૦ હજારનું લશ્કર લઈને પનહાલ ગઢ કિલ્લા તરફ નીકળી પડ્યો. ચારે બાજુએથી કિલ્લાને ઘેરી લીધો. સલ્તનતનો આ સૌથી મોટો કિલ્લો હતો.

ઔરંગઝેબ પહેલેથી જ હળબડાઈ ગયો હતો. સારો મોકો જાણીને એણે પોતાના મામા અને મુખ્ય સેનાપતિ જેવા શાઈસ્તા ખાઁને એક લાખના લશ્કર સાથે શિવાજીને પકડવા મોકલી દીધા. એમની ૨૦ હજારની ફોજે ચાકણના કિલ્લાને ઘેરી લીધો અને ૮૦ હજારના લશ્કર સાથે તેમણે પોતે શિવાજીના પૂનાના લાલ મહેલમાં જઈને આક્રમણ કર્યું. હંમેશાંની જેમ ધર્મદ્રોહી અને દેશદ્રોહી કેટલાક રજપૂત રાજાઓની અને કેટલાક મરાઠા સરદારોની ફોજ પણ એમની સાથે હતી. આ રીતે શિવાજી મહારાજને ચારે તરફથી ઘેરો ઘાલ્યો; પણ એમણે ધીરજ ધરી રાખી અને હિંમત ન હાર્યા.

જ્યારે ચાર મહિના પનહાલ ગઢમાં ઘેરો ઘાલ્યાને વીતી ગયા અને ચાકણના કિલ્લાની હાર અને પૂનાના સમાચાર મળ્યા ત્યારે એમણે વિચાર્યું કે હવે ગમે તે થાય પણ મારે અહીંથી નીકળવું પડશે. પણ આટલા મજબૂત ઘેરાને તોડીને જવું પણ કેમ? એ મોટો પ્રશ્ન હતો.

જુલાઈ ૧૬૬૦ની એક ઘનઘોર વર્ષાવાળી રાત, મહારાજ શિવાજી કેવળ છસ્સો સૈનિકો સાથે કિલ્લાના ગુપ્ત દ્વારેથી ૫૦ માઈલ દૂર આવેલ વિશાળ ગઢના કિલ્લામાં જવા નીકળી પડ્યા. એક તો અંધારી રાત. જાળી ઝાંખરાંવાળો રસ્તો અને એમાં વળી હરપળે દુશ્મનોનો હુમલો થવાનો ભય. આમ છતાં પણ જ્યાં સુધી એમણે વિશાળ ગઢ સુધી પહોંચીને તોપના ધડાકાનો અવાજ ન કર્યો ત્યાં સુધી સેનાપતિ બાજીપ્રભુએ પોતાના નાના લશ્કર સાથે સિદ્દીની ફોજને તો રોકી રાખી. આ બધા મરાઠા વીર પોતાનાથી દસગણા દુશ્મનોને મારીને પોતે લડતાં લડતાં મરાયા. આવું ઉદાહરણ કેવળ ચિત્તોડના સિસોદિયાનું જ ઇતિહાસમાં જોવા મળે છે. વિશાળ ગઢ પહોંચીને પણ શિવાજીના મનને શાંતિ ન હતી. એમના મનમાં પૂનાના લાલમહેલમાં મોગલ સેનાપતિનું રહેવું અને ત્યાં ગૌવધ અને સામાન્ય પ્રજાજનોની વહુદીકરીઓ પરના અત્યાચારના સમાચાર સાંભળ્યા અને એમની ચિંતા વધી ગઈ.

લોકો ત્રાહિ ત્રાહિ પોકારી રહ્યા હતા, મરાઠા સૈનિક હતોત્સાહ થઈને રાયગઢ, વિશાળગઢ અને પ્રતાપગઢના કિલ્લામાં બેઠા હતા. ક્યારેક ક્યારેક એ કિલ્લામાંથી બહાર નીકળીને મોગલોના કે બીજાપુરનાં બીજાં ગામોને લૂંટી લેતા. શિવાજીએ પોતાના મુખ્ય સરદારોને મંત્રણા કરવા રાયગઢ બોલાવ્યા. મોરોપંત પિંગળે, ચિમણાજી જેધે વગેરે બધા ગમગીન થઈને બેઠા હતા. આ દુષ્ટ દૈત્ય જેવા શાઈસ્તા ખાઁને લાલમહેલમાંથી કેવી રીતે ભગાડવો એ વાત કોઈને સમજાતી ન હતી.

મહારાજાએ કહ્યું કે આપણા આ નાના મોટા હુમલાઓથી મોગલ સેનાનું કંઈ બગડી જવાનું નથી. જો કે શાઈસ્તા ખાઁ એક નંબરનો ઐયાશ અને શરાબી છે, આમ છતાં પણ એમની સાથે બહાદુર પઠાણ અને સૈયદ પણ છે, દેશદ્રોહી રજપૂતોનું લશ્કર પણ સારી માત્રામાં છે. એના સિવાય ગાયકવાડ, કોકાટ અને જાદવરાવનું મરાઠા લશ્કર પણ હતું. કંઈક એવો ઉપાય કરવો જોઈએ કે જેનાથી એ ડરી જાય અને પૂના છોડીને ભાગતો થઈ જાય.

મહારાજાએ એક યોજના રજૂ કરી. મરાઠા સરદારોએ એના પક્ષમાં અને વિપક્ષમાં પોતપોતાના અભિપ્રાય વ્યક્ત કર્યા. શિવાજીને ત્યાં આ વાતની સ્વતંત્રતા હતી. છેવટે યોજના અત્યંત જોખમ ભરેલી હતી એટલે શિવાજીનો નિર્ણય જ બહાલ થયો અને હવે પછીની તૈયારીઓ થવા લાગી. સને ૧૬૬૨ની ચૈત્ર સુદી નોમ, ભગવાન રામનો પવિત્ર જન્મદિવસ. શિવાજી મહારાજે મા જિજાબાઈને બધી વાત કરી. તેઓ ઘણાં બહાદુર અને સૂઝબૂઝવાળાં હતાં. શિવાજીની ક્ષમતા અને હિંમત વિશે પણ તેઓ પૂરેપૂરાં માહિતગાર હતાં. આમ છતાં પણ શિવાજીએ એક લાખ મોગલ લશ્કરના ઘેરામાં જઈને શાઈસ્તા ખાઁને મારીને પાછા સહી સલામત ચાલ્યા આવવું એ અસંભવ જેવું લાગતું હતું.

પરંતુ એમણે ત્રણ વર્ષ પહેલાં દૈત્ય જેવા અફઝલ ખાઁની પાસે પોતાના પનોતા પુત્ર શિવાજીને મોકલીને આનાથી પણ મોટું જોખમ ખેડ્યું હતું. ભારે હૃદયે પુત્રને ભેટ્યાં અને દુર્ગમ પથ પર એમને મોકલી દીધા. શિવાજી સાથે કેવળ ૪૦૦ સૈનિક હતા. એક લાખની સરખામણીમાં તેઓ ૪૦૦ સૈનિક એ ઇતિહાસમાંનું એક માત્ર ઉદાહરણ છે. એ દિવસો રમઝાન મહિનાના હતા. મોગલ સૈનિકો પેટ ભરીને ખાઈ ખાઈને, શરાબ પીને સૂવાની તૈયારીમાં હતા. મોટા ભાગના તો સૂઈ ગયા હતા. એવામાં શિવાજી પોતાના ૪૦૦ સૈનિકો સાથે બેઘડક મોગલ શિબિરમાંથી પસાર થઈને લાલ મહેલ તરફ આગળ વધ્યા. ચોકીદારોએ પૂછપરછ કરી તો એવા મક્કમ અવાજે અને વિશ્વાસપૂર્વક ઉત્તર આપ્યો કે અમે તો બહારના પહેરા પરથી અહીં આવીએ છીએ. તમે બધાએ તો પ્રેમથી રોજા ખોલી નાખ્યા, પણ અમે તો અત્યાર સુધી સાવ ભૂખ્યા છીએ. મોગલ લશ્કરને આ અસંભવ વાત પર એવો વિશ્વાસેય કેમ કરીને આવે કે આવા ૪૦૦ વ્યક્તિ આ લાલ મહેલ પર હુમલો કરવા જઈ રહ્યા છે.

મુખ્ય સેનાપતિ અને ઔરંગઝેબનો મામો શાઈસ્તા ખાઁ પોતાના ખંડમાં દારૂ ઢીચીને આરામથી સૂતો હતો. એટલામાં શિવાજી બારી તોડીને અંદર પ્રવેશ્યા. કેટલાક પહેરેદારોને શિવાજીની સાથે રહેલા મવાળ સૌનિકોએ મોતનાં દર્શન કરાવી દીધાં. સતત આવતા ઘોંઘાટભર્યા અવાજથી શાઈસ્તા ખાઁની ઊંઘ ઊડી ગઈ. હજી પૂરેપૂરા હોશમાં આવ્યો ન હતો ત્યાં તો તલવાર લઈને શિવાજી દેખાયા. પરંતુ એનું નસીબ સારું હતું કે બેગમે એ જ વખતે દીવો ઓલવી નાખ્યો અને શાઈસ્તા ખાઁ પાછળની બારીએથી નીચે કૂદી ગયો. એની ત્રણ આંગળીઓ મહારાજની તલવારથી કપાઈ ગઈ અને લાલ મહેલ ખરેખર શાઈસ્તા ખાઁના લોહીથી લાલ-લાલ થઈ ગયો.

આમ ખાઁ તો બચી ગયો. શિવાજીએ વિચાર્યું કે હવે અહીં રહેવું એ મોતને બોલાવવા જેવું છે. તેના સૈનિકો પણ ‘મરાઠા આવ્યા’, ‘મવાળા આવ્યા’ એમ બરાડા પાડતા મુખ્ય દરવાજે પહોંચી ગયા. અહીં જ મહારાજ માટે મોરોપંત અને નેતાજી ઘોડો લઈને તૈયાર ઊભા હતા. તેઓ તરત જ રાયગઢ જવા રવાના થઈ ગયા. મોગલ સૈનિકો તો હેબતાઈ ગયા અને કહેવા લાગ્યા: ‘ખરેખર, આ કમબખ્ત શિવાજીએ કોઈ જિનાથને વશમાં કરી છે. નહિ તો આટલા મોટા પહેરા વચ્ચે ખાઁની આંગળીઓ કાપીને પાછો કેમ નીકળી શકે?’ આ બાજુ ખાઁ ઘાયલ થયો અને ગાળો બોલવા લાગ્યો. બે વાગે રાતના મોટા ભાગના સૈનિકો શિવાજીને પકડવા નીકળી પડ્યા.

પરંતુ તેઓ તો પહેલેથી જ પોતાની યોજના બરાબર તૈયાર કરીને આવ્યા હતા. ઘણા બળદને ત્યાં એકઠા કરી રાખ્યા હતા. એમના શિંગળે કપડું લપેટીને એને તેલમાં પલાળીને આગ લગાડી દીધી. બળદ તો જોરથી આમતેમ ભાગવા લાગ્યા. મોગલ સૈનિકો અંધારી રાતે મશાલોની રોશની જોઈને એવું સમજ્યા કે મરાઠાઓ ભાગી રહ્યા છે. એમણે ઝડપથી એનો પીછો કર્યો. સવારના ભડભાંખડામાં જોયું તો મરાઠા સૈનિકોની જગ્યાએ બળદ અને ભેંસો હતી. તે શરમાઈને પાછા ફર્યા. આ બાજુએ મહારાજે રાયગઢ પહોંચીને માતાજીનાં ચરણનો સ્પર્શ કર્યો. કહેવા લાગ્યા: ‘મા, આપની દયાથી આજે અમે બધા સહી સલામત પાછા આવી ગયા છીએ. આપે તો ભગવાન રામચંદ્રના જન્મનું વ્રત રાખ્યું છે, પણ મને બહુ ભૂખ લાગી છે. મા, મને તમારા હાથનો પ્રસાદ આપો.’

જિજાબાઈ શિવાજીને એક નાના બાળકની જેમ પાસે બેસાડીને જમાડતાં હતાં અને લાલ મહેલની એ ઘટના સાંભળીને હસતાં પણ હતાં. શિવાજી મહારાજની વીરતાની વાત સાંભળીને મોગલ સૈનિકોએ જેમની સતામણી કરી હતી એવા લોકોમાં પણ આત્મવિશ્વાસ જાગ્યો. પોતાનો કોઈ એક રક્ષક જન્મી ચૂક્યો છે એ વાતથી તેઓ રાજી રાજી હતા.

અફઝલ ખાઁ અને સિદ્દી જૌહર કરતાં પણ લાલ મહેલનું આ આક્રમણ અને આ અજબની ઘટના વધારે મહત્ત્વનાં હતાં. શાઈસ્તા ખાઁ હિંમત હારી ગયો. પૂના કે મહારાષ્ટ્રમાં રહેવામાં હવે એને પોતાના જીવનું જોખમ લાગવા માંડ્યું. થોડા દિવસોમાં જ તે પૂના છોડીને આગ્રા ચાલ્યો ગયો.

Total Views: 11

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.