ઘણી સુપ્રસિદ્ધ વ્યક્તિઓ વિશે જાતજાતની દંતકથાઓ વહેતી હોય છે. સંત કબીરને કોઈ હિંદુ ગણે છે તો વળી કેટલાક મુસલમાન પણ ગણે છે. આવી જ રીતે સંગીત સમ્રાટ તાનસેનને કેટલાક લોકો મુસલમાન હોવાનું કહે છે. પરંતુ ઇતિહાસનું અનુશીલન કરવાથી તેઓ નાગર બ્રાહ્મણ હતા એવું તથ્ય પ્રકાશમાં આવ્યું છે. એમના પૂર્વજ ગુજરાતમાંથી બેહટ (ગ્વાલિયર) તરફ જઈને વસ્યા હતા.

તેઓ અકબરના નવ રત્નોમાંના એક હતા. અકબર એમને પ્રેમથી મીયાઁ તાનસેન કહેતા. કદાચ આ મીયાઁ શબ્દને કારણે જ પંડિત તાનસેન વિશે ભ્રમની વાતો વધતી ગઈ. તેઓ અદ્ભુત પ્રતિભાસંપન્ન હતા. એમનો સ્વર મધુર હતો અને હૃદય રસપૂર્ણ હતું. નાગરકુળમાં જન્મ્યા હતા એને લીધે સાત્ત્વિકતાના સંસ્કાર એમનામાં જન્મજાત હતા. ઘરમાં ભક્તિભાવ, ભજન અને કીર્તન વગેરેનું વાતાવરણ હોવાને લીધે એમની પ્રતિભાને મુખરિત થવાનો અવસર મળી ગયો. પિતાની સૂચના પ્રમાણે તેઓ વૃંદાવન ધામ ગયા અને ત્યાં સ્વામી હરિદાસ પાસે રહીને સંગીતની સાધના કરી. એમના આશીર્વાદથી તાનસેને દીપક રાગના સ્વરોના સાચા અનુસંધાનનું જ્ઞાન અને અનુભવ પણ મેળવ્યાં.

સંગીતમાં પોતે નિષ્ણાત હતા. એટલે બાંધવગઢના નરેશ રાજા રામચંદ્રે એમને પોતાના દરબારમાં બોલાવી લીધા. એ વખતે એમણે ભિન્ન ભિન્ન રાગરાગિણીઓની કવિતાની રચના પણ કરી હતી. કબીર, સૂર, તુલસીનાં ભજનોની જેમ એમની રચનાઓ પણ શાસ્ત્રીય સંગીતના ક્ષેત્રમાં ઘર, મંદિર અને રાજદરબાર સુધી પ્રસિદ્ધિ પામવા લાગી.

સમ્રાટ અકબરે તાનસેન વિશે સાંભળ્યું હતું… શહેનશાહે જ્યારે દીપક રાગની ખૂબીઓ વિશે જાણ્યું ત્યારે તાનસેનને પોતાના દરબારમાં બોલાવવા અને કાયમને માટે રાખવા આતુર બની ગયા. એમણે સેનાપતિ મિરઝા અઝીઝને બાંધવગઢ મોકલીને તાનસેનને આગ્રા બોલાવી લીધા. એના બદલામાં રાજા રામચંદ્રને ત્યાંની સુબાગીરી અને કેટલીક સ્થાવર મિલકતો ભેટ આપી.

તાનસેન હવે આગ્રામાં રહેવા લાગ્યા. બાદશાહની સાથે શિકાર કરવા કે હરવા-ફરવા જતા ત્યારે એમની ફરમાઈશ પ્રમાણે સંગીત સંભળાવતા. ધીમે ધીમે બંને એકબીજાની ઘણી નજીક આવી ગયા. એ દરમિયાન બાદશાહના દરબારીઓએ વિનંતી કરી કે એમને પણ તાનસેનનું સંગીત સાંભળવાનો અવસર મળે. એ માટે બાદશાહે હા પણ પાડી દીધી. દરબાર ખચાખચ ભર્યો હતો. કેટલાક લોકો તાનસેનની આ કળા અને સંગીતનું સૌંદર્ય ઊંડાણથી પારખવા ઇચ્છતા હતા. કેટલાક એવાય હતા કે એમના દોષ કાઢવામાં મશગૂલ હતા. અકબરે હસીને કહ્યું: ‘મીયાઁ આજે અમે ધ્રુપદ ગાયકી સાંભળવા ઇચ્છીએ છીએ.’

તાનસેને માથું નમાવ્યું અને સાજિંદોને સંકેત કર્યો. આ બધા સાજિંદોને તેઓ માંડવગઢથી સાથે લાવ્યા હતા. તાનપુરામાંથી વહેતા રાગમાં એમનો કંઠ-સ્વર મૃદંગના તાલે ગુંજવા લાગ્યો. બાદશાહ અને દરબારીઓ બધા તન્મય બની ગયા. લગભગ ત્રણ કલાક સુધી બાહ્ય ભાન ગુમાવીને એ મધુર સંગીત સાંભળી રહ્યા હતા. ગાયનની સમાપ્તિ થતા સમગ્ર દરબાર એક સ્વરે ગુંજી ઊઠ્યો: ‘વાહ, વાહ! અદ્ભુત!’ તાનસેનને દરબારનાં નવ રત્નોમાં સમાવી લીધા અને થોડી જાગીર પણ આપી. ચિત્તોડ પર વિજય મેળવી લીધો હતો. એનો જલસો મનાવી રહ્યા હતા. આમ છતાં પણ અકબરનું મન હલદીઘાટીમાં કરેલી ખૂનરેજીને કારણે બેચેન રહેતું હતું. એમની આંખો સામે ચિત્તોડની ચિતાઓના ધૂમાડાના અંબાર ઊઠતા હતા અને મનહૃદયમાં અંધારું-અંધારું થઈ ગયું હતું. એક ભયંકર એકાકીપણું! પોતાની પરેશાનીની વાત બીજા કોઈ પણ સાથે જાહેરમાં કરી પણ શકતા ન હતા. હસી મજાક, નાચગાન અને જનાનખાનાની ખૂબસૂરત બેગમો, અફીણ, શરાબ વગેરે બધું નાકામિયાબ નીવડ્યું. એકાએક એના મનમાં મિયાઁ તાનસેનનો ખ્યાલ આવ્યો. તેઓ જ આ ભયંકર અંધારાને હટાવી શકે છે. તરત જ એમણે તાનસેનને તેડાવ્યા.

સાંજ ઢળતી જતી હતી, બાદશાહ પોતાના ખાસ મહેલમાં તકિયાને આધારે બેઠા બેઠા ક્ષિતિજ પર વધતા જતા અંધારાને નિરખતા હતા. તાનસેન આવી પહોંચ્યા. બાદશાહે કહ્યું: ‘મિયાઁ તાનસેન, આજે મારી પરેશાનીનો કંઈ પાર નથી. આંખો સામે અને મનમાં જાણે કે અંધારું જ છવાઈ ગયું છે. મે એવું સાંભળ્યું છે કે દીપક રાગમાં અંધારાને દૂર કરવાની શક્તિ છે. અને તમે દીપક રાગ ગાઈ શકો છો. મને આ ગમગીન અંધારામાંથી બહાર કાઢવા દીપક રાગ સંભળાવો. આજે મેં એટલા માટે જ દીવાઓ પણ જલાવ્યા નથી. મીયાઁ તાનસેન દીપક રાગ ગાઓ, એવો ગાઓ કે જેથી આ દુ:ખ, આ ભયંકરતાનું છવાયેલું અંધારું દૂર દૂર ચાલ્યું જાય અને સમગ્ર જગત પ્રકાશથી ઉજ્જ્વળ બની જાય.’

તાનસેન સ્તબ્ધ થઈ ગયા. દીપક રાગ છેડવાનું પરિણામ કેટલું ભયંકર આવી શકે છે એનો વિચાર કરતાં એમનું મન કંપી ઊઠ્યું, પણ આ તો બાદશાહનો હુકમ! એને ટાળવો સંભવ ન હતો. મા સરસ્વતી અને ગુરુનું સ્મરણ કરીને સર્વ પ્રથમ વૈદિક મંત્રોના ઉચ્ચારણ સાથે અગ્નિનું આવાહ્ન કરીને દીપક રાગ ગાવાનો શરૂ કર્યો. 

નિસદિન સિલગત રહત મહાન અગ્નિ
ૐકાર પૃથિવી પાતાલ આકાશ તિનકે વસન
દરશન પ્રકાશ આધાર ।
સકલ જ્યોતિ અગ્નિ જ્વાલામય ૐકાર
તૂ વિચાર આગમ નિગમ
દૂરિ કરૌ સકલ અંધકાર ।
કહૈ મિયા તાનસેન સુન ગુની અકબર સાહિ
ધરનિ ઉદ્ધારકરન મંગલદીપ માન જ્ઞાન
બ્રહ્માવતાર શિવ ૐકાર ॥

મૃદંગના નિનાદ સાથે ૐકારની ધ્વનિ વારંવાર ગુંજી ઊઠ્યો. જાણે કે દિશાઓ પણ તરંગિત બની ગઈ! તાનસેન પોતે આંખો મીંચીને ૐકાર ધ્વનિ પર ઝૂમી ઊઠ્યા. એકાએક વીજળીનો ચમકારો અને બધા દીપક ઝળહળી ઊઠ્યા. આખો મહેલ પ્રકાશ-પ્રકાશમય! બાદશાહે કહ્યું: ‘મિયાઁ તાનસેન, મેં દીપક રાગની આ કરામત વિશે માત્ર સાંભળ્યું હતું. આજે હું નજરે જોઉં છું. શાંતિ અને સ્વસ્થતા બંને મળ્યાં. તમારી આ કળાની કીમત ચૂકવી ન શકાય! આમ છતાં પણ હું બે લાખ અશરફી (સોનાના સિક્કા) આપું છું.’

અનુકૂળ પરિસ્થિતિ ન હોય અને દીપક રાગ ગાવો પડે અને એનું જે થાય એ પરિણામ આવી ચૂક્યું. તાનસેનના આખા દેહમાં કાળી બળતરા ઊઠી. મેઘમલ્હાર રાગ જ દેહની આ બળતરાને દૂર કરી શકે તેમ હતો. પણ ગાયક પોતેે એ રાગ ગાઈને આ અગન દૂર કરી ન શકે. એ ગાયન તો એણે બીજાના કંઠેથી સાંભળવું પડે. તાનસેને પોતાની સમસ્યાની વાત બાદશાહને કરી અને બાદશાહનો આદેશ લઈને તેઓ સોમનાથ મહાદેવનાં દર્શન માટે સૌરાષ્ટ્ર જવા નીકળી પડ્યા.

રસ્તામાં વડનગરના શિવમંદિરમાં ઊતર્યા. પૂર્વજોની ભૂમિમાં આવીને તેમણે માનસિક શાંતિ અનુભવી. ભાદરવો વીતી રહ્યો હતો. વરસાદ વરસ્યો નથી. ધરતી ધખધખી રહી છે. વરસાદ વિના દુકાળે ત્રાહિમામ મચાવ્યો છે. પરંપરા પ્રમાણે બહેનો ભજન કીર્તન કરતી કરતી ભગવાન શિવ પાસે વરસાદ વરસાવવા પ્રાર્થના કરી રહી હતી. એકાએક તાનસેનને લાગ્યું કે એના દેહનો તાપ ધીમે ધીમે ઓછો થતો જાય છે, મેઘમલ્હાર રાગમાં એમણે પોતાની જ રચનાના શબ્દો સાંભળ્યા.

નાચતિ ચપલ ચંચલ ગતિ
ધ્વનિ મૃદંગ ધન ભેદત જાત,
કોકિલ અલાપત, પપૈપા આસ દેત
સુઘર સુર મોર ધ્યાવત
દાદુર તાર ધાર ધુનિ સુનિયતુ
રુનઝુન ધુનિ પર નાચત
તાનસેન પ્રભુ શિવ સોમનાથ
રસ પીયૂષ સરસાવત ॥

સ્વરોમાં અપૂર્વ માધુર્ય હતું. કાનમાં જાણે કે અમૃતરસ પડતો હતો. તાનસેનના શરીરની અગન દૂર થઈ ગઈ. વીણા, મૃદંગ અને સ્વરની દુનિયામાં તેઓ સર્વ કંઈ ભૂલી ગયા. થોડી જ વારમાં આકાશમાં વાદળ ઊમટી પડ્યાં. વરસાદની ઝડી વરસવા લાગી. તાનસેનનું તનમન ભીનું ભીનું થઈ ઊઠ્યું. વરસતા વરસાદથી સૂકાં તળાવ ભરાવાં લાગ્યાં. ધરતીની તરસ મટી અને સમગ્ર પ્રજાજનોમાં હર્ષોલ્લાસનું વાતાવરણ છવાઈ ગયું.

તાનસેને એ મંદિરમાં રાત વીતાવી. આટલા મજાના શુદ્ધ અને મધુર રૂપે મેઘમલ્હાર રાગ ગાનારી એ સ્ત્રીઓ કોણ હશે, એવો પ્રશ્ન તાનસેનના મનમાં વારંવાર ઊઠવા લાગ્યો. પુજારીને પૂછતાં જાણવા મળ્યું કે સ્થાનિક જમીનદાર નીલકંઠ રાયની એ બંને પુત્રવધૂઓ છે અને ભક્ત નરસિંહની પુત્રી નાની બાઈની દોહિત્રીઓ છે એમનાં નામ છે તાના અને રીરી.

વડનગરના શિવમંદિરમાં તાનસેન ઊતર્યા છે એ વાત વધુ વખત છાની ન રહી શકી. નીલકંઠ રાય પોતે જ એમને મળવા ગયા. પછીથી ખ્યાલ આવ્યો કે તાનસેન સંગીત પ્રેમી પણ છે અને એના ગુરુભાઈ પણ છે. ભજન-કીર્તનનું આયોજન થયું. તાનસેન એમાં રાજીખુશીથી સામેલ થયા. તાના-રીરીના ગીતગાન ઉપરાંત ભગવાન હાટકેશ્વર પર સ્વરચિત એક ભજન પણ સંભળાવ્યું. સાંભળીને લોકો ભાવવિભોર બની ગયા.

તાનસેન આગ્રા પાછા ફર્યા. વડનગરમાં બનેલી આ ઘટનાની વાત એમણે કોઈની સાથે ન કરી. એનું કારણ એ હતું કે તેઓ જાણતા હતા કે તાના-રીરીના સૌંદર્ય અને ગુણની વિશેષતાની વાતો કરવાથી આગ્રામાં કેવું પરિણામ આવી શકે. આમ છતાં પણ તેઓ આગ્રા પહોંચે એ પહેલા અકબરને પૂરેપૂરી માહિતી મળી ચૂકી હતી. નીલકંઠ રાયના દ્વેષીએ તાના-રીરીના સૌંદર્ય અને ગાયનકલાની વાતો વધારી વધારીને બાદશાહ પાસે લખીને મોકલી. અચાનક એક વરિષ્ઠ સરદારને વડનગર મોકલવામાં આવ્યો અને ગમે તેમ કરીને એ બંને બહેનોને દરબારમાં હાજર કરવાનો હુકમ થયો.

વડનગર પહોંચીને સરદારે નીલકંઠ રાયને બાદશાહનો હુકમ સંભળાવ્યો. ચારે તરફ હાહાકાર મચી ગયો. તાના અને રીરીએ પણ પરિસ્થિતિની ગંભીરતા સમજી લીધી. બાદશાહનો ઈરાદો કેવળ મેઘમલ્હાર સાંભળવાનો નહિ પણ બીજો કંઈક પણ છે ખરો. ગામના સમજુ, શાણા અને વડીલ લોકોએ સભા બોલાવી. અકબર સાથે ટકરાવું યોગ્ય ન લાગ્યું. બંને બહેનોને આગ્રા મોકલવામાં આવે અને આખા ગામને વિનાશમાંથી બચાવી લેવું. તાના અને રીરીએ પોતાનાં સાસરા અને દાદાને એટલો વિશ્વાસ અપાવ્યો કે એમને આગ્રા જવા દેવામાં આવે અને તેઓ કૂળની મર્યાદા કે પોતાના સતીત્વને અખંડ રાખશે. ભગવાન હાટકેશ્વર તેમની રક્ષા કરશે.

પસંદગીના દરબારીઓ અને નવરત્નોની સાથે દીવાને ખાસમાં તાના-રીરીના ગાનની મહેફિલની વ્યવસ્થા ગોઠવવામાં આવી. તાનસેનના વિશેષ આગ્રહ સાથે બંને બહેનો પર્દાની પાછળ બેગમ અને શાહજાદીઓની વચ્ચે બેઠી. બાદશાહે મેઘમલ્હાર ગાવાનું આહ્વાન કર્યું અને હસતાં હસતાં બોલ્યા: ‘આ કાર્તક મહિનામાં પણ વરસાદ વરસે છે કે નહિ એ અમે જોવા માગીએ છીએ.’ આ બાજુએ સાજિંદોએ સૂર સાધ્યા. આ બાજુએ પર્દાની પાછળથી ઉદાસીનતા સાથેની સ્વરલહેરી વહેવા લાગી. જાણે કે જીવનનો સમસ્ત રસ શતધારે વહીને ચારે દિશામાં ફેલાઈ રહ્યો છે. વરસાદ ક્યારે વરસવાનો શરૂ થયો એનો કોઈનેય ખ્યાલ ન આવ્યો. સ્વરલહરી હવે વહેતી બંધ થઈ. પર્દાની પાછળની જમીન પર પાણી વધવા લાગ્યું. બેગમ અને શાહજાદીઓ ઊઠીને પોતપોતાના મહેલોમાં જવા લાગી. એમણે જોયું તો લોહીના પ્રવાહમાં બંને બહેનો એકબીજાના હાથ પકડીને ચીરનિદ્રામાં શાંત ભાવે સૂતી હતી. એમના વક્ષસ્થળમાંથી લોહીની ધારા વહેતી હતી અને નજીકમાં જ બે કટાર પણ પડી હતી.

Total Views: 11

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.