રામકૃષ્ણ મિશન આશ્રમ, બેલગામમાં શ્રીરામકૃષ્ણદેવના વૈશ્વિક મંદિરમાં નવા ગોપુરમનું ઉદ્ઘાટન

શ્રીરામકૃષ્ણદેવના વૈશ્વિક મંદિરમાં નવા સભાખંડના ઉદ્ઘાટન પ્રસંગે ૪ થી ૭ ફેબ્રુઆરી સુધી વિશેષ પૂજા, રામકૃષ્ણ સંઘના સંન્યાસીઓ અને સુખ્યાત વિદ્વાનોનાં વ્યાખ્યાનો તેમજ સંન્યાસીઓ દ્વારા ભક્તિસંગીત અને ચારેય દિવસ વિવિધ કલાકારો દ્વારા ભજન સંધ્યાનું વિશેષ આયોજન થયું હતું.  આ પ્રસંગે રામકૃષ્ણ સંઘના ૨૦૦ જેટલા સંન્યાસીઓ અને ભક્તજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

૪ ફેબ્રુઆરીના રોજ રામકૃષ્ણ સંઘના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી સ્મરણાનંદજી મહારાજની ઉપસ્થિતિમાં ભૂતપૂર્વ ગૃહમંત્રીશ્રી એલ.કે. અડવાણીના વરદ હસ્તે નવનિર્મિત સભાગૃહનું ઉદ્ઘાટન થયું હતું. આ પ્રસંગે જનરલ સેક્રેટરી મહારાજ પણ ઉપસ્થિત હતા. આ નિમિત્તે યોજાયેલ સભાને શ્રી એલ. કે. અડવાણી, જનરલ સેક્રેટરી મહારાજ, શ્રીમત્ સ્વામી પ્રભાનંદજીએ સંબોધી હતી. સાંજના સંઘના સંન્યાસીઓ અને કલાકારો દ્વારા ભજન-સંગીત અને જાહેર સભાનું આયોજન થયું હતું. તેમાં સ્વામી ગૌતમાનંદજી, સ્વામી ગિરિશાનંદજી, સ્વામી આત્મપ્રિયાનંદજી, સ્વામી નિખિલેશ્વરાનંદજીએ સભાને સંબોધન કર્યું હતું. હરિપ્રસાદ ચોરસિયાનું બાંસુરીવાદન ૩૦૦૦ ભક્તજનો અને બેલગામના નાગરિકોએ માણ્યું હતું.

૫ ફેબ્રુઆરીએ વિશાળ પાયે સ્વામી બ્રહ્માનંદજી મહારાજની જયંતી ઉજવવામાં આવી હતી. આ પ્રસંગે સંઘના વરિષ્ઠ સંન્યાસીઓ ઉપસ્થિત હતા. સ્વામી સર્વગાનંદજીનાં ભજનો ભાવિકજનોએ માણ્યાં હતાં. તે જ દિવસે ૧૦.૩૦ વાગ્યે યોજાયેલ સભાને સ્વામી સ્મરણાનંદજી મહારાજ, સ્વામી હર્ષાનંદજી મહારાજ, સ્વામી પ્રભાનંદજી મહારાજે સંબોધી હતી. સાંજના કુમારી શક્તિપાટિલનાં ભજનસંગીતનો કાર્યક્રમ યોજાયો હતો. શ્રી સારદાદેવી આંધ્રવિકાસ કેન્દ્ર, શિમોગાનાં બાળકોએ સાંજના યક્ષગાન રજૂ કર્યું હતું. તે જ દિવસે યોજાયેલી સભાને સંઘના સંન્યાસીઓએ સંબોધી હતી. દિવસને અંતે શ્રીમતી અનુરાધા પૌડવાલના ભક્તિગીતોએ ૪૦૦૦ ભાવિકોને મુગ્ધ કરી દીધા હતા.

૬ ફેબ્રુઆરીએ કન્નડ ભક્તસંમેલનનું આયોજન થયું હતું. તેમાં સાધના અને ભક્તિ વિશે સંઘના વરિષ્ઠ સંન્યાસીઓએ માર્ગદર્શન આપ્યું હતું. રામકૃષ્ણ કથામૃત પર આધારિત એક ગીતિકા શ્રી સતિષ કસારવલ્લી અને શ્રી સુલીબેલે ચક્રવર્તીએ રજૂ કરી હતી. સુખ્યાત નાટ્ય અભિનેતા શ્રી શેખર સેને સ્વામી વિવેકાનંદના જીવન અને કવન વિશે એકપાત્રિય અભિયન રજૂ કરીને સૌને મુગ્ધ કરી દીધા હતા.

૭ ફેબ્રુઆરીએ આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. એ.પી.જે. અબ્દુલ કલામની નિશ્રામાં એક દિવસનું યુવ-સંમેલન યોજાયું હતું. ત્રણ સત્રના આ સેમિનારમાં એ.પી.જે. કલામ ઉપરાંત શ્રી વિજય મેનન, સ્વામી હર્ષાનંદજી વગેરેએ યુવાનોને સંબોધ્યા હતા. કાર્યક્રમને અંતે ‘જાગો ભારત’ નામનો દેશભક્તિનાં ગીતોનો કાર્યક્રમ સુલીબેલે ચક્રવર્તી અને એના સભ્યોએ રજૂ કર્યો હતો.

રામકૃષ્ણ આશ્રમ, છાપરા (બિહાર)

રામકૃષ્ણ આશ્રમ, છાપરા (બિહાર)માં નવા બંધાયેલ મંદિરનો ખંડ અને સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે બંધાયેલ સભાખંડ તેમજ સ્ટાફ ક્વાર્ટર્સ – સ્વામી રંગનાથાનંદ ભવનનું મંગલ ઉદ્ઘાટન રામકૃષ્ણ સંઘના જનરલ સેક્રેટરી શ્રીમત્ સ્વામી પ્રભાનંદજી મહારાજના વરદ હસ્તે થયું હતું. આ પ્રસંગે ચેન્નઈના શ્રીમત્ સ્વામી ગૌતમાનંદજી મહારાજ, બેલુર મઠના સ્વામી ગિરિશાનંદજી મહારાજ અને સ્વામી રઘુનાથાનંદજી મહારાજ, પટણાના તદ્ગતાનંદજી મહારાજ ઉપસ્થિત હતા. આ ઉદ્ઘાટન શ્રીમત્ સ્વામી અદ્ભુતાનંદજી મહારાજ (લાટુ મહારાજ)ની જન્મજયંતી પ્રસંગે યોજાયું હતું. ૧૮ થી ૨૦ ફેબ્રુઆરી એમ ત્રણ દિવસ જાહેર સભાનું આયોજન થયું હતું. આ સભાઓને રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસીઓ ઉપરાંત બિહારના ડી.આઈ.જી. શ્રી ડી.એન. ગૌતમ, શ્રી કેદારનાથ લાભ, પ્રો. રામુદેશ્વર શર્મા વગેરેએ સંબોધન કર્યાં હતાં. આ મહોત્સવમાં ભારતના રામકૃષ્ણ સંઘનાં વિવિધ કેન્દ્રોમાંથી ૧૦૦ જેટલા સાધુઓ ઉપસ્થિત હતા.

રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ મેમોરિયલ વડોદરા 

રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ મેમોરિયલ વડોદરા દ્વારા ૩૧ જાન્યુઆરી, ૨૦૧૧ના રોજ સ્વામી વિવેકાનંદ જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં શાળા કક્ષાએ એક લેખિત તત્કાલ પ્રશ્નોત્તરી સ્પર્ધાનું આયોજન થયું હતું. સમગ્ર ગુજરાતના બધા જિલ્લાઓમાંથી સર્વોત્કૃષ્ટ ક્રમે આવનાર વિદ્યાર્થીઓને ગુજરાત રાજ્યના સન્માનનીય રાજ્યપાલ શ્રીમતી કમલાજીના વરદ હસ્તે ૧૮ ફેબ્રુઆરી, ૨૦૧૧ના રોજ પારિતોષિકો અપાયાં હતાં. ૭૦૦ શાળામાંથી ૩૫૦૦૦ વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો.

ગુજરાત રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવપ્રચાર પરિષદ અધિવેશન

શ્રીરામકૃષ્ણ વિવેકાનંદ આરાધના કેન્દ્ર, સુરતના યજમાન પદે ભાવપ્રચાર પરિષદનું વાર્ષિક અધિવેશન સુરતના કામરેજ મુકામે શ્રી દાદા ભગવાન મંદિરે ૨૬ અને ૨૭ ફેબ્રુઆરીના રોજ યોજાયું હતું. ૧૫ કેન્દ્રોમાંથી ૬૮ પ્રતિનિધિઓ ઉપસ્થિત હતા. લીંબડીના સ્વામી આદિભવાનંદજી, રાજકોટના સ્વામી ધ્રુવેશાનંદજી, વડોદરાના સ્વામી નિખિલેશ્વરાનંદજી, પોરબંદરના સ્વામી અવ્યયાત્માનંદજી ઉપસ્થિત હતા. બેલૂર મઠના પ્રતિનિધિ રૂપે રામકૃષ્ણ આશ્રમ, નરોત્તમનગરના સ્વામી ઈશાત્માનંદજી હતા. સ્વાગત અને ગણેશ વંદના પછી ભાવપ્રચાર પરિષદની સમસ્યાઓ અને ઉપલબ્ધિઓનું વર્ણન થયું હતું. સમૃદ્ધિ હોલમાં શ્રીરામકૃષ્ણ વિવેકાનંદના આદર્શો અને આજના ભારતમાં તેની પ્રાસંગિકતા વિશે સંન્યાસીઓએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. શ્રી અજય ભટ્ટાચાર્યે અહીં રામકૃષ્ણ આશ્રમની સ્થાપનાની ઇચ્છા વ્યક્ત કરી હતી. સભામાં શ્રીરામકૃષ્ણ પરમહંસની ૧૭૫મી જન્મજયંતી અને સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી વિશે ચર્ચા થઈ હતી. હવે પછીના ત્રણ વર્ષના સંયુક્ત કન્વિનર તરીકે શ્રી બકુલેશભાઈ (ભૂજ), શ્રી ઉદયભાઈ વ્યાસ (ધરમપુર), અને શ્રી તડવી સાહેબ (અમદાવાદ) નિમાયા હતા.

શ્રીરામકૃષ્ણ આશ્રમની વિવિધ પ્રવૃત્તિઓ

રાજકોટ જિલ્લા જેલમાં સાક્ષરતા અભિયાન કાર્યક્રમ હેઠળ ૩ ફેબ્રુઆરીથી ૧૧ માર્ચ સુધી સાંજે એક કલાક કેદી ભાઈઓને માટે અભ્યાસ વર્ગોનું આયોજન થયું હતું. જેમાં ૨૧ જેટલા અભણ ભાઈઓએ શિક્ષાર્થી તરીકે લાભ મેળવ્યો હતો. સપ્તાહમાં એક દિવસ જિલ્લા જેલનાં ભાઈ-બહેનો માટે જીવનલક્ષી માર્ગદર્શન આપવામાં આવે છે.

૨૪ ફેબ્રુઆરીએ વિવેક હોલમાં સાંજના ૭.૩૦ વાગ્યે દિલ્હીના ગાયિકા ડો. સુભદ્રા દેસાઈના ભજનસંગીતનો કાર્યક્રમ ભાવિકોએ માણ્યો હતો.

૩ માર્ચ, ગુરુવારે મહાશિવરાત્રીના પર્વના ઉપલક્ષ્યમાં શ્રીરામકૃષ્ણ મંદિરમાં રાત્રે ૯ થી સવારના ૬ વાગ્યા સુધી ચાર પ્રહરની વિશેષ પૂજા, હવન, ભજનનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. પ્રથમ બે પ્રહરમાં શિવનૃત્યનું આયોજન થયું હતું.

ભગવાન શ્રીરામકૃષ્ણદેવની ૧૭૫મી પાવનકારી જન્મતિથિ ૬ માર્ચ, રવિવારના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમમાં ઉજવાઈ હતી. સવારના બહોળી સંખ્યાના ભક્તજનોની હાજરીમાં મંગલ આરતી, વેદપાઠ, ચંડીપાઠ, સ્તોત્રપાઠ, ધ્યાન, આશ્રમના પરિસરમાં વિશેષ શોભાયાત્રા, પુષ્પાંજલિ, હવનનું આયોજન થયું હતું. બપોરની ભોગ આરતી પછી ૨૫૦૦ જેટલા ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો. સાંજે શ્રીમંદિરમાં શ્રીરામકૃષ્ણનામ સંકીર્તનનું આયોજન થયું હતું. સાંજે ૭.૩૦ વાગ્યે મંદિર નીચેના હોલમાં રામકૃષ્ણ મિશન, નરોત્તમ નગરના સચિવ સ્વામી ઈશાત્માનંદજી મહારાજનું પ્રવચન યોજાયું હતું.

શ્રીરામકૃષ્ણ ભગવાનની ૧૭૫ની જન્મજયંતી નિમિત્તે પ્રસિદ્ધ ભજનીક શ્રી જયંતીભાઈ પટેલના સ્વરમાં ગવાયેલ શ્રીઠાકુર અને શ્રીમાનાં ભજનોની ઓડિયો સીડી સત્યયુગ શ્રીરામ મંદિર દ્વારા શ્રીઠાકુર અને શ્રીમાના ભક્તોને પ્રસાદી રૂપે આપવામાં આવી હતી.

૧૧ માર્ચે મંદિર નીચેના હોલમાં વ્યાખ્યાનકાર શ્રી નલીનભાઈ મહેતા, સંગીતકાર શ્રી જીતુભાઈ અંતાણી તથા વૃંદ દ્વારા રજૂ થયેલ લીલાગાન ભાવિકોએ માણ્યું હતું.

૧૨ માર્ચે વિવેક હોલમાં રાજકોટના ટીજીઈએસ વૃંદનો ભજન-સંધ્યાનો કાર્યક્રમ યોજાયો હતો. 

૧૩ માર્ચે સાંજે ૭.૩૦ વાગ્યે મંદિર નીચેના હોલમાં ભક્તજનોની ઉપસ્થિતિમાં ‘સર્વ ધર્મ સમન્વય’ વિશે લીંબડીના સ્વામી આદિભવાનંદજી મહારાજના અધ્યક્ષ સ્થાને એક જાહેર સભા યોજાઈ હતી. અદ્વૈત આશ્રમ, માયાવતીના સચિવ શ્રીમત્ સ્વામી બોધસારાનંદજીએ તથા રાજકોટના ડો. કવિતાબહેન સૂદે પોતાનું વિદ્વત્તાપૂર્ણ વક્તવ્ય આપ્યું હતું.

વિવેકાનંદ ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલયના ભવનનું ઉદ્ઘાટન, ધાણેટી 

ભૂજ તાલુકાના ધાણેટી ગામમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ તરફથી બાંધી આપવામાં આવેલ વિવેકાનંદ ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલયના ભવનનું ઉદ્ઘાટન રામકૃષ્ણ મઠ અને મિશનની સંવાહક સમિતિના સભ્ય ટ્રસ્ટી તથા અદ્વૈત આશ્રમ, માયાવતીના સચિવ શ્રીમત્ સ્વામી બોધસારાનંદજીએ તા. ૧૨મી માર્ચ, ૨૦૧૧ના રોજ કર્યું હતું. શિક્ષણના વિકાસ બદલ તેઓએ પ્રસન્નતા પ્રગટ કરી હતી. આ પ્રસંગે અતિથિપદેથી સા.શૈ.પ. વર્ગ કલ્યાણના રાજ્યમંત્રીશ્રી વાસણભાઈ આહિરે સાધનસંપન્ન લોકોને શિક્ષણના વિકાસ માટે આગળ આવવા અનુરોધ કર્યો હતો.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી ધ્રુવેશાનંદજીએ ગામ લોકોને બેતાલીસ વર્ષ પહેલાં તે વખતના શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ અને હાલના સમસ્ત રામકૃષ્ણ મઠ-મિશનના પરમાધ્યક્ષ પૂજ્ય શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજીએ કરેલ દુકાળ રાહત કાર્યના સમયથી સ્થપાયેલ સંબંધને ગ્રામજનોએ શિક્ષણના વિકાસ સાથે જાળવી રાખતાં આનંદ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે દાતાઓ સર્વશ્રી અંજારના શ્રી ભરતભાઈ શાહ, ઈફ્કોના જનરલ મેનેજર શ્રી મુરુગપ્પન દંપતિ, ગાંધીધામના વી. અનંતનાથન, રાજકોટના ડો. મનોરમાબહેન મહેતા, સુશિલ ટ્રસ્ટના મંત્રીશ્રી રમેશભાઈ સંઘવી, ધાણેટીના અગ્રણી તથા રામકૃષ્ણ સેવા સમિતિ, ધાણેટીના પ્રમુખ શ્રી રાણાભાઈ રવા ડાંગરના આર્થિક સૌજન્ય બદલ આભાર માનવામાં આવ્યો હતો. આશ્રમના વરિષ્ઠ સંન્યાસીઓ, કચ્છના પૂર્વ સાંસદ શ્રી પુષ્પદાનભાઈ ગઢવી, સૃજનના નિયામક શ્રી કાંતિસેનભાઈ શ્રોફ, રાજકોટ, ભૂજ, અંજાર આસપાસના વિસ્તારના ગામોના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમિતિના માનદમંત્રીશ્રી નારણભાઈ કારા ડાંગર, ગામના સરપંચ શ્રી માવજીભાઈ ડોસાણી, તમામ ટ્રસ્ટીઓ, ગ્રામજનો શાળા, પરિવાર સ્વાગત- સન્માનવિધિમાં ઉત્સાહભેર જોડાયા હતા.

રામકૃષ્ણ નગર, પારેવડા

પારેવડા ખાતે મદારી સમાજ માટે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ તથા સમાજ કલ્યાણ ખાતાના સહયોગથી બનેલ આ પ્રત્યેક મકાનની કિંમત રૂ. ૧.૨૫ લાખ છે. જેમાં મકાનના લાભાર્થીને રૂ. ૪૫૦૦૦ ની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે.

પારેવડામાં આજે મદારી સમાજમાં નવા આવાસોની કોલોનીમાં ખુશીનો માહોલ છવાયો હતો. આ ખુશીના ઉજાશ પાછળ મદારીના જૂના ફાટેલા તૂટેલા તંબૂ વેરવિખેર, તૂટીફૂટી ઘરવખરી ભૂતકાળ બની ધરબાઈ જતી હોવાનું ભાસતું હતું. રંગબેરંગી પાઘડીઓ અને એવાં જ પચરંગી વસ્ત્રોમાં આજના અવસરે સજ્જ એવા મદારી સમાજનાં ભાઈઓ-બહેનોને હર્ષોલ્લાસ વચ્ચે લોકાર્પણવિધિના અધ્યક્ષસ્થાનેથી બોલતા નાણામંત્રીએ કહ્યું કે જેમને આજે પાકાં મકાનો મળ્યાં છે તે મદારી સમાજના પરિવારના સૌ પુરુષો વ્યસન અને દુષણોથી દૂર રહે અને પોતાને આવડે છે એ કલાકારીગરી કે શ્રમ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા તરફ આગળ વધે એમાં જ આજના રામકૃષ્ણનગરની લોકાર્પણવિધિની સાર્થકતા છે.

આ પ્રસંગે શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનની સંવાહક સમિતિના સદસ્ય તેમજ અદ્વૈત આશ્રમ માયાવતીના અધ્યક્ષ સ્વામી બોધસારાનંદજી મહારાજે કહ્યું હતું કે તેમણે સ્વામી વિવેકાનંદજીના ઉપદેશ અનુસાર ભારત વર્ષને ઉજ્જવળ બનાવવું હશે તો ગરીબોનો ઉત્કર્ષ સાધવો જ પડશે. આથી આવી ઉદાત્ત ભાવનાથી સૌએ આવાં સેવાકાર્યોમાં જોડાવું જોઈએ. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી ધ્રુવેશાનંદજી મહારાજે કહ્યું હતું કે મદારી સમાજનાં પરિવારોનાં બાળકો શિક્ષણ મેળવી શકે તે માટે શાળા તેમજ મદારી સમાજના લોકો સ્વમાનભેર જીવી શકે તે માટેના પ્રશિક્ષણ વર્ગો મિશન દ્વારા અહીં શરૂ કરાશે.

રામકૃષ્ણ મિશન, લીંબડીના સચિવ સ્વામી આદિભવાનંદજીએ પોતાની ભાવવાહી ભાષામાં કહ્યું હતું કે સ્વામી વિવેકાનંદજીએ ‘આત્મનો મોક્ષાર્થં જગત હિતાય ચ’ અને ‘શિવજ્ઞાને જીવસેવા’ ના ચીંધેલ માર્ગે આ નિરાળુ સેવા કાર્ય  સાર્થક થયું છે. રામકૃષ્ણ નગર કોલોનીનાં મદારી ભાઈ-બહેનોને આ નગરની જાળવણી અને રક્ષણ કરી, બીજાઓ પાસેથી માગવાનું બંધ કરી આપવા સુધીનો વિકાસ કરવો જોઈએ; તથા દારૂ-જુગાર વગેરે જેવાં વ્યસનોથી દૂર રહી પોતાનાં બાળકોને શિક્ષિત કરવાની અપીલ કરી હતી.

મદારી સમાજના આગેવાન મંછીનાથ મદારીએ તેમના સમાજવતી રાજીપો વ્યક્ત કરતાં કહ્યું હતું કે અમે જિંદગીભર સાપ, વીંછી પકડ્યા. અમારું જીવન જનાવર જેવું જ હતું પરંતુ અમને મકાન મળતા હવે સાપ-વીંછી પકડવાનું બંધ કરીશું અને અમારાં સંતાનોને પણ સાપનાં પૂછડાં પકડવા નહિ પડે. અમે એને ભણાવશું-ગણાવશું. અમાર આગેવાન બાબાનાથે અમને કહેલું કે હવે રખડતું ભટકતું જીવન જીવવાનું નથી. તેથી અમે સરકાર પાસે જમીનની માગણી કરી હતી જેમાં ઘણો સંઘર્ષ કર્યો અને આજે અમને ઘરનું મકાન મળ્યું છે. રામકૃષ્ણ મિશને આખું નગર બનાવી દીધું તે બદલ સંતો પ્રત્યે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. અહીં જેમને મકાન મળ્યું છે તે કરશનનાથ સમજુનાથ નામના મદારીએ અહોભાવપૂર્વક જણાવ્યું કે જુગના જુગ વહી ગયા તો ય આવું જોયું નથી. અમારી જિંદગી રખડતી ભટકતી પસાર થઈ, ખૂબ હેરાન થયા છીએ. સાપનાં પૂછડાં પકડવામાં અમારી પેઢીઓ વહી ગઈ. પરંતુ આજે એ દિવસો પૂરા થાય છે. હવે તો અમારા છોકરાઓ પણ સાપનાં પૂછડાં પકડવા રાજી નથી. મદારીના ધંધામાં અમે માણસો ન હતા પરંતુ જાનવરો જેવું જીવન જીવતા હતા. હવે અમે બધા આ વસાહતમાં આવીને માણસો થઈ ગયા છીએ. તેમણે કહ્યું કે અમારાં બાળકોને ભણાવીશું અને જુવાનીયાઓ છૂટક મજૂરીકામ કરશે અને પૈસા કમાશે. સાપ-નોળિયા-વીંછી પકડવાનું બંધ કર્યું છે. અમીના નામની એક નવેક વર્ષની બાળકી તેની સમ ઉમ્ર સહેલીઓ સાથે નવી મદારી કોલોનીમાં આનંદની કિલકારીઓ સાથે ટહેલી રહી હતી. પોતાના ઘર પાસે જઈને તેણે કહ્યું કે હું અહીં રહીશ અને ભણીશ.

***

રામકૃષ્ણ મઠ, ત્રિશૂરમાં ૨ અને ૩ મે, ૨૦૧૧ ના રોજ રાષ્ટ્રિય કક્ષાએ શિક્ષકો માટે બે દિવસની વિશેષ શિબિરનું આયોજન થવાનું છે.

આ શિબિરમાં ચર્ચાનારા મુદ્દાઓ –

* આપણા વર્ગખંડમાં ભારતીય આધ્યાત્મિકતાને કેવી રીતે અપનાવવી.

* આપણા લોકશાહી સમાજમાં વિદ્યાર્થીને ઉત્પાદક અને ઉપયોગી સભ્ય કેવી રીતે બનાવવો.

* આપણા વિદ્યાર્થીઓમાંથી શ્રેષ્ઠતમ ગુણવત્તા કેમ બહાર લાવવી.

* આપણે વિદ્યાર્થીઓને પોતાને માન-આદર આપતા પોતાની કાળજી લેતા અને બીજાને પણ માન-સન્માન આપીને એમની ચિંતા સેવતા કેમ બનાવી શકીએ.

આ માટે સંપર્કસ્થાન : શ્રીરામકૃષ્ણ મઠ, ત્રિશૂર, ફોન.૦૪૮૭-૨૩૦૭૭૧૯, મો. ૯૪૪૬૨૮૩૭૦૩, E-mail: rkmtsr.ws@gmail.com, www.sriramakrishnamaththrissur.org

Total Views: 11

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.