મગધ નરેશ બિંબિસારના રાણી ક્ષેમા અત્યંત સુંદર હતા. પોતાના સૌંદર્યનું એને ઘણું મોટું ઘમંડ હતું. જાત જાતનાં આભૂષણો અને સૌંદર્યપ્રસાધનોથી પોતાના દેહને વધુ ને વધુ સુંદર રાખવાનો પ્રયત્ન કરતાં. મહારાજા એમને હંમેશા ધર્મકાર્ય કરવાની સલાહ આપતા રહેતા પણ રાણી એમના શબ્દોને કાને ન ધરતા.

એકવાર ભગવાન બુદ્ધ રાજગૃહ પધાર્યા હતા. મહારાજાએ રાણીને એમનાં દર્શન કરવા આવવા કહ્યું પણ રાણીએ ઈન્કાર કર્યો એટલે એમણે એક યુક્તિ રચી. બીજે દિવસે રાણીને સંદેશો મોકલ્યો કે તેઓ વેણી વન જઈ રહ્યા છે અને વનવિહાર માટે તેઓ રાણીની રાહ જોશે.

નોકરોની સાથે જ્યારે રાણી વનમાં આવ્યા. ત્યારે એને રાજા તો કયાંય ન દેખાણા. એને બદલે આંખો મીંચીને પદ્માસન વાળીને ધ્યાનસ્થ મુદ્રામાં ભગવાન બુદ્ધને જોયા. રાણીને નોકરો પર ગુસ્સો આવ્યો. અને  એને દંડની ઘોષણા પણ કરી દીધી. આ સાંભળીને ભગવાન બુદ્ધના ધ્યાનનો ભંગ થયો. એમણે શાંત અને સ્થિર સ્વરે મહારાણીને પૂછયું: ‘હે ભદ્ર નારી, અંત:પુર છોડીને એકાએક અહીં આવવાનું પ્રયોજન શું છે? શું રાજમહેલના આનંદપૂર્ણ વાતાવરણમાંથી તમે વૈરાગ્ય લઈ લીધો છે?’ ભગવાન બુદ્ધના આ શબ્દો સાંભળીને મહારાણીએ સંયમભર્યા સ્વરે જવાબ આપ્યો: ‘મહારાજ, ન તો મને વૈરાગ્ય થયો છે અને ન તો મને એવા વૈરાગ્યની કામના છે! હું તો મારા પોતાના વર્તમાન જીવનથી પૂરેપૂરી રાજી છું. મગધ નરેશ કયાં છે? એ આપ બતાવશો? હું એમની શોધમાં આવી છું.’

ભગવાન બુદ્ધના હોઠ પર સ્મિત તરી ઊઠયું. તેમણે કહ્યું: ‘મહારાણી! આ સ્થાન મહારાજાનું નથી. હા એ વાત સાચી કે તેઓ ધર્મચર્ચા સાંભળવા કયારેક કયારેક અહીં આવે છે. મહારાજા અહીં છે એવો તમને ભ્રમ થયો છે. આમ પણ હે ભદ્ર નારી, એ સ્વાભાવિક પણ છે કારણ કે તમે પણ અત્યારે કેટલાક ભ્રમને સત્ય માની બેઠાં છો. તમે એમ કહો છો કે તમે તમારા જીવનથી સંતુષ્ટ છો, પરંતુ ભોજન પછી થોડા સમય બાદ તમને વળી પાછું ભોજન કરવાનું મન થતું નથી, એ વિષે સાચેસાચું કહેજો. શું આનંદ પ્રમોદ પ્રત્યે તમારી તૃષ્ણા નિરંતર રહેતી નથી?’

મહારાણી આ શબ્દો સાંભળીને હસી પડયા અને ભગવાન બુદ્ધને કહ્યું: ‘મહાપુરુષ! તમે કેવી મનની બનાવેલી વાતો કહો છો? ભોજનની ઇચ્છા તો શરીરધારણ કરનાર માટે આવશ્યક છે જ. ભોજનનો ત્યાગ કરીને શરીરનું રક્ષણ કરવું કેવી રીતે સંભવ બને? આમોદ-પ્રમોદ પણ પેલા ભોજનની જેમ આવશ્યક છે. પ્રેમ મનનો સ્વભાવજન્ય ગુણ છે. કેલિકલરવ આમોદ-પ્રમોદ અને ભોગવિલાસમાં પરમ આનંદની પ્રાપ્તિ થાય છે. આ તો પ્રકૃતિનો નિયમ છે.’

ભગવાન બુદ્ધે કહ્યું: ‘પણ મહારાણી, શું આનંદ ક્ષણિક નથી?’

રાણી બોલ્યા: ‘હા, ક્ષણિક છે.’

ભગવાન બુદ્ધે કહ્યું: ‘શું આ રૂપ અને લાવણ્ય સ્થિર છે?’

રાણીએ કહ્યું: ‘ના, મહારાજ, એ સ્થિર નથી.’

ભગવાન બુદ્ધે કહ્યું: ‘શું આપણા દેહની અવસ્થા પરિવર્તનશીલ નથી?’

રાણીએ કહ્યું: ‘મહારાજ! દેહની અવસ્થા પરિવર્તનશીલ જ છે.’

ભગવાન બુદ્ધે કહ્યું: ‘હે મહારાણી! જો દુર્ભાગ્યવશ મહારાજાનું રાજ્ય ચાલ્યું જાય, દીનહીન થવાની સાથે એમનું તેજ એમની કાંતિ નાશ પામે… એમનો દેહ જર્જરિત થઈ જાય તો શું તમે એમના સંસર્ગથી આનંદ અનુભવી શકશો ખરાં?’

આ પ્રશ્ન સાંભળીને મહારાણી ક્ષેમા સ્તબ્ધ બનીને ઊભા રહ્યા. એમનાથી એનો પ્રત્યુત્તર ન વળ્યો. એટલે ભગવાન તથાગતે મહારાણીને વળી એક બીજો પ્રશ્ન પૂછયો.

‘સારું મહારાણી, અને સંજોગવશાત્ તમારાં રૂપ – લાવણ્ય નાશ પામે, મુખમાંથી દાંત પડી જાય, ભમરા જેવા કાળા વાળ શ્વેત થઈ જાય, મૃગ સમાન નયનો મંદજ્યોતિવાળા બની જાય તો શું મહારાજ તમારા પ્રત્યે આકર્ષાય ખરા? શું તેમને તમારો સંસર્ગ કરવાની ઇચ્છા થશે? કે શું તેઓ તમારા ત્યાગ કરી દેશે?’

રાણીએ આ બધું સાંભળ્યું. યૌવન નષ્ટ થતાં પતિ દ્વારા તજાયેલી કેટલીય સ્ત્રીઓની દુર્દશા એની નજર સમક્ષ આવવા લાગી. પોતાના કલ્પના ચક્ષુ સમક્ષ પોતે જ પોતાના ભયાવહ ભવિષ્યનું ચિત્ર જોવા લાગ્યાં. આ જોઈ તેઓ વિચલિત થઈ ગયાં. એમનો દેહ કંપવા લાગ્યો, પગ ધ્રૂજવા માંડયા અને જાણે કે સાનભાન પણ લુપ્ત થતાં હોય તેવું લાગ્યું. તેઓ બેભાન જેવાં થઈને જ્યાં ઊભા હતાં ત્યાં દીવાલની સહારે નીચે બેસી ગયાં.

એમની આ અવસ્થા જોઈને ભગવાન બુદ્ધે કહ્યું: ‘હે મગધેશ્વરી! તમારી આ ભયવિહ્વળ અવસ્થા જ તમારો અવાજ છે; એ અવસ્થામાં ચોક્કસ તમે મહારાજનો ત્યાગ કરવાનાં. મગધેશનો વિયોગ તો કયારેક ને કયારેક થવાનો જ છે. જીવન આવું જ છે એટલે મહારાણી, શું આ ક્ષણભંગુર આનંદ, આમોદ-પ્રમોદ અને પ્રેમકલરવમાં પોતાનું આ અમૂલ્ય જીવન વેડફી નાખવું એ મૂર્ખતા નથી? જો વિયોગ અવશ્ય થવાનો હોય તો એના ખોટા મોહમાં આ માનવજીવન વ્યર્થ વેડફી નાખવું ઉચિત ખરું?’

રાણી માટે ધૈર્ય ધારણ કરવું મુશ્કેલ બની ગયું. તેઓ ભગવાન બુદ્ધનાં ચરણોમાં ઝૂકી ગયાં અને વિનમ્ર્ર સ્વરે કહ્યું: ‘ભગવાન, આજે આપે મારા પર ઘણી મોટી કૃપા કરી મારા મોહને દૂર કર્યો છે. હું અત્યાર સુધી અંધારામાં ભટકતી હતી. હવે આપ મને શિષ્યા બનાવો અને મારું જીવન સાર્થક કરવાનો અવસર આપો.’

ભગવાને મધુરવાણીમાં કહ્યું: ‘હે ભદ્ર નારી! ભમ્ર્ર જાળમાંથી તમને મુક્ત થતા જોઈને હું રાજી થયો છું. જો તમે ખરેખર દીક્ષા લેવા ઇચ્છતા હો તો સર્વપ્રથમ મહારાજાની અનુમતિ પ્રાપ્ત કરીને આવો. જાઓ, મહારાણી! તમારું કલ્યાણ હજો!’

રાજમહેલમાં આવતા જ રાણીએ બધા આભૂષણો ફેંકી દીધાં અને સામાન્ય વસ્ત્ર ધારણ કરીને મહારાજનાં ચરણોમાં માથું રાખીને બોલ્યા: ‘મહારાજ! હું ભગવાન બુદ્ધના શરણે જવા ઇચ્છું છું, મને આજ્ઞા આપો!’

ચક્રવર્તી કોણ?

પુષ્ય નામના એક પ્રસિદ્ધ સામુદ્રિક શાસ્ત્રી હતા એમણે માર્ગ પર પડેલા પગલાંનાં નિશાન જોઈને કહ્યું: ‘આ ચરણ ચિહ્ન જે વ્યક્તિના છે તે કોઈ સાધારણ માનવ નથી. તે મહાન ચક્રવર્તી બનશે! આ શબ્દો પર લોકોને વિશ્વાસ ન થયો. ખુલ્લે રસ્તે ઉઘાડે પગે ભમનાર વ્યક્તિ કાંઈ ચક્રવર્તી થઈ શકે? લોકોના શબ્દો સાંભળીને પુષ્યે કહ્યું: ‘જો મારા શબ્દો ખોટા પડે તો આ સામુદ્રિક શાસ્ત્ર પણ ખોટું જ સાબિત થશે.’

સાચી વાત જાણવા માટે તે ચરણ ચિહ્નોની પાછળ પાછળ ચાલ્યો. થોડા જ સમયમાં એણે ધ્યાનમગ્ન એક સંન્યાસીને જોયા અને એ વ્યક્તિ બીજી કોઈ નહીં પણ ભગવાન મહાવીર હતા. જ્યારે તેઓ ધ્યાનાવસ્થામાંથી બહાર આવ્યા, ત્યારે  પુષ્યે પૂછયું: ‘મહારાજ! આપ એકલા જ છો?’ ભગવાને જવાબ આપ્યો: ‘ભાઈ! આ દુનિયામાં જે આવે છે તે એકલો જ આવે છે અને એકલો જ જાય છે. બીજો કોઈ એને સાથ દેતો નથી.’

પુષ્યે પૂછયું: ‘મહારાજ! હું તત્ત્વની વાત નથી કરતો. હું વ્યવહારની વાત કરું છું.’ આ શબ્દો સાંભળીને ભગવાને કહ્યું: ‘વ્યવહારની ભૂમિકાએ હું એકલો નથી.’

વળી પુષ્યે પૂછયું: ‘મહારાજ! તમે પરિવાર વિહોણા છો અને વળી એકલા કેમ નથી?’

ભગવાન મહાવીરે કહ્યું: ‘મારો પરિવાર મારી સાથે છે.’ એ સાંભળીને વળી પુષ્યે પૂછયું: ‘કયાં છે તમારો પરિવાર?’

આ શબ્દો સાંભળી ભગવાન મહાવીરે કહ્યું: ‘સંવર (નિર્વિકલ્પ ધ્યાન) મારા પિતા છે, અહિંસા મારી માતા છે, બ્રહ્મચર્ય મારો ભાઈ છે, અનાસક્તિ મારી બહેન છે, શાંતિ મારી પ્રિયા છે, વિવેક મારો પુત્ર છે. ક્ષમા મારી પુત્રી છે અને ઉપશમ મારું ઘર છે, સત્ય મારો મિત્રવર્ગ છે. આવો પૂરેપૂરો પરિવાર મારી સાથે નિરંતર ભ્રમણ કરી રહ્યો છે. હવે હું એકલો છું ખરો?’ આ શબ્દો સાંભળીને પુષ્યે કહ્યું: ‘હે મહારાજ! આપના દેહનાં લક્ષણ આપ ચક્રવર્તી બનશો એવું કહે છે અને આપની દિનચર્યા સાધારણ વ્યક્તિ હોવાનું કહે છે, એ જાણીને મને ઘણો આશ્ચર્ય થાય છે.’

ભગવાન મહાવીરે કહ્યું: ‘ભાઈ, એ તો કહો. ચક્રવર્તી કોણ બને છે?’

 પુષ્યે કહ્યું: ‘જેમની આગળ આગળ ચક્ર ચાલતું રહે તેને.

ભગવાન મહાવીરે કહ્યું: ‘ભાઈ! ચક્રવર્તી બનવાનું બીજું કોઈ લક્ષણ ખરું?’

પુષ્યે કહ્યું: ‘હે મહારાજ! જેમની પાસે બાર બાર યોજનમાં વિસ્તરેલું સૈન્ય હોય અને એને રક્ષણ આપનાર છત્રરત્ન હોય એને ચક્રવર્તી કહેવાય.’

વળી પાછું ભગવાન મહાવીરે પૂછયું: ‘ચક્રવર્તીનું બીજું કોઈ વધારાનું લક્ષણ ખરું?’

પુષ્યે કહ્યું: ‘મહારાજ! એમની પાસે ચર્મરત્ન હોય છે. એના દ્વારા વાવેલું બીજ સાંજે પાકી જાય છે. ભગવાન મહાવીરે કહ્યું: ‘તમે ઉપર, નીચે તીરછી નજરે ગમે ત્યાં જુઓ, ધર્મનું ચક્ર મારી આગળ આગળ ચાલે છે. આચાર મારું છત્ર રત્ન છે એમાં જે ક્ષણે બીજ વાવવામાં આવે છે, તે જ ક્ષણે તે પાકી જાય છે. શું હું ચક્રવર્તી નથી? શું તમારા સામુદ્રિક શાસ્ત્રમાં ધર્મના ચક્રવર્તીનું અસ્તિત્વ જ નથી?’

ભગવાન મહાવીરના આ શબ્દો સાંભળીને સામુદ્રિક શાસ્ત્રી પુષ્ય બોલી ઊઠયો: ‘મહારાજ! મારો સંદેહ દૂર થયો. હવે હું નિશ્ચિંત બની ગયો છું.’

Total Views: 17

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.