ધર્મરાજ યુધિષ્ઠિરે દ્રૌપદીના પગ દબાવ્યા છે, એ વાત જાણીને ભીમને ખૂબ દુ:ખ થયું. એણે વિચાર્યું કે હવે તો આ ઊલટી ગંગા વહે છે. વાસ્તવિક રીતે તો પત્નીએ પતિની સેવા કરવી જોઈએ. એને બદલે પતિ પત્નીની સેવા કરવા લાગ્યા છે. આ કામ યુધિષ્ઠિર જ કરી શકે. હું તો આવું ક્યારેય નહિ કરું. આ વાતનો ખ્યાલ કૃષ્ણને આવ્યો. ભીમની પાસે આવીને કહ્યું: ‘આજ રાતે સામેના વડના ઝાડ પર છુપાઈને બેસજે. જે કંઈ દેખાય એ છાનોમાનો જોજે. ડરતો નહિ.’ ભીમે કહ્યું: ‘અરે કૃષ્ણ! જેના નામથી કૌરવદળમાં ખળભળાટ મચી જાય એવા મહા પરાક્રમીને આવી ડરવાની વાત કરો છો!’ ભીમની આ સ્વપ્રશંસાભરી ઉક્તિ સાંભળીને શ્રીકૃષ્ણના મુખ પર હાસ્ય તરવરી ઊઠ્યું.

શ્રીકૃષ્ણના કહેવા પ્રમાણે ભીમ તો વડલા પર બેસી ગયો. દોઢેક પ્રહર પછી નવાં નવાં ચમત્કારી દૃશ્યો જોવા મળ્યાં. એક તેજસ્વી પુરુષ આવ્યો. એણે ભૂમિ સાફ કરી. પછી વરુણદેવે જળ છાંટ્યું. વિશ્વકર્માના ચાકરોએ મહામંડપ અને સિંહાસન રચી દીધાં. પછી તો એક એક કરીને દ્વારપાળ આવ્યા. શુક્ર, વામદેવ, વ્યાસ, નારદ, ઈંદ્રાદિ દેવો પણ પધાર્યા. તેઓ પોતપોતાના આસને બિરાજ્યા. એવામાં બીજા ચારેય પાંડવ આવતા જોયા. એમણે પણ પોતાનું આસન ગ્રહણ કર્યું. 

રાજસિંહાસન તો હજીયે ખાલી છે, એ જોઈને ભીમની નવાઈનો પાર ન રહ્યો. એટલામાં જ એક તેજસ્વી નારી આવતી દેખાઈ. એને જોતાંવેંત દેવતાઓ, ઋષિમુનિઓ એમને માન-આદર આપવા પોતપોતાના આસનેથી ઊભા થયા. આવનાર નારીના વાળ ખુલ્લા અને ભૂમિને સ્પર્શ કરતા હતા. હાથમાં ત્રિશૂલ, પરશુ, તલવાર, જેવાં શસ્ત્ર હતાં. શિર પર ભવ્ય મુકુટ શોભતો હતો. તેઓ સિંહાસન પર બેઠાં કે તરત ઉપસ્થિત સૌએ એમનો જયજયકાર કર્યો. ભીમે વિચાર્યું કે આ લાગે છે તો મહામાયા. પણ જરા બારીકાઈથી જોતાં એને સમજાયું કે આ નારી કોઈ બીજી નથી, પણ દ્રૌપદી જ છે.

દ્રૌપદીએ બધા દેવતાઓના કુશળ સમાચાર પૂછ્યા પછી યમને પૂછ્યું: ‘આજે કેટલા ઘડા ભરી લાવ્યા છો?’ યમે કહ્યું: ‘દેવી સાત ઘડામાં છ અસુરોનું લોહી ભર્યું છે અને સાતમો ખાલી છે.’ દ્રૌપદીએ પૂછ્યું: ‘કેમ, સાતમો ઘડો ન ભરાયો?’ યમે કહ્યું: ‘અત્યારે કૌરવ-પાંડવનું યુદ્ધ ચાલે છે. એટલે ભીમના લોહીથી એ ઘડો ભરાઈ જશે.’ દ્રૌપદીએ ફરી પ્રશ્ન પૂછ્યો: ‘એ ઘડો ભીમના લોહીથી કેમ ભરવો છે?’ યમે કહ્યું: ‘એનું કારણ એ છે કે એને પોતાની શક્તિનું ઘણું અભિમાન છે.’ એ સાંભળીને દ્રૌપદીએ કહ્યું: ‘તો એ ઘડો ભરવામાં વાર ન લગાડો. યુદ્ધ સુધી રાહ જોવાને બદલે એને અત્યારે જ ભરી લાવો.’ સાંભળીને યમે કહ્યું: ‘પણ ભીમ તો ક્યાંય દેખાતો નથી. ક્યાંક છુપાઈ ગયો લાગે છે.’ 

હવે ભીમ ભયથી કાંપવા લાગ્યો. શરીરે પરસેવો છૂટી ગયો. એણે વિચાર્યું કે પોતાને આ આપત્તિમાંથી દ્રૌપદી જ બચાવી શકે. એટલે એને શરણે જવું પડે. એણે તો વડલા પરથી માર્યો કૂદકો અને દ્રૌપદીનાં ચરણે પડ્યો. આ જોતાં જ શ્રીકૃષ્ણના શબ્દો સંભળાયા: ‘અરે ભીમ, આટલો બળવાન, પરાક્રમી હોવા છતાં તું તારી પત્નીનાં ચરણ પકડે છે!’ એ સાંભળીને ભીમે ઉત્તર દીધો: ‘હે કૃષ્ણ! દ્રૌપદી સામાન્ય સ્ત્રી નથી પરંતુ સાક્ષાત્ મહામાયા છે.’ 

આ સાંભળીને કૃષ્ણ તો ખડખડાટ હસી પડ્યા. ભીમની સામેનું દૃશ્ય તો અદૃશ્ય થઈ ગયું. ત્યાં સિંહાસન પણ ન હતું, દ્રૌપદી પણ ન હતાં, ન હતા દેવતાઓ કે મુનિઓ! એની સામે કેવળ ભગવાન શ્રીકૃષ્ણ ઊભા ઊભા હસતા હતા.

Total Views: 15

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.