એકવાર ભગવાન મહાવીરે સકડાલપુત્ર (કુંભાર)ને કહ્યું, ‘મનુષ્યનું ઉત્થાન પુરુષાર્થ તેમજ પરાક્રમથી સિદ્ધ થાય છે.’ પરંતુ સકડાલપુત્રે આ કથન સાથે પોતાની અસહમતિ વ્યક્ત કરતાં કહ્યું, ‘વાસ્તવમાં ઉત્થાન વગેરે જે સમયે સિદ્ધ થવાના હોય, ત્યારે જ સિદ્ધ થાય છે. જે થવાનું હોય છે તે જ થાય છે, એના પર પુરુષાર્થ કે બળ કે પરાક્રમનો કોઈ પ્રભાવ પડતો નથી.’ એ સાંભળીને ભગવાન મહાવીરે માટીનાં વાસણો તરફ ઇશારો કરીને સકડાલપુત્રને આવો પ્રશ્ન પૂછ્યો, ‘આ બધાં માટીનાં વાસણ કેવી રીતે બન્યાં છે ?’

સકડાલપુત્રે એ માટીનાં વાસણોને બનાવવાનો ક્રમ બતાવતાં વાસણની કૃતિ પણ બતાવી દીધી. એ જોઈને ભગવાન મહાવીરે કહ્યું, ‘આ બધાં વાસણ ઉત્થાન દ્વારા જ બન્યાં છે કે નહીં ?’ પરંતુ સકડાલપુત્રે ફરીથી પોતાની અસહમતિ પ્રગટ કરીને કહ્યું કે મહારાજ, જે થવાનું હોય એ જ થાય છે. એટલે ભગવાન મહાવીરે ફરીથી પ્રશ્ન પૂછ્યો, ‘તમારાં આ બધાં વાસણ પર કોઈ લાકડી ફટકારે તો તમે શું કરશો ?’

સકડાલપુત્રે જવાબ દીધો, ‘મહારાજ, કોઈ એવું કરે તો તો હું એના હાથપગ જ ભાંગી નાખું.’ એટલે મહાવીરે કહ્યું, ‘તમે આવું કરનારના હાથપગ શા માટે ભાંગી નાખશો ? તમારે તો એવું જ માની લેવું જોઈએ કે જે થવાનું હોય એ થઈ ગયું. એટલે લાકડીના સંયોગથી આ વાસણ તૂટી ગયાં ?’

મહાવીરની આ વાણી સાંભળીને સકડાલપુત્ર વિચારના ચકરાવે ચડી ગયો. કંઈ બોલ્યો નહીં. એટલે ભગવાન મહાવીરે બીજું ઉદાહરણ આપીને કહ્યું, ‘હે સકડાલપુત્ર, તમે એવી કલ્પના કરો કે તમારાં ધર્મપત્ની સાજશણગાર કરીને બહાર નીકળ્યાં છે અને કોઈ અજાણ્યો પુરુષ એમને જોઈને એમના પર બળાત્કાર કરવાનું ઇચ્છે તો તમે શું કરશો ?’

સકડાલપુત્ર તો આ વાત સાંભળીને આવેશમાં આવી જઈને બોલી ઊઠ્યો, ‘મહારાજ, કોઈ પુરુષ આવું નરાધમ કાર્ય કરે તો હું એ દુષ્ટ પુરુષનાં નાકકાન કાપી નાખું. એટલું જ નહીં પણ મારાથી બને તો એને પ્રાણદંડ અપાવવાનો પ્રયત્ન કરું !’

સકડાલની આ આક્રોશભરી વાણી સાંભળીને ભગવાન મહાવીરે સ્વસ્થતા અને શાંતિથી કહ્યું, ‘શું તમે આવી ઘટનાને ‘થવાનું હોય તે થાય જ છે’ એમ માની લેશો ? તમારો મત અને અભિપ્રાય તો એમ જ કહે છે.’

મહાવીરની આ વાણી સાંભળીને પેલા કુંભારને પુરુષાર્થનો મહિમા પૂરેપૂરો સમજાઈ ગયો. મહાવીરે પણ પ્રસન્ન થઈને તેને શ્રાવક બનાવ્યો અને જગત સમક્ષ આદર્શ ઉપસ્થિત કરવા ઉપદેશ પણ આપ્યો.

સ્વામી વિવેકાનંદે કહ્યું છે, ‘ પોતાને યોગ્ય ન હોય તે સ્થાન માણસ લાંબો સમય સંતોષકારક રીતે સાચવી શક્તો નથી. પ્રકૃતિની વ્યવસ્થા વિશે બબડાટ કરવાનો કશો અર્થ નથી. કોઈ માણસ હલકું મનાતું કાર્ય કરે તેથી તે માણસ હલકો બનતો નથી. કેવળ કામ ઉપરથી માણસ વિશે અભિપ્રાય બાંધવાનો નથી; પણ જે રીતે અને જે નિષ્ઠાથી એ કર્તવ્યો બજાવવામાં આવે તે પરથી માણસની કિંમત આંકવી જોઈએ.’ (સ્વા.વિ.અભયવાણી, પૃ.૩૯)

 

Total Views: 364

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.