(મહાપુરુષના જીવનમાં ઘટેલી કેટલીક મહત્ત્વની ઘટનાઓને ધ્યાનમાં લઈને ‘પ્રેરક પ્રસંગ – માનવ વાટિકા કે સુરભિત પુષ્પ’ એ નામે હિંદીમાં શરદ્‌ચંદ્ર પેંઢારકરનું અદ્વૈત આશ્રમ દ્વારા પુસ્તક બહાર પડ્યું છે. એમાંથી માનવના જીવન ઘડતરમાં તેમજ માનવ મનને અને હૃદયને સાચી શાંતિ અને સાચું સુખ આપવામાં સહાય રૂપ થતા કેટલાક પ્રસંગોનું શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલું ગુજરાતી અનુસર્જન અહીં પ્રસ્તુત છે. – સં.)

શેતાનના પંજામાંથી બચવાનો ઉપાય

ભગવાન ઈશુખ્રિસ્ત એકવાર રસ્તામાં ચાલ્યા જતા હતા. થોડીવાર પછી ત્યાંથી પાંચ ગધેડા પર મોટી મોટી ગાંસડીઓ લાદીને એક સોદાગર નીકળ્યો. ગધેડા પર લાદેલી ગાંસડીઓનો બોજો ઘણો વધારે હતો અને બિચારા ગધેડા ગાંસડીને જાળવીને માંડ માંડ ચાલતા હતા. આ જોઈને ઈશુ ખ્રિસ્તે સોદાગરને પૂછ્યું: ‘ભાઈ, સોદાગર, આ ગાંસડીઓમાં તેં કઈ કઈ ચીજવસ્તુઓ રાખી છે? આ બિચારા ગધેડા એને માંડ માંડ ઉપાડી રહ્યા છે અને માંડ માંડ ચાલી શકે છે.’ ઈશુનો પ્રશ્ન સાંભળીને પેલા સોદાગરે જવાબમાં કહ્યું: ‘મહાશય, આ ગાંસડીઓમાં માનવીને ઉપયોગી થાય તેવી ચીજવસ્તુઓ ભરી છે અને એ બધી ઉપયોગી ચીજવસ્તુઓનો વેપાર કરવા હું એને બજારમાં લઈ જાઉં છું. આ વસ્તુઓ ઘણી મૂલ્યવાન છે. એટલે મારી નજર ગધેડા તરફ જતી નથી, મને એની દયા આવતી નથી. મારે તો આ ચીજવસ્તુઓ બજારમાં જઈને વેંચી નાખવી છે.’

થોડી જિજ્ઞાસા થતાં ઈશુએ પેલા સોદાગરને વળી એક પ્રશ્ન પૂછ્યો: ‘અરે ભાઈ, એમાં કઈ કઈ ચીજવસ્તુઓ ભરી છે એની તો વાત કર, જેની મને ખબર પડે.’ સાંભળીને પેલા સોદાગરે કહ્યું: ‘મહાશય, આપ જે પેલો ગધેડો જુઓ છો ને! એના પર મેં ‘અત્યાચાર’ની ગાંસડી લાદી છે. એના ભારથી બિચારો માંડ માંડ ચાલે છે.’ સાંભળીને ઈશુએ વળી આશ્ચર્ય સાથે પૂછ્યું: ‘શું કહ્યું તમે? એમાં અત્યાચાર છે? અરે ભાઈ, આ અત્યાચારને વળી બજારમાં કોણ ખરીદવાનું છે.’ સોદાગરે ઠંડે કલેજે કહ્યું: ‘કેમ મહાશય, સમાજમાં એનાય ખરીદનારા છે અને એ છે રાજા, મહારાજા અને સત્તાધારી લોકો. તમને જાણીને આશ્ચર્ય થશે પણ સારા પ્રમાણમાં ઊંચા ભાવે આ મારી અત્યાચારની ગાંસડીનું વેંચાણ થશે.’

એ પછી કુતૂહલ સાથે સોદાગરને ઈશુએ પૂછ્યું: ‘આ બીજી ગાંસડીમાં શું રાખ્યું છે?’ સોદાગરે વિનમ્રતાથી કહ્યું: ‘અરે મહાશય! આ ગાંસડી તો ‘અહંકાર’થી ભરપૂર ભરી છે. આના ખરીદનારાયે આ સંસારના લોકો છે અને એનેય લપાલપ ખરીદી લેવાના. આ ત્રીજા ગધેડા પર ‘ઈર્ષ્યા’ની ગાંસડી છે. આ જગતમાં કેટલાક લોકો જ્ઞાની અને વિદ્વાન હોય છે એ લોકોમાં આ ગાંસડીની માગ મોટી છે. આ ગાંસડી ખરીદવા એવા જ્ઞાની અને વિદ્વાનોની લાઈન લાગે છે અને મોં માગ્યા દામ આપે છે.’

ઈશુએ કહ્યું: ‘તારી ત્રણ ગાંસડીની વાત તો જાણે સાંભળી. પણ આ ચોથી ગાંસડીમાં શું છે?’ સોદાગરે કહ્યું: ‘મહાશય, એ ગાંસડી ‘બેઈમાની’થી ભરેલી છે. તમને આશ્ચર્ય થશે કે એના ગ્રાહકો છે આપણા વેપારીઓ. આ ગાંસડીના વેપારમાંથી મને સારો એવો નફો મળવાનો છે અને એને ખરીદવાની હોડ મચી જવાની છે.’

અંતે છેલ્લા ગધેડા તરફ આંગળી ચીંધીને ઈશુએ પૂછ્યું: ‘એ ગાંસડીમાં શું શું ભર્યું છે, ભાઈ?’ સોદાગરે નમ્રતાથી જવાબ આપતાં કહ્યું: ‘મહાશય, એ ગાંસડીમાં ‘છળકપટ’ ભર્યાં છે. આ છળકપટની માગ આ સમાજની સ્ત્રીઓમાં સૌથી વધારે હોય છે. એનાય મને ઠીક ઠીક નાણા ઉપજશે.’ ત્યાર પછી ઈશુએ પેલા સોદાગરને પૂછ્યું: ‘ભાઈ, તેં તો મને તારો પરિચય આપ્યો જ નહિ. તું કોણ છે એ તો કહે?’ એ સાંભળીને પેલા સોદાગરે કહ્યું: ‘મહાશય, મારું નામ તો કદાચ તમે સાંભળ્યું હશે. હું છું શેતાન. આખી માનવજાતિ મારી ઉત્સુકતાથી રાહ જોતી હોય છે.એટલે જ મને મારા વેપારમાં લાભ, લાભ અને લાભ જ છે.’ આમ કહીને સોદાગર ત્યાંથી ચાલી નીકળ્યો.

ભગવાન ઈશુએ ઉપર આકાશ તરફ જોઈને કહ્યું: ‘હે પ્રભુ! હે પિતા, આ માનવજાતિને કંઈક સદ્‌બુદ્ધિ આપ. એ લોકો આ દુષ્ટ શેતાન જેવા સોદાગરના પંજામાંથી છુટકારો મેળવી શકે એવું કંઈક કર. સાથે ને સાથે એ લોકો ‘કેવી વસ્તુઓ’ ખરીદી રહ્યા છે, એટલું જ્ઞાન તો આપ.

આપણા અધ:પતનનું કારણ

એકવાર મહાવીર પ્રભુને એમના એક શિષ્યે પ્રશ્ન પૂછ્યો: ‘હે ગુરુદેવ, માણસ જીવનમાં ઘણી વખત અધ:પતન પામે છે. એનું કારણ શું છે અને એ અધ: પતનમાંથી મુક્ત થવા માટે આપણે શું કરવું જોઈએ?’

મહાવીર પ્રભુએ કહ્યું: ‘જો ભાઈ, કોઈ કમંડલ વજનદાર હોય અને એમાં પાણી પણ વધુ માત્રામાં સમાઈ શકતું હોય તો એ ખાલી કમંડલને નદીમાં છૂટું મૂકી દઈએ તો ડૂબશે કે નહિ?’ શિષ્યે કહ્યું: ‘એ ક્યારેય ન ડૂબે.’

મહાવીરે શિષ્યને ફરી પૂછ્યું: ‘જો એની જમણી બાજુએ એક કાણું હોય તો એ નદીમાં તરી શકે ખરું?’

શિષ્યે કહ્યું: ‘ના. એ તો ડૂબી જ જવાનું.’

મહાવીર : ‘એની ડાબી બાજુએ કાણું હોય તો એ ડૂબે કે તરે?’

શિષ્ય : ‘મહારાજ, કાણું ડાબે હોય કે જમણે, કે પછી ગમે ત્યાં કાણું હોય. એ કાણામાંથી કમંડળમાં પાણી ઘૂસી જવાનું અને અંતે એ ડૂબી જ જવાનું.’

મહાવીર : ‘વત્સ, આ માનવજીવન પણ કમંડલ જેવું છે. જો એમાં કોઈ દુર્ગુણ રૂપી કાણું પડ્યું તો એ ટકવાનું નથી એમ જાણી લેવું. કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, મત્સર – આ બધા દુર્ગુણ માણસને ડૂબાડવા કારણભૂત બને છે. એટલે આપણે બધાએ હંમેશાં એ ધ્યાનમાં રાખવું જોઈએ કે આ જીવન રૂપી કમંડલમાં કોઈ દુર્ગુણ રૂપી કાણું ન પડી જાય અને એ કાણું પડતી વખતે આપણે એને બૂરી દીધું હોય તો આપણું જીવન નિષ્કંટક બની જશે અને આપણને દરેક વસ્તુ સુલભતાથી મળી જશે.

સંયમ અને સિદ્ધિ

ઈજિપ્તમાં જુન્નૂન નામના એક મહાત્મા થઈ ગયા છે. એમની પાસે એક સુપ્રસિદ્ધ મુસલમાન સંત યુસુફ હુસૈન ધર્મની દીક્ષા લેવા માટે ગયા. એ વખતે મહાત્મા જુન્નૂને એને એક નાની પેટી સોંપીને કહ્યું: ‘મારો એક મિત્ર, અહીંથી દૂર નાઈલ નદીને કિનારે રહે છે. સંભાળીને આ પેટી લઈ જાઓ અને એને આપી આવો. આપીને આવશો એટલે તમને દીક્ષા મળશે.’

રસ્તામાં યુસુફ હુસૈને વિચાર્યું કે આ પેટીમાં તો તાળુંયે નથી. તો ચાલને એને ખોલીને જોઈ લઉં. એમાં શું છે, એ તો ખબર પડે. કુતૂહલતા સાથે એણે પેટીનું ઢાંકણું ખોલ્યું તો એમાંથી એક ઉંદરડો નીકળીને ભાગ્યો. આ ઉંદરડા સિવાય એ પેટીમાં બીજું કંઈ ન હતું.

હવે યુસુફ હુસૈનને ઘણો પસ્તાવો થયો. અરે ભાઈ, આ મેં નકામું ઢાંકણું ખોલી નાખ્યું. ન ખોલ્યું હોત તો સારું હતું. પણ હવે પસ્તાવાથી કંઈ ફાયદો થવાનો ન હતો. છેવટે તેઓ ખાલી પેટી લાવીને પોતાના મહાત્મા જુન્નૂનના એક સંત મિત્રને દીધી.

પેટી ખોલતાં જ એ સંત મિત્રને એમાં કંઈ દેખાયું નહિ. એટલે એમણે કહ્યું: ‘ભાઈ, યુસુફ, તમને મહાત્મા જુન્નૂન દીક્ષા નહિ આપે. એનું કારણ એ છે કે તમારામાં સંયમ નથી. એમણે આ પેટીમાં ચોક્કસ કંઈક ને કંઈક મોકલ્યું જ હશે. ભાઈ, સાચે સાચી વાત કરજો. એમણે આ પેટીમાં શું મોકલ્યું હતું?’ સાંભળીને યુસુફે સાચી વાત કરી અને એમની માફી માગી. તેમણે મહાત્મા જુન્નૂનની માફી માગવા શીખામણ આપી.

હતાશ થઈને યુસુફ હુસૈન મહાત્મા જુન્નૂન પાસે પાછા ફર્યા. બધી વાત માંડીને કરી અને પછી માફી પણ માગી લીધી. જુન્નૂને કહ્યું: ‘હે યુસુફ, તમે પરમ જ્ઞાનના અધિકારી નથી. મેં તમને એક ઉંદરડો સોંપ્યો હતો.

એ પણ તમે ગુમાવી દીધો. જો ઉંદરડા જેવી ક્ષુદ્ર વસ્તુ સંભાળી રાખવાનો સંયમ ન હોય તો ભાઈ ધર્મજ્ઞાન જેવો અમૂલ્ય ખજાનો તમે કેવી રીતે જાળવી શકશો? એને માટે તો તમારામાં અત્યંત સંયમની આવશ્યકતા છે. જાઓ, ભાઈ, પહેલાં તમારા ચિત્તને વશમાં કરવાનો, સંયમમાં રાખવાનો અભ્યાસ કરો અને પછી પાછા આવજો. સંયમ વિના સિદ્ધિ મેળવવી દુર્લભ છે.’

યુસુફ હુસૈન પોતાના નિવાસે પાછા ફર્યા. આત્મસંયમ કેળવવા લાગ્યા. કેટલાંય વર્ષો પછી પૂર્ણ સંયમ અને આત્મ શ્રદ્ધા સાથે વળી પાછા મહાત્મા જુન્નૂન પાસે ગયા અને એ વખતે એમનો મનોરથ પૂર્ણ થયો.

પરમાત્માની કૃપા

એકવાર સંત ઉસ્માન પોતાના શિષ્ય સાથે એક ગલીમાંથી પસાર થતા હતા. કોઈ એક ઘરમાંથી એ વખતે એક સ્ત્રીએ રાખથી ભરેલું વાસણ ગલીમાં ફેંકી દીધું. બધી રાખ સંત ઉસ્માન પર પડી. એમણે પોતાનું માથું, હાથપગ ખંખેર્યા, કપડાં ખંખેર્યા અને શાંત ભાવે હાથ જોડીને બોલ્યા : ‘હે દયામય પ્રભુ! તમને ધન્યવાદ હજો.’ આમ કહીને તેઓ તો આગળ ચાલવા લાગ્યા.

એમની સાથે રહેલા શિષ્યથી રહેવાયું નહિ. એણે પૂછી નાખ્યું: ‘ગુરુદેવ! આપે એ વખતે પરમાત્માને ધન્યવાદ કેમ પાઠવ્યા? ખરેખર તો તમારે આ રાખથી કપડાં-શરીર બગડ્યાં એ માટે પેલા મકાન માલિકને ફરિયાદ કરવાની જરૂર હતી, ખરું ને?’ સંતે કહ્યું: ‘અરે ભાઈ, હું તો આગમાં સળગાવવા જેવો છું. પ્રભુએ રાખથી ચલાવી લીધું. એટલે હું પ્રભુનો આભાર માનતો હતો.’

વશીકરણમંત્રની અસર

સંત દાદુ પાસે એકવાર એક સ્ત્રી આવી. એની સમસ્યા એ હતી કે એનો પતિ હંમેશાં એનાથી રીસાતો અને એના પર ક્રોધે ભરાતો. એને લીધે ઘરમાં હંમેશાં અશાંતિ અને અશાંતિ જ રહેતી. સ્ત્રી આવીને પોતાની રામકહાની સંત દાદુને કહી સંભળાવી. એના દુ:ખના નિવારણ માટે કોઈ વશીકરણનું તાવીજ હોય તો આપવા કહ્યું. દાદુએ એમને સમજાવ્યું કે પતિના દોષ અને દુર્ગુણ પર વિચાર કરવા કરતાં સાચા દિલથી જો એ એની સેવા કરશે તો પતિ જરૂર વશમાં આવી જશે. સાચા દિલની સેવાથી માનવ તો શું, પશુને પણ વશ કરી શકાય છે. સંત દાદુની આ વાત પેલી સ્ત્રીને ગમી નહિ. એણે તો એકને એક વાત વારંવાર કહી. એને માટે એક વશીકરણનું તાવીજ આપો. એના પ્રભાવથી પતિ સુધરી જશે. સ્ત્રીએ તો હઠ લીધી એટલે દાદુએ એક કાગળના ટુકડા પર બે પંક્તિઓ લખીને એ ટુકડાને એક જૂના તાવીજમાં રાખીને સ્ત્રીને પહેરવાનું કહ્યું.

આશરે એકાદ વર્ષ પછી એ સ્ત્રી કેટલીયે ભેટસોગાદો લઈને આવી. સંત દાદુને પ્રણામ કર્યા અને કહ્યું: ‘મહારાજ, આપે આપેલા તાવીજના પ્રભાવથી પતિ પૂરેપૂરા મને વશ થઈ ગયા છે. ઘરમાં લડાઈ ઝઘડાં થતાં નથી અને સદાને માટે શાંતિ છવાઈ ગઈ છે.’ આ વાત સાંભળીને ત્યાં બેઠેલા દાદુના શિષ્યોને અને બીજા હાજર લોકોના આશ્ચર્યનો પાર ન રહ્યો. સંત દાદુ આવાં તાવીજ-બાવીજ આપતા નહિ. શિષ્યોના અને ત્યાં આવેલા લોકોના મોંના હાવભાવ જોઈને એ સ્ત્રીને દાદુએ તાવીજ ખોલવા કહ્યું. બધા લોકોને ઉદ્દેશીને કહ્યું: ‘એ કાગળમાંથી નીકળનાર વશીકરણ મંત્ર તમે બધા કંઠે કરી લેજો.’

સ્ત્રીએ તાવીજ ખોલ્યું. એ કાગળના ટુકડા ઉપર આવો દોહો હતો :

દોષ દેખ મત ક્રોધ કર, મન સે શંકા ખોય ।
પ્રેમ ભરી સેવા લગન, સે પતિ વશ મેં હોય ॥

એ વખતે સ્ત્રીને ખ્યાલ આવ્યો કે સંત દાદુએ એ તાવીજ તો એને ખુશ રાખવા દીધું હતું. વાસ્તવિક રીતે સ્ત્રીના પોતાના આચાર અને વ્યવહારથી જ પતિનો ક્રોધ અને રોષ વશમાં આવી ગયો.

સ્વાભિમાન

૧૮૫૭ના ભીષણ સંગ્રામમાં બ્રિટિશ સેનાની સર હ્યુરોજે જોયું કે વિજયશ્રી તો એમને જ મળવાની છે. એટલે એણે તત્કાલીન મોગલ બાદશાહ બહાદૂર શાહ જફરને ઉર્દુમાં નીચેની કાવ્ય પંક્તિઓ લખીને મોકલી.

સર હ્યુરોજે ભારત આવ્યા પછી હિંદી અને ઉર્દુ ભાષાનું ગહન અધ્યયન કર્યું હતું અને તેઓ કાવ્ય રચનામાં પણ નિપુણ બની ગયા હતા. એમણે આ બે પંક્તિઓ લખવામાં કંઈ મુશ્કેલી ન પડી.

એ પંક્તિઓ આ હતી:

‘દમદમા મેં દમ નહીં, અબ ખૈર માઁગો જાન કી ।
એ જફર ઠંડી હુઈ, શમશીર હિન્દુસ્તાન કી ॥’

હે જફર, હિન્દુસ્તાની સૈનિકોની તલવાર ઠંડી પડી ગઈ છે. હવે એમાં જરાય દમ, શક્તિ કે સાહસ નથી. એમણે તો પોતાના પ્રાણની ભીખ માગવી જોઈએ.

બાદશાહ બહાદૂર શાહ સ્વયં ‘જફર’ના ઉપનામથી શાયરી કરતા. 

સ્વાભિમાની કવિએ સર હ્યુરોજના શેરના જવાબમાં આ બે પંક્તિઓનો શેર લખીને મોકલાવ્યો:

ગાજિઓં મેં બૂ રહેગી જબ તલક ઈમાન કી ।
તબ તલક લંદન ચલેગી તેગ હિદુસ્તાન કી ॥

હે સરદાર! અમારા હિંદુસ્તાનીઓની રગેરગમાં ધર્મ અને ઈમાન કાયમ છે, અમારા હિંદુસ્તાની વીર ઝઝૂમતા રહેશે અને એમની તલવારો લંડનના તખ્ત સુધી પહોંચી જશે.

એટલે જ અમારે પ્રાણની ભીખ માગવાનો કે આત્મસમર્પણ કરવાનો પ્રશ્ન જ નથી આવતો.

Total Views: 34

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.